હા, એ સાચું છે કે હું બીમાર છું અને તમે એમ પણ કહેશો કે મેં મારા મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે. મારા મતે એ સાચું નથી ? હું માનસિક રીતે એકદમ સ્વસ્થ છું. મારી બીમારીને કારણે મારી બધી જ ઇન્દ્રિયો સતેજ થઇ ગઈ છે. ખાસ કરીને મારી સાંભળવાની શક્તિ. હવે હું એવા અવાજો પણ સાંભળી શકું છું, જે પેહલા નોહતો સાંભળી શકતો. મને હવે સ્વર્ગ અને નર્ક બન્ને માંથી આવતા અવાજો સંભળાય છે.
ચાલો, હું તમને કહું કે આ બધાની શરૂઆત કેવી રીતે થઇ. મારી વાત સાંભળીને તમે પણ સ્વીકારશો કે હું માનસિક રીતે બિલકુલ સ્વસ્થ છું.
મને ખબર નથી કે એ વિચાર મારા મગજમાં કેવી રીતે આવ્યો. એ વિચાર આવવાનું કોઈ કારણ પણ નોહતું. હું તે વૃદ્ધ માણસને ધિક્કારતો પણ નોહતો. સાચું કહું તો તે વૃદ્ધ મને પસંદ હતો. મેં એને ક્યારેય નુકસાન પણ નોહતું પોંહચાડયું. મારે તેના પૈસા પણ નોહતા જોઈતા. મને એ ભયાનક વિચાર આવવાનું કારણ કદાચ તેની આંખો હતી. તેની આંખો ગીધ જેવી હતી. એવું ગીધ કે જે પ્રાણીઓના મરવાની રાહ જુએ છે અને પછી તેમના મૃતદેહોમાંથી માસના લોચા કાઢીને ખાય છે. એ વૃદ્ધ જયારે મારી સામે એ ગીધ જેવી આંખોથી જોતો ત્યારે મારા શરીરમાં કંપારી છૂટી જતી. મને લાગતું કે મારુ લોહી મારા શરીરમાં જામી ગયું છે. અને એટલે જ મેં નક્કી કર્યું કે હું એ ગીધ જેવી આંખોને કાયમ માટે બંધ કરી દઈશ.
હજુ તમને એવું લાગે છે કે હું ગાંડો છું ? કોઈ ગાંડો માણસ યોજના બનાવી શકે ? પણ મેં બનાવી હતી. તમારે મારુ એક અઠવાડિયા સુધી તે વૃદ્ધ પ્રત્યેનું વર્તન જોવાની જરૂર હતી. મેં તેની સાથે આખું અઠવાડિયું સારું વર્તન રાખ્યું જેથી તેને ખબર ન પડે કે તેની સાથે શું થવાનું હતું.
દરેક રાત્રે એ સુઈ જાય પછી હું ચુપચાપ તેના ઓરડામાં જતો. હું ધીરેથી પેહલા બારણું થોડું ખોલતો પછી માત્ર મારો હાથ અને મોઢું અંદર રહે તેમ ઉભો રહેતો. હું મારા હાથમાં એક નાનકડી મીણબત્તી રાખતો અને તેના પર કપડું ઢાંકતો જેથી તેના ઓરડામાં અજવાળું ન થાય. હું મારો હાથ ઓરડામાં પ્રવેશે પછી મીણબત્તી પરનું કપડું સહેજ હટાવી લેતો જેથી હું તેને સૂતેલો જોઈ શકું. હું ચુપચાપ તેની બંધ આંખોને જોતો રહેતો. એની બંધ આંખોના કારણે મારી તેને મારવાની ઈચ્છા મરી જતી કેમ,કે હું તેને નહિ પણ તેની પેલી ગીધ જેવી આંખોને મારવા માંગતો હતો. હું ચુપચાપ તેના રૂમમાંથી ચાલ્યો જતો. આવું મેં સાત દિવસ સુધી કર્યું.
રોજ સવારે હું તેને પૂછતો કે તેને ગઈ રાત્રે કેવી ઊંઘ આવી? તેનો જવાબ કાયમ સારી ઊંઘનો જ રહેતો. તેને નોહતી ખબર કે રાત્રે હું તેના ઓરડામાં આવું છું.
આઠમી રાતે મને વિશ્વાસ હતો કે સફળતા મળશે. તે રાતે મેં તેના રૂમનો દરવાજો ખોલવામાં ખુબ કાળજી રાખી.
મને અંદાજ આવી ગયો કે આજે વૃદ્ધ સૂતો નથી પણ પથારીમાં પડ્યો પડ્યો જાગે છે. તમને એમ લાગતું હશે કે મને ડર લાગ્યો હશે પણ ના, મને વિશ્વાસ હતો કે તે મને એ અંધકારથી ભરેલા રૂમમાં જોઈ શકવાનો નોહતો. મને ખબર હતી કે તેણે મને બારણાને સહેજ ધક્કો મારતા પણ નોહતો જોયો. મેં ધીરે ધીરે બારણાને ખસેડવાનું ચાલુ રાખ્યું. અચાનક વૃદ્ધ પલંગમાં બેઠો થઇ ગયો અને બોલ્યો," કોણ છે ત્યાં?"
હું પુરા એક કલાક સુધી તે દરવાજા પાસે હલ્યા વગર ઉભો રહ્યો. મને તેનો ફરી પથારી પર સુઈ જવાનો અવાજ પણ ન આવ્યો. મને ખબર હતી હજુ તે પોતાની પથારી પર બેઠો હતો અને અવાજ થાય તેની રાહ જોઈ રહ્યો હતો. અચાનક તેણે ચીસ પાડી. તેને ખ્યાલ આવી ગયો હતો કે દરવાજા પાસે કોઈ ઉભું છે. તેની ચીસમાં ડર હતો. એને કદાચ હું નોહતો દેખાયો અને કદાચ તેણે કોઈ અવાજ પણ નોહતો સાંભળ્યો પણ તેણે ચોક્કસ મોતને તેના દરવાજે ઉભેલું અનુભવ્યું હતું.
મેં ધીરે ધીરે મીણબત્તી પરનું કપડું હટાવ્યું. તેનો ક્ષીણ પ્રકાશ પેલી ગીધ જેવી આંખો પર પડ્યો. તે આંખો આજે ખુલ્લી હતી અને તેની પોહળી આંખો મારી સામે જોઈ રહી હતી. મારુ લોહી ફરી મારી નસોમાં બરફની જેમ જામી ગયું. મેં તેનો ચહેરો પણ ન જોયો. મારુ ધ્યાન માત્ર એ ધૃણાસ્પદ આંખોમાં હતું. મારુ સમગ્ર અસ્તિત્વ ગુસ્સાથી ભરાઈ ગયું.
મેં તમને પેહલા જ કહ્યું હતું કે મારી સાંભળવાની શક્તિ અસાધારણ રીતે વધી ગઈ છે. તેની શરૂઆત ત્યારે થઇ. મને ત્યારે અચાનક એક ઘડિયાળ જેવો ધીમો અવાજ સંભળાવા લાગ્યો. તે પેલા વૃદ્ધના હૃદયનો હતો. મેં શાંત રહેવાનો પ્રયત્ન કર્યો પણ તે અવાજની તીવ્રતા વધી રહી હતી. પેલો વૃદ્ધ સાચે જ ડરી ગયો હતો. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેના વધતા અવાજ સાથે મારો ગુસ્સો પણ વધી રહ્યો હતો. ધીરે ધીરે મારા માટે એ અવાજ અસહ્ય થઈ પડ્યો. હું ઝડપથી રૂમમાં પ્રવેશ્યો અને તેના પલંગ પર કૂદી પડ્યો. હું બોલી રહ્યો હતો," ડોસા, મર તું આજે. મરી જા." મને તેના પર કૂદતો જોઈને વૃદ્ધના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. મેં તેને ગળેથી પકડીને પલંગ પર પછાડ્યો. મેં ઝડપથી પલંગ પરની ચાદર તેના મોઢા પર પુરી તાકાતથી દબાવી દીધી. હજુ તેનું હૃદય ધબકી રહ્યું હતું પણ મને ખબર હતી કે હવે તેનો અવાજ બંધ થવાનો હતો અને મને શાંતિ મળવાની હતી. ઘણી મિનિટો સુધી તેના ધબકારા અને વૃદ્ધના શરીરની છટપટાહટ પેલી ચાદરના સકંજામાં ચાલુ રહી. પછી તેના હૃદયનો અવાજ બંધ થઇ ગયો. વૃદ્ધ મરી ગયો હતો. મેં તેના મોં પરથી ચાદર હટાવી અને તેના હૃદયના ધબકારા સાંભળવા પ્રયત્ન કર્યો. તે બંધ થઇ ગયા હતા. હા, તે મરી ગયો હતો. હવે તેની ગીધ જેવી આંખો મને ક્યારેય હેરાન કરવાની નોહતી.
હજુ તમે મને ગાંડો કહેશો ? તો તમારે મને તેનો મૃતદેહ ઠેકાણે લગાડતા જોવાની જરૂર હતી. મારે તેનો મૃતદેહ કોઈ શોધી ન શકે એવી જગ્યાએ સંતાડવો હતો. મેં તેના માટે તેના જ રૂમનું ભોંયતળિયું પસંદ કર્યું. મેં લોહીનું એક ટીપું પણ ભોંયતળિયા પર ન પડે તે રીતે તેનું માથું અને હાથ પગ ધડથી કાપીને અલગ કર્યા. પછી મેં ભોંયતળિયાના લાકડાના પાટિયાઓને ઉખાડીને તેની નીચે વૃદ્ધના શરીરના ટુકડાઓ દાટી દીધા. ફરી તે પાટિયાઓને યથાસ્થાને એવી રીતે ગોઠવી દીધા કે કોઈને પણ રતીભાર ખબર ન પડે કે આ પાટિયાઓને કોઈએ કાઢ્યા હશે.
મેં જ્યાં મારુ કામ પૂરું કર્યું કે તરત જ બારણે ટકોરા પડ્યા. સવારના ચાર વાગી રહ્યા હતા અને બહાર હજુ અંધારું હતું પણ મને કોઈ જ બીક નોહતી. મેં બારણું ખોલ્યું ત્યારે સામે ત્રણ પોલીસ ઓફિસર ઉભા હતા. મારા કોઈ પડોશીએ વૃદ્ધની ચીસ સાંભળી હતી અને પોલીસને ખબર કરી હતી. ત્રણેય ઓફિસર તપાસ કરવા આવ્યા હતા.
મેં તેમને પુરા આદર સાથે અંદર બોલાવ્યા. મેં તેમને એક ભયાનક સપનું જોવાને કારણે મેં ચીસ પાડી હતી તેવું જણાવ્યું. તેમણે વૃદ્ધ વિષે પૂછ્યું તો મેં તે બહારગામ ગયા છે તેમ કહ્યું. મેં ઘરમાં વ્યવસ્થિત શોધખોળ કરવા પણ તેમને સૂચન કર્યું. મારી આત્મવિશ્વાસ ભરી વાતો અને મારા સામાન્ય વર્તનને કારણે તેમણે મારી વાતો સાચી માની લીધી. હું તેમને વૃદ્ધના રૂમમાં લઇ ગયો અને જ્યાં મેં વૃદ્ધનો મૃતદેહ દાટ્યો હતો તે જગ્યા ઉપર જ બેસાડ્યા. હું પણ તેમની સાથે બેઠો અને બધા વાતોએ વળગ્યા.
જેમ જેમ હું તેમની સાથે વાતો કરતો ગયો તેમ તેમ મને મારુ માથું ભમી રહ્યું હોય તેમ લાગ્યું. એક વિચિત્ર ધીમો અવાજ મને સંભળાવા લાગ્યો. ધીરે ધીરે તે અવાજ વધુને વધુ સ્પષ્ટ થતો ગયો. મેં મારા મેહમાનો સાથે બોલવાનું ચાલુ રાખ્યું જેથી તે અવાજ તરફ મારુ ધ્યાન ન જાય પણ એ વિચિત્ર અવાજ વધુ ને વધુ સ્પષ્ટ થતો ગયો. મેં વિચાર્યું કે આ લોકો અહીંથી જલદી જાય તો સારું. પેલા અવાજની તીવ્રતા વધી રહી હતી. મને અંદાજો આવી ગયો કે એ માત્ર મારા મગજનો વહેમ નહોતો, હું સાચે જ તે અવાજ સાંભળી રહ્યો હતો. આ લોકો કેમ જતા નથી ? પેલો અવાજ વધુ તીવ્રતાથી મને સંભળાવા લાગ્યો. હું મારી ખુરશી પરથી ઉભો થયો અને જોર જોરથી બોલવા લાગ્યો કે જેથી મને તે અવાજ ન સંભળાય પણ મારા પ્રયત્નો વ્યર્થ ગયા. મેં મારી ખુરશીને જમીન પર પછાડી તેમ છતાં પેલો ઘડિયાળ જેવો અવાજ બંધ ન થયો. ઘડિયાળ જેવો અવાજ...હું એ અવાજને ઓળખતો હતો. થોડા સમય પેહલા જ એ મને સંભળાયો હતો. પણ મેં તો એ અવાજને કાયમ માટે બંધ કરી દીધો હતો.
એ કેવી રીતે શક્ય હતું કે મારા મેહમાનો ને એ અવાજ નોહતો સંભળાઈ રહ્યો. તેમને પણ એ સંભળાતો હતો. હા, ચોક્કસ તેમને પણ એ સંભળાતો હતો. તેઓ હવે જાણી ગયા હતા. તેઓ મારી સામે હસી રહ્યા હતા. અંતે મારાથી સહન ન થયું. મેં ગોઠવેલા લાકડાના પાટિયાઓ તરફ આંગળી ચીંધી અને હું બરાડ્યો," હા, મેં જ એને માર્યો છે. આ પાટીયા ખસેડો એટલે એ તમને દેખાશે. પણ તેનું હૃદય હજુ કેમ ધબકવાનું ચાલુ છે ? મહેરબાની કરી ને કોઈ એના હૃદયને બંધ કરો મારાથી તેનો અવાજ સહન નથી થતો."
(સમાપ્ત)