Pruthvivallabh - 1 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પૃથિવીવલ્લભ - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

પૃથિવીવલ્લભ - 1

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રવેશ

વિક્રમની અગિયારમી સદી ચાલતી હતી. હિંદુ રાજાઓ માંહ્યોમાંહ્ય લડતા હતા. રાજ્યોની સ્થાપના ને વિનાશ ચાલ્યા કરતાં હતાં. કેટલાક મહાપ્રતાપી નરેશો સામ્રાજ્યો સરજાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

લોકો સુખી અને સંસ્કારી હતા. તેમનું જીવન સાદું પણ સચેતન હતું. તેમના આદર્શો સરલ છતાં રસભર્યા હતા.

હિંદમાંથી પ્રતાપ પરવાર્યો નહોતો. તેથી સંસ્કૃતિને આત્મરક્ષણ માટે નિશ્ચલતા સ્વીકારવી પડી નહોતી. સમૃદ્ધ અને સંસ્કારી આર્યાવર્ત સ્વાતંત્ર્ય અને સ્વાસ્થ્યના આનંદો અનુભવતું હતું.

મહમદ ગઝનવીએ દેશનાં બારણાં તોડવાનો આરંભ નહોતો કર્યો; ઈરાન ને તુર્કસ્તાનમાં પેદા થયેલા ઇસ્લામી ઝંઝાવાતનો ભયંકર અવાજ પણ સંભળાતો નહોતો. પરાધીનતા હતી. તે માત્ર સ્વદેશીઓની જ; પરતંત્રતા નજરે ચડતી, તે માત્ર પોતાની પુરાણી સંસ્કૃતિની જ.

આ સદીમાં થઈ ગયેલા પ્રતાપી રાજાઓમાં તૈલંગણનો ચાલુક્ય વંશનો રાજા તૈલપ પણ હતો. તે સંવત ૧૦૨૯માં ગાદીએ આવ્યો અને રાષ્ટ્રકૂટ રાજાઓને વશ કરી દક્ષિણમાં એકચક્ર રાજ્ય કરવા લાગ્યો એટલું જ નહિ, પણ ચોલ, ચેદી, પાંચાલ અને ગુજરાતમાં પોતાની આણ વર્તાવી ભરતખંડમાં ચક્રવર્તી થવાની હોંશ ધરાવવા લાગ્યો અને ‘પરમેશ્વર’, ‘પરમભટ્ટારક’, ‘સમસ્તભુવનાશ્રય’, ‘સત્યાશ્રયકુલતિલક’, ‘ચાલુક્યાભરણ’, ‘ભુજબલચક્રવર્તી’, ‘રણગંભીર’, ‘આહવમલ્લ’ નામનાં સૂચક બિરુદો ધરાવવાને ભાગ્યશાળી થયો.

આ ચાલુક્યરાજની કીર્તિ પર એક મોટું કલંક હતું : માલવાના મુંજરાજે તેને અનેક વાર હરાવી, પકડી, અવંતી લઈ જઈ સામાન્ય સામંતની માફક તેની પાસે સેવા કરાવી હતી. આ કલંક દૂર કરવા સં.

૧૦૫૨માં તૈલપ એક મોટું સૈન્ય લઈ તૈલંગણ પર ચઢી આવતા અવંતીનાથની સામે થવા ગયો. તૈલપ જ્યારે દક્ષિણમાં સામ્રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે આર્ય સંસ્કારના તે વખતના કેન્દ્રસ્થાન અવંતીના ધણી મુંજરાજે ઉત્તર હિંદુસ્તાનમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અનેક વર્ષો થયાં તે આખા ભરતખંડમાં પોતાની હાક વગાડતો હતો; પોતાની પ્રશંસા કરાવી કવિઓની શક્તિને કસોટી પર ચઢાવતો હતો; રૂપમાં તેની કામદેવની સાથે તુલના હતી. કવિઓ તેનાં રસવાક્યો સાંભળીને સરસ કાવ્યો લખવા પ્રેરાતા. ગણિતશાસ્ત્રીઓ તેની સહાયથી તે શાસ્ત્રને સંપૂર્ણ કરવા મથતા. તે વિદ્યાવિલાસી હતો; ખૂની અને જુલ્મી મનાતો. તેને વિશે અનેક દંતકથાઓ ઊડતી અને તૈલંગણમાં તે બધી જ મનાતી; અને તેનું નામ સાંભળતાં આખા દેશમાં લોકો કંપતા. •

૧. વિલાસવતી

સંવત ૧૦૫૨ના વૈશાખ માસની દશમની સાંજે તૈલંગણના પાટનગર માન્યખેટના રાજમહેલના શિવાલયમાં એક બાળા પદ્માસન વાળી બેઠી હતી.

નગરમાં અશાંતિ હતી, કારણ કે રણે ચઢેલા રાજા સંબંધી અનેક ઊડતી ગપો પ્રસરી રહી હતી. કોઈ કહેતું કે મુંજ ગોદાવરી ઓળંગી માન્યખેટ પર ચઢી આવે છે. કોઈ કહેતું કે તૈલપરાજે મુંજને મહાત કર્યો. કોઈ કહેતું કે મુંજ અને તૈલપ બંને દ્વંદ્વયુદ્ધમાં કપાઈ મૂઆ. એમાં ખરું શું ને ખોટું શું તે કોઈ કહી શકતું નહિ; પણ દરેક નવી ગપે લોકોની ચિંતા વધતી.

છતાં પેલી બાળા શાંતિથી બેઠી હતી. તે ધ્યાન કરવાનો ડોળ કરતી હતી; પણ તેનાં હરણશાં ચંચળ નયનો ધીમેથી, ચોરીથી ચારે તરફ ફરતાં હતાં, થોડી-થોડી વાર તે કાન દઈ સાંભળતી અને જરાક નિઃશ્વાસ નાખતી; શંકર ક્યારે સમાધિમાંથી જાગે તેની વાટ જોતાં જગદંબા જાણે નવયૌવના ભીલડી બની, પતિની પરીક્ષા લેવા આવ્યાં હોય એવી લાગતી.

આ બાળાનું લાલિત્ય મોહક હતું. પહેરેલા વલ્કલમાંથી નીકળતી શ્વેત, સીધી ડોક જ તપસ્વીઓનાં તપ મુકાવે એવી હતી. તે મીઠું નાનું મુખ, નાનું ટેરવાવાળું ઘાટીલું નાક, સાધારણ ઘાટની પણ ભભકભરી, કાળી, કોડભરી આંખો - આ બધી સામગ્રીઓ જોઈ તપસ્વીઓ શું-શું કરે એ કહી શકાય એમ નહોતું. જોગીરાજ શંકરનું મંદિર, પહેરેલું વલ્કલ, વાળેલું પદ્માસન - આ બધું છતાં વાતાવરણમાં રસતરંગો પ્રસરી રહેતા હતા. તોપણ તેના કપાળ પર સંતાતા ફરતા સસલાનો ગભરાટ હતો.

થોડી વારે તેણે ચારે તરફ જોયું, પદ્માસન છોડ્યું અને બંને હાથની નાની નાજુકડી આંગળીઓ એકમેકમાં જોરથી ભેરવી આળસ ખાધી.

વાડીમાં પડેલાં સૂકાં પાંદડંનો ખખડાટ થયો અને કોઈનાં પગલાં સંભળાયાં. બાળાએ તરત પદ્માસન વાળી દીધું ને આંખો મીંચી ધ્યાન કરવાનો ડોળ શરૂ કર્યો.

ત્રણ સ્ત્રીઓ શિવાલયનાં પગથિયાં ચઢી. એક સ્ત્રી, જેણે વલ્કલ પહેર્યું હતું તે આગળ ચાલતી હતી. તે ઊંચી, કદાવર, સશક્ત લાગતી, તેનાં અંગની રેખાઓ સંપૂર્ણ હતી. માત્ર તેના માથા પર બાલ સફેદ થવા લાગ્યા હતા; અને ભરેલું ઠસ્સાદાર મોં શીતળાથી છૂંદાયેલું, કદરૂપું થઈ ગયેલું હતું. છતાં આંખોમાં ધારદાર તેજ હતું. દૃઢ બીડેલા હોઠમાં પ્રભાવ હતો. ઉંમર થઈ હતી છતાં અંગોમાં જુવાનીનું જોમ દેખાતું હતું. પાછળ આવતી બે સ્ત્રીઓ સુંદર હતી અને તેમનાં કીમતી વસ્ત્રો અને આભૂષણો તેમની સ્થિતિ દર્શાવતાં હતાં.

પહેલી સ્ત્રીના મુખ પર દૃઢતા હતી; તેની આંખોમાં સ્થિર ઝનૂન હતું. બીજી બે સ્ત્રીઓનાં મુખ પર ભય ને ચિંતા દેખાતાં હતાં અને તેમની આંખો આંસુભીની લાગતી હતી.

આગળ આવતી વલ્કલધારિણી તે તૈલપરાજની વિધવા બહેન મૃણાલવતી હતી. બીજી બેમાંથી મોટી તૈલપની રાણી જક્કલાદેવી હતી; નાની જક્કલાદેવીની પિત્રાઈ બહેન અને સ્યૂનદેશના યાદવ રાજા મહાસામંત ભિલ્લમની સ્ત્રી લક્ષ્મીદેવી હતી.

મૃણાલવતી બધાથી આગળ મંદિરમાં પેઠી અને લક્ષ્મીદેવી તરફ ફરી કહ્યું : ‘લક્ષ્મીદેવી ! મેં શું કહ્યું હતું ? તારી છોકરી ધ્યાન કરે છે.’

લક્ષ્મીદેવીએ ન સમજાય એવી રીતે હા કહી.

શાંત, કઠોર, સત્તાભર્યા અવાજે મૃણાલવતીએ કહ્યું : ‘વિલાસ !

વિલાસ !’

જાણે ધ્યાનમાંથી જાગતી હોય તેમ પેલી બાળાએ આંખો ઉઘાડી અને ચમકવાનો ઢોંગ કર્યો.

‘વિલાસ,’ કઠોર અવાજે મૃણાલવતીએ કહ્યું, ‘જા, બહાર બેસ. અને કોઈ પણ આવતું સંભળાય કે તરત મને ખબર આપજે !’

મૂંગે મોઢે, પગે લાગી વિલાસ બહાર ગઈ. મૃણાલવતીના હુકમો પાળવાની અને તેની જ ઇચ્છા પ્રમાણે વર્તવાની બધાંને ટેવ હોય એમ સ્પષ્ટ લાગતું.

વિલાસવતી મંદિરના ઓટલા પર ગઈ. અને અંદર શું ચાલે છે તે સંભળાય એમ ઊભી રહી.

અંદર મૃણાલવતી કાળા પથ્થરના પોઠિયા પાસે ગઈ અને બોલી : ‘જક્કલા !’

‘બા !’ તૈલપની રાણીએ કહ્યું.

‘જો, મેં જેની તને વાત કરી હતી તે આ જગ્યા, માન્યખેટમાંથી નાસી છૂટવું હોય તો આ રસ્તો છે.’

‘બા !’ ડરતાં-ડરતાં લક્ષ્મીદેવી પૂછવા ગઈ, ‘પણ મુંજ આવે એવી કાંઈ ખબર-’

મૃણાલવતીની ભમરો સંકોચાઈ : એક તીક્ષ્ણ નજરે જ તેણે લક્ષ્મીનું વાક્ય પૂરું થવા દીધું નહિ.

‘ખબર ને અંતર હોત તો હું કહેત નહિ ?’ સખ્તાઈથી તેણે કહ્યું, લક્ષ્મી હોઠ કરડી મૂંગી રહી અને મૃણાલવતીએ આગળ ચલાવ્યું : ‘જો, આ

પોઠિયો છે, એની નીચે સુરંગ છે.’

‘ક્યાં નીકળે છે ?’ ધીમેથી માનભેર જક્કલાદેવીએ પૂછ્યું.

‘બહાર ભુવનેશ્વરનું મંદિર છે તેમાં.’

‘તે તો છેક જંગલમાં છે.’

મૃણાલવતી જવાબ આપે તે પહેલાં પાછી ફરી અને ગર્ભદ્વારમાં વિલાસને ઊભેલી જોઈ સખ્તાઈથી પૂછ્યું : ‘કેમ આવી ?’

‘બહાર પિતાજી આવ્યા છે.’

‘મહાસામંત ?’ ભયંકર અવાજે મૃણાલે પૂછ્યું.

‘હેં !’ લક્ષ્મીદેવીથી બોલાઈ ગયું.

કંઈ અશુભ થયું હશે એમ ધારી, ગભરાયેલી જક્કલાદેવીએ નિરાધારીમાં ભીંત પર હાથ ટેકવ્યો.

‘બોલાવ !’

‘જેવી આજ્ઞા,’ કહી વિલાસ બહાર ગઈને તેના પિતાને તેડીને અંદર આવી.

મહાસામંત ભિલ્લમ ઊંચો, પડછંદ યોદ્ધો હતો. તેણે શરીરે બખ્તર પહેર્યું હતું અને તેના હાથે ને કપાળે બે પાટા બાંધેલા હતા.

‘મૃણાલબા ! આહવમલ્લ મહારાજનો જય થયો.’

‘હેં !’ જક્કલા બોલી ઊઠી.

શાંતિથી તેના તરફ ફરી મૃણાલે ડોળા કાઢ્યા અને પૂછ્યું : ‘ક્યારે ?’

‘પરમ દિવસે. મુંજ ગોદાવરી ઊતરી આ તરફ આવવા જતો હતો ને મહારાજે ભિડાવ્યો.’

જક્કલા, લક્ષ્મી અને વિલાસ ત્રણેનાં મોં પર આનંદ છવાઈ રહ્યો; માત્ર મૃણાલના હોઠ ભયંકર દૃઢતાથી દબાઈ રહ્યા.

‘એના લશ્કરનું શું થયું ?’

‘ઘણુંખરું પકડાઈ ગયું છે ને થોડું નાસી ગયું.’

‘મહારાજ આનંદમાં છે ?’ જક્કલાદેવીએ ધીમેથી પૂછવાની હિંમત કરી.

‘એટલામાં અધીરી થઈ ગઈ ?’ મૃણાલે સખ્તાઈથી પૂછ્યું અને

ભિલ્લમને પોતે પ્રશ્ન પૂછ્યો : ‘પેલા નરપિશાચનું શું થયું ?’

‘કોનું, મુંજનું ?’ મહાસામંતે પ્રશ્ન કર્યો.

ડોક વતી મૃણાલે હા પાડી.

‘તેને તો મેં પકડ્યો,’ ગર્વથી હસતાં ભિલ્લમે કહ્યું. તે ગર્વ તરફ તિરસ્કારથી મૃણાલવતી જોઈ રહી. ‘અને કાલે મહારાજની સવારી અહીંયાં આવવાની છે, તે સંદેશો કહેવા મને મોકલ્યો છે.’

‘વારુ ત્યારે, તૈયારી કરવાનો હુકમ આપવો જોઈએ. ચાલો મહાસામંત !’

મહાસામંતનો વિચાર કંઈ ત્યાંથી ખસવાનો જણાયો નહિ.

‘હું હમણાં આવ્યો -’

‘ભિલ્લમરાજ ! તમે પણ હજુ તેવા ને તેવા જ રહ્યા.’ મૃણાલે તિરસ્કારથી કહ્યું, ‘તમારું હૃદય સાત્ત્વિક થયું જ નહિ.’ ભિલ્લમે માત્ર મૂંગે મોઢે માનભેર હસ્યા કર્યું, ‘વારુ ઠીક, જક્કલા ! ચાલ વિલાસ.’

‘બા !’ ભિલ્લમે કહ્યું, ‘એને હું હમણાં મોકલી આપું છું.’ ‘તમે બંને માબાપ જ એ છોકરીના સંસ્કાર બગાડો છો. પછી એ બિચારી નિષ્કલંક કેમ થાય ? ઠીક. વિલાસ ! જલદી આવજે.’ કહી સ્વસ્થતાથી મૃણાલવતી ત્યાંથી ગઈ, અને તેની પાછળ-પાછળ જક્કલાદેવી ગઈ. •