એક હતો એન્જીનીયર
લેખક
જીતેશ દોંગા
ભાગ - 1
(દોસ્તો...આ કહાની મારી પોતાની છે. મારી નાનકડી સફરની વાત છે. ગામડામાં ભણીને, પછી સાયન્સ પતાવી, એન્જીનીયર બનીને, છેલ્લે લેખક કઈ રીતે બન્યો તેની દાસ્તાન. આ સ્ટોરી હું ત્રણ-ચાર ભાગમાં શેર કરીશ, એટલે આ લેખને ક્રમશ: માનીને આગળના લેખ પણ વાંચી જવા. મારા શબ્દોમાં મેં પૂર્ણ પણે પ્રમાણિકતા વાપરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે તમને ગમશે.)
ઇટ્સ ટાઈમ. ઇટ્સ ધ પરફેક્ટ મોમેન્ટ. ઘણા સમયથી થતું હતું કે મારે મારી કહાની શેર કરવી છે. જેવી છે તેવી... વિચિત્ર-ભાંગેલી-બોગસ-બોરિંગ-લોડ... જેવું જીવન જીવાયું છે તે બધું જ પૂરી પ્રમાણીકતાથી આ ઈન્ટરનેટના વર્ચ્યુલ વિશ્વમાં વહેતું મૂકી દેવું છે. બસ...હ્રદયમાં જેટલું પડ્યું છે એ બધું જ કાઢી નાખવું છે. જયારે નાનો હતો અને પપ્પા સાથે ખેતરથી પાછો ફરતો ત્યારે તરસ લાગે ત્યારે નદી કિનારે જઈને એક ખાડો ખોદતા. હું વિચારતો: પપ્પા નદીનું પાણી કેમ પીવાનું વિચારતા નથી? કેમ તે આ ખાડાના ડહોળા પાણીને ઉલેચીને, થોડી વાર રાહ જોયા પછી દેખાતા પાણીને પીવે છે? એ સમયે એમની પાસે જવાબ હતો, પરંતુ મારી પાસે સમજણ ન હતી. આજે એ સમજણ આવી ગઈ છે. કદાચ. પેલા ખાડાનું પાણી જેમ ઉલેચતા જઈએ એમ ચોખ્ખું- નિર્મળ- અને પ્રમાણિક થતું જતું હતું. એ પાણીની મીઠાશ આગળ નદી કશું જ ન હતી. એવું જ આપણા હૃદયનું, અને હૃદયને અનુસરીને જીવતા જીવનનું છે એવું મેં અનુભવ્યું છે. હું જેમ-જેમ મારી અંદરના ગંદવાડને ઉલેચતો જાઉં છું એમ ક્યાંક- કોઈ ખૂણે- હૃદય વધુ પ્રમાણિક-ચોખ્ખું બનતું લાગી રહ્યું છે. મારે બસ આ મનનો ખાડો ઉલેચતો જવાનો છે. કોઈ ફિકર કર્યા વગર.
દોસ્તો... મારે આખી સફર કહેવી છે. મારે મારા જાત અનુભવ કહેવા છે. મારે તમને પ્રૂફ આપવું છે કે- આ વિશ્વમાં આત્માના પુરા ઊંડાણથી તમે ખરેખર કોઈ વસ્તુને ખુબ-ખુબ-ખુબ ચાહો...તો આ વિશ્વ પણ એ સર્જન-વિચાર સ્વીકારી લે છે. કોઈ સમયે તમને એ મળી જ જાય છે. મારે તમને જે સફર કહેવી છે એ એક સીધીસાદી જીવાયેલી લાઈફની ઓટો-બાયોગ્રાફી જ છે. એમાંથી તમને, અને ખાસ તો લેખક બનવા માંગતા યુવાનોને કશુંક જાણવા મળી શકે. મારા વિચારો તમને પ્રેક્ટીકલ ના લાગે એવું બની શકે...પરંતુ હું પ્રયત્ન કરીશ કે મારી પૂરી પ્રમાણિકતાથી લખું. હું પ્રયત્ન કરું કે હું જેવું જીવ્યો છું તદન એવું જ તમને મારા શબ્દોથી કહી શકું.
કોલેજ. રંગ દે બસંતીનો પેલો ડાયલોગ યાદ છે? ‘કોલેજ દી ગેટ કે ઇસ તરફ હમ લાઈફ કો નચાતે હે...તે દુજી તરફ લાઈફ હમકો નચાતી હે’ એ ક્યાંક મારી લાઈફમાં સાચો પડવાનો હતો. 11-12 સાયન્સ મેં મારી લાઈફમાં જીવેલા સૌથી ડીપ્રેસ્ડ-બોગસ વરસ હતા. રાજકોટની ક્રિયેટીવ સાયન્સ સ્કુલમાં હોસ્ટેલમાં એ બે વરસ કેટલા પ્રેશર-ચિંતા-અને એકલતામાં કાઢ્યા છે એ મને જ ખબર છે. હું ગામડાની સ્કુલમાં 1 થી 10 સુધી ક્લાસ ટોપર હતો. અચાનક રાજકોટમાં જુદાજુદા ગામડાના ક્લાસ ટોપર એક જ ક્લાસમાં. ત્રણેય મેઈન વિષયનું પ્રેશર અને રાજકોટની ગોખણીયા પદ્ધતિ. આજે એ સમજાય છે. એ સમયે એ બધા શિક્ષકો ભગવાન જેવા લાગતા હતા. સવારથી સાંજ સુધી કેટલા ટકા કેમ આવશે એનું દસ કિલોનું દિમાગમાં વજન. સાયન્સ મેં 81% સાથે પૂરું કર્યું અને હું રબર જેવો થઇ ગયેલો. શાંત. સ્થિર. ડરપોક. ગંભીર. બાઘો. બોઘો.
યુવાની આવી હતી. સાયન્સના ભારને લીધે હું દબાયેલી સ્પ્રિંગ જેવો બની ગયેલો. જેવો ભાર ઉઠ્યો કે હું સ્પ્રિંગની જેમ ઉછળ્યો. કોલેજ-લાઈફને ચૂસીને- ઘસીને- ધડબડાટી કરી લેવાની ચૂલ ઉપડેલી. મેં ઘણીવાર લખ્યું છે એમ મારા ખેડૂત માં-બાપ માત્ર ૨-૨ ચોપડી ભણ્યા છે, પરંતુ એમનું શાણપણ-સમજણ ખુબ ઉંચી છે. અમે પાંચ ભાઈ-બહેન (મારાથી ચાર મોટી બહેન) સાયન્સ કરેલા છીએ. 12 સાયન્સ પૂરું કર્યા પછી માં-બાપે મને પૂરો ઉડવા દીધો. મને ‘Charotar University of science and Technology, Changa’ માં Electrical Engineering માં TFWS ની ફ્રી સીટ મળી ગઈ. આમતો અમારે પાંત્રીસ વીઘા જમીન છે, પરંતુ ખોટો આવકનો દાખલો આપીને ઓછી ફી ભરી શકાય એ માટે મેં મારા ઘરને ગરીબ બતાવેલું!
ચાલુ થઇ ધગધગતા- અફળાતા- વિફરેલા જનુન સાથેની કોલેજ લાઈફ. કોલેજના ગેટની અંદર પગ મુક્યો ત્યારે નક્કી કરેલું કે... ભુક્કા કાઢી નાખું! અંદર ઘૂસીને જોયું કે આતો અલગ-અલગ સ્કુલના ક્લાસ ટોપર્સ એક જ ક્લાસમાં આવ્યા છે! બધા જ ૩ ઈડિયટ્સમાં બતાવેલી રેસમાં લાગ્યા છે. ગોખી-ગોખીને આવેલા ઘેટાઓનું ટોળું હવે ઈલેક્ટ્રોન-પ્રોટોનના વિશ્વમાં! ફક! હું ડરી ગયેલો. આ બધાથી હું અલગ કઈ રીતે? કોઈ રીતે નહી. મારે તો થોડું અલગ બનવું હતું. મેં ક્લાસમાં વધુ ધ્યાન આપ્યું. ખુબ ધ્યાન આપ્યું. મળ્યું શું? કંટાળો. સીધું-સાદું ગણિત છે: જો તમને સાયન્સમાં મજા આવી હોય તો એન્જીનીરીંગ એ સાયન્સનું ઊંડું અર્થઘટન છે! લાગી ગઈ! ખુબ વાંચ્યું શરૂઆતમાં! સેમેસ્ટર પૂરું થયુંને માત્ર 6.5/10 SGPI આવ્યા. મેં સ્વીકારી લીધું કે મારે ‘કશુક’ બનવું છે એમાં એવો કોઈ ‘જબરો એન્જીનીયર’ ક્યારેય બની શકવાનો નથી. મારા જેવા કલુ-લેસ ગધેડાઓ પાર વગરના હતા. આખું ટોળું હતું. દેખાતું હતું કે- ડોબા પ્રોફેસરોને પણ એન્જીનીરીંગ ગમતું હોય એવું લાગતું નથી! મારી કોલેજ જંગલ કાપીને ઉભી કરેલી આકર્ષક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એવી જ હોસ્ટેલો ધરાવતી યુનિવર્સીટી હતી. કોલેજથી થોડે દુર ખેતરો વચ્ચે આવેલી મારી ‘આશીર્વાદ’ હોસ્ટેલમાં મારે એક ગ્રુપ બનેલું. એમાં પણ બે ચાર નોન-ગુજરાતી ઈંગ્લીશ મીડીયમના દોસ્તો. એમાંથી એક દોસ્ત બિમલ. બિહારી બોય. મોડી રાત્રે એના રૂમમાં જઈને અમે એકબીજાની ક્યારેય ન કહેલી વન-સાઈડેડ લવસ્ટોરી અને લાઈફસ્ટોરી કહેતા. એક રાત્રે બિમલને કહ્યું: ‘સાલા ફ્યુચર કા ડર લગ રહા હે. એસે હી એન્જીનીયર બનકે મેં લાઈફમેં ઘંટા ભી ઉખાડને વાલા નહી હું.’ બિમલ હસી પડતો. બોલતો- ‘યે સબ અભી મત સોચ. કોલેજ કો એન્જોય કર. યે ચાર સાલ જલસા કર લે. યે ટાઈમ વાપસ નહી આયેગા. ફ્યુચર દેખા જાયેગા’
અને એ જ કર્યું! દોસ્તોનું જબરજસ્ત ગ્રુપ બન્યું. પહેલીવાર ‘Fuck’ શબ્દ એ ઈંગ્લીશ વાળા દોસ્તોએ શીખવ્યો. ગુગલનું દસ ટ્રાય પછી મેઈલ ખુલ્યું. ઓરકુટથી ઇન્ટરનેટ વિશ્વ શું છે એ ખબર પડી. ફેસબુક તો નવું જ આવતું હતું. રેગીંગનો ડર. બંક માર્યા. છોકરી પાછળ પડ્યા. પટાવી ના શક્યા. બીજી શોધી. ના મજા આવી. લેક્ચરર ગમી ગઈ! એક્ઝામના દસ દિવસ પહેલા કોર્સ જોયો. બેકાર પેપર ગયા. દોસ્તોને કેટીના ઢગલા થયા. વધુ કેટી ભેગી થઇ. ફાટી પડી, કોલેજને ગાળો દીધી. પેલી પ્રોફેસરની સેક્સી બોડી આને માટે જવાબદાર લાગી! સેમ્યુઅલ-શોનક-રજત દિલોજાન દોસ્ત બન્યા. પહેલા તો મોબાઈલમાં પોર્ન-ક્લિપ્સ જોયેલી, અને એ ક્લીપના સીન અઠવાડિયા સુધી યાદ કરીને કામ ચાલી જતું. હવે તો હોસ્ટેલમાં લેપટોપમાં સ્ટીરીયો ઉપર પોર્ન જોઈ. હિન્દી ડબિંગની ફિલ્મોને લીધે ઈંગ્લીશ નહી આવડે એવું લાગ્યું એટલે ના સમજાય તો પણ ઈંગ્લીશ સબટાઈટલ વાળી ફિલ્મો ચાલુ કરી. બીયર-વ્હીસ્કીના નશામાં સ્કૂલની લવ-સ્ટોરી સૌને સંભળાવી. પહેલા પપ્પાએ કહ્યું હતું કે બાજુના વિદ્યાનગરમાં ના જતો. છોકરાઓ ત્યાં દારૂ પીવે છે. બગડે છે. હું વિદ્યાનગરમાં રહેતા દોસ્તોના આગ્રહથી જવા લાગ્યો. જુદીજુદી ફ્લેવરના હુંકાનો કેફ ચડ્યો. વગર પેટ્રોલની માંગી બાઈક ફેરવી. ફિલ્મો ટોકીઝમાં ઘસી કાઢી. મુવી ડાઉનલોડ કરીને ટોરેન્ટને પણ હેંગઓવર આવી ગયું! એસાઈનમેન્ટના ઉતારા કર્યા. પ્રોફેસરને તો ત્રીજી પેઢીની ગાળો આપી. બેંચ પર ઊંઘ કરી. વાઈવામાં પ્રોફેસરે ત્રીજી પેઢી યાદ કરાવી. પ્રેક્ટીકલમાં ‘પું’ થઇ ગયું. હોસ્ટેલમાં રમેલી NFS યાદ આવી ગઈ, FF આવ્યો! ધેટ્સ ગુડ. બોગસ ટેક-ફેસ્ટ, એથી બોગસ કલ્ચરલ ફેસ્ટ, એથી બોગસ કોન્વોકેશન અને એના ભાષણો, એથીયે બોગસ પેલો માલ બીજા છોકરા સાથે છે એની ફીલિંગ! દોસ્તો સાથે આખી રાત ગપ્પાબાજી, દુનિયા બદલવાની વાતો, પ્લેસમેન્ટના સપના, અને કશુક કરી બતાવવાની તમન્ના.
ખેર... હું ઘેટું હતો. એક નંબરનું ઊંધું ઘાલીને આંખો બંધ કરીને દોસ્તોના ટોળામાં ભાગતું ઘેટું. ‘કોલેજ-લાઈફ’ના અને દોસ્તીના નશામાં ત્રણ સેમેસ્ટર ખત્મ કરી નાખ્યા. ગમે તેમ કરીને 7.0/10 CGPI લઇ લીધા. હું બહારથી ખુશ હતો. અંદરથી પણ. પરંતુ કોઈ મોડી રાત્રે લેપટોપમાં કોઈ મુવી પૂરું કર્યા પછી રૂમની બાલ્કનીમાં એકલા બેસું ત્યારે અંદરનો ભોળો યુવાન સવાલ કરતો: જીતું...ક્યાં ભાગી રહ્યો છે?
મારી પાસે જવાબ ન હતો. જવાબ મળવાનો હતો.
***
ભાગ - 2
મેં ચોથા સેમેસ્ટરમાં કશું જ કર્યું નહી. ફિલ્મો જોઈ. પાર્ટીઓ કરી. દોસ્તી બનાવી. બીડીઓ ફૂંકી. મોડી રાત સુધી જાગીને અસાઇનમેન્ટના ઉતારા કર્યા. હું નમ્બ હતો. મને ચારે બાજુ મારી જેવા જ દિશા-વિહીન અને છતાં બહારથી હેપી દેખાવાની કોશિશ કરતા, જલસા મારતા પરંતુ અંદરથી દોસ્તોના ટોળામાં પણ એકલતા અનુભવતા એન્જીનીયર દેખાતા હતા. કોઈનું ભવિષ્યમાં કશું ઉકળવાનું નથી, બધા બોગસ જોબ કરશે, પૈસા કમાવા જ બધું જશે, આ બધા સમાજને સ્વીકારી લેશે...આવા હજાર વિચાર આવતા. ચોથા સેમેસ્ટરમાં લાગ્યું કે જગતના મોટાભાગના માણસો બે ત્રણ સવાલોમાં જીવન કાઢી નાખે છે: એક: મને શેમાં રસ છે? અને બીજું ખરેખર હું જે રસ્તે, જેવો માણસ બનવા જઈ રહ્યો છું એ સાચો છે? મને લાગ્યું: ખુબ ઓછા માણસો પોતાનું પેશન-પર્પઝ શોધી શકે છે. તો શું બાકી બધા નકામા?
ના. આ વિશ્વમાં દુર આકાશમાં ઉડતું પરીંદુ પણ પોતાનો ભાગ ભજવે છે. કોઈ ખૂણે સડતો ભૂખ્યો-નાગો રૂમી પણ ફેંકી દેવાનો નથી. પણ શું કરવું? મને ખબર હતી કે મારી જેમ દરેક દોસ્તમાં પેલો ‘કશુક’ બનવાનો ‘સ્પાર્ક’ હતો. દિશા ન હતી. એટલે સૌ કોઈ પોતાના વિચિત્ર સપનાઓ કહેતા, પરંતુ કોઈના સપનાની ઈમારતોને પાયો જ નથી એ ફીલિંગ સૌને આવી જતી. મને કોઈ પૂછતું તો કહેતો: હું બીઝનેસ ચાલુ કરીશ. ઇલેક્ટ્રિક વાયર બનાવતી કંપની. Name: JK Wires ltd. product: From Non-metallic Cable to Optical Fiber! પરંતુ એ માટે શું કરવું એ ખબર ન હતી! બહારથી Awesome દેખાતો માણસ અંદરથી Happy હોય એ જરૂરી નથી. હું બીજા બધા ઘેટાઓની જેમ જ ટોળામાં ભાગ્યે જતો હતો. હું તો હવે વિદ્યાનગરના રસ્તાઓ પણ ઘસી ચુક્યો હતો. અમુક સમયે એન્જોયમેન્ટનો પણ કંટાળો આવતો હતો. હવેની રાત્રે દોસ્તો સાથે બીયર-વ્હીસ્કી પીધા પછી લવસ્ટોરીને બદલે ભવિષ્યમાં શું કરશું એની ગમ ભરી વાતો થતી! ચોથું સેમેસ્ટર પૂરું થયું.
પાંચમાં સેમમાં મેં નક્કી કર્યું દોસ્તોને છોડી દઉં. દારૂ પણ. દોસ્તનું આખું ગ્રુપ વિદ્યાનગર રહેવા જતું રહ્યું (વધુ જલસા માટે!) અને હું ‘આશીર્વાદ’ ની બાજુની ‘નિસર્ગ’ હોસ્ટેલમાં તદન નવા જ દોસ્તો બનાવવા ગયો. મારા જુના દોસ્તો ખરાબ ન હતા... મારે એમનાથી થોડા દુર રહીને એક સવાલનો જવાબ શોધવો હતો: મને શેમાં રસ છે?
નવી હોસ્ટેલની મારી રૂમની બાલ્કનીમાં બેસીને હું મોડી રાત સુધી સામેના ખેતરમાં રહેલા અંધકારને તાક્યા કરતો. રૂમ પાર્ટનર સુઈ ગયા હોય ત્યારે હું મારા દિલને શું ગમે છે એ વિચારતો બાલ્કનીમાં બેઠો-બેઠો રડ્યા કરતો. મેં અનુભવેલું: મારું પેશન જાણવાની તમન્ના મારામાં જેટલી હતી એટલી કોઈનામાં ન હતી! ભૂખ હતી. બીજા બધા ક્યાંક પરિસ્થિતિ સ્વીકારી લેતા હતા. હું નહી. આ ‘નમવું નહી’ એવો ગુણ મારા પપ્પા માંથી આવ્યો છે. પરંતુ આવી જાતને સમજવાની ભૂખે ખુબ રડાવ્યો. પરંતુ હવે એ ક્ષણ આવી ગઈ હતી. તપ પૂરું થવા આવ્યું હતું. મારી થોડે દુર એક રૂમમાં એક હંમેશા મૂંગા-મૂંગા પુસ્તકો વાંચ્યા કરતો, કોઈ સાથે ન ભળતો દોસ્ત બન્યો: જીગર તળાવીયા. એને જોઇને મેં ચેતનભગતથી ચાલુ કરીને ડેન બ્રાઉનની બુક્સ વાંચવા માંડી. નવલકથા એક શ્રેષ્ઠ કામ કરે છે: તમને એક એવા અજાણ્યા વિશ્વમાં લઇ જાય છે જ્યાં રહીને તમને વાસ્તવિક જિંદગીની પીડાઓ ઓછી થઇ જાય છે. એ એસ્કેપ બારી છે. મારે બાલ્કનીમાં રડવાનું બંધ કરવું હતું. બીજા વિશ્વમાં જવું હતું. મને વાંચવાનું એટલું બધું ના ગમતું પરંતુ અમુક બુક્સમાં પાત્રોને શું બનવું છે તેની ખબર હતી! અને પછી આવ્યું વાઈ-ફાઈ અને લેપટોપ. ઈન્ટરનેટ માં સામે ગુગલ ખોલીને પહેલું જ વાક્ય લખ્યું: How to find your interest?
અત્યારે એ યાદ કરું તો હસવું આવે છે! જેમ ઇન્ટરનેટમાં ઊંડો ગયો એમ ત્રણ વ્યક્તિઓ મળી ગયા: સ્ટીવ જોબ્સ. જય વસાવડાનો બ્લોગ, અને મારા જેવા ફેસબુક પર આંટા મારતા યુવાન દિશા-વિહીન ઘેટાઓ! સ્ટીવ જોબ્સ કહેતો ગયો: For the past 33 years, I looked in the mirror every morning and asked myself: 'If today were the last day of my life, would I want to do what I am about doing today?' And whenever the answer has been 'No' for too many days in a row, I know I need to change something. If you haven't found it yet, keep looking. Don't settle. હું સમજ્યો કે રોજે ઉઠીને અરીસામાં જોઇને જાતને પૂછવાનું કે આજે છેલ્લા દિવસે શું કરવું છે? પૂછ્યું! રોજે! તબલો ભાઈ જવાબ આવે? કોઈ અનુભવ તો હોવો જોઈએને! અને છેલ્લે ખબર પડી: તમારે આગળ જોઇને નક્કી ના કરી શકો કે તમારે શું બનવું છે... To connect the dots…look backward. આપણે આપણા જાત-અનુભવ પરથી કેવી વ્યક્તિ બનવું છે તે ખબર પડે. જો જાત-અનુભવ ના હોય તો લેવા પડે. You have to create the dots. You have to trust your Karma, destiny, guts and intuition.
અને એક રાત્રે ‘ઝીંદગી ના મિલેગી દોબારા’ જોઇને બાલ્કનીમાં બેસીને રાતના ચાર વાગ્યે પ્રચંડ ચમકારો થયો હૃદયમાં! અંદરના માણસે કહ્યું કે: “બાલ્કનીમાં બેસીને રડ્યા કરવાથી તારું પેશન ખબર નહી પડે. ઉભો થા. દોડતો થા. દુનિયાને એક પ્રયોગશાળા સમજીને તારી જીંદગી સાથે પ્રયોગ કર. અનુભવો પેદા કર. આવી ગેંગી-વેવલી જીંદગી જીવવા કરતા ખુમારી ભર્યા રસ્તાઓ લે. જો ખબર જ છે કે એક દિવસ આ માનવીની ભવાઈ આમ જ સંકેલી લેવાની છે તો પછી રંગમંચ પર નાચીલે. જીતું...ક્યાંક-ક્યારેક-કોઈ એક વરસે તો તારું મન કહેશે જ કે ભાઈ ઉભો રે...તને તે દિવસે પેલો અનુભવ ખુબ ગમેલો હેને? ડોટ્સ કનેક્ટ થશે. જરૂર છે માત્ર જિંદગી-ભવિષ્ય ઉપર વધુ વિચાર્યા વગર જુદાજુદા અનુભવો કરવાની.” એ રાત્રે સામેના અંધકાર સામે જોર-જોરથી રાડો નાખી. રૂમ પાર્ટનર ઉઠી ગયા! હૃદયને એક દિશા મળેલી કે: ઘેટાભાઈ... પોતાનો રસ જાણવો હોય તો ઉભા થાવ. પોતાની જાતને જુદાજુદા ક્ષેત્રોમાં દાવ પર લગાવો. અનુભવ કરો. ક્યારેક તો કશુક ખબર પડશે જ ને! અને ના પડે તો પણ ભવિષ્યમાં મારા દીકરાને કહેવા થશે કે બેટા...અમે પણ લાઈફને સળી કરવામાં બાકી નથી રાખ્યું!
દોસ્તો...એ રાત અને આજની રાત... જે જીવન હું જીવવા મથ્યો એનો મને ગર્વ છે. એક દિવસ તમારે નક્કી કરી લેવાનું હોય છે કે તમારે કેવો માણસ બનવું છે...પછી તે માણસ સારો હોય કે ખરાબ...પરંતુ તે આ દુનિયામાં પોતાની જાત સાથે ખુશ હોવો જોઈએ. એવો માણસ બનવાની દિશા ન હોય તો શોધો. મેં શોધેલી છે. હું કહીશ. ધીમી ધારે કહીશ. કેમ લેખક બન્યો. કેમ સિંગર ના બન્યો. કેમ એન્જીનીયરીંગ ના છોડ્યું? કેમ પોર્ન-સ્ટાર ના બન્યો એ પણ કહીશ! થોડી ધીરજ રાખજો. આવતા પાર્ટ-૩ માં... હજુ તો આપડે બધા એ ‘વિશ્વમાનવ’ બનવાનું છે...
ચંદ્રકાંત બક્ષી સાચું કહેતા: માણસે બધા જ વ્યસનો યુવાનીમાં કરી લેવા જોઈએ કે જેને લીધે બુઢાપામાં છોડી શકાય.
***
ભાગ - 3
કોલેજના દિવસો ભાગી રહ્યા હતા. હું ઘણો દુઃખી હતો કે કોલેજમાં કશું ઉકાળી શક્યો નહી. રોજે રાત્રે તેનો અફસોસ થતો.
મારી રોજની કોમન લાઈફમાં અમુક દિવસો એવા હોય છે જેમાં આખો દિવસ ભરપુર મહેનત કર્યા પછી રાત્રે સુવા ટાઈમે જયારે હું શહેરની પીળી લાઈટ્સમાં રસ્તા પર ફરવા નીકળું, ડીવાઈડર પર બેસીને મ્યુઝીક સંભાળતા ચારે-બાજુ ભાગતી જિંદગીને નિહાળ્યા કરું, કે અમસ્તા જ કોઈક વાર સિગારેટ ખરીદીને નીકળતા ધુમાડાની બીજી બાજુ પસાર થતા વાહનોને જોયા કરું ત્યારે હું મારી જાતને શહેરની હવામાં એકાંતમાં તરતી અનુભવતો હોઉં છું. હૃદયમાં આખો દિવસ કરેલી ગાંડી મહેનતને લીધે જે આત્મ-સંતોષ પેદા થાય, અને મહેનતનો દિવસ જીવ્યાની જે સાર્થકતા મનમાં હોય એના લીધે કદાચ મન પતંગિયું બની જાય છે. આવી ક્ષણ ખુબ ઓછી હોય છે. હું પર્સનલી આવી હસવું આવે એવી ફીલિંગને ‘સાર્થકતાની ક્ષણ’ કહું છું. આ દિવસ ‘લેખે લાગેલો’ દિવસ બની જાય છે. લાંબો સમય એ ક્ષણ યાદ રહે છે.
ખબર છે આવી મોમેન્ટસ ક્યારે આવવા લાગી? જયારે મનનું ધાર્યું કામ કરવા લાગ્યો! જયારે દિલને શું ગમે છે એ કામને મેં અસ્તિત્વ બનાવવાનું માથે લીધું. એવું કામ હું હજુ કરું છું. આખો દિવસ થકવી નાખનારી જોબ કર્યા પછી, શાંતિથી જમીને, દિમાગને રીફ્રેશ બટન મારીને, રાત્રીના 8 થી 2 વાગ્યા સુધી લખવાનું કામ. છ કલાક સુધી પોતાનું વિશ્વ સર્જવાનું. એવું વિશ્વ જ્યાં સુખ-દુખ-આંસુ-કે સંઘર્ષ મેં જાતે સર્જેલો હોય. રોજે રાત્રે બે વાગ્યા પછી કામ પૂરું કરી જયારે સુના રોડ પર નીકળું ત્યારે પેલો આત્મ-સંતોષ શબ્દોમાં કહી ના શકાય એવો હોય. દોસ્તો...અને ઘણીવાર એમ થાય કે આવું શોખનું, પેશનનું, અને રસનું કામ બધા કરી શકતા હોય તો?
ખેર... ધારો કે આપણું પેશન ના ખબર હોય તો પણ કઈ દુખી થવાનું ના હોય. ગમે તે ભોગે આ નાનકડી જીવનીમાં હેપી રહેવાનું છે. ગમે તે ભોગે. હા...એક વધારાનું કામ હું આજે તમને શીખવવા માંગુ છું એ છે: પોતાના દિલને ગમેં તેવું કામ કેમ શોધવું? કારણકે આવું ગમતું કામ કર્યા પછી થોડી એક્સ્ટ્રા હેપીનેસ મળે તો એ અંત:આનંદ લુંટવા જેવો ખરો.
ઓવર ટુ સિકસ્થ સેમેસ્ટર ઓફ એન્જીનીયરીંગ. કોલેજમાં રખડપટી કરીને કંટાળીને જયારે ફ્રસ્ટેટ થઇ ગયેલો. કોઈ દિશા ન હતી. તે છેલ્લી રાત્રે જયારે દિમાગમાં લાઈટ થઇ કે બોસ...આપણે તો ડોટ્સ બનાવવા પડશે. રસનું કામ જાણવા માટે પહેલા તો જાતને રડતી બંધ કરીને ‘એક્સપ્લોરર’ બનવું પડે. ઉભા થઈને પ્રયોગો ચાલુ કરવા પડે આ લાઈફની પ્રયોગશાળામાં! ઘસાવું પડે. કમ્ફર્ટ ઝોન છોડવો પડે. દુનિયાના પટ પર ખુલ્લી છાતીએ, કોઈની શેહ-શરમ વગર, મોજ લુંટતા, અને ધીંગાણે ચડ્યા હોઈએ એમ નીકળવું પડે. આ ફિલોસોફી બે પાર્ટમાં કહું:
***
મારા છઠા સેમેસ્ટરના અનુભવો પરથી એક કડવી વાત બધા કોલેજીયનો અને જોબ કરનારા માટે:
મેં જોયું છે કે કોલેજલાઈફમાં જેવો સ્પાર્ક યુવાનોમાં હોય છે તેવો જોબલાઈફમાં નથી હોતો. કેમ? ધે ડોન્ટ લવ ધેર જોબ! બિચારા વપરાયેલા કોન્ડમ જેવા થઇ ગયા હોય છે! (આવા વિશેષણ માટે લેખકને ગાળો ના દેવી!) આના બે કારણ છે: એક આપણી એજ્યુકેશન સીસ્ટમ, અને બીજું- આપણે! આપણી સિસ્ટમે આમેય આપણી ક્રિયેટીવ સેન્સ મારી નાખી હોય છે. ગોખી-ગોખીને હવે તો ગાંડા થયા. લાલ થઇ ગઈ! બારમાં ધોરણનો ભાર હતો. વધુ ભાર આપીએ તેમ સ્પ્રિંગ ઉછળે એ રીતે સૌ કોલેજમાં ઉછળ્યા. બારમાં બોર્ડમાં જેટલી ભીંસ પડી તેની બમણી મોજ કોલેજમાં કરી (પણ જીવનના ઉદેશની ખોજ ન કરી...આ આપણો વાંક!) પણ સિસ્ટમને કેટલી કોંસશો? લંકા બાળવી હોય તો હનુમાનજીને પણ પૂંછડે આગ લગાડવી પડે છે!
હા...તો હવે આપણો વાંક કહું. જીવનનો ઉદેશ્ય, પેશન, ઓબ્સેશન તેની તમે ખોજ ના કરી. હું તો ૨૫૦ ટકા માનું છું કે સ્કુલ ક્રિયેટીવીટીને મારી નાખે છે, પણ આપણે ખુદ એને જીવાડી શકીએ છીએ. પહેલું કામ: કોલેજના જલસા સાથે પોતાને ગમતા કામ શોધવાનું ચાલુ કરો. ગમે તે ભોગે દિવસના અમુક કલાક એ કામ કરો. કામની ખબર ના હોય તો ભરપુર વાંચો. પુસ્તકો જીવનને ઉગારી દેશે. દિમાગની બતી ચાલુ કરો. જો પોતાની બ્રાંચમાં રસ હોય તો તેનું ભરપુર વાંચો. પ્રેક્ટીકલ વસ્તુઓ બનાવો. નવા ઇનોવેટીવ આઈડિયા શેર કરો. ટેક-ફેસ્ટમાં ‘સક્રિય’ ભાગ લો. જો પોતાના વિષયમાં રસના હોય તો બીજા વિષય શોધો. સિંગીંગમાં પાર્ટ લો. ભલે ચપ્પલ ઉડે, પણ એકવાર ગાઓ. ડાન્સિંગ પણ કરો. બેશરમ શકીરા બનો દોસ્ત. કોઈ નાટકમાં ભાગ લો, કોઈ સ્ટોરી લખો, પેપર લખો, શોર્ટ ફિલ્મ બનાવો, બ્લોગ ચલાવો, ચિત્રો બનાવો. જો આર્ટમાં પણ રસ ના પડે તો ટ્રાવેલિંગ કરો, એકલા ફરો, લોકોને મળો, નાનકડી જોબ કરો. નાનકડી જોબ મતલબ શું? બેશરમ થઈને કોઈ હોટેલમાં વેઈટર બનો, કોલ સેન્ટરમાં કામ કરો, બસ કંડકટર બનો, કૂક બનો, નાની દુકાન ખોલો, છાપા-બુક્સ વેચો, નવી જ પ્રોડક્ટ બનાવીને વેચો, રસ્તા સાફ કરવાની જોબ પણ ચાલે, કોઈ ઝુંબેશનો પાર્ટ બનો, ભાષણ કરો, બળવો કરો, સ્પોર્ટ રમો, લાઈબ્રેરીમાં ફ્રી સર્વિસ આપો, કોઈ સર્વેમાં ભાગ લો. અરે યાર...લાંબુ લીસ્ટ છે. એ બધું પણ ના ગમે તો? વધુ પુસ્તકો વાંચો. બસ.
આવું કેમ કરવું? દોસ્ત, આ બધું કરતી સમયે હૃદયના કોઈ ખૂણામાં ક્યારેક અવાજ આવશે કે- ‘યાર આ કામમાં મોજ પડી ગઈ! મજા આવી!’ બસ. એ દિલનો અવાજ છે! એ કામને પકડી લો, એમાં ઊંડા ઉતરો. વધુ મોજ પડી? વધુ ઊંડા ઉતરો. કુવાને ઊંડો ખોદશો તો મીઠા પાણી મળશે. સાચું કહું તો...લાઈફના પચીસ વરસ જાય એ પહેલા એ કામને પ્રોફેશન બનાવવાની પૂરી ટ્રાય કરીલો. નહી કરો તો કોલેજના ગેટ બહાર જીંદગી તમને નચાવશે. પચીસ પુરા થશે ત્યાં અરેન્જ મેરેજનું ભુત, પછી છોકરા, વધુ પૈસા, પૈસા, પૈસા, છેલ્લો શ્વાસ. ગેમ ઓવર!
તમને ડરાવતો નથી. ના ગમતા કામ કરીને ખુશીથી જીવન-ઉત્સવ મનાવતા લોકો આપણે જોયા જ છે. આપણા માં-બાપ એમાં આવી જાય છે. પણ આપણે એવું નથી કરવું. ગમે તે ભોગે ખુશ તો રહેવું જ છે, પણ સાથે-સાથે ખુશી આપતું કામ પણ કરવું છે. એટલે જોબ કરતા હોતો સાઈડમાં ગમતા કામ કરવાનો ટાઈમ કાઢો. બહાનાં ના દેશો. કોલેજ ચાલુ હોય તો ટાઈમપાસ ના કરો. જલસાનો ટાઈમ કાઢો, પણ જલસા કરવાનો ટાઈમ શોધતા ના ફરો. ખોજ કરો. અહી બધું જ છે. મને આવા ફોલોસોફીના ભાષણ આપવાની ઔકાત કે અધિકાર નથી, પણ મેં ઉપર લખેલું બધું અનુભવ્યું છે. લંકા બાળવી હોય તો પૂંછડે આગ જરૂરી છે. એ આગ એટલે સ્પાર્ક. ગમે તે ભોગે, છેલ્લા શ્વાસ સુધી ખુશ રહીને, ગમતા કામ કરીને, કમાવાની ખેવના. આ બધું બોલવામાં સહેલું છે, ઉતારવામાં કડવું, પચવામાં ભારે, અને સેહત માટે બેસ્ટ. એક બેસ્ટ સલાહ દઉં: GRE, માસ્ટર્સ, કોમ્પીટીટીવ એક્ઝામ આપતા પહેલા વિચારવું: કે સાલું...જે વિષયો મેં બેચલર ડીગ્રીમાં એન્જોય નથી કર્યા, એને લઈને માસ્ટર્સ કે તેને લગતા કોર્સમાં એન્જોય કરીશ?
***
ભાગ - 4
દોસ્તો... અહી એક આડો રસ્તો લઉં છું. એન્જીનીરીંગનું પાંચમું સેમેસ્ટર મારા દિલને શું ગમે છે એ શોધવામાં જ નીકળી ગયું. મારી આ નાનકડી ઓટોબાયોગ્રાફીમાં ટર્નિગ પોઈન્ટ એવો ખુબ અગત્યનો, અને ખુબ જ પ્રમાણિકતાથી લખવું પડે એવો પાર્ટ હવે આવે છે: આપણા પેશનને કઈ રીતે જાણવું તે. પરંતુ અત્યારે સવારમાં આ લખી રહ્યો છું ત્યારે થોડા પર્સનલ કામને લીધે લાગતું નથી કે એ વાત હું તમને પૂરી મનની ચોખ્ખાઈથી કહી શકું એમ નથી. એટલે આ પાર્ટમાં એક નાનકડી વાત મુકીને ચાલ્યો જાઉં છું. સીધા છ મહિનાનો જંપ લગાવીને...
આ વાત છે જયારે મને ખબર પડી ગઈ હતી કે મારે લેખક બનવું છે. એન્જીનીયર બનીશ તો પણ કઈ દમ વગરનો બનીશ. હવે માત્ર બે રસ્તાઓ હતા. ૧) એન્જીનીરીંગ છોડી દઉં, અથવા ૨) એન્જીનીરીંગ છોડી દઉં!
એ ડીસેમ્બરની રાત્રી હતી. હું મારી કોલેજના સ્ટડી-ફોયરમાં એક નવલકથા લઈને બેઠો હતો. ટાઈમ હતો: રાત્રીના એક વાગ્યાનો. મારી આંખો ભીની હતી. પાંપણ પર લટકતા આંસુને લીધે પેજ પરના શબ્દો બ્લર થઇ રહ્યા હતા. એ સમય હતો કે મારે મારી લાઈફનો ટ્રેક બદલવાનો હતો. જીવન આખું બદલવાનું હતું.
મેં મારો મોબાઈલ લીધો, અને મારા પપ્પાનો નંબર ડાયલ કર્યો. થોડી જ રીંગ વાગી ત્યાં પપ્પાનો અવાજ આવ્યો. એમનો અવાજ થોડો દબાયેલો આવતો હતો. એ બોલ્યા:
“હા બેટા...કેમ રાત્રે એક વાગ્યે તને બાપા યાદ આવ્યા? શું થયું?”
હું થોડી વાર બોલ્યો નહી. આંસુઓની નદી મારી આંખોમાંથી નીકળી ગઈ. મારે એમને ઘણું કહેવું હતું, પરંતુ ગળે બાજેલા ડૂમાને લીધે બોલી શકાતું ન હતું. સામે છેડે મારા પપ્પા મારા જવાબની રાહ જોઈ રહ્યા હતા. છેવટે હું બોલ્યો:
“બાપુજી. (હું એમને બાપુજી કહું છું) મારે એન્જીનીયર નથી બનવું. હું એન્જીનીયર બનવા માટે નથી. મારે સારા ટકા આવે છે પણ મને વધુ રસ નથી. મને પ્લેસમેન્ટ મળી જાશે તો પણ એવો માણસ હું નથી બનવા માંગતો. મારે લેખક બનવું છે.”
અને પછી મારો રડવાનો સાયલન્ટ મોડ સીધો મોટા હિબકે ચડ્યો. મારા પપ્પા મને રડતો સાંભળી રહ્યા હતા. થોડીવાર રાહ જોયા પછી એ બોલ્યા:
“જીતું...તને એક વાર્તા કહું.”
પછી એમણે વાત ચાલુ કરી: “ઘણા વર્ષો પહેલા...આશરે ત્રીસ વરસ પહેલા...એક છોકરો હતો...તારા જેવડો જ...વીસેક વરસનો. એ છોકરો ગામડે ખેતી કરતો. રાત્રે અંધારામા ઘઉંમાં પાણી વાળતો. રાત્રે એક વાગ્યે પોતાના ખેતરમાં શિયાળાની ઠંડીમાં એકલો ખેતર વચ્ચો-વચ ઉભો-ઉભો એ મોટે-મોટેથી રડતો. કોઈ સાંભળતું નહી. એના આંસુ પાણીમાં વહી જતા. એ છોકરાને પોતાના ગરીબ બાપને એક વાત કહેવી હતી પરંતુ કહી શકતો ન હતો. આમને આમ એ રડ્યા કર્યો.
પરંતુ એક દિવસ સવારે પાણી વાળીને ઘરે ગયો ત્યારે એણે હિમ્મત કરીને એના ગરીબ બાપાને કહી દીધું: કાકા...મને આ ખેતી ગમતી નથી. મારે મોટા શહેરમાં જાવું છે. મોટો બીઝનેસમેન થવું છે. વેપારી બનવું છે. મારે મારી જીંદગી આ સુના ખેતરો વચ્ચે નથી કાઢવી. મારું હૃદય કહે છે કે હું સારો વેપારી બનીશ. જો તમે મને થોડા રૂપિયા આપો અને શહેરમાં જવા દો તો હું મોટો વેપારી બનીશ. કાકા...હું ખેતરનું શાકભાજી ગામમાં વેચવા જાઉં છું અને બધું જ વેચીને આવું છું...આવું જ હું શહેરમાં જઈને કરીશ. મને ખબર છે હું વેપારી બની શકું એમ છું.
પરંતુ બુઢા બાપા ન માન્યા. એ છોકરો રડ્યા કર્યો. છેવટે એના બાપાએ એને છેલ્લો જવાબ આપી દીધો: ક્યારેય શહેરમાં જવાનું નામ લેતો નહી. આપણી પેઢીઓથી આપડે ખેતી કરીએ છીએ. તું વળી ક્યાં નોખી માટી બની ગયો? આપડા ગામમાં પણ કોઈએ શહેરમાં જઈને આવા વેપાર કરવાની ઠોકમ-ઠોક નથી કરી. આપડા કુટુંબનો તો વિચાર કર. અને આ ‘હૃદય કહે છે તે કરવું’ એ બધું શું હોય? છાનો-માનો અહી જ જીવન કાઢ અને પેટ ભર. આમેય તું બે ચોપડી જ ભણેલો છે. શહેરમાં બધા લુંટી લેશે.”
“વાર્તા પૂરી...” મારા પપ્પા બોલ્યા. હું સામે છેડે ઝબકી ગયો. હું તો એ કહેતા હતા એ વિશ્વમાં પહોંચી ગયેલો, અને મૂંગા-મૂંગા સાંભળી રહ્યો હતો. છેવટે મારા પપ્પા ફરી બોલ્યા:
“જીતું બેટા...એ ખેડૂત છોકરો બીજું કોઈ નહી પણ તારો પપ્પો જ છે. હવે થોડો બુઢો થઇ ગયો છે. હજુ રાત્રે એક વાગ્યે ઘઉંના ખેતરમાં અત્યારે ઉભો છે. હજુયે બાળપણ યાદ કરીને ક્યારેક આંખો ભીની કરી લે છે... કારણકે જીવનભર તેને જે કરવું હતું એ વેપારીનું કામ એ કરી જ ના શક્યો. હજુ વિચારે છે કે જવાનીમાં ગામડું છોડીને એકવાર ખાલી હાથ અજમાવી જોયો હોત તો આજે દુનિયા અલગ હોત. આજે હું ખુશ છું. ખુશ રહેતા શીખી ગયો છું...છતાં ક્યારેક...”
હું સામે છેડે દંગ રહી ગયો હતો. કોઈ વિચાર આવતો ન હતો. ચુપ હતો. હૃદય ભાગી રહ્યું હતું. મારા પપ્પા ફરી બોલ્યા:
“જીતું...પણ તારી સાથે આપડે એવું નથી થવા દેવું. મોજ કર. લેખક બનવું હોય તો લખવું પડે. એન્જીનીયરીંગ છોડવાથી લેખક ના બનાય. ડીગ્રી લઈલે. પગાર લેતો થા. હાથમાં રૂપિયા હશે તો પેટ ભરાશે. પેટ ભરાશે તો લખવાના વિચાર આવશે.”
“થેંક યુ બાપુજી...” હું ભારે અવાજે બોલ્યો. એમને પણ હાશકારો થયો હતો. મારે આગળ કશું બોલવું ન હતું. મારે કોઈના, એમના હગની જરૂર હતી. હું ફોન મુકવા જઈ રહ્યો હતો ત્યાં એ ફરી બોલ્યા:
“જીતું...લખ...ખેડુંનો દીકરો લખે એની સુગંધ અલગ હશે. આગળ વધ. અને તું ઘરે ભૂલી ગયેલો હતો એ ડાયરી વાંચી મેં. મને ખબર પડી કે આ ભાઈ કૈક બીજું જ વિચારે છે. કઈ વાંધો નહી. એવી ચોપડી લખ કે જે બધા રેકોર્ડ તોડે, અને તને એમાંથી પણ થોડા રૂપિયા મળે. અને યાદ રાખજે...એ ભેગા થયેલા રૂપિયા વાપરી ના નાખતો...મને દેજે...મારે હજુ તારી પાસે શહેરમાં આવીને કશોક ધંધો ચાલુ કરવો છે” ફોન મુકાઇ ગયો.
આ વાત મેં પહેલા પણ મારા બ્લોગ પર લખેલી છે. કહાનીમાં બધા જ શબ્દ સાચા નથી, પરંતુ ભાવ સાચો છે. અને કેટલાયે વરસથી ગામના ઉપસરપંચ અને સાવજ-દિલ માણસ એવા મારા પપ્પા મળવા જેવા માણસ છે. હજુ એમના વિચારો થોડા જુના છે, પણ એમાં એતો સમયનું કામ છે. હા...છેલ્લી વાત એમણે કહેલું કે...તારી ચોપડી બધા રેકોર્ડ તોડે ત્યારે... એ વાત અત્યારે થોડી સાર્થક લાગે છે. ‘વિશ્વમાનવ’ ખુબ વખણાઇ છે. બીજી આવૃત્તિ પણ આવી રહી છે. બુકના ભેગા થયેલા થોડા રૂપિયા મારે ભેગા કરવા છે. પપ્પાને કહ્યું નથી. કહેવું પણ નથી. સમય આવશે એટલે એમને આપવા છે. મને ખબર છે એ ધંધો ચાલુ નહી કરે... (કારણકે અત્યારે તો એમને મારા માટે છોકરીઓ જોવાનું ટેન્શન છે!)
એટલે એ ઘટના પછી મેં નક્કી કરી લીધું કે હવે ભવિષ્યમાં ક્યારેક લેખક બનીને જ રહીશ! અને બન્યો પણ ખરો. બેરોજગારી ના દિવસો માં ખુબ બધું ભોગવવું પડ્યું, પણ હું છેવટે લેખક બન્યો. લેખક બનવાની પ્રકિયા ખુબ સિમ્પલ હતી: લખતા રહેવાનું. ગમે તે પરીસ્થિતી અંદર લખતા રહેવાનું.
***
ભાગ - 5
એન્જીનીરીંગના સાતમાં સેમમાં શરુ કરેલી બુક કોલેજ પૂરી થયાને એક વરસ પછી પૂરી થઇ. કોલેજ પૂરી થઇ ગઈ હતી. બેરોજગારી હતી. હું કોલ-સેન્ટરમાં કામ કરતો હતો, અને ખિસ્સા ખાલી હતા. પેટમાં જનુન હતું લેખક બનવાનું! વાસ્તવ અલગ હતો.
Jay Vasavada ની જય હો બુકમાંથી તેમનો નંબર કાઢીને ફોન કર્યો. જે લેખકને વાંચીને લખતા થયા હોઈએ એમની સાથે વાતો કરવામાં ફાટી પડે! તેમની પાસે મેં મારા બધા સપનાઓ ઓકી નાખ્યા. બધું જ જનુન કહ્યું. બુક વિષે વાતો કરી, અને એક સવાલ પૂછ્યો: ‘આને પબ્લીશ કઈ રીતે કરું?’
જયભાઈએ રિયાલીટીનું ભાન કરાવ્યું: “ગુજરાતી નવલકથા છે. લાંબી છે. છાપામાં પણ આવી નથી. કોઈ તમને જાણતું નથી. અને આખી લાઈફ લેખક બનીને ફરવાના સપના જુઓ છો? કોઈ પબ્લીશર હાથ નહી પકડે.” પરંતુ તેમણે એક ધ્રુજાવી દેતી વાત કરેલી: “તું મચક ન આપતો. આ શરૂઆત છે. કોઈ હાથ ન પકડે તો એકલા ચાલો. સેલ્ફ-પબ્લીશ કરો. પહેલા નોકરી શોધો અને રૂપિયા ભેગા કરો.”
નોકરી શોધી. ત્રણ મહિનામાં 50000 ભેગા કર્યા. વચ્ચે-વચ્ચે જયભાઈને કેટલીયે વાતો કરતો રહ્યો. તેઓ ઘણીવાર મારી ઉતાવળ અને વધારે પડતી હવા ભરેલી વાતો સાંભળી ખીજાઈ ગયા. “મારા હજાર કામ વચ્ચે તારો ફોન ઉપાડીને તારી બોઘા જેવી વાતો સાંભળું?” તેઓ કહેતા. એમના વાક્યોમાં સત્ય હતું.
સામે અંધારું દેખાતું હતું. મહેનત પાણીમાં દેખાતી હતી. એકલા-એકલા રડવું આવી જતું હતું. ખેડૂતના દીકરા તરીકે ઘરે પણ રૂપિયા મોકલવાની જરૂર હતી. મારા બાપુજીએ એક રૂપિયો પણ માગ્યો નથી, પરંતુ નબળા વર્ષોમાં ઘરની તિજોરીમાં મેં હાથ ફેરવેલો છે. ધૂળ હોય છે
50000 ભેગા થયા એ પહેલા એક-પછી-એક પબ્લીશરને મળી આવ્યો. દરેક પબ્લીશર સ્પાઈરલ કરેલી બુક લઇ લે. પછી કોઈ જવાબ નહી! દસ દિવસ પછી હું ફોન કરું ત્યારે દસ ફોન પછી એક ફોન ઉપાડીને કહે: અમે આ પુસ્તક નહી છાપી શકીએ. એક પબ્લીશરને તો ફોન કરેલો અને કહે: અમારે અહી લેખકોની તાણ નથી, હવે ફોન ના કરતા!
પબ્લીકેશનની દુનિયા તમને લાગે એટલી સહેલી નથી. લુંટારાઓ પણ છે અને સારા માણસો પણ છે. પરંતુ બુક લખવા કરતા પબ્લીશ કરવી અઘરી છે! હું દિવસે-દિવસે હારી રહ્યો હતો, પરંતુ આત્મો કહેતો હતો: “મચક ના આપતો. તારા સપનાઓ સામે જો, અને જોર કરતો રહે.”
એકદિવસ જયભાઈ અમદાવાદમાં એક જગ્યાએ સ્પીચ દેવા આવેલા. સ્પીચ પૂરી થઇ એટલે હું તેમની પાછળ દોડ્યો. મારું નામ કહ્યું. તેમણે મને ઓળખ્યો, અને બાજુમાં ઉભેલી એક મોટી પાર્ટીને કહ્યું: “આ દોસ્તની બુક પબ્લીશ કરી આપો. એમના જેવા યુવાનોને મદદ કરો.” એ વ્યક્તિ કોણ હતો એ મને આજે યાદ નથી, પરંતુ જયભાઈના ચાલ્યા ગયા પછી એ ભાઈએ મને બુક વિષે પૂછીને એક વાક્ય કહ્યું: “આજકાલ ગુજરાતી નવલકથા કોઈ વાંચતું નથી!” અને મારી અંદરથી જનુની જવાબ નીકળી ગયો: “હું વંચાવીને રહીશ. પબ્લીશ કર્યા પહેલા, અને કોઈની મદદ વિના.”
ફેસબુક ખોલ્યું. એક મજાનો માણસ Murtaza Patel મળ્યો. તેઓએ બુક પબ્લીશ કરવામાં અને ફેસબુકને કઈ રીતે માધ્યમ બનાવીને આગળ વધવું તેમાં જબરદસ્ત માહિતી આપી. એ માર્કેટિંગનો માણસ! જયારે મેસેજ કરું ત્યારે કહી દે: “લોકોને મફતમાં બુક આપી દે. ઇન્શાલ્લાહ. સારી વાર્તા હશે તો દુનિયા જવાબ દેશે!”
બસ…એકદિવસ નોકરીએથી આવીને ફેસબુક પર ખુબ સારું લખતા અને વાંચતા વિરલાઓ શોધી કાઢ્યા! તેમને આજીજી કરી કે મારી બુક વાંચશો? પહેલો વાંચકVaibhav Amin જે હવે મારો જીગરી દોસ્ત છે, તે બોલી ગયો કે બુક ભુક્કા કાઢશે. (આજે પણ બુકના કવર પર વૈભવ અમીનનું એક વાક્ય છે!) પછી તો Siddharth Chhaya અને ભૂમિકા કેયુર શાહ સાથે ફોન પર વાત થઇ અને બંનેએ અદભુત ગાઇડન્સ આપ્યું. મેં એક સાથે સીતેર વાંચકોને મેઈલ કર્યા અને કહ્યું કે બુકનો રીવ્યુ ફેસબુક પર શેર કરજો. જેવી લાગે તેવી નાગું સત્ય લખજો, અને મને ટેગ કરજો કે જેથી મારા વાંચકો વધે!
એક અઠવાડિયામાં ઢગલો રીવ્યુ આવ્યા. બુકના ખુબ વખાણ થયા. બુક ગુજરાતી પ્રાઈડ એપ્લીકેશન પર Mahendra Sharma એ પબ્લીશ કરી આપી. ત્યાં ખુબ ચાલી. માનવજાત ક્યારેય સાચી વાત કરનાર સાથે દગો નથી કરતી. કોઈ વાંચકે બુકની એક પ્રિન્ટ પણ ન કાઢી, અને મને પૂછીને પોતાના ગ્રુપમાં શેર કરી.
વચ્ચે Mukesh Modi અને Dipak Soliya જેવા ધુરંધરોની સાચી સલાહ મળી. મુકેશભાઈ મને ગુજરાતી સાહિત્યમાં સૌથી ટોચના માણસ લાગ્યા. તેમની એકલા સાથે ફોન પર મારી હાલત કહેતા-કહેતા હું રડી પડેલો. મારા પર તેમણે એક લેખ પણ લખેલો.એ સમયે એક પબ્લીશર મળ્યા Chetan Sangani જેમને મેં બુક પબ્લીશ કરવા કહ્યું, પણ તેઓને બુક ગળે ન ઉતરી. પણ મારું જનુન તેમને દેખાયું હશે, તેમણે કહ્યું કે હું તમને બુક પ્રિન્ટ કરાવી દઈશ, અને તમે જાતે વેચી લેજો. અંધારામાં કોઈ પ્રકાશ દેખાયો. એક જ મહિનામાં બુક પ્રિન્ટ કરી આપવાનું નક્કી થયું.
બુક હાર્ડ-કોપી બહાર આવે એ પહેલા ફેમેલીમાં એવી ઘટના બની કે મારા ખિસ્સાના 50000 મારે બાપુજીને આપી દેવા પડ્યા. મને એમાં ખુશી જ હતી. પણ હવે પ્રિન્ટ વાળાને કેમ ચુકવવા! મારા કુટુંબી કાકા Natvarlal-Nirala પાસેથી 40000 માંગ્યા. એમાં એક સેલેરી નાખીને 60000 ભેગા કર્યા. બુકનું કવર Sumeet Chaudharyનામના વડોદરાના પેઈન્ટરે એક રૂપિયો લીધા વિના માત્ર બુકની સ્ટોરી સાંભળીને બનાવી આપ્યું.
માત્ર મને ખબર હતી કે જો આવનારી 1000 હાર્ડકોપી બે-ત્રણ મહિનામાં ન વેચાઈ તો હું કાકાને 40000 ચૂકવી નહી શકું. (તેઓને તો પાછા પણ નહોતા જોઈતા, કારણકે મારી અંદર તેમને પોતાનું સપનું જીવતું દેખાતું હતું. તેઓ ખુદ ફાડું લેખક છે)
એકબાજુ હાર્ડકોપીમાં બુક આવવાની હતી, એકબાજુ ઈ-બુક તરીકે બુક ધમાકાભેર ચાલી રહી હતી. મારા એકાઉન્ટમાં ફ્રેન્ડ રીક્વેસ્ટનો ઢગલો થઇ રહ્યો હતો. એક રાત્રે સુતા પહેલા જબરદસ્ત વિચાર આવ્યો! બુકને ઓનલાઈન લોંચ કરવાનો. એ પણ એવા માણસો પાસે જેમના ફ્રેન્ડ લીસ્ટમાં હજારો વાંચકો હોય. મેં Bhupendrasinh Raol Divyansh ParmarJayendra Ashara Bhavin ‘shikhar’ Kishan BadiyaniBhavya Raval Gaurang Amin જેવા ખરેખર અદભુત એવા જવાનિયાઓને ચેટ પર જ વિનવ્યા કે તમે બુક વાંચીને જેવી લાગે તેવો રીવ્યુ શેર કરો, અને બુકને ઓનલાઈન લોંચ કરો.
બસ…ધડ..ધડ..ધડ. આ બધાએ આશરે એક હજાર નવા વાંચકો આપ્યા! મારી તાલાવેલી જોઇને ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ના ડાયરેક્ટર Abhishek Jain સામેથી મદદ કરવા આવ્યા. બુકનો રીવ્યુ તેમણે શેર કર્યો. હું તેમને પર્સનલી પણ ઓફીસ પર મળી આવ્યો. (પાછળથી મારી નાનકડી ભૂલને લીધે મારો ભરોસો તૂટી ગયો. છતાં આજે પણ તેઓ મારા સવાલોના જવાબ આપ્યે રાખે છે. ધેટ્સ અ ગ્રેટનેસ ઓફ અ પર્સન)
જો ધરતી પર તમે છપ્પરફાડ મહેનત કરો તો ઉપરવાળો છપ્પર ફાડીને જ આપે! મેં વડોદરામાં નવી જોબ લીધી. અમદાવાદમાં 1000 બુક પ્રિન્ટ થઈને મારી મોટીબહેનના ઘરે પહોંચી ગઈ. હું ખુદ જ ફ્લીપકાર્ટ પર સેલર બની ગયો! અને બુક એક જ દિવસમાં 290 કોપી વેચી કાઢી. સેલર હોવાથી જાતે રાત્રે જોબ પરથી આવીને બુકના પેકિંગ કર્યા. એક અઠવાડિયામાં 400 બુક માત્ર ઓનલાઈન વેચાઈ ગઈ! રીવ્યુના લીધે!
પછી મદદે આવ્યું GLF – Gujarat Literature Festival જેના આયોજકોએ સામેથી કહ્યું કે બુકને લોચ કરવા કહ્યું. મેં આખી સફર કહેવા જય વસાવડાને ફોન કર્યો. બુક લોંચ કરી આપવા કહ્યું. તેમનો જવાબ ચોખ્ખો હતો: “મેં તારી બુક વાંચી નથી, પણ એક દોસ્ત તરીકે તારે માટે અને તારી અથાગ મહેનતને દાદ દેવા માટે હું આવીશ.”
મારાથી ખુશ થઈને Dipak Soliya એ પણ સ્ટેજ પર મારી જર્નીની વાતો કરી. કેટલાયે વાંચકો ત્યાં હાજર રહ્યા. પહેલીવાર બુકલોંચ કોઈ એક બુક લખનારો માણસ બુક સાઈન કરી રહ્યો હતો! એ રાત્રે એક ૯૪.૩ રેડીયોમાં ઈન્ટરવ્યું આપવાનો હતો એ કેન્સલ કરી નાખ્યો, અને ઘરે આવીને રૂમ બંધ કરીને ખુબ રડ્યો. સપનાઓ સાકાર કરવામાં નિચોવાઈ ગયો હતો એની એટલી ખુશી હતી કે ધ્રુસકે-ધ્રુસકે રડ્યો.
Sanjay Chhel જેવા લેખકોએ એમના પપ્પાના અવસાન છતાં સમય કાઢીને બુક વાંચીને રીવ્યુ શેર કર્યો. કાજલ ઓઝા વૈદ્ય અને જયભાઈ પ્રસ્તાવના લખવાના હતા, પરંતુ બંનેની વ્યસ્તતા હું સમજતો હતો, એટલે મેં જાતે જ પ્રસ્તાવના લખી મારી હતી.
દોસ્તો…થેંક યુ. આજે જે કઈ પણ છું તે તમારા લીધે છું. તુમ હો તો હમ હે, સિર્ફ હમ હે તો કુછ ભી નહી હે. હજુ તો લાંબી સફર ખેડવાની છે, હજારો માઈલ-સ્ટોન પાર કરવાના છે. નિષ્ફળતાઓ ભોગવવાની છે. રડવાનું છે. ભાંગી-ભાંગીને પણ રાખ માંથી બેઠું થવાનું છે. માણસ એકલો પાંગળો છે. તમે બધા ન હોત તો હજુ પેલા 40000 ચૂકવાયા ન હોત. અત્યારે બીજી બુક લખાઇ ન રહી હોત. ગુજરાતી કોઈ વાંચતું નથી એવા ભ્રમ ખોટા છે. સારી વાર્તા કોઈ રચતું નથી તો કોઈ વાંચતું નથી એ સત્ય છે. હજુ આ સાહિત્ય-જગતમાં કેટલોયે પરસેવો પાડવાના અભરખા છે. મારે ફિલ્મો લખવી છે. બધા નિયમો તોડતી નવલકથાઓ લખવી છે. લેખક તરીકે ફેંકાઈ જવું છે, અને પાછા ધીંગાણા ખેલીને કમબેક કરવી છે. હજારો લોકો વચ્ચે સ્ટેજ પર માતૃભાષામાં સ્પીચ આપવી છે, અને તાળીઓ સાંભળવી છે. એ કઈ ન થાય તો પણ જીવનભર લડતા રહેવું છે. નવા યુવાનોને કહેવું છે કે: ગુજ્જુ લેખક બનીને જીંદગી કાઢવી સહેલી નથી. ખિસ્સામાં રૂપિયો ન હોય તો ક્રિએટીવીટી ફાટી પડે છે. મરી જાય છે. છતાં છેક સુધી ન હારીને અવિરતપણે ગાંડા હાથીની જેમ ઉધામા કરનારો ખુબ માન-પાન-ધન- અને પ્રેમ મેળવે છે. આજે હું મારા ગામમાં નીકળું ત્યારે પચાસ માણસ માનથી બોલાવે છે, અને કેટલાયે યુવાનો દોસ્તી કરે છે.
લાઈબ્રેરીમાં ‘જીતેશ દોંગા બુક્સ’ નામનો સેક્શન હોય એવું સપનું છે. મોટા છાપામાં મારી કોલમ હોય અને છેક કોઈ રીક્ષાવાળો કે ગામડામાં કપાસ વીણતા મજુર સુધી હું પહોંચી શકું એવી ખેવના-તમન્ના છે. વર્ક ઇન પ્રોગ્રેસ છે, ઇન પ્રોસેસ છે. એવું કઈ ન થાય તો કોઈ રંજ નથી, પણ સપના જોવા એ માણસનો પહેલો ધર્મ છે.
***