Andharu in Gujarati Horror Stories by RaviKumar Aghera books and stories PDF | અંધારુ

Featured Books
Categories
Share

અંધારુ

અંધારુ

ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. નાનુ ગામ હોવાથી ત્યાં વધુ ભીડભાડ ન હતી. નક્ષે ટ્રેનમાંથી નીચે ઉત્તરીને પીળા રંગના બોર્ડ પર ગામનું નામ વાંચ્યુ,- “તલોદ”. ટાઉન ગણી શકાય એવડી વસ્તી ધરાવતુ આ ગામ. નક્ષ પોતાના કાકાના પરિવાર સાથે અહિં કોઇ દુરના સગાને ત્યાં રોકાવાં આવ્યા હતાં.

નક્ષે સામાન ઉઠાવીને લેવા આવેલા એ અજાણીયા સગા સાથે ચાલવા લાગ્યો. રસ્તા ખેતર, બજાર, મકાનો, દુકાનો વગેરે કંઈક અલગ હતું. થોડીવારમાં તેઓ ઘરે પહોંચ્યા. “તમસ” – એક મોટા બે માળના મકાન પર લાલ અક્ષરે લખાયેલું હતું. લાકડાંની ડેલીમાંથી તેઓ અંદર પ્રવેશ્યા. અંદર જતા સામે જૂના બાંધકામ વાડા બે રુમ હતા, તેને અડકીને જ ઉપર ચડવાનો દાદરો હતો. દાદરાની બાજુમાં જ એક બખોલ જેવો દરવાજો હતો, જેમાંથી પાછળ એક નાનો બગીચો હતો. દાદરા ચડીને ઉપર પણ બે રુમ રસોડું હતાં, પણ ફરક એટલો હતો કે ઉપરના રુમ નળીયા વાળા હતાં.

નક્ષને આ વાત થોડી અજુગતી લાગી કે આ લોકો શું કામ નીચેના સરસ મકાન છોડી ઉપર નળીયા વાળા મકાનમાં રહે છે. નક્ષના કાકાએ યજમાનની ઓળખાણ કરાવી. બપોરે બધા જમીને આરામ કરતા હતાં. નક્ષ અને તેની બહેન રાધા બંને એકલા જાગતા હતાં, તેઓ એકબીજા વાતો કરતાં હતાં, એટલામાં નક્ષ કંઈક વિચારમાં પડી ગયો.

રાધા:- એલા.., કયાં ખોવાય ગયો???

નક્ષ :- રાધા, તે કાંઈ નોટ કર્યું ?

રાધા:- શું ?

નક્ષ :- આ લોકો નીચે ઠંડો છાંયો છોડીને ઉપર ગરમીમાં નળીયા વાળા ઘરમાં કેમ રહે છે!!??

રાધા:- હા,.. યાર.. કેટલી ગરમી છે... કેમ રહે છે આ લોકો...

નક્ષ :- મને કાંઈક ગરબડ લાગે છે.

રાધા:- ગરબડ હોય તો ભલે હોય હો.... તું છાનોમાનો બેસજે, આપણે અહિં એક જ દિવસના મહેમાન છીએ.. કાંઈ આડુંઅવળું કરતો નહિં.

એમ કરીને એણે નક્ષને એક ટપલી મારી અને ત્યાંથી જતી રહી. નક્ષ હજી દાદરા પાસે ઉભો હતો. એને બગીચામાં નજર નાખી, ત્યાં તેને એક બદામનું ઝાડ દેખાયું. હવે તેને કંઈક વધું વિચિત્ર લાગ્યું કેમકે તેને સાંભળ્યું હતું કે, લોકો ઘરમાં બદામ ન વાવે. તેની નજર ફરી એકવાર નીચેના રુમ તરફ ગઈ. તેને જમતી વખતે યજમાન સ્ત્રીને તેના કાકીને ક્હેતા સાંભળ્યું હતું કે છોકરાને એકલા નીચે ન જવા દેતા. હવે નક્ષને આ ઘર વધુ રહસ્યમય લાગવા લાગ્યું. એણે એકવાર નીતે જઈ જોવાનું વિચાર્યું. આમ તો નક્ષ ફક્ત જીજ્ઞાસાને ખાતર જ નીચે જવા માગતો હતો, પણ તેને કયાં ખબર હતીં કે નીચે શું રહસ્ય તેની રાહ જોઈ રહ્યું છે. તેને તેની દાદી પાસેથી આવા ઘણા કિસ્સા સાંભળ્યાં હતાં. આથી જ તેને આવી ગોચરઅગોચર વાતો-જગ્યાઓમાં વધુ રસ હતો. પણ આવા રહસ્યો જાણવા હિંમત પણ જોઈએ. નક્ષ ધડકતા હ્રદયે દાદરા ઉતરી રહ્યો હતો.

નીચે ઉતરીને તેણે જોયું કે બે રુમમાંથી એક અંદરથી બંદ હતો, બીજા પર સાંકળ દીધેલી હતી. નક્ષે પાસે જઈને જોયું, સાંકળ પર ઝાળા ચોંટેલા હતાં, તે સાંકળના છેડે કાંઈક દોરા જેવું બાંધેલ હતું, તેના પર ધુળ ચોંટેલી હતી તેથી તેનો રંગ ઓળખી શકાતો ન હતો. નક્ષે એ દોરો હાથમાં લઈ ખેંચ્યો, એમાં ચોંટેલી ધુળ ખરી ગઈ. એ દોરાનો રંગ લીલો હતો. હવે નક્ષને થોડો ડર લાગ્યો, તેણે હિંમ્મત કરી સાંકળ ખોલી. લાકડાંનો દરવાજો ધીરેથી ખોલ્યો, અંદર ઘાટુ અંધારુ હતું. નક્ષે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી તેમાં ફ્લેશ ચાલુ કરી અને અંદર પગ મુક્યો. જેવો તેને અંદર પગ મુક્યો કે તરત જ તેણે કોઈ જાણે રોકતું હોય, જાણે એમ ક્હેતું હોય કે,- ભાઈ, પાછો વળી જા.. નક્ષના ધબકારા તેજ થઈ ગયાં, તે અંદર આગળ વધ્યો, દરવાજાની ડાબી તરફ તેણે જોયું કે જુનવાણી સ્વિચબોર્ડ હતો જેના પર ઝાળા ચોંટેલા હતાં. નક્ષે સ્વિચ પાડી, જુનો એક બલ્બ ચાલુ થયો. પ્રકાશ હજુ બહુ ઝાંખો હતો, ખાસ કાંઈ ચોખ્ખું દેખાતું ન હતું, નક્ષની નજર સામેની દિવાલ પર પડી, બે-ત્રણ છબ્બીઓ લટકાતી હતી. છબ્બીઓની તસ્વીરો ધુંધળી ધુંધળી દેખાતી હતી, ન જાણે કેટલાય વર્ષોની ધુળ-ઝાળા તેમાં લાગેલા હતાં. નક્ષે રુમાલથી એ તસ્વીરો સાફ કરી. બે તસ્વીરમાં ઉર્દુ કે અરબીમાં કાંઈક લખેલું જે નક્ષે વાંચવાનો પ્રય્તન પણ ન કર્યો, ત્રીજી તસ્વીરમાં એક માણસ, ઉંમર લગભગ 25 વર્ષ, દાઢી હતી પણ મૂંછ ન હતી. રુમમાં અન્ય કોઈ સામાન નહોતો, બસ આ ત્રણ તસ્વીર સિવાય. એક હિન્દુના ઘરમાં મુસ્લિમ વ્યક્તિનો ફોટો એ પણ આટલા સમયથી અહિં બંધ રુમમાં.!!! નક્ષનું ગળું સુકાવા લાગ્યું, તે ત્યાંથી બહાર નીકળી ગયો અને દરવાજો પહેલાની જેમ જ બંધ કરી દીધો. તેને એવું લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે પણ તે પાછળ ફર્યા વગર જ દાદરા ચડવા લાગ્યો. દિલના ધડકારા કાનમાં સંભડાવવા લાગ્યા, કોઈ પાછળ આવી રહ્યું હતું જાણે એવું લાગ્યું. નક્ષ એકીશ્ર્વાસે ઉપર પહોંચ્યો, પરસેવે લથપથ, ડરનો અનુભવ, એક બિહામણો અનુભવ. નક્ષ વોશ-બેસીન પાસે જઈ ચહેરો ધોવા લાગ્યો, સામેના અરીસાંમાં પોતાનો ચહેરો જોયો, આંખોમાં આટલો ડર પહેલીવાર દેખાયો હતો. અંદર જઈ સોફા પર આડો પડયો, ટી.વી. ઓન કર્યું, ચેનલ ફરતી ગઈ, મગજમાં નીચે જોયેલા દ્રશ્યો ફરતા હતાં. રાધાએ આવીને તેની પાસેથી રીમોટ જુંટવી લીધું ત્યારે તેનું ધ્યાન ભંગ થયું. નક્ષ થડકી ગયો, ચહેરો પરસેવે રેબજેબ થઈ ગયો, જાણે ચોરી પકડાઈ ગઈ હોઈ તે રીતે એની આંખોમાં ડર ભરાય ગયો.

રાધા :- કેમ, એલા.... ભૂત જોયું કે શું!!??

નક્ષ :- ન....ના.... ના... એ તો ગરમીને લીધે.

નક્ષે વાત વાળવાની કોશીશ કરી પણ, યજમાન સ્ત્રી (કોકી માસી)એ નક્ષનું આ જૂઠ ખાળી લીધું. એણે બધા સાંભળે એમ ખાસ કરીને નક્ષ સાંભળે એમ કહ્યું,- “સાંજ પડયે કોઈ નીચે ન જતાં, અમારા ગામમાં બાળકો બહુ ખોવાય છે.” નક્ષ સમજી ગયો કે આ ચેતવણી એના માટે છે. તે આવ્યો ત્યારથી આ ઘર તેને રહસ્યમય લાગતું હતું, એમાં પણ નીચે જે અનુભવ થયો તેના પરથી એટલું તો કહી શકાય કે કાંઈક તો હતું જે યોગ્ય ન હતું. આવા વિચારોની ભરમાળમાં કયારે સાંજ થઈ ગઈ એ ખબર જ ન પડી. જમી પરવાળી લીધું ત્યાંતો સાડા દસ જેવો સમય થઈ ગયો હશે. કાકા-કાકી, કોકીમાસી અને માસા બહાર ધાબામાં બેઠા ધીરા સ્વરમાં કાંઈક ગંભીર વાત કરી રહ્યા હતાં, નક્ષે કાન ધર્યો, “રાતે બધા દરવાજા ખુલ્લા રાખવા પડે છે, નહિતર ટકોરા પડે, બાથરુમનો દરવાજો ભૂલથીય બંધ કરાય જાય તો સવારે બધા નળ ખુલ્લા મળે, પાણીની ટાંકી ખાલી થઈ જાય. આતો રોજનું થયું.” કાકા-કાકીના ચહેરા પર આશ્ચર્ય અને ડર હતો, નક્ષ હજી વધુ સાંભળત પણ ત્યાં અચાનક કોકીમાસીની નજર તેના પર પડી ગઈ અને તેઓએ વાત બદલી નાખી.

આજ નક્ષને ઉંઘ આવવાની નહોતી, તે હોલના પલંગ પર સુતો હતો. હોલની જમણી બાજુએ રસોડું અને એક રુમ હતો જેમાં સ્ત્રીઓ સુતી હતી. રસોડાની પાસે પાછળ જ ગલીયારો હતો જયાંથી ધાબા પર જઈ સકાતું. ધાબા પર એક પાણીનો ટાંકો અને તેલ કાઢવાનો જુનવાણી ઘાણો હતો. ધાબા પર ચઢવાંની સીડી પણ ઘણા વર્ષો જુની હોવાથી સડી ગઈ હતી, આથી તે લોકો બહુ ઓછા જ ઉપર જતા હતાં. સાંજના સમયે નક્ષે આ બધું બારીકી થી જોયું.

ડીમલાઈટમાં ઘડીયાળ રાતના બાર વાગ્યા હોય એમ દેખાડતી હતી.બધા લગભગ ઘસઘસાટ ઉંઘી રહ્યાં હતાં. નક્ષના મનમાં વિચારો ફિલ્મોની રીલની જેમ ચાલી રહ્યાં હતાં. અનેક વિચારો, અનેક સવાલો, અનેક ધારણાંઓ... આ બધું તેના ભયમાં વધારો કરી રહ્યું હતું. તેની આંખો તો ખુલ્લી હતી, પણ વિચારોમાં એટલો ગરકાવ હતો કે આસપાસનો કાંઈ ખ્યાલ જ ન હતો. અચાનક રસોડામાં કાંઈક સડવળાટ સંભળાયો, જાણે કોઈના ધીમાં, છુપા, સાવધ પગલાં પડતાં હોય. વિચારચક્રનો ભંગ થયો.

નક્ષની નજર રસોડા તરફ ગઈ, ત્યાં ઘટ્ટ અંધારા સિવાય કશું જ ન દેખાયું. અંધારું એટલું હતું કે કદાચ કોઈ માણસ ઉભો હોય તો પણ તેનો ચહેરો જોઈ ન શકાય. સડવળાંટ હવે નજીક આવતો હોય એવું લાગ્યું, રસોડાના દરવાજામાંથી એક સફેદ પડછાયો બહાર આવ્યો. લગભગ સાત ફૂટ ઉંચો આછેરો સફેદ પડછાયો, જાણે કોઈ માણસની આકૃતિ સર્જતો હોય. નાનું બાળક જેમ નવી વસ્તું જોઈ તેનામાં સ્થિર થઈ જાય તેમ નક્ષ એકીટસે, શૂન્ય મને તે પડછાયાને જોઈ રહ્યો, શ્ર્વાસ ગળાંમાં અંટવાય ગયાં, ધડકારાંનો અવાજ જાણે કાન સુધી સંભળાવા લાગ્યાં, નક્ષનું યસરીર જાણે ઠંડું પડવા લાગ્યું. એક ક્ષણે તેને લાગ્યું કે ખરેખર આનું નામ ‘ડર’. અનેક વિચારો, અનેક તારણો તેના મનમાં દોડવા લાગ્યાં. એટલામાં પેલો પડછાયો હોલના દરવાજા તરફ આગળ વધ્યો. સાત ફૂટની એ વિકરાળ આકૃતિ નક્ષથી પાંચ જ ફૂટ દૂર હતી. નક્ષની હકીકત જાણવાની વૃતિએ તેનો ડર દૂર કર્યો અને તેનામાં હિમ્મત આવી. મનમાં શંકા જાગી કે કદાચ કોઈ ચોર હોય તો પોતે બધાને જગાડી ચોરી થતી અટકાવી શકે, પણ જો એવું ન હોય તો.... આ ‘ન હોય તો....’ માટે તેણે પોતાની જાતને તૈયાર કરી. તેણે આસપાસ જોયું, બધાં લોકો ઘસઘસાટ ઉંઘી રહ્યા હતાં. તે હળવેકથી પલંગ પરથી નીચે ઉતર્યો અને છાના પગલે દરવાજા તરફ જવાં લાગ્યો. દરવાજાની બહાર સ્ટ્રીટ લાઈટ અને ચંદ્રનું અંજવાળું ખાસ્સું એવું હતું. નક્ષ દરવાજા પાસે અંધારામાં પોતે દેખાય નહી એ રીતે ઉભો રહી બહાર જોવા લાગ્યો.

નક્ષએ જેવું બહાર જોયું, તેના પગની નીચેથી જાણે ધરતી ખસકી ગઈ હોય એવું લાગ્યું. હ્રદય હવે એક ધબકારો ચૂકી ગયું હતું. તેની આંખો પહોળી ને પહોળી જ રહી ગઈ, ગળું સૂકાવાં લાગ્યું, શ્ર્વાસ જાણે ગળામાં જ અટકી ગયો, કપાળે પરસેવો વળી ગયો. પડછાયો અંજવાળામાં તેની સામે ઉભો હતો, પહાડી શરીર, સફેદ ઝભ્ભો લેંઘો, ચહેરો..... અને ચહેરો જોઈને તો નક્ષ હેબતાઈ જ ગયો. બપોરે નીચેના ખંડહર જેવા રૂમમાં જે વ્યક્તિનો ફોટો જોયો હતો એ વ્યક્તિ અત્યારે તેની સામે ઉભો હતો. નક્ષએ પોતાની જાતને સ્વસ્થ કરી, હજી પેલા વ્યક્તિની નજર તેના પર પડી ન હતી. આંખ પલકાવ્યાં વગર નક્ષ પેલા માણસ-પડછાયાને જોઈ રહ્યો હતો. મનમા અસંખ્ય સવાલોનું વંટોળ ચડયું હતું. દરેક સવાલ અંતે એક જ સવાલ અટકતો હતો,- “આવું કેમ બને?” વિચારોના વમણો વચ્ચે નક્ષે જોયું કે પેલો વ્યક્તિ દાદરા ઉતરવા લાગ્યો. નક્ષ હજી ત્યાં જ ઉભો હતો, શું કરવું એ સમજાય તે પહેલા હોલની લાઈટ ચાલું થઈ ગઈ. નક્ષ ઝબકી ગયો, જાણે પોતે મોટી ચોરી કરતાં પકડાઈ ગયો હોય એમ તેના ચહેરા પરનો ડર બમણો થઈ ગયો. તેને હળવેકથી પાછળ ફરીને જોયું. કોકીમાસી તેની પાછળ સ્વીચબોર્ડ પાસે ઉભા હતાં. ચહેરા પર પ્રશ્ર્નાર્થભાવ અને ગુસ્સાનો ભાવ હતો.

કોકીમાસી :- બેટા, તું આટલી રાતે અહિં શું કરે છે?

નક્ષ :- અ.... એ....તો માસી હું.... બાથરૂમ.... જતો હતો.

કોકીમાસીના ચહેરા પર ભાવ શૂન્ય થઈ ગયાં, તેણે નક્ષ પાસે આવીને કહ્યું – “જા બેટા ડરતો નહિ, અને હા... બાથરૂમનો દરવાજો ખુલ્લો જ રહેવા દેજે.” આટલું કહી તે હોલની લાઈટ ચાલું રાખી રૂમમાં જતાં રહ્યાં. નક્ષ હળવેકથી બહાર આવ્યો, દાદરા અને નીચેના રૂમ પર તેને નજર નાંખી પણ પેલો વ્યક્તિ ક્યાંય દેખાયો નહિં. કોણ છે, કોણ હશે એ, ક્યાં ગાયબ થઈ ગયો, કેમ આવ્યો હશે, આવા અનેક વિચારો સાથે તે બાથરૂમ તરફ આગળ વધ્યો. રહસ્ય રહસ્ય જ રહી ગયું. નક્ષે એક ઊંડો નિશાસો ખાધો અને બાથરૂમમાં ગયો. બહાર આવતી વખતે તેને એક વિચાર આવ્યો કે માસીએ દરવાજો ખુલ્લો રાખવાં કેમ કહ્યું, વળી રાતે બહાર બેઠા હતાં ત્યારે માસી કહેતાં હતાં કે પાણીની ટાંકી ખાલી થઈ જાય છે. નક્ષે બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો અને પાછળ ફરીને તે ચાલવા લાગ્યો. એટલામાં તેની નજર નીચે બગીચામાં પડી અને ત્યાં જ જડ થઈ ગઈ. બગીચામાં આવેલા બદામના ઝાડ નીચે પેલો પડછાયો-પેલો માણસ ઉભો હતો. હવામાં તેની લાંબી દાઢી ફરકતી હતી. આ વખતે નક્ષ તેની નજરમાં આવી ગયો હતો. તેણે નક્ષ સામે એક સ્મિત કર્યું, એ રહસ્યમયી સ્મિત, જાણે નક્ષ કોઈ ડરામણું સ્વપ્ન જોઈ રહ્યો હોય. રહસ્યમયી સ્મિત કરીને તે પડછાયો આલોપ થઈ ગયો. હવે નક્ષના ડરનો પાર ન રહ્યો. તે દોડીને હોલમાં જતો રહ્યો, દરવાજો અંદરથી બંધ કરી, સ્વીચબોર્ડ તરફ દોડયો. થોડીવાર થંભી કાંઈક વિચારવા લાગ્યો, પછી તે લાઈટ બંધ કરી પલંગ પડયો. તેની નજર ઘડીયાળ તરફ ગઈ, સાડાબાર- મનમાં અવાજ આવ્યો. શ્ર્વાસ હજી જોર જોરથી અવાજ કરતાં હતાં. હૃદય ગભરાહટથી બેસી ગયું હતું, તે ઘડીયાળ સામે જોતો રહ્યો અને સમય પસાર થતો ગયો- બે - ત્રણ - ચાર. તેની આંખો ઘેરાઈ ગઈ.

સવારે પોણા છ વાગ્યે કાકીનો અવાજ સાંભળી તેની ઉંઘ ઉડી,- “કોકીબેન પાણી નથી આવતું, મોટર ચાલું કરવી પડશે.” નક્ષ પલંગમાં સૂતો સૂતો સાંભળી રહ્યો હતો. કોકીમાસી બોલ્યાં – “રાતે છોકરાઓથી દરવાજો બંધ થઈ ગયો હશે.” સવારે નવ વાગ્યે તેઓની ટ્રેન હતી, ચાં-નાસ્તો પતાવી સાડા-આઠે બધા ફરી આવજો, આવજો કહેતા સ્ટેશન તરફ નીકળ્યાં. નક્ષની નજરમાં કાલનાં દિવસની આ રહસ્યમય ઘરની ચલચિત્ર ચાલી રહી હતી. ઘરથી લગભગ તેઓ પચાસેક ફૂટ દૂર પહોંચ્યા હશે, નક્ષે એક નજર પાછળ ફરીને જોયું, ધાબા પર માસા-માસી ઉભા હતે અને તેની પાછળ પેલો દાઢીવાળો માણસ ઉભો હતો, એણે નક્ષ તરફ પાછું એ રહસ્યમય કર્યુ. જાણે તે નક્ષને વિદાય આપતો હોય એમ. નક્ષે ત્યાંથી નજર ફેરવી લીધી અને ફરી ત્યાં જોયું તો તે ગાયબ....

  • A & R