Vadodara na vidhyarthioni manavata in Gujarati Magazine by Bhatt Nikunj books and stories PDF | વડોદરા ના વિદ્યાર્થીઓની માનવતા

Featured Books
Categories
Share

વડોદરા ના વિદ્યાર્થીઓની માનવતા

વડોદરા ના વિદ્યાર્થીઓની

માનવતા

(એક સત્યઘટના)

નિકુંજ ભટ્ટ

પ્રથમ પ્રયાસ

આ પ્રવાહ વિષે કોઈજ અનુભવ નથી પરંતુ એક પ્રયત્ન કર્યો છે,ભૂલો ઘણી હશે એ મને ખ્યાલ છે પરંતુ આપ વાંચક મિત્રો વાંચી ને મારી ભૂલો મને જણાવશો તો મને તે દૂર કરવામાં ઘણો આનંદ મળશે, આશા રાખું આપને પસંદ આવશે.

અર્પણ

મારા દરેક મિત્રો તથા વાંચકો ને ......

***

મધ્યપ્રદેશના સારસ્વત ગામના પંગલાભાઇ કામથી મુંબઇમાં ગયા હતા. અને ત્યાં કંન્સ્ટ્રકશન સાઇટ પર બિલ્ડિંગ પરથી પડી જતાં તેમનો પગ તૂટી ગયો હતો. જ્યાંથી તેમને બેભાન હાલતમાં કોઇ વડોદરા મુકી ગયુ. હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં તેઓનું જીવન છેલ્લા બે મહિનાથી ભિખારી જેવું થઇ ગયુ હતુ.

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ઝૂલોજીમાં પીએચડી કરતાં છ સ્ટુડન્ટ માટે એક રૂટિન મુલાકાત હતી. ઝરમરિયો વરસાદ પડી રહ્યો હતો. અચાનક એક ભીખારણ ત્યાં આવી. આ વિદ્યાર્થીઓ માટે તેનું આ આ રીતે આવી જવું સહજ હતું. ભીખારણને સાધારણ જોઇતી મદદ કરી. એ રાત્રે એ ત્યાંથી ગઇ નહીં, ઊભી ઊભી રડવા માંડી. આ વિદ્યાર્થીઓને અંદાજ નહોંતો કે હવે તેમના થકી એક માનવતાનું કામ થવાનું છે.

આ સ્ટુડન્ટ્સ પૈકીનો અલિઅસગર આ વાત જણાવતાં કહે છે કે, અમે પૂછ્યું કેમ રડે છે, તેણે ઇશારો કરી આંગળી ચિંધી. પેલાને જુઓ. પહેલી નજરે જ એક ભીખારી જોવાયો. આ વ્યક્તિ થરથર ધ્રુજતી હતી. ચહેરા પર દાઢી વધી ગઇ હતી. ઉમર કળી શકાય એવી ન હતી. અમે તેની નજીક ગયા. હવે તેની આંખ નીચે હતી. મેં તેનો હાથ પકડ્યો. રખેને તાવ હોય. અમે અગાઉ આવી વ્યક્તિઓને ક્રોસિન આપી ચૂક્યાં હતા. અમે નામ પૂછ્યું. પંગલા. જવાબ મળ્યો. તેણે પેટના નીચે, કમર ફરતે કાળા કંબલ જેવું વીંટાળેલું હતું. અમે તેને પણ પૈસા આપવાની કોશિશ કરી. તે તુરંત બોલ્યો. મેં ભીખારી નહીં હું. હજીય ધ્રુજવાનું ચાલું હતું.

વરસાદ વધી રહ્યો હતો. અમે તેમને નજીકની બંધ થઇ ચૂકેલી હાર્ડવેરની દુકાન પર આવી જવા કહ્યું. પંગલાભાઇ પગે ગોઠણિયાભેર ધસડાયા. હવે જાણ થઇ કે તેમનો જમણો પગ કામ કરતો નથી. પંગલાભાઇએ છેલ્લા બે મહિનામાં શું થયું એ તૂટક તૂટક શબ્દોમાં કહેવાનું શરૂ કર્યું.

એક દિવસ હું ત્યાં બિલ્ડિંગ પરથી પડી ગયો અને મારો પગ તૂટી ગયો...કેટલાક લોકોએ મને લૂંટી લીધો...એક દિવસ મારૂતિવાનમાં કેટલાક લોકો મને ક્યાંક લઇ ગયા અને એક સ્થળે મને ઉતારી મૂક્યો

રાઇસ ખાઇને પંગલાભાઇએ વાત આગળ ધપાવી. એસએસજીના કેમ્પસમાં જ પડ્યો રહેતો. મારા કોઇ સગા ન હોવાથી મારો ઇલાજ થશે નહીં એવું ચોખ્ખુ કહી દેવામાં આવ્યું. શું કરવું એ ખબર પડતી ન હતી. વરસાદ શરૂ થયો. મેં છત્રી ( મહારાજા સયાજીરાવે પોતાના પિતાની યાદમાં બંધાવી હતી) નીચે રહેવાનું શરૂ કર્યું. નજીકમાં પંચમુખી હનુમાન મંદિરની બહારખાવાનું અપાતું હતું. હું ત્યાં જઇ આવતો. આજે ત્યાં પણ પાણી વધારે ભરાયું હોવાથી અહીં સુધી આવી ગયો છું. મને ઠંડી પણ ખૂબ લાગે છે. ત્યાં સુધીમાં સાડા નવ વાગી ચૂક્યાં હતા.

આટલું સાંભળ્યા બાદ હવે વિદ્યાર્થીઓ એકશનમાં આવ્યાં. તેમણે પોતાના મોબાઇલથી સારસ્વત નગર, મેઘનગર, ઝાબુઆ સરનામુ અને ત્યાંના કોઇ વ્યક્તિનો સંપર્ક કરવા માટેનો પ્રયાસ શરૂ કર્યો.

મોડી રાત્રે દસેક વાગ્યે મેઘનગરની એક હોટેલના માલિકે સધિયારો આપ્યો. હું કાલે સવારે સારસ્વતના કોઇ વ્યક્તિનો સંપર્ક કરાવીશ. રાણાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાયો. પોલીસે કહ્યું કાલે સારસ્વતના સરપંચને વાત કરીશું.

વિદ્યાર્થીઓએ પંગલાભાઇને તેમના પરિવાર સાથે મેળાપ કરાવશે એવો સધિયારો આપ્યો. આવતીકાલે સવારે અમે આવીશું. અહીંથી ક્યાંય જતાં નહીં એમ કહીને ઘરે પરત ફર્યા.

બીજા દિવસે 27મીએ સવારે આ તમામ વિદ્યાર્થીઓ ત્યાં ગયા. પંગલાભાઇ માટે ચા-બિસ્કિટ અને પહેરવા માટે નવા કપડાં પણ લઇ ગયા હતા. રાતની પુલાવની થેલી ઊંધી કરવામાં આવી હતી. તેને માથે ટોપીની જેમ ઓઢવામાં આવી હતી. રાત્રે વિદ્યાર્થીઓને અંધારામાં જે જોયું ન હતું તે સવારે નજરે પડ્યું. પગંલાભાઇના ઘૂટણથી ઉપરના બંને પગની અંદરની તરફ ધસડાઇને ચાલવાથી છાલા પડી ગયા હતા. એટલું જ નહીં વરસાદના પાણી સિવાય ભાગ્યે જ આટલો સમય પાણી તેમના પર પડ્યું હશે. હાથ પણ છોલાયેલા હતા. તેમને અત્તરની એક બોટલ આપવામાં આવી. જે તેમણે ઉત્સાહથી આખા શરીરે લગાવી.

હવે વિદ્યાર્થીઓને હાશકારો હતો. રાણાપુર પોલીસે સરપંચ સંગ્રામસિંહનો સંપર્ક કરાવી આપ્યો હતો. સંગ્રામસિંહે પંગલાભાઇના ભત્રીજાનો કોન્ટેક્ટ નંબર આપતા તેમને જાણ થઇ ચૂકી હતી. પંગલાભાઇ હવે પંગલા પિતમરિયાં હતા. એટલું જ નહીં 3.55 ની જનતા એક્સપ્રેસમાં તેમને લઇ જવાનું નક્કી થઇ ગયું હતું.

તેમને આ વિદ્યાર્થીઓનો આભાર કેવી રીતે માનવો એ પણ સુઝતું ન હતું. બે મહિનાથી માનસિક યાતનાઓનો અંત આવવાનો હતો.

આ વિદ્યાર્થીઓના પ્રયાસો એક નજીકમાં એક રિક્ષાવાળા ભાઇ જોઇ રહ્યાં હતા. જ્યારે વિદ્યાર્થીઓએ તેમને રેલ્વે સ્ટેશન લઇ જવાની વાત કરી તો તે તુરંત તૈયાર થઇ ગયા. નીચે ઉતારતાં માનવતા દાખવીને તેમણે પણ ભાડુ લીધું નહીં. છેવટે ટ્રેન આવી. તે અગાઉ ટિકિટ લેવાઇ ચૂકી હતી. વિકલાંગના ડબ્બામાં પંગલાભાઇને વિદ્યાર્થીઓની વિનંતીના આધારે બેસાડવામાં આવ્યાં. વિદ્યાર્થીઓએ આરપીએફના એક જવાનને કહ્યું કે, પંગલાભાઇના પરિવારજનને જ સોંપજો. જવાને પણ તેમ કરવાની ખાતરી આપી.

ટ્રેન ઉપડી એ પહેલા વિદ્યાર્થીઓએ પોતપતાના ફોન અને કેમેરાંથી ફોટો સેશન કર્યું. એકાદ વીડિયો પણ બનાવ્યાં. પંગલાભાઇ ટ્રેનમાં બેઠા. તેમને આ વિદ્યાર્થીઓનો આભાર કેવી રીતે માનવો એ પણ સુઝતું ન હતું. બે મહિનાથી માનસિક યાતનાઓનો અંત આવવાનો હતો. છેવટે ટ્રેન ઉપડી.

છેવટે રાત્રે સવા ત્રણ કલાક બાદ 7.15 વાગ્યે આરપીએફ જવાનનો ફોન આવ્યો. જે સગા લેવા આવવાના હતા. તેમના નામ અને નંબરની ખાતરી કરી, અને તેમને સોંપ્યાં. તેમના ભત્રીજાએ પોતાના કાકા માટે આ વિદ્યાર્થીઓએ જે કંઇ કર્યું તે બાબતનો આભાર માન્યો. પંગલાભાઇનો પરિવાર ગ્રામીણ પરિવેશનો હતો. ભત્રીજાએ વિદ્યાર્થીઓને કાકા પાછળ થયેલો ખર્ચ આપવાની તૈયારી બતાવી.

વિદ્યાર્થીઓએ ના કહ્યું તો આમંત્રણ આપ્યું, આમંત્રણના એ શબ્દો સાંભળ્યા બાદ વિદ્યાર્થીઓ મલકી ઊઠ્યાં. કદાચ હવે પછી પણ મલકતાં જ રહેશે.

સાબ હમારે ગાંવ સારસ્વત જરૂર સે આના. આતે પહેલે ફોન કરના. આપ આઓગે તો મુર્ગા કાંટેગે. પાર્ટી ભી કરેંગે. આઓગે ના

(એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ઝૂલોજીના પીએચડી વિદ્યાર્થીઓ:

હેમાદ્રી ભટ્ટ,

જયમેશ થડાણી,

કપિલ ઉપાધ્યાય,

અંકિત ખંડેલવાલ,

કંગકન શર્મા

તથા અલિઅસગર વોરા.)

***