Samjanno Suraj in Gujarati Short Stories by Durgesh oza books and stories PDF | સમજણનો સૂરજ

Featured Books
Categories
Share

સમજણનો સૂરજ

સમજણનો સૂરજ

દુર્ગેશ ઓઝા

સુકેતુએ લખેલા પચાસ પૈસાના નાનકડાં પોસ્ટકાર્ડે બહુ મોટો ઝંઝાવાત ફેલાવી દીધો હતો. પ્રભાબેન આમ તો બે દિવસથી અંદર ને અંદર આ વાતનો ધૂંધવાટ સંઘરીને બેઠાં હતાં. એમાં પડોશી ચંપાબેનનું આવવું... ને તણખો ભડકામાં પલટાવા લાગ્યો. પ્રભાકાકીને તો જાણે દોડવું’તું ને ઢાળ મળ્યો !

‘ લે બોલ ! પોતે હજાર વખત, વારે-તહેવારે ઘણા પ્રસંગોમાં સપરિવાર ટપકી પડ્યાં છે ને હવે પોતાના ઘેર આવડો મોટો લગ્ન-પ્રસંગ ને એમાં કાકા-કાકીની બાદબાકી !! આવું હળાહળ અપમાન ! ‘‘ મારો સુકેતુ, મારો સુકેતુ ’’ કહેતાં તો તમારી જીભ જ નહોતી થાકતી એ સુકેતુએ તમારી જીભ જ જાણે કાપી લીધી. તમને એણે આપ્યું શું ? જશને બદલે જોડાં ! અરે આવા ભત્રીજા હોય તોય શું ને ન હોય તોય શું ? પ્રભાબેન, તમારા દેરાણી તો ભારે પાકાં ! સાદાઈના નામે આવડી મોટી છેતરપિંડી ! તમે જેની સાથે સંસાર માંડ્યો છે એણે ભાઈ-ભાભીને બે શબ્દો તો કહેવા જ જોઈએ. આ તો તમે છો કે આવું અપમાન સહન કરી લ્યો છો. હદ છે તમને ! તમારી જગ્યાએ હું હોઉં ને તો...તો...! અરે બળ્યું, તમારી વાતમાં હું મૂળ કામ તો સાવ ભૂલી જ ગઈ. મારે બરાબર ટાણે જ બાકસ ખલાસ થઇ ગઈ. દુકાનો હજી ખૂલી નથી. દીવાસળીની એક પેટી આપો એટલે મારો ચૂલો સળગે. બળ્યું આ ગેસ લાઈટર પણ ટાણે જ બગડ્યું. હવે ઝટ લાવો દીવાસળી એટલે....’

ચંપાબેન આમ દીવાસળી ‘ ચાંપીને ’ દીવાસળી લઈને ગયાં. કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે કે કશું લાગતુંવળગતું ન હોય તો પણ કોઈના મીઠા સંબંધમાં મીઠું-મરચું ભભરાવી, ફાટફૂટ પડાવી રાજી થાય. કોઈ પારકી છઠ્ઠીનાં જાગતલ હોય છે, તો કોઈ પારકી પંચાતમાં પાવરધા. ‘‘ પોતે કરેલું ઉંબાડિયું બરાબર સળગ્યું છે ’’ એ વાતે પોરસાઈને, કોઈને દુઃખી કરીને ખુશ થાય. ઉશ્કેરણી અને કાનભંભેરણી એ તો ચંપાબેનનો ડાબા હાથનો ખેલ, જે ખરેખર મનનો મેલ હતો. કહે છે ને કે ‘ પહેલો સગો પાડોશી.’ પણ ચંપાબેન માટે એમ કહી શકાય કે ‘ પહેલો દગો પાડોશી.’

પ્રભાકાકી ફરી એક વાર ભત્રીજાનો પત્ર ઉકળાટભેર વાંચી રહ્યાં...‘ પૂ. કાકા,પૂ.કાકી તથા સર્વે, પૂ. બા-બાપુજીના કહેવાથી આ કાગળ પાઠવું છું. સાદર પ્રણામ. આપ સર્વેની કૃપાથી આવતા અઠવાડિયે પંદરમી ઓગસ્ટના રોજ તમારો ભત્રીજો ઘોડે ચડવાનો છે. ચીલો ચાતરી આ વખતે સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું છે એટલે તમને ત્યાં રૂબરૂ તો ત્યારે મળવાનું નહી બને, પણ વળતી ટપાલે આપના આશીર્વાદ લેવા જરૂર આવી જશું. લગ્ન એ તો બે આત્માનું મિલન છે. એમાં ખોટા ખર્ચા કે ભપકા શાને કરવા ? બા-બાપુજી સૌને યાદ પાઠવે છે. મારી ઈચ્છા મુજબ આ વખતે ભેટસોગાદ- ચાંલ્લાની પ્રથા બંધ રાખી છે. આપના આશિષ મળે એમાં બધું મળી ગયું. સૌને મારી યાદ. કવિતા ‘ કવિતા ‘ કરતી હશે.

લિ. આપનો સુકેતુ.

‘ લ્યો બોલો ! આટઆટલો વખત બધે ઠેકાણે મોટે ઉપાડે મજાનાં બનીઠની મ્હાલી આવ્યા, ને પોતાને ઘેર પ્રસંગ આવતા જ બેસી ગ્યા પાણીમાં ! કાકા-કાકીને બોલાવ્યાં હોત તો કાંઈ ખર્ચાના ખાડામાં થોડા ઊતરી જાત ! લગ્ન બે આત્માનું મિલન છે, છેક હવે યાદ આવ્યું !? ’ પ્રભાકાકીએ મનોમન સંભળાવ્યું ને પછી તો આખું ઘર માથે લીધું. ગઈકાલે પતિ સુબોધરાયે શાંત ચિત્તે બધું સમજાવ્યું હતું એ બધું વ્યર્થ સાબિત થયું.

ઉશ્કેરાટમાં પ્રભાબેન કાગળ લખવા બેઠાં ને મથાળું બાંધ્યું, ‘ અશુભ ’ ! ‘ તમારા પચાસ પૈસાના પોસ્ટકાર્ડનો જવાબ પણ પોસ્ટકાર્ડથી જ વાળું છું. તમે સાદાઈનાં નામે કાકા-કાકીનો સાવ કાંકરો જ કાઢી નાખ્યો. ગામનાં સગાં તો તમારે ત્યાં આવવાનાં જ. એ તમને નહીં નડે, કેમ ? આજથી અમારા-તમારા સંબંધો પૂરાં થયાં છે. જેને પોતાનો ગણ્યો એણે જ...!! આશીર્વાદ લેવા મારા ઘરમાં ટાંટિયો પણ મૂકતો નહીં. ખબરદાર જો ઘરમાં આવ્યો છે તો. અમારા બધા પ્રસંગોમાં લાટસાહેબની જેમ મજા કરી. અમે મૂરખ છીએ કે બધું લૂંટાવી દીધું. હવે વારો આવતા દુનિયાદારી ભૂલી જાવ છો ! આજથી મેં તમારા નામનું નાહી નાખ્યું છે. કાકીને દૂભવનારનું સત્યાનાશ....’

પ્રભાબેને બીજું કેટલુંક ન લખવાનું લખી પત્ર પૂરો કર્યો, ને દીકરી કવિતાને ટપાલ નાખવા કડકાઈથી આજ્ઞા કરી. કવિતા ગઈ ને ભીની આંખે પાછી ફરી. પોસ્ટનો ડબ્બો નજીકમાં જ હતો. કવિતાના આંસુને અવગણી પ્રભાબેને લાગલું જ પૂછ્યું, ‘ ટપાલ નાખી આવે કે પછી..? ’

‘ મમ્મી, આ તેં ઠીક નથી કર્યું ! મારા ભાઈ સુકેતુની લાગણી અને એના કહેવાનો અર્થ સમજવામાં તેં મોટી ભૂલ....’

‘ કવિતા, પહેલાં મારી વાતનો જવાબ આપ. તેં ડબ્બામાં ટપાલ નાખી કે નહીં ? ’

‘ હા..હા..નાખી નાખી નાખી. હવે હાશ થઇ ને ? કાળજે ટાઢક વળી ને ? ’ કવિતા આંસુ ખાળતા સરોષ બોલી રહી ને આ બૂમરાણ સાંભળી સુબોધરાય દોડી આવ્યા. પત્નીએ પોતે જે કર્યું તે સાચું ઠરાવવાની કોશિશ કરી. કવિતાએ ટપાલની રજેરજ વિગત કહી સંભળાવી, ને સુબોધરાય સ્તબ્ધ ! ‘ પ્રભા, તેં આ શું કર્યું ? તને ખબર છે ભાઈ-ભાભીને, સુકેતુને તારા પ્રત્યે કેવું...?! ને કવિતા, તને તો ખબર હતી તોય તેં એ ટપાલ મમ્મીની બીકથી...!!? ’

પત્નીએ પતિ સામે નજર કરતાં જાણે બહુ મોટું કામ કર્યું હોય એમ શબ્દબાણ છોડ્યાં. ‘ એને શું ખબર છે ? ખબર તો મેં બધાની લઇ નાખી છે. બધાને એમ કે આ બધા ભોળા છે તે ચલાવી લેશે. પણ મેંય ઝાઝી દિવાળી જોઈ છે. મને બધી ખબર છે.’

‘ મમ્મી, તને કંઈ જ ખબર નથી. મારે તને નહોતું કહેવું, કારણ કે સુકેતુએ મને...! પણ હવે લે આ સુકેતુનો કાગળ વાંચ, જે એણે મારા પર લખ્યો છે. આ અંગે એણે મારી સાથે રૂબરૂ વાત પણ કરી હતી...’ કવિતાએ આખી વાતનો સાર લાગણીભર્યા સ્વરે રજૂ કર્યો. પ્રભાકાકી ભત્રીજા સુકેતુનો કાગળ પસ્તાવાના ભાવ સાથે વાંચી રહ્યાં.

કવિતાને ઉદ્દેશીને આ કાગળ લખાયેલો હતો. કવિતાની ઉચ્ચ અભ્યાસ માટેની તીવ્ર ઈચ્છા ઘરની આર્થિક સ્થિતિ જોતાં પૂરી થઇ શકે એમ નહોતી. સુકેતુને મન તો કવિતા સગી બહેન જ હતી. તેણે નક્કી કર્યું હતું કે લગ્નમાં ધામધૂમ કરવા પાછળ ખર્ચ કરવા કરતા તેનો ઉપયોગ કવિતા માટે કરવો. તેણે પત્રમાં કવિતાને લખેલું. ‘ કવિતા, લગ્નનો ખર્ચ ન કરવાથી જે બચત થશે તે તારી ફીમાં કામ લાગશે. જો તું ના પાડીશ કે એક શબ્દ પણ વિરોધમાં બોલીશ તો તારી ‘કિટ્ટા ’ કરીશ; નાનપણની જેમ ખોટેખોટી નહીં, પણ સાચેસાચી. તને મારા સમ છે. ને આમેય મારી ઈચ્છા સાદાઈથી જ લગ્ન કરવાની હતી. ફી ઉપરાંત વધારાની જે રકમ બચશે તેમાંથી ઘરમાં ખૂટતી વસ્તુ વસાવી લઈશ ને સાથેસાથે થોડી રકમ જરૂરતમંદ, અનાથ, ગરીબ, વગેરે માટે પણ ફાળવી મારે આ લગ્નમાં ઘણાના આશીર્વાદ મેળવવા છે. સગાંવહાલાં તો ખાઈ-પીને જલસા કરીને કોઈને કોઈ વાંક કાઢશે, ધોખો કરશે. મારે દીવાથી દીવો પ્રગટાવવો છે. દાનનો આ યજ્ઞ હું હંમેશા કરતો રહીશ. ને જો..આ દાન મારે પ્રભાકાકીના શુભ હસ્તે કરાવવું છે, જેણે મને ભત્રીજો નહીં, પણ હંમેશા દીકરો જ ગણ્યો છે. પરંતુ આ કામ લગ્ન પછી કરવું છે. મારે કાકીને આમ સરપ્રાઈઝ આપવું છે ને આમ નવલી રીતે લગ્નપ્રસંગ ઊજવવો છે, એટલે હમણાં કશું જાહેર ન કરતી, નહીંતર તારી કિટ્ટા, શું સમજી ? ’

પ્રભાબેન જેમ જેમ કાગળ આગળ વાંચતા ગયાં તેમ તેમ અંદરની કડવાશ ને ખોટી માન્યતા ઓસરવા લાગી. ક્યાં આ કાગળ ને ક્યાં પોતે લખેલો પેલો ક્રૂર કાગળ ? પાડોશી ચંપાબેનની કૂથલીમાં આવી જઇ આવો અપરાધ કરવા બદલ તે પસ્તાઈ રહ્યાં, ‘ બેટા હું તો ત્યારે ગુસ્સામાં ન કરવાનું કરી રહી હતી, પણ તું તો હોંશમાં હતી, તો પછી તે મારી ખોટી વાત માની શા માટે ડબ્બામાં ટપાલ નાખી ?! ’

‘ શું કરું મમ્મી ? તારો મિજાજ જોઈ હું ડરી ગઈ હતી. ને મમ્મી, આ તો ઠીક છે, પણ એણે આવો પત્ર ન લખ્યો હોત તો પણ એ હરખની વાત હતી. સાદાઈ બતાવી તેણે માનવતાનું ગૌરવ કર્યું છે તેનું આપણને ગૌરવ થવું જોઈએ. આપણા કુટુંબમાં આવું સરસ કામ આ પહેલી વાર થઇ રહ્યું છે. તેને વધાવવાને બદલે તેં....,? ’

‘ બેટા, મેં બેશરમ બની પુત્ર સમા સુકેતુને, પ્રેમાળ ભાઈ-ભાભીને ન લખવાનું લખ્યું. હું સૌની માફી માંગું છું ભગવાન...પણ કવિતા, ટપાલ તો ગઈ. હવે શું થશે ? ’

‘ મમ્મી, કશું જ નહીં થાય. ચિંતા મૂકી દે. મોજ કર મોજ.’

‘ એટલે તેં મારી આજ્ઞા નહોતી માની ? મારી ટપાલ....!? ’

‘ ના મમ્મી, તારા હૂકમનો અનાદર કેમ થાય ? પણ તોય તું ચિંતા છોડી જલસા કર.’ આટલું કહી કવિતાએ હાસ્ય ફરકાવ્યું.

‘ કવિતા, તું કંઇક સમજાય એવું તો બોલ ? આમ મરકમરક હસવાનું છોડ ને હવે સાચું કહી દે દીકરી...’

ને કવિતાએ જે કહ્યું તે સાંભળી સૌને હાશ થઇ. બધાં ખડખડાટ હસી પડ્યાં. કવિતાએ ટપાલ તો નાખી હતી, અવશ્ય નાખી જ હતી, પણ તે પોસ્ટના ડબ્બામાં નહીં. ટપાલના ટુકડે-ટુકડા કરી તેણે તે શેરીની બહાર રહેલા કચરાના ડબ્બામાં નાખી હતી !!

***