પ્રસ્તાવના
વાચક મિત્રો.. થોડા સમયના વિરામ બાદ ફરી આપને મળવાનો મોકો મળ્યો છે. આપે હમણાં સુધી મારી બધી લવ સ્ટોરીઝ જ વાંચી છે. આ લવ સ્ટોરી નથી, આ એક ક્રાઇમ થ્રિલર છે, જે તમને એક અલગ જ દુનિયામાં લઇ જશે.
"ક્રિમિનલ્સ" એવા ફટકેલાં દિમાગના લોકોની ટોળી કે જેમનાથી તમને પ્રેમ થઇ જશે... વધારે નથી લખતો, વાંચીને તમારો પ્રતિભાવ આપજો એજ વિનંતી...
ક્રાઇમ મારો ફેવરિટ વિષય છે, એમ કહોકે હમદર્દી છે. ક્રિમિનલ્સ પેદા નથી થતા, બને છે, બનવું પડે છે.. અને તે માટે આપણી સામાજિક અસમાનતા જવાબદાર છે.
"ધ ક્રિમિનલ્સ - 1"
સાંજે રૂમનું લોક ખોલીને અંદર આવ્યો. કપડાં કાઢીને બેડ પર ફેંક્યા અને ફક્ત લેંઘો ચઢાવીને બેડ નીચે સંતાડેલું ક્વાર્ટરયુ કાઢ્યું. કિચનમાં જઈને ગ્લાસ, ફ્રીઝમાંથી બરફ અને ખારી સીંગ લઈને નીચે પલાંઠી વાળીને બેઠો.
સાલી! આજ લાઈફ છે? ઉદાસ થઇ ગયો...
દરવાજો નોક થયો, ખુલ્લો જ હતો, મને ઉઠવાનો કંટાળો આવ્યો, હું પીતા-પીતા જ બોલ્યો "ખુલ્લા જ છે..."
દરવાજો ધકેલીને શશી અંદર આવી, અને ખુરશી પર બેસી ગઈ."ક્યારનો આવ્યો છે?"
"હમણાં જ.."
"હું બારીમાં જ ઉભી હતી, મને જોવાયો નહિ કે બાઇકનો અવાજ પણ સંભળાયો નહિ."
"બસમાં આવ્યો, બાઈક તો બપોરનો અમર લઇ ગયો છે."
શશી મારી ગલીમાં જ રહે છે, ને મારી દોસ્ત છે... કે દોસ્ત કરતા કઈંક વધારે જ છે. જોકે તેના મનમાં શું છે તે હું જાણતો નથી કે મેં પૂછ્યું પણ નથી.
થોડીવારે તે બોલી "રાજુ, તારી પાસે પૈસા છે? "
મેં હા કહીને મારી પેન્ટ તરફ ઈશારો કર્યો, તે ઉઠીને મારી વોલેટમાંથી પૈસા લઈને ફરી સામે આવીને બેઠી, "બે હજાર લીધા છે, માની દવાઓ લાવવી પડશે, પગાર પર આપી દઈશ."
"હુંહ..."
"શું જમવાનો છે?"
"કંટાળો આવે છે, બહાર કશે ખાઈ આવીશ."
ફરી દરવાજો નોક થયો, શશીએ ખોલ્યા, અમર હતો. તેણે બાઈકની ચાવી મારી તરફ ફેંકી, ને "તમે લગન કેમ નથી કરી લેતા? મને બીજે કશે લાઈન મારવાની સમજ તો પડે...." કહેતો અંદર આવી ગયો.
"તું તારે બિન્દાસ શશીને લાઈન માર, અમે લગન કરવાના નથી.."
"કેમ?" કહેતા તેને ક્વાર્ટરમાં બચેલું પ્રવાહી પેટમાં ઉતાર્યું.
"એક ભિખારીએ બીજા ભિખારી સાથે જ લગન કરવા? આમ જ મરવાનું છે? આપણે બેને તો લાગતું નથી કે કોઈ કરોડપતિ છોરી મળે, પણ શશી ધારે તો કોઈ કરોડપતિને ફસાવીને સુખી થઇ શકે છે." કહીને મેં શશી સામે જોયું.
શશી બોલી "તું જ કરોડપતિ કેમ થતો નથી? લખપતિ તો થા... પછી હું તારી સાથે જ લગન કરી લઈશ."
"બસ લોટરી લાગે એટલી વાર છે... તું વાટ જ જોયા કરજે."
"બચત કરે અને વ્યવસ્થિત પ્લાનિંગ કરે તો કેમ આગળ ન વધાય?"
"ગેરકાયદે જગ્યાએ ગેરેજ ખોલ્યું છે, ક્યારે મ્યુન્સીપાલ્ટી ફેંકી દેશે તે ખબર નથી, અને બચત? જે કઈ બચત કરું છું તે તો તમને ઉધાર આપવામાં જ જતી રહે છે."
અમર બોલ્યો "સંભળાવ નહિ, બોનસ મળવા દે પછી તારી બધી ઉધારી એકસાથે ચૂકવી આપીશ."
અમર એક બિલ્ડર ને ત્યાં સાઈટ સુપરવાઈઝર તરીકે કામ કરે છે.
"બોનસ? પગાર આપે છે એજ ઘણું છે...બોનસ તો નહિ આપે કારણકે તે જાણે છે કે તું સિમેન્ટ, સળિયા ચોરીને બોનસ લઇ જ લે છે. હા હા હા હા !!!"
અમરનો ફોન વાગ્યો, શેઠનો જ છે, એમ કહીને તે બહાર જઈને વાત કરવા લાગ્યો. શશી કશું બોલતી નહોતી, તેણે ટીવી ચાલુ કર્યું. અમર વાત કરીને અંદર આવતા જ બોલ્યો "સિમેન્ટ-સળિયા તો તે મારી પાસે ઘેર કામ કરાવે છે તેના મહેનતાણા પેટે ચોરું છું. જો આજે રાતે પણ ઘેર પાર્ટી છે એટલે સરભરા અને વેઇટરનું કામ કરવા માટે બોલાવ્યો છે." કહીને તે ગાળ બોલ્યો શશી બોલી "તું ના કેમ પાડતો નથી?"
"સાલા પાસે બે નંબરનો ખુબ માલ છે, .અને એક જ દીકરી છે, કદાચ હું ધ્યાને આવી જાઉં ને જમાઈ બનાવી લે એ આશાએ કામ છોડતો નથી."
મેં કહ્યું "તને જમાઈ તો નહિ જ બનાવે.. એટલે ટાઈમ બગાડીશ નહિ... અને તારો શેઠ કેમ સોસાયટીનો બંગલો ખાલી કરીને ફાર્મ-હાઉસમાં રહેવા ગયો છે?"
"રંગરેલિયા, પાર્ટીઓ કરવા.. એક નંબરનો લંપટ છે, બાયડીની સામે પણ જોતો નથી ને બીજી કેટલીયે રાખેલી છે. છોરી પણ એવી જ છે."
મારુ ધ્યાન તેની વાતોમાં નહોતું, મારા દિમાગમાં એક જ ઝાટકે લખપતિ બનવાની ચાલ ગોઠવાઈ રહી હતી. "અમર, તારો શેઠ કેટલાનો આસામી ગણાય?"
અમર મોં ફાડીને મને તાકવા લાગ્યો "કેમ?"
"પૂછું છું... ખાલી... લખપતિ બનવું હોય તો બોલ... આપણા ત્રણેની લાઈફ એકદમ મજા સાથે નીકળશે અને તારા શેઠને પણ કશો ફરક નહિ પડે..કાનખજુરાનો એક પગ તૂટશે, બસ... "
શશી બોલી "ત્રણે? હું તમારામાં નથી... " અને અમર તરફ જોઈને બોલી "રાજુને ચઢી ગઈ છે, તેની વાતે લાગીશ નહિ, તું તારે પાર્ટીમાં જા."
"હા જા, શેઠના મહેમાનોની સરભરા અને ખુશામત કરવા." અને શશી ને જોઈને બોલ્યો "તારું તો કામ પણ નથી.. તું તારે મારી પાસેથી હજાર-બે હજાર ઉધાર લઇ લઈને જ જિંદગી કાઢી નાખજે."
અમર કશું બોલતો નહોતો, પણ વિચારમાં હતો, થોડીવારે બોલ્યો "રાજુ, જો હાથ મારવામાં આવે તો તે પોલીસ ફરિયાદ પણ નહિ કરે... બધું બેનંબરી જ છે... છોરીને ઉઠાવી લઈએ તો માંગીશું એટલા આપશે."
"તારી અક્કલ જેટલી જ વાત કરીને... મને તો એક જ ઝાટકે અને રોકડામાં જ રસ છે. તેની પાસેથી રોકડા કેટલા મળી શકે એમ છે?"
શશી ઉભી થઇ ગઈ, મારો હાથ પકડીને બોલી "રાજુ પ્લીઝ.. આપણે નથી બનવું લખપતિ."
"અમારે બનવું છે.. તું ઘેર જા અને નોકરુ કરી ખા, તારો શેઠ પણ અડપલાં કરે અને હાથ ફેરવે તો આંખ આડા કાન કર્યા કરજે."
અમર ઉભો થયો, બોલ્યો "મારે જવું પડશે.. કાલે મળીએ."
"સાંજે સાત વાગ્યે અહીં આવી જજે."
શશી પણ "મારી માં એકલી છે, જાઉં છું, તને પણ જમવું હોય તો આવી જા.." કહીને જતી રહી. મનેય એકાંત જોઈતું હતું. હું વિચારમાં પડ્યો, ઘણું વિચારવાનું હતું, અને વિચારવા માટે માહિતીની જરૂર હતી, જે અમર આપી શકે એમ હતો. મને ફક્ત રોકડામાં જ રસ હતો, અને અમરના શેઠ પાસેથી રોકડા મળી શકે એમ છે, કારણકે તેનો ધંધો જ કાળા-ધોળાનો છે. ગમે તે થાય પણ મને પોલીસ કે જેલમાં જવું નથી, લાઈફ એન્જોય કરવી છે.
શશીની જરૂર પડશે કે નહિ તે બધી માહિતી મળે તો જ નક્કી થાય એમ છે. અને મને ખાતરી છે કે જો તેની જરૂર હશે તો તે અમને સાથ આપશે જ...
દિવસ ગેરેજમાં પસાર થયો, હું કામ કરતો હતો, વાતો કરતો હતો, પણ મગજ તો અમરના શેઠના પૈસા પાછળ જ લાગેલું હતું. લૂંટ થશે કે ચોરી, તે હજુ નક્કી ન હતું. ગમે તે કરવું પડે પણ આંધળુકિયા કરવા નથી. મને મારી જિંદગી જેલમાં વિતાવવી નથી...
શશી? તે સાથ આપશે? ભલે ન આપે.... પૈસા મળે પછી? હું કલ્પના કરવા લાગ્યો કે યુરોપની ટુર પર તે મારો હાથ પકડીને ચાલતી હોય તો કેવી લાગે? તેનો ચહેરો તો સામાન્ય જ છે, પણ તેનું ફિગર..બાપ રે... જો વ્યસ્થિત કપડાં અને મેકઅપ કરાવવામાં આવે તો તો ખલાસ....
સાંજે શશીનો મેસેજ આવ્યો કે ઘેર જઈશ નહિ, હું ગેરેજ પર આવું છું. ઘણીવાર તે આવે છે, કોઈ નવાઈ નથી. પણ આજે તે ગઈકાલની વાતના અનુસંધાને જ કાંઈ કહેવા આવતી હશે...
"ચા પીવી છે?"
"હા, પણ પહેલા મને કંઈ ખાવું પણ છે."
છોકરાને દોડાવીને શશી માટે ચા-નાસ્તો મંગાવ્યો. ખાતા-ખાતા તે બોલી "કાલની વાતો બધી મજાક હતી ને?"
"ના, અમે ગંભીર છીએ."
"હું તને એવું કશું કરવા નહિ દઉં... તારો તો સહારો છે, હું ચાહતી નથી કે તને કશું થાય કે તું જેલમાં સબડે... એવા પૈસાને શું કરવું છે??"
"મારે મજા કરવી છે, જેલમાં સબડવું નથી.. એટલે જ્યાં સુધી મને ખાતરી નહિ થાય ત્યાં સુધી હું આગળ વધીશ નહિ. તું સામેલ થઈશ કે નહિ થાય તો પણ મારામાંથી તને અડધા તો આપીશ જ.. અને જો જેલમાં ગયો તો પુરા તારા જ છે. અને હજુ તો એક વિચાર માત્ર છે, હમણાંથી દિમાગ ખરાબ કરીશ નહિ."
પછી તે કશું બોલી નહિ. અમે ઘેર આવ્યા, તેને તેના ઘર પાસે ઉતારી ને હું મારા રૂમમાં આવ્યો.
નાહી-ધોઈને ફ્રેશ થઈને સિગરેટ ફૂંકી રહ્યો હતો ને શશી આવી ને મારી પાસે બેસી ગઈ. તે મને જોઈ રહી હતી, મેં ધીરેથી તેની જાંઘ પર હાથ ફેરવ્યો, શશી ઝૂકી, અને મારા હોંઠ પર મોટેથી પુચકારીને કિસ કરી. હું ઉભો થયો ને શશીને ભીંસી નાખી, અને તેને ઊંચકીને બેડ પર પટકી..
અમર ધડામથી બારણું ખોલીને અંદર આવી ગયો, ને અમને જોઈને બોલ્યો "સવાર સવારમાં આ બધું શું છે? હું જાઉં પછી જે કરવું હોય તે કરજો.. બોટલ ક્યાં છે?"
કહીને તે ઊંધો સૂઈને બેડ નીચે અડધો ઘૂસીને બોટલ કાઢી. અને કિચનમાં જઈને ગ્લાસ ને બધું લાવીને બેઠો.
શશી પીતી નથી, તે અમને બંનેને જોઈ રહી હતી. મેં ઘૂંટ ભરીને બોલ્યો "હા, તો કાલે શું કરી આવ્યો?"
"મજૂરી કરી, જી-હજુરી કરી અને બે-ચાર પેગ ટટકાવ્યાં.. બીજું શું?"
"કશી આપણા કામની માહિતી લાવ્યો કે નહિ?"
"શું અને કેવી? મને કઈ સમજ પડતી નથી, તું પૂછ ને તને શું જાણવું છે?"
"બધું જ.. ઘરમાં કોણ કોણ છે, શું રૂટિન છે અને તારા શેઠની ઝીણી ઝીણી દરેક બાબત."
અમર ગ્લાસ ખાલી કરતા બોલ્યો "ઘરમાં તો ત્રણ જ શેઠ-શેઠાણી અને દીકરી જ છે. તે સિવાય દિવસે બે માળી, એક સિક્યુરીટીવાળો, એક કુક અને બે ઘર નોકર હોય છે. રાત્રે બે સિક્યુરીટીવાળા હોય છે."
"શેઠ ક્યારે અને ક્યાં જાય છે? શેઠાણી અને દીકરી શું કરે છે?"
"શેઠનું કશું નક્કી નહિ, જાય તો જાય, બાકી તો મોટેભાગે ઘેર જ હોય છે. ઘેર જ બધા દલાલો, ભાઇલોકો અને રાજકારણીઓ વગેરેની આવન-જાવન ચાલુ જ રહે છે. અને તે માટે જ તે બંગલો ખાલી કરીને ફાર્મ-હાઉસમાં રહે છે કે જેથી બધા છૂટથી આવી શકે."
"એ બધું ખરું, પણ કેશ કેટલા હોઈ શકે ઘેર??"
અમર વિચારમાં પડ્યો ને થોડીવારે બોલ્યો "કશું કહી ન શકાય... પણ થોડા સમય પહેલા કાલ રાત જેવી જ પાર્ટી હતી, સાત-આઠ જણ જ હતા અને હું પણ સરભરામાં હતો, ત્યારે પૈસા બાબતે કશો ડખો થયો હતો, અને 'ભાઈ' અડી ગયો હતો કે મારે હમણાં જ પૈસા જોઈએ.. ત્યારે શેઠ ઉપર બેડરૂમમાંથી તેને દસ લાખ લાવીને આપ્યા હતા."
"હુંહ... તેનો અર્થ એમ થયો કે ઘેર રોકડા તો રાખે જ છે, અને તે બેડરૂમમાં જ ક્યાંક છે.."
શશી બધું સાંભળી રહી હતી, તે હવે મારી સામે જોઈને બોલી "તને કેટલી રકમની ધારણા છે?"
"પચાસ લાખ..."
અમર પણ બોલ્યો "હા, એટલા તો ખરા જ..."
શશી મારો હાથ પકડીને બોલી "બસ? પચાસ લાખ જ?? તને નથી લાગતું કે આપણે આટલી નાની રકમ માટે જિંદગી દાવ પર લગાડી રહ્યા છીએ?"
હું હસ્યો, ને બોલ્યો "આપણે... એટલે તું પણ અમારી સાથે છે, બરાબર? સરસ..અને નાની રકમ? પચાસ લાખ તને ઓછા લાગે છે?"
"હા ઓછા જ કહેવાય ને..."
"ગાંડી, પચાસના ત્રણ ભાગ થાય તો પણ દરેકને લગભગ સત્તર સત્તર લાખ જેટલા મળે, મળે કે નહિ?"
"હા, પણ..."
"પણ-બણ કશું નહિ, પહેલાં મારી વાત પુરી સાંભળી લે.. તને સત્તર લાખ ભેગા કરવા હોય તો શું કરવું પડે? જો તું દર મહિને દસ હજારની બચત કરે તો સત્તર લાખ થતા એકસો સિત્તેર મહિના થાય...એટલે કે લગ-ભગ ચૌદ વરસ, તને સમજાય છે? ચૌદ વર્ષે તું સત્તર લાખ ભેગા કરી શકે અને એ પણ દર મહિને દસ હજાર બચાવે તો.. જયારે તારો તો પગાર જ દસ હજાર છે."
શશી મને જ તાકી રહી હતી. અમર બોલ્યો "રાજુની વાત બરાબર છે, અને પચાસતો આપણે મિનિમમ કહી રહ્યા છીએ, વધારે પણ મળી શકે, શું કહે છે?" કહીને મારી સામે જોયું.
હું બોલ્યો "હા, વધારે જ હશે, પણ પચાસ જ છે એમ ગણતરી કરીને જ આગળ વધવું કે નહિ તે નક્કી કરવાનું છે. અને પચાસ માટે આપણે કેટલું જોખમ લઇ શકીએ કે લેવું જોઈએ તે વિચારવાનું છે."
શશી ઉભી થઇ ગઈ, ને બોલી "તમે પાગલ છો, મને અળગી જ ગણજો.." કહીને તે જતી રહી.
તેના ગયા પછી અમર બોલ્યો "શશી તો ગઈ, આપણે બે થી થઇ શકશે? અને જોખમ શું અને કેટલું છે તે જાણ્યા વગર શું ખબર પડે? મને લોહી, હિંસા જરાય પસંદ નથી."
"હિંસા? અરે હું તો કોઈને તમાચો મારવાના ય પક્ષમાં નથી.. હું તો એવું કરવા માંગુ છું કે પોલીસ ફરિયાદ પણ થાય નહિ. અને શશી પણ આપણી સાથે જ છે, તે એક્શનમાં ભાગ નહિ લે તો પણ ત્રણ ભાગ જ થશે, તને મંજુર હોય તો જ આગળ વાત કરીએ."
"ભલે ત્રણ, શશીનો પણ ભાગ કરીશું."
"અને જો પડાઈએ તો શશીને અળગી જ રાખવાની છે, તેને ઇન્વોલ્વ કરવાની નથી."
અમર હસીને બોલ્યો "ભલે, જેલમાં આપણને કોઈ મળવા આવે એવું તો કોઈ બહાર જોઈએ ને... બસ બસ એ જ.. હું તારી સાથે છું, બોલ ક્યારે પાર પાડવું છે?"
"તારા બાપની ઇજાર ક્યારે પાર પાડવું છે... પીકનીક પર જવાનું છે તો ડેટ પૂછે છે? પહેલા બધી અને હું કહું તે માહિતી જમા કર, પછી આપણે કોઈ પ્લાન બનાવીશું, ઉતાવળ કરવી નથી, બધું ફુલપ્રુફ હશે તો જ એક્શન લઈશું."
"મારે શું કરવાનું છે?"
"આજ થી આપણે કોઈની નજરમાં આવવાનું નથી, સમજ્યો કે નહિ? નાનો ટ્રાફિકનો નિયમ પણ તોડવાનો નથી, ટૂંકમાં તું નજરમાં આવે કે કોઈ તારા પર ધ્યાન આપે એવું કશું જ કરવાનું નથી." અમરે માથું હલાવ્યું, તેણે મને લીડર તરીકે સ્વીકારી લીધો હતો. "અને આજથી આ વિષે ફોન પર વાત કરવાની નથી, આપણે અહીં જ મળીશું. હવે તું પહેલું કામ તારા શેઠને કોની સાથે લફરું છે તે શોધી કાઢ અને તારી શેઠાણીનો નંબર મેળવી લાવ. બીજું ફાર્મ-હાઉસ જવાનું કામ પડે તો કમ્પાઉન્ડ વોલ કેટલી ઊંચી છે? સીસીટીવી કેમેરા ક્યાં અને કેટલા છે? વગેરે બધું જ જોજે"
ચાર દિવસ નીકળી ગયા. અમર કહેલી દરેક બાબતો પર નજર રાખતો હતો અને બધી માહિતી પણ કોઈને શક ન પડે તેમ જમા કરતો હતો. અમને જરાય ઉતાવળ કરીને કોઈની નજરમાં આવીએ એવી શંકા-સ્પદ હિલચાલ કરવી નહોતી. રોજ અમર મારે ઘેર આવતો અને અમે ચર્ચા કરતા, શશી પણ ખરી જ, પણ તે કશું બોલતી નહોતી કે અમે તેને પૂછતાં પણ નહોતા.
જે કઈ માહિતી અમારી પાસે હતી તેને આધારે એક રફ પ્લાન મારા દિમાગમાં બની ગયો હતો. પણ હજુ ઘણું ખૂટતું ઉમેરવાનું બાકી હતું. અને હું સજ્જડ રીતે માનતો હતો કે બી પ્લાન પણ હોવો જ જોઈએ, જો કશું અજુગતું બને ને પ્લાન ફેલ જાય તો બીજા પ્લાન પ્રમાણે કામ પાર પડવું, અને અમર પણ મારી સાથે સંમત થયો હતો.
***
સાંજે ચારેક વાગ્યા હતા, હું કામ કરી રહ્યો હતો ને શશી ગેરેજ પર આવી. મને નવાઈ લાગી, હમણાં તો તે ડ્યુટી પર હોવી જોઈએ. તે કશું બોલી નહિ ને પતરાની કેબીન જેવા બનાવેલા રૂમમાં ગઈ, પાછળ હું પણ ગયો. શકીલ કેરોસીનથી ગીઅર એસેમ્બલી ધોઈ રહ્યો હતો, તે શશીને જોઈને બોલ્યો "આવો ભાભી.." ને લોઢાનું નીચું સ્ટુલ તેની તરફ ખસેડ્યું. હું પણ એવા જ બીજા સ્ટુલ પર તેની પાસે બેઠો. શશી ખૂબ જ ખિન્ન અને ગુસ્સામાં લગતી હતી. શકીલ ફરી બોલ્યો "ભાભી, શું ખાશો? કશું લાવું?"
"ના" કહીને તે મારી સામે જોવા લાગી. "આ સમયે તું અહીં.. કામ પર નથી ગઈ?"
"ત્યાંથી જ આવું છું, કાઢી મૂકી છે..."
"શું? કેમ?" મને અંદાજ તો આવી જ ગયો હતો કે શું બન્યું હશે... તેનો શેઠ પણ લંપટ જ હતો. મારા જડબા સખત થઇ રહ્યા હતા, "શું કર્યું તેણે? બોલ..."
"કશું નહિ, એટલે જ તો કાઢી મૂકી..."
"ચોખ્ખું અને બધું જ કહે."
"કહ્યું કે વાઈફ પિયર ગઈ છે, ને મને રોજ કર્યા વગર ચાલતું નથી, તું ઘેર આવજે."
"પછી??"
"ખુબ બોલ્યો.. મને કમજાત કહી.. કહ્યું કે હું તને બરાબર ઓળખું છું કે તું કેવી છે... સાલી સત્તર ધણીની રાંડ હવે શરીફ બને છે.." કહેતા શશી રડી પડી. જો અમે અમરના શેઠવાળા કામમાં ન લાગ્યા હોતા તો શશીના શેઠને હું નાંગો કરીને બજારમાં દોડાવતો.. પણ હમણાં કંટ્રોલ કરવો જરૂરી હતો. શકીલ ગીઅર ફેંકીને ઉભો થઇ ગયો. અમે તેને તાકી રહ્યા હતા, હું બોલ્યો "તને શું થયું?"
"આપણી બુલડોઝર બાઈક કાઢું છું ને સાળાને હમણાંજ અડફેટે લઉં છું.. " કહીને ચપટી વગાડીને બોલ્યો "ચાર મહિનાના ખાટલાની ગેરંટી..." કહેતો તે પાછળ ગયો, શશી સામે જોઈને હું બોલ્યો "રોક તેને... હમણાં કશું કરવું નથી."
શશી શકીલની પાછળ ગઈ ને બોલી "શકીલ, હમણાં કશું નથી કરવું.. પછી.."
"પણ..."
"પણ-બણ કશું નહિ... આ મારો ઓર્ડર સમજ.." કહીને શકીલનો હાથ પકડીને પાછી લાવી. શકીલ મારી સામે શંકાથી જોઈ રહ્યો હતો, બોલ્યો "રાજુભાઈ, મને યકીન નથી થતું કે તમે..."
હું ઉભો થયો ને બોલ્યો "અમે ઘેર જઈએ છે." કહીને શશીનો હાથ પકડીને ઉભી કરી. શશી બહાર નીકળતા શકીલ સામે જોઈને બોલી "હું તારી લાગણી સમજુ છું, પણ મને પૂછ્યા વગર જરાય ડહાપણ કરતો નહિ."
અમારા બંનેનો ખાસતો શશીનો મૂડ ખરાબ હતો. અમે આઈસ્ક્રીમ ખાવા રોકાયા. શશીનો હાથ દબાવીને હું બોલ્યો "જરાય ઘરની કે પૈસાની ચિંતા કરીશ નહિ, હું બેઠો છું."
ફરી શશીની આંખ ભીની થઇ, બોલી "નોકરી નથી તે ખબર પડતા જ કરિયાણાંવાળો પણ ઉધાર નહિ આપે..."
"મેં કહ્યુંને.. તું ચિંતા ન કર.." કહીને તેને ગાલે ટપલી મારી.
"રાજુ હું પણ તમારી સાથે છું... અને લંપટ શેઠનું ખૂન કરવું પડે તો પણ હું કરીશ..." શશી પોતાના શેઠનો આક્રોશ અમરના શેઠ પર કાઢી રહી હતી.
"શશી તું અમારી સાથે જ હતી... અમે તને અલગ ગણી જ નથી."
મહોલ્લા-ગલીમાં મારુ નામ હતું, હું દરેકના નાના-મોટા કામ કરી આપતો કે કરાવી આપતો હતો. પણ મારા શશી સાથેના સંબંધને લઈને અમારી પીઠ પાછળ વાતો થતી હતી. ખાસ કરીને શશી માટે... રાજુનો 'માલ' છે, રાજુની રાખેલી છે, વગેરે જેવી ચિપ વાતો...મને કે શશીને કઈ પડી નહોતી, અને એ કારણે જ શશીની છાપ પણ મહોલ્લામાં કંઈ સારી નહોતી, બગડેલી, બેશરમ, નફ્ફટ, વગેરે.. ગમે-તેમ, પણ તેને કે મને કોઈ વટાવતું નહોતું.
સાંજે શશીને ફોન કર્યો, "ઘેર છે? બહાર આવ, આપણને જવું છે."
હું બાઈક લઈને શશીના ઘરની બહાર ઉભો રહ્યો, થોડીવારે શશી આવી, ને અમે નીકળ્યા. મેં કરિયાણાની દુકાન પાસે બાઈક ઉભી રાખી ને બેઠા બેઠા જ બોલ્યો "ભાઈ, શશી નું બધું બિલ મારા નામે બનાવજે અને ગેરેજથી પૈસા લઇ જજે." કરિયાણાંવાળો ઉભો થઇ ગયો ને કાઉન્ટર પર ઝૂકીને, લળીને બોલ્યો "બહુ સારું ભાઈ, તમે કહી દીધું ખલાસ..."
"તારી દુકાને કશું ન હોય તો બીજેથી પણ લાવી આપજે, બધા પૈસા તને જ આપીશ."
"હા હા, બેફિકર ભાઈ...."
મેં બાઈક ભગાવી, અમે શહેર બહાર હાઇવે પર આવી ગયા હતા. શશી બોલી "ક્યાં જઈએ છે?"
"ફાર્મ-હાઉસ જોવા."
શશીએ મને જક્ડયો હતો, મેં મોં સહેજ પાછળ ફેરવ્યું, તેણે મારા ગાલે કિસ કરી. મને ફાર્મ-હાઉસ અને તેની આસ-પાસની ભૂગોળ સમજવી હતી. આમ તો અમરના કરેલ વર્ણનને લીધે પૂરો નકશો મારા દિમાગમાં બનેલો જ હતો, પણ એક નજર જોઈ લેવું સારું...
----------- બાકી છે.