થોડા સમય પહેલા ઈન્ટરનેટ ઉપર ૧૯૩૦ ની આસપાસ નું એક પેઇન્ટિંગ નો ફોટો જોવા મળ્યો જેમાં પેઇન્ટિંગ માં રેડ ઇન્ડિયન્સ (અમેરિકન આદિવાસી) અને ઇંગ્લેન્ડ ના કેટલાક સિપાઈઓ બતવ્યા હતા એ પેઇન્ટિંગ માં ખાસ એ હતું કે એક રેડ ઇન્ડિયન હાથ માં મોબાઈલ જેવું એક ઉપકરણ લઇ ને બેઠો હતો અને તેનું પૂરેપૂરું ધ્યાન તેમાં જ હતું એટલે જેમ અત્યારે લોકો મોબાઈલ માં ઘુસેલા હોય છે તેમ. કેટલાક તેને ટાઈમ ટ્રાવેલ ની થિયરીનો પુરાવો ગણાવે છે જોકે એ માત્ર પેઇન્ટિંગ બનાવવા વાળા ના ભવિષ્ય ના સંશોધનો વિશે ના વિચારો પણ હોઈ શકે અને જો તેમ હોય તો એ પેઇન્ટિગ બનાવવા વાળાએ ભવિષ્ય માટે જે વિચાર્યું હતું એ સાચું છે. કોઈ પણ સદી હોય ભવિષ્ય કેવું હશે તેના વિશે વિચારવામાં આવતું જ હોય છે જ તો આ લેખ માં પણ ભવિષ્ય માં ઉપયોગ માં લેવાશે તેવા ડિજિટલ ઉપકરણો અને ટેકનોલોજી ની વાત ટૂંક માં કરવામાં આવી છે.
જે પાછલા થોડા સમય થી લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હોય અને જેના પર મોટા પાયે સંશોધન ચાલી રહ્યું છે તે છે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેના વિશે મારા આગળના લેખોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. AI એટલે એવો પ્રોગ્રામ કે જે માણસ સાથે કોમ્યુનિકેશન કરી માણસ ને જોઈતી માહિતી પૂરી પાડે અથવા તેનું કામ સહેલું તો કરી આપે પણ સાથે સાથે માણસ ની જેમ જ તેના જુના અનુભવો ઉમેરી અને હાલ ની પરિસ્થિતિ કે વાતાવરણ ને અનુસાર થોડી એક્સ્ટ્રા કે સ્માર્ટ માહિતી પૂરી પાડે એટલે કે કોઈ માણસની મદદ વગર અલગ અલગ પરિસ્થિતિ માં જાતેજ નિર્ણય લઈ શકે તેવો પ્રોગ્રામ. AI નો હાલમાં પણ ઘણી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે જેનું ઉદાહરણ I phone માં ઉપલબ્ધ એક સોફ્ટ્વેર જે સિરી નામેં ઓળખાય છે જે એક પર્શનલ આસિસ્ટન્ટ તરીકે નું કામ કરે છે. માઈક્રોસોફ્ટ ના મોબાઈલ માં પણ એક કૉર્ટના કરી ને એક આસિસ્ટન્ટ સોફ્ટ્વેર છે અને એન્ડ્રોઇડ વાળા મોબાઈલ માં ગૂગલ આસિસ્ટન્ટ નામનું સોફ્ટ્વેર આપવામાં આવેલું છે. આ પર્શનલ આસિસ્ટન્ટ સોફ્ટ્વેર રિયલ લાઈફ ના હ્યુમન પર્શનલ આસિસ્ટન્ટ તરીકે વર્તે એટલે તમે તમારા કામો નું લિસ્ટ આ સોફ્ટવેર ને કહો અને આ સોફ્ટ્વેર તે કામને તારીખ, સમય અને સ્થળ સાથે રિમાઇન્ડર માં નાખી તમને જેતે તારીખે સામેથી યાદ અપાવશે અને તેનાથી આગળ વધીએે તો તમને ઘરે થી નીકળતી ફેરી કયા રસ્તે ઓછો ટ્રાફિક છે તેવું પણ જણાવી દે છે અથવા તમે ચાઈનીઝ ફૂડ માટે સર્ચ કરો તો તમને "તમારા મેડિકલ રિપોર્ટ્સ મુજબ તમારે ચાઈનીઝ ફૂડ ના લેવું જોઈએ" કે પછી "ચાઈનીઝ કાલે જ ખાધું હતું શુ તમે ઇટાલિયન કે મેક્સિકન ફૂડ ટ્રાય કરશો ?" એવો જવાબ પણ મળી શકે.
આ વિષય પર છેલ્લા ઘણા સમય થી સંશોધનો ચાલી રહ્યા છે અને કેટલીયે મોટી નામાંકિત કંપનીઓ પોત પોતાની રીતે પ્રયાસો કરી રહી છે. એલન મસ્ક એ ઓપન એ આઈ નામનો પ્રોજેકટ શરૂ કર્યો છે એ ઉપરાંત ન્યુરોલીન્ક નામની કંપની ની પણ શરૂઆત કરી છે જે AI ને માનવીના મગજ સાથે જોડી માનવી પોતાના વિચારો થી AI સાથે સંપર્ક સાંધી માહિતીને આપલે કરી શકે તે માટેના સંશોધન ક્ષેત્રે કામ થશે. ગુગલ એ હાલમાં જ આલ્ફાગો નામના AI પ્રોગ્રામ તૈયાર કર્યો જેણે ચાઇના ના ગો ચેમ્પઇન ને ગો ગેમ (ચેસ જેવી એક ચાઈનીઝ રમત) માં હરાવી દીધો. બની શકે ભવિષ્ય ના વર્ષો માં હોલીવુડ ના આર્યનમેન મુવી માં જોવા મળેલા જાર્વિસ જેવું યંત્ર આપણા ઘર અને ઓફિસ માં હશે હાલમાં પણ કેટલાક સુપર રિચ લોકો પોતાના ઘરમાં ઇન્ટેલિજન્ટ સિકયુરિટી સિસ્ટમ નો વપરાશ કરે છે. જોકે કેટલાક લોકો આને માનવ જાત માટે ખતરા રૂપ ગણે છે કેમકે હાલમાં તો પૃથ્વી પર માનવ જ સહુથી સમજદાર છે પણ બની શકે કે નજીક ના ભવિષ્યમાં AI એટલું સમજદાર બની શકે કે જાતે જ પોતાના નિર્ણય લેવા લાગશે અને માનવી પણ તેને કંટ્રોલ નહિ કરી શકે.
AI જેવો જ એક બીજો વિષય જે ભવિષ્ય માં આપણી જીવન નો એક ભાગ બની જશે જે છે IOT એટલે ઈન્ટરનેટ ઓફ થીંગ્સ. આ વિષય નું સામાન્ય ઉદાહરણ થોડા સમય પહેલા ટીવી માં આવતી એક એસી ની જાહેરાત માં જોવા મળ્યું જેમાં બતાવાયું હતું કે માણસ ઓફિસ થી નીકળે અને કારમાં બેઠા બેઠા બેઠા જ મોબાઈલ વડે ઘર નું એસી ચાલુ કરી નાખે જેથી ઘરે પહોંચતા ઘર એકદમ ઠંડુગાર થઈ ગયું હોય. બસ આજ, કોઈ પણ ઇલેક્ટ્રિક કે ઇલેકટ્રોનિક ઉપકરણ ને ગમે ત્યાંથી કન્ટ્રોલ કરવાની તકનીક એટલે IOT. પહેલાં એવું મનાતું કે માત્ર મોબાઈલ, કમ્પ્યુટર જ ઇન્ટરનેટ વડે કનેક્ટ થઈ શકે છે પણ હવે આધુનિક સંશોધનો ને લીધે એક એવી ચીપ બનાવવામાં આવી છે જેના લગાવવાથી રોજીંદા વ્યવહારમાં ઉપયોગી એવા ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા લાઈટ, પંખો, ઓવન, ટોસ્ટર, ગીઝર કે પછી ઘરનો દરવાજો પણ ઈન્ટરનેટ વડે કનેક્ટ થઈ શકશે એટલે તમે ઘર ની બહાર હોવા છતાં આ બધા જ ઉપકરણો ને મોબાઈલ કે કમ્પ્યુટર માં ઈન્ટરનેટ વડે કન્ટ્રોલ કરી શકશો.
માત્ર રોજીંદા જીવન વ્યવહાર માટે જ નહીં પણ એન્ટરટેઇનમેન્ટ ફિલ્ડમાં પણ થઈ રહેલા સંશોધનો આપણા જીવનને વધુ રોમાંચક બનાવી દેશે. આપણે હાલમાં 3D મુવી નો તો અનુભવ કરીએ જ છે, હોલીવુડ ની મોટા ભાગ ની એક્શન મુવી 3D માં બની રહી છે જેમાં 3D ચશ્માં પહેર્યા બાદ આપણને પરદા પર બનતી ઘટનાઓ આપણી નજર સમક્ષ જ બનતી હોય તેવો આભાસ થાય છે. હવે તેનાથી એક પગલું આગળ વધી ને VR એટલે વર્ચ્યુઅલ રિયાલિટી નો જમાનો આવી રહ્યો છે જેને લગતી કેટલીક મુવીસ, યૂટ્યૂબ પર વીડિયો અને ગેમ્સ માર્કેટ માં હાલમાં પણ જોવા મળે છે. VR ની મદદથી કોઈ પણ ઘટના પડદા પર નહિ આપણી આસપાસ બની રહી હોય તેવું લાગશે એટલે કે જ્યારે તમે VR ની મદદથી મુવી જોશો તયારે તમે માત્ર એક પ્રેક્ષક નહિ પણ એ મુવીનો જ એક ભાગ બની ગયા છો તેવો આભાસ થશે. વર્ચ્યુઅલ રિયાલિટી નો આ અનુભવ કરવા માટે આંખો ઉપર એક અલગ પ્રકારનું ઉપકરણ જેને VR હેડસેટ કહેવામાં આવે છે તે પહેરવું પડે છે આ ઉપકરણ તેમાં રહેલા ઝાયરોસ્કોપ અને નેવિગેશન સિસ્ટમ ની મદદથી તેને પહેરવા વાળાનું ચોક્કસ સ્થાન જાણી તેને આધારે તેની આંખો સમક્ષ દ્રશ્યો બતાવે છે તેથી તમે આ ઉપકરણ પહેરી જેતે મુવી,વીડિયો કે ગેમ ની અંદર ફરી પણ શકો અને તે પ્રમાણે તમારી સમક્ષ ના દ્રશ્યો બદલાય છે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ VR બેઝડ મુવી નો સમાવેશ કરવામા આવ્યો હતો જે દર્શાવે છે કે ભવિષ્ય માં આ ટેક્નોલોજી નો ભરપૂર ઉપયોગ થતો હશે.
માત્ર સોફ્ટ્વેર ક્ષેત્રે જ નહીં પણ તેને ચલાવવા માટે જરૂરી એવા પ્રોસેસર ક્ષેત્રે પણ કેટલાક સંશોધન ચાલી રહ્યા છે. આપને જણાવી દઉં કે આ લેખ માં આગળ કમ્પ્યુટર અને ફિઝિક્સ ને લગતા કેટલાક વિષય અને શબ્દો નો ઉપયોગ કરવામાં આવ્યો છે બની શકે લેખ વાંચતી વખતે ક્યાંક માથું ખંજવાળવું પડે અને લેખ થોડો અઘરો પણ લાગી શકે. આજકાલ મોબાઈલ માં પણ ક્વોડ(ચાર) કોર કે ઓકટા(આઠ) કોર વાળા પ્રોસેસર તો કોમ્પ્યુટર કે લેપટોપ માં પણ કોર આઈ ૭ કે અન્ય એવા જ અત્યાધુનિક પ્રોસેસર ની બોલબાલા છે. કોઈ પણ કોમ્પ્યુટર કે મોબાઈલ ની સ્પીડ આ પ્રોસેસર નો પ્રોસેસિંગ પાવર જ નક્કી કરે છે. જોકે હાલ માં એક નવા જ પ્રકાર ના અને આજના કરતા વધુ ઝડપી પ્રોસેસિંગ પાવર ધરાવતા કમ્પ્યુટર નું નામ ચર્ચાઈ રહ્યું છે તે છે “ક્વોન્ટમ કમ્પ્યુટર”. થોડું ઉપર છલ્લી માહિતી આપી દઉં કે કોઈ પણ પ્રોસેસર (કે અન્ય ડિજિટલ ઉપકરણ) માત્ર એક જ ભાષા સમજે જે છે બાઇનરી લેન્ગવેજ જેમાં કોઈ પણ સંદેશ કે માહિતી ની આપલે માત્ર બેજ અંક નો ઉપયોગ કરી કરવામાં આવે ૦(શૂન્ય) અને ૧(એક) જેને બીટ કહેવામાં આવે. એટલે પ્રોસેસર ને મોકલવામાં આવેલા કોઈ પણ સિગ્નલ નું કોઈ એક બીટ ક્યાં તો ૧ હોય અથવા ૦ તેના સિવાય બીજું કાંઈ નહિ. પરંતુ ક્વોન્ટમ કોમ્પ્યુટર માં આ જ બીટ ને ક્વોન્ટમ ફિઝિક્સ ના રૂલ્સ લાગુ પાડવામાં આવ્યા છે એટલે તેને 3D એટલે ત્રિ પરિમાણ માં રજૂ કરવામાં આવે છે. ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે તો જે બીટ પહેલા 2D દ્વિ પરિમાણ માં માત્ર x અને y અક્ષ થી રજુ કરવામાં આવતો કે જેમાં y નું મૂલ્ય શૂન્ય કે એક જ હોઈ શકે તેમ હવે z અક્ષ ઉમેરાઈ એટલે y જ્યારે શૂન્ય કે એક હશે ત્યારે z નું મૂલ્ય કાંઇ પણ હોઈ શકે એટલે જે બીટ માત્ર બે જ સંભવિત મૂલ્ય ધરાવતો તે જ બીટ નું મૂલ્ય ક્વોન્ટમ કમ્પ્યુટર માં અનેક સંભાવના ધરાવતું થઈ જાય છે.
તમને થશે આ સંભાવના વધવાથી પ્રોસેસિંગ માં શુ ફરક પડશે ? પ્રોસેસર માં ખૂબ જ નાની સાઈઝ ના સિલિકોન માંથી બનેલા ઇલેકટ્રોનિક ઉપકરણ લગાવવામાં આવેલા હોય છે જે તેને મોકલવામાં આવતા સિગ્નલ ના ૦ અને ૧ ને પ્રોસેસ કરે છે, જો પ્રોસેસર નો પાવર એટલે તેની ઝડપ વધારવી હોય તો જૂની પદ્ધતિ પ્રમાણે આ સિલિકોન ઉપકરણો ની સંખ્યા વધારવી પડે જેના માટે પ્રોસેસર ની સાઈઝ પણ વધારવી પડે પણ નવા ક્વોન્ટમ કમ્પ્યુટર માં આ જ ઉપકરણ તેની સાઇઝ વધાર્યા વગર અનેક ગણી ઝડપે કામ કરવા સક્ષમ બની જશે અને આથી નાની સાઈઝના અને અત્યારે છે તેનાથી અનેકગણા ઝડપી પ્રોસેસર બનાવવાનું શક્ય બનશે.
સિક્કા ની બે બાજુ ની જેમ જ આ બધા સંશોધનો ની પણ (સંભવિત) ખરાબ બાજુ હોઈ શકે. જેમકે AI અગાઉ જણાવ્યા મુજબ માનવજાત માટેનો સંભવિત શત્રુ ગણવામાં આવે છે તો IOT નો ઉપયોગ બાદ માણસ પૂરેપૂરો પરાવલંબી બની જશે નાનામાં નાના અને સામાન્ય કામ માટે તને મોબાઈલ જેવા ઉપકરણો નો આધાર લેવો પડશે અને બની શકે કે પૂરતી સાવધાની ના રાખવામાં આવે તો જે વાઇરસ અત્યારે માત્ર કમ્પ્યુટર અને મોબાઇલ્સ ને જ ખતરારૂપ છે તે ઘરની દરેક ઇલેકટ્રોનિક વસ્તુઓ ને પણ નુકશાન પોહચાડવા લાગે, અને ડિજિટલ વર્લ્ડમાં લોકોથી વિખૂટો પડતો માનવી વર્ચ્યુઅલ રિયાલિટીને લીધે પોતાના સાચા અસ્તિત્વ થી પણ અલગ થઈ જાય. આવનારી આ ટેક્નોલજી અને ઉપકરણો આપણને ફાયદો કરાવશે કે નુકશાન એ દરેક વાંચકે પોત પોતાની રીતે વિચારવુ રહ્યું.