Satya na Prayogo Part-4 - Chapter-23 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-4 - 23

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-4 - 23

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી

ડરબનમાં ઘર માંડેલું તેમાં ફેરફારો તો કર્યા જ હતા. મોટું ખર્ચ રાખેલું છતાં વલણ સાદાઈ તરફ હતું. પણ જોહનિસબર્ગમાં ‘સર્વોદય’ના વિચારોએ વધારે ફેરફાર કરાવ્યા.

બારિસ્ટરના ઘરમાં જેટલી સાદાઇ રાખી શકાય તેટલી તો દાખલ કરી જ. છતાં કેટલાંક રાચરચીલાં વિના ચલાવવું મુશ્કેલ હતું. ખરી સાદાઇ તો મનની વધી. દરેક કામ

પોતાને હાથે કરવાનો શોખ વધ્યો, ને તેમાં બાળકોને પણ પલોટવાનું આરંભ્યું.

બજારની રોટી લેવાને બદલે ઘેર ખમીર વિનાની ક્યુનેની સૂચના પ્રમાણેની રોટી હાથે બનાવવાનું શરૂ કર્યું. આમાં મિલનો આટો કામ ન આવે. વળી મિલનો દળેલો આટો વાપરવામાં સાદાઇ, આરોગ્યને દ્રવ્ય વધારે સચવાતાં હતાં એમ માન્યું. એટલે હાથે

ચલાવવાની એક ઘંટી સાત પાઉન્ડ ખરચી ખરીદી. આને વજનદાર પૈડું હતું. તે બે માણસો સહેલાઇથી ચલાવે, એકલાને કષ્ટ પડે. આ ઘંટી ચલાવવામાં પોલાક, હું અને બાળકો

મુખ્યત્વે રોકાતા. કોઇ કોઇ વેળા કસ્તુરબાઇ પણ આવતી. જોકે તેનો તે સમય રસોઇ

કરવામાં રોકયેલો હોય. મિસિસ પોલાક આવ્યાં ત્યારે તે પણ તેમાં જોડાયાં. આ કસરત બાળકોને માટે બહુ સારી નીવડી. તેમની પાસે આ કે કોઇ કામ મેં બળાત્કારે કદી નથી કરાવ્યું, પણ તેઓ સહેજે રમત સમજીને પૈડું ચલાવવા આવતા. થાકે ત્યારે છોડી દેવાની તેમને છૂટ હતી. પણ કોણ જાણે શું કારણ હશે કે, આ બાળકો અગર બીજા જેમની ઓળખ

આપણે હવે પછી કરવાની છે તેમણે મને તો હમેશાં ખૂબ જ કામ આપ્યું છે. ઠરડા બાળકો

મારે નસીબે હતા જ, પણ ઘણાખરા સોંપેલું કામ હોંશથી કરતા. ‘થાક્યા’ એમ કહેનારા એ યુગના થોડા જ બાળકો મને યાદ છે.

ઘર સાફ કરવાને સારું એક નોકર હતો. તે કુટુંબી થઇને રહેતો, તે તેના કામમાં બાળકો પૂરો હિસ્સો આપતાં. પાયખાનું ઉપાડી જનાર તો મ્યુનિસિપાલિટીનો નોકર આવતો, પણ પાયખાનાની કોટડી સાફ કરવી, બેઠક ધોવી વગેરે કામ નોકરને સોપવામાં નહોતું આવતું. તેવી આશા પણ નહોતી રાખવામાં આવતી આ કામ અમે જાતે કરતાં ને તેમાં પણ બાળકોને તાલીમ મળતી. પરિણામ એ આવ્યું કે, મૂળથી જ મારા એક પણ દીકરાને પાયખાનાં સાફ કરવાની સૂગ નથી રહેલી, ને આરોગ્યના સામાન્ય નિયમો પણ તેઓ સહેજે શીખ્યા છે. જોહનિસબર્ગમાં કોઇ માદાં તો ભાગ્યે જ પડતા. પણ જો માંદગીનો પ્રસંગ આવે તો સેવાકામમાં બાળકો હોય જ, ને તેઓ આ કામ ખુશીથી કરતા.

તેમના અક્ષરજ્ઞાનને વિશે હું બેદરકાર રહ્યો એમ તો નહીં કહું, પણ મેં તેને જતું કરતાં સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારું મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે. તેમણે કેટલીક વાર પોતાનો અસંતોષ પણ જાહેર કર્યો છે. આમાં કંઈક અંશે મારે મારો દોષ કબૂર કરવો જોઈએ એમ માનું છું. તેમને અક્ષરજ્ઞાન આપવાની ઈચ્છા ઘણી થતી, પ્રયત્ન પણ કરતો, પણ એ કામમાં હમેશાં કંઈક ને કંઈક વિઘ્ન આવી પડતું.

તેમને સારુ ઘેર બીજી કેળવણીની સગવડ નહોતી કરી, તેથી તેમને મારી સાથે ચાલતો ઑફિસે લઈ જતો. ઑફિસ અઢી માઈલ હતી. એટલે સવાર-સાંજ મળી ઓછામાં ઓછી પાંચ માઈલની કસરત તેમને અને મને મળી રહેતી. રસ્તે ચાલતાં કંઈક શીખવવાનો પ્રયત્ન કરતો, પણ તોયે જો મારી સાથે બીજા કોઈ ચાલનાર ન હોય તો. ઑફિસમાં તેઓ અસીલોના ને મહેતાઓના પ્રસંગમાં આવે, કંઈક વાંચવાનું આપ્યું હોય તે વાંચે, આંટાફેરા કરે, બજારની સામાન્ય ખરીદી હોય તે કરે. સહુથી મોટા હરિલાલ સિવાય બધાં બાળકો આ રીતે ઊછર્યાં. હરિલાલ દેશમાં રહી ગયો હતો. જો હું તેમને અક્ષરજ્ઞાન આપવા સારુ એક કલાક પણ નિયમિત બચાવી શક્યો હોત તો હું એમ માનત કે તેઓ આદર્શ કેળવણી પામ્યા છે. એવો આગ્રહ મેં ન રાખ્યો એ દુઃખ મને અને તેમને રહી ગયું છે. સહુથી મોટા દીકરાએ તેનો બળાપો અનેક વેળા મારી પાસે તેમ જ જાહેરમાં કાઢ્યો છે, બીજાઓએ હ્ય્દય ઉદારતા વાપરી એ દોષને અનિવાર્ય સમજી દરગુજર કર્યો છે. આ ઊણપને સારુ મને પશ્ચાત્તાપ નથી, અથવા છે તો એટલો જ કે હું આદર્શ બાપ ન નીવડ્યો. પણ તેમના અક્ષરજ્ઞાનનો હોમ પણ મેં ભલે અજ્ઞાનથી છતાં સદ્દભાવે માનેલી સેવાને અર્થે કર્યો છે એવો મારો અભિપ્રાય છે. તેમનાં ચારિત્ર ઘડવા પૂરતું જે કંઈ કરવું ઘટે તે કરવામાં મેં ક્યાંયે ઊણપ નથી રાખી એમ કહી શકું છું. ને પ્રત્યેક માબાપની આ અનિવાર્ય ફરજ છે એમ હું માનું છું. મારી

મહેનત છતાં મારા તે બાળકોનાં ચારિત્રમાં જ્યાં ખામી જોવામાં આવી છે તે અમ દંપતીની ખામીઓનું પ્રતિબિંબ છે એવી મારી દૃઢ માન્યતા છે.

છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય

છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો

મૂળ સ્વબાવ છે, તેથી બલિહારી છે.

પોલાક અને મારી વચ્ચે આ બાળકોની અંગ્રેજી કેળવણી વિશે કેટલીક વાર તીખો સંવાદ થયેલો. મેં અસલી જ માનેલું છે કે, જે હિંદી માબાપો પોતાનાં બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમના અને દેશનો દ્રોહ કરે છે. મેં એમ પણ માન્યું છે કે, આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની તેમ જ જગતની સેવા કરવા ઓછા લાયક બને છે. આવી માન્યતાને લીધે હું હંમેશાં ઈરાદાપૂર્વક બાળકોની સાથે ગુજરાતીમાં જ વાતો કરતો. પોલાકને આ ન ગમતું.

હું બાળકોના ભવિષ્યને બગાડું છું એવી તેમની દલીલ હતી. અંગ્રેજી જેવી વ્યાપક ભાષા બાળકો બચપણથી શીખી લે તો જગતમાં ચાલતી જિંદગીની હરીફાઈમાં તેઓ એક મોટો ટપ્પો સહેજે ઓળંગી જાય, એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે. મને એ દલીલ

ગળે ન ઊતરી. મને હવે સ્મરણ નથી કે અંતે મારો ઉત્તર તેમને ગળે ઊતરેલો કે તેમણે

મારી હઠ જોઈને શાંતિ પકડેલી. આ સંવાદને લગભગ વીસ વર્ષ થયાં. છતાં મારા આ વિચારો જે મેં તે વેળા ધરાવેલા તે જ અનુભવે વધારે દૃઢ થયા છે. અને જોકે મારા પુત્રો અક્ષરજ્ઞાનમાં કાચા રહી ગયા છે, છતાં માતૃભાષાનું સામાન્ય જ્ઞાન સહેજે પામી શક્યા તેથી તેમને અને દેશને લાભ જ થયો છે ને અત્યારે તેઓ પરદેશી જેવા નથી થઈ રહ્યા. તેઓ દ્વિભાષિયા તો સહેજે થયા, કેમ કે મોટા અંગ્રેજ મિત્રમંડળના સહવાસમાં આવવાથી ને જ્યાં વિશેષ અંગ્રેજી બોલવામાં આવે એવા દેશમાં રહેવાથી અંગ્રેજી બોલતા ને સામાન્ય લખતા થઈ ગયા.