આંસુડે ચિતર્યા ગગન
(24)
પાકિસ્તાન સાથે તાજેતરમાં પૂરા થયેલા યુદ્ધે સિદ્ધપુરમાં કોમી હુલ્લડો પેદા કર્યા. જો કે લાંબુ કશું જ ચાલ્યું નહીં. પણ બાબુ સુરતીનો ગલ્લો રીનોવેટ થઈ ગયો. હુલ્લડમાં ગલ્લો સળગ્યો. પ્રેસ્ટીજ ઈસ્યુ બનીને ફરીથી એ ગલ્લો નવા રંગરોગાન સાથે જામી ગયો.
ચા આવી – ન્યાય આપ્યો. એને મનની વાત ન કરી શકાઈ. પણ કોણ જાણે કેમ જૂના મિત્રને મળીને બહુ જ આનંદ થયો. અર્ચના સાથે મુલાકાત કરાવવાની ઇચ્છા હતી. પણ એ ઉતાવળમાં હતો. લગ્નમાં જરૂરથી આવશે. તેવા પ્રોમીસ સાથે ગયો.
કહેતો હતો – અંશ ! જૂના મિત્રોમાં એક તું ડૉક્ટર થયો – મોટો માણસ થયો પણ મોટાઈ નથી આવી. મિત્રો માટે તું એવો જ છે. તને મળીને લાગ્યું કે પેટ્રોલ પૂરાઈ ગયું . હૂંફ બહુ મોટી ચીજ છે. દોસ્ત. પૈસા તો આવ્યા કરે છે ને ગયા કરે છે.
કૉલેજનાં મિત્રો, પ્રોફેશનના મિત્રો કરતાં બાળ મિત્રોમાં સ્વત્વ વધુ હોય છે… એવું કંઈક તે બબડી ગયો.
પંદર દિવસ પછી અચાનક ફોન આવ્યો. બિંદુ ફોન ઉપર હતી – ‘અંશભાઈ તમે તાબડતોબ આવો.’
‘કેમ ? શું વાત છે ?’
‘એમને સિંહા સાથે તકરાર થઈ હતી.’
‘હં ! પણ તેનું શું છે ?’
‘સિંહાને બેને કાઢી મૂક્યો એટલે ગુંડા ટોળી લઈને આવ્યો હતો. ’
‘પછી ?’
‘પોલીસના રક્ષણ હેઠળ છું અત્યારે.’
‘શેષ ક્યાં છે ?’
‘અંશીતાને સિંહા ઉપાડી ગયો હતો – તેની પાછળ તે પણ ગયા હતા.’
‘પછી ?’
‘અંશીતાને લાભશંકરકાકા લઈ આવ્યા – પણ…’
‘પણ શું ?’
‘હજી એ આવ્યા નથી.’
‘હું તરત જ નીકળું છું – ચિંતા ન કરતી.’
‘ભલે. ’
અર્ચનાને વાત કરી અંશ મુંબઈ જવા નીકળી ગયો.
અર્ચનાને કમને જ્યોતિષ સાચા માનવા પડ્યા. કંઈ ન થાય તેવી પ્રાર્થના કરી બેસી રહેવાનું ઉચિત લાગ્યું. મનમાં તે પસ્તાઈ રહી હતી. લગ્નની ઉતાવળ કરાવવામાં આ આવી પડતી વિપત્તિઓને કેમ વેઠવી ?
અંશ જ્યારે મુંબઈ પહોંચ્યો ત્યારે શેષભાઈના ઘર આગળ મોટું ટોળું હતું. અમંગળની એંધાણીઓ વર્તાતી હતી – એનું હૃદય ધબકારો ચૂકી ગયું. શેષભાઈને તો કંઈ નહીં થયું હોય ને ? – ‘’
સાંજ ઢળતી હતી. – બિંદુ ગુમસુમ એકબાજુ બેઠી હતી – અંશીતા સફેદ ચાદર ઓઢીને સુતી હતી. દીવો બળતો હતો – શેષભાઈ દેખાતા નહોતા.
‘અંશીતા… મારી લાડલી… તું ક્યાં ચાલી ગઈ… ’ અંશથી ઠુઠવો મૂકાઈ ગયો.. ગુમસુમ વાતાવરણમાં થોડાક ડુસકા વધી ગયા..
અચાનક બિંદુ બોલી શી… શી… ચુપ ! મારી અંશી સુઈ ગઈ છે . અને લાડથી મર્મીલું હસીને સુવાડવા જતી હતી.
લાભશંકર કાકા મારી પીઠ પસવારતા હતા. – ડુમો બાઝી ગયો હતો – આ બધું શું થયું? કેવી રીતે થયું ? એવી મારી આંખોના પ્રશ્નભારમાં લાભશંકરકાકા પણ રડી પડ્યા.
‘સિંહાની ટેપ સાંભળીને બેને છૂટો કર્યો ત્યારે તો શેષભાઈ અમદાવાદ હતા. પણ સિંહા ગુસ્સામાં બરાડતો હતો – ‘હમ ઉસકો દેખ લેગા – હમ ઉસકા ભી પોલ ખોલ દેગા – હમ ઉસકો બરબાદ કરેગા…’ મને એની વાતની બીક લાગી એટલે અમદાવાદ સંદેશો આપ્યો. પણ તે જ દિવસની ફ્લાઈટમાં એ અહીં આવ્યા. ખૂબ ગરમાગરમી થઈ. શેષે પણ નમતું ન જોખ્યું તે દિવસે તો ઠંડો થઈને ગયો પણ પછી અંશીને સ્કુલેથી ઉપાડી અને ખબર મોકલી કલાકમાં દોઢ લાખ રૂપિયા લઈને આવ – હું અને શેષ વ્યવસ્થા કરીને એણે બોલાવેલી જગ્યાએ ગયા – અંશીને આપી અને પૈસા લઈને એ જતો હતો ત્યાં શેષે ફરી ઝાપટ મારી – મારા મારી ફરીથી શરૂ થઈને અંશીને તેમાં સિંહાએ પછાડી. રડતી લઈને હું ભાગ્યો. અને પૈસા લાવવા શેષ તેની પાછળ પડ્યો. ખરેખર મર્દ છે શેષ. પાંચ જણ જોડે એકલો બાઝતો હતો. ખેર… પોલીસ પાર્ટીની મદદ લીધી છે. શેષને પકડીને એ લોકો ક્યાંક લઈ ગયા છે.
અંશીનું શું કરવું એ મને તો સમજ જ નહોતી પડતી. આખી રાત જાગતા રહેવાનું હતું. મારી તો આંખો ભારે થઈ જતી હતી. લાભશંકરકાકાએ મોટી ઢીંગલી બિંદુને આપી અને તેને સુવડાવી દીધી.
ટમટમતા દીવા સામે ટગર ટગર જોતા આંખમાંથી આંસુ સરતા જતા હતા. – શેષભાઈની એક માત્ર નિશાની નામશેષ થઈ ચૂકી હતી – એના હસતા ચહેરા ઉપર પછડાટની વેદના હતી – આજુબાજુ ગુલાબની સુગંધ આવતી હતી. કીડી તેને ન ચટકે તે માટે તેના મૃતદેહનો પાટલો રૂમની બરાબર વચ્ચે રાખ્યો હતો. નાથુ, લાભશંકરકાકા, અનસુયાબેન તથા દિવ્યા આવી ગયા હતા. અર્ચના અને તેના બાપુજી પણ ટૅક્સી કરીને આવી રહ્યા.
ત્યારબાદ મારી આંખ મીંચાઈ મિંચાઈ ગઈ. વહેલી સવારે રોકકળ શરૂ થઈ અને આંખ ખૂલી ગઈ. ત્યારે ખબર પડી કે શેષભાઈનો હજી પત્તો નથી. પોલીસે સિંહાને પકડી લીધો હતો. અને તેના કહેવા પ્રમાણે શેષભાઈ ચાલુ ગાડીએ કુદી કૂદી પડ્યા હતા… કદાચ અડધી શક્યતાઓ એવી પણ હતી કે તેઓ સહ્યાદ્રિની ઘાટીમાં ઘવાયેલી હાલતમાં ક્યાંક હોય… અથવા તો ન પણ હોય….
બિંદુને અંશી બતાવી – પણ તેના અસ્થિર મગજમાં હજી અંશી કઈ અને ઢીંગલી કઈ એ ઉતરતું નહોતું. તે તો હસતી હતી – ઢીંગલીની શ્મશાનયાત્રા જોઈને.
અર્ચનાથી આ જોવાતું નહોતું – દિવ્યાની કોટે બાઝીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
મારા હાથમાં અંશીતાનો મૃતદેહ હતો – તેની અંતિમયાત્રામાં કોઇ જ નહોતું. ન મા કે ન બાપ – ફળેલી નાગરવેલ ફરી વાંઝણી થઈ ગઈ.
***
શેષ તેની જાતને પાંચ જણ વચ્ચે પિટાતી જોતો હતો. – અચાનક પાછળથી કંઈક વાગ્યું અને એને તારા દેખાયા. સિંહાનો ઘોઘરો અવાજ સંભળાયો – ‘પકડ લો સાલે કો, પુલીસ પીછા કરે ઉસસે પહેલે ભાગ ચલેં’.
અને ગુણ ફેંકતી હોય તેમ તેનો ભારે દેહ પછડાયો અને તેણે ભાન ગુમાવી દીધું.
પંદરેક મિનિટ પછી ધીમે ધીમે ભાન આવતું હતું ત્યારે ખ્યાલ આવ્યો કે તેના હાથ બાંધેલા હતા. પગ છૂટા હતા અને મેટાડોરમાં નાખીને તેને ક્યાંક લઈ જવાતો હતો. ઉપર તારા દેખાતા હતા. કલ્યાણ રોડ પર તેને બોલાવાયેલો અત્યારે કઈ બાજુ હશે તેનો કંઈ ખ્યાલ આવતો નહોતો. ધીમે રહીને આંખ ખોલીને તે આજુબાજુ પડેલી વસ્તુઓ જોતો હતો. સિમેન્ટની વાસ તેના શરીર ઉપરથી આવતી હતી. – બે જણ મેટાડોરમાં બેઠા હતા. બંને ગપ્પા મારતા હતા….
બેહોશીનો ઢોંગ કરીને પડી રહેવું કે કંઈક કરવું ની અવઢવમાં તે હતો. બંને જણા ખાસા બોડી બિલ્ડરો હતા. આગળ સિંહા અને બીજા બે જણ બેઠા હતા.
પોલીસે કેમ કશું કર્યું નહીં હોય તે એને સમજાતું નહોતું. અંશીને લઈને લાભશંકરકાકા ભાગ્યા હતા.
પૈસા…? પૈસા…? ક્યાં હશે ? અચાનક ઝાટકો મારીને તે બેઠો થઈ ગયો.
પેલા બંને જણા કશું સમજે તે પહેલાં શેષ ખુલ્લી મેટાડોરમાંથી બાંધેલા હાથે કૂદી પડ્યો… અથડાતો કુટાતો નીચે જઈ પડ્યો. ત્યાં દૂરથી મેટાડોર અટકી અને પાછળ પોલીસની સાયરનો વાગતી સંભળાઈ…
ફરીથી તેણે હોશ ગુમાવી દીધા.
સિંહા પોલીસની સાયરનો સાંભળી પાછી આવતી મેટાડોરને રોકીને આગળ ભાગવા માંડ્યો. પૈસાનો થેલો હવે તેને જોખમ લાગતો હતો. બે એક કિલોમીટરની રેસ પછી અચાનક પાછલું વ્હીલ બેસતું લાગ્યું અને આડી અવળી થતી ગાડીને સંભાળે ત્યાં સુધીમાં બે પોલીસની જીપે તેને ઘેરી લીધો.
શેષ વડે થયેલ નાણાકીય નુકસાન વસુલી કરતા તે ક્રીમીનલ ગુનામાં ઝડપાઈ ગયો. બીજે દિવસે છાપામાં સનસની વ્યાપી ગઈ… અપહરણ અને ખૂનના કેસમાં તે ઝડપાઈ ગયો.
***
પાંચ સાત કલાકે હોશમાં આવેલ શેષ પુનાની કોઈક હોસ્પિટલમાં હતો. પારસી યુગલની ગાડીમાં ઘવાયેલી હાલતમાં તેને લવાયો હતો.
‘શું ડીકરા તારું નામ શું છે ?’
‘હું ક્યાં છું ?’
‘ડીકરા, મારો સોરાબ ડ્રાઈવીંગમાં પાવરફુલ ટે ટું બચી ગીયો ડીકરા… રોડ ઉપર બંઢાયેલી હાલટમાં ટું ગબડ્યો હશે… પણ મારી ગાડી જોડે અઠડાયો. સોરાબે જોરડાર બ્રેક મારી. ટું અટ્યારે પૂનામાં છે. ડીકરા મારા જમાઈની હોસ્પિતાલમાં… તારું નામે સરનામુ આપ ટો ટારા ઘરે ખબર આપીએ…’
પીડામાં કણસતો શેષ કંઈક બોલવા પ્રયત્ન કરતો હતો ત્યાં તેણે ફરીથી ભાન ગુમાવ્યું…
પેસ્તનજી તંદુરસ્ત શરીરને જોઈ રહ્યા… ન જાણે શુંય વીતી હશે આ માનસ ઉપર… છાપું ખોલીને તે ફરીથી રાહ જોઈ રહ્યો….
છાપામાં નજર નાખતા તેનું ધ્યાન કલ્યાણ પૂના રોડ ઉપર બનેલ અપહરણ કેસની વિગતો પર પડ્યું. અંશીતાનો મૃતદેહ અને તેની શોધમાં પકડાયેલ સિંહાનો ફોટો જોઈને વૃદ્ધ પેસ્તનજી બબડ્યા… શો કળજુગ આવ્યો છે. ત્રણ વર્ષની બેબીને અપહરણ કરી મારી નાખી. ધંધાની પોલમાં બાપડીની મમ્મી શોકમાં ગાંડી થઈ ગઈ – એના ધણીની શોધ ચાલુ છે. ખોદાયજી બચાવે આવા ગુંડાઓથી… અને તેમણે શેર બજારના સમાચારો તરફ નજર દોડાવવા માંડી. સેંચુરી તૂટવા માંડી… ટાટાનો નવો ઇશ્યૂ આવે છે…
કોણ જાણે કેમ તેમના મનમાં રહી રહીને એક પીડા થયા કરે છે. ફરીથી પાનું ઉથલાવી છાપું વાંચે છે. અંશીતાના ચહેરાની માસુમીયત તેને ડંખે છે. શેષ ત્રિવેદી નામની વ્યક્તિને પોલીસ શોધે છે. હાથને બાંધેલા અને ગબડી પડેલ વ્યક્તિ તે આ તો નહીં હોય ને…?
‘સોરાબ… ડીકરા મુંબઈ ગોરેગાંવ પોલીસ સ્ટેશન ઉપર ફોન કર તો… કદાચ આ જ શેષ ત્રિવેદી લાગે છે.’
‘તમે લાકડે માંકડું વળગાડી દેશો. અને તકલીફમાં મૂકી દેશો. એને ભાનમાં આવી જવા દો પછી સો ની નોટ પકડાવીને કાઢી મુકીશું. ’
‘પન ડીકરા… જો તો ખરો… એ જ રાત્રે આ બન્યું છે. એ જ રોડ ઉપરની ઘટના છે. જ્યાંથી એ મળ્યો છે. ’
‘એ આપણી ગાડી સાથે ટકરાયો છે – ઠીક છે ને ?’
‘હા… ’
‘તો આપણે પોલીસ કેસ કેમ ન કર્યો તેમ પૂછશે તો?’
‘તને જેમ ઠીક લાગે તેમ … પન મને થયું કે કહી દઉં પછી આપણે તકલીફમાં મુકાતા હોઈએ તો ભલે રાહ જોઈ લઈએ.’
‘ધર્માદા કરવાનો સમય હવે નથી રહ્યો. પેલા મારા મિત્ર જસબીર ઉપર દસ હજારનો ક્લેઇમ ઠોકી દીધો હતો પેલા દારૂડીયાએ એ ખબર છે ને…. ’
‘હા… જવા દે એ વાત…’
‘હું તો એમ વિચારું છું કે આને હોશમાં આવે તે પહેલા કોઈક અજાણી જગ્યાએ છોડી આવીએ… એટલે કોઈ તકલીફ જ નહીં. ’
બેભાન શેષને સ્ટ્રેચરમાં નાખીને ફરીથી પારસી કુટુંબ હોસ્પિટલ છોડે છે. બાપ દીકરા વચ્ચે ફરીથી ચકમક ઝરે છે.…
‘કહું છું ડીકરા ! બધા એક સરખા ન હોય. એને ભાનમાં આવી જવા દે… એને જાતે જવા દઈશું.’
‘ટમારી કચકચથી તો ભગવાન તોબા.’
‘ભલે બેટા – પણ દેખાવે સારો માણસ લાગે છે – એવું નહીં કરે.’
‘ટમે સાચવો એને – અને મહેરબાની કરીને સાચું નામ ન આપતા. ’
‘ભલે…’
***