operation golden eagle - 10 in Gujarati Fiction Stories by Pratik D. Goswami books and stories PDF | ઓપરેશન ગોલ્ડન ઈગલ 10

Featured Books
Categories
Share

ઓપરેશન ગોલ્ડન ઈગલ 10

ઓપરેશન ગોલ્ડન ઈગલ

પ્રકરણ: 10

Pratik. D. Goswami

( ગયા પ્રકરણમાં આપણે જોયું કે વિશુ ફરી ડીસીપી તરીકે પોસ્ટિંગ પામીને કાશ્મીરમાં કોઈ અગત્યના મિશન માટે જાય છે. બીજી તરફ બ્રિગેડિયર શર્મા પર કોર્ટમાર્શલ તોળાઈ રહ્યું છે. તે બારમાં બેસીને દારૂ પીતો હોય છે, ત્યારે કર્નલ દામચી ત્યાં આવે છે અને મબલક પૈસાના બદલે લશ્કરના અગત્યના કાગળિયાં તેને સોંપી દેવા જણાવે છે. શર્માએ વાત ન માનતાં, તેને ધમકી પણ આપે છે. બ્રિગેડિયર તેની સાથે રકઝક કરે છે. છેવટે નિરાશ થઈને કર્નલ દામચી નવો બકરો શોધવા બહાર નીકળી જાય છે, પણ બહાર નીકળતાં પહેલાં તે બ્રિગેડિયર ની દારૂમાં કશુંક ભેળવે છે.... હવે વાંચો આગળ... )

29 નવેમ્બર, 2016, કાશ્મીર

" મુઝે પીને કા શૌક નહીં, પીતા હું ગમ ભૂલાને કો... !! " ગીતના શબ્દોને વ્યવહારિક અમલમાં મૂકીને બ્રિગેડિયર અનીલ શર્મા ઉભો થયો. આજે તેણે ચિક્કાર દારૂ ઢીંચ્યો હતો. આંખે ઝાંખપ આવી ગઈ હતી. જોરદાર ચક્કર આવી રહ્યાં હતાં. વિચારવાની શક્તિ ખતમ થઇ ગઈ હતી. નાકની દાંડીએ ચાલવાની તો વાત જ ન હતી ! માંડ માંડ ચાલીને તે રિસેપ્શન સુધી મેનેજર ઉભો હતો ત્યાં પહોંચ્યો. કેટલાંય ખાંખાખોળા કર્યા પછી પર્સ મળ્યું ! પૈસા કાઢવા માટે બ્રિગેડીયરે પર્સ ખોલ્યું. પેલો મેનેજર સમજી ગયો, તેણે અધવચ્ચે જ અટકાવીને કહ્યું.. " સર, તમારું બિલ ચૂકવાઈ ગયું છે. "

" હેં ! " બ્રિગેડિયર શર્મા બરાબર સમજ્યો નહીં. પેલાંએ જરા મોટા અવાજે ફરીથી કહ્યું.. " તમારા સાથીદારે બધું બિલ ચૂકવી દીધું છે. "

" સાથીદાર !? " બ્રિગેડિયર ચોંક્યો, પણ કંઈ વિચારી ન શક્યો, એવી હાલતમાં જ ક્યાં હતો !! પર્સ પાટલૂનના પાછળના ખિસ્સામાં મૂક્યું અને ચાલવા માંડ્યો. જેમ તેમ, અથડાતો, કૂટાતો બહાર આવ્યો અને દરવાજા પાસે જ ઢળી પડ્યો.

થોડે દૂર તેની ટાટા સફારી કાર ઉભી હતી. ડ્રાઇવર કાર પાસે જ હતો. તે તરત દોડતો આવ્યો અને મહામહેનતે બ્રિગેડિયર શર્માને ઉભો કર્યો. બ્રિગેડિયરનો એક હાથ પોતાના ખભા પર ટેકવીને ધીમે ધીમે તેને ગાડી પાસે લઇ ગયો. દરવાજો ખોલ્યો, હળવેકથી પોતાના શર્મા સાહેબને એમાં બેસાડ્યા, અને ક્વાર્ટર તરફ ગાડી મારી મૂકી. ક્વાર્ટર વીસેક મિનિટના અંતરે હતાં. બંને તરફની દુકાનો, મકાનોને વટાવતી, રસ્તાને ચિરતી કાર જમીન પર જાણે 'ઉડી' રહી હતી ! પાછળની સીટ પર અડધી લેટેલી હાલતમાં બેઠેલા બ્રિગેડિયરનો વચ્ચે વચ્ચે બબડાટ ચાલુ હતો, ક્યારેક તે ગાળો બોલતો, તો ક્યારેક કારણ વગરનો ખડખડાટ હસતો. થોડીવાર પછી તે જાણે બેહોશીમાં સરી પડ્યો. બબડવાનું બંધ થઇ ગયું. ડ્રાઈવરે જરા પાછળ ફરીને બ્રિગેડિયર તરફ જોયું, પાછું આગળ વળીને ગાડી ભગાવી. જલ્દી આવે ક્વાર્ટર ! આવી હાલતમાં એના શર્મા સાહેબને કોઈ જોઈ જાય તો ઓર બદનામી થાય એમ હતી.

ઓફિસર્સ કવાર્ટર આવ્યાં. છેક છેલ્લાં ક્વાર્ટર પાસે જઈને સફારી ઉભી રહી. ગેટ સુધી ડ્રાઈવરે સ્પીડ બ્રેકર, ખાડા-ટેકરાં કંઈ જોયા જ ન હોય એમ આડેધડ ગાડી ટપાવી હતી. જોકે ખાસ ભારતના રસ્તાઓ માટે જ બનેલી સફારી ખડતલ ગાડી હતી. ઓળખીતી કાર જોઈને ચોકીદારે ગેટ ખોલ્યો એટલે ગાડી અંદર દાખલ થઇ. બંને તરફ વિશાળ, વૃક્ષોથી ઘેરાયેલા લીલાછમ્મ ગાર્ડનની વચ્ચોવચ્ચ એક પહોળો રસ્તો પસાર થતો હતી, જે સીધો ઘરના મુખ્ય દરવાજાના પગથિયાં સુધી લંબાતો હતો. ગાડી ત્યાં જઈને બરાબર પગથિયાં પાસે જ ઉભી રહી. ડ્રાઇવર નીચે ઉતર્યો. ડાબી તરફનો પાછળનો દરવાજો ખોલવા ગયો કે બ્રિગેડિયર એ તરફ નીચે ઢળી પડ્યો. દરવાજાના ટેકે જ તે બેઠો હતો, પણ ડ્રાઇવરે બરાબર ધ્યાન આપ્યા વગર જ દરવાજો ખોલી દીધો. તેણે બ્રિગેડિયર શર્માને ઉભો કરવાનો પ્રયત્ન કર્યો, પણ આ ભારે હડીમદસ્તો તો બેહોશ પડ્યો હતો ! કેમે કરીને ઊંચો જ ન થાય. આખરે ડ્રાઈવરે ચોકીદારને મદદ માટે બૂમ પાડી. માંડ માંડ બ્રિગેડિયરને ઉભો કર્યો અને ચોકીદારની સહાયથી ટેકો દેતાં દેતાં તેને શયનખંડ સુધી પહોંચાડ્યો....

..... કલાકેક રહીને કર્નલ દામચી બહાર આવ્યો. હાથમાં એક મોટું બેગ હતું. બહાર આવીને તેણે આજુબાજુ જોયું. કોઈ તેના પર નજર નથી રાખી રહ્યું, એની પૂરી ખાતરી કરી લીધી. આસપાસના લોકોમાંથી જોકે કોઈને તેના થોબડામાં રસ ન હતો, એક જણાં સિવાય ! પણ એ 'જણો' દૂર એક લારી પર ચા પીતો બેઠો હતો, કર્નલ દામચીની નજર એટલે દૂર પહોંચે એમ ન હતી. બેફિકર બનીને તેણે ચાલવા માંડ્યું. થોડે આગળ જઈને એક ગાડી તેની પાસે આવી. દરવાજો ખૂલ્યો અને દામચી એમાં બેસી ગયો.

પેલા માણસે, ઉર્ફ જાસૂસે, ઉર્ફે ઘરખોદીયાએ ( નામ ગમે તે આપો, તમારી મરજી ) આરામથી ચા પૂરી કરી. પૈસા ચૂકવ્યા અને પછી ઉભો થયો.…

***

શહેઝાદ બટ્ટ અત્યારે આઝમગઢમાં હતો. કોઈ અંધારા, અવાવરુ ઓરડામાં પૂરાયેલો હતો. સાવ સાંકડા એવા એ ઓરડામાં એક પણ બારી ન હતી, અને ઉપરથી કલાકોથી તે બંધ હતો, તેથી શહેઝાદને ગૂંગળામણ થઇ રહી હતી. તે જે ખુરશી પર બેઠો હતો એના સિવાય એક ખૂણામાં અમુક પીપડા પડ્યાં હતા. બાકીનો ઓરડો ખાલી હતો. દરવાજાની બરાબર ઉપર બલ્બ હોલ્ડર હતો, પણ બહાર જતાં પહેલા વિશ્વજીત સિંહના માણસો એમાંથી બલ્બ કાઢી ગયા હતા. દરવાજો બહારથી બંધ હતો. આસપાસથી કંઈ જ અવાજ આવતો ન હતો. એ લોકો તેને પૂરીને ચાલ્યા ગયા હશે એવું અનુમાન તેણે લગાવ્યું. હાથ-પગ એક જાડી રસ્સીથી કસકસાવીને બાંધેલા હતાં. શહેઝાદે રસ્સી ઢીલી કરવા થોડા ધમપછાડા કર્યા, પણ હાથની ચામડી છોલાઈ એટલું જ !

હવે શું કરવું ? કોઈ પણ રીતે અહીંથી નીકળવું જરૂરી હતું, નહીંતર તેમનું મિશન ખતરામાં પડી જાય એમ હતું. તેણે આજુબાજુ નજર કરી, થોડે દૂર કશુંક આછી ચળકતી ચીજ દેખાઈ. તેણે વિચાર્યું, જો ધાતુની વસ્તુ હોય, તો તો મેળ પડી જાય ! તે પીઠના બળે જાણીજોઈને નીચે પડ્યો. 'ધફ્ફ' કરતો હલકો અવાજ થયો. લાકડાની ખુરશીનો હાથો બાવડા સાથે દબાવાને લીધે તેના મોંમાંથી નાનકડો સિસકારો નીકળી ગયો. થોડીવાર તે એમ જ પડી રહ્યો. ધીમે ધીમે આગળ, એ ધાતુની ચળકતી વસ્તુ તરફ ઘસડાતો ઘસડાતો સરકયો. હાથ- પગને થઇ રહેલા પરિશ્રમને લીધે શિયાળામાં પણ તેને પરસેવો વળી રહ્યો હતો. અલબત્ત આખરે એ પહોંચ્યો ખરો ! એ એક સ્ટીલની પટ્ટી હતી. બુઠ્ઠી હતી, પણ શહેઝાદનું કામ તેનાથી ચાલી જાય એમ હતું.

તે ઘસડાઈને પાછળ ફર્યો. પટ્ટી તેના હાથમાં આવે એ રીતે ગોઠવાયો. હથેળીઓ પર પણ પરસેવો વળી રહ્યો હતો, તેથી પટ્ટી પર માંડ માંડ પકડ બેઠી. હવે અડધો કલાક સુધી એ પટ્ટીને રસ્સી સાથે ઘસીને રસ્સી કપાય નહીં ત્યાં સુધી સખત તપસ્યા કરવાની હતી. કડક તાલીમના પ્રભાવે શહેઝાદ બટ્ટ જોકે આમાં માહેર હતો. ઘસવાનું શરુ થયું, અને પાએક કલાક પછી રસ્સી ઘસાવાનું પણ ! પહેલાં હાથ ખુલ્લાં થયા, થોડીવાર પછી પગને મુક્તિ મળી. શહેઝાદ બટ્ટ ઉભો થયો. કલાકો સુધી સતત એક જ હાલતમાં બેસી રહેવાને લીધે તેનું આખું શરીર જકડાઈ ગયું હતું.

અલબત્ત અત્યારે અંગડાઈ લેવાનો સમય ન હતો, તેથી શરીરમાં થઇ રહેલા દુખાવાને અવગણીને તેણે એ અંધારા ઓરડામાં ફાંફાં મારવાનું શરુ કર્યું. અચાનક તેના પગમાં કશુંક અથડાયું. તે નીચે નમ્યો, જમીન પર હાથ ફેરવવા માંડ્યો. આંખો ખેંચી ખેંચીને નીચે પડેલી વસ્તુ શોધવા માંડ્યો. આખરે મેલા થયેલા હાથોમાં એક લંબચોરસ વસ્તુ જેવું કશુંક આવ્યું... શહેઝાદે તેના પર હાથ ફેરવ્યો, ચોંક્યો.. બીજીવાર ફેરવ્યો, હજી વિશ્વાસ ન બેઠો ! ત્રીજીવાર ફેરવ્યો... તેના હાથમાં મોબાઈલ ફોન ચડી ગયો હતો. ટચ સ્ક્રીન ફોનનો કોઈ પૂર્વજ હતો. કઈ કંપનીનો હતો એ તો નહોતી ખબર, પણ હતો કોઈક દુર્લભ મોડેલ !! હર્ષ, ઉન્માદ, રોમાંચ જેવી લાગણીઓ શહેઝાદને ઘેરી વળી. પણ આવા અંધારા ઓરડામાં સખત દેખરેખ વચ્ચે કોઈ પોતાનો ફોન કેમ ભૂલી જાય ? ક્યાંક એ દુશ્મનની ચાલ તો ન હતી ને ?

ખાતરી કર્યા વગર હવે શહેઝાદ બટ્ટ એક પણ પગલું ભરવા નહોતો માંગતો. તેણે હળવેકથી ફોન ઉપાડ્યો. બરાબર તપાસી લીધો. સ્વીચ ઓફ હતો. ફોન ચાલુ કરવાનું બટન થોડીવાર દબાવી રાખ્યું. સ્ક્રીન ઝબકી. તેનો ભૂરો, લાલ એવો મિશ્રિત પ્રકાશ શહેઝાદના ચહેરા પર પડ્યો અને એ કાશ્મીરી મુખડું ખીલી ઉઠ્યું. અચાનક ફોનની ચાલુ થવા સમયની કીકીયારીઓ થઇ. શહેઝાદને ધ્રાસ્કો પડ્યો. એકાંતમાં એ રિંગ થોડી વધુ જોરથી વાગી રહી હોય એમ લાગતું હતું. તેણે ઝડપથી ફોનના સ્પીકર પર હાથ મૂકી દીધો. રિંગ બંધ થઇ, પણ શહેઝાદ થોડો સમય એ જ સ્થિતિમાં રહ્યો. બહારથી કોઈ હલચલ ન સંભળાઈ એટલે તેનું હૃદય હેઠું બેઠું !!

તેણે પોતાના જમણાં બાવડા પર બાંધેલો કાળો દોરો છોડ્યો. ફોનની ડિસ્પ્લેના આછા અજવાળામાં એ દોરા સાથે બાંધેલો તાવીજ ખોલ્યો અને અંદર સાચવી રાખેલો સીમકાર્ડ બહાર કાઢ્યો ! ફોન બંધ કર્યો, તેમાં રહેલો જૂનો સિમકાર્ડ કાઢ્યો, એની જગ્યાએ પોતાનું ગતકડું ભરાવ્યું અને સ્પીકર પર હાથ આડો રાખીને ફોન પાછો ચાલુ કર્યો. કદાચ અંદર કોઈ અવાજ રેકોર્ડ કરવાવાળું સેન્સર હોય એ બીકે તેણે ફોન કરવાને બદલે મેસેજ મોકલવાનું નક્કી કર્યું.

" હાજીપીર ઘાટ પાસે બરફ વધુ છે.... ગાઝી અને તેના બંદાઓ સતર્ક રહે ! " સાંકેતિક ભાષામાં કાશ્મીરમાં રહેતાં પોતાના માણસને તેણે મેસેજ મોકલ્યો. જેમાં 'બરફ' નો મતલબ 'સેનાની તૈનાતી' અને 'ગાઝી' નો મતલબ 'અબુ સુલેમાન' થતો હતો. ઇસ્લામમાં 'ગાઝી' એટલે 'નેક કામ માટે લડતો યોદ્ધા' ! પણ ધર્મના નામે જંગાલીયતના ઊંધા રવાડે ચડેલા લોકોની માનસિકતાનો લાભ લેવા તેમના આકાઓ તેમને 'ગાઝી' કહીને સંબોધતા હતા, અને એ બહાને હિંસા ફેલાવવા માટે તેમને પોરસાવતા હતા. જાણે કેમ તેમની બંદૂકોની કાળમુખી ગોળીઓથી દુનિયાનું ભલું થઇ જવાનું હોય !! થોડીવારે સામેથી જવાબ આવ્યો, વંચાયો. શહેઝાદના ચહેરા પર કાતિલ મુસ્કાન છવાઈ ગઈ. તેણે મેસેજ ડીલીટ કર્યો. સીમકાર્ડ કાઢીને તાવીજમાં છૂપાવ્યો, જૂનો સીમકાર્ડ નાખી ફોન પાછો બંધ કર્યો અને રાહતનો શ્વાસ લીધો... " હવે જોઈએ વિશ્વજીતસિંહ શું ફોડી લેશે !! " નિચલા હોઠને દાંત તળે ભીંસીને મનોમન તે બોલ્યો.

એ બંધ ઓરડાથી ચાલીસેક મીટર દૂર પીપળાના એક મોટા ઝાડ પાસે બે જણાં બેઠા હતાં. કદાવર શરીર અને ખાસ્સી એવી એમની લંબાઈ હતી. થોડી વધેલી દાઢી હતી, મૂછ ગાયબ હતી ! બંને જણાંએ અહીંનો સાદો પહેરવેશ પહેર્યો હતો. તેમની શકરા જેવી આંખો ચકળવકળ ફરીને આસપાસની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી હતી. પોત-પોતામાં વાતચીત કરવાનો તેઓ ઢોંગ કરી રહ્યા હતાં. થોડી થોડી વારે તેમની નજર સામે આવેલા ઓરડા તરફ જતી હતી. ચૂનો ચોપડેલી, ઝાંખી પડી ચૂકેલી ઓરડાની દીવાલ પર ક્યાંક ક્યાંક લીલ દેખાઈ રહી હતી... આજુબાજુ ઝાડીઓ ઉગેલી હતી. એકલી જ રહેવા સર્જાયેલી હોય એમ એ દિવાલોની આસપાસ બીજા કોઈ મકાનો ન હતા. આગળના ભાગે જૂના જમાનાનો દરવાજો હતો ! તૂટવાની રાહ જોઈ રહેલા, સડેલા લાકડાવાળા એ વાદળી દરવાજાને તાળું-કટાયેલું તાળું મારેલું હતું. જાણે વર્ષોથી તે ઓરડો બંધ હોય, એવી હાલતમાં હતો !

બહારથી તેમાં કોઈ હલચલ દેખાતી ન હતી, પણ એ બે પઠ્ઠાઓ જાણતા હતા કે અંદર એમનો બકરો છૂટવાની ગડમથલ કરી રહ્યો હશે... એ બધી વ્યવસ્થાઓ તેમણે જ કરી હતી. થોડીવારે બેમાંથી એક જણાનો ફોન વાઈબ્રેટ થયો. તેણે વાતો અટકાવી અને પેલા ઓરડા સામે નજર કરી, પછી પોતાના સાથીદાર સામે જોઈને બોલ્યો '' ફોન ચાલુ થઇ ગયો છે, થોડીવારમાં પાછો બંધ થશે. તૈયાર રહેજે, હવે વધુ વાર નથી. " તેના સાથીદારે ડોકું ધુણાવ્યું. કેટલીક મિનિટો પછી ફોન બીજીવાર ઝણઝણ્યો... તેઓ ઉભા થયા. એ ઓરડા તરફ ચાલવા માંડ્યા.

શહેઝાદને બહારથી કશોક અવાજ સંભળાયો. તે ચૂપચાપ જઈને દરવાજાના બારસાખ પાસે લપાઈ ગયો, જેથી કોઈ દરવાજો ખોલીને એ ઓરડામાં અંદર આવે કે તરત પોતે ત્યાંથી બહાર સરકી શકે. પણ બીજા કાશ્મીરી આતંકવાદીઓ જેમ તેને પણ ખોટું ગુમાન કરવાની બીમારી હતી, કે પછી તે વિશુના આદમીઓને હજી પણ સાદા પોલીસવાળા જ સમજી રહ્યો હતો. ગમે તે હોય, પણ તેણે બારસાખ પાસે જગ્યા લઇ લીધી. બારણાની જૂની કડી ખૂલવાનો અવાજ આવ્યો, જે થોડીવાર પછી શાંત થઇ ગયો.

' ધડામ.. ' જોરદાર અવાજ થયો અને દરવાજો ખૂલ્યો. હજી પણ એ અકબંધ હતો એ જરા નવાઈની વાત હતી. સૂની, વેરાન સીમમાં એ અવાજ દૂર સુધી રેલાયો, પણ ત્યાં કોઈ સાંભળવાવાળું ન હતું. દરવાજો ખૂલતાંની સાથે જ એક માણસ છેક સુધી અંદર ઘૂસી આવ્યો. મોકો લાગનો છે એમ વિચારીને શહેઝાદ બહાર નીકળવા જતો જ હતો કે તે જાણે કોઈ ચટ્ટાન સાથે અથડાઈ પડ્યો હોય એવું તેને લાગ્યું. જેટલી ઝડપથી તે બહાર નીકળ્યો હતો, એટલી જ ઝડપથી પાછો અંદર ધકેલાયો. એ ચટ્ટાન એટલે વિશુનો દેશી પહેલવાન જેવો બહાર જ ઉભેલો માણસ ! બે ઘડી તો શહેઝાદને તમ્મર આવી ગયા. તે જરા લથડયો. એટલીવારમાં પહેલાંથી અંદર આવી ચૂકેલાં માણસે તેને પાછળથી પકડ્યો અને જોરથી નીચે પછાડ્યો. હવે શહેઝાદમાં ઉભા થવાના હોશ ન હતા. એક તો ભૂખ તરસને લીધે નબળાઈ, અને ઉપરથી આ બે ભૂતડા જેવા માણસો ! જાણે એ બાસ્કેટબોલનો દડો હોય એમ એને ઊંચકી-પટકી રહ્યા હતા....

તે નીચે જ બેઠો રહ્યો. એક જણાંએ ફરી દરવાજો અધૂકડો બંધ કર્યો. ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢ્યું, એક સિગારેટ કાઢી, સળગાવી, કશ લેવાનું શરુ કર્યું. વાતાવરણમાં તમાકુના ધુમાડા સાથે પેલાં માણસના ફેફસાંનો ‘ધુમાડો’ ભળવાને લીધે સહેજ ધૂંધળાશ ફેલાઈ. શહેઝાદ બટ્ટ એને જોઈ રહ્યો. બે ત્રણ લાંબા કશ ખેંચીને પેલા માણસે સિગારેટ ફેંકી, પગ નીચે મસળી નાખી. બીજી કાઢી, સળગાવી અને શહેઝાદ સામે ધરી. શહેઝાદે કંઈ પણ બોલ્યા વગર એ લઇ લીધી. પાછળ અદબવાળીને ઉભેલા માણસે ત્યાં સુધી હળવેક રહીને પગના કાળા ચામડાના બૂટના ખોપચામાં ખોસેલી રશિયન બનાવટની સેમી ઓટોમેટિક પિસ્તોલ બહાર કાઢી, તેના મોઢા આગળ સાયલેન્સર ફિટ કર્યું અને પોતાના મહેમાનની 'મિજબાની' પૂરી થવાની રાહ જોતો ઉભો રહ્યો. છેલ્લો દમ મારીને શહેઝાદે સિગારેટ ફેંકી. પાછળ ઉભેલો માણસ તેની પાસે આવ્યો. શહેઝાદે જોયું કે હાથમાં મોતનો રમકડો તૈયાર છે. કદાચ તેનો આજે......

તેણે જરા જોર આપીને થૂંક ગળા નીચે ઉતારી. " હજી એક સિગારેટ મળશે ? " તેણે કાળા પઠાણી કપડાં પહેરેલા માણસને પૂછ્યું. પેલો જરા મલક્યો, તેણે પાકિટમાંથી એક સિગારેટ કાઢી, સળગાવીને આપી. મોતની મુદ્દત બે મિનિટ વધુ લંબાઈ. બીજી સિગારેટ પણ ખૂટી. શહેઝાદ મનોમન તૈયાર થયો. તેના આકાએ કહ્યું હતું, એ પ્રમાણે તેને હવે જન્નત મળવાની હતી. બોત્તેર હૂરો સાથે તે મોજમજા કરવાનો હતો (કેવા જલસા) !! પોતાના ભાગે આવતું કામ તેણે નિભાવ્યું હતું, છતાં પણ મોતનો ડર હજી નીકળતો ન હતો.

" તેં અમારી ઘણી મદદ કરી છે શહેઝાદ બટ્ટ ! તારું આ ઋણ ઉધાર રહ્યું. વધુ તો શું કરીએ, પણ થોડા થોડા દિવસે તારા સાથીદારોને ત્યાં ગપ્પાં મારવા તારી પાસે મોકલતા રહેશું. કાશ્મીરની 'આઝાદી' ની ચર્ચા ત્યાં પણ ચાલુ રાખજો. ખુદા હાફિઝ !! " ગોળો દબાયો, ખચ...ખચ... બે વાર ધીમો અવાજ થયો, શહેઝાદના હૃદયને વીંધીને ગોળીઓ પસાર થઇ અને તે નિશ્ચેત બન્યો. તેને પોતાની જવાબદારીમાંથી મુક્તિ આપવાનું પુણ્ય બે પહેલવાનોના નામે ચડ્યું...!! જોકે મરતાં પહેલાં તેણે આડકતરી રીતે કાશ્મીર માટે એક સારું કામ કર્યું હતું, અબુ સુલેમાનનો ભારત પ્રવેશનો માર્ગ મોકળો કરવાનું. એ આતંકવાદીનાં પાપનો ગડો પણ ભરાઈને બહાર છલકી રહ્યો હતો, જે બહુ થોડા જ દિવસોમાં તૂટવાનો હતો. કામ પતાવીને તેઓ બહાર આવ્યા... પોતાના ઉપરીને સમાચાર આપ્યા. કેરોસીનથી ઓરડાને નવડાવ્યો, દીવાસળી ચાંપી અને અગનજ્વાળામાં લપેટાઈ રહેલા એ મકાનને અલવિદા કહીને ત્યાંથી રવાના થઇ ગયા....

***

આખા દિવસના સતત પરિશ્રમને અંતે સૂરજ ઢળી ચૂક્યો હતો. અંધારાએ ફરજ પર હાજર થઈને ઠંડી રાતના આગમનનું બણગું ફૂંકી દીધું હતું. શ્રીનગરનું, રોજ સુસ્ત રહેતું એ પોલીસથાણું આજે ધમધમી રહ્યું હતું. અંદર પણ અને બહાર પણ ! એ વિસ્તારના, અને પોતાના કાર્યક્ષેત્રમાં આવતાં બધા જ ઇંસ્પેક્ટરો, સબ-ઇંસ્પેક્ટરોનો ડીસીપી વિશ્વજીત સિંહ ક્લાસ લઇ રહ્યો હતો. હજી તેને અહીં ડ્યુટી જોઈન કર્યે બારેક કલાક માંડ થયા હશે, ત્યાં સુધીમાં તો એણે જબરી ઉથલપાથલ મચાવી નાખી હતી. ઘણાં આળસુના એક્કા સમાન અફસરો માટે આજે કયામત વરસી હતી, અમુક પર અત્યારે વરસી રહી હતી. કરફ્યુ, પથ્થરબાજી, હિંસા જેવી ઘટનાઓની આડ લઈને જે પોલીસવાળાઓ કામ મુલતવી રાખી રહ્યા હતા, એમના માટે જગરાતાની વ્યવસ્થા થવાની હતી....

" સાલાઓ બધે નફ્ફટના પેટના ભેગા થયા છે ! " ઘડિયાળ સામે જોતાં વિશુ મનોમન બબડ્યો. સાડા સાત થઇ રહ્યાં હતાં. અત્યારે તેની કેબિનમાં મૂંડી નમાવીને ખાખી વર્દીમાં દસેક જણાં ઉભા હતાં.

" તમે બધા જઈ શકો છો. " તેણે પોતાની સામે ઉભેલા અફસરોને કહ્યું. એક પછી એક, ગિન્નાયેલા છછૂંદર જેવું મોઢું કરીને બધા અફસરો બહાર નીકળ્યા. થોડીવાર પછી વિશુ પણ પોતાની કેબિનમાંથી બહાર આવ્યો. ટીખળ કરી રહેલાં કોન્સ્ટેબલ શાંત થઇ ગયા, ટેબલ પર બેઠેલાઓ નીચે ઉતરી ગયા. અમુક તો જાણે કામ કરવા જ જન્મ્યા હોય, એવો ડોળ કરીને ફાઈલો ચૂંથવા માંડ્યા !

" દોસ્તો, આજે મારા માટે ખૂબ અગત્યનો દિવસ છે. અહીં પોસ્ટીંગનો પહેલો દિવસ છે, એટલે મેં બધાને પાર્ટી આપવાનું નક્કી કર્યું છે, અહીં જ ! બિરયાની, ચિકન, કબાબ, મિષ્ટાન્ન, જે મંગાવું હોય, મંગાવી લો. ખર્ચો હું આપીશ ! " થોડીવાર તો બધા એમ જ બાઘા બનીને વિશુને જોઈ રહ્યા, સતત કામને લીધે વિલાયેલા ચહેરાઓ પાછા ખીલી ઉઠ્યા....

" પણ.. ! " વિશુએ બોલવાનું હજી પૂરું નહોતું કર્યું... તેણે આગળ ચલાવ્યું " પણ મિત્રો, એક નાની સી, બચુકડી સી ફરજના ભાગરૂપે તમારે આજે આખી રાત જાગરણ કરવાનું છે. મન હોય, તો સારું. ન હોય, તો વધુ સારું... ! પણ મહિનાઓથી કરફ્યુના નામે તમે જે ધતિંગો કરતા આવ્યા છો ને, એનો આજે બદલો ચૂકવવો પડશે.... બાયડી બીમાર છે, તમારા શહેઝાદા- શહેઝાદીને અબ્બુ વગર નીંદર નહીં આવે, પેટ-માથાનો કે ગમે ત્યાંનો દુઃખાવો.... વગેરે વગેરે જેવા બહાનાઓ બનાવતાં પહેલાં રાજીનામુ આપવાની તૈયારી રાખજો... આકાઓ અને ફાંકાઓ, કંઈ આડું નહીં આવે, એટલે એવી ધમકીઓ પણ રહેવા દેજો.. ! અને હા, કોઈ પણ તકલીફ હોય, તો બેધડક કહી દેજો, આજે આખી રાત હું પણ અહીં જ છું, તમને કંપની આપીશ ! " વિશુએ બોલવાનું પૂરું કર્યું અને સામે ઉભેલાઓ સામે જોયું. થોડીવાર પહેલા મફતની મિજબાની માણવાની વાતથી જે ચહેરા દીપી ઉઠ્યા હતાં, એના પર અત્યારે ઓટ આવી હતી.. કેટલાકે મનોમન પોતાના એ નવા અફસરને ભરપૂર ગાળો પણ ભાંડી દીધી. વિશુએ એક નજરમાં બધાને આવરી લીધા અને પોતાની કેબિન તરફ પ્રસ્થાન કર્યું.

થોડીવાર પછી સબ ઇન્સપેક્ટર સિકંદર બહાર નીકળ્યો. અંધારું જામી ચૂકયું હતું, અને ઠંડી પણ ! શિયાળો મધ્યાહ્ને હતો, તેથી શ્રીનગરમાં બેસુમાર ઠંડી હોવી સ્વાભાવિક હતી. હલકી બરફ પડવાની પણ શરૂઆત થઇ ચૂકી હતી. સિકંદરે પોતાના જાડા કાળા જાકીટમાં ખોસેલાં હાથ બહાર કાઢ્યા, જરા વાર તો શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઇ ગયું. ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી, હૂંફ મેળવવા એક સિગારેટ સળગાવી, આરામથી પીધી. સિગારેટ પૂરી કર્યા પછી પોતાનો ફોન કાઢ્યો અને ઓમરને લગાવ્યો... " જનાબ, સિકંદર બોલું છું. આજે યોજના મુલતવી રાખવી પડશે. વિશ્વજીતસિંહ આજે આખી રાત પોલીસ સ્ટેશનમાં રહેશે. "

" ભલે બિચારો એક દિવસ વધુ જીવી લે ! " ઓમર હસ્યા.. " એક દિવસમાં કંઈ ખાટું મોળું નથી થઇ જવાનું. છતાંય નજર રાખજે તેના પર. સાલો બહુ ચાલુ ચીજ છે. " તેમણે સિકંદરને સૂચના આપી. તેમના અવાજમાં સત્તાનો રૂઆબ સ્પષ્ટપણે ઝલકતો હતો.

" જી જનાબ, ખુદા હાફિઝ ! "

" ખુદા હાફિઝ ! " ફોન કટ થયો. હાથ પાછા જાકીટમાં નાખીને સિકંદરે પોલીસ સ્ટેશનની વાટ પકડી...

" ડીસીપી સાહેબ બોલાવે છે તને, જલ્દી અંદર જા ! " પોલીસ કચેરીની અંદર પગ મૂકતાં જ સિકંદરને તેના સાથીદારે મોકાણનાં સમાચાર આપ્યા. વિશ્વજીતસિંહનું નામ સાંભળીને જ સિકંદરને હૃદયમાં ફડક પેસી જતી. એક તો વિશુ હતો જરા અઘરી નોટ, ઉપરથી સિકંદરે કારનામા પણ એવા કર્યા હતા, કે વિશુને ખબર પડી જાય, તો તો સિકંદરનું આવી જ બને ! જાકીટ પર જમા થયેલો હલકો બરફ ખંખેરી, કપડાં, ટોપી જરાક વ્યવસ્થિત કરી તે ડીસીપીની કેબિનમાં હાજર થયો..

ક્રમશ: