રોંગ નંબર
નેહા બેંકમાં આવી ગઈ. એની ઉદાસ આંખોમાં ઘણાં સવાલ હતાં. ૨૦ વરસનાં લગ્ન જીવનમાં ક્યારેય સુખ જોયું ના હતું. આકાશનો સ્વભાવ થોડો વિચિત્ર હતો. બન્ને જુદાં જુદાં માહોલમાથી આવેલા!! બન્ને માં જમીન આસમાનનો તફાવત હતો. નેહા જ્યારથી લગ્ન કરીને આવી હતી ત્યારથી એને ખબર પડી ગઈ હતી કે એનું જીવન સામાન્ય માનવી જેવું નથી જવાનું. ઉદાસ નેહાએ કેશનું ડ્રોઅર કાઢ્યું અને કસ્ટમર લેવા લાગી. એની સાથે કામ કરતી ટીના એની સામે જોયા કરતી હતી. આજ નેહા ખરેખર ખૂબ ઉદાસ લાગે છે. કસ્ટમરની લાઈન ખતમ થઈ એટલે તરત જ પૂછ્યું, નેહા, ટીનાએ શું થયું? આકાશ સાથે ઝગડો થયો?" નેહાએ માથું ધુણાવી ના કહી. પણ ટીનાએ જોયું કે નેહાનું દિલ કામમાં લાગી રહ્યું નથી. આકાશ અને નેહાની દરેક વાત ટીનાને ખબર હતી. નેહાને એક પુત્ર હતો. આમ એનાં લગ્ન જીવનમાં એ જરા પણ સુખી ના હતી. પણ દીકરા માટે એ આ સંસાર નીભાવી રહી હતી. કે દુનિયા દીકરાને કાલે લોકો પૂછે કે તારી મા ડીવોર્સી છે? બસ દીકરાના ભવિષ્ય માટે એ બધું સહન કરવા તૈયાર હતી. નેહાને ધ્રુસકે ધ્રુસકે રોતા ટીનાએ જોયેલી છે. પણ નેહાની મજબૂરી એ સમજતી હતી.
આકાશની પાસે જ્યારથી મોબાઈલ ફોન આવેલો એ એક યા બીજા બહાને સોશિયલ મીડિયા યા ફેઈસ બુક અથવા વોટ્સ એપમાંથી છોકરીના કોન્ટેક્ટ શોધી એની સાથે પ્રેમની વાતો કર્યા કરતો. નેહાને આ બધી વાતની જાણ હોવા છતાં ચૂપચાપ દિવસો ગુજારી રહી હતી. એક એક દિવસ એક એક સદીની જેમ વીતતો. હર વખતે એ જ્યારે કોઈ છોકરી સાથે વાત કરતા પકડાતો તો તરત જ નેહાને દોષ દેતો. કે તું મારી સાથે સારી રીતે નથી રહેતી. તારા ઘરવાળાએ મને આમ કહ્યું અને તેમ કહ્યું. તમે લોકો મને માન નથી આપતા. તારા બાપે મારી સાથે આમ વર્તન કર્યુ,તારી બહેનોએ આમ કર્યુ.. તું મને શારિરીક સુખ નથી આપતી. વગેરે મેણા ટોણા મારી પોતાની ભૂલમાં થી છટકી જતો. એક છોકરી સાથે પકડાય એટલે તરતજ બીજીને પકડે.. જિંદગી એક ભયંકર સપનાની જેમ ગુજરી રહી હતી. નેહા પોતાના મા બાપ કે સગા વ્હાલાને પણ કાંઇ કહી શકતી ના હતી. રોજ ને રોજ એક સરખી વાતથી નેહા કંટાળી ગઈ હતી પણ રાહુલ હજુ ઘણો નાનો હતો.
એ દિવસ નેહાને બરાબર યાદ છે કે જ્યારે રાહુલ સાત વરસનો હતો. અને આવું કાંઈક લફડું પકડાયું હતું. ડિસેમ્બર મહીનો હતો. બહાર સ્નોસ્ટોર્મ આવેલું અને ઘરમાં પણ આંધી અને તુફાન!!નેહા આજ ખૂબ ભડકી ગઈ હતી. પહેલા તો એણે દરવાજો બંધ કરી ઉંઘની ગોળી લેવા પ્રયત્ન કર્યો પણ દરવાજો ખોલી આકાશ આવી ગયો. અને હાથમાંથી ગોળીઓ લઈ લીધી. નેહાએ રડતાં રડતાં બેગ ભરવા માંડી. રાહુલ ના કપડા અને પોતાનાં થોડાં કપડા ભરી નીચે આવી. અને વેનની ચાવી અને પર્સ લઈ ઘરની બહાર જવા લાગી. રાહુલ પગને વીંટળાઈ વળ્યો હતો. "મમ્મી નહીં જા, મમ્મી નહી જા " કરીને કરગરી રહ્યો હતો. પણ નેહા બસ થાકી ગઈ હતી રોજના કકળાટથી. એ રાહુલનો હાથ પકડી ચાલવા લાગી એટલે આકાશ એકદમ એની પાસે ધસી આવ્યો. કારની ચાવી અને ક્રેડીટ કાર્ડ લાઈ લીધા અને કહ્યુ કે," હવે જા જવું હોય ત્યાં!!"નેહા ફસકાઈ પડી. એક તો બહાર સખત ઠંડી અને વળી સાત વરસનો રાહુલ જે જાનથી વહાલો. હું તો સહન કરું પણ આ ફૂલ શી રીતે સહન કરશે? રડી રડીને રાત કાઢી. બસ આવા તો કેટલાય પ્રસંગ નજર સામે ફરી વળે છે.
આજનો ઝગડો પણ કાઈ જુદો ના હતો. ખાલી છોકરીનું નામ બદલાઈ ગયું હતું. આજ નેહા બીજા બેડરુમમાં સુતી હતી. આકાશ મોટે ભાગે એના પર ગુસ્સે જ રહેતો ત્યારે નેહા બીજા બેડરુમમાં સુઈ જતી. આકાશને નેહાની હાજરી એટલી બધી ખૂંચતી કે ક્યારેક નેહાને થતું કે એ શા માટે અહીં છે? આકાશે જિંદગીભર નેહા પાસે એટલી માફી મંગાવી છે કે નેહાને એમ થતું કે મારે હર એક શ્વાસ લેવા માટે પણ માફી માંગવી પડશે કે પછી જીવવા માટે પણ માફી માંગવી પડશે!!! નેહાની આંખ વહેલી સવારે ખૂલી ગઈ બીજા બેડ્રુમમાંથી ધીમા આવાજે આકાશ કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો.. નેહાએ બીજી લાઈન પરથી ધીરેથી ફોન ઊપાડ્યો. બીજી સાઈડ પર કોઈ સ્ત્રીનો અવાજ હતો.. એ આકાશને મળવા માટે આગ્રહ કરી રહી હતી. અને ભારત આવવા માટે કહી રહી હતી. નેહાની આંખોમાં આંસું આવી ગયાં. એ બેડમાંથી ઊભી થઈ કાન પર ફોન રાખી આકાશની રૂમમાં આવી પહોંચી. આકાશ હજું પોતાની ધૂનમાં પેલી સ્ત્રી સાથે લાડકી વાતો કરી રહ્યો હતો. કમર પર ટોવેલ લપેટીને.. કદાચ નાહીને તરત ફોન લગાવ્યો હશે .. કપડા પણ નથી પહેર્યા. પણ નેહાને જોઈને એ એકદમ ડઘાઈ ગયો.. " કોણ છે" નેહાએ આંખોમાં આંસું સાથે પૂછ્યુ. 'કોઈ નહીં આ તો કોઈ ફાલતું સ્ત્રી છે મારી પાછળ પડી ગઈ છે.. નેહાએ ઝગડો કર્યો ધમપછાડા પણ કર્યા પણ આકાશ પોતાની વાત પર કાયમ રહ્યો. આકાશ અને નેહા બન્ને વીશ વરસથી પતિ અને પત્નિ છે. પણ વિચારોમાં તફાવતને હિસાબે બન્ને માં ખૂબ ઝગડા થતાં. આજના ફોન કોલે ચિનગારી નું કામ કર્યુ. નેહા તૈયાર થઈને બેંકમાં ગઈ પણ ખૂબ ઉદાસ હતી. રાહુલ સ્કુલમાં ગયો હતો. નાનકડો રાહુલે જીવનમાં ઘણું ના જોવાનું પણ જોઈ લીધું હતું. લગ્ન સંસ્થાની કરુણતા અને બધી જ ખરાબી એણે મમ્મી પપ્પાના લગ્નમાં જોઈ લીધી હતી. નેહા ક્યારેક વિચારતી કે હવે રાહુલ લગ્ન પર વિશ્વાસ જ નહી કરે. ઘણીવાર મા બાપ જ પોતાનાં સંતાનના દુશ્મન બની જતા હોય છે. પ્રગતિમાં બાધા રૂપ બની જતાં હોય છે. રાહુલનો રિપોર્ટ કાર્ડ ક્યારેક ખૂબ ખરાબ આવતો. સ્કુલમાંથી પણ ફોન આવતા કે રાહુલ ભણવામાં ધ્યાનગ્રસ્ત રહી શકતો નથી એને સાઈકોલોજિસ્ટ બતાવો. આકાશ ઘસીને ના પાડી દેતો.. કારણકે એની વાતો બહાર આવવાનો ભય એને સતાવતો.
નેહા બેંકમાં પહોંચી પણ ઉદાસ લાગતી હતી. ટીના સમજી ગઈ આજ કાઈ મોટી ગરબડ થઈ લે છે. નેહા યલો પેજના પત્તા ફેરવી રહી હતી. છેવટે એક ફોન નંબર કાઢી ફોન કરવા લાગી!! એ વિમન શેલ્ટરનો ફોન નંબર હતો. ફોનમાં એ રડી રડીને બધી વાત કરતી હતી. ફોન મૂક્યો ત્યારે નેહા શાંત દેખાતી હતી. ટીનાએ પૂછ્યું, નેહાએ કહ્યુ એ આકાશ નામના પિંજરામાંથી આઝાદ થવા માંગે છે. આજ હું રાહુલને લઈને શેલ્ટરમાં જતી રહીશ.
જેમ તેમ દિવસ નીકળી રહ્યો હતો. ઘરે જવાના સમયે એણે ઘરે ફોનની રીંગ વગાડી.. આકાશ આજ ઘરે જ હોવો જોઈએ કારણકે એનો રજાનો દિવસ હતો. પંદર વખત રીંગ ગઈ પણ એનો ફોન વ્યસ્ત જ આવ્યા કર્યો, નેહા ધુંઆપૂંઆ થતી હતી!! ચોક્કસ કોઈ છોકરી જોડે પ્રેમની વાતો ચાલતી હશે. નેહાની આંખમાં આંસું આવી ગયાં. આજે તો મારે વાત જાણીને જ છૂટકો અને એ ઓફિસેથી જલ્દી નીકળી ઘર તરફ. ગરાજમાં કાર રાખી એ ગુસ્સામાં ઘરમાં પ્રવેશી. બેડરૂમમાં ધસી ગઈ.. એને એમકે એ આકાશને રંગે હાથો પકડી લેશે. બેડરુમમાં આવી તો જોયું કે રિસીવર લટકી રહ્યુ હતું.. આકાશ અડધો બેડ પર લટકી રહ્યો હતો. અને મોઢામાંથી ફીણ આવી ગયાં હતાં. કદાચ હાર્ટ એટેક હતો. એણે રિસીવર હેંગ કર્યુ. અને આકાશના પલ્સ જોયા. આકાશ આ દુનિયા છોડી ચાલ્યો ગયો હતો. એ શૂન્યમનસ્ક થઈ બેઠી હતી.. એટલામાં ફોનની રીંગ વાગી. "હલો હું વિમન શેલ્ટરમાંથી બોલું છું !! નેહા શાહ છે?" નેહાએ ધીમેથી કહ્યુ. "સોરી રોન્ગ નંબર!!"
સપના વિજાપુરા!!!