Pruthvivallabh - 6 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 6

Featured Books
Categories
Share

પૃથિવીવલ્લભ - 6

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૬. રસનિધિ

રાજાએ વચન આપતાં આપ્યું તો ખરું, પણ રખે તે પાછું ખેંચી લે એવો ડર ભિલ્લમને લાગ્યો એટલે તે ત્યાંથી બારોબાર જ્યાં માલવાના કવિઓને કેદમાં પૂર્યા હતા ત્યાં ગયો.

જે ભટ્ટરાજ કવિઓની ચોકી કરતો તે રાજાનું વરદાન સાંભળી વિસ્મય પામ્યો અને તેણે કારાગૃહનું બારણું મહાસામંતને ઉઘાડી આપ્યું.

તેને જોઈ ત્યાં બેઠેલા પુરુષોમાં ખળભળાટ થઈ રહ્યો.

‘કવિરાજો ! ક્ષમા કરજો,’ ભિલ્લમરાજે નમ્રતાથી કહ્યું, ‘મારા આતિથ્યનો સત્કાર કરો, એવી પ્રાર્થના કરવા હું આવ્યો છું.’

એક સુકુમાર, નીચો અને સ્વરૂપવાન યુવક ઊભો થઈ સામો આવ્યો, અને હસીને પૂછ્યું : ‘કોણ, તમે યમરાજ છો ?’

ભિલ્લમ આ પુરુષની કાંતિ જોઈ રહ્યો.

‘હું ? ના. કેમ ?’

‘શુષ્ક મૃણાલવતીના ગામમાં યમરાજ સિવાય અમારો કોણ અતિથિસત્કાર કરે ?’ એક બીજો આવી બોલ્યો.

‘ધનંજય !’ પેલા યુવકે કહ્યું, ‘આ યમરાજ પોતે નથી; તેના દૂતોમાં શ્રેષ્ઠ એવો સ્યૂનદેશનો નરાધિપ છે.’

બિલ્લમ હસ્યો : ‘ના; હું માત્ર મહાસામંત છું. હું યમદૂત નથી. પણ તમને આ જીવતા નરકમાંથી બચાવવા આવ્યો છું.’

ધનંજયે કહ્યું : ‘પૃથિવીવલ્લભ વિનાની નિસ્તેજ પૃથિવીમાં કંઈ જવા જેવું નહિ રહ્યું હોય.’

‘ના ! મહારાજે તમને જીવતદાન આપ્યું છે. તમે બધા મારે ત્યાં પધારો.’

આ સાંભળી બધા ચકિત થઈ ગયા અને હોંશમાં આવી ઊભા થઈ ભિલ્લમને વીંટાઈ વળ્યા.

‘તમારું નામ તો ધનંજય ? -’

‘હા.’

‘ને તમારું ?’ પેલા સ્વરૂપવાન યુવક તરફ ફરી મહાસામંતે પૂછ્યું.

‘મારું ?’ જાર ખંચાઈ પેલા યુવકે કહ્યું.

‘એનું નામ રસનિધિ.’ ધનંજયે ઉમેર્યું, ‘ને આ પદ્મગુપ્ત -’

‘હા, મારું નામ રસનિધિ.’ કહી રસનિધિ ભિલ્લમ સાથે ચાલ્યો અને બધા તેની પાછળ ચાલ્યા.

રસ્તે ચાલતાં ભિલ્લમે ધ્યાનપૂર્વક જોયું : રસનિધિની સુકુમારતાના પ્રમાણમાં તેનું શરીર ઘણું મજબૂત લાગતું અને શૂરવીરોનાં શરીરો પારખવાની ટેવ હોવાથી મહાસામંતને લાગ્યું કે આ પુરુષ બખ્તરમાં સારો શોભે, તે પોતાના વિચારથી મનમાં હસ્યો, ‘આ બિચારાને બખ્તર, ને યુદ્ધમાં કૌશલ્ય શું ?’

મૂંગે મોઢે મહાસામંત રાજમહેલની પાસે જ આવેલા પોતાના મહેલમાં આવ્યો અને પોતાના પરિચરોને આ કવિરાજોનું આતિથ્ય કરવાનો હુકમ કર્યો.

‘કવિરાજ !’ ધનંજ તરફ ફરી ભિલ્લમે કહ્યું, ‘આપને એક તસ્દી આપવાની છે.’

‘મને ? શી ?’ ધનંજયે પૂછ્યું.

‘મારી સ્ત્રી ને પુત્રીએ ઘણા વખતથી જ કવિરાજોનાં દર્શન કર્યાં નથી. આપ મારી સાથે આવશો ?’

‘જે દેશમાં કવિઓ દુર્લભ હોય ત્યાં સ્વરૂપમાંથી સૌંદર્ય જાય, રાજામાંથી ટેક જાય અને સ્ત્રીઓમાંથી આદ્રતા જાય એમાં શી નવાઈ ?’

‘કવિરાજ ! આપ આવશો ?’

‘હું ?’ ફરીથી ખંચાઈને રસનિધિએ પૂછ્યું.

‘હા, શી હરકત છે ?’

ધનંજયે ધ્યાનથી રસનિધિ તરફ જોયું.

‘રસનિધિ ! હા, તું પણ ચાલ, ચાલો સ્યૂનરાજ !’ કહી તે અને રસનિધિ ભિલ્લમરાજની સાથે અંતઃપુરમાં ગયા.

ભિલ્લમરાજે તેના પૂર્વજોનું બિરુદ ‘કવિકુલત્રાતા’ આજે રાખ્યું હતું; અને ઘણે દિવસે આવા સંસ્કારી પુરુષોની સોબત તેને મળી હતી, આથી તેનું હૈયું આનંદ અને ગર્વથી મલકાતું હતું.

લક્ષ્મીદેવી હજુ રાજમહેલમાંથી આવ્યાં નહોતાં અને વિલાસ શંકરના મંદિરમાં હતી. ભિલ્લમે એક માણસને વિલાસને તેડવા મોકલ્યો અને પોતે ધનંજન ને રસનિધિને લઈ પાછળ આવેલી વાડીમાં એક વિશાળ પીપળાના થાળા પર જઈ વાત કરવા લાગ્યો.

‘બાપુ -’ થોડી વારે વિલાસનો અવાજ આવ્યો.

‘કોણ વિલાસ ? બેટા !’

વિલાસ પાસે આવી એટલે મહાસામંતે કહ્યું : ‘આમ આવ. તારે કવિઓ જોવા હતા ને ? લે, આ રહ્યા.’

વિલાસે બે કવિઓ તરફ જોયું અને જરા ગભરાઈને ઊભી રહી.

‘આ કવિરાજ ધનંજય - એમની ખ્યાતિ તો મારા સ્યનદેશ સુધી પણ આવી હતી.’

વિલાસે નીચા વળી નમસ્કાર કર્યા.

‘પુત્રી ! રાઘવ સમા નરેશની અર્ધાંગના થઈ, સૂર્ય સરખા તેજસ્વી પુત્રોની માતા થજે.’ આડંબરથી ધનંજયે કહ્યું.

‘આ કવિવર રસનિધિ.’

શરમથી અડધું નીચું જોતાં, જિજ્ઞાસામાં અડધી ઊંચી આંખો રાખી વિલાસે રસનિધિ પર નજર ઠારી. વિલાસને તેનું મુખ કંઈ વિચિત્ર લાગ્યું; આ વિચિત્રતા શી હતી, એની તેના પર શી અસર થઈ, તેની તેને ખબર પડી નહિ.

‘ભગવતી ! હું શું આશીર્વાદ આપું ?’ રસનિધિએ હસીને પૂછ્યું, ‘સુધાનાથને વરજો ને સુધા ચાખી અનેરા આનંદો અનુભવજો !’

વિલાસવતીને આશીર્વાદનો અર્થ કંઈ સ્પષ્ટ સમજાયો નહિ; પણ મહાસામંત ખડખડાટ હસી પડ્યો.

‘કવિરાજ, એઆ અવંતી ન હોય.’

‘હાસ્તો. નહિ તો હું આવી સ્થિતિમાં હોઉં ?’

‘અમારે ત્યાં તો સુધાનાથ સુકાઈ ગયા છે. અને આનંદ અનુભવો એ તો પાપની પરિસીમા છે.’

‘હેં !’

‘મૃણાલબાનો વૈરાગ્ય તમે જોયો નથી અને આ વિલાસ પણ શું ?

એણે પણ અત્યારથી તપશ્ચર્યા શરૂ કરી છે.’

‘શા માટે ?’ ધનંજયે પૂછ્યું.

‘કવિરાજ, તૈલંગણની ખૂબીઓ ન્યારી છે.’

‘પણ આટલી કન્યાને એ શું ?’

‘વિલાસનું લગ્ન સત્યાશ્રય કુંવર જોડે થવાનું છે. એને માન્યખેટના ગાદીપતિની પટ્ટારાણીને લાયક કેળવવી જોઈએ ને ?’

જરા અસ્પષ્ટ કટાક્ષમયતાથી ભિલ્લમે કહ્યું, ‘કેમ ખરું કે ની વિલાસ ?’

વિલાસ હતી, બંને કવિઓ દયાથી તેની સામે જોઈ રહ્યા.

‘એટલે હૃદયટનાં ઝરણાં સુકાય ત્યારે પટ્ટરાણીની પદવા પમાય ?’

ધનંજયે પૂછ્યું.

‘અમારાં મૃણાલબાની એવી માન્યતા છે. બેસ ની વિલાસ ! આવ. હું આ બધા કવિઓને છોડાવી લાવ્યો; હવે એ આપણે ત્યાં રહેશે.’ વિલાસ આવી ભિલ્લમ પાસે ઊભી રહી અને મૂંગે મોઢે ત્રણે જણા સામે જોઈ રહી.

તેને એક અપરિચિત અનુભવ થતો હતો. આ લોકોનો પહેરવેશ વિચિત્ર હતો; તેમની રીતભાત સ્વચ્છંદી, ટાઢાશ વિનાની હતી; તેમની વાતચીતમાં ગાંભીર્ય અને સંયમ જે - ગુણોની તેને ભક્ત બનાવવામાં આવી હતી - તેનો અભાવ હતો; તેમનાં મોં પર સખ્તાઈ કે ડહાપણનો અંશ નહોતો અને આ બધાને લીધે તેને વાતાવરણ કંઈ અસ્વાભાવિક લાગ્યું; પણ આઘાત અને દુઃખ એવાં આકર્ષક લાગ્યાં કે ત્યાંથી જવાનું મન થયું નહિ.

‘ત્યારે તમારે ત્યાંથી કવિઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે એ વાત ખરી ?’ રસનિધિએ પૂછ્યું, ‘મેં તો ગપ ધારી હતી.’

‘અમારે ત્યાં જે ન થાય તે ખરું,’ ભિલ્લમે કહ્યું.

‘તમારે ત્યાં કવિતા નહિ, રસ નહિ, આનંદ નહિ - પછી શું રહ્યું ?’

‘બોલ વિલાસ ! જવાબ દે.’

ધીમેથી ઊંચું જોઈ તેણે રસનિધિની સામે જોયું અને કહ્યું : ‘ત્યાગ -શાંતિ.’ ‘કેટલા માણસોએ ખરેખરાં ત્યાગ ને શાંતિ અનુભવ્યાં છે ?’ ‘અમે તો બધાં દેવો છીએ,’ ભિલ્લમે હસતાં-હસતાં કહ્યું. ‘દેવો પણ આનંદની મૂર્તિઓ છે; તમે તો પાષાણ થવા મથો છો.’ ‘અત્યારે દેવી હોય તો તેને તમારી આ વાતમાં બહુ રસ પડે.’ ‘બીજું બધું ચંચલ છે - નિશ્ચલ માત્ર એક શાંતિ,’ પોપટની માફક

વિલાસે સૂત્ર કહ્યું. ‘ના, તે પણ ચળે એવી છે; નિશ્ચલ માત્ર આનંદ.’

વિલાસ, જરા તિરસ્કારપૂર્વક હસી.

‘શાંતિ વિના આનંદ કેમ આવે ?’

‘સુખના અનુભવથી.’

‘તે તો ક્ષણિક.’

‘કોણે કહ્યું ? રસિકતા હોય તો શાશ્વત સુખ મળે.’

‘દેવી હજુ કેમ નથી આવ્યાં ? લાવ, હું માણસને મોકલું,’ કહી વાતમાં ઝાઝો રસ નહિ પડવાથી મહાસામંત ઊઠ્યા. ‘તમે વાત કરો, હું આવ્યો,’ કહી ભિલ્લમ ઊઠ્યો. ભિલ્લમ ઊઠ્યો એટલે ધનંજયે પાસે આવેલા સરવરિયા તરફ નજર કરી ઊઠવા માંડ્યું.