Chapati Bhari Bhaktine Garbani Heli in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ચપટી ભરી ભક્તિને ગરબાની હેલી....!

Featured Books
Categories
Share

ચપટી ભરી ભક્તિને ગરબાની હેલી....!

ચપટી ભરી ભક્તિ ને ગરબાની હેલી...!

ગરબાનું પણ સાલું ગજબનું ઘેલું છે. એકવાર ઉપડવી જ જોઈએ, ઢીંચણમાં ડેમેજ હોય તો પણ કામચલાઉ પાવર આવી જાય...! બાકી ઢીંચણની પીડાને સમઝો શું....? ઢીંચણ ઉપર માતાજીનું નાળીયેર વધેરો કે ચુંદડી બાંધો, તો પણ ઢીંચણું ભાનમાં નહિ આવે. દુખે ત્યારે જીવ ઢીંચણમાંથી જ ગતિ કરવાનો હોય, એમ ફફડ ફફડ થાય. એકાદ ઢીંચણ આડું ફાટે તો સમઝ્યા, નભાવી લેવાય. આ તો બબ્બે ઢીંચણ...! જાણે એક ઉપર એક ફ્રી માં આવેલું હોય તેવું. દુખે ત્યારે, તો બબ્બે વાઈફ સહન થાય, પણ ઢીંચણની ખોડ સહન કરવી ભારે અઘરી...! પોતે જ એવો ‘ લોલ ‘ થઇ ગયો હોય કે, માણસ ઢીંચણ સંભાળવા જાય કે, ગરબાની ‘ લોલ ‘ બોલવા જાય....? જો કે, ગુજરાતી એટલે સાહસિક. બ્રેકવાળું ગાલ્લું નહિ ચલાવે તો એ ગુજરાતી નહિ. પણ ડેમેજિંગ ઢીંચણ સાથે જો ગરબે ઘુમવા ગયો, તો એવો લાગે કે, જાણે વોશરૂમની શોધ માટે ફાંફા નહિ મારતો હોય...? હોતા હૈ....! ઉમ્મીદની માત્રા જ્યારે ઉમર કરતાં વધી જાય, તો બાપડો કરે પણ શું....? એને જ માતાજીની ચેતના કહેવાય....!

જેમ ખમણ-ઢોકળા-ફાફડા-જલેબી ને લોચો નહિ છોડે, એમ આપણો ગુજ્જુ એટલે કેડ જેટલા પાણીમાં પણ ગરબો ગાવનો એટલે ગાવાનો. પછી ભલે ઢીંચણ ‘ હોલમાર્ક ‘ વાળું ના હોય. એકવાર ગરબાની ક્રીઝમાં દાખલ થયો, એટલે ઓટોમેટિક બધું સેટ થઇ જાય. બસ.... ઢોલ ધબુકવા જ જોઈએ, એટલે હોઠ ફફડવા જ માંડે કે, “ આવ રે માડી આવ.....! “ ચકરડું ફરવાની ચેષ્ટા આપોઆપ ઉઘડવા માંડે...!

આપણે ત્યાં સીનીયર સીટીઝનના ગરબા અલગ રાખવાનો રીવાજ નથી. એટલે ઝગારા મારતાં ચણીયા-ચોળીના ટોળામા કોઈ ધોતિયાવાળો ઘુસી જાય, તો એવું લાગે કે, સિંહણ ના ટોળામાં જાણે વાંદરું નહિ ઘુસી ગયું હોય...? માતાજી તો બધ્ધાના જ કહેવાય. ને સીનીયર સીટીજન તો પાછા ઉમરના નાકે આવી ગયાં હોય, એટલે માતાજીની આરાધના તો એમણે ખાસ કરવાની હોય. પણ સાંભળે કોણ....? આંગણે માંડેલી ગરબીના પાયાના પથ્થર હોય તો પણ, એણે તો કિનારે ઉભાં રહીને તમાશા જ જોવાના ને ? બોલ્લો.... આવું સહન થાય ?

પઅઅઅણ....! નવરાત્રી એટલે નવરાત્રી. હિન્દી બોલના હૈ તો બાવા બનના પડતા હૈ, એમ ગુજરાતની હિંદુ ફેકલ્ટીમાં આવ્યાં, એટલે ગરબો તો ગાવો જ પડે. એવો એક તો ગુજરાતી બતાવો કે, જેણે ગરબાનો એક આંટો પણ ના લીધો હોય....? મોઢામાં માવાની ફાકી હોય, ને ગરબો ના ઝીલાયો હોય, તો એ બે નંબરની વાત થઇ કહેવાય. બાકી આપણે કંઈ રામરહીમના પાડોશી કે સગા - વ્હાલાં નથી, કે માતાજીને મોઢું બતાવવામા ખચકાઈએ...! કેડમાં ટચકિયું જ નાંખ્યું હોય કે, મણકાને માર પડેલો હોય તો વાત અલગ. બાકી માતાજીને બધ્ધી ખબર તો હોય જ કે, કેડમા ટચકિયું ઊંચકીને પણ તમે ફાલતું કેટલાં આંટા મારતાં હોય તે....! એટલે બહાનાબાજી તો કાઢવાની જ નહિ...!

નવરાત્રીમાં કોઈ કોઈથી ઓળખાય જ નહિ. ઘરવાળી પણ એવી તૈયાર થાય કે, ગરબાના ટોળામાંથી શોધવી હોય તો, મોઢે ફીણ આવી જાય. ગરબા પુરા થાય, ત્યારે જ હાથમાં આવે. માતાજી જાણે, ગુજરાતમાં આ ગરબા લાવ્યું કોણ...? એ તો સારૂ છે કે, ભગવાને એકના બદલે નાલ્લાં-મોટા બે ભેજાં આપેલા છે, એક છટકે તો બીજું એના ઠેકાણે આવે....! એકતો આપણને જૂની ખાંસી હોય, ને ઢીંચણએ એવી જમાવત કરી હોય કે, વાઈફ સાથે ગરબો પણ નહિ ગવાય, આમાં મગજ છટકે કે ના છટકે....? બાકી ગુગલદેવનું તારણ છે કે, ૧૧ મી સદીમાં થઇ ગયેલાં ગુજરાતી માતા મીનળદેવી, કે જે મૂળ કર્ણાટકથી માઈગ્રેટ થયેલાં, તેઓ મા અંબેની પ્રશસ્તી માટે, કર્ણાટકના કુરવાઈ કૃત્યુ નૃત્યને ગુજરાત લાવેલા. જે પાછળથી બદલાતું બદલાતું ગરબા સ્વરૂપે આવ્યું.

ઇતિહાસ જે હોય તે, આપણે મગજનો પરસેવો પાડવાની જરૂર નથી. બાકી માતાજીમાં કોઈ વધારો થયો નથી. સિવાય કે, ગરબાના ઢાળ-સંગીત બદલાયા કર્યા....! જેટલા ફિલમના ગાયન બદલાય, એટલા ગરબાના ગીત શબ્દો ને સંગીત બદલાય. આ વરસે વળી નવો ગરબો આવ્યો, કે ‘ સોનું તને મારા ઉપર ભરોસો નઈ કે....! સોનું .....! તું અંબાજી હેંડ ને, દર્શન કરવા હેંડ ને.....! “ ગરબો એવો તો સેટ કરે કે, કોઈપણ માતાજી પણ એમાં ઓટોમેટિક સેટ થઇ જાય. ગુજરાતીને પહોંચે કોણ...?

સંતોએ તો સાફ કહ્યું જ છે કે, અનાજમાં ધરમ ભળે, તો પ્રસાદ થાય. એમ શબ્દોમાં ધરમ ભળે, એટલે ગરબો થઇ જાય. ફાફડા જલેબી ઉલેળવા માટે, ભલે ગમે એટલા આંટા મારતો હોય, પણ એ આંટો જ કહેવાય. જ્યારે ગરબાનો આંટો એટલે આસ્થાનો આંટો. બોલ્લો, અંબે માતકી જય....!

પછી તો જેવી જેવી ગરબાની ધૂન. પાવરફુલ ધૂન હોય તો, ફેકચરવાળા પગે પણ ગરબે આંટો લેવાનું મન થઇ જ જાય. જાણે યુવાનીનો ચેક બાઉન્સ થયો હોય, એમ તાલીઓના તાલે ઝૂમવા માંડે. જાણે જન ધન યોજના હેઠળ, સરકારે ખાતામાં ૧૫ લાખ જમા કરી દીધાં હોય, એવો એ ગેલમાં આવી જાય. જરૂર નથી કે, ગરબા માટે શરીરનું બધું જ ફર્નીચર અકબંધ હોવું જોઈએ. એકવાર ઢોલની ‘ હીંચ ‘ વાગી એટલે, ‘ યૌવન વીંઝે પાંખ ‘ ની માફક, પંગુમ લંગયતે ગિરિમ.....! દાંડિયા લઈને બહાર....! ડેમેજ વાળા ટાંટિયા પણ ડોલવા માંડે...! ધોતિયાંવાળાનું ધોતિયું, છૂટવાનું હોય તો ભલે છૂટે, પણ ગરબો નહિ છૂટે....! ગરબામાં એક ગેરેંટી છે કે, એની અસર થાય, પણ આડઅસર નહિ થાય. સિવાય કે આડા માર્ગે ફંટાયા ના હોય ....! ભલે સિસ્ટેમેટિક નહિ થાય, પણ ઓટોમેટિક બધું સેટ તો થઇ જ જાય....!

યે જીવડા બહુત બુરી ચીજ હૈ બાબા....! માણસનો જીવડો બધામાંથી મુક્ત થાય, પણ ‘ શોખ-શ્રદ્ધા ને ચટાકા “ માંથી એ રીટાયર થતો નથી. આ ત્રણ કુંડાળામાં જે પડ્યો, એને પછી બ્રહ્મા ખુદ આવે તો પણ બહાર ના કાઢી શકે....! આપણે ક્યાં નથી જાણતાં કે, ગોકુળમાં રાસ રમવાની ઈચ્છા તો ખુદ શંકર ભગવાનને પણ થયેલી.....!

આજે તો માતાજીના નામ આવડે કે નહિ આવડે, પણ ગરબાના બધ્ધા ‘ સ્ટેપ ‘ માં પારંગત. પાકટ માણસનું તો એમાં પાણીચું થઇ જાય. કારણ સખણું ચાલવામાં જ ‘ સ્ટેપ ‘ ને કાલાવાલા કરવા પડતાં હોય, એ ગરબાના ‘ સ્ટેપ ‘ ક્યાંથી મેળવે....? તેમ છતાં પણ ગરબામાં ઘુસી ગયા, તો એવું ફિલ થાય કે, ચાલીસનો ઢાંઢો જાણે પહેલા ધોરણમાં ભણવા નહિ દાખલ થયો હોય...? એમાં ઢીંચણ પકડીને ગરબો ગાતા હોય, ત્યારે તો એવું જ લાગે કે, આપણે ગરબો ગાવા આવ્યા છે કે, ગરબામાં ભીખ માંગવા....?

***