સફાઈ
ડો.કિશોર પંડ્યા
નાનકડા રુદ્રને કેળાં બહુ ભાવે.
કેળાં ઘરમાં આવે એટલે “કેળું; બા, કેળું” એમ બૂમ પાડે.
એને કેળું જોઈતું હોય ત્યારે ઝડપથી બા પાસે પહોંચી જાય. એમ તો નિરજાને પણ કેળાં ભાવે. અનુશ્રી, યશવી અને વિહા પણ રુદ્રની સાથે કેળાં ખાવા લાગે. અનુશ્રી તો ગાવા પણ લાગે:
સહુ થયા છે ભેળાં,
ચાલો આપો કેળાં
મામાને ઘેર દીઠા
કેળાં લાગે મીઠાં.
બધાં બાજુ બાજુમાં બેસી ગયાં.. કેળાં ખાતા જાય અને બધાં ગાતા જાય.
થઈ બપોરની વેળા,
અમને આપ્યા કેળાં,
ચા-દૂધ ના પીવાના,
કેળાં આ ખાવાના.
બા આવીને કહે, “જૂઓ કેળાં ખાઈને એની છાલ ગમે ત્યાં ન ફેંકતા. બહાર કચરાની ટોપલીમાં નાખજો.”
બધાં સાથે બોલી ઊઠે, “ભલે બા, એમ જ કરશું.”
નિરજા યશવીને કહે: “કેળાની છાલ ક્યાં નાખવાની ?”
એટલે યશવી બોલે, “કેળાની છાલ, કેળાની છાલ નાખવાની કચરા ટોપલીમાં.”
“ પણ, તમે આ રુદ્રને..” યશવી બોલવા જાય, પણ નિરજા તરત જ એને ચૂપ રહેવાનો ઈશારો કરી દે. એટલે યશવી આગળ ન બોલે.
વિહા પોતાનું કેળું ઝડપથી ખાઈને યશવી પાસે પહોંચી જાય.
“દીદી, તારે કેળું ખાવું છે?”
યશવી પોતાનું કેળું ખાતી હોય એટલે કશું ન બોલે.
નિરજા વિહાને કહે, “તારે દ્રાક્ષ ખાવી છે? જા, બા પાસે જઈને કહે.”
નિરજા પોતાનું કેળું ખાઈને છાલ કચરાની ટોપલીમાં નાખી આવે. યશવી પણ પોતાની અને વિહાના કેળાની છાલ લઈને કચરા ટોપલીમાં નાખી આવે. અનુશ્રી તો રુદ્રની પાસે બેસીને જ કેળું ખાતી હોય. નિરાજાની વાત સાંભળી અનુશ્રી ઝડપથી ઊભી થઈ બા પાસે જાય અને કહે, “બા, દ્રાક્ષ છે?”
“પહેલા કેળું ખાઈ લે, પછી જો ઊંદરના દરમાં હશે તો કાઢીને આપીશ.”
“ના, બા, ઊંદરના દરમાં નહીં, ફ્રીજમાં.” યશવી જોરથી બોલે.
“જૂઓ, અત્યારે કેળું ખાધુને? થોડીવાર બહાર રમવા જાવ, આવશો પછી કાઈક હશે તો આપીશ.” બા બધાને બહાર જવાનું કહે.
પહેલા નિરજા દોડતી બહાર જાય, એની પાછળ પાછળ યશવી દોડે. અનુશ્રી પણ ધીરે ધીરે બા સામું જોતાં જોતાં બહાર નીકળે. વિહા તો બોલી જ પડે. “પછી દ્રાક્ષ આપશોને?”
“ હા, આપીશ, કહયુને.”
“તો ઠીક.” એમ બોલીને અનુશ્રી અને વિહા પણ બહાર રમવા નીકળે.
રુદ્રભાઈ તો હજી નિરાંતે બેઠા બેઠા કેળું જ ખાતા હોય. બા એની પાસે હાથમાં સાવરણી લઈને આવે. બા કહે ,” રુદ્રભાઈ, રૂદ્રભાઈ, ઊભા થાઓ, સફાઈ કરું છું, ઊભા થાઓ.”
એટલે ધીરે ધીરે ઊભો થઈને રુદ્ર બહાર ઓશરીમાં થાંભલી પાસે આવીને બેઠો. પછી પોતાનું કેળું ખાઈ લીધા પછી બાને જોરથી બૂમ પાડીને કહે, “ બા, બા, અહી આવોને.”
બા બહાર આવે એટલે બાને કહે, “બા, કેળું આપોને,”
“તને એક આપ્યુંને. હવે બીજું આપું તો મારે બધાને આપવું પડે.”
“એક જ ..મને અત્યારે અહીંયા બીજું કોઈ નથી.”
“કેળાં ખાઈએ તો શરદી થાય?” બા બહાનું બતાવે.
પણ રુદ્રને તો કેળું ખાવું જ હોય. એ બાની પાછળને પાછળ ફર્યા કરે.
“હે બા, ફળ ખાઈએ તો શરદી થાય?”
“કેમ એવું પૂછે છે ?”
“બા, કેળાં એ ફળ ગણાય કે નહીં ?”
બા, એની વાત સમજી ગયાં. પણ કશુય બોલ્યા નહીં.
પણ રુદ્ર જેનું નામ, એમ થોડો કેડો મૂકે.
“બા, તમે ઉપવાસ કરો છો ત્યારે કેળાં ખાવ છોને?”
“હા, કેમ?”
“હમ્મ .. તો કેળાં એ ફળ ગણાય, ફળ ખાવાથી શરદી ન થાય. લાવો એક કેળું આપો.”
“જો , હવે આ છેલ્લું જ છે. જા ઓશરીમાં બેસીને ખા.” બાએ એની જીદ પૂરી કરવા કેળું આપ્યું.
રુદ્રએ તો ઝડપથી બાના હાથમાંથી કેળું પોતાના હાથમાં લઈ લીધું. પછી રુદ્ર બહાર ઓશરીમાં થાંભલી પાસે આવીને બેઠો.ધીમે ધીમે કેળાની છાલ ઉતારતો જાય અને કેળું ખાતો જાય.
બહાર ખડકીની બહાર ઊભેલી વિહાએ જોયું કે રુદ્ર કેળું ખાય છે. એટલે તેને યશવીને બૂમ પાડી. “દીદી, રુદ્ર કેળું ખાય છે.યશવી નિરજા જોડે રમતી હતી. “ભેલે ખાતો.” એમ તેણે બોલી દીધું.
રુદ્રએ વિહાનો અવાજ સાંભળ્યો એટલે ફટાફટ કેળું ખાઈ ગયો. પણ છાલ તો હજી હાથમાં જ હતી. છાલ થોડી ખવાય ? બા ઊંધિયું બનાવે છે ત્યારે તો એમાં છાલ સાથે કેળું નાખે છે. પણ કાચેકાચી છાલ થોડી ખવાય ? એણે તો છાલનો કર્યો ઘા. ખડકીની બાજુમાં કચરાની ટોપલી હતી. રુદ્રને એમ કે છાલ કચરા ટોપલીમાં જઈને પડશે. પણ છાલ તો પડી કચરા ટોપલીની બહાર. રુદ્ર છાલ સામે જોઈ રહ્યો.
બસ ત્યારે જ વિહા દોડતી દોડતી ખડકીમાં દાખલ થઈ. ફળિયામાં વચ્ચે કેળાની છાલ પડી હતી. એનો પગ પડ્યો કેળાની છાલ ઉપર અને એ લપસીને પડી.
વિહા પડી એથી પહેલા રુદ્રને તો હસવું આવ્યું. પણ વિહાની પાછળ પાછળ અનુશ્રી પણ અંદર આવી. એનો પગ પણ કેળાની છાલ પર પડ્યો. એ પણ લપસીને પડી. બંને મોટેથી રડવાં લાગ્યાં. આ બંને રડવા લાગ્યા એટલે રુદ્રને થયું કે હવે પોતાનું આવી બન્યું. બા ખીજાશે, વધારામાં નાસ્તો પણ નહિ મળે. એટલે રુદ્ર પણ મોટેથી રડવા લાગ્યો.
બહાર રડવાનો અવાજ સાંભળી બા ઓશરીમાં આવ્યા.
શું થયું ? કેમ બધાં રડો છો?”
“બા, જોને આ વિહા, પડી ગઈ. અનુશ્રી પણ પડી ગઈ.”
“કેમ કરતાં પડી ગઈ? જરા જોઈને ચાલવું જોઈએને. ખોટી દોડાદોડ કેમ કરો છો?”
“બા, એમાં મારો જ વાંક છે.” રુદ્ર રડતાં રડતાં બોલ્યો,: ”કેળાની છાલનો મે ઘા કર્યો, પણ છાલ કચરાની ટોપલીમાં પડવાને બદલે બહાર પડી. એની ઉપર વારાફરતી આ બંનેનો પગ આવ્યો.એટલે લપસી પડી. મારો જ વાંક છે. હું ઊભો થઈને છાલ કચરા ટોપલીમાં નાખું, એ પહેલા જ બંને દોડતી દોડતી અંદર આવી ગઈ. એમાં હું શું કરું?”
“શું કરું શું? ઊભો થા અને છાલ કચરાની ટોપલીમાં નાખી આવ.” બાએ કહ્યું.
રુદ્ર ધીમેકથી ઊભો થયો. ફળિયામાં પડેલી છાલ હાથમાં લીધી; એને કચરા ટોપલીમાં નાખી. એવામાં નિરજા અને યશવી દોડતા બહારથી અંદર આવ્યા.
યશવીએ પૂછ્યું:”બા, શું થયું? આ બંને કેમ રડે છે?”
“તમે કેમ આવ્યા? જાવ હજી થોડીવાર રમી આવો. અરે હા, આ બંનેને પણ સાથે લેતા જાવ.” બાએ હુકમ કર્યો.
“ને રુદ્ર ?” નિરજાએ પૂછ્યું.
“એને હું થાંભલી જોડે બાંધી દેવાની છું. વિહાં અનુશ્રીને રડાવ્યાને એટલે.”
નિરજા અને યશવી પાછા બહાર રમવા ગયાં. વિહા અને અનુશ્રી પણ ઊભા થઈને બહાર રમવા દોડી ગયા.
ડો.કિશોર પંડ્યા
એ-101, નિર્મલ રેસિડેન્સી, ઈવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-380051