માના કે હમ યાર નહિ
માના કે હમ યાર નહિ, લો તય હે કિ પ્યાર નહિ.
ફિર ભી નઝરે ના તુમ મિલાના, દિલકા ઐતબાર નહિ.
કૉલેજ સમયના બે પ્રેમી પંખીડા આકાશ અને અવની જે આજે અલગ-અલગ માળામાં ગોઠવાય ગયા છે, તે આજે અચાનક જ કૉલેજના 15 વર્ષ પછી એક શોપિંગ મોલમાં મળ્યા.
તબિયતના હાલ ચાલ પૂછ્યા પછી અવનીએ ઉત્સાહ ભેર આકાશને પૂછ્યું, "હજી પેંટિંગ, ડ્રોઇંગ ચાલુ જ છે કે નહીં?"
આકાશ થોડીક વાર ચૂપ રહી પછી બોલ્યો ," ના એ તો ક્યારનું ય મૂકી દીધું ,જ્યારે તું સાથે હતી ત્યારે દુનિયા સુંદર લાગતી એટલે જ એનું ચિત્ર બનાવી એમાં અલગ અલગ રંગો ભરવાની મજા આવતી હતી પણ હવે... ... "
અવનીને આકાશના અધૂરાં વાક્યથી થોડીક અસહજતા લાગી, એટલે તરત જ બીજો સવાલ પૂછ્યો, “લાઇફ કેવી ચાલે છે આકાશ, મેં તો કૉલેજના લાસ્ટ યરમાં જ લગન કરી લીધા હતા ઈ તો તને ખબર જ છે પછી તરત જ હું અને મારા હસબન્ડ કેનાડા ચાલ્યા ગયા ત્યાં દસ વર્ષ ખૂબ મહેનત કરી સારા એવા પૈસા કમાણા અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઇન્ડિયામાં જ સ્થાયી છીએ, મારે બે દીકરા વ્યોમ અને અંબર છે. ”
એક પૂર્વ પ્રેમિકાના સુખી-સંપન્ન પરિવારની વાત સાંભળી આકાશને થોડીક વાર તો એ ખબર ન પડી કે ખુશ થવું કે આ ખુશી થી સળગવું. થોડીક વાર પછી આકાશના ગળામાંથી ખાલી ત્રણ જ અક્ષર નીકળ્યા, “સરસ”...
અવનીએ આકાશને પણ પૂછી લીધું,” તું... . , તું અત્યારે શું કરે છે, કેવી ચાલે છે “લાઇફ””?
“કૉલેજ પૂરી થયા પછી પપ્પાનો જુવેલરીનો ધંધો સંભાળવાની ટ્રાય કરી પણ બે વર્ષ પછી મૂકી દીધો, મન જ નોહ્તું લાગતું, થોડાક સમય ચિત્રો દોરવાના પ્રયત્નનો કર્યા, પંદર-વીસ ચિત્રો દોર્યા તેમાં એક પણ ચિત્ર પૂરું ન કરી શક્યો, પછી લગ્ન કરી લીધા શ્વેતા સાથે, તેને મારું ઘર અને મને સંભાળી લીધો. મારે બે સુંદર દીકરી છે ભૂમિ અને ધરિત્રી. હું હાલ જિંદગી જીવવા એક પ્રાઇવેટ બેંકમાં કૅશિયર છું અને અધૂરાં ચિત્રો પુરા કરવા પ્રયત્નનો કરું છું પણ હજી સુધી એક પણ પૂરું થઈ નથી શક્યું”, આકાશે તેની “લાઇફ” નો આ ટૂકો પરિચય આપ્યો.
બે મિનિટ બન્ને ચુપ રહી આમ તેમ, ઉપર નીચે જોવા લાગ્યા.
“એક વસ્તુ ખોટી થઈ છે આપણા બંનેના જીવનમાં”, આકાશ ધીમેથી દબાયેલા અવાજે બોલ્યો.
“શું?”, અવનીને તરજ પૂછ્યું.
“એક તો પહેલા છુટા પડ્યા એ ખોટું હતું કે પછી અત્યારે બીજી વાર આમ અચાનક મળી જવું ખોટું છે. ”
“ના આકાશ બંને વસ્તુ સાચી છે અને આ બધું નસીબના હાથ ની વાત છે અને તેના પર જ તે છોડી દેવું જોઈએ અને જીંદગીમાં આગળ વધી જવું જોઈએ. ”
“શું આપણે આપણો અધુરો સંબંધ હવે પૂરો કરવો જોઈએ?, તારી મજબૂરી હતી ત્યારે એટલે તે લગ્ન કરી લીધા અને હું પણ સમજી ગયો ત્યારે, તો પણ હજી સમય ક્યાં ચાલ્યો ગયો છે. આપણે બંને હવે એક જ શહેરમાં છીએ ક્યારેક ક્યારેક મળતા રહીશું, આખરે પહેલો પ્રેમ તો પહેલો પ્રેમ જ છે ને?”
“ના આકાશ એ હવે શક્ય નથી જે સંબંધનો અંતિમ સંસ્કાર થઈ ગયો છે તેને ફરી જીવન દેવાનો કોઈ મતલબ નથી, હોય શકે તારા કે મારા જીવનમાં કોઈક વાતની ઊણપ કે ખોટ હશે કે કોઈ અલગ ઇચ્છાઓ હશે, પણ એનો મતલબ એ નથી કે એ શોધવા મારે કે તારે ઘરની બહાર જવું પડે. અત્યારે મારો પ્રેમ અને જવાબદારી મારું ફેમીલી છે અને તારું પણ એ જ હોવું જોઈએ”
“તો શું આટલાં વર્ષોનો ઇંતેજાર, મારો વહેમ જ હતો. યાદ કર છેલ્લે તારા લગ્ન સમયે મેં તને કહ્યું હતું, તું જરૂર એક વાર પછી આવીશ મારી પાસે. મને તું ક્યારેય ભૂલી નહિ શકે!”
“તું ભૂતકાળને ભૂલી જા અને ભવિષ્ય તરફ જો એમાં જ આપણા બધાનું ભલું છે”
“તારા માટે ભૂલી જવું કેટલું સરળ હશે ને... આપણો, સોરી “મારો” પ્રેમ-લાગણી બધું અચાનક જ છોડી મને તરછોડીને, કોઈ અજાણ્યા સાથે તરત જ લગ્ન કરી લેવા અને આ ૧૫ વર્ષ તો તારા માટે પાણી ની જેમ તારી જિંદગીમાંથી વહી ગયા હશે ને... પણ મારા માટે એટલું ઇઝી નથી આ બધું.... ”
આકાશ ઇમોશનલ થઈ ગયો હતો. ૧૫ વર્ષની બધી લાગણી અને ઉમળકો એકી સાથે બહાર આવ્યો હતો. બે-ચાર સેકંડ શ્વાસ લઈ આકાશે ફરી બોલવાનું અને ભાવનાઓમાં ડૂબવાનું ચાલુ કર્યું. .
“દિવસ તો ઠીક છે હજી જેમ-તેમ નીકળી પણ જતા પણ રાત??.... તને યાદ કરીને કેટલા ઉજાગરા કર્યા છે એની તને શું ખબર. ડ્રોઇંગ-પેન્ટિંગ મારું પૅશન હતું, હું તેમાં એક્કો હતો, પણ જ્યારે તું ગઈ મારી લાઇફમાંથી બધું સાથે લઈ ગઈ. તને કેટલીક પીડા ગણાવું મારી કે જેથી તારું પથ્થર દિલ પીગળે અવની?”
અવનીએ આકાશને શાંત થવા કહ્યું અને પોતાની બૅગમાંથી પાણીની બોટલ કાઢીને આકાશને આપી. આકાશે પાણીની પીવાની સ્પષ્ટ ના પાડી અને ફરી પાછું બોલવાનું ચાલુ કર્યુ “મજબૂરી... એવી તો કઈ મજબૂરી હશે તારી જેનો જવાબ તે ૧૫ વર્ષ પહેલા પણ આપવાનું જરૂરી ન સમજ્યું. એમને એમ સંબંધ તોડી ચલી ગઈ અને હજી આજે પણ મારી વાત નથી સમજતી?”
અવની હવે ખરેખર પરેશાન થઈ ગઈ હતી આકાશથી દૂર જવા માંગતી હતી. અવની એ કહ્યું, ”જે થયું તું ભૂલી જા, એક પગ ભૂતકાળ અને એક પગ વર્તમાનમાં રાખી ને કેવી રીતે જીવી શકાય?. હું જાવ છું અને આપણે હવે ફરી પાછાં ન મળી એ જ તારા અને મારા બંનેના પરિવાર માટે સારું છે. ”
“પરિવાર, ક્યાં પરિવારની વાત કરે છે તું, તને ખબર છે મારી વાઈફ શ્વસતા મને કેટલો પ્રેમ કરે છે તો પણ મારી બંને દીકરીના નામ ભૂમિ અને ધરિત્રી રાખ્યા જેનો મતલબ છે અવની. હું તને મારી વાઈફમાં, દીકરીમાં અને દુનિયાની દરેક સ્ત્રીમાં શોધવાનો પ્રયત્ન કરતો રહ્યો અને તું કહે છું હવે આપણે બંને ફરી પાછાં ક્યારેય નહી મળીએ, ભૂલી જાજે ??”
અવની થી હવે રહેવાયું નહિ તેનો એક હાથ આકાશ સામે રાખી જોર થી કહ્યું, “ બસ હવે આગળ કઈ જ બોલતો નહિ. એક સ્ત્રી કે પત્નીની મજબૂરી તું શું સમજી શકીશ. તારી પાસે તો રડવા માટે આટલાં વર્ષ તારું ઘર હતું. ગમે તે ખૂણામાં જઇને રડી લે. જ્યારે મારી પાસે? એક સ્ત્રીનું તો ક્યાર્રેય ઘર જ નથી હોતું,”કા તે સાસરે હોય કા તે પિયરમાં હોય. અને ક્યાં પ્રેમની વાત કરે છે? તારી દીકરીના નામ ની ? તો પછી તે મારા દીકરાઓનું નામ તે હજી સરખી રીતે સાંભળ્યું નથી લાગતું. બાય આકાશ”
આટલું કહીને અવની ત્યાંથી ચલી જાય છે આકાશને હવે યાદ આવે છે અવનીના બંને દીકરાનું નામ વ્યોમ અને અંબર હતું જેનો મતલબ પણ આકાશ જ થાય છે.
આકાશ માથા પર હાથ રાખી વિચારતો રહ્યો કે પોતાની મૂર્ખામી, બેજવાબદાર વર્તન પ્રત્યે દુખી થવું કે અવનીની સમજદારી, પ્રેમ, જવાબદારી, લાગણી માટે માન સાથે મોહિત થઈ બીજી વાર પ્રેમમાં પડવું?.
જોગાનું જોગ ત્યારે જ મોલમાં આ ગીત પણ ગુજતું હોય છે, “માના કે હમ યાર નહિ, લો તય હે કિ પ્યાર નહિ. ફિર ભી નઝરે ના તુમ મિલાના, દિલકા ઐતબાર નહિ. ”
(શીર્ષક પંક્તિ-કશુર મુનીર - ફિલ્મ મેરી પ્યારી બિંદુ)