Pranjalya in Gujarati Moral Stories by Rahul Thakor books and stories PDF | પ્રાંજલ્યા

Featured Books
Categories
Share

પ્રાંજલ્યા

પ્રાંજલ્ય

“ધર્મ શું છે?”

“ધર્મ એટલે સત્યનો માર્ગ”

“સત્ય શું છે?”

“સત્ય એટલે...”

આદિત્યના બધા પ્રશ્નોના જવાબ મળે એ પેહલા જ માતા ચંદ્રપ્રભા આદિત્યના ખોળામાં પોતાના છેલ્લા શ્વાસો લઇ ચુકી હતી. આજે માતા ચંદ્રપ્રભાના અવસાન થયે સાત વર્ષ થયા છે પરંતુ આદિત્યને હજી પણ પોતાના પ્રશ્નોનો સચોટ જવાબ નથી મળ્યો, આદિત્યએ પોતાના પ્રશ્નોની ચર્ચા અનેક જ્ઞાની પુરુષો સાથે કરી, પરંતુ આદિત્યને કોઈ પણ જવાબ પર માતા ચંદ્રપ્રભાના જવાબ માફક વિશ્વાસ ન હતો. એક રાજા માટે પોતાની પ્રજાનું રક્ષણ અને પોતાની પ્રજાની સુખ-શાંતિની બાબતોની કાળજી રાખવી એ આગવું કર્તવ્ય છે અને આદિત્યને રાજા બનતા પેહલા એક મુખ્ય પ્રશ્ન સામે ઉભો હતો, રાજ્યના ખેડૂતોને એમની જરૂરિયાત મુજબ વ્યાપાર માટે સુવિધાઓ પૂરી પાડવી.

વરસાદી વાતાવરણમાં વાદળો પાછળ છુપાયેલો સૂર્ય સવારમાં કોમળ તડકો ફેંકી રહ્યો હતો. વરસાદના કારણે લીસા બનેલા પથ્થરો પરથી પર્વત પર ચઢાણ કરવું આદિત્ય માટે આસાન ન હતું અને તેની સેના માટે પણ આ આસાન નહિ હોય એમ આદિત્ય વિચારી રહ્યો હતો. પર્વત પર ઉંચાઈએ પોહચ્યા બાદ આદિત્ય સામે એક મેદાન હતું, એક ખુલ્લું મેદાન કે જ્યાંથી સમગ્ર વૈદંત રાજ્ય આદિત્યની નજર સામે હતું. આદિત્ય પોતાનું ધનુષ્ય નીચે મૂકી એક ઝાડ પાસે ઉભો રહ્યો, વૈદંતના લીલાછમ વૃક્ષોની ખુબસુરતી તથા પર્વતોની વચ્ચેથી આવતો પક્ષીઓનો કલરવ આદિત્યએ ક્યારેય પોતાના રાજ્યમાં અનુભવ્યો ન હતો. આદિત્યએ વાતાવરણને હજી માણવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં એક તરફથી પુર ઝડપે આવતું બાણ આદિત્યના ગળા આગળથી પસાર થઇ ઝાડ પાસે અટક્યું. આદિત્યએ બાણની દિશા તરફ મો ફેરવ્યું ત્યાં તરત જ બીજું એક બાણ આદિત્યના ગળાની અન્ય તરફથી પસાર થઇ ઝાડ આગળ અટક્યું. બંને બાણોની વચ્ચે ફસાયેલો આદિત્ય કોઈ પણ દિશામાં પોતાનું મો ફેરવી શકવા માટે અસમર્થ હતો. આદિત્યએ ધીમેથી પોતાની નજર ઉંચી કરી સામે જોયું, આદિત્યની સામે સંપૂર્ણ કાળા પોશાકમાં એક ઘોડેસવાર આવ્યો કે જેનું મો પણ કાળા પટ્ટા વડે ઢંકાયેલું હતું. આદિત્યએ પોતાનું ધનુષ્ય ઉપાડવા માટે પ્રયત્ન કર્યો પરંતુ બંને તરફ બાણો વચ્ચે જકડાયેલા ગળા સાથે આદિત્ય નીચે ઝૂકી શકે એમ ન હતું.

આદિત્ય પોતાની નજર સીધી રાખી ઉભો રહ્યો, ઘોડેસવાર ઘોડા પરથી નીચે ઉતરી હાથમાં ધનુષ્ય લઇ આદિત્ય તરફ આવ્યો. છેલ્લા નવ દિવસથી આદિત્ય મુસાફરી કરી રહ્યો હતો પરંતુ ડરનો અનુભવ આજે પ્રથમ વખત થયો હતો. ઘોડેસવાર આદિત્ય નજીક આવ્યો અને આદિત્ય તરફ જોયું, ડાબી તરફથી ઝડપથી આવતા પવને ઘોડેસવારના મો પરથી પટ્ટો દુર કર્યો અને આદિત્યનો ડર ક્ષણિક બનીને રહી ગયો. આદિત્યની સામે કાળા પોશાકમાં એક યુવતી ઉભી હતી, ઉમર આશરે બાવીશ વર્ષ.

“નામ?” યુવતી પોતાની કમરે લટકાવેલ તલવાર બહાર કાઢતા બોલી.

“લક્ષિત” આદિત્ય યુવતી તરફ જોતા બોલ્યો, યુવતીની ખુબસુરતી આદિત્યને પર્વતના વૃક્ષોની લીલોતરી ભૂલવા માટે મજબુર કરી રહી હતી.

“કયા દેશથી આવો છો?” યુવતી આદિત્ય તરફ જોતા બોલી.

“વૈદંત” હજી પણ કોઈ દિશામાં મો ફેરવવા માટે અસમર્થ આદિત્ય યુવતી તરફ જોતા બોલ્યો.

“મારા આગળના સવાલોનો ખોટો જવાબ આપવાનો પ્રયત્ન માત્ર કર્યો તો મારું હવે પછીનું બાણ તમારા ગળાને વીંધીને ઝાડ સાથે ટકરાશે” યુવતી આદિત્યના ગળા આગળ તલવાર રાખતા બોલી.

આદિત્ય યુવતીની તલવાર તરફ જોઈ રહ્યો હતો જે હવે આદિત્યના ગળાને સ્પર્શી રહી હતી. આદિત્યએ નજર ઉપર કરી યુવતી તરફ જોયું, યુવતીની સીધી નજરો હમણાથી જ આદિત્યને વીંધી રહી હતી, યુવતીએ આદિત્ય તરફ જોતા તલવાર થોડી આગળ કરી જે હવે આદિત્યના ગળામાં ખૂંચી રહી હતી.

“નામ?” યુવતીએ ફરીથી પૂછ્યું.

“માધવ” આદિત્ય યુવતી સાથે નજર મેળવતા બોલ્યો.

“કયા દેશથી આવો છો?” યુવતીએ પૂછ્યું.

“વૈરાટ” આદિત્ય બોલ્યો, યુવતીએ તલવાર થોડી પાછળ ખેંચી.

“અહી આવવાનું કારણ?” યુવતી બોલી, નજર હજી પણ એકદમ સીધી.

“વેપાર માટે વીંધ્યના રાજ્યો તરફ જઈ રહ્યો છું, થોડી ક્ષણો આરામ કરવા માટે અહી વૃક્ષ નીચે આવ્યો હતો.

“એક વ્યાપારીને ધનુષ્યની શી જરૂર?” યુવતી ફરીથી પોતાની તલવાર થોડી પાછળ ખેંચી બોલી.

“ધનુષ્ય જંગલમાં વન્ય પ્રાણીઓથી બચવા માટે સાથે રાખ્યું છે” આદિત્ય બોલ્યો.

“આપ અહી ખોટા રસ્તા પર આવી ગયા છો” યુવતીએ પોતાની તલવાર મ્યાનમાં મૂકી અને આદિત્યના ગળા આગળથી બંને બાણો દુર કર્યા.

આદિત્ય હવે નિશ્ચિંત થઇ શ્વાસ લઇ રહ્યો હતો, યુવતીની તલવાર આદિત્યના ગળા પાસે થોડો ઘાવ કરી ચુકી હતી પરંતુ યુવતીની ખુબસુરતી સામે એ ઘાવ આદિત્ય ભૂલી શકે એમ હતું. આદિત્યએ જમીન પરથી પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું, યુવતી આદિત્ય તરફ જોઈ રહી હતી.

“હું વીંધ્યના રાજ્યો તરફ પ્રથમ વખત વેપાર માટે જઈ રહ્યો છું પરંતુ મારા દાદા એક મોટા વ્યાપારી હતા અને એમણે મને આ જ રસ્તાની સમજણ આપી હતી જે વૈદંત રાજ્યમાંથી પસાર થાય છે” આદિત્ય યુવતી તરફ જોતા બોલ્યો.

“કદાચ આપના દાદાશ્રીએ આપને વૈદંત અને વૈરાટ વચ્ચે થયેલા યુદ્ધની વાતો નહિ કરી હોઈ કે જેના કારણે આ રસ્તો બંધ છે” યુવતી આદિત્ય તરફ જોતા બોલી.

“દાદાએ કહ્યું છે એટલે આ રસ્તો વીંધ્યના રાજ્યો તરફ જ જતો હશે” આદિત્ય રસ્તા તરફ જોતા બોલ્યો.

“મારી જવાબદારી તો આપને રસ્તા વિષે સાવચેત કરવાની હતી, આ રસ્તો આપના માટે આસાન નથી” યુવતી પોતાના ઘોડા તરફ આગળ વધતા બોલી.

“આસાન રસ્તાઓ મને કદી સારો મુસાફર ના બનાવી શકે અને એક ઉત્તમ વ્યાપારી એક સારો મુસાફર હોવું જરૂરી છે” આદિત્ય યુવતી તરફ જોતા બોલ્યો.

“હું પણ એ જ દિશામાં જઈ રહી છું, સાથે જઈશું તો કદાચ આપની મુસાફરી થોડી આસાન રેહશે” યુવતી ઘોડા પર બેસતા બોલી.

આદિત્ય પોતાના હાથમાં ધનુષ્ય લઇ યુવતી તરફ આગળ વધ્યો, યુવતી ઘોડા પર સવાર થઇ આગળ ચાલી રહી હતી અને આદિત્ય ઘોડા સાથે ઝડપ મેળવી ચાલી રહ્યો હતો. આદિત્યએ પોતાના ધનુષ્ય વડે એક બાણ આગળના ઝાડ તરફ ચલાવ્યું.

“આપનું નામ?” આદિત્ય યુવતી તરફ જોતા બોલ્યો, આદિત્યએ પ્રથમ વખત પ્રશ્ન પૂછવાની હિંમત કરી હતી.

“પ્રાંજલ, હું અહીંથી ત્રણ ગામો દુર રહું છું” યુવતી બોલી.

“આ ધનુષ્ય અને તલવાર જોતા આપ પણ જંગલની મુસાફરી કરીને આવ્યા હોઈ એમ લાગે છે” આદિત્ય યુવતી તરફ જોતા બોલ્યો.

“વૈદંતની તમામ યુવતી આ શાસ્ત્રોનો ઉપયોગ કરતા જાણે છે” પ્રાંજલ પોતાના ઘોડાની ઝડપ ઓછી કરતા બોલી જેથી આદિત્ય ધીમેથી ચાલી શકે.

“શું વૈદંતની યુવતીઓ અહી સુરક્ષિત નથી? આપને શાસ્ત્રોની શી જરૂર?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

“વૈરાટથી વીંધ્યના રાજ્યો તરફ જવા માટે વૈદંતનો રસ્તો ખુબ જ સરળ હતો, આપના દાદાશ્રીએ આપને કોઈ પણ ખોટી વાત કરી નથી, વૈરાટ આ પ્રદેશમાં માલ-સામાન મેળવવા માટે સૌથી મોટો સ્ત્રોત છે અને વીંધ્યના રાજ્યો એ સામાનને વેચવા માટે મોટું વ્યાપાર કેન્દ્ર છે, વૈદંતના રસ્તાઓ વૈરાટ અને વીંધ્યના રાજ્યો વચ્ચેની મુસાફરી ફક્ત અગિયાર દિવસમાં પૂરી કરે છે જયારે અન્ય રસ્તાઓ મુસાફરી માટે ચાલીશ દિવસ જેટલો સમય લે છે, કારણકે અન્ય રસ્તાઓ આખી વીંધ્યની પર્વતમાળા જમીન માર્ગે ફરીને વીંધ્યના રાજ્યો તરફ જાય છે જયારે ફક્ત વૈદંતના રસ્તાઓ પર્વતમાંથી પસાર થાય છે” પ્રાંજલ આગળ વધતા બોલી રહી હતી, આદિત્ય પ્રાંજલને ખુબ જ શાંતિપૂર્વક સાંભળી રહ્યો હતો.

“વૈદંતના રસ્તાઓ વ્યાપાર માટે તો ખુબ જ આસાન હતા પરંતુ આ રસ્તાઓ પર ચોર-લુંટારુઓ વ્યાપારીના ભેષમાં વૈદંતના ગામોમાં લુંટ ચલાવતા હતા, આથી એમનાથી બચવા માટે અહીની તમામ યુવતીઓને શાસ્ત્રો સાથે રાખવાની તથા શાસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી.

“આથી મારી પર ચલાવવામાં આવેલા બંને બાણો એ નક્કી કરવા માટે હતા કે હું વ્યાપારી છું કે લુંટારો?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો. પ્રાંજલે આદિત્ય તરફ જોઈ હસતા હા કહ્યું.

“વૈદંતના રસ્તાઓ બંધ થવાનું કારણ શું છે?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો અને ફરીથી એક બાણ આગળના ઝાડ તરફ ચલાવ્યું જે ડાળમાં ફસાઈ ગયું.

“પેહલા વ્યાપાર નાનો હતો, ધીમે ધીમે વ્યાપારીઓની સંખ્યા વધતી ગઈ આથી વૈદંતના રસ્તાઓનો વધુ ઉપયોગ થવા લાગ્યો જેથી અહીના રાજાએ વ્યાપારીઓ પાસેથી રસ્તાના ઉપયોગ માટે મુસાફરીદીઠ લવાજમ લેવાનું નક્કી કર્યું, લવાજમની કિંમત વધુ હોવાથી કેટલાક વ્યાપારીઓએ પોતાનો રસ્તો બદલી નાખ્યો તો કેટલાક વ્યાપારીઓએ પોતાનો વ્યાપાર બદલી નાખ્યો, આથી વૈરાટના ખેડૂતોને માઠી અસર પડી અને એમનો માલ-સમાન વીંધ્યના રાજ્યો સુધી પોહચવાનું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. વૈરાટના રાજા દ્વારા આ લવાજમ હટાવવા માટે વૈદંત રાજ્ય સાથે વાતો થઇ પરંતુ લવાજમ દુર કરવું બંધ ના થયું આથી વૈરાટના રાજાએ વૈદંત સામે યુદ્ધ જાહેર કર્યું, બંને રાજાની વાટાઘાટોથી યુદ્ધ તો અટક્યું પરંતુ વ્યાપારીઓ માટે વીંધ્યના રાજ્યો તરફ જતો વૈદંતનો પર્વતો વચ્ચેથી જતો રસ્તો હમેશાં માટે બંધ થઇ ગયો” પ્રાંજલ રસ્તા તરફ જોતા બોલી.

“મારા માટે આ રસ્તે વીંધ્ય જવાનું શક્ય બનશે કે નહિ?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

“આપની સાથે કોઈ સમાન નથી એટલે આપ આ રસ્તે વીંધ્ય જઈ શકશો પરંતુ આપને બે પર્વતો સંપૂર્ણ ચઢાણ કરવાના રેહશે” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી.

“આ રસ્તો બંધ થવાથી વૈદંત અને વૈરાટ બંને રાજ્યોને નુકશાન થઇ રહ્યું છે, વૈદંતના રાજાને લવાજમ માફ કરવામાં શું વાંધો હતો?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

“માધવ, આપ વૈરાટથી આવો છો એટલે આપને આ રસ્તામાં આપનો ફાયદો દેખાશે પરંતુ વૈદંતને મળતા લવાજમથી વૈદંતનો વિકાસ શક્ય હતો, લવાજમ સાથે વૈદંત ત્રણ ઘણી પ્રગતિ કરી રહ્યું હતું” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી.

આગળ બે રસ્તાઓ અલગ થતા હતા, આદિત્યએ ફરીથી બે બાણ લઇ બંનેને અડધેથી તોડી નાખ્યા, અને બંને બાણો બંને રસ્તાની દિશા તરફ આવેલા ઝાડોમાં ચલાવ્યા. પ્રાંજલ એ જોઈ રહી હતી.

“અને લવાજમ યોગ્ય હતું, વૈદંતના રાજા લવાજમ મારફત ફક્ત પોતાનો રાજધર્મ પાલન કરી રહ્યા હતા” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી, બંને આગળ વધ્યા.

“ધર્મ એટલે શું?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

“ધર્મ એટલે સત્યનો માર્ગ” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી.

પ્રાંજલના શબ્દો સંભાળતા જ આદિત્ય પ્રાંજલ તરફથી પોતાની નજર હટાવી શકે એમ ન હતો. પ્રાંજલના જવાબો આદિત્યને આગળ મળી ચુક્યા હતા અને એ પણ આદિત્યની માતાના મુખે, પરંતુ એ જવાબો હજી અધૂરા હતા, આદિત્યને અચાનક પોતાના બાકીના પ્રશ્નોના જવાબ મળવાની આશા જાગી.

“સત્ય એટલે શું?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો, આદિત્ય ઘોડાની ઝડપ સાથે ચાલવા હવે વધુ ઝડપથી ચાલી રહ્યો હતો.

“દરેક વ્યક્તિ માટે સત્ય અલગ અલગ હોઈ શકે છે, વૈદંતના રાજા માટે લવાજમ લેવું એ એમના ધર્મનું પાલન અને લવાજમ લેવાનો વિચાર એ એમનું સત્ય હતું, વૈરાટના રાજા માટે લવાજમ દુર કરાવવું એ એમના ધર્મનું પાલન અને લવાજમ ના હોવું જોઈએ એ એમનું સત્ય હતું” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી.

“એક સામાન્ય માણસ માટે સત્ય એટલે શું?” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

“સત્ય એટલે નિષ્ઠા પૂર્વક પોતાના કર્તવ્યનું પાલન” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી અને પોતાનો ઘોડો ઉભો રાખ્યો.

આદિત્ય ચાલતા ચાલતા થોડો આગળ વધી ગયો હતો, આદિત્યએ પાછળ ફરી પ્રાંજલ તરફ જોયું, પ્રાંજલે ઘોડા પરથી છલાંગ લગાવી પોતાની તલવાર વડે આદિત્ય પર સીધો પ્રહાર કર્યો, પ્રાંજલના પ્રહારના કારણે આદિત્ય સીધો જમીન પર પડી ગયો અને ધનુષ્ય દુર ફેંકાય ગયું. પ્રાંજલની તલવાર ફરીથી આદિત્યના ગળા પાસે હતી પરંતુ આ સમયે વધુ જોરથી, જે ગળા આગળના ઘાવમાંથી લોહી કાઢવામાં સમર્થ હતી. પ્રાંજલે પોતાનો પગ આદિત્યની છાતી પર મૂકી તલવાર ગળાની વધુ નજીક લઇ જઈ આદિત્ય તરફ ગુસ્સાની નજરે જોયું. આદિત્ય યુદ્ધમાં નિપુણ હોવા છતાં આજે નિસહાય અનુભવી રહ્યો હતો.

“સત્ય એટલે પોતાના કર્તવ્યનું પાલન, અને હાથમાં તલવાર હોઈ ત્યારે મારું કર્તવ્ય બને છે કે હું વૈદંતની રક્ષા કરું. માધવ, કોણ છે તું?” પ્રાંજલ આદિત્ય સાથે નજર મેળવી ગુસ્સાથી બોલી.

“આદિત્ય, સમ્રાટ વિક્રમનો પુત્ર અને વૈરાટનો રાજકુમાર” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

આદિત્ય નામ સંભાળતાની સાથે જ પ્રાંજલ આશ્ચર્યચકિત થઇ ગઈ, હજી પણ પ્રાંજલનો પગ આદિત્યની છાતી પર જ હતો.

“આ રીતે વેષ બદલીને વૈદંતમાં આવવાનું કારણ?” પ્રાંજલે પૂછ્યું.

“હું વીંધ્ય તરફ જતો રસ્તો જોવા માંગતો હતો અને આ રસ્તો ફરીથી શરુ કરાવવા માંગું છું” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો, તલવારના કારણે ગળામાંથી નીકળતું લોહી ધીમે ધીમે વધી રહ્યું હતું.

“થોડા થોડા અંતરે એક બાણ નિશાનીરૂપે છોડવું, જ્યાં રસ્તાઓ અલગ થતા હોઈ ત્યાં બે બાણ છોડવા જેથી બે અલગ અલગ રસ્તા પર સેના વેહ્ચાઈ શકે, આપની પાછળ બે સૈનિકો આવી રહ્યા છે, બે હજાર કે પછી બે લાખ?” પ્રાંજલ આદિત્ય તરફ ગુસ્સાથી જોતા બોલી.

“યુદ્ધ એ કોઈ પણ પ્રશ્નનું સમાધાન નથી. વ્યાપાર બંધ થવાને કારણે વૈદંત અને વૈરાટ બંને રાજ્યોને નુકશાન થઇ રહ્યું છે, હું અહી વ્યાપાર શરુ થઇ શકે એવા પ્રયત્નો માટે જ આવ્યો છું” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

“એક જુઠ્ઠા વ્યક્તિ માધવ પર વિશ્વાસ કેમ કરવો?” પ્રાંજલ બોલી.

“વૈરાટના રાજાના રાજધર્મ તરીકે પ્રજાનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે, યુદ્ધથી મારા સિપાહીઓને નુકશાન થશે અને સિપાહીઓ મારી પ્રજાનો એક ભાગ છે આથી જ હું કોઈ પણ હાલતમાં યુદ્ધ નથી ઈચ્છતો” આદિત્ય પ્રાંજલ સાથે નજર મિલાવતા બોલ્યો.

“વૈદંતમાં આવેલ તમામ વ્યક્તિનો આદર કરવામાં આવે છે, મિત્રતાની વાતના કારણે જ આપને હું અહીંથી માધવ તરીકે જ જવાની પરવાનગી આપું છું, અહીંથી બે દિવસનાં અંતરે આપ પર્વતો સુધી પોહચી જશો જ્યાં વૈદંતના રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, માધવ બનીને જ આપ અહી સુરક્ષિત છો, મારું ગામ અહીંથી નજીક છે, આપણી મુસાફરી અહી સુધી જ સીમિત હતી, આપના પર વિશ્વાસ રાખું છું, યાદ રાખશો કે કર્તવ્યનું પાલન વિશ્વાસ પર સમર્પિત છે” પ્રાંજલ આદિત્યની છાતી પરથી પોતાનો પગ દુર કરતા બોલી અને આદિત્યને ઉભો કરી નીચે પડેલ ધનુષ્ય હાથમાં આપ્યું.

પ્રાંજલ પોતાના ઘોડા પર સવાર થઇ ગામના રસ્તા તરફ આગળ વધી, આદિત્ય તેને જોઈ રહ્યો હતો, આદિત્ય થોડા સમય બાદ પોતાના રસ્તા પર આગળ વધ્યો અને ફરીથી એક બાણ નજીકના વ્રુક્ષ તરફ ચલાવ્યું જે એ વાતની સાબિતી હતું કે વૈરાટ યુદ્ધની તૈયારીમાં હતું. બે દિવસ બાદ આદિત્ય એ જગ્યાએ પોહાચ્યો કે જ્યાં વૈદંતના રસ્તાઓ વીંધ્યના રાજ્યો તરફ જતા હતા. વિશાળ પર્વતની તળેટીમાંથી પસાર થતા રસ્તાઓને મોટા પથ્થરો વડે બંધ કરવામાં આવ્યા હતા જેથી કોઈ મુસાફર માલ-સામાનની હેરાફેરી ના કરી શકે, આદિત્યએ પર્વતો પર ઉંચાઈએ પોહચી વીંધ્યના રાજ્યો તરફ નજર કરી, આશરે ચાર ગામ દુર વ્યાપારીઓ માટેનું મોટું બજાર દ્રશ્યમાન હતું. આદિત્યએ આ દ્રશ્ય જોતા જ મનમાં નિર્ણય કરી લીધો હતો કે આ રસ્તાઓ ફરીથી શરુ કરવાથી પ્રજા માટે ઘણો ફાયદો થશે અને વ્યાપારની તકો વધશે, પરંતુ આ રસ્તાઓ શરુ કરાવવા માટે વૈદંતના રાજા તરફ મિત્રતાનો હાથ આગળ વધાવવો જરૂરી હતો. આદિત્યએ અહીંથી સીધા વૈદંતના રાજ દરબાર તરફ જવાનું નક્કી કર્યું, આદિત્ય વૈદંત સાથે મિત્રતા કરી વ્યાપાર ફરીથી શરુ કરાવવા માંગતો હતો. છેલ્લા બે દિવસની મુસાફરી દરમ્યાન આદિત્ય પ્રાંજલની અનેક વાતો યાદ કરી રહ્યો હતો અને વૈદંતના રાજાને તમામ સાચી વાતો જણાવી પોતાની વાતો આગળ વધાવવા ઈચ્છતો હતો.

“હું વૈરાટ રાજકુમાર આદિત્ય વૈદંતની રાજસભાને વ્યાપાર અર્થે મળવા માંગું છું” આદિત્યએ રાજમહેલ પાસે સિપાહીને કહ્યું, સિપાહીએ આશ્ચર્ય સાથે આદિત્ય તરફ જોયું, કદાચ ક્યારેય કોઈ રાજકુમાર આ રીતે એકલો વૈદંતના રાજમહેલ પાસે આવ્યો ન હતો. સિપાહીએ સેનાપતિ સાથે વાત કરી આદિત્યને મહેલમાં જવા જણાવ્યું. મહેલના બીજા દરવાજા આગળ સેનાપતિ આદિત્યના સ્વાગત માટે ઉભા હતા.

“વૈદંતમાં આપનું સ્વાગત છે રાજકુમાર! અહી આવવાનું કારણ જણાવો” સેનાપતિ આદિત્ય તરફ જોતા બોલ્યો.

“હું વૈદંતના વીંધ્યના રાજ્યો તરફ જતા રસ્તાઓ ફરીથી શરુ કરાવવાના અભિપ્રાય સાથે આવ્યો છું” આદિત્ય સેનાપતિ તરફ જોતા બોલ્યો.

“એ રસ્તાઓ રાજ દરબારના આદેશથી બંધ કરવામાં આવ્યા હતા, એમને ફરીથી શરુ કરવું શક્ય નથી, આપના અભિપ્રાયનો હું આદર કરું છું” સેનાપતિએ આદિત્યને કહ્યું.

“તારા જેવા એક સેનાપતિ સાથે વાત કરીને હું મારો સમય વ્યર્થ કરવા નથી માંગતો, તને ખબર નથી ના કેહવાથી શું પરિણામ આવી શકે છે, વૈરાટ પાસે વૈદંત કરતા ત્રણ ઘણી સેના છે અને આખા વૈદંતને જીતવું એ મારા માટે આસાન કામ છે. મારે રાજાને મળવું છે” આદિત્ય ગુસ્સાથી સેનાપતિ તરફ જોતા બોલ્યો.

“વૈદંતને જીતવું એટલું આસાન નથી રાજકુમાર, આપને રાજાને મળવાની ઈચ્છાને હું માન આપું છું, આપ આગળ જઈ શકો છો” સેનાપતિ આદિત્ય તરફ જોતા બોલ્યો.

આદિત્ય મહેલના ત્રીજા દરવાજા પાસે પોહચ્યો, દરવાજા પાસે એક વૃદ્ધ આદિત્યની રાહ જોતા ઉભા હતા.

“પ્રણામ રાજકુમાર, હું વૈદંતનો રાજગુરુ આપનું સ્વાગત કરું છું” રાજગુરુ આદિત્ય તરફ જોતા બોલ્યા, આદિત્યએ બંને હાથ જોડી રાજગુરુને પ્રણામ કર્યા.

“રાજાને મળવાનું કારણ?” રાજગુરુએ આદિત્ય તરફ જોતા પૂછ્યું.

“વ્યાપારની શક્યતાઓ વધારવા માટે હું વૈદંત અને વીંધ્યના રસ્તાઓ ફરીથી શરુ કરવાના વિચાર સાથે આવ્યો છું” આદિત્ય રાજગુરુ તરફ જોતા બોલ્યો.

“વ્યાપારની શક્યતાઓ વધારવાની શી જરૂર છે?” રાજગુરુએ આદિત્યને પૂછ્યું.

“વૈરાટમાં ખેડૂતોના માલ-સામાનને અન્ય દેશો સુધી પોહ્ચાડવાથી વિકાસની તકો ઉભી થશે અને પ્રજાનો વિકાસ એક રાજા માટે રાજધર્મ છે, પ્રજાના વિકાસ માટે હું વ્યાપાર વધારવાનો અભિપ્રાય રાખું છું અને રાજધર્મનું પાલન કરવું એ એક રાજકુમાર તરીકે મારું કર્તવ્ય છે” આદિત્ય રાજગુરુ તરફ જોતા બોલ્યો.

“પોતાના કર્તવ્યના પાલન માટે અધર્મનો સ્વીકાર એ રાજધર્મ નથી” રાજગુરુ આદિત્ય તરફ જોતા બોલ્યા, આદિત્ય આ શબ્દો સાંભળીને થોડો આશ્ચર્ય પામ્યો.

“ગુરુદેવ, મેં મારા કર્તવ્યના પાલન કરવાની કોશીશ કરી છે, અધર્મ નહિ” આદિત્ય રાજગુરુ તરફ જોતા બોલ્યો.

“વૈરાટ પાસે વૈદંત કરતા ત્રણ ઘણી સેના હોવાનો આપને અહંકાર છે, અને આપની પાછળ એ સેનાને વૈદંતનો રસ્તો બતાવવો એ આપનો ગુસ્સો છે. અહંકાર અને ગુસ્સો આપને રાજધર્મનું પાલન ક્યારેય કરવા નહિ દે, આપને આપની સેનાનું અહંકાર હશે પરંતુ છેલ્લા નવ દિવસથી આપ વૈદંતમાં છો એની જાણ છે અને તમારી સેના પણ વૈદંત તરફ આવી રહી છે એ જાણ થતા જ વૈદંત શાંત નથી બેસ્યું. આપને દુઃખ થશે પરંતુ એ જણાવી દેવું યોગ્ય હશે કે વૈદંતની રાજસીમાં પર આપની સેનાને અમારા કબજામાં કરી લેવામાં આવી છે, અને આપ વૈદંત સામે યુદ્ધ કરવાની પરિસ્થિતિમાં નથી. રાજકુમાર, યાદ રાખો કે આપનો અહંકાર આપને અધર્મ તરફ લઇ જશે” રાજગુરુ આદિત્ય તરફ જોતા બોલ્યા. આદિત્ય રાજગુરુના શબ્દો સંભાળતા જ આશ્ચર્યચકિત થઇ ગયો.

“એક રાજા તરીકે આપનામાં દરેક વ્યક્તિ માટે સમાનતા હોવી જરૂરી છે જેથી આપ યોગ્ય રીતે ન્યાય કરી શકો, સેનાપતિ સાથે ગુસ્સો અને રાજગુરુ સાથે આદર આપને યોગ્ય રાજા ના બનાવી શકે, ગુસ્સો આપને અધર્મ તરફ લઇ જશે રાજકુમાર” રાજગુરુ બોલ્યા.

“પોતાના કર્તવ્યના પાલનમાં શું વિધ્નો આવી શકે છે?” ચંદ્રપ્રભાનો આ પ્રશ્ન આદિત્યને યાદ આવ્યો અને તેનો જવાબ પણ આદિત્યને મળી ગયો હતો, આદિત્યએ પોતાનું ધનુષ્ય બાજુ પર રાખી ગુરુદેવને ફરીથી પ્રણામ કર્યા અને આગળ વધવાની પરવાનગી માંગી. રાજગુરુએ આશીર્વાદ આપી આદિત્યને આગળ જવા જણાવ્યું.

આદિત્ય માટે મહેલનો ચોથો દરવાજો ખુલ્લો જ હતો. આદિત્ય દરવાજાથી આગળ વધ્યો ત્યાં રાજદરબારમાં ફક્ત વૈદંતના રાજા હતા. વિશાળ રાજદરબારમાં ખાલી પડેલી ખુરસીઓથી આગળ ચાલી આદિત્ય રાજા નજીક પોહચી પ્રણામ કર્યા.

“આપની ઓળખાણ?” રાજાએ આદિત્યને પૂછ્યું.

“હું વૈરાટનો પ્રજા સેવક આપની સમક્ષ વ્યાપાર અર્થે વાતો કરવાના પ્રસ્તાવ સાથે આવ્યો છું” આદિત્ય બોલ્યો. અહી આદિત્યને પોતાની ઓળખાણ આપવામાં ના તો પોતે રાજકુમાર હોવાની ગણના હતી અને ના તો વૈરાટની વિશાળ સેનાનું અભિમાન હતું. આદિત્ય ધીમે ધીમે ગુસ્સાને પોતાના સ્વભાવથી દુર કરી રહ્યો હતો.

“આપનું વૈદંતમાં સ્વાગત છે, આપ આજે વિશ્રામ કરો, આવતી કાલે રાજ દરબારમાં આપની વાતો પર ચર્ચા કરવામાં આવશે” રાજાએ આદિત્યને કહ્યું.

“મહારાજ, જયારે વાત બંને રાજ્યોના ફાયદાની હોઈ ત્યારે એ વાત પર ચર્ચા કરવામાં સમય વ્યર્થ ના કરવો જોઈએ” આદિત્ય રાજા તરફ જોતા બોલ્યો.

“બોલો રાજકુમાર, આપ શું કેહવા માંગો છો?” રાજા આદિત્ય તરફ જોતા બોલ્યા.

“વૈરાટની પ્રજા માટે વ્યાપારની તકો વધારવા માટે વૈરાટ અને વીંધ્યના રાજ્યો વચ્ચે વૈદંતના રસ્તાઓ ફરીથી શરુ કરવાના પ્રસ્તાવ સાથે હું આપની સમક્ષ છું” આદિત્ય રાજા તરફ જોતા બોલ્યો.

“વૈદંતના રસ્તાઓ ફરી શરું થવાથી વૈદંતને શું ફાયદો?” રાજા આદિત્ય તરફ જોતા બોલ્યા.

“વૈદંત માટે આપે જે લવાજમની માંગણી કરી હતી એમાંથી અડધું લવાજમ આપ વ્યાપારીઓ પરથી લઇ શકો છો અને અડધું લવાજમ વૈરાટ આપને જમા કરાવશે” આદિત્ય રાજા સામે જોતા બોલ્યો.

“અને જો હું પ્રસ્તાવનાનો અસ્વીકાર કરું તો?” રાજા આદિત્ય તરફ જોતા બોલ્યા.

“એ નિર્ણય આપનો હશે મહારાજ, ના તો હવે મને મારી સેનાનું અભિમાન છે અને ના હવે વૈદંત પ્રતિ કોઈ ક્રોધ” આદિત્યએ રાજા તરફ જોતા કહ્યું.

“વૈદંત વિરુદ્ધ યુદ્ધની તૈયારી બદલ હું આપને અહી બંધી બનાવી શકું છું” રાજા આદિત્ય તરફ જોતા બોલ્યા.

“મહારાજ, મારી સાથે મારી સેના હાજર નથી પરંતુ હું સર્વશ્રેષ્ઠ શસ્ત્રધારી છું, તલવારબાજીનું શ્રેષ્ઠ જ્ઞાન હું ધરાવું છું, વૈદંતના કોઈ પણ દરવાજા મને બંધી બનાવી શકે તેમ નથી” આદિત્ય રાજા તરફ જોતા ગર્વ સાથે બોલ્યો.

“રાજકુમાર, જ્ઞાનનો મોટામાં મોટો શત્રુ અજ્ઞાનતા નહિ પરંતુ જ્ઞાન હોવાનો ભ્રમ છે, આપની તલવારબાજી હું જોવા ઈચ્છું છું, જો આપ જીત્યા તો આપની પ્રસ્તાવના વૈદંત સ્વીકાર કરશે” રાજા આદિત્ય તરફ જોતા બોલ્યા.

આદિત્યએ ખુશ થઇ રાજાની વાતનો સ્વીકાર કર્યો અને પોતાની ધનુષ્ય બાજુમાં રાખી તલવાર વડે લડાઈ માટે આદિત્ય તૈયાર થયો. બીજી તરફ રાજદરબારમાં રાજગુરુ અને સેનાપતિ હાજર થયા, આદિત્યના આશ્ચર્ય વચ્ચે સેનાપતિ લડાઈની તૈયારીમાં ન હતા. રાજગુરુ અને સેનાપતિએ પોતપોતાના સ્થાન ગ્રહણ કર્યા અને થોડા સમય બાદ એક લાલ કપડાઓ પેહરેલ વ્યક્તિ રાજદરબારમાં આવતો નજરે પડ્યો.લાલ કપડાઓમાં સજ્જ સિપાહીનું સંપૂર્ણ શરીર ઢંકાયેલું હતું જયારે ફક્ત આંખો જ દ્રશ્યમાન હતી, સિપાહીએ આદિત્યની નજીક આવતાની સાથે જ તલવાર વડે પ્રહારો શરુ કર્યા. આદિત્યએ સિપાહીનો બહાદુરી પૂર્વક સામનો ચાલુ રાખ્યો અને પોતે એક શ્રેષ્ઠ યોદ્ધા છે એ સાબિત કરી રહ્યો હતો. બંને તરફથી તલવારના એક પછી એક વાર થઇ રહ્યા હતા અને રાજદરબાર એક શ્રેષ્ઠ તલવારબાજીનું સાક્ષી બની રહ્યું હતું. આદિત્યએ સિપાહીના ગળા પર વાર કર્યો અને ગળાને ઢાંકીને રાખતું લાલ કાપડ સિપાહીના ચેહરા પરથી દુર થયું, ચેહરાને જોતા જ આદિત્ય ક્ષણ માટે તલવારના બધા જ દાવ ભૂલી ગયો કારણ કે આદિત્ય સામે તલવારબાજી પ્રાંજલ કરી રહી હતી. પ્રાંજલે આદિત્યની આખો સાથે આંખો મિલાવી આગલો વાર આદિત્યના ખભા પર કર્યો અને લોહીની ધાર આદિત્યના હાથ પરથી પસાર થઇ આદિત્યની તલવારને લાલ બનાવી રહી હતી. પ્રાંજલના આગલા વારથી આદિત્યએ પોતાને બચાવ્યો પરંતુ પ્રાંજલને જોતા જ આદિત્ય ધીમો પડી રહ્યો હતો. તલવાર યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહ્યું અને બંને એકબીજાનો બહાદુરીપૂર્વક સામનો કરી રહ્યા હતા. પ્રાંજલ અને આદિત્યને એકબીજા પર હાવી થઇ રહેલ જોતા રાજા ઉભા થયા ને લડાઈ રોકવા માટે ઈશારો કર્યો. રાજાના ઇશારાને જોતા જ આદિત્ય અને પ્રાંજલ રાજા સામે ઉભા રહ્યા.

“વાહ રાજકુમાર, આપની યુદ્ધ ક્ષમતા શ્રેષ્ઠ છે” રાજા આદિત્ય તરફ જોતા બોલ્યા.

“નહિ મહારાજ, આજે યુદ્ધ દરમ્યાન જ મને અનુભવ થયો કે રાજગુરુએ મારી સેનાના અભિમાનને તો દુર કર્યું પરંતુ મારા જ્ઞાનનું અભિમાન હું આપના સમક્ષ સાથે લઈને આવ્યો હતો, આપ મને ત્યારે જ શ્રેષ્ઠ ગણી શકો જયારે હું પ્રાંજલને હરાવવામાં સફળ રહ્યો હોત”

“રાજકુમાર, જ્ઞાનનું અભિમાન નહિ પરંતુ જ્ઞાનનો ગર્વ રાખો” રાજગુરુ આદિત્ય તરફ જોતા બોલ્યા.

“ગુરુદેવ, સાચું જ્ઞાન શું છે?” આદિત્ય રાજગુરુ તરફ જોતા બોલ્યો.

“જ્ઞાન એટલે સત્યની ઓળખાણ” રાજગુરુ આદિત્ય તરફ જોતા બોલ્યા.

“ગુરુદેવ, સત્ય એટલે શું?” આદિત્ય રાજગુરુ તરફ જોતા બોલ્યો.

“સત્ય એ પોતાના કર્તવ્યના પાલન માટેનું કર્મ છે” રાજગુરુ બોલ્યા.

“શું મારા કર્મો વડે મારા કર્તવ્યનું પાલન એ જ મારો રાજધર્મ છે?” આદિત્ય રાજગુરુ તરફ જોતા બોલ્યો.

“હા રાજકુમાર, પરંતુ કર્તવ્યનું પાલન ન્યાય અને સમાનતાથીથી ભરપુર, અહંકાર અને ક્રોધ વિનાનું હોવું જોઈએ” રાજગુરુ બોલ્યા.

આદિત્યએ રાજગુરુને પ્રણામ કરી તલવાર બાજુમાં મૂકી પ્રાંજલ તરફ જોયું, પ્રાંજલ આદિત્યને જોઈ રહી હતી. આદિત્યનો એક હાથ સંપૂર્ણ લોહી વડે ખરડાયેલો હતો. પ્રાંજલે કાપડનો એક ટુકડો આદિત્યને આપ્યો.

“આદિત્ય, આ છે વૈદંતની રાજકુમારી પ્રાંજલ” રાજા આદિત્ય તરફ જોતા બોલ્યા.

“અમારી મુલાકાત થઇ ચુકી છે, પ્રાંજલ એક શ્રેષ્ઠ યોદ્ધા છે” આદિત્ય પ્રાંજલ તરફ જોતા બોલ્યો.

“રાજકુમાર, હું આપના પ્રસ્તાવને સ્વીકાર કરું છું, વીંધ્યના રાજ્યો તરફ જતા રસ્તાઓ ફરીથી શરુ કરવામાં આવશે” રાજા આદિત્યની નજીક આવતા બોલ્યા.

“એ આપની ભેટ સમજુ છું, હું અહીંથી મારા પ્રશ્નોના જવાબ અને મારા અહંકારનું શવ લઈને જઈ રહ્યો છું, આશા રાખું છું કે વૈદંત અને વૈરાટના સંબંધો મિત્રતાભર્યા રેહશે” આદિત્યએ રાજા પાસે જઈ હાથ જોડી પ્રણામ કર્યા, પોતાનું ધનુષ્ય પ્રાંજલને ભેટ તરીકે આપી આદિત્ય વૈરાટ તરફ જવા આગળ વધ્યો, યુદ્ધની તૈયારી સાથે વૈદંત આવેલો રાજકુમાર રાજધર્મનાં પાલન માટેનું જ્ઞાન અને પોતાના પ્રશ્નોના જવાબ લઇ જઈ રહ્યો હતો.

“અહંકારને દુર રાખી કરેલી સત્યની પ્રસ્તાવના સફળતા અને મિત્રતાને પ્રેરે છે” પ્રાંજલ આદિત્ય તરફ જોતા બોલી.

***