Chaulano Nirnay in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | ચૌલાનો નિર્ણય

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ચૌલાનો નિર્ણય

ચૌલાનો નિર્ણય

દામોદર મહેતો પાટણમાં આવી ગયો હતો. તેણે અને વિમલે હમણાં અર્બુદમંડલ તરફ વધારે બંદોબસ્ત રાખવાની અગત્ય જોઈ લીધી હતી. ધંધૂકરાજને ભોજરાજ જેવો મહાન રાજા એકદમ પોતાની અસર તળેથી ખસવા દે એ શક્ય ન હતું. વિમલનું સૈન્ય ત્યાં પડ્યું રહ્યું, એ વધારે વખત ત્યાં રહે એમ નિર્ણય થયો.

દરમ્યાન આંહીં પાટણમાં મહારાજ ભીમદેવ લૂંટનો કેટલોક ભાગ લઈને પાછા આવે છે એવી હવા પ્રગટી હતી. એવી વાત આવતાં લોકોમાં નવો ઉત્સાહ આવ્યો, મહારાજ ભીમદેવ અને રા’ નવઘણ બંને ચિંઘના રણમેદાનમાં જઈને ગર્જનકના સૈન્યને હેરાન કરી આવ્યા હતા. લૂંટનો કેટલોક માલ પાછો લાવ્યા હતા, અન ેગર્જનકને એ રસ્તે જવું પડ્યું હતું કે જે રસ્તે લોદ્રવાના દુસલરાજ, ભટ્ટીરાજ અને જાટોનો સમૂહ આડે હતો. નીલઆબનાં પાણીમાં હોડીઓ રાખીને જમીન ઉપર જતા સુલતાનના સૈન્યને હેરાન કરવાની જાટોને પૂરી તક મળી હતી.*

થોડા જ વખતમાં સમાચાર આવ્યા કે દુસલરાજ, વ્રજદેવ, ભટ્ટીરાજ બધાએ સુલતાનના સૈન્યને હેરાન કરવામાં મણા રાખી ન હતી.

થોડોઘણો બદલો લેવાનો સંતોષ બધે પ્રગટી નીકળ્યો પણ એથી વધુ તો એ વાતનું મહત્ત્વ હતું કે સુલતાનને જે કડવો અનુભવ થઈ ગયો હોય. તે એને ભવિષ્યમાં આટલે લાંબે આવતાં હવે વિચાર કરાવશે.

--------------------

*જાટલોકોના હુમલાથી સુલતાનને સારી હેરાનગતિ થયેલી તેવો ઉલ્લેખ છે. એક વ્રજદેવે કેટલીક લૂંટ પાછી મેળવવાની વાત પણ છે. જાટોને સજા કરવા મહમૂદે બીજે વર્ષે હુમલો કરેલો, હોડીઓ દ્વારા.

એ રીતે પાટણ ઉપરનો તાત્કાલિક ભય દૂર થતો હતો.

પણ દામોદરને હજી આરામ ન હતો. પેલા ત્રણ નરપુંગવોની કથા જાણવા માટે એ આતુર હતો. એમનું શું થયું એ હજી જણાયું ન હતું.

તેમના વિષેના કાંઈ સમાચાર હજી આવ્યા ન હતા. જેમ રેતીમાં માણસ દટાઈ જાય તેમ એ ત્રણનો વાત જ દટાઈ ગઈ હતી. કોઈ કાંઈ કહેતાં કાંઈ કહેતું નહોતું.

મહારાજ ભીમદેવના આવવાની રાહ જોતો દામોદર બેઠો હતો. દેખીતી રીતે મહારાજ દુર્લભસેન હજી પાટણમાં હતા. દામોદર સોમનાથ પહોંચી ગયો હતો. મહારાજ આવે ત્યારે પહેલાં ત્યાં જ આવવાના.

પણ એના મનમાં હવે બીજા કૈંક ઘોડા ઘડાતા હતા. વિમલમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં એને કહ્યું હતું કે જો દેવનર્તિકાને રાજરાણીપદે સ્થાપી, તો તમારું પાટણનું કોઈ ગૌરવ કોઈ પણ રાજ્યમાં રહેશે નહિ. તમને સૌ શાપિત ગણી કાઢશે.

વિમલની વાત સાચી હતી. પણ રાજા ભીમદેવને દામોદર ઓળખતો હતો. એ ચૌલાને લાવવાનો તો રાજરાણી તરીકે. એ એને બીજે કોઈ પદે રાખે જ નહિ. એના પ્રત્યેનો એનો ઉત્કટ પ્રેમ કાં એને રાજરાણી તરીકે લાવે; અને નહિતર કાંઈ નહિ. ત્રીજી કોઈ વાત ભીમદેવ સાંભળે નહિ, કરે નહિ, માને નહિ, ગણે પણ નહિ, વિચારે જ નહિ.

જ્યારે પોતે માનતો હતો કે પાટણને માટે આ જરૂરી હતું કે સોરઠમાં હવે લડાઈઓ ન થાય. હવે જૂનાગઢ તરફતી નિરાંત ને મૈત્રી મળે ને કચ્છ સોરઠની લડાઈઓ બંધ રહે, તો લાટ, અર્બુદમંડલ, નડૂલ, માલવા, ચેદી ને સિંધના હમ્મુક જેવા સાથે ભરી માપવાની એની મહેચ્છા હતી. ગુજરાતને સમર્થ અને મહાન બનાવવા માટે, આ બધા પાસે એની ગણના થાય એ જરૂરી હતું.

ગર્જનક પાછો બે-પાંચ વરસે જ્યારે આવે ત્યારે, એનો સામનો એકલું ગુજરાત કરી શકે તેટલું બળવાન ગુજરાત, દામોદરની કલ્પનામાં રમતું હતું.

એટલે એ રા’ નવઘણને પાટણ સાથે મેળવી લેવાના મતનો હતો. રા’ નવઘણજી મહારાજના મિત્ર તો હતા, પણ હવે એ સંબંધી બને, તો જ આ સંબંધ સ્થાયી નીવડે. પોતે તો ક્યારની એ વાત ચલાવી હતી. મહારાજ ભીમદેવે નકાર જેવો જવાબ પણ વાળ્યો હતો.

પણ આ ચડાઈમાં બંને વધારે નિકટમાં આવ્યા હતા. એટલે જૂનાગઢ તરફની નિરાંત થઈ જાય તો ગુજરાતને પૂર્વમાં વધવાની વિકાસ કરવાની તક મળે. એવો વિકાસ જ એને મહાન બનાવે.

જૂનાગઢની લડાઈમાં તો માલ કાંઈ નહિ. જીતે તો કાંઈ કિંમત નહિ કાંઈ ફાયદો નહિ. હારે તો દુનિયા આખી મશ્કરી કરે. જૂનોગઢનો રા’ ગિરનારના પથરા જેવો. કોઈ દી હારે નહિ. હારે તો પગ પાછો પાંચે પંદરે ઊભો જ હોય ! એની લડાઈ એની એક સાંઢણી ઉપર ! એની આખી વાત જ અનોખી.

દામોદરને આ નિરર્થકની લડાઈમાંથી મહારાજ ભીમદેવને છૂટા કરી નાખવા હતા. તો જ એને મહાન સાગરમાં પડવાની પ્રેરણા મળે. નવઘણ રા’ની ઉદેમતી વિષે મહારાજ ભીમદેવ વિચાર કરે, એને રાજરાણી બનાવે, એ પાટણ માટે જરૂરી હતી. અનિવાર્ય હતું, લાભમાં હતું; રાજદ્વારી કુનેહની દૃષ્ટિએ કરવા જેવું હતું.

પણ દામોદરને હવે ચિંતા આ વાતની હતી. ભીમદેવ કાંઈ એ વાત માને ખરો ? ને ન માને તો શું થાય ? ચૌલાને જ રાજરાણી બનાવવાનો આગ્રહ રાખે તો શું પરિણામ આવે ? જે પાટણને પોતે મહાન બનાવવા માગતો હતો, એ એના સ્વપ્નાનું શું થાય ?

એને એક જ આશા હતી. ચૌલાના ગૌરવની ચૌલાની ગૌરવભરી રીતિ એ એની પોતાની જ હતી. એ ગૌરવનો એક રેખામાત્ર ભંગ એ ન સહી શકે. એનામાં મહારાજ ભીમદેવ જેવાને પણ રાહ જુઓ એમ કહેવાની હિંમત હતી. અને એ હિંમતમાં જે ગૌરવ હતું, તે ચૌલાનું પોતાનું જ હતું. એ બીજે ક્યાંય જોવા ન મળે.

દામોદરને આશા હોય તો આ આશા હતી. ભીમદેવને એ ઓળખતો હતો. એના જેવો વીર મળવો મુશ્કેલ હતો. પણ એને એના માર્ગમાંથી પાછા વાળવો એ આકાશપાતાળ એક કરવા જેવું હતું.

ચૌલા મારે થઈને આખું રાજ ઘડીના છઠ્ઠા ભાગમાં ફેંકી દે એ જાતનો એ વીર હતો. એને કોઈ યોજનામાં મૂકવો એ ઘણી કુનેહ, તપશ્ચર્યા, જાતદેખરેખ માગે તેવી વાત હતી. એવામાં એક દિવસ મહારાજ ભીમદેવ, રા’ નવઘણ. એમનાં સાંઢણીદળો અને સૈનિકો દેખાયાં. સોમનાથમાં ઉત્સાહ પ્રગટ્યો. લોકોને જાણ થઈ. મહારાજે ભીમદેવ ગર્જનકે હાંકીને પાછા આવ્યા છે. એ વાતની વીજળીમાં આખું સોરઠ આવી ગયું. સોરઠનો રા’ નવઘણ ને મહારાજ ભીમદેવ લોકના પ્રીતિપાત્ર થઈ પડ્યા. દામોદરે જોયું. આ તક હતી. તે પ્રતીક્ષા કરી રહ્યો.

ભગવાન સોમનાથના ભગ્ન મંદિરના છિન્નભિન્ન ચોકમાં મહારાજે પાછી મેળવેલી શેષ લૂંટના ઢગલા થયા. મહારાજ ત્યાં હતાં. રા’ નવઘણજી હતા. સરદારો સામંતો આવ્યા હતા. બ્રાહ્મણો હતા. મઠપતિજી પોતે હાજર થયા હતા.

એક નાનકડા યુદ્ધે પણ લોકના દિલમાં ફરી આશાનો સંચાર કર્યો હતો. મહારાજને વધારે આગળ ન વધ્યાનો વસવસો રહી ગયો હતો, પણ લૂંટના આ ભાર સાથે ને છેતરામણી ઋતુમાં આગળ જવું અશ્કય હતું. વળી હમ્મુક આવી તકની રાજ જ જોતો હોય. રા’ નવઘણજી જીવનભર સિંધના હમ્મુક સાથે આથડ્યા જ કર્યા હતા. કચ્છને ને પાટણને પોતાના પડખામાં લઈ ફરી વાર એની સાથે આથડવાની મહત્ત્વાકાંક્ષા એ સેવતા હતા. દામોદરને એથી જ અત્યારે પાટણ-જૂનોગઢનો સંબંધ શક્ય જણાતો તો.

લૂંટમાં જે માલ ભગવાન સોમનાથના મંદિરનો હતો, તે મઠપતિજીના ચરણે ધરાયો. ચારે તરફથી આવેલા લોકોએ મોટો ઘસારો કરી મૂક્યો. નવા ઊભા થનારા મંદિર માટે સોના-રૂપાના ઢગલા મહારાજ પાસે થવા માંડ્યા. સૌની નજરે એ વખતે ભીલરાજ વરહોજી ચડ્યો. બાપદાદાના જમાનાનો લૂંટનો લાખ્ખો દ્રમ્મનો સંગ્રહ એ ત્યાં લાવ્યો. ગોગદેવ ચૌહાણને સાંભરી આવ્યું. પોતે ઑહીં આવ્યો ત્યારે આ ભીલની સ્ત્રી મોતડીએ જ એને આ ખજાનો સોમનાથને ચરણે ધરી દેવા માટે બતાવ્યો હતો.

ગોગદેવ સોમનાથનો પરભક્ત હતો. એને આ બધા દૃશ્યે નવું જીવન આપ્યું હતું. એ મહારાજની સાથે આંહીં આવ્યો હતો જ એટલા માટે કે, પોતાના શરૂ થનારા અન્નક્ષેત્ર વિષે મંત્રી સાથે વાત કરી લે, હજી મંત્રીને મળવાની એને તક જ મળી ન હતી.

લોકો આ પ્રમાણે નવમંદિર નિર્માણની હવામાં આનંદી રહ્યા હતા, ત્યાં કચ્છના કીર્તિગઢનો વિહિયાસ મકવાણો પણ આવી ચઢ્યો. એની સાથે મોટું સાંઢણીદળ હતું. લોકોમાં આનંદની હેલી આવી ગઈ. એ વીરને બધા ઓળખતા. એ અને રા, નવઘણ જમાનાજૂના દોસ્તો હતા. બંને સિંધના હમ્મુક સાથે જીવનભર લડાઈઓ લડવાનો શોખ ધરાવતા હતા.

એ દર વર્ષ વરસોમની પેઠે જ સિંધના હમ્મુક સાથે લડવા જાય. એને ટપારે. દ્વંદ્વ યુદ્ધો થાય. સાંઢણીદળો દોડે. નામીમાં નામી સાંઢણીઓની, ત્યાં રેતના રણને પણ સજીવન થવાનું મન થાય, તેવી સ્પર્ધા જામે. લડાઈનો આનંદ ભોગવે. અને એમ ને એમ પાછા છૂટા થાય. એમની લડાઈઓનો, લૂંટોનો, એકબીજાને હાથતાળી દીધાનો, કોઈ અંત જ નહિ. એમનો અંત જીવન સાથે અને જીવન સાથે પણ શાનો ? એમને માટે આ આખી, એક અનોખી જ શૌર્યની ગાથા હતી. જીવનના અંત વખતે એમને વારસામાં આપવાની વસ્તુ હીરા-માણેક-મોતી કરતાં પણ વધારે મૂલ્યવાન તે આ, વેરનો વારસો ! અધૂરાં રહેલાં યુદ્ધો, અપૂર્ણ રહેલી પ્રતિજ્ઞાઓ, ન પળાયેલાં વચનો. આમ આ વસ્તુ પરંપરામાં ઊતરતી જ રહે. રા’ની શૌર્યનીતિ એ પ્રકારની. મકવાણાઓની એ પ્રકારની. દામોદર જાણતો હતો, આ ભીમદેવ મહારાજના લોહીમાં પણ તનમનાટ એ પ્રકારનો જ. પણ દામોદર પોતે, મહાસમર્થ ગુજરાતના એક ચક્રવર્તી સ્વામી થવા માટે એનું નિર્માણ કરવાનું સ્વપ્નું સેવતો હતો. અને અંગત સ્વજન કરતાં પમ વધારે પ્રેમભક્તિથી એને દોરી રહ્યો હતો.

એટલે આ બધા ઉત્સવના વાતાવરણ નીચે વહેતી પોતાની ચિંતા પોતે ભોગવી રહ્યો હતો.

વિહિયાસ મકવાણો આવતાં ‘જય સોમનાથ’ની ઘોષણા દિગંતવ્યાપી બની ગઈ હતી. મકવાણો પણ મહારાજને ચરણે ધરવા સોનાં-રૂપાં લાવ્યો હતો.

સોમનાથની લૂંટના સમૃદ્ધ શેષ ભાગો એક પછી એક જોઈ તપાસીને ખાતરી કરી મઠપતિજીને ચરણે ધરાવા માંડ્યા. મહારાજ ભઈમદેવ પોતે એક પછી એક વસ્તુ ઉપાડતા હતા, અને પ્રેમભક્તિથી એ મઠપતિજીને પાછી સોંપતા હતા.

એના ઉપર જે કાંઈ પવિત્રતાનું આહ્‌વાન થવાનું હતું તે તો મંદિરના નિર્માણ વખતે થવાનું જ હતું. અત્યારે તો ભગવાન સોમનાથની શેષ વસ્તુઓ પાછી સોંપાતી હતી. લોકો એ એકી નજરે જોઈ રહ્યા હતા. ચારે તરફ ઉત્સાહ રેલાતો હતો. બધું સોમનાથને ચરણે ધરવાનું વાતાવરણ પ્રગટ્યું હતું.

એવામાં એક અનુપમ મોતીની માળા, મહારાજના હાથમાં આવી. મહારાજ પોતે પણ એનાં લંકાદ્વીપનાં પાણીભર્યાં મોટાં તેજસ્વી મોતી જોઈ રહ્યા. એનું તેજ અલૌકિક હતું. એની શુભ્રતા ચંદ્રની હરીફાઈ કરે તેવી હતી. એ એક જ માળા જો માણસના હાથમાં હોય કે એના કંઠમાં પડી હોય, તો પોતે અજર અમર થઈ ગયો છે એવી નવી જ હવા એનામાં ભરી દે. એવી એ માળા હતી !

પાટણના ગુર્જરેશ્વર જેવાને જે માળા ફરી ફરીને જોવાનું મન થાય તે માળા કેવી હશે એ એક કોયડો થઈ પડ્યો. મહારાજે માળા હાથમાં લીધી. તે ઊંચી કરી. ‘મોતીની માળા’..... તે બોલ્યા, ‘લ્યો, મહારાજ મઠપતિજી !’

મઠપતિજી માળાની સામે એક પળભર જોઈ રહ્યા. પછી એણે કાંઈક ન સમજાય તેવી ઉપેક્ષાથી ડોકું ધુણાવ્યું : ‘એ માળા આંહીંની નથી.’ એ બોલ્યા.

‘ત્યારે ક્યાંની હશે ? એના માલિકને ક્યાં શોધવો ?’ ‘મહારાજે માળા હાથમાં લઈ ઊંચી કરી. પોતે બેઠા થયા. આખી મેદની સામે એ ધરી. જે કોઈની આ હોય, તે આગળ આવે !’ મહારાજ બોલ્યા.

મેદની શાંત બની ગઈ. એક કાંકરો પડે તો સંભળાય તેવી શાંતિ થઈ ગઈ. આવી મૂલ્યવાન મોતીની માળા કોની હશે એ એક કુતૂહલનો વિષય થઈ પડ્યો અને જેમ એ માળા ત્યાં હવામાં લટકતી રહી, તેમ તેમ તો એ, પોતાનું આકર્ષણ જમાવતી ગઈ. કેટલાકની આંખમાં તો એ એવી રીતે ઠરી ગઈ કે જાણે એમને માટે એ જીવનભરનું સ્વપ્નું બની ગઈ.

મહારાજે ફરીને એ મેદની સામે રાખી. દામોદર પોતે ઊઠ્યો. ‘આ માળા જેની હોય તે લઈ જાય. ભગવાન સોમનાથની એ નથી.’

પણ મેદનીમાંથી કોઈ આગળ આવ્યું નહિ. મોટો કુતૂહલનો વિષય થઈ પડ્યો. આ માળાનો માલિક બીજો જ કોઈ હોવો જોઈએ. કોઈ મહાન રાજવીના કઠંને શોભાવે તેવી આ માળા ખરી રીતે કોની છે. એ નિર્ણય કરવાનું મુશ્કેલ બની ગયું. માળા દામોદરના હાથમાં રહી ગઈ. અને બીજી શેષ વસ્તુઓની સોંપણી આગળ ચાલી.

*

સોમનાથ સમુદ્રના જળમાં રસળતી આછી સંધ્યાને જોતો દામોદર, તે દિવસે સાંજના, પોતાના ખંડમાં બેઠો હતો. સામે સમુદ્રનું અફાટ પાણી પોતાનું સનાતન ગાન ગાઈ રહ્યું હતું. દામોદર એક પળભર કવિ બની ગયો હતો. એને થયું કે આ એક કેવી અલૌકિક જગરચના છે કે જે સમુદ્રે આંહીં વૈભવની ટોચ જોઈ હતી, તે જ સમુદ્રે આંહીં વિનાશનું તાંડવ જોયું, પણ એના હૃદયગાનમાં એક સૂર તો શોકનો હો ! એક સૂર શોકનો મળે નહિ. એ તો આનંદમાં મસ્ત હતો. આનંદમાં પોતાનું ગાન ગાઈ રહ્યો હતો. કોણ સાંભળે છે, કોણ નથી સાંભળતું એની પણ પડી ન હતી. : ‘શું જીવનનું કદાચ આ જ રહસ્ય નહિ હોય કે એમાં કોણ આવે છે, કોણ જાય છે, શું થાય છે, શું નથી થતું, કેટલાં રાજ્યો આવ્યાં, કેટલાં આથમ્યાં, કેટલા રાજાઓ થયા, કેટલા પડ્યા, કેટલા મંત્રીઓ જન્મ્યા, કેટલા મર્યા, કેટલા પ્રધાનો દોઢડાહ્યા હતા. કેટલા મૂરખના મૂરખ હતા, એનો જાણે કોઈ હિસાબ જ ન હોય, કોઈ મહત્તા જ ન હોય, તેમ જે કોઈ પોતાની અનોખી મસ્તીમાં બસ, એ ને હવાની લેરખી પેઠે, આનંદ આનંદ પ્રવાસ ખેડ્યા કરે, તે માણસ જીવનનું રહસ્ય મેળવે !’ આ સમુદ્ર કદાચ આટલી વાત કહેવા માટે જ આ સતત ગાન કરી રહ્યો નહિ હોય ? નવી નવી મહત્ત્વાકાંક્ષી યોજના પોતે ઘડી રહ્યો હતો, એ એને અત્યારે સુસંગત જણાયું....

દામોદરના દિલની કવિતા એને કોણ જાણે ક્યાં લઈ જાત, પણ એ જ વખતે આયુષે આવીને સમાચાર આપ્યા : ‘મહારાજ પોતે આવી રહ્યા છે, પ્રભુ !’

દામોદર પોતાની સ્વપ્નસૃષ્ટિમાંથી એકદમ જ ધરતી ઉપર આવી ગયો. આજે જે એણે રા’ નવઘણજી અને વિહિયાસ મકવાણાને પોતપોતાના સંબંધો વિશેષ દૃઢ થાય, એવી કાંઈક વાતમાં પડેલા જોયા હતા. સંભવિત છે કે રા’ નવઘણજીએ મહારાજ ભીમદેવને વાત કરવા માટે વિહિયાસજીને પ્રેર્યો હોય. મહારાજ ભીમદેવ ઊંચાનીચા થઈ ગયા હોય. આંહીં આવી રહ્યા છે. એનો અર્થ એ જ હોઈ શકે, એમ દામોદરને લાગ્યું.

આ જાણવા માટે એને બહુ વાર ખોટી થવું પડ્યું નહિ. મહારાજ ભીમદેવ તરત જ એના ખંડમાં દેખાયા. એ એકલા પગપાળા આવ્યા જણાતા હતી. રક્ષક સિંહનાદ ત્યાં બહાર ઊભો રહી ગયો હતો.

ખંડમાં દીપક પ્રગટ્યો મહારાજ ભીમદેવ ત્યાં આવ્યા. એમનો ચહેરો જોતાં જ દામોદર પામી ગયો કે પોતાનું અનુમાન સાચું હતું. મહારાજ અસ્વસ્થ હતા, અને અવ્યવસ્થિત હતા. એમની મા લક્ષ્મીદેવીએ ને પિતા નાગદેવે, જીવનની છેક છેલ્લી ઘડીએ, જે અતિ વિરલ બહાદુર જુવાનને પોતાના આધારે છોડ્યો હતો, તે સોંપણી સમયનું વાતાવરણ પોતાની આસપાસ ફેલાઈ ગયેલું દામોદર અનુભવી રહ્યો એને આ વિરલ જુવાનને દોરવાનો હતો. એને બહાદુરી શું એ બતાવવાનું હતું. એને ચક્રવર્તી રાજપદની ભાવનામાં રાચતો થાય એમ કરવાનું હતું. દામોદર વિચાર કરતો તેની સામે જોઈ રહ્યો.

તેણે બે હાથ જોડ્યા : ‘મહારાજ ! અચાનક, અત્યારે ?’

ભીમદેવ ત્યાં ગાદી ઉપર બેસી ગયો. પગ લાંબા કર્યાં. પોતાની તલવાર સંભાળી. અવાજને સંયમમાં લાવવા માટે પ્રયત્ન કરતો જણાયો, તે ધીમેથી બોલ્યો : ‘દામોદર ! આ શી વાત છે રા’ની ?’

‘શી વાત છે, મહારાજ ?’

‘તેં એને કાંઈ કહ્યું છે ?’

‘મેં તો જે કાંઈ કહ્યું છે, તે તમે જાણ્યું છે મહારાજ ! મેં તો જે કાંઈ કહ્યું છે, તે તમારી વતી કહ્યું છે. એમાં મારું કાંઈ નથી !’

‘પણ એ મારે પાળવાનું છે એમ ?’

‘રાજા વેણ પાળતા આવ્યા છે. તમારે પાળવું ન પાળવું એ તમે જાણો !’

ભીમદેવ વિચાર કરી રહ્યો. પછી તે દૃઢ શાંતિથી બોલ્યો : ‘તારી વાત તો સમજાય છે દામોદર ! પણ હું તો પહેલાં નર્તિકા ચૌલાદેવીને રાજરાણીપદે સ્થાપવાનો છું. જે થવું હોય ને જે બનવું હોય તે ભલે બને !’

દામોદરે રાજાને એના અસલી રૂપમાં જતો જોયો. તેણે વાત તરત વાળી ‘મહારાજ ! ત્યારે હું તમને કહીં દઉં. એ વાત તમારા હાથની પણ નથી !’

‘ત્યારે કોના હાથની ?’

‘ચૌલાદેવીના હાથની. એનો નિર્ણય એ છેલ્લો નિર્ણય હોઈ શકે.’

દામોદરની વાત કરવાની ઢબથી ભીમદેવ આકળો થઈ ગયો.

‘દામોદર મહેતા ! તમારી વાત ન્યારી છે. હું આમાં બીજું કાંઈ સમજું નહિ. હું તો એક જ વાત સમજું !’

‘શી ?’

‘ચૌલા પહેલી; એ જ રાજરાણી. બીજી કોઈ વાત નહિ !’

‘મહારાજ !’ દામોદરનો અવાજ દૃઢ થઈ ગયો : ‘તમને વાત થઈ ગઈ છે. પાટણમાં એ નહિ બને. પાટણના રાજાથી એ નહિ બને !’

‘ત્યારે કોનાથી બનશે ?’

‘તેં તમે વિચારો. મેં તમને આજ દિવસ સુધી ઘણી વાતો કહી છે. ભીમદેવ મહારાજ રણજોદ્ધાને, જે કરવું હોય તે કરી શકે છે. પાટણપતિથી આવું કોઈ પગલું ન લેવાય !’

‘તો હું રાજ છોડી દઉં એમ ? મારે રાજ જોઈતું નથી. દુર્લભ કાકા આવ્યા છે, તે ભલે ચલાવે !’

દામોદર વિચારમાં પડી ગયો. તેમને ભીમદેવ મહારાજ પોતાના જુવાન નાના ભાઈ સમો ભાસતો હતો. તેને તેના પ્રત્યે અથાગ પ્રેમભક્તિ હતી. તે તેના હૃદયને સમજી ગયો. તેણે તરત જ દૃઢ આજ્ઞાભર્યા, સત્તાવાહી, પણ પ્રેમભરપૂર અવાજ ેકહ્યું : ‘મહારાજ ! તમે રાજગાદી છોડી શકતા નથી. લક્ષ્મીદેવીએ તમારો હાથ મને સોંપ્યો છે. હું એમના વચનને ઉલ્લંઘી શકતો નથી. તમારે જ રાજા તરીકે રહેવું પડશે !’

‘પણ મારે રા’ નવઘણ સાથે સંબંધ બાંધતો નથી. પછી ?’

‘પછી આ, મારે સંબંધ બાંધવો છે !’ દામોદરે એકદમ જ સીધો જવાબ વાળવામાં ડહાપણ જોયું.

‘એટલે હું રાજ ન છોડી શકું, મારા ધાર્યા પ્રમાણે સંબંધ ન બાંધી શકું. મારા મન પ્રમાણે વર્તી ન શકું, તો પછી હું રાજા શેનો ? મારે એવું રાજ જોયઈતું નથી. રાજા રહેવું નથી. મારે રાજ કરવું નથી. મારે મને ઠીક પડે તેમ કરવું છે.’

‘મહારાજ ! તમે કોણ જાણે કઈ રીતે વિચારો છો ? મને તો એ સમજાતું નથી. મેં તમને ન કહ્યું રા’ નવઘણ કે વિહિયાસ મકવાણા આપણી કરતાં જુદી જ કક્ષાના શૂરવીરો છે. તમે પાટણને ચક્રવર્તીપદે સ્થાપવા નીકળ્યા છો. તમારું એ જ જીવન છે. તમે કઈ રીતે તમારી વાત તમારા ધાર્યા પ્રમાણે કરી શકો ? તમે તો જે જીવન સ્વીકાર્યું, તેના મેળમાં આવે, તેવી રીતે જ વાત કરી શકો. આપણે રા’ નવઘણજીને આપણા પક્ષમાં સ્થાપી લેવાના છે. તો આપણે આ તરફ નજર કરવી મટી. તો જ આપણે ભારતભરમાં ગુજરાતને નામના અપાવનારી મહાન બનવાની રાજનીતિને દોરી શકીએ. આપણે નડૂલ, અર્બુદ, ચેદી, સિંધ ત્યાં સૈન્યો દોરવાનાં છે. આ એક સાંઢણીનાં જુદ્ધ. આંહીં રા’ નવઘણને ને મકવાણાને મુબારક હો. આપણે આપણી રાજનીતિ ઘડી કાઢી છે. તે અપનાવી છે. તમારે તે રાજનીતિની રેખા પ્રમાણે વર્તવાનું છે. નવઘણ રા’ને આપણે સંબંધી બનાવવાના છે. એમણે આ વખતે જેવા તેવા ભોગ આપ્યા નથી. એમને આપણે આ રીતે માન ન આપીએ, તો બીજી કઈ રીતે આપીએ, મહારાજ ?’

‘એ બરાબર, પણ; ભીમદેવ બોલ્યા. એ જ વખતે દામોદરને મુશ્કેલીમાંથી બચાવનારો અવાજ આવ્યો : ‘મંત્રીરાજ, આવું કે ?’

દામોદર ને ભીમદેવ બંને ચમકી ગયા. અવાજ ચૌલાનો જ હતો. એટલી વારમાં તો આયુષ દોડતો આવ્યો. ‘પ્રભુ ! ચૌલાદેવી આવેલ છે. એ હમણાં જ મળવા માગે છે. પાટણ જવાની તૈયારી કરીને એ આવ્યાં છે. એમની સાંઢણી બહાર ઊભી છે.’

ચૌલાદેવી તત્કાળ આવી છે, તેમાં કાંઈક રહસ્ય હોવું જોઈએ. દામોદરે રાજા સામે જોયું. સામને ઉઘાડા ખંડ તરફ દૃષ્ટિ કરી : ‘મહારાજ ! ત્યાં જવાય તેમ છે !’

રાજા ભીમદેવ તત્કાળ ઊભો થઈને, પાસેના ખંડમાં ગયો. એટલી વારમાં ચૌલાદેવી આગળ આવી ગઈ હતી. પણ તે ત્યાં બહાર ઊભી રહી ગઈ હતી. દામોદરે એને આવવા દેવા માટે આયુષને અનુજ્ઞા આપી. અને તે તરત અંદર આવી. દામોદર તેને આવતી જોઈ રહ્યો. તેનું અનુમાન સાચું હતું. ચૌલાદેવીએ કાંઈક નિર્ણય લઈ લીધો લાગતો હતો. દામોદરે તેને બેસવાની સંજ્ઞા કરી. પણ તે પોતાના ગૌરવમાં ઊભી રહી. ‘મંત્રીરાજ ! હું તમને કહેવા આવી હતી કે આજથી હું ભગવાન સોમનાથની દેવનર્તિકા રહેતી નથી !’

‘અરે ! કેમ ? કેમ ? શું થયું છે ?’

દામોદર ચમકી ગયો. તેને પહેલો ભય એ લાગ્યો કે કદાચ આ ભીમદેવની પેઠે ક્યાંક આહ્‌વાન આપવા માટે ન આવી હોય ? તો તો બે સાચાં પ્રેમીઓની ગાંડી સ્વપ્નસૃષ્ટિ વચ્ચે એ પોતે જ ચગદાઈ જવાનો. એને ભય એ લાગી ગયો. પણ તેણે ચૌલા સામે જોયું. એના ગૌરવમાં એ હજી અદ્વિતીય જણાતી હતી. ત્યાં કોઈ ઠેકાણે નાનકડા પ્રેમનો સ્પર્શ ન હતો. પોતાની એક અનોખી અદ્વિતીયતા એ જાળવી રહેલી જણાઈ. દામોદરને પ્રતીતિ થઈ. આ નારી કોઈ દિવસ ભીમદેવ લઘુ દેખાય તેવું તો નહિ કરે. તેણે ધીમેથી કહ્યું : ‘કેમ તમે એમ કહ્યું ? આ વાત તો મઠપતિજીના અધિકારની છે ?’

‘એમને મેં જણાવી દીધું છે. એમણે અનુજ્ઞા આપી છે. તમને તો હું એમ કહેવા આવી છું કે હું પાટણમાં જાઉં છું !’

‘પાટણમાં હરકોઈ જઈ શકે છે. તેમાં અનુજ્ઞાની જરૂર નથી !’ ગૌરવભરી છટાથી ચૌલા બોલી : ‘પણ હું હરકોઈ નથી. મંત્રીજી ! તમે આ જાણો છો. એટલે જ તમને એક વાત કહેવા હું આવી છું !’

‘શું ?’

‘આજે જે મોતીની માળા તમારા હાથમાં રહી ગઈ છે, તે કોની છે, જાણો છો ?’

દામોદરનું આશ્ચર્ય હવે વધી ગયું. તેણે નકારમાં ડોકું ધુણાવ્યું : ‘કોની છે ?’

‘એ મૌક્તિકમાળા મારી છે, મંત્રીશ્વર !’

‘એમ ? એ અમને ખબર નહિ. તો તો હમણાં જ હું તમને એ આપી દઉં. માળા આંહીં જ છે !’

‘એ માળા લેવા હું આવી નથી. હું તો તમને કહેવા આવી છું કે આ માળા....’

‘ભગવાન સોમનાથને ચરણે ધરવાની છે, એમ ?’

‘ના, ના ભગવાન સોમનાથ કરતાં પણ કોઈ મહાન હોય છે, એમને ચરણો !’

‘હેં ? ભગવાન સોમનાથ કરતાં મહાન ? તમે દેવનર્તિકા થઈને આ શું બોલો છો ? ભગવાન સોમનાથ કરતાં વધારે મહાન કોઈને હું ઓળખતો નથી !’

‘તમે નહિ ઓળખતા હો. હું ઓળખું છું !’ ચૌલા દૃઢ શાંતિથી બોલી.

‘કોણ ?’ દામોદરે ગભરાટથી પૂછ્યું. એને ડર લાગી ગયો કે આ ચૌલા ક્યાંક ભીમદેવના ઉત્કટ પ્રેમથી પ્રેરાઈને, જો નામ આપી દેશે તો એની પોતાની કફોડી સ્થિતિ થઈ જશે.

ચૌલા સહેજ હસીને બોલી : ‘મંત્રીરાજ ! તમે એને ઓળખો છો.’

દામોદરને હવે એક વાત લાગી આવી. એણે અનુભવ્યું હતું કે કોણ જાણે આ નારીમાં એવું શું આકર્ષણ હતું, પણ એની પાસે કોઈ પણ બે ઘડી વાત કરે, અને એને એ મહારાણીની મહારાણી જેવી દેખાય ! એના નૃત્યમાં જે મોહિની હતી, તે બધે જ વ્યાપક હતી.

પોતે પાટણનો મંત્રીશ્વર હતો. આ એક દેવનર્તિકા હતી. ભીમદેવને ભલે એનું આકર્ષણ હોય, પણ એને કેટલું ને કયું સ્થાન આપવું, સ્થાન આપવું કે ન આપવું, એ એની સત્તાની વાત હતી. છતાં અત્યારે એ એવી ઢબથી વાત કરી રહી હતી કે જાણે એ મહારાણી હોય - ને પોતે બધાના જેવો સામાન્ય હોય !

‘હું એને ઓળખું છું ? તમારી ભૂલ થતી લાગે છે ?’

‘મંત્રીરાજ ! આ મૌક્તિકમાળા તો હું એના કંઠમાં આરોપવાની છું, જે અભિનયકાર, પોતાની આબેહૂબ છટા વડે પંડિત ધૂર્જટિને ફરીને જિવાડે - જે એને ફરીને જિવાડે, એ અદ્‌ભુત નટ, આ માળા મેળવે !’

દામોદરે છુટકારાનો દમ ખેંચ્યો. પણ એણે જોયું કે ચૌલાની આ એક વાતે આખું વાતાવરણ ફેરવી નાખ્યું હતું. તે રાજરાણી જ રહી હતી. એણે જીવંત ચેતન શક્તિના ગૌરવને મહાન ગણ્યું હતું. મહાદેવ કરતાં પણ મહાન.

‘પંડિત ધૂર્જટિનું શું કહ્યું તમે ? એને ફરી જીવંત કરે ? ક્યાં છે એ પંડિત ? તમે જાણો છો ?’

‘તમને ગોગદેવ મળ્યો લાગતો નથી. એ તમને કહેશે. પણ મંત્રીશ્વર ! તમે જે કોઈક વખત હજારો જોદ્ધાઓ ન કરી શકે તે કામ, કોઈ નૃત્યનાટક દ્વારા એકાદ રંગભૂમિના મંચ ઉપરથી સિદ્ધ કરવાના છો. તમે સમજો છો, કે પંડિત ધૂર્જટિને સજીવન કરવો એટલે શું ? કોને ખબર છે મંત્રીરાજ ! આવી ઉદાત્ત કલ્પના પ્રજામાં શું નું શું ન પ્રેરે ?’

પણ તમે શું કહ્યું પંડિત ધૂર્જટિનું ? એ પોતે ક્યાં છે ? શું આંહીં આવેલ છે ?’

ચૌલા તેની સામે જોઈ રહી. પછી ધીમેથી બોલી : ‘મંત્રીરાજ પંડિત ત્યાં છે. જ્યાં રેતના કણમાં ગીત ગુંજે છે. તમને ગોગદેવ ચૌહાણ મળ્યો લાગતો નથી. મને એ મળી ગયો. મને વાત કરી ગયો. પંડિત ધૂર્જટિને ચરણે ધરવા આ માળા મારા વતી તમે રાખો. કોઈક વખતે, પંડિત ધૂર્જટિને સજીવન કરનારો, પાટણમાં કોઈક નીકળશે, ત્યારે એને કંઠે એ આરોપાશે, મહારાજ ભીમદેવના હાથે. પણ એ મહારાજ ભીમદેવ, જેણે પાટણને એકચક્રી અને વિજયવંતું બનાવ્યું હશે એ ભીમદેવ. બીજા ભીમદેવ નહિ.’

દામોદરે કહ્યું : ‘તમારી એ ઉદાત્ત કલ્પના ફળો...’

‘એ કલ્પના ફળશે જ ફળશે પ્રધાનજી ! હું દેવનર્તિકા નથી ! શું કરવા ? કારણ કે હું પાટણનગરીની નર્તિકા બનું છું !’

‘પાટણનગરીની નર્તિકા અરે... તો તો... પછી....’

દામોદરને શું બોલવું તે ખબર પડી નહિ. ચૌલા હસી રહી : ‘તમારે શું કહેવું છે તે જાણું છું. પછી મારું સ્થાન ક્યાંય નહિ હોય એમ તમારે કહેવું છે ના ? પ્રધાનજી ! તમે ભૂલો છો. કોઈ દ્રૌપદીએ અર્જુનને નીચે ઉતાર્યો નથી. કોઈ સાવિત્રી, કોઈ સીતા, કોઈ સુભદ્રા, કોઈ ઉત્તરા, કોઈ ચિત્રાંગ, કોઈ કહેતાં કોઈ નારી પુરુષને નીચે ઉતારવા માટે હતી જ નહિ, ને છે નહિ. તમારા ભીમદેવ મહારાજને પણ હું નીચે ઉતારવા માટે આવી નથી. પણ તેની સાથે જ આ એક વાત જાણી લ્યો મંત્રીરાજ ! ભીમદેવ મારા છે. તેને કોઈ જ મારી પાસેથી લઈ શકે નહિ !’

દામોદર સડક થઈ ગયો.

‘એટલે ! રાજા ભીમદેવ તમારા બનશે એમ ?’

દૃઢ નિશ્ચયભર્યા પ્રેમમધુર અવાજે ચૌલા બોલી : ‘હા. નહિ કે એ રાજા છે માટે, પણ એ મારા છે માટે.’

‘ક્યારે બનશે ?’

ચૌલાનો અવાજ ફરી ગયો. તેની મુખમુદ્રા બદલાઈ ગઈ. તેણે આંખો મીંચી દીધી.

‘મંત્રીરાજ ! એને ઘણો વખત થશે.’ તે ધીમા શાંત મનોહર અવાજે કોઈ પ્રેમની ગીત ગાતી હોય તેમ બોલી રહી : ‘જ્યારે એનામાં ઉદાત્ત કલ્પના જાગશે, જ્યારે ઉદાત્ત શૌર્ય દેખાશે, જ્યારે એ ગુજરાતને એક સમર્થ પ્રજા કરશે, ત્યારે. કદાચ એ એનાથી સિદ્ધ થશે. કદાચ સિદ્ધ નહિ થાય. પણ હું એને મારા પ્રેમમાં દોરીને નીચે ઉતારી શકું નહિ. એના પ્રેમમાં દોરાઈને હું પણ નીચે જઈ શકું નહિ. કાં તો મંત્રીરાજ ! મુક્ત સ્વતંત્ર આનંદભરી હવામાં બે પંખી ઊડશે. અથવા તો કોઈજ નહિ ઊડે. પણ તમારા માપથી મને માપવાનો નિરર્થક પ્રયત્ન જવા દેજો, બસ, હવે મારે જવું જોઈએ. ચાલો ત્યારે... મંત્રીરાજ !...’

‘અરે પણ પંડિત ધૂર્જટિ વિષે તમારે કહેવાનું હતું એ જ રહી ગયું. એ ક્યાં છે ? એની શી વાત છે ?’

‘મંત્રીરાજ ! પંડિત ધૂર્જટિ જ્યાં રેતરણમાં રોળાયા છે. જ્યાં ધિજ્જટ ને ધ્રુબાંગ અદૃશ્ય થયા છે. ત્યાં જે અવર્ણનીય રેતનું ગાન રાત-દી ચાલે છે. તે સાંભળવાની કલ્પના તમારી પાસે હોવી જોઈએ. એમનું એ સમર્પણ તો પ્રજાને ઘડે. હું એક સામાન્ય નર્તિકા એ કલ્પના તમને આપી શકું નહિ. હકીકત ગોગદેવ પાસે છે. ચાલો મંત્રીરાજ ! હું ખોટી થાઉં છું. મારું કામ ખોટી થાય છે !’

ચૌલા બે હાથે નમીને તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ.

એ ચાલી ગઈ ત્યારે સ્વપ્નમાંથી જાગતો હોય તેમ દામોદર જાગ્યો. એને પહેલી વખત લાગ્યું કે કોઈક મધુર સુંદર વાતાવરણ જાણે હમણાં આવીને ચાલ્યું ગયું છે. તે મનમાં બોલ્યો : ‘આ નારીની કલ્પના સમજનારો પણ, આંહીં તો કોઈ જ દેખાતો નથી ! કુદરત પણ ગીતની એકાદ પંક્તિને હવામાં રસળતી મૂકવાનો ખેલ ક્યારેક કરતી હશે ? એ પંક્તિને બીજી પંક્તિ મળે જ નહિ ! કોઈ કોઈ એવી ઉદાત્ત કલ્પના પણ શું આંહીં વિહરતી નહિ હોય, કે જેને જીવનભર કોઈ સાથી જ મળે નહિ ?’

તે થોડી વાર સુધી બેઠો રહ્યો. એટલામાં એને સાંભર્યું કે મહારાજ ભીમદેવ તો અંદર છે. તે ઉતાવળો ઉતાવળો મહારાજને બોલાવવા અંદર દોડ્યો. મહારાજ ભીમદેવની સામે દામોદરે જોયું. તે સમજી ગયો. મહારાજ ચૌલાની વાણીનો મર્મ પામી ગયા હતા. દામોદરને એ જ જોઈતું હતું. એટલામાં મહારાજ જ બોલ્યા :

‘દામોદર ! આપણને ગોગદેવ ચૌહાણે તો કાંઈ કહ્યું નથી. પંડિત ધૂર્જટિ વિષે આપણને તો હજી કાંઈ ખબર પણ નથી. ગોગદેવને હમણાં ને હમણાં બોલાવો.’

‘દામોદરે તરત જ સિંહનાદને બોલાવ્યો : ‘ગોગદેવને બોલાવો.’

‘અને... આપણે નવું મંદિર ઊભું કરવું છે, તે વખતે જ, આ ધૂર્જટિનું નામસ્મરણ લોકના દિલમાં હંમેશને માટે અંકિત કરવાનું છે.’

‘પણ એ ક્યારે બનશે, મહારાજ ?’

‘ક્યારે ?’

‘જો આ સિંધમાર્ગને આપણે બનાવ્યો હશે તો. આપણું બળ ગર્જનકને ડારે તેવું હશે તો, નહિતર તો આવો જ પ્રશ્ન આવતી કાલે પાછો ફરીને ઊભો થશે. ફરીને આપણે રણમાં રખડતા હોઈશું. રા’ નવઘણજી ને મકવાણાજીને આપણા બનાવવાની વાત હું અમસ્તો લાવ્યો નથી. જે ઉદાત્ત કલ્પના ચૌલાદેવી કરે ઝે, જે ઉદાત્ત શૌર્યમાં મહારાજ રાચે છે તેનો પાયો આંહીં છે !’

‘ક્યાં ?’

રા’ નવઘણજીના સંબંધમાં. એને આપણા બનાવી દેવામાં, મકવાણાજીને મેળવી લેવામાં. એ આપણી પડખે હશે, આપણા જ હશે, તો હમ્મુકને રણ આપણે માટે ફળિયા જેવું બની જશે. ધૂર્જટિ પંડિતના સ્થાનનું રેતગાન તો, આપણને હંમેશાં દોરતું રહેશે મહારાજ ! શરૂાત જ ટોચ દેખાડે છે. મહારાજને મારે એ જ કહેવાનું છે !’

‘એ પણ થશે દામોદર ! ... આપણે વાત -’

પણ એટલામાં ગોગદેવ ચૌહાણ આવતો દેખાયો. તેની સાથે રા’ નવઘણજી હતા. વિહિયાસ મકવાણો હતો. જયપાલ અને કુમારપાલ પણ હમણાં આવી પહોંચ્યા જણાતા હતા. દામોદરે તેમની સામે જોયું.

‘જયપાલજી !’

જયપાલે બે હાથ જોડ્યા : ‘પ્રભુ ! દુર્લભસેન મહારાજે બધું સાંભળ્યું. પંડિત ધૂર્જટિની વાત સાંભળી. ધિજ્જટ ધ્રુબાંગનું શું થયું એ કોઈએ કહ્યું નથી, પણ અનુમાન થાય તેવું છે. એમણે એ સાંભળ્યું ને તરત જ સર્વ ત્યાગ કરી, પોતે એકલા પગપાળા, વારાણસી તરફ ચાલી નીકળ્યા !’

‘રવાના થઈ ગયા ? ત્યારે ત્યાં ?’

‘અમે મહારાજને બોલાવવા માટે જ આવ્યા છીએ.’

એટલામાં મહારાજે કહ્યું : ‘ગોગદેવ ચૌહાણ ! તમે જે અનુપમ દૃશ્ય ત્યાં રેતરણમાં જોયું તે અમને કહી સંભળાવો.

‘અરે ! હા મહારાજ ! એમની વાત તો હજી એમણે આપણને કરી જ નથી. મારી રાણકીનું શું થયું, ગોગદેવજી ?’

ગોગદેવ ચૌહાણ ત્યાં બેઠો. આખી મંડળી એની સામે બેસી ગઈ. એક દૃષ્ટિ થઈ ગઈ. ગોગદેવ જાણે હવામાં કાંઈક જોતો હોય તેમ જોઈ રહ્યો. પછી તેણે પોતાનો કંઠ સરખો કર્યો ને બે હાથ જોડીને બોલ્યો : ‘મહારાજ ! મેં ત્યાં રણમાં પંડિત ધૂર્જટિનું જે મહાકાવ્ય જોયું છે, તે જ્યારે જ્યારે મને સાંભરશે, ત્યારે ત્યારે લાગશે, કે કોઈ ને કોઈ વિરલો પ્રજામાંથી હમેશાં ઊભો થતો જ રહે છે. મહાકાવ્ય અમર છે. ત્યાંની રેતીનાં મેદાનો કોઈક રસળતી ચાંદનીમાં આ ત્રણ વિરલાઓનાં અદ્‌ભુત ગાન, કોઈક દી રેલાવશે. જે એ સાંભળશે, તે અમૃતકૂપનો સ્વામી થઈ જશે, સાંભળો મહારાજ !’ ગોગદેવ ચૌહાણે ધૂર્જટિની વાત શરૂ કરી. વાતાવરણ પ્રેમશૌર્ય અંકિત બની ગયું. આખી મંડળી એને સાંભળવા એક્કાન થઈ ગઈ. રાત્રિ જામતી ગઈ. વાત જામતી ગઈ. તેમ તેમ સૌનાં દિલ એ રેતનાં ગાન સાંભળવા માટે જાણે આતુર થઈ ગયાં. ‘પંડિત ધૂર્જટિ ત્યાં રેતરણમાં લડતાં મર્યા. પણ રા’ની રાણકીનું ગૌરવ અખંડ રાખ્યું. એ પણ ત્યાં સાથે ઢળી પડી.’ ગોગદેવે વાતનો અંત આણતાં કહ્યું.

બધાનાં માથાં પંડિતને નમતાં નીચાં ઢળ્યાં.

*

દૂરદૂરના રેતના અદૃશ્ય કણોમાંથી જાણે હવાની લેરખી ઉપર જીવનસર્મપણનું કોઈક અદ્‌ભુત મધુર ગીત આવી રહ્યું હોય તેમ સૌ રેતનું ગાન જાણે સાંભળી રહ્યા.