Khushi - ek zindagi in Gujarati Women Focused by Suresh Kumar Patel books and stories PDF | ખુશી - એક જીંદગી

Featured Books
Categories
Share

ખુશી - એક જીંદગી

ખુશી - એક જીંદગી.

લાલભાઈના પાન ના ગલ્લે બે મિત્રો મયંક અને નીરવ રોજની જેમ સાંજે જમવાનું પતાવી ને પાન પડીકી ખાવા માટે આવ્યા છે. અને રોજ મુજબ ગલ્લાવાળા લાલભાઈએ પણ એમની મનપસંદ પડીકીઓ એમને આવતા જોઈને કાઢી જ રાખી છે. ‘અરે વાહ, લાલભાઈ તમે તો હવે અંતર્યામી થઇ ગયા છો બધાની પસંદગી યાદ છે તમને..?!’ નીરવ પડીકી હાથ માં લેતા બોલ્યો.‘અરે ભાઈ હવે તો ખબર હોય ને તમારો કાયમ નો ઓર્ડર.’ લાલભાઈ પાન ભરેલા મોઢે બોલ્યા‘હાસ તો કાયમી ગ્રાહક ને એટલો તો લાભ મળેજ ને, બસ આવી ને ખાલી ઈસારો કરવા નો બાકી બધું આપો આપ આવી જાય. કેમ લાલભાઈ..?’ મયંક પણ પડીકી મો માં ઠાલવતા બોલ્યો.‘હમ..હમ....!!’ ભરેલા મો એ લાલભાઈએ ફક્ત આટલા માં જ પતાવ્યુંબંને મિત્રો પોતાની બીજી પડીકીઓ અને પાણી ના પાઉચ લઈને થોડા આગળ જઈને ઓટલા પર બેઠા. બસ એમની વાતો ચાલુજ હતી અને અચાનક એક બાઈક પુર ઝડપે આવી ને એ ઓટલા આગળ અથડાયું. બાઈક પર કોઈ હતું નહિ, કેમકે એને ચલાવવા વાળો તો થોડે દુર એક કાર ની અડફેટે આવી ને રસ્તા પર ફંગોળાઈ રહ્યો હતો. મયંક અને નીરવ આ અચાનક આવેલા બાઈક ને સરખું કરી ને કંઈ સમજે એ પેહલા તો ત્યાં ટોળું વળી ગયું. અને એ લોકો પણ ત્યાં ગયા. અને જોયું તો એ બાઈક સવાર લોહી લુહાણ થઇ ગયો હતો. કોઈ એના ખીસ્સા માંથી એનું પાકીટ અને મોબાઈલ તપાસી રહ્યું હતું એટલા માં મયંકે ૧૦૮ ને ફોન કર્યો અને જગ્યા નું એડ્રેસ બતાવ્યું.‘અરે ભાઈ મેં ૧૦૮ ને ફોન કર્યો છે ત્યાં સુધી એ ભાઈ ને બેઠો કરો અને રસ્તા ની સાઈડમાં લઇ લો.’ મયંક પોતાનો મોબાઈલ મુક્તા મુકતાં બોલ્યો.‘હા, હા સાઈડમાં લઈ લો, અને ઓ ભાઈ તું ક્યાર નો એનો મોબાઈલ મચડે છે તો લગાવ ફોન એના કોઈ સગાને જલ્દી થી આવી જાય.’ નીરવ વાંકો વળ્યો અને પેલા ફોન તપાસી રહેલા ભાઈને કહ્યું.બધા ૧૦૮ ની રાહ જોઈ રહ્યા હતા અને એક બીજા સાથે વાતો કરતા હતા.‘લાગે છે બેભાન થઇ ગયો છે, એટલે આંખો બંધ છે.’‘અરે નહિ મેં જોયું એ કાર એની છાતી પર થી જતી રહી છે હવે બચવાનું મુશ્કિલ લાગે છે.’‘અરે ના હવે, કાર તો ખાલી માથા પર ટક્કર મારી ને જતી રહી છે એટલે જ માથા પર થી આટલું લોહી નીકળે છે’‘હા, હા, આ ભાઈ બરાબર કહે છે માથા પર જ વાગ્યું છે અને એને હેલ્મેટ પણ પહેર્યું નો હતું નહીતર બચી ગયો હોત..!’બધા વાતોમાં મશગુલ હતા એટલા માં ૧૦૮ નો અવાજ સંભળાયો. ૧૦૮ તાત્કાલિક એ ભાઈને લઈને નીકળી ગઈ અને ટોળું પણ પોતપોતાના રસ્તે વિખેરાઈ ગયું.મયંક અને નીરવ બસ વિચારતા જ રહી ગયા કે જીંદગી કેવી અને કેટલી અનિશ્ચિતતાઓ થી ભરેલી છે. થોડીવાર પેહલા એ ભાઈ બાઈક પર મસ્ત મજાનો કોઈ ગીત ગણગણાવતો જતો હતો અને બસ એક નાની સરખી ભૂલ કે ટક્કર ના લીધે એના આખા પરિવારના અને પોતાના જીવનના અમુલ્ય સપનાઓ અધૂરા રહી જશે..!? જીંદગી ક્યારે કેવા ખેલ કરે છે એ કોઈને ખબર નથી. પણ, આપણે તો આપણા પોતાના જીવન અને આ અમુલ્ય શરીર ને સાચવીજ શકીએ છીએ ને..!? બંને એકબીજાને કંઇજ બોલ્યા વગર ચાલતા ચાલતા છેક પોતાના ઘર સુધી આવી ગયા અને બસ એકબીજા સામું જોઇને અચરજ ભર્યું સ્માઈલ આપીને પોતપોતાના ઘર માં ઘુસી ગયા.

***

નીરવ સવાર સવારમાં ઓફીસ જવા માટે મોડું થઇ ગયું હોવાથી ઉતાવળ કરી રહ્યો છે. અને તેની પત્ની પ્રીતિ ને જલ્દી થી નાસ્તો લગાવવા માટે એના રૂમમાં થી જ બુમો પાડી રહ્યો છે.‘પ્રીતિ, જરા જલ્દી થી મારો નાસ્તો તૈયાર કરજે મારે આજે મોડું થઇ ગયું છે.’‘કઈ વાંધો નહિ મોડું થયું છે તો થોડું વેહલા ઉઠી જયીએ મોડા સુધી રાતે બહાર ફર્યા ના કરીએ. દુનિયા ભલે ઉથલ પાથલ થઇ જાય પણ તમારે તો રોજ રાત્રે પાન ના ગલ્લે જવું એટલે જવું. કાલે કેટલું મોડું થઇ ગયું હતું તો લેટ થાય જ ને..!! એમ નહિ કે કોક દિવસ ઘરે રહી ને છોકરા ને હોમવર્ક કરાવીએ કે ઘરવાળી જોડે બેસી ને ટીવી જોઈએ.’ ટીપીકલ પત્ની નો જવાબ આવ્યો. નીરવ ડાઇનિંગ ટેબલ પર આવી ને બેઠો હતો ત્યાં પ્રીતિ આવી ને નાસ્તા ની ડીશ મુકે છે, નીરવ પ્રીતિ નો હાથ પકડી ને ‘ઘરવાળી ઘર કામ માંથી ઉંચી આવે તો એની જોડે ટીવી જોવા બેસું ને ..?’ ‘રેહવા દો હવે તમને તો ખાલી બહાના જોઈએ છે..!’ પોતાનો હાથ છટકાવતા. ‘અરે, ગાંડી બહાના નથી સાચું છે. અને કદાચ ટીવી જોવા બેસું તોય મને ક્યાં તું રીમોટ આપે છે..!’ નિરવે હળવો મજાક કર્યો.જલ્દી થી નાસ્તો પતાવી ને નીરવ ઉભો થઇ ગયો. એટલામાં પ્રીતિએ રસોડા માંથી બુમ પાડી, ‘ જરા સાંભળો ઓફીસમાં ફોન કરીને કહી દો કે તમને થોડું મોડું થઇ જશે.’‘કેમ વળી શું થયું અચાનક...?’ નીરવ ગભરાયો.‘અરે, તમેં ભૂલી ગયા. કાલે તમને પીન્ટુ બર્થ ડે કાર્ડ બતાવતો હતો ને?’‘હા, તો એ કોના માટે હતું હું જરા મારા મોબાઈલમાં હતો ખબર ના પડી.’‘આખો દિવસ બસ તમે તો મોબાઈલ માં જ રેહજો, ભૂલી ગયા ને આજે મયંકભાઈ ની લાડલી “ખુશી” નો જન્મદિવસ છે.’‘અરે, હા, સોરી સોરી ભૂલી ગયો. હવે તો મારે ઓફિસે ફોન કરવોજ પડશે. ચાલો તો તમે તૈયાર થાવ પીન્ટુ ક્યાં છે.? જલ્દી રેડી થઇ જાઓ.’‘અરે, પીન્ટુ તો ક્યારનો એનું કાર્ડ ખુશીને આપી ને સ્કુલ જતો રહ્યો હશે. બસ થોડીવાર ઉભા રહો એટલે હું તૈયાર થઇ જઉં અને આપણે ખુશી ને વિશ કરતા આવીએ.’‘ઓહ..! તું હજુ હવે તૈયાર થઈશ તો તો બપોર થઇ જશે...!’‘કઈ વાર નહિ લાગે બસ હમણાજ આવી’‘હા, હા, તું આવ ત્યાં સુધી હું ટીવી જોઉં છું.

***

નીરવ અને પ્રીતિ મયંક ના ઘરે પોહચી ગયા છે, ખુશી પણ સ્કુલ જવા માટે રેડી થઇ ગયી છે આજે એનો બર્થડે છે તોય સ્કુલ ડ્રેસ જ પેહર્યો છે.‘હેપ્પી બર્થ ડે ખુશી’ ઘરમાં ઘુસતા જ નિરવે ખુશી ને ઉચકી લીધી અને વિશ કર્યું.‘હેપ્પી બર્થ ડે ખુશી’ પ્રીતિ એ પણ વહાલ થી ગાલ ખેચતા ખેચતા કહ્યું.‘થેંક યુ અંકલ, થેંક યુ આંટી.’ ખુશી એ જવાબ આપ્યો.‘અરે કેમ ખુશી આજે પણ તું સ્કુલ ડ્રેસ પેહરી ને જાય છે આજે તો તારો બર્થડે છે નવા કપડા પેહરી જાને..!!’ નિરવે ખુશી ને કહ્યું અને મીના ભાભી તરફ જોતા જોતા કહ્યું.‘અરે, નીરવભાઈ મેં તો નવા કપડા કાઢી રાખ્યા હતા પણ મેડમ કહે છે કે આજે એમની સ્કુલ માંથી કોઈ રેલી નિકળવા ની છે અને એમાં બધા ને સ્કુલ ડ્રેસ પેહરવા નું કહ્યું છે ટીચરે એટલે’ મયંકની પત્ની મીનાભાભી એ રસોડા માંથી પાણી લાવતા લાવતા કહ્યું.‘કઈ વાંધો નહિ, સ્કુલ ડ્રેસ માં પણ આપણી ખુશી પરી જેવી લાગે છે નહિ...!’ પ્રીતિએ વહાલ કરતા કહ્યું.‘હા..હા ચોક્કસ આપણી ખુશી તો રાજકુમારી જેવી લાગે છે ભલે ને સ્કુલ ડ્રેસ પેહર્યો હોય તોય !’ સ્કુલ બેગ ખુશી ને આપતા આપતા મયંક ભાઈ બોલ્યા.નીરવભાઈ એ ખુશી ને નીચે ઉતારી અને મયંકભાઈ બેગ ભરાવી ને ખુશી ને લઈને નીકળવા લાગ્યા.‘તમે લોકો બેસો હું ખુશી ને સ્કુલ વેન સુધી મૂકીને આવું.’‘અરે, અરે ઉભા રહો.’ પ્રીતિએ જોર થી કહ્યું અને નીરવ ને કોણી મારી ને કંઇક ઇસારો કર્યો.‘અરે, હા. હા. ઉભા રહો. ખુશી નું કવર તો રહી જ ગયું. આ લે ખુશી તારા માટે ગીફ્ટ લેજે હોને..!’ ખીસ્સા માંથી કવર કાઢી ખુશી ને આપ્યું.ખુશી થોડું અચકી અને પછી પોતાના પપ્પા સામે જોઇને બોલી ‘ના ના આ ના લેવાય’‘અરે, લઇ લે બેટા આજે તારો બર્થ ડે છેને..?’ નીરવે સમજાવી.‘અરે હા, બેટા લઈ લે કંઈ વાંધો નહિ અંકલ રોજ રોજ અહીં આપે’ મયંકે મજાક કરી અને કવર લેવા માટે પરવાનગી આપી. એટલે ખુશી એ કવર લઈને પપ્પા ને આપવા ગઈ.‘અરે બેટા, આ પૈસા કોના છે..?’ મયંકે ખુશીના માથે હાથ ફેરવતા કહ્યું.‘અરે, હા આતો મારા છે.’‘તો ક્યાં મુકવાના તને ખબર છે ને..!?’‘હા, ઉભા રહો પપ્પા, હમણાજ આવું’ પોતાનું બેગ પપ્પા ને આપી ને ખુશી પોતાના રૂમમાં દોડી ગઈ. ખુશી પોતાના રૂમમાં પોતાનો નાનો કબાટ ખોલી ને કપડા ની થપ્પી પાછળ મુકેલા ૨-૩ નાના નાના માટીના ગલ્લા માંથી એક ગલ્લામાં એ કવર મૂકી ને આવી ગઈ. આ બધુ પેલા લોકો બહાર થી જોઈ રહ્યા હતા અને એને બરાબર કબાટ બંધ કરીને ચુપ ચાપ બહાર આવતા જોઈ બધા હસી પડ્યા.અને નીરવ થી રેહવાયું નહિ એટલે પૂછી લીધું.‘અરે, બેટા એમાં શું છે..?‘કંઈ નહી અંકલ એતો મારી અને પપ્પા વચ્ચે ની વાત છે સિક્રેટ કોઈને કેહવા નું નથી.’ હરખાતી હરખાતી પોતાના પપ્પા નો હાથ પકડી ને સ્કુલ વેન પકડવા બહાર જતી રહી અને બધા એના મલકાતા ચેહરા ને જોઈને હસવા લાગ્યા. મયંક અને એની લાડકી દીકરી બહાર ગયા એટલે મીરાંબેને નીરવભાઈ અને પ્રીતિને એ સિક્રેટ કહી નાખ્યું.‘અરે, નીરવભાઈ એમાં એના પપ્પા એ એને લઇ આપેલા માટીના નાના નાના ગલ્લા છે જેમાં એના ઉપર ખુશી એ પોતે કંઇક લખેલું છે. અને એ બંને જણાને એમ કે એનું સિક્રેટ કોઈને ખબર નથી! એના કપડા મુકવા જઉં ત્યારે હું શું એ જોઈ ના લઉં...!’ હસતા હસતા મીરાંબેને ખુશીનું સિક્રેટ કહી નાખ્યું.પ્રીતિ અને નીરવ પણ એકબીજા સામે જોઇને હસી પડ્યા.‘સિક્રેટ છે સિક્રેટ’ કહીને બધા છુટા પડ્યા.

***

બપોરે રોજ મયંકભાઈ જમવા ઘરે આવે, પછી પાછા જયારે દુકાને જાય ત્યારે ખુશીને લેતા જાય અને પોતાની દુકાનની બાજુમાં જ ખુશી ના ટ્યુશનવાળા સર નું ઘર છે ત્યાં ખુશી ને મુક્તા જાય આ રોજનું એમનું કામ.બસ તો આજે પણ મયંકભાઈ પોતાની લાડકી ને લઈને નીકળ્યા અને પોતાની સોસાયટીની સામે જ કંઇક થયું છે એટલે સામે લોકો નું ટોળું વળેલું છે. પણ પોતાને અને ખુશીને પણ ટ્યુશન માટે મોડું થતું હતું એટલે ત્યાં ગયા નહિ પણ ત્યાંથી પાછા ફરી રહેલા સોસાયટીના વોચમેન ને પુછવા ઉભા રહ્યા.‘અરે, ભોળાભાઈ શું થયું છે ત્યાં?’ વોચમેન ભોળાભાઈ ને નજીક આવતા પૂછ્યું.‘અરે, જુવો ને મયંકભાઈ કાલે હજુ એક સ્કુટરવાળા ને એક રીક્ષા એ ટક્કર મારી હતી અને આજે ફરી આ બાઈક વાળો પડ્યો ત્યાં.’ ભોળાભાઈ પરસેવો લુછતા બોલ્યા.‘કેમ કોઈ ગાડી સામે ઠોકી કે શું? મોટો એક્સીડેન્ટ થયો છે..?’ મયંકભાઈ ઉતાવળે બોલી ગયા.‘અરે, સાહેબ આતો રોજનું છે કોઈ એક્સીડેન્ટ નથી, બાઈકવાળો એ સામેની ગલી માંથી બિચારો આવતો હતો અને આ બાજુથી બે કુતરા દોડ્યા એની બાઈક સામે અને એનું બેલેન્સ જતું રહ્યું એટલે એ પેલા ડિવાઈડર સાથે ભટકાઈ ગયો. અને માથું ફૂટી ગયું.’‘ઓહ, તો તો બહુ વાગ્યું હશે નહિ..?’ મયંકભાઈ એ જરા ચિંતા વ્યક્ત કરી.‘અરે, એ તો ગયો લાગે છે. ફેશનમાં ને ફેશનમાં લોકો ટોપો (હેલ્મેટ) પણ નથી પેહરેતા, એટલેજ જીવ જતો રહે છે.’ ભોળાભાઈ એ ભડાસ કાઢી.‘કેમ એટલું સીરીયસ વાગ્યું છે એને..?’ મયંકભાઈ પોતાનું બાઈક આગળ લઇ જતા બોલ્યા.‘અરે, સાહેબ એ બેભાન થઇ ગયો છે એ પથ્થર પર સીધું માંથું ઠોકાયુ છે મેં જોયું. જાણે નાળીયેર ફૂટે એવો અવાજ છેક મને અહિયાં સંભળાયો હતો એટલે જ કહું છું.’ ભોળાભાઈ પાછળ બેઠેલી ખુશી ના દફતર ને સરખું કરતા ધીરે થી બોલ્યા.‘હે ભગવાન..!હેલ્મેટ હોત તો સારું થાત નહિ ..!’ મયંકભાઈ એટલુજ બોલ્યા. અને નીકળી ગયા.મયંકભાઈનું બાઈક પણ રસ્તાના ટ્રાફિકમાં ભળી ગયું. પણ ખુશીની નજરો ત્યાં થી પસાર થતાં થતાં એ લાશ ને જોઈ રહી. થોડા આગળ જતા મયંક ભાઈ તો પોતાની દુકાન ના ચક્કરમાં બધું ભૂલી ગયા અને કોઈને ફોન કરવા મોબાઈલ કાઢ્યો અને એક હાથે બાઈક અને એક હાથે મોબાઈલ પકડી વાતો કરવા લાગ્યા. પાછળ બેઠેલી ખુશીને પેલા ભોળાભાઈ ની હેલ્મેટ વાળી વાત જાણે ઘડી ઘડી કંઇક યાદ કરાવતી હોય તેમ લાગ્યું.અને થોડીવાર પછી ખુશીને યાદ આવી ગયું કે એના બર્થ ડે ના દિવસે સ્કુલ માંથી જે રેલી નીકળી હતી એ આના માટેજ તો હતી. હા, એ રેલી ટ્રાફિક અવેરનેસ નીજ હતી. જેમાં લોકો ને હેલ્મેટ પેહરવા અને ટ્રાફિક ના નિયમો પાળવા માટે વિનંતી ભરેલા સંદેશાઓ આપેલા. આ બધું ખુશીના મગજમાં ચાલી જ રહ્યું હતું એટલામાં એને યાદ આવે છે કે પપ્પા એ તો કોઈ દિવસ હેલ્મેટ પેહર્યું જ નથી. અને એક જુનું હેલ્મેટ ઘરે હતું એ પણ મમ્મી એ ભંગારમાં આપી દીધું છે. આજ નો આખો દિવસ ખુશી બેચેન રહી.રાત્રે જમવાનું પતાવીને ખુશી સુમસાન બેસી રહી અને કંઇક વિચારતી હોય એમ ચુપચાપ બેસી રહી.‘કેમ બેટા શું થયું? કોઈ એ કંઈ કહ્યું તને..?’મીરાબેને વહાલ થી પૂછ્યું.‘નહિ મમ્મી કોઈએ કહીજ નથી કહ્યું.’‘તો પછી શું થયું કેમ સુનમુન થઇ ગયી છે..?’ ‘મમ્મી પપ્પા પાસે હેલ્મેટ નથી કે શું?’‘હેલ્મેટ કેમ ? આજે હેલ્મેટ કેમ યાદ આવ્યું?’‘છે કે નહિ તું એ કહે ને..?’“નથી. હતું એક જુનું પણ કોઈ દિવસ પેહેરતા નહિ એટલે મેં ભંગાર માં આપી દીધું. પણ શું છે.?’‘કંઈ નહિ.’ બસ એટલુજ બોલી ને ચુપ થઇ ગઈ. અને ટીવી તરફ વળી ગઈ. અને મીરાબેન પણ હશે કંઇક એમ વિચારીને ટીવી તરફ વળી ગયા.

***

હવે રોજ ખુશી જયારે પપ્પા સાથે બાઈક પર જતી ત્યારે આજુ બાજુ નજર ફેરવતી અને જોતી કે અમુક બાઈક સવાર હેલ્મેટ પેહરીને જતા હતા તો અમુક હેલ્મેટ વગર. કોઈ પાછા હેલ્મેટ સાથે રાખતા પણ બાઈકની ટાંકી ઉપર કે સાઈડમાં લટકાવી ને જતા હતા. કોઈ બેહનો હેલ્મેટ પેહરી જતી હતી તો ગણી ખરી ખાલી દુપટ્ટા નેજ હેલ્મેટ બનાવી ને જતી હતી. અને પપ્પા એ તો હજુ હેલ્મેટ નથી લીધું કે નથી લેવા વિચાર્યું પણ..!સાંજે ખુશી ઘરે આવીને પીન્ટુ ને મળવા ગઈ અને એને પૂછ્યું કે ‘નીરવકાકા પણ રોજ બાઈક લઈને ઓફીસ જાય છે તો શું એ હેલ્મેટ પેહરી ને જાય છે..?’‘ના ખુશી મારા પપ્પા પણ હેલ્મેટ સાથે લઇ તો જાય છે પણ પેહેરતા નથી. કહે છે કે માથું બગડી જાય છે.’ પીન્ટુ એ પણ પોતાની વ્યથા બતાવી.‘તો હું તને એક આઈડિયા આપું છું એ તું કરજે એટલે તારા પપ્પા રોજ હેલ્મેટ પેહરીને જશે’ કંઇક સિક્રેટ કેહવા ખુશી પીન્ટુના કાન તરફ ફરી અને પીન્ટુ પણ નજીક આવ્યો.કાનમાં કંઇક કહ્યું અને પીન્ટુ તરત સમજી ગયો અને કંઈ પણ બોલ્યા વગર ખાલી હસ્યો અને જતા જતા બંને જણા એ મુઠ્ઠી વાળી ને થમ્સ અપ નો ઇસારો કર્યો.બીજા દિવસે જયારે ખુશી પપ્પા સાથે જતી હતી ત્યારે જરા ઉભું રેહવા કહ્યું અને એ એના રૂમ તરફ દોડી. મયંક ભાઈએ મીરાબેનને ઈશારા થી પૂછ્યું પણ બંને ને કંઈ ખબર ના પડી.થોડી જ વારમાં ખુશી પાછી આવી ગઈ અને ‘ચાલો પપ્પા’ કહીને પપ્પા નો હાથ પકડીને ફટાફટ નીકળી ગઈ.રસ્તામાં જતા બધા બાઈકોવાળા ને જોતી રેહતી અને બધાની સામે હસતી. કોઈ એની સ્માઈલ નો જવાબ આપતું તો કોઈ બિચારું દુ:ખી મો કરીને નીકળી જતું. પણ આજે ખુશી કંઇક સિક્રેટ કરવાની હતી એટલે એ ખુશ હતી. ઘર થી થોડે દુર એક હેલ્મેટ ની દુકાન હતી જેવી એ દુકાન આવી ખુશી એ પપ્પા ને કહી ને બાઈક ઉભું રખાવ્યું. અને થોડીવાર અહીજ ઉભા રેહવા કહ્યું. મયંકભાઈ કંઈ સમજી ના શક્યા પણ બસ બધું જોઈ રહ્યા.ખુશી ઉતરીને પોતાનું બેગ લઈને ત્યાં પેલી દુકાન આગળ પોહચી અને એ દુકાનવાળા અંકલ ને પોતાની બેગ માંથી પેલો માટીનો ગલ્લા કાઢીને આપ્યો અને હેલમેટ તરફ ઇસારો કરતા કહ્યું ‘મને મારા પપ્પા ના માપનું એક હેલ્મેટ આપો ને એ રહ્યા મારા પપ્પા.’ મયંકભાઈ જે નજીક જ બાઈક પાસે ઉભા હતા તેમના તરફ ઇસારો કરતા કહ્યું. મયંકભાઈ હજુ પણ કંઈ સમજ્યા નહિ. અને પોતાનું બાઈક છેક દુકાનની છેક પાસે લઈને આવ્યા. પેલા દુકાનવાળા અંકલ ખુશીને કંઇક પૂછી રહ્યા હતા.‘બેટા તું આ ગલ્લો આપી દઈશ તો પછી તે આના પર જે લખ્યું છે એ તારા સપના માટે શું કરીશ?’‘એ તો હું ફરી થી ભેગા કરી લઈશ. પણ પપ્પા જતા રેહશે તો..!!?’ એક ધારદાર જવાબ આપીને પેલા દુકાનદાર ની બોલતી બંધ કરી નાખી. દુકાનદારે એ ગલ્લાને એમને એમ સાઈડમાં મૂકીને તરત ઉભા થઇ એક સરસ અને મજબુત હેલ્મેટ કાઢી આપ્યું. અને એ હેલ્મેટ ખુશીને આપતા આપતા બોલ્યા, ‘પણ બેટા, તારા પપ્પા આ હેલ્મેટ પહેરસે નહિ તો..?’ખુશી એ આ વખતે પણ એ દુકાનવાળાને કાનમાં સણસણતો જવાબ આપ્યો. ‘તો, હું મારા પપ્પા ને મારા સમ આપીને પેહરાવીશ.’આ જવાબ સાંભળીને એ દુકાનવાળો ભાઈ ગળગળો થઇ ગયો અને મનોમન ભગવાનને પ્રાથના કરવા લાગ્યો કે મારે પણ આવી એક દીકરી હોય તો સારું..! મયંકભાઈ ક્યાર ના ત્યાં ઉભા ઉભા થાક્યા એટલે આવી પોહ્ચ્યા દુકાન પર અને ખુશી ને પૂછવા લાગ્યા.‘તારે શું લેવાનું છે બેટા..? કાલે જ પેન્સિલ, ઇરેઝર બધું લઇ લીધું હતુંને..?’‘અરે પપ્પા એતો મારી પાસે છે, પણ મારે તો આ હેલ્મેટ લેવાનું હતું તમારા માટે..!’ હેલ્મેટ બતાવતા બોલી.‘અરે, આની શું જરૂર હતી’ મયંકભાઈ અમસ્તા બોલ્યા. ‘અરે ભાઈ, દુનિયા નું સૌથી મોંગુ હેલ્મેટ છે આ. તમારી લાડકી એ પોતાના સપનાઓ વેચીને આ જીંદગીરૂપી હેલ્મેટ ખરીદ્યું છે તમારા માટે જુવો.’ ખુશી એ આપેલો પેલો માટીનો ગલ્લો બતાવતા બતાવતા પેલા દુકાનદારે ભરેલી આંખોએ કહ્યું. મયંકભાઈ પાસે કંઈ પણ કેહવા જેવું નહતું. એ ફક્ત ગળગળા થઈ ઘુટણીયે વળી ખુશીને વળગી રહ્યા.‘પપ્પા હવે થી તમારે રોજ આ હેલ્મેટ પેહરવાનું છે નહીતર તમને મારા સમ છે...!!’ દાદીમાં ની જેમ વઢી નાખ્યું ખુશીએ પોતાના પપ્પાને.અને વળી પાછો મુઠ્ઠીવાળી ને થમ્સઅપ નો ઈસારો કર્યો આ વખતે પેલા દુકાનવાળા અંકલને...!!દુકાનદારે પણ પોતાની પાંપણો કોરી કરતા કરતા એજ અંગૂઠા થી થમ્સ અપ નો ઇસારો કર્યો.

સમાપ્ત