ફિટકાર
પ્રકરણ – ૮
આજે બિમલદા ખુબ ટેંશનમાં હતા. ગઈ કાલની ઘટનાએ એમને વિચારમાં નાંખી દીધા હતા. કળ વળતી નહોતી. કોઈની સાથે વાત કરી શકાય એમ નહોતી. આભાના ગુમ થયા પછી બિમલદા અને પ્રતિપનો ખુબ ઝઘડો થયો હતો. તેથી બાપ-દિકરાની વાતચીતબહુ ઓછી થતી.
બિમલદાએ મુનીમજીને બોલાવી રાશ્મોનીને સંદેશ મોકલવા કહ્યો. રાશ્મોની એટલે બહુરૂપી વ્યક્તિત્વ. શાહુકાર બિમલદાની એ માનીતી હતી. રાશ્મોની શાહુકારને ઘણી મદદ કરતી. ઐયાશીના જલસા ખાસ એની કોઠી ઉપર થતા. અધિકારીઓને પણ એ બાનમાંરાખતી. શાહુકારની એ ગુલામ હતી. બિમલદાએ આજ સુધી ઘણી મદદ કરેલી એટલે બિમલદાનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતી.
રાત્રે બિમલદાને એ મળી અને બધી વાતચીત થઇ. કંઈક નિવેડો લાવીશ એમ કહી એણે બિમલદાને ચુપચાપ નીકળી જવા કહ્યું કારણ કે કેસ ની તાપસ કરનાર ટિમની એના ઉપર પણ નજર હતી.
સવારે આભાના ઘરેથી સમાચાર આવ્યા કે એની નાની બેન અદિતિની તબિયત એકદમ નાદુરસ્ત છે. તેથી ડોક્ટર પ્રતિપ, બિમલદા ગામ જવા રવાના થયા. દેવને પણ વાતની જાણ થઇ એટલે એ જવા માટે તૈયાર થયા. હોસ્પિટલમાં બધા ભેગા થયા અને થોડાક મિનિટોમાં અદિતિએ જીવ મૂકી દીધો. ઘણાં વર્ષોથી બીમારી સાથે લડતી અદિતિ આજે હારી ગયી હતી. મૃત બોડીને ઘરે લાવવામાં આવી. અદિતિના મૃત શરીર પાસે, પરિવારના સભ્યો સાથે બિમલદા, પ્રતિપ, દેવ, મુનીમજી બધા બેઠાં હતાં.
અચાનક અદિતિના શરીરમાં હલનચલન થયું અને તે બેસી ગયી. મૃત શરીરમાં પ્રાણ ? બધાં અચંબિત થઇ ગયા. ઘરની અંદરના તથા બહારના બધા લોકો અવાક બની એને જોઈ રહ્યા. થોડાક લોકો ભૂત છે એમ સમજી ત્યાંથી ભાગવાની તૈયારીમાં હતા. માહોલ એકદમ બદલાઈ ગયો. બધાની નજર એના ઉપર હતી અને એની નજર ત્યાં હાજર બધા ઉપર ફરી રહી હતી.
હવે દેવને ખ્યાલ આવી ગયો. તેણે તરત બાજુમાં પડેલ લોટામાંથી પાણી લઇ કંઈક મંત્રોચ્ચાર કરી અદિતિના શરીર ઉપર છાંટ્યું જેથી તે બોલી શકે અને ભેગી થયેલ વ્યક્તિઓ સાંભળી શકે.
દેવે બધાની વચ્ચે સવાલ કર્યો - “તુમી કે ?” (તું કોણ છે ?)
“આમી ચંદ્રમુખી, રાશ્મોનીર કન્યા. (હું ચંદ્રમુખી છું, રાશ્મોનીની દિકરી)
દેવે પૂછ્યું - "અહીં આવવાનું કારણ ?"
“એક રહસ્ય - મારે એક રહસ્ય ખુલ્લું કરવું છે, મારા શિવાય એ કોઈ જાણતું નથી. હું રાહ જોતી હતી. અનુકૂળ સંજોગો મળતા નહોતા. આજે બધું સરસ ગોઠવાઈ ગયું છે. તમારાં જોડે વાત કરવા માટે મારે શરીર જોઈતું હતું, તે પણ સ્વચ્છ અને કુંવારું. હું પણ કુંવારી છું. એટલે આજે અદિતિના શરીરમાં પ્રવેશ કર્યો છે. દેવને મેં રહસ્ય ખોલી આપવાનું વચન આપેલ છે. તે પૂરું કરીને હું અદિતીનું શરીર છોડી દઈશ. તમે મને જોઈ ના શકો કે સાંભળી પણ ના શકો તો ગુનેગાર પકડાય કેવી રીતે ? હું છેલ્લા ઘણાં મહિનાઓથી દેવને શરણ થયેલ છું અને દેવ સાથે જ હતી. આજે તમને બધાને હકીકત ખબર પડશે”.
વિજયાદશમીનો દિવસ હતો. મા દુર્ગાના વિસર્જનનું મુહૂર્ત સાંજ પછી હતું. પરિણીત સ્ત્રીઓનો "સિંદૂર ખેલા" નો કાર્યક્રમ ચાલુ હતો. એક બીજાને સિંદૂર, કંકુ કપાળ ઉપર તથા ગાલ ઉપર લગાવી આનંદ કરી રહ્યા હતાં. બધાજ ખુબ આનંદમાં હતા. સિંદૂર-કંકુ ને લીધે અમારા ચહેરા એટલા રંગાઈ ગયા હતા કે એક બીજાને ઓળખવું પણ મુશ્કેલ હતું, એનો અમે લાભ લીધો.
તે વખતે એક સ્ત્રીએ મને એક ગ્લાસમાં એક પીણું આપી શાહુકારની બહુરાણી આભાને આપવા કહ્યું. ખાસ તાકીદ કરી કે તે ભૂલથી પણ કોઈને પણ અપાય નહિ. પીણું પીવાય જાય એટલે તરતજ પંડાલની પાછળના ભાગે એને લઇ જવી. હું આશ્ચર્યમાં પડી. મને શંકા ગયી. દાળમાં કંઈક કાળું છે. ગ્લાસમાં કદાચ ઝેર તો નહિ હોયને ? કોઈક ચાલ રમવાની કોશિશમાં હતું. મને વિચાર આવ્યો કે હજુ તો આભાને પરણીને આવ્યાને થોડાક જ દિવસ થયા છે. એનો સંસાર કેવી રીતે તોડી શકાય. આ બધાં વિચારો મારા મગજમાં ચાલતાં જ હતા. મેં આભાને બધી સ્ત્રીઓમાં ઓળખી કાઢી. મેં એને પંડાલની એક સાઈડમાં લઈ જઈને વાત કરી. શિક્ષિત આભા વાતચીતની ગંભીરતા સમજી ગયી. મને લાગે છે કે તે વખતે કોઈ ચકોર આંખો અમારી પીછો કરી રહી હતી. હું બધી વાતો કરી રહી હતી તે વખતે પેલો ગ્લાસ મારા હાથમાં જ હતો. હું આભાને ત્યાંથી ભાગી જવા માટે કહી રહી હતી તેજ વખતે પંડાલની બીજી બાજુથી કોઈએ અમારા ઉપર મોટું જાદુ કપડું નાંખી દઈ અમને બંનેને બાથમાં દબાવીને દોડવા લાગ્યા. અમે બૂમો પાડી પણ પંડાલના શોર બકોરમાં કોઈ અમને સાંભળી ના શક્યું, કોઈને ખબર ના પડી. હવે જે થવાનું હતું તે નક્કી હતું. હાથમાંના ગ્લાસમા રહેલ પીણું મેં પી લીધું અને આભાને ભાગી છૂટવાં વિનંતી કરી. થોડાક અંતરે ગયા પછી મારુ શરીર ઠંડુ પડવા માંડ્યું. તે પીણું નહિ ઝેર હતું. જે મજબૂત બે જણાએ અમને પકડ્યા હતા તે ઉભા રહ્યા અને તેમાંથી એક બોલ્યો - “ચંદ્રમુખી ! તું હવે અહીંથી ભાગી જા.” તે જ વખતે મારા બદલે આભા ત્યાંથી ભાગી ગયી. અંધારામાં બંનેને કોઈ શક નહિ થયો. થોડી વારમાં વિસર્જન કરનારાઓની ટોળી નીકળે એવું હતું, તેથી એ બંનેએ મને એ કપડામાં લપેટીને મુશ્કેટાટ બાંધી એક ઘરમાં સંતાડી દીધી. મારું શરીર શક્તિહીન થઇ રહ્યું હતું. શું બની રહ્યું છે એ સમજવું મારા માટે મુશ્કેલ થઇ રહ્યું હતું. મોડી રાત્રે એ લોકો સીધાજ ઘાટ ઉપર લઈ ગયાં અને ગોઠવી રાખેલ ચિતા ઉપર મને સુવડાવી દીધી. દોડધામમાં મારા વાળ એમના કપડામાં માથાના બક્કલને લીધે ગુંચવાઈ ગયા હતા તેથી એક જણે એના કમરમાં રાખેલ તીક્ષ્ણ હથિયારથી મારા વાળનો જુડો કાપી નાંખી નીચે ફેંકી દીધો. હું હજુ જીવતી હતી, પરંતુ શરીરમાં તાકાત નહોતી. ઉતાવળે મને અગ્નિદાહ આપીને તેઓ ત્યાંથી ભાગી ગયા, મારુ શરીર અગ્નિની જ્વાળામાં સળગી રહ્યું હતું, મારા પ્રાણ નીકળી ગયા. ચિતાની બાજુમાં ઉભી રહી હું પોતાના શરીરની રાખ થતાં જોઈ રહી હતી. હું હવે એક પ્રેતાત્મા હતી. લગભગ એક-દોઢ કલાક પછી તમે ઘાટ ઉપરથી પસાર થઇ રહ્યા હતા અને મેં મારું માથું - ખોપડી અને વાળની લટો તમારા પગમાં મૂકી શરણ થઇ.
(ક્રમશઃ )