ગધેડો ચાલ્યો રોકસ્ટાર બનવા
રાકેશ ઠક્કર
''હોંચી હોંચી....હોંચી....હોં....ચી.....'' ગદુ ગધેડો રંગમાં આવીને ગીત ગણગણતો હતો. ગદુને ગાવાનું મન થાય એવું વાતાવરણ પણ હતું. હમણાં જ ભરપેટ ભોજન કર્યું હતું. અને આરામ માટે એક વિશાળ વૃક્ષનો છાંયડો હતો. મસ્ત ઠંડો પવન જાણે પંખો નાખી રહ્યો હતો. તાનમાં આવી ધીમે ધીમે તે ઊંચા સ્વરે આલાપ કરવા લાગ્યો.
ગદુ ગધેડાની આ હરકત ઝાડ પર આરામ કરતી કુંજ કોયલને કનડવા લાગી. તેણે તરત જ રોફથી કહ્યું:''ઓ ગદુ, તારો બેસૂરો આલાપ બંધ કર. જો તારું ગાયન હું હજુ થોડીવાર સાંભળીશ તો તાપમાં મારું મગજ ફાટી જશે. ગાવાનું તારા વશની વાત નથી. તારા હોંચીવેડા બંધ કર. ઘોંઘાટ બંધ કરી શાંતિથી પડ્યો રહે.''
કુંજ કોયલની ની આ વાતથી ગદુ ગધેડાને આઘાત લાગ્યો. તે કહે,''જો કુંજ, અમે બધા જ માનીએ છીએ કે તારો અવાજ મીઠો છે અને તું સારું ગાય છે. પણ તેનો અર્થ એ નથી કે તું બીજાને ઉતારી પાડવાની ચેષ્ટા કરે. મારા આલાપને તું ઘોંઘાટ કહીને મારું અપમાન કરી રહી છે.''
કુંજ તેની મજાક ઉડાવતી હોય એમ હસીને બોલી:''ભાઇ, હું તારું અપમાન ક્યાં કરી રહી છું... હું તો તને હકીકત બતાવી રહી છું. તું એક ગધેડો છે એ ભૂલીશ નહીં. તું ગમે તેટલું સૂરમાં ગાવાનો પ્રયત્ન કરીશ પણ ''હોચી હોંચી'' જ ગણાશે. તેં ગીત ગાયું એમ નહીં લાગે. જ્યારે હું તો અમસ્તુ ગાઇશ તો પણ સૂરમાં જ ગણાશે.''
ગદુને લાગ્યું કે કુંજ અભિમાનમાં બોલી રહી છે. તેણે સ્પષ્ટ કહી દીધુ:''બેન, અવાજનું આટલું અભિમાન સારું નહીં. તને કુદરતે સારો કંઠ આપ્યો છે એટલે બીજાની મજાક ઉડાવે તે સારું ના કહેવાય. જો હું ચાહું ને તો સારું ગાઇને.... ''
ગદુ ગધેડો આગળ બોલતા અટકી ગયો એટલે કુંજને ગમ્યું નહીં. તે બોલી:'' બોલ બોલ... હું ચાહું તો... મતલબ કે તું ગાયનમાં મને હરાવી શકે છે..?'' અને પછી જોર જોરથી હસવા લાગી.
ગદુને કુંજ પર ઘણો ગુસ્સો આવતો હતો. પણ તેણે ગુસ્સા પર કાબૂ રાખ્યો અને તેની સાથે વિવાદમાં ઉતરવાનું ટાળવા ત્યાંથી નીકળી ગયો.
ગદુએ આખો દિવસ વિચાર કર્યો. પછી મનમાં કંઇક નક્કી કરીને હાથીદાદા પાસે પહોંચી ગયો. અને સીધું જ કહ્યું:"દાદા, મારે ગાવાનું શીખવું છે.''
હાથીદાદાએ નવાઇથી પૂછ્યું:''બેટા, તને અચાનક આ વિચાર ક્યાંથી આવ્યો?''
ગદુએ કુંજ સાથેની આખી વાત કહી દીધી.
હાથીદાદાએ ગંભીર થઇને કહ્યું:''ગદુ, કુંજને હરાવવાનું જેટલું સરળ નથી એટલું જ ગાયન શીખવાનું અઘરું નથી. જો કોઇ મનમાં નક્કી કરી લે અને મહેનત કરે તો કોઇ પણ કામ અશક્ય નથી.''
હાથીદાદાની વાતથી ગદુનો આત્મવિશ્વાસ વધ્યો. હાથીદાદાએ તેને રંગુ રીંછ પાસે મોકલ્યો. જે એક સંગીત મંડળી ચલાવતો હતો.
રંગુએ થોડી નવાઇ સાથે પૂછ્યું:''ગદુ, તેં અગાઉ ક્યારેય ગાયું છે?''
ગદુ કહે:''ના, હું માત્ર ગીતો ગણગણતો રહું છું. હવે મારે રોકસ્ટાર બનવું છે. જે થવાનું હોય તે થાય પણ મારે ગાવાનું શીખીને જ રહેવું છે,''
રંગુ રીંછ કહે:''શાબાશ! તારી લગન જોતાં લાગે છે કે તું કંઇક કરીને બતાવી શકશે.''
એજ દિવસથી ગદુએ ગાવાની તાલીમ શરૂ કરી દીધી. તે રાત-દિવસ મહેનત કરવા લાગ્યો. ઘણી વખત તેના માટે ગાવાનું મુશ્કેલ બન્યું. પણ તેનો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નહીં. તે જરાક નબળો પડતો ત્યારે કુંજે કરેલા અપમાનને યાદ કરી લેતો. અને ફરી સખત મહેનત કરવા લાગતો.
એક દિવસ તેણે એક પોસ્ટર જોયું કે કોઇ ટીવી શો માટે તેના જંગલમાંથી સ્પર્ધકોની પસંદગી કરવા ટેલેન્ટ શો થવાનો છે. ટીવી પર તે ગાયનના ઘણા રીયાલીટી શો જોતો હતો. તેને થયું કે આ સારી તક છે. તેણે પણ અરજી કરી દીધી.
એક સપ્તાહ પછી ટીવી શોવાળા જંગલમાં ઓડિશન માટે આવવાના હતા. ગદુએ રંગુ રીંછને પણ આ વાત કરી દીધી. રંગુએ ગદુને ઓડિશન માટે ખાસ ટિપ્સ આપવાનું શરૂ કર્યું. હવે ગદુ થોડા હાથ હલાવીને અને નાચીને પણ ગાવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જૂના ગીતોને થોડી અલગ રીતે પણ ગાવા લાગ્યો.
ટીવી શો માટે પસંદ થવા જંગલના બીજા ઘણાં પશુ-પક્ષીઓએ અરજી કરી હતી. ધીમે ધીમે આ વાતની ખબર કુંજને પડી. કુંજ તો ગદુએ અરજી કરી છે એ વાત સાંભળીને હસી જ પડી. અને બોલી: "આ તો ચલા મુરારી હીરો બનનેની જેમ થયું. ગધા ચલા ગાય બનને.."
કુંજને થયું કે ગદુની મજાક ઉડાવવી જોઇએ. અને મજા લેવી જોઇએ. એટલે તે પોતાની બહેનપણીઓ મઇના મેના, ચીની ચકલી વગેરે સાથે ગદુના ઘર પાસે ગઇ. અને બોલી:"ગદુ, સાંભળ્યું છે કે તું ગાયનના ટીવી શો માટે ઓડિશન આપવાનો છે?"
ગદુએ શાંતિથી કહું:"હા, તેં સાચું સાંભળ્યું છે." ગદુની વાત સાંભળી તેની મજાક ઉડાવતા કુંજ બોલી:"તું જરૂર ગાજે. પણ બહેરા – મૂંગા પ્રાણીઓ સામે ગાજે. નહિતર તને સાંભળનારા બેભાન જ થઇ જશે.....હાહાહા..."
ગદુએ પોતાના પર સંયમ રાખ્યો અને ગાયન શીખવા જવા લાગ્યો. ત્યારે કુંજ ઝડપથી ઉડતી તેના માથા પર આવી અને અભિમાનથી કહેવા લાગી:"ગદુ, એ શો માટે આપણા જંગલમાંથી અમે ત્રણ જ પસંદ થઇશું. અમે તો જીતની એડવાન્સમાં આજે પાર્ટી કરીશું. તારે આવવું હોય તો ચાલ..."
અને મશ્કરીમાં હસતી કુંજ તેની બહેનપણીઓ સાથે આઇસ્ક્રીમ ખાવા ઉપડી ગઇ. બધાએ ભરપેટ આઇસ્ક્રીમ ખાધો. આઇસ્ક્રીમ ખાતી વખતે મઇના કહે:"કુંજ, આપણે બે દિવસ પ્રેક્ટીસ કરી લઇએ..."
કુંજ કહે:"આપણે ગધેડા છીએ કે પ્રેક્ટીસ કરવી પડે? આ જંગલમાં આપણી સામે ટકી શકે એવો કોઇનો અવાજ નથી."
કુંજની વાત સાંભળી મઇના અને ચીનીએ પણ કોઇ તૈયારી ન કરવાનું નક્કી કર્યું.
એ દિવસ પણ આવી ગયો. જંગલના ઓડિટોરીયમમાં ટીવી શોવાળા આવી ચૂક્યા હતા. એક પછી એક પશુ-પક્ષી પોતાના અવાજનો ઓડિશન ટેસ્ટ આપી રહ્યા હતા. બધા ખુશ થઇને બહાર નીકળતા હતા. ગદુ પણ ખુશ થતો નીકળ્યો. કુંજ, મઇના અને ચીની પણ જોશમાં અંદર ગયા.
સાંજ પડી એટલે ઓડિશન પૂરા થયા. બહાર બધા ઉત્સુક્તાથી રાહ જોતા હતા. ટીવી શોના સંચાલકે આવીને પરિણામની જાહેરાત કરતાં કહ્યું:"મિત્રો, આપ સૌએ ઉત્સાહથી ભાગ લીધો એ માટે આપનો આભારી છું. દરેક સ્પર્ધકે પોતાના તરફથી સરસ પ્રયત્ન કર્યો છે. પણ મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે કોઇનો અવાજ શ્રેષ્ઠ નથી...."
સંચાલક આગળ બોલતા પહેલાં બે ક્ષણ માટે અટક્યા. જંગલના પક્ષી- પ્રાણીઓમાં સોપો પડી ગયો. બધા કુંજ, મઇના અને ચીની તરફ જોવા લાગ્યા. તેમના ચહેરા ઉતરેલા હતા. એ જોઇને સંચાલકે પણ તેમના તરફ જોઇને કહ્યું:"મિત્રો, અમને પણ આશા હતી કે કુંજ, મઇના અને ચીની તો સારું ગાતા જ હશે. પરંતુ અફસોસ કે કોઇ કારણથી તેઓ પોતાની અસલ ગાયન કલા બતાવી શક્યા નથી."
કુંજ, મઇના અને ચીનીને નીચું જોવા જેવું થઇ ગયું. બધાને થયું કે આ તો જંગલનું નાક કપાઇ ગયું. આટલા મોટા જંગલમાંથી કોઇ પસંદ ના થયું એ શરમજનક વાત બની રહેશે.
ત્યારે સંચાલકે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું:"મિત્રો, ભલે તમારા જંગલના સારા ગાયકો યોગ્ય રીતે ગાઇ શક્યા નથી. પણ બીજા દરેકની મહેનતને પણ હું દાદ આપું છું. અને એમાં સૌથી વધુ સારો પ્રયત્ન અમને જેનો લાગ્યો છે એ ગદુ ગધેડાની અમે સર્વસંમતિથી પસંદગી કરી છે. આ જંગલમાં અમને એકમાત્ર ગદુ પર વિશ્વાસ બેઠો છે કે આજે ભલે જરૂર જેટલા ગુણ તેણે હાંસલ કર્યા નથી પરંતુ તેના અવાજને કેળવવામાં આવશે તો એ જરૂર સારું ગાઇ શકશે. અમે રોકસ્ટાર બનવાની તેનામાં સંભાવના જોઇ છે. અમારી ટીમના સંગીતકાર શ્રી પીંછાવાલાએ ગદુને આ સ્પર્ધા માટે દત્તક લઇને તાલીમ આપવાની જાહેરાત કરી છે. એને આપણે સૌ તાળીઓથી વધાવી લઇએ. અને ગદુને અભિનંદન આપીએ."
જંગલના સૌ પશુ-પક્ષીઓએ ગદુને તાળીઓથી વધાવી લીધો. ટીવી શોના સંચાલકોએ ગદુને આગળના કાર્યક્રમની માહિતિ આપી અને રવાના થઇ ગયા.
બધા ગદુને અભિનંદન આપીને રવાના થયા પછી સૌથી છેલ્લે કુંજ, મઇના અને ચીની તેની પાસે ગયા. કુંજ કહેવા લાગી:"ગદુભાઇ, મને માફ કરી દો. મેં તમારી મજાક ઉડાવી હતી. અમે તમને ઓછા આંક્યા હતા. અમને સમજાયું છે કે કોઇને ઓછા આંકવા કોઇએ નહીં."
ગદુ કહે:" પણ પહેલા એ બતાવો કે તમારો અવાજ કેમ એમને પસંદ ના આવ્યો?"
કુંજ કહે:"ગદુભાઇ, અમે બે દિવસ પહેલાં અભિમાનમાં આવી તમારી નિષ્ફળતા અને અમારી સફળતાની આઇસ્ક્રીમ ખાઇને ઉજવણી કરી હતી. ત્યારે જરૂર કરતા વધુ આઇસ્ક્રીમ ખાઇ લીધો હતો. અને અમારા સિવાય કોઇનો અવાજ સારો ન હોવાથી કોઇ સારું ગાઇ જ નહી શકે એવા અભિમાનમાં અમે જરા પણ તૈયારી કરી ન હતી. એટલે અવાજ સારો ના નીકળ્યો. જ્યારે તેં ખાસ તાલીમ લીધી અને સખત મહેનત કરીને અવાજને કેળવ્યો. અમને માફ કરી દેજે. અમારી શુભેચ્છા તારી સાથે છે."
ગદુ કહે: બહેનો, એમાં માફી માગવાની ન હોય. હું તો તમારો સૌથી વધુ આભારી છું. આજે મારી આ નાનકડી જીતની સૌથી મોટી હકદાર તો તું જ છે." કુંજ કહે:"એ કેવી રીતે?!"
ગદુ કહે:" એ દિવસે તેં મારું અપમાન કર્યું ના હોત તો મેં ગાવાનું શીખવાનું વિચાર્યું જ ન હોત. હું તો મારા તાનમાં માત્ર "હોંચી હોંચી" જ કરતો રહ્યો હોત. અને રોકસ્ટાર બનવાનું સપનું જોયું ન હોત. તારા ટોણાથી સપનું જોયું અને તેને સાકાર કરવા કમર કસી. આજે તેનું સારું ફળ મળ્યું છે. તમે આ વખતે ભલે કોઇ કારણસર પસંદ ના થયા. પણ હવે મહેનત કરીને જરૂર પસંદ થશો એવો મને વિશ્વાસ છે. અને એ માટે અત્યારથી જ મારી શુભેચ્છા આપું છું."
કુંજ, મઇના અને ચીનીને એ વાતનો આનંદ થયો કે ગદુએ તેમને માફ કરી દીધા છે. પછી બધા જ પોતપોતાના ઘર તરફ રવાના થયા.
ગદુ આજે ઉત્સાહથી ગાતો ગાતો પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. તેને એ વાતનો આનંદ હતો કે હવે તેમની જાતિના સભ્યોને કોઇ મહેણું નહી મારી શકે. અને માનશે કે ગધેડાઓ પણ ગાઇ શકે છે.
***