પતંગિયાના રંગો
કિશોર પંડ્યા
પતંગિયાના ટોળા. બગીચામાં ઊડે. દરેક ફૂલને સુંઘે. ફૂલ તો હોય રંગરંગના. ફૂલ તો હોય લાલ, પીળાં કે ગુલાબી, પતંગિયા તો અહિયાં ઊડે. પતંગિયા તો ત્યાં ઊડે. પતંગિયા તો કરે ઊડાઊડ. ફૂલ ઉપર ગોળ ફરતા નાચે, કૂદે અને ઝૂમે.
પતંગિયાની પાંખો પર ત્યારે એક જ રંગ હતો. પતંગિયાની પાંખો તો એક જ રંગની. કોઈ પતંગિયા પીળા તો કોઈ વળી ગુલાબી. પીળું પતંગિયુ જો પીળા ફૂલ ઉપર બેઠું હોય તો ખબર પણ ન પડે કે ફૂલ ઉપર પીળું પતંગિયુ બેઠું છે. લાલ ફૂલ પર લાલ પતંગિયુ બેઠું હોય તો ફૂલ જ દેખાય, પતંગિયુ ન દેખાય. પતંગિયુ પાંખ ફેલાવે એટલે ફૂલની પાંખડીઓ ફરફરતી હોય એવું લાગે.
પતંગિયા રંગબેરંગી ખરા પણ એમની પાંખો ઉપર એક જ રંગ હતો. રંગોની ભાત નહોતી. રંગોની બિછાત નહોતી. છતાં પતંગિયા ખૂશ હતાં. પતંગિયા આનંદી હતાં. પતંગિયા હસતાં હસતાં ઊડતાં. પતંગિયા રમતા રમતા ફૂલ પર બેસતા.
ફૂલોને પણ પણ પતંગિયા એમની ઉપર બેસતા એટલા મઝા પડતી. ફૂલોને પણ પતંગિયા એમની આજુબાજુ ઊડાઊડ કરતાં એટલે મઝા પડતી. ક્યારેક કોઈ ફૂલ પાસે પતંગિયા ન આવે તો ફૂલ ઉદાસ થઈ જતું. પતંગિયા પોતાની પાસે આવે એટલે ફૂલ રાજીના રેડ થઈ જતું.
પતંગિયા ક્યારેય કોઈ એક જ ફૂલ પર બેસવા માટે ઝગડો કરતાં નહોતા. એક ફૂલ પર એક પતંગિયુ બેઠું હોય તો બીજું બાજુના ફૂલ પર બેસે. બાજુમાં ફૂલ ન હોય તો થોડીવાર માટે હવાના દરિયામાં તરી લે.
પતંગિયાને ગમે ફૂલોના રંગ, પતંગિયાને ગમે ફૂલોની સુગંધ. ફૂલોની પાંખડીઓ પર પતંગિયા નાચે. ફૂલોની પાંખડીઓ પર પતંગિયા હળવેથી બેસે. પોતાના નાજૂક પગ વડે ફૂલોની પાંખડીઓને પોતાના પગથી પંપાળે. પછી લસરતા હોય તેમ ફૂલના વચ્ચેના ભાગમાં આવે; ને નાચે. ફૂલોને તો ગલીપચી થાય. ફૂલોને તો ગલીપચી થાય એટલે મઝા આવે. એટલે ફૂલોને તો પતંગિયા ખૂબ જ ગમે.
પછી એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય ત્યારે પહેલા પરાગરજ ખંખેરે અને પછી ફૂલોની પાંખડીઓને ગલીપચી કરે, પછી લસરતા હોય તેમ લસરીને ફૂલની વચમાં જઈને પોતાના પગ ઊંચનીચા કરીને નાચે. ફૂલને તો એવી ગલીપચી થાય એવી ગલીપચી થાય કે ન પૂછો વાત. આવા ગલીપચી કરનારા પતંગિયાને ફૂલોએ ભાઈબંધ બનાવી દીધા. એટલે બગીચામાં ઊડતાં ઊડતાં પતંગિયા તો ફૂલોની પાસે જ જાય.
કરેણના ફૂલની જેમ બીજા ફૂલો પણ વચમાં જ્યાં પાંખડીઓ ભેગી થતી હોય ત્યાં ઘેરા રંગના અને છેડા પર ક્યાક આછા રંગના દેખાય. તો પતંગિયા જૂએ કે જાસૂદના ફૂલમાં તો બીજા રંગના ટપકા પણ છે. ક્યારેક લાલ જાસૂદના ફૂલમાં પીળાં રંગની છાંટ જોવા મળે. તો પીળાં જાસૂદમાં લાલ રંગ પણ છાંટ હોય એવું લાગે.
પતંગિયાને થાય કે પોતાની પાંખ ઉપર પણ આવી જુદા રંગની છાંટ હોય તો કેવું સારું લાગે. પતંગિયા તો જાસૂદને પૂછે: “આવી રંગોની છાંટ તમે ક્યાંથી લાવ્યા?”
તો જાસૂદ કહે, “એ તો અમે રોજ ઝાકળમાં નાહીએ છીએને એટલે અમને સૂરજદાદાએ આ રંગ આપ્યા છે.”
પારિજાતના સુગંધી ફૂલો સફેદ; પણ ઝાકળ સાથે ગેલ-ગમ્મત કરતાં થાકી જઈને ખરી પડે. એટલે એમની ડાંડલીઓનો રંગ લાલ. રાતે ખિલતા ફૂલો તો ચાંદામામાની ચાંદનીમાં નહાયા જ કરે એટલે એ સઘળાં સફેદ રંગના હોય.
પતંગિયાએ જાસૂદની વાત ધ્યાનથી સાંભળી. પણ સૂરજદાદા પાસે જવું કેવી રીતે? સૂરજદાદાનો તાપ બહુ ભારે. સૂરજદાદા પાસે રંગ માંગવા જવું કેવી રીતે? નજીક જઈએ તો તો પાંખો બળી જાય. પછી તો ઊડી પણ ના શકાય. ફૂલો પાસે પણ ન જઈ શકાય.
પતંગિયા તો મૂંઝાઇ ગયા. પાંખો પર એક જ રંગ હતો. જુદા જુદા રંગોની ભાત હોય તો કેવું સારું લાગે. રંગ રંગના ફૂલો સાથે રમવા છતાં પતંગિયા ઉદાસ રહેતા હતાં. બાગમાં આવતા હતા. ઊડાઊડ કરતાં હતાં. એક ફૂલ પરથી બીજા ફૂલ પર જતાં હતાં. પણ પહેલા જેવો ઉમંગ દેખાતો નહોતો. એક ફૂલ પર બેસી રહે તો ક્યાંય સુધી બેસી જ રહે. પતંગિયા ફૂલ પર નાચતા નહોતા. પતંગિયા ફૂલો પર લસરતાં નહોતાં.
એક દિવસ ગુલાબના ફૂલે એક પતંગિયાને પૂછ્યું: “તમે હમણાં ઉદાસ કેમ લાગો છો? તમને અમારી દોસ્તી નથી ગમતી?”
પતંગિયા કહે, “તમારી ભાઈબંધી તો અમને ખૂબ ગમે છે. તમારી સાથે ને સાથે જ રહેવું ગમે છે પણ.. શું પણ અમારી પાંખો પર એક જ રંગ છે. જો અમારી પાંખો પર જુદા જુદા રંગો હોય તો અમને પણ મઝા પડે. જાસૂદે કહયું કે સૂરજદાદા પાસેથી રંગ લઈ આવો. પણ સૂરજદાદા પાસે જવું કેવી રીતે? અમારી તો પાંખો પણ નાજૂક છે, અમે તો એના તાપથી જ બળી જઈએ.”
“હા, તમારી વાત તો સાચી. સૂરજદાદાનો તાપ તો ભલભલા ચમરબંધીને પણ પરસેવો પાડી દે એવો. અમે પણ જૂઓને એમના તાપથી સાંજે કરમાઈ જઈએ છીએ. સૂરજદાદા પાસે જવા માટે તો ગરુડરાજની પાંખ પણ નાની પડે. પણ તમે અહી આવતા રહેજો. હું તમારા માટે કોઈ ઉપાય શોધી રાખીશ. તમારી સૂરજદાદા સાથે મુલાકાત પણ કરાવી આપીશ. તમને રંગો પણ મળશે.”
પતંગિયાને તો ગુલાબની સાથે વાત કરવાથી નિરાંત થઈ. હવે અમને પણ પાંખો પર રંગોની ભાત મળશે. પછી બગીચામાં ઊડાઊડ કરવાની કેવી મઝા.
થોડા દિવસો પસાર થઈ ગયા. ગુલાબ પતંગિયાને પાંખો ઉપર રંગોની ભાત મળે એ માટે વિચારતું હતું. એક દિવસ ઝરમર વરસાદ વરસીને રહી ગયો. વાદળ-છાયો તડકો ફેલાયેલો હતો. ગુલાબ અચાનક ખૂબ જ ખૂશ થઈને ડોલવા લાગ્યું. એને ઉપાય મળી ગયો હતો. હવે તેના દોસ્ત પતંગિયાને નવા રંગો મળવાના હતા. ગુલાબને આનંદથી ડોલતું જોઈને એક પતંગિયુ તેની પાસે આવ્યું.
“આવો પતંગિયાજી, આવો. તમારે રંગોની ભાત જોઈએ છેને ? હવે તમને રંગોની ભાત મળી જશે.”
“એમ ? કેવી રીતે? જલદી કહો એટલે હું બીજા પતંગિયાની સાથે જઈને અમારી પાંખો પર રંગોની ભાત લઈ આવું.”
“જૂઓ સામે આકાશમાં શું દેખાય છે?”
પતંગિયાએ ગુલાબે કહ્યું તે દિશામાં આકાશ સામે જોયું. જે જોયું એનાથી તો તેઓ દંગ રહી ગયાં. આકાશમાં રંગોનો ધનુષ આકારનો પટ ફેલાયેલો હતો.
“અરે વાહ, ત્યાં તો ઘણા બધા રંગો છે. પણ અમને એ કેવી રીતે મળે?”
“જૂઓ, આમ તો એ સઘળા સૂરજદાદાના જ રંગો છે, પણ એ પાણીના નાના નાના ટીપાંમાં ચળાઈને આવે છે એટલે આપણને દેખાય છે. તમે ત્યાં પહોંચી જાવ. તમને પણ સૂરજદાદાના રંગો મળી જશે.”
પતંગિયા તો ટોળી બનાવીને ઊડતાં ઊડતાં આકાશમાં દેખાતા રંગો પાસે પહોંચી ગયાં. નજીક જઈને જોયું તો એ સૂરજદાદાએ આકાશમાં રચેલો રંગોનો ફૂવારો હતો. પતંગિયા એ રંગોના ફૂવારામાં ખૂબ નાહયા. પછી જોયું તો તેમની પાંખો પર રંગોની નવી નવી ભાત પથરાઈ ગઈ હતી. મેઘધનુષના ફુવારાના એ રંગો આજે પણ પતંગિયાની પાંખો ઉપર છંટાયેલા જોવા મળે છે.
કિશોર પંડ્યા
એ-૧૦૧, રેસીડેન્સી, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ - ૩૮૦૦૫૧.
મોબાઈલ:- 9825759666