પિન કોડ - 101
પ્રકરણ-112
આશુ પટેલ
શું થઇ ગયું હતું તમને?’ એટીસી તરફથી સતત ચેતવણી મળી રહી હતી એને અવગણીને તમે પ્લેન બીજા ડિરેક્શનમાં ઉડાવી રહ્યા હતા. અને મેં તમને અટકાવવાની કોશિશ કરી તો તમે મને તમાચો ઝીંકી દીધો!’ વડા પ્રધાનના પ્લેનનો કો-પાઈલટ કમાન્ડરને એટલે કે મુખ્ય પાઈલટને કહી રહ્યો હતો.
એ વખતે પ્લેન સહીસલામત રીતે લેન્ડ થઇ ચૂક્યું હતું.
ખબર નહીં મને અચાનક શું થઇ ગયું હતું!’ પાઈલટે જવાબ આપ્યો.
* * *
ઇશ્તિયાકના કમોત સાથે એક રહસ્ય પણ ધરબાઇ ગયું. તેણે પોલીસને અવળા રવાડે ચડાવવા માટે સ્યુસાઇડ બૉમ્બર નાઝનીનને મોહિની મેનનના ચહેરા જેવો માસ્ક પહેરાવ્યો હતો. પહેલી ફ્લાઇંગ કારથી હુમલો થયો એ કાર સાથે નાઝનીન પણ ફૂંકાઇ ગઇ હતી.
* * *
‘મુંબઇ પરના આતંકવાદી હુમલાઓ અકલ્પ્ય હતા, પણ આ હુમલાઓ શૂળીની ઘાત સોયથી ગઇ એમ કહી શકાય એવા હતા. આતંકવાદીઓએ આખું મુંબઈ ફૂંકી મારવાનુ ષડ્યંત્ર ઘડ્યું હતું. એ ષડ્યંત્રને તેમણે ‘પિનકોડ વન ઝીરો વન’ નામ આપ્યું હતું. અમે દેશદ્રોહી વૈજ્ઞાનિક અને તેના સહાયકો સહિત ઘણા માણસોને જીવતા પકડ્યા છે. અમે એમની પાસેથી વધુ માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. વૈજ્ઞાનિક મોહિની મેનને આત્મહત્યા કરી લીધી, પણ એક આતંકવાદીને મારીને અને ત્રણ આતંકવાદીને પકડી પાડીને તેના માતા-પિતાને ચેન્નઇ પોલીસે બચાવી લીધા છે. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે દેશનાં અનેક શહેરોમાંથી આઇએસ સાથે સંકળાયેલા સેંકડો આતંકવાદીઓને ઝડપી લેવાયા છે અને દેશના અનેક મહાનગરોમાં ખોફનાક હુમલાઓ કરવાના ષડયંત્રને નિષ્ફળ બનાવાયા છે...’ પોલીસ કમિશનર ઈલ્યાસ શેખ પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યા હતા.
પોલીસે વધુ પડતો બળ પ્રયોગ કરીને ઘણા નિર્દોષ માણસોને મારી નાખ્યા અને પત્રકારોને ગોળીએ દેવાની ધમકી અપાઇ એ માટે તમે શું કહેવા માગો છો? એક પત્રકારે સવાલ કર્યો.
‘તમારા અને જોઇન્ટ કમિશનરના પત્ની અને સંતાનો સહારા સ્ટાર હોટેલમાં થયેલા કથિત આતંકવાદી હુમલામાં માર્યા ગયા એની દાઝ તમે નિર્દોષ માણસો પર ઉતારી?’ બીજા એક પત્રકારે સવાલ ર્ક્યો.
‘નિર્દોષ નાગરિકોને ગોળીએ દેનારા ડીસીપી સાવંત અને બીજા જવાબદાર અધિકારીઓ સામે તમે શું પગલાં લેશો?’ ત્રીજા પત્રકારે પૂછ્યું.
‘તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવા માટે હું ભલામણ કરીશ.’ શેખે કહ્યું. સવાલોની ઝડી વરસાવનારા પત્રકારો આશ્ર્ચર્ય અને આઘાતભરી નજરે તેમની સામે જોઇ રહ્યા.
એક પત્રકારે કહ્યું, ‘તમે પાગલ તો નથી થઇ ગયા ને?’
‘મુંબઇ પર જે કક્ષાના આતંકવાદી હુમલાઓ થયા છે એ જોયા પછી પણ તમારા મનમાં આવા સવાલો ઊઠતા હોય તો તમારી માનસિક સમતુલા વિશે મને શંકા જાય છે. તમે જેને નિર્દોષ માણસો કહો છો એ નિર્દોષ માણસો ડોન ઇકબાલ કાણિયા અને આતંકવાદી સંગઠન આઇએસના કટ્ટર સમર્થકો હતા. દોઢ કરોડ મુંબઇગરાઓની સલામતી માટે હું આવા એકસો ‘નિર્દોષ’ માણસોને ગોળીએ મારી દઇશ. એની મોર ક્વેશ્ચન્સ?’ શેખે અત્યંત મક્કમ અને ઊંચા અવાજે કહ્યું.
પત્રકારોએ સૌમ્ય પ્રકૃતિના આઈપીએસ અધિકારી ઈલ્યાસ શેખનું આવું રોદ્ર સ્વરૂપ પહેલી વાર જોયું.
* * *
૮ જાન્યુઆરી, ૨૦૨૨.
જે. ડબ્લ્યુ. મેરિયટ હોટેલથી થોડા મીટર દૂર સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલોની બિલકુલ બાજુના વિશાળ બંગલોમાં ઝાકઝમાળવાળી પાર્ટી ચાલી રહી હતી. રોહિત નાણાવટીએ એ બંગલો ખરીદીને દીકરી નતાશાને બર્થડે ગિફ્ટરૂપે આપ્યો હતો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત તમામ ક્ષેત્રોની અત્યંત જાણીતી વ્યક્તિઓ પાર્ટીમાં હાજર હતી. સાહિલના ભાઈ-ભાભી અને સાહિલનો દોસ્ત રાહુલ સહેજ સંકોચ સાથે પણ ઉમળકાભેર એ પાર્ટીનો માહોલ માણી રહ્યા હતા.
બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાએ માઇક હાથમાં લઇને એનાઉન્સમેન્ટ ર્ક્યું: ‘મારા જૂના દોસ્ત રોહિત નાણાવટીની પુત્રી નતાશાને હીરોઇન તરીકે ચમકાવતી ત્રણ ફિલ્મોનું નિર્માણ મારી એન્ટરટેઇનમેન્ટ કંપની કરશે. અને એ ત્રણેય ફિલ્મમાં હીરો તરીકે મેં સુપર સ્ટાર દિલનવાઝ ખાન, અજયકુમાર અને આયુષ કપૂરને સાઇન ર્ક્યા છે.’
બધાએ તેમની જાહેરાતને તાળીઓથી વધાવી લીધી. મલ્હોત્રાની જમણી બાજુએ મમ્મી દેવિકા નાણાવટી સાથે ઊભેલી નતાશાએ બધાનું અભિવાદન સ્વીકાર્યું.
રાજ મલ્હોત્રાએ કહ્યું: ‘બીજું એક એનાઉન્સમેન્ટ મારે એ પણ કરવાનું છે, સાહિલ સગપરિયા મારી ઓટો મોબાઇલ કંપનીના સી.ઇ.ઓ. તરીકે જવાબદારી સંભાળશે. મારી કંપની આવતા પાંચ વર્ષમાં અનેક ઇનોવેટિવ વાહનો માર્કેટમાં મૂકશે.’
રાજ મલ્હોત્રાની ડાબી બાજુએ ઊભેલા રોહિત નાણાવટીએ રાજ મલ્હોત્રાના હાથમાંથી માઇક પોતાના હાથમાં લઇને કહ્યું, ‘મારે પણ એક એનાઉન્સમેન્ટ કરવાનું છે. મારી દીકરી નતાશાની સગાઇ હું સાહિલ સગપરિયા સાથે કરું છું.’
સાહિલ અને નતાશાએ એકબીજાને એન્ગેંજમેન્ટ રિંગ પહેરાવી ત્યારે બંનેના ચહેરા ખીલી ઉઠ્યા અને બધાંની હાજરી ભૂલીને બંને અદમ્ય ઉત્કટતા સાથે વળગી પડ્યા. નતાશાએ સાહિલને કાનમાં કંઇક કહ્યું એ સાથે સાહિલ શરમાઇ ગયો.
નતાશાની મમ્મી દેવકીએ એ જોયું. તેમણે નતાશાને પૂછ્યું, ‘તેં એવું તે શું કહ્યું એના કાનમાં કે એ બિચારો શરમાઇ ગયો?’
‘સાહિલ, તું જ કહી દે ને મમ્મીને!’ નતાશાએ આંખો નચાવતા કહ્યું.
સાહિલ ફરી એક વાર શરમાઈ ગયો!
‘તને જમાઈ નહીં, વહુ મળવાની છે, મમ્મી!’ નતાશાએ ટીખળ કરી.
(સમાપ્ત)