Prem ke Balatkaar in Gujarati Love Stories by Sapana books and stories PDF | પ્રેમ કે બળાત્કાર

The Author
Featured Books
Categories
Share

પ્રેમ કે બળાત્કાર

સારા અને ખલિલ લંડન થી ભારત આવી ગયાં. એકાએક મોટા ભાઈનો કોલ આવેલો કે માંની તબિયત સારી નથી . સારા વરસોથી લંડન રહેતી હતી. પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયાં હતાં અને હવે મમ્મી ના સમાચાર મળ્યાં. ખલિલ સ્વભાવનો જરા વિચિત્ર હતો. હંમેશા પોતાની વાત ચલાવવી ઘરમાં એનો જ હુકમ ચાલતો. એના મોઢામાં થી નીકળેલો છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો. માં માટે દુઆ કરતી એ એકાંત માં રડી પડી. ખલિલ સામે રડવાનો અર્થ ના હતો. પથ્થર ઉપર પાણી નાખવા જેવું થાત. સારા સામે ભૂતકાળ નાચવા લાગ્યો ઘરમાં પાંચ બહેનો અને બે ભાઈ ગરીબ માં બાપ!! અને ઘરમાં બધી બહેનોમાં એ ખૂબસૂરત !! જ્યારે ખલિલ અને એના માં બાપ સયદા ને જોવા આવ્યાં પણ સારા પસંદ આવી ગઈ. ગરીબ મા બાપે સારા માટે હા પાડી દીધી. પાંચમાંથી એક ના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી ચાર માટે રસ્તા ખૂલી જાય. લગ્ન બાદ સારા લંડન આવી ગઈ. બે બાળકોની માં બની ગઈ. ધીરે ધીરે બધી બહેનોની શાદી થઈ ગઈ. ભાઈઓની પણ શાદી થઈ ગઈ. દરેક પોતાના ઘરમાં સુખી હતાં. પણ માં ની તબિયત બગડતી જતી હતી.

અંતે મોટા ભાઈનો કોલ આવ્યો કે,” માં નું મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા !! કારણકે આ વખતે માં નહીં બચે એવું લાગે છે. ”. સારા મોટે મોટેથી ફોનમાં રડી પડી હતી. ખલિલ હાજર ના હતો. ભાઈ જાન કહેતા હતાં કે. “માં આખો સમય સારા સારાનું રટણ લગાવી બેઠાં છે. કહે છે કે મારી સારાને વરસોથી જોઈ નથી.. હું છેલ્લી વાર એનું મોઢું જોઈ લઉં એને પૂછી લઉં કે સુખી તો છે કે નહીં!! બસ એ તને જોવા માટે તડપી રહ્યા છે. તું આવે તો કદાચ એનો જીવ શાંતિથી જાય!! એનો જીવ તારામાં ભરાયો છે!!”સારા પપ્પા ગુજરી ગયાં ત્યારે પણ ભારત ગઈ ના હતી. કોઈને કાઇ બહાને ખલિલ વાત ટાળી દેતો. સારા ત્યારે પણ એકાંતમાં ખૂબ રડી હતી. જે પપ્પાના ખભા પર ઘોડો થઈને બેઠી હતી એ પપ્પા દુનિયા થી ચાલ્યા ગયાં. પણ એનું મોં જોવા જઈ ના શકી!! ત્યારે બાળકો નાના છે કહી વાત ટળી ગઈ હતી. ખલિલને એ પોતાના સગાંઓ સાથે સંબંધ રાખે એ ગમતું જ ના હતું. હવે માં ના સમાચાર આવ્યાં. હવે શું કરું? માં ને પણ નહીં જોઈ શકે? યા ખુદા મને રસ્તો બતાવ અને ખલિલના દિલમાં રહેમ નાખી દે.. હું મારી માં ને છેલ્લી વાર જોવા માંગું છું!! યા ખુદા તું રહેમદિલ છે થોડી રહેમ ખલિલના દિલમાં પણ નાખી દે!!

સારાએ ગભરાતાં ગભરાતાં ખલિલને કહ્યું કે, “ચાલો ભારત જઈ આવી એ ફરી પણ આવી એ અને માં ને મળી પણ આવી એ. ” સારાએ ફરવાનું નામ પહેલું લીધું કારણકે જો ફક્ત માનું નામ લીધું હોત તો ભારત જવું લગભગ અશક્ય હતું. થોડો વિચાર કરી ખલિલ બોલ્યો સારું પણ બાળકોને ભાઈને ત્યાં મૂકી જઈ એ કારણકે બાળકોનો અભ્યાસ બગડે સારાએ કહ્યું, ”સારું કાંઇ વાંધો નથી!! સારાએ મુસલ્લો બીછાવી બે રકાત નમાજ પડી દુઆ માટે હાથ હાથ ઊઠાવ્યા!!અલ્લાહનો શુકર અદા કર્યો કે અલ્લાહ જો તું રહેમદિલ ના હોત તો આજ પણ ખલિલ માન્યો ના હોત!! મારી માં ની ઉમર લાંબી કરજે અને એનો વહાલનો હાથ મારા ઉપર કાયમ રાખજે!!એને તંદુરસ્તી બક્ષજે!ગડમથલ ગડમથલ કરતાં કરતાં બાળકોને ભાઈને ત્યાં મૂકી બન્ને એરપોર્ટ પહોંચી ગયાં. દિલમાં દુઆનો દોર ચાલું હતો. અમદાવાદ પહોંચી ગયાં. ભારતની હવાને શ્વાસમાં ભરતા સારાએ શુકર અદા કર્યો. માદરે વતનનો ઝુરાપો શું છે એ સારાને પૂછો!! સગા વહાલાનો વિરહ શું છે એ સારાનાં દિલને પૂછો!!સારાની આંખમાં આંસું આવી ગયાં!! મોટી જીપ લેવા આવી હતી. ભાઈ એ જીજાજીને કોઈ તકલીફ ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. જીપમાં ખલિલ ક્યાં ક્યાં ફરવા જવું એનાં પ્લાનીંગ કરી રહ્યો હતો. અને સારા દિલમાં ને દિલમાં દુઆ કરી રહી હતી. કે માં ઠીક હોય!! હજુ સુધી કોઈ ખરાબ સમાચાર મળ્યા નથી એટલે અલ્લાહનો શુકર!!

એક કલાકમાં ઘરે પહોંચી ગયાં. ત્યારે ઘરનું વાતાવરણ ઉદાસ હતું. બધાં માંના ખાટલા ને વીંટળાઈને બેસી રહ્યા હતાં. ખલિલને માંની તબિયત વિષે કાઈ ખબર ના હતી. ચારે બહેનો અને બહેનોનાં શોહર આવી ગયાં હતાં એમના બાળકો પણ હતાં. બન્ને ભાઈ અને ભાભીઓ સેવામાં લાગેલા હતાં. માં હજુ શ્વાસ લઈ રહી હતી. સારાએ દોડીને માં પર પડતું મૂક્યું. માં માં માં એ સિવાય બીજો કોઈ શબ્દ મોઢાં માં થી નીકળતો ના હતો. વરસોનો ઝુરાપો આંસું દ્વારા નીકળી રહ્યો હતો. માં ધીરે ધીરે એનાં માથાં પર હાથ ફેરવી રહી હતી. અને ધીરે ધીરે ગણ ગણતી હતી” સારા, મારી દીકરી, મારી દીકરી તને જોવા માટે આંખો તરસી ગઈ હતી. માં ની આંખમાં થી આંસુની ધાર વહી રહી હતી. બહેનોએ થઈને માં દીકરીને અલગ કર્યા. સારા ક્યાંય સુધી માં નો ખરબચડો હાથ હાથમાં લઈ સેહલાવતી રહી!! કેટલા કષ્ટ વેઠ્યાં હતાં આ માં એ સાત બાળકોને ઉછેરવામાં!! કેટલી મુસીબત વેઠી!! માં તને સલામ!! હવે તું આ દુનિયા છોડવા ચાલી!! હું તારા માટે કશું ના કરી શકી!! કાંઈ નહી. . પણ માં નો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હોય છે!! એમાં સ્વાર્થની બદ બુ નથી. . તને તો બદલામાં કાઈ નહીં જોઇએ !! બસ બાળકોની ખુશી સિવાય!!

ખલિલે અચાનક એને બોલાવી!! સારા જાણે તંદ્રા માંથી સફાળી જાગી પડી!! માં નો હાથ મૂકી એ બીજા રૂમમાં આવી!! ખલિલે કહ્યું, ” તું આ માટે અહીં લાવી હતી!! બરાબર ને!! સારા નીચુ જોઈ જમીનને પગનાં અંગૂઠાથી ખોતરતી રહી! ” તું આટલી જુઠ્ઠા બોલી છે? તારો વિશ્વાસ શી રીતે કરવો? ખલિલ ધુંઆપૂંઆ થતો બોલ્યો!!ન્સારાના ગળામાં શબ્દો અટવાઈ ગયાં હતાં. આછું ડૂસકું ભરી સારાએ કહ્યું,” માં બીમાર હતાં, પપ્પાને તો ના મળી શકી!! માં ને છેલ્લી વાર મળવું હતું એટલે. . !! ખલિલ હાથનો ધક્કો મારી ઉપર મેડી ઉપર જતો રહ્યો. મેડી ઉપર એક બેડરૂમ હતો જે ભાઈ એ સાફ કરાવ્યો હતો. સારા અને ખલિલ માટે. . આખી રાત બધાં માં ને વીંટળાઈને બેસી રહ્યા. શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. બધાં વારા ફરતી માં પાસે દૂધ બક્ષવાવતા હતાં. માફી માગતાં હતાં. બાળકો પણ નાનીનું માથું ચૂમી જતા હતાં. વાતાવરણ શોકમગ્ન હતું. ખલિલ મેડી ઉપરથી નીચે આવ્યો જ નહી. બધાં કુરાન શરીફની તિલાવત કરતાં હતાં. અગરબત્તીની ખુશ્બુ કબ્રસ્તાનની યાદ અપાવતી હતી. થોડી વાર પછી ખલિલ સારાને શોધતો નીચે આવ્યો. સારા કુરાન પઢી રહી હતી. એણે ઇશારાથી સારાને ઉપર આવવા કહ્યું. સારાને થયું કે કોઈ ચીજની જરૂર પડી હશે. કુરાનને ચૂમી ને બાજુ પર મૂકી એ ઉપર ગઈ. ખલિલે દરવાજો બંધ કરી દીધો. સારાએ કહ્યું,” ખલિલ, બોલો શું કામ છે? ખલિલ એની એકદમ નજીક આવી ગયો. અને એનાં કુર્તાની નીચેથી હાથ નાખી છાતી સુધી લઈ ગયો. સારાએ એનો હાથ હટાવી દીધો. આમ તો સારા એની આવી ઈચ્છા સામે હમેશા માથું નમાવ્યું હતું. પણ આજ? આવા સમયે? એણે હાથ હટાવી દીધો. સારાએ કહ્યું,” ખલિલ પ્લીઝ આજ નહીં. ” ખલિલે ફરી એજ હરકત કરી.. સારા ઉદાસ હતી. દિલ બુઝાયેલું હતું. રાત પૂરી થવા આવી હતી. ફજરની તૈયારી હતી. ઘરમાં બધાં થાકી ગયાં છતાં કુરાનનો દૉર ચાલું હતો. બધાં વારા ફરતી વઝુ કરી નમાજ પડી રહ્યા હતાં. માં માટે દુઆ કરી રહ્યા હતાં ત્યારે ખલિલ આવી હરકત કરતો હતો. સારાની આંખમાં આંસું આવી ગયાં. પણ ખલિલ પર વાસનાનું ભૂત સવાર હતું એને ના તો સારાના આંસું દેખાતા હતાં કે ઘરનાની ચહલપહલ!!એણે સારાને નજીક ખેંચી!! કુરતાના બટન ખોલવા લાગ્યો. સારા હાથ જોડીને ઊભી હતી. પણ એની આંખમાં વાસનાનો શેતાન હતો. સારાને એ ઘસડીને પથારી પર લઈ ગયો. ધીરે ધીરે એના કપડાં ઉતારવા લાગ્યો. સારા ગભરાઈ ગયેલી શું કરવું સમજ પડતી ના હતી. ચીસ પાડી શકતી ના હતી. નિર્વસ્ત્ર સારાના દેહને એ નોચતો રહ્યો. ત્યા સુધી એને નોચતો રહ્યો જ્યાં સુધી એની શહવત પૂરી ના થઈ. સારા એક મુડદાની જેમ પથારીમાં પડી રહી. એ બાજુ પર હટી ગયો. સારાની આંખમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતાં. એ પથારીમાં પડી હતી. હજુ પણ એ નિર્વસ્ત્ર હતી.

એટલામાં નીચેથી નાની બહેન શમાની ચીસ સંભળાય,” માં માં માં. ” આ ચીસ સારાના હ્રદયને વીંધી ગઈ!! માં મૂકીને ચાલી ગઈ!! એ માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ. . ખલિલ પણ કપડા વગરનો પડ્યો હતો. હવે એને સ્નાન કરવું પડશે કારણકે શરીર સંબંધ પછી ઈસ્લામમાં સ્નાન કરવું જરૂરી છે એ સિવાય નમાજ ના પઢાય, કુરાન ના પઢાય કે મય્યત પાસે ના જવાય!! મેડી ઉપર બાથરુમ ન હતો. સારા રડતાં રડતાં કપડાં પહેરવા લાગી!! નીચે રોકકળ સંભળાતી હતી. માં ચોક્કસ ચાલ્યાં ગયાં!! અરે હું કેવી અભાગી છું ભારત આવી પણ માં ને છેલ્લા સમયે ઝમ ઝમ પણ પીવડાવી ના શકી!! અરે હું નીચે જઈ ગુસલ શી રીતે કરું? હું શરમથી મરી જઈશ!! બહેનો ભાઈઓ અને જીજાઓને હું શી રીતે મોઢું બતાવીશ? એ લોકો શું સમજશે? ખલિલ ,ખલિલ આજ તો તે મને છોડી દીધી હોત!! આ તારો પ્રેમ છે કે બળાત્કાર? તે આજના દિવસે પણ મને ના છોડી!!મલેકુલ મોત દરવાજા પર ઊભું છે…અરે મારી માં આ દુનિયા છોડી ગઈ. . પણ તને અસર નથી!!હું શું કરું? શું કરું? આંખ જાણે ચોમાસુ બની ગઈ. એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એ ધીરે ધીરે પગથિયા ઉતરી નીચે આવી. નાની બહેન શમા એને વળગી પડી!! બાજી બાજી માં ચાલ્યાં ગયાં એ છેલ્લે છેલ્લે તમને શોધતાં હતાં તમારે હાથ ઝમ ઝમ પીવું હતું . . તમે શું કરતાં હતાં? તમે ક્યાં હતાં? સારાએ પછાડી મારી અને છાતી કૂટવા લાગી. . શમા એનો હાથ પકડી મય્યત પાસે લઈ જવાની કોશિશ કરતી હતી. . એ હાથ છોડાવી બાથરૂમ માં ભાગી ગઈ . . બાથરૂમ નો દરવાજો બંધ કરી શાવર ચાલું કરી દીધો. અંદરથી દિવાલ પર માથાં ભટકાવાનો ક્યાંય સુધી અવાજ આવતો રહ્યો. શાવર બંધ થવાનો અવાજ આવ્યો. સારા ધીરેથી બહાર આવી અને માં ના મયત પાસે ગઈ જેને ભાઈઓ ઉપાડવાની તૈયારીમાં હતાં. બહેનો વારા ફરતી આવી આખરી સલામ કહી રહી હતી. . સારાએ પણ આખરી સલામ કર્યા!! એ મેડી પર ગઈ ખલિલ નગ્ન અવસ્થામાં સુતો હતો. હજું સુધી એને માં મરી ગયાનું દુખ ના હતું. એણે એના કપડા લઈને એનાં પર ફેંક્યા અને ઝટકો મારીને ઊઠાડ્યો. રુક્ષ અવાજમાં સારાએ કહ્યું,” માં નું મય્યત ઊઠી રહ્યુ છે. કપડા પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડો…મારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી. તમારો આજથી આ ઘર પરનો હક મટી ગયો છે. મારાં બાળકોને ભારત મોક્લી આપશો. અને નહીં આપો તો હું કોર્ટમાં જઈશ!! સ્ત્રીને તમે ફક્ત એક શરીર સમજો છો. પણ એના માં એક આત્મા છે સંવેદના છે લાગણી છે એ તમે સમજતાં નથી!!સ્ત્રી ની હા ને હા અને ના ને ના સમજતાં શીખો. બની શકે તો જો બીજી સ્ત્રી તમારા જીવનમાં આવે તો એને આ રીતે ટ્રીટ ના કરતાં. મય્યતનો એહતરામ કરશો. મોતનો ખોફ રાખશો. કારણકે મલેકુલ મોતે કોઈ ઘર છોડ્યું નથી એ તમારું ઘર પણ નહીં છોડે!!મોતનો એહતરામ કરતાં શીખો. ખલિલ પોતાની પરિસ્થિતિ સમજી ગયો અને ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો!!

સપના વિજાપુરા