Apurvastha in Gujarati Letter by Kavya Shah books and stories PDF | અપૂર્વાસ્થા - Letter to your Valentine

Featured Books
Categories
Share

અપૂર્વાસ્થા - Letter to your Valentine

“અપૂર્વાસ્થા”

કાવ્યા શાહ

ડીઅર હસબન્ડ,

“આપણો પ્રેમ એટલે “I love you કે I miss you” નું રટણ નહિ; આપણો પ્રેમ એટલે આંખો થી થતી શબ્દો ની આપ લે જેનું decoding આપણા હૃદય બહુ સારી રીતે કરી શકે છે.”

“ આપણો પ્રેમ એટલે નીતનવી ભેટ થી ખાસ દિવસો ઉજવવા એ નહિ પણ આપણો પ્રેમ એટલે, જરૂરીયાત ની વસ્તુઓ માંગ્યા વાગર આપી દરેક દિવસ ખાસ બનાવવા એ!”

તને થતું હશે કે આજે અચાનક મને આ બધું લખવાનું શું સુઝ્યું હશે? સાચું કહું, આ તો હું જરા આપડા જુના અને નવા નવા સર્જાયેલા એ પ્રેમ સંબંધ નાં દિવસો ને યાદ કરી રહી હતી. તને યાદ છે શરૂઆત માં હું લગભગ દરેક સારા-નરવા પ્રસંગે તને એક પત્ર આપતી? અને હું તને કાયમ કહેતી કે, “ના, હમણાં મારી સામે નહિ વાંચ. હું નાં હોઉં ત્યારે જ વાંચજે.” તું હાથે કરીને એ પત્ર ખોલતો અને પાછો મૂકી દેતો. તારી બર્થડે હોય, તારા કોઈ પણ અચિવમેંટસ હોય, તું નિરાશ હોય કે મારાથી ગુસ્સે હોય; આ તમામ સંજોગો માં મારા એ લાગણી સભર, કાવ્યાત્મક શબ્દો થી રંગાયેલો પત્ર અચૂક તને મળી જતો! લગ્ન પછી કૈક કેટલી જવાબદારીઓ તળે આપડો એ “પત્ર-વ્યવહાર” ક્યાંક દબાઈ ગયો. મને યાદ છે; તું મને કાયમ કેહતો કે, “તું હવે તો મારા માટે કે આપડા માટે કઈ લખતી જ નથી. લખને કૈક!” આજે એ બધા પત્રો આપડા એ ખજાના માંથી કાઢ્યા અને નિરાંતે વાંચ્યા અને અચાનક જ સુઝ્યું કે આજે આટલા વર્ષો પછી મનમાં ધરબાયેલી મારી લાગણીઓ ને તારી સમક્ષ એ જ પત્ર વ્યવહાર થી રજુ કરું.

સૌથી પહેલા તો મારે તને “થેંક યુ” કેહવું છે. થેંક યુ મને દરેક તબક્કે હું જેવી છું એવી સ્વીકારવા માટે. મને ખબર છે કે લગ્ન પેહલા ના અને લગ્ન પછી ના મારા સ્વભાવ માં આસમાન- જમીન નો ફરક આવી ગયો છે. પેહલા હું એકદમ શાંત હતી. ગુસ્સા અને મારા વચ્ચે તો બારમો ચંદ્રમાં!! આજ ખૂબી થી અંજાઈ ને તું મારા પ્રત્યે આકર્ષિત થયેલો. પણ લગ્ન ના ૧ જ વર્ષ માં તો હું જાણે આગનો ગોળો બની ગઈ છું. કઈ જ ખોટું થાય તો સીધી તોપો જ છૂટે. પછી હું એ પણ ભૂલી જતી કે સામે તું છે. કઈ કેટલી વાર તારી પર ગુસ્સો કર્યો છે ક્યારેક તો તારા સંપૂર્ણ વાંક વગર. તું ઈચ્છત તો તું પણ સામે થી મારા પર ગુસ્સે થઇ શક્યો હોત. મારી સાથે બોલવાનું પણ કદાચ બંધ કરી દીધું હોત! નાં, પણ તું તો ઉલટાનું મારું વધારે ધ્યાન રાખવા માંડ્યો. મારા દરેક પડ્યા બોલ ઝીલ્યા છે તે. ક્યારેક હું મજાક માં પણ કૈક કહું તો પણ તું એને તારું સપનું બનાવીને પૂરું કરી દેતો. અને મેં શું કર્યું, અપૂર્વ ? ભલે હું તારા જમવાનું, તારા કપડાનું અને આડકતરી રીતે તારું પણ ધ્યાન રાખતી પણ શારીરિક અને માનસિક રીતે મેં તને ક્યારેય શાંતિ આપી નથી. એક પત્ની તરીકે તો નહિ જ. તું ઇચ્છત તો બીજે ક્યાંય પણ જઈને તારી જરૂરિયાતો પૂરી કરી શક્યો હોત! પણ ના, તે તો મને “I Love You” નાં એ ત્રણ શબ્દો થી ઉપર ઉઠીને પ્રેમ કર્યો છે!

સાચું કહું અપૂર્વ, પ્રેમ તો મેં પણ તને નિસ્વાર્થ કર્યો છે. જ્યારે-જ્યારે તારા ઉપર ગુસ્સે થઇ છું, જ્યારે-જયારે તને નિરાશ કર્યો છે એટલી વાર એક ગીલ્ટ અનુભવ્યુ છે. કે હું તારા લાયક નથી. તું જીવન માં ઘણું સારું સારું ડિઝર્વ કરે છે. હમેંશા એવું વિચારતી કે નાં આજ પછી હવે ક્યારેય તને હેરાન નહિ કરું. પણ ખબર નહિ કેમ? મારાથી એ ક્યારેય શક્ય જ ના બન્યું. છાત્તાય તે મારો હાથ ક્યારેય નથી છોડ્યો. ચાહે ધોમધખતો તડકો હોય કે પછી વરસાદી તોફાન! મને યાદ છે એ દિવસ જ્યારે તું જીદ કરીને મને ડોક્ટર પાસે લઇ ગયેલો. અને તે ડોક્ટર ને કહેલું કે ,” ડોક્ટર છેલ્લા ઘણા સમયથી મારી wife ખરાબ સમય માથી પસાર થઇ રહી હોય એવું લાગે છે” અરે, પાગલ ખરાબ સમય મારો હતો કે તારો? ઘણા બધા ટેસ્ટ્સ થયા અને છેલ્લે

એવું ખબર પડી કે “ I am suffering from Rage Disorder.” ડોકટરે તને ઘણી બધી સૂચનાઓ આપી. મારી ટ્રીટમેન્ટ કરવાની કહી. અને તારા ચેહરા પર એક પણ સિકંજ વગર તે મારો બધો ભાર તારા ઉપર ઉપાડી લીધો. જે સમય આપડા જીવન નો ઉત્કૃષ્ટ સમય બની શકત એ જ સમય માત્ર મારા કારણે વેડફાઈ ગયો. મને યાદ છે; એક વાર હું ધ્રુસકે-ધ્રુસકે તારી આગળ રડી હતી, ”છોડી દે મને. તું આઝાદ થઇ ને જીવ તારી ઝીંદગી”. અને તે મને કહેલુ, “ અરે ગાંડી, આ તો તારો જ પ્રેમ છે જે હું તને પાછો આપું છું. તું મને જેટલો પ્રેમ કરે છે એટલો મને બીજું કોઈ જ નાં કરી શકે. તું જ કેહ, હું જેટલી વાર કહું એટલી વાર કોણ ચા બનાવી આપે? કોણ એવી દરેક વાનગી રોજ બનાવે જે એને નાં ભાવતી હોય પણ પોતાના પતિ ને ભાવતી હોય? કોણ હમેંશા મારી જરૂરિયાતો નું ધ્યાન રાખે અને માંગ્યા વગર હમેંશા એ તમામ વસ્તુ હાજર કરે? જ્યાં લાગણીઓ અને પ્રેમ હોય ત્યાં જ આ શક્ય બને. માત્ર શારીરિક જરૂરિયાતો સંતોષવી એ તો પ્રેમ નથી હોતો ને? અને માત્ર તારા ગુસ્સા ના લીધે કે તારા કોઈ ડીસીઝ નાં લીધે હું તારા સારા પાસા કેવી રીતે ભૂલી શકું? હું મારી આસ્થા અને એના ખળખળ વેહતા પ્રેમ ના ઝરણા ને ઓળખું છું. આપડો પ્રેમ જ છે કે આટલા કઠીન સમય માં પણ આપણે સાથે છીએ. બાકી નાની નાની વાત માં મેં સંબંધો ને પત્તા ના મેહલ ની જેમ તૂટતા જોયા છે. આપડે બંને ચોક્કસ આમાંથી બહાર આવીશું. મારા પર વિશ્વાસ રાખ.” અને આખરે પાંચ વર્ષ ના તારા અથાગ પરિશ્રમ, તારા દ્રઢ મનોબળ અને ની:સ્વાર્થ પ્રેમ ના લીધે હું પેહલા જેવી બની શકી.

અપૂર્વ, ભલે મેં તને કહ્યું નથી પણ હું તને બેશુમાર ચાહું છું. હર-હમેંશ એ જ ખયાલો માં વ્યસ્ત રહું છું કે તારા માટે આમ કરું, આ તને ગમશે અને બીજું ઘણું બધું. જ્યારે-જ્યારે તું થોડા દિવસ માટે બહાર જાય છે તો ક્યાંક કૈક ખૂટતું હોય એવું લાગે છે. ક્યારેક એ વિચાર માત્ર થી મન ઘભરાઈ જાય છે કે તું નહિ હોય તો? અપૂર્વ, તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય મારો હતો. પણ એને નિભાવતા તે મને શીખવાડ્યું. ભલે પ્રેમ ની રજૂઆત મેં કરી પણ ખરા અર્થ માં પ્રેમ કરતા તે મને શીખવાડ્યું! અત્યારે જે લખી રહી છું એના કરતા પણ કૈક ઊંડું અનુભવી રહી છું. આ લાગણીઓ ને શબ્દો માં કંડારવી અશક્ય છે. મારે બસ તને દિલ ફાડીને પ્રેમ કરવો છે અને આવનારા તમામ વર્ષો ને ખુશીઓ થી ભરી દેવા છે. જીવન ની એ તમામ કાળી ડીબાંગ વાતો માટે દિલ થી માફી, કાળઝાળ ગરમી માં તારા પ્રેમ ની લહેર થી સતત ઠંડક આપવા માટે ખુબજ આભાર અને સતત આપણી વચ્ચે પ્રેમ નો પ્રવાહ ધસમસતો રાખવાના વચન સાથે ખાલી એટલું જ પૂછવા માંગું છું , આવનારા તમામ જન્મો માં, ભલે કોઈ પણ અવતાર હોય, શું હું તારી મિત્ર, પ્રેમિકા અને પત્ની બનું શકું?

“ભલે નાં કહ્યું કે મારા માટે તું કેટલો ખાસ છે;

બસ આ ઝીંદગી ખાસ છે, જો તારો સાથ છે!”

તારી અને માત્ર તારી,

આસ્થા