Pruthvivallabh - 2 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 2

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પૃથિવીવલ્લભ - 2

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨. ભિલ્લમરાજની નિરાધારી

મૃણાલવતી મંદિરમાંથી ગઈ એટલે ત્રણે જણાંએ નિશ્વાસ મૂક્યા.

‘મહારાજ !’ લક્ષ્મીદેવીએ થોડી વાર મૂંગા રહી કહ્યું, ‘કેમ છો તમે ?’

ભિલ્લમ હસ્યો. તેની આંખ સ્નેહભીની થઈ. ‘મજામાં; બે-ચાર ઘા વાગ્યા છે, પણ મેં પણ ડંકો વગાડ્યો,’ સહર્ષ મહાસામંતે કહ્યું, ‘હું ન હો

તો મુંજ પકડાત નહિ અને આહવમલ્લ મહારાજનું આવી બનત.’

‘એમ ?’

‘હા, મુંજ ને મહારાજ વચ્ચે જબરું યુદ્ધ થયું.’

‘હાથોહાથ ?’

‘હા, તેમના મહાવતો મરાયા એટલે નીચે ઊતરી તેમણે હાથોહાથ લડવા માંડ્યું.’

‘પછી ?’

‘પછી શું, ક્યાં મુંજ ને ક્યાં મહારાજ ? મહારાજને શરીરે ઘા પડ્યા હતા. તે પડવાની તૈયારીમાં હતા ને મેં દીઠા તેવો જ હું ઊતરી તેમની વહારે ધાયો ને મુંજની સામે થયો. દેવી ! શું અમારું યુદ્ધ ! ચાર ઘડી કોઈએ મચક આપી નહિ. ત્રૈલોક્ય આખું તે જોઈ રહ્યું.’ ભિલ્લમે શ્વાસ ખાધો. તેની સ્ત્રી અને પુત્રી આતુરતાથી જોઈ રહ્યાં.

‘મારી પણ ખરી કસોટી હતી. આખરે હું જબરો નીકળ્યો. મુંજરાજે જરા ઠોકર ખાધી ને મેં પકડ્યો.’

‘શાબાશ !’ લક્ષ્મીદેવીએ આંખો વડે જ ઓવારણાં લઈ કહ્યું.

‘બાપુ !’ વિલાસવતીએ ધીમેથી પૂછ્યું, ‘મુંજ કેવો છે ?’

‘કાલે જોજે ની. એ પણ જબરો છે. જેવો મેં એને પકડ્યો એટલે તેણે હસીને મારો વાંસો થાબડ્યો અને કહ્યું : ધન્ય છે ભિલ્લમરાજ ! અવનિમાં તું જ આ કરી શકે.’

‘અરે વાહ !’ લક્ષ્મીદેવીએ કહ્યું.

‘બાપુ ! કાલે હું એને કેમ જોવાની ?’ વિલાસવતીએ પૂછ્યું.

‘કેમ શું છે ?’

‘નાથ !’ લક્ષ્મીદેવીએ પાસે આવી ધીમેથી કહ્યું, તેના હોઠ સખત પિસાયા ને તેની આંખમાંથી ઝેર નીકળ્યું, ‘અહીંયાં તો જુલ્મ છે.’

‘કેમ ?’

‘તમે તો રણમાં જ તમારા દિવસો પૂરા કરો છો, એટલે અમારું દુઃખ ક્યાંથી જાણો ? અમે કેટલાં ઓશિયાળાં થઈ ગયાં છીએ ? જક્કલાદેવી કંઈ કરી શકે નહિ તો હું કોણ ?’ બોલતાં બોલતાં લક્ષ્મીનો દબાયેલો જુસ્સો ઊછળી આવ્યો, તેણે આંખમાંથી આંસુ લૂછ્યું : ‘મારું તો જે થાય તે, પણ આ બિચારી કાચી કેળ જેવી વિલાસના પણ શા ભોગ લાગ્યા છે ?’

‘દેવી !’ જરા ખેદભર્યા અવાજે ભિલ્લમે કહ્યું, ‘તું જાણે છે તો ખરી, આ પરાધીનતા આપણે શા માટે વેઠીએ છીએ.’

‘હું જાણું છું - જાણું છું.’ લક્ષ્મીદેવીએ અકળામણ કાઢતાં કહ્યું, ‘પણ હું તો થાકી ગઈ. તમારા જેવા અપ્રતિમ યોદ્ધાને આનાથી સારી ચાકરી જ્યારે જોઈશે ત્યારે મળશે.’

નિસાસો નાખી મહાસામંતે લક્ષ્મીને શાંત પાડવા પ્રયત્ન કર્યો : ‘દેવી ! તું ઘણી અધીરી છે. તને આ ઓશિયાળો રોટલો સાલે છે ને મને નથી સાલતો ? મારી રાંક પ્રજા નિરાધાર પડી છે - તું - મહારાજઓની તનયા.’

‘નાથ !’ રાષ્ટ્રકૂટ નરપતિઓના કુળમાં જન્મેલી લક્ષ્મીએ ઠપકો

દીધો, ‘આ બધું મારે માટે મને લાગે છે ?’

‘ના, સતી ! તે હું જાણું છું. હું પોતે અહીંયાં નિરાધાર ગુલામ છું; તૈલપની કીર્તિ વધારવા નિમાયેલો નોકર છું.’ કડવાશથી મહાસામંતે કહ્યું, ‘પણ શું કરીએ ? આઠ-આઠ વર્ષ લડ્યા પણ વિધિએ કંઈ વળવા દીધું નહિ. આખરે આ એકની એક દીકરીની ખાતર આ અધમતા -’ વિલાસવતી દૂર ઊભી-ઊભી, મહામુશ્કેલીએ આંખમાં આવતાં આંસુ રોકવાનો પ્રયત્ન કરતી હતી. લક્ષ્મીદેવીની આંખમાંથી દડદડ આંસુ ખરતાં હતાં. ભિલ્લમે વાત બદલી :

‘બેટા ! તું તો સુખી છે ને ?’

‘હા,’ ધીમેથી વિલાસે કહ્યું.

કટાક્ષથી લક્ષ્મીદેવીએ ઉમેર્યું : ‘એને સુખ શું ને દુઃખ શું ? એને તો મૃણાલબાએ હાથમાં લીધી છે, ને જેવો સત્યાશ્રય કુંવર અકલંકિત છે તેવી આ બિચારીને કરવા માંડી છે. આ બિચારી કાચી કેળ જેવી મારી દીકરીને પણ છૂંદવા માંડી છે.’

મહાસામંત ફિક્કું હસ્યો : ‘વિલાસ, તને કેમ લાગે છે ?’

‘બામાં જરા અસંતોષવૃત્તિ વધારે છે. હવે તો મારામાં શાંતિ આવતી જાય છે.’ મીઠાશથી વિલાસ બોલી.

‘દીકરા ! સત્યાશ્રય કુંવરને લાયક તું થાય અને તેની જોડે તારાં લગ્ન થાય એટલે અમે સોમ નાહ્યાં.’

‘બાપુ ! લાયક થવા મથું છું તો ખરી.’

‘હા,’ લક્ષ્મીએ કહ્યું, ‘ને તારી જુવાની બળીને રાખ થશે ત્યારે તું લાયક થશે.’

‘બેટા !’ ભિલ્લમે દીકરીને કહ્યું, ‘આજે તારી બાનો પિત્તો

ઊછળેલો છે. એનું બોલવું ગણતી નહિ. જો, હવે આપણે જઈએ. મેં એક વિચાર કર્યો છે.’

‘શો ?’ લક્ષ્મીએ પૂછ્યું.

‘મહારાજ પાસે થોડા વર માગી લઈશ. મારી સેવા જોઈ આપ્યા વિના રહેશે નહિ.’

‘શું સ્યૂનરાજની નિરાધારી !’ લક્ષ્મીએ ટીકા કરી. તે ટીકા પર ધ્યાન આપ્યા વિના ભિલ્લમે આગળ ચલાવ્યું :

‘એક તો વિલાસના લગ્નનું ચોક્કસ કરી દઈએ; ને તેને પરણાવી પછી આપણે દેશ જઈએ.’

‘એ સૂરજ ક્યારે ઊગવાનો ?’ શંકાશીલ લક્ષ્મીએ જવાબ દીધો.

‘ઊગશે, ઊગશે. અધીરી નહિ થા. ચાલો.’ કહી ત્રણે જણાં મંદિરમાંથી નીકળ્યાં.

‘બાપુ ! મારે મુંજ જોવો છે.’

‘કાલે સવારીમાં જોજે ને.’

‘એ બાપડી ક્યાંથી જોવાની હતી ?’ લક્ષ્મીએ કડવાશથી પણ ધીમેથી કહ્યું, ‘મૃણાલબા કહેશે કે એવી જિજ્ઞાસાથી તો એનું વૈરાગ્યવ્રત તૂટી જાય. એક સોળ વર્ષથી થયેલી વિધવા પણ સરખી ને બીજી સોળ વર્ષની કન્યા પણ સરખી !’

‘એ શું બોલે છે ?’ જરા સખ્તાઈથી ભિલ્લમે કહ્યું, ‘કોઈ સાંભળશે. ભાન છે ?’ ‘બાપુ !’ વિલાસવતીએ કહ્યું, ‘તમે મૃણાલબાને કહેશો તો માનશે.’ ‘હા, જરૂર કહીશ.’ કહી ભિલ્લમ મૂંગો રહ્યો. •