Be tunki varta in Gujarati Short Stories by Anil Bhatt books and stories PDF | બે ટુંકી વાર્તા - કટકી નો કસબ અને મનોવૃત્તિ

Featured Books
Categories
Share

બે ટુંકી વાર્તા - કટકી નો કસબ અને મનોવૃત્તિ

કટકી નો કસબ

જિંદગી એક સફર છે તેમ સફર પણ એક જિંદગી છે. તેવું જ પંકજ માટે બન્યું હતું. બ્રેકફાસ્ટ રાજકોટમાં લે તો લંચ અમદાવાદમાં તો ડીનર બોમ્બે. આ રીતે સતત ટ્રાવેલીંગને કારણે પંકજ ઘણી વખત કંટાળી જતો પરંતુ ખુદ નો બીઝનેસ હોવાથી તે છોડી શકે તેમ નહતો. વર્ષના લગભગ નવ માસ તો તેના ટ્રાવેલીંગમાં પસાર થતા.

પંકજને ટ્રાવેલીંગને કારણે ઘણી વખત જાતજાતના અનુભવો થતા હતા. ઘણા પ્રસંગો જિંદગીમાં બોધ આપી જતા તો ઘણા બનાવો ધ્રુણા ઉપજાવે તેવા થતા. તે દિવસ પંકજ હજુ નથી ભૂલ્યો. તે દિવસે તેણે અકથ્ય વેદના અનુભવી હતી. તે દિવસ હતો ૧૪મી નવેમ્બરનો. પંકજ પોરબંદરથી રાજકોટ તરફ જતી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. બપોરે ૧૨વાગ્યાનો સમય હતો. બસ કુતિયાણા બસ સ્ટેન્ડ પર અકારણ પડી હતી.

બસ સ્ટેન્ડનું વાતાવરણ ફેરિયાઓના અવાજથી ઘોંઘાટમય બની ગયું હતું. પંકજ બસમાંથી નીચે ઉતર્યો ત્યાં તેમનું ધ્યાન તેના મિત્ર હરીશ તરફ ગયું. તેણે હરીશને બોલાવ્યો અને આકસ્મીક મિલનથી ખુશ થઇ બંને મિત્રો વાતોએ વળગી પડ્યા.

હરીશનું ધ્યાન એકાએક શેરડીનો રસ વેચતા આઠ નવ વર્ષના છોકરા તરફ ગયું. હરીશે બે ગ્લાસ રસ લાવવા કહ્યું. થોડી વારમાં પેલો છોકરો રસ લઇ આવ્યો. બંને રસ પીવા લાગ્યા. પેલો રસવાળો છોકરો કાલી કાલી ભાષામાં બૂમો પડી રહ્યો હતો :ચાલો ભાઈ , રસ પીઓ રસ. . . . અમૃત જેવો મીઠો રસ. . . . . . જાણે અમૃતનો સ્વાદ જાણતો હોય તેમ !!

પંકજે એ છોકરાને નજીક બોલાવી પૂછ્યું :’તારું નામ શું છે ? મારું નામ ભારત છે. ”ભારત ? નામ સાંભળી પંકજ અને હરીશ વિચારમાં પડી ગયા. પંકજે પૂછ્યું :’તને પગાર શું મળે છે ? તો ભારતે જવાબ આપ્યો “એક ગ્લાસ દીઠ પાંચ પેંસા મળે છે. “આતો બહુ ઓછા કહેવાય “હરીશ બોલ્યો. ત્યાં ભારત બોલ્યો ;પરંતુ અમે ‘કટકી”કરી લઈએ એટલે વાંધો નથી આવતો. ’

આ સાંભળી પંકજ અને હરીશના મુખ પર આશ્ચર્ય ના ભાવ ઉભરાય આવ્યા. અને બંને એકસાથે બોલી ઉઠયા :કટકી ? કઈ રીતે ? ભારત માસુમતાથી બોલી ઉઠ્યો:’ અમે ચાર ગ્લાસ ના પાંચ ગ્લાસ કરી નાખીએને !” એમ કહી બે ગ્લાસ તથા પેંસા લઇ ચાલી નીકળ્યો.

ત્યાં પંકજ બોલ્યો ;’કોણ કહે છે કે ભારત પછાત છે ? જુઓને ! આ આઠ નવ વર્ષના બાળકને ખબર છે કે કટકી કેમ કરાય “પંકજ અને હરીશ છુટા પડ્યા અને પંકજ ફરી બસમાં બેસી ગયો. ત્યાં તેને ભારતનો સ્વર સાંભળયોં ; ચાલો ભાઈ ચાલો. . . અમૃત જેવો મીઠો રસ પીઓ. ”

***

વકરતી મનોવૃત્તિ

અમારા જીલ્લામા પૂર હોનારત બાદ માનવીના જીવન વ્યવહાર પુનગતિશીલ બની રહ્યા હતા. અમારા શહેરનું જાહેર જનજીવન પણ પા. . . . . પા. . . . પગલી ભરતુ બેઠુ થવા મથતું હતું. ઠેર ઠેર સરકારની સક્રિયતા અને નિષ્ક્રીયતા વિશે ટીકાટિપ્પણ થતા હતા. ક્યાંક ગોકળગાયની ગતિએ ચાલી રહેલા રાહત કાર્યો અંગે તો ક્યાંક હજુ ભરાયેલા પાણીના નિકાલ બાબત બળાપો વ્યક્ત થઇ રહ્યો હતો. હોનારત બાદ લોકોએ ઘરની સાફસુફ કરી નાખ્યા હતા. દરેકના ઘર ખબર પૂછવા આવેલા સ્વજનોથી ધમધમી રહ્યા હતા.

તમારે કેટલુ પાણી આવ્યું હતું ? કેટલી નુકશાની થઈ છે ? શું સરકાર રાહત આપવાની છે ? વગેરે પ્રશ્નનોની ઝડી યજમાન પર વરસી રહી હતી. ક્યાંક બહુ નુકશાન થયેલાઓને ‘સર સલામત તો પઘડીયા બહોત ‘ કે જાન બચી તો લાખો પાયેગે ‘ જેવી ઉક્તિઓ દ્વારા લોકો આશ્વાસન આપતા નજરે પડતા હતા. પ્રદીપ ઘરની બહાર નીકળ્યો ત્યા તેણે બૂમ સાંભળી ,” એ પ્રદીપ. . . ઉભો રહે “ પ્રદીપે પાછળ નજર કરી તો ચુનીકાકા આવી રહ્યા હતા. ચુનીકાકા હાથમાં રેશનકાર્ડ લઇ યુવાનની જેમ દોડતા દોડતા મારી પાસે આવ્યા અને બોલ્યા ;” અલ્યા પ્રદીપ ,તું પેંસા લઇ આવ્યો કે નહિ ?” ક્યાં પેંસા ની વાત કરો છો કાકા. ” તો કહે. અરે દીકરા ,આપણી સરકાર રેશનકાર્ડ પર વ્યક્તિદીઠ સીતેર સીતેર રૂપિયા ચુકવી રહી છે તેની વાત કરું છું “પ્રદીપ બોલ્યો ;અચ્છા તો તમે કેશડોલ્સની વાત કરો છો. પરંતુ ચુનીકાકા તમારે તો કંઈ જ નુકશાન થયું નથી પછી શા માટે રાહતના પેંસા લેવા જઈ રહ્યા છો. ’ “અરે શા માટે ન લેવા ? સરકાર આપણા પેંસા જ આપણને આપી રહી છે કંઈ નવાઈ નથી કરતી પેંસા આપીને ! કાકાની વાત સાંભળીને પ્રદીપ વિચારમા પડી ગયો.

ચુનીકાકા પ્રદીપની સામે રહેતા હતા અને પ્રદીપની જેમ પહેલા માળે જ રહેતા હતા. તેથી તેમને પણ પ્રદીપની જેમ કંઈ પણ નુકશાની થઇ નહોતી છતાં તે કેશડોલ્સ લેવા જઈ રહ્યા હતા. એટલુજ નહિ ચુનીકાકાના બંને પુત્રો વિદેશ હતા. ચુનીકાકા અને કાકી જ અહી હતા. દર મહિનાની પહેલી તારીખે કાકાને તેમની જરૂરિયાત કરતા પણ વધુ પેંસા આવતા હતા અને ગર્ભશ્રીમંત જેવા ચુનીકાકાએ “પેંસા લેવા જાવ છું “ એમ કહ્યું ત્યારે પ્રદીપને થયું કે માનવની વૃતિ કેવી થઇ ગઈ છે !તેને માનવના આવા સ્વભાવ પ્રત્યે ધ્રુણા ઉપજી. ત્યાં કાકા એ પૂછ્યું “શા વિચારે ચડી ગયો પ્રદીપ ?” કંઈ નહિ કાકા “પ્રદીપે જવાબ આપ્યો. ”ચાલ ત્યારે મારે મોડુ થાય છે ત્યાં પણ લાઈન લાગી હશે. ’ એમ કહેતા કાકા ચાલી નીકળ્યા કેશડોલ્સ મેળવવા.

પ્રદીપનું મન વિચારે ચડી ગયું જે સાધન સંપન છે અને નુકશાન નથી થયું છતાં કેશડોલ્સ મેળવા દોડાદોડી કરે છે ! આ સમયે તકલીફ છે મધ્યમ વર્ગ ને ! જે નાનો વર્ગ છે તે હાથ લાંબો કરી પેંસા ભેગા કરી શકે છે. . જે મોટો વર્ગ છે તે પોતાની વગથી કેશડોલ્સ ને અન્ય રાહત વગેરે મેળવી લેશે. પણ મધ્યમ વર્ગ ? તે સિદ્ધાંતવાળો છે. તેને આબરૂથી વિશેષ કંઈ નથી ,ન તો કોઈ પાસે હાથ લાંબો કરી શકતો કે નથી કશું માગી શકતો ! કેવી મજબુરી !

પ્રદીપ સાંજે ઘેર આવ્યો ત્યારે તેના ઘર પાસે એક રાહત સામગ્રી લઈને આવેલો બહારગામની કોઈ સંસ્થાનો ટ્રક ઉભો હતો પુષ્કળ માણસો ત્યાં ટોળે વળી ઉભા હતા. એક ભાઈ પ્રદીપની બાજુમાં રહેતા મગનકાકા જે મીસ્ત્રીકામ કરતા હતા અને તેમના બે દીકરા પણ મીસ્ત્રીકામ તેમજ છુટક છુટક મજુરી પણ કરતા તેમના ઘર પાસે ગયા. અને મગનકાકાને રાહતનો સામાન સ્વીકારી લેવા કહ્યું. પણ મગનકાકા તેને જવાબ વળ્યો ;”નહિ ભાઈ અમારે તે માલસામાન ન જોઈએ. હજુ મારામાં શક્તિ છે અને મારા જુવાન દીકરા પણ કામ કરે છે ,હવે બે ચાર કલાક વધુ કામ કરવું પડશે એટલું જ ને ?

તમે અમારી ફિકર ન કરો અને મારાથી વધુ નુકશાનીવાળા માણસો છે તેને આપો. આવી રીતે ખોટો રાહતનો માલ લઇ અમારે પાપ નથી કરવું. અમારાથી કંઇક પાપ થયું હશે તેથી જ સ્તો આટલું વિનાશક પૂર આવ્યું “. આટલું કહેતા મગનકાકા ચહેરા પર સંતોષનું અને ગરીબો માટે કંઇક કરી છુટ્યાનું સ્મીત ઝળહળતું હતું. તેમણે કહ્યું :ભાઈ હજી આ સ્વાર્થી માણસોની આંખ ઉઘડી નથી કે કુદરતે આ હોનારત સર્જીને માનવ ને બોધપાઠ આપવાની કોશીશ કરી છે કે “બસ આટલી વાર લાગશે તમારા પાપનો ઘડો ફોડતા !”પરંતુ આજનો માનવી પોતાના સ્વાર્થમાં બધુ ભૂલી ગયો છે. માણસોની વૃતિ બદલાઈ ગઈ છે “કહેતા મગનકાકા ઘરમાં ચાલ્યા ગયા.

પ્રદીપને કશું યાદ આવી જતા બજાર તરફ ગયો. એક દુકાને જઈ તેણે ફાનસની માગણી કરી પેલા વેપારીએ ફાનસ આપ્યું. પ્રદીપે ફાનસ જોયું અને પછી પૂછ્યું ;શું કિમત છે ? પેલા વેપારીએ કહ્યું ;૪૫ રૂપિયા. ” પ્રદીપ સ્તબ્ધ થઇ ગયો. ૨૦ રૂપિયાની કિંમતના ફાનસના ૪૫ રૂપિયા ! પ્રદીપ બોલ્યો ; ભાઈ તમારી કંઇક ભૂલ થતી લાગે છે “. “ ના ભાઈ. . ભાઈ ના હવે ભાવ વધી ગયા છે “વેપારી બોલ્યો. “ભાવ વધી ગયા છે કે તમે જ વધારી દીધા છે ?”પ્રદીપે કહ્યું :

“જો તમારી ઈચ્છા હોય તો લઇ જાવ નાહક વાતોમા સમય ન બગડો મારી પાસે ફાલતું વાત કરવા સમય નથી “. વેપારીએ રોફથી કહ્યું અને ફાનસ પાછુ મુકવા ગયો. “ભાઈ ! હજી હમણા જ પૂરના પાણી ઓસર્યા છે યાદ છે ને ? એનો પરચો તમને ઓછો લાગ્યો કે તમે આમ ફરીથી સ્વાર્થલીલા શરૂ કરી દીધી !” એમ કહી માનવીની વૃતિ પ્રત્યે ર્હદયમાં તીરસ્કાર લઇ પ્રદીપ ઘર તરફ પાછો ફર્યો.

અનિલ ભટ્ટ – જામનગર

૯૪૨૮૦૭૪૫૦૮