પિન કોડ - 101
પ્રકરણ-109
આશુ પટેલ
‘પ્લેન એના ફ્લાઈટ પાથથી ફન્ટાશે એ સાથે ઍર કંટ્રોલ ટાવરના અને ઍરફોર્સના રડાર સ્ટેશનના ઓપરેટર ને અધિકારીઓને તરત જ ખબર પડી જશે. અને પ્લેન બીએઆરસીથી થોડે દૂર હશે ત્યાં જ ઇન્ડિયન ઍરફોર્સ તેને ફૂંકી મારશે. આખા ભારતનો ખૂણેખૂણો ઍરફોર્સના રડાર સ્ટેશન્સના સર્વેલન્સ હેઠળ છે. આવા કોઇ પણ સંવેદનશીલ વિસ્તાર તરફ કોઇ પણ અનઆઇડેન્ટિફાઈડ વસ્તુ જતી જણાય કે કોઇ પણ પ્લેન પોતાના માર્ગમાંથી ફંટાય તો તેને ફૂંકી મારવાનો આદેશ અપાયેલો હોય છે. આવાં સંવેદનશીલ સ્થળો પર હવાઈ હુમલા ખાળવા માટે પચ્ચીસ કિલોમીટરના અંતરે સરફેસ ટુ ઍર મિસાઈલ ડિપ્લોઈડ હોય છે. ગણતરીની સેક્ધડ્સમાં મિસાઈલ વડે એ પ્લેનને ફૂંકી મરાશે.’ વૈજ્ઞાનિકે ઈશ્તિયાકને સમજાવવાની કોશિશ કરતા કહ્યું.
‘તમને ઘણું જ્ઞાન છે એ જાણીને આનંદ થયો. મને આ બધી ખબર છે, પણ ઍરફોર્સવાળા થોડી સેક્ધડની ગફલત કરી જશે અને ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હશે!’ ઈશ્તિયાક હસ્યો.
‘એટલે?’
‘એ પ્લેનમાં એક વીવીઆઈપી છે!’
‘ગમે તેવા વીવીઆઈપી એ પ્લેનમાં હશે તો પણ ઍરફોર્સ એ પ્લેનને ફૂંકી મારશે!’ વૈજ્ઞાનિક હવે થોડો સ્વસ્થ થયો હતો.
‘એવી તક તેમને મળશે નહીં. કેમ કે એ પ્લેનમાં જે વીવીઆઈપી છે એને કારણે ઍરફોર્સ અને આર્મિના રડાર સ્ટેશનમાં તહેનાત અધિકારીઓ એક વાર તો સ્તબ્ધ થઈ જશે. એ વીવીઆઈપી સાથેના પ્લેનને ફૂંકી મારવા માટે મિસાઈલ છોડતા પહેલા તેમણે ઍરફોર્સના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને તેનો આદેશ લેવો પડશે ત્યાં સુધીમાં તો એ પ્લેન બીએઆરસીની અણુભઠ્ઠી પર ક્રેશ થઈ ચૂક્યું હશે! અને આ મુલ્કનુ લશ્કર આટલું સાબદું હોત તો મંત્રાલય, વિધાનભવન અને પોલીસ હેડ ક્વાર્ટર પર ફ્લાઈંગ કારથી હુમલાઓ થઈ જ ના શક્યા હોત. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટરની બન્ને ઈમારતો પર એમના જ પ્લેન ઘૂસી ગયા એ વખતે અમેરિકાની બધી સીસ્ટમ ક્યા ગઈ હતી! હવે સમય બગાડ્યા વિના હું કહું છું એ પ્રમાણે પાઈલટના દિમાગને આદેશ આપ. નહીં તો હું તારા દિમાગને ફૂંકી મારીશ.’ ઈશ્તિયાકે વૈજ્ઞાનિકની ગરદનમાં પિસ્તોલનું નાળચું દબાવ્યું.
વૈજ્ઞાનિક તેના આદેશને અનુસર્યો. તેણે પાઈલટના દિમાગને આદેશ આપ્યો. પાઈલટના દિમાગને કંટ્રોલ કરવા માટે ફિટ કરાયેલી માઈક્રો ચિપને કારણે લેપટોપના સ્ક્રીન પર એક લાલ ટપકું દેખાતું હતું. એ ટપકાને કારણે પ્લેનનું ડિરેક્શન બદ્લાયું એની ઈશ્તિયાકને ખાતરી થઈ. આ દરમિયાન એ પ્લેન લેન્ડિંગ માટે ખાસ્સું નીચે આવી ગયું હતું. પ્લેન લેન્ડ થવાને બદલે ફન્ટાઈ ગયું અને બહુ ઓછી ઊંચાઈએ બીએઆરસીની દિશામાં ઊડવા લાગ્યું.
‘હવે પોલીસ અંદર આવી જશે તો પણ કશું નહીં કરી શકે. પોલીસ આપણને પકડીને બહાર લઈ જવાની કોશિશ કરશે ત્યાં સુધીમાં તો ખેલ ખતમ થઈ ગયો હશે!’ ઈશ્તિયાક વિકૃત રીતે હસતા બોલ્યો.
‘*%! તે આટલો મોટો દગો ર્ક્યો? હું તારા નાપાક ઇરાદા બર નહીં આવવા દઉં! હું હમણાં જ પોલીસને શરણે થઇ જાઉં છું અને તને પણ પોલીસના હાથમાં સોંપી દઉં છું. મેં ગમે એમ તો આ મુલ્કનું નમક ખાધું છે! હું આ મુલ્કને તબાહ નહીં થવા દઉં!’ કાણિયા ફાટી જાય એટલા ઊંચા અવાજે બોલી રહ્યો હતો.
‘હવે આ મુલ્ક માટે લાગી આવ્યું તને? આ મુલ્કને બરબાદ કરવા માટે તે તન, મન, ધનથી મદદ કરી ત્યારે તારી આ મુલ્ક પ્રત્યેની વફાદારી ક્યાં ગઇ હતી? હકીકત એ છે કે તને મોતથી ડર લાગી રહ્યો છે. પણ તારા માટે બધી બાજુ મોત રાહ જોઇ રહ્યું છે. તું પોલીસ પાસે જઇશ તો પોલીસ તારી વાત સાંભળ્યા પહેલા જ તને ગોળી મારી દેશે! તું અમને અટકાવવાની કોશિશ કરીશ તો અમે તને ગોળી મારી દઇશું! હવે સમય વીતી ચૂક્યો છે. ગદ્દારીનો વિચાર કરીને જહન્નુમમાં જવા કરતાં સામી છાતીએ મોતને ભેટીને જન્નતમાં જવાની તક ઝડપી લે.’
ઇશ્તિયાક કાણિયાને ‘ભાઇ’ કહીને સંબોધન કરતો હતો અને કાણિયા ઇશ્તિયાકને ‘ભાઇજાન’ તરીકે સંબોધતો હતો, પણ અત્યારે બંને એકબીજાને તુકારે સંબોધવા માંડ્યા હતા.
જહન્નુમમાં જાય તારા જન્નતના સપના! હું તને છોડીશ નહીં, %*’ કાણિયાએ તેની અત્યાધુનિક પિસ્તોલ ખેંચી કાઢતા કહ્યું.
ઇશ્તિયાક હસ્યો. તેણે કહ્યું, ‘ચલાવ ગોળી, આમ પણ ત્રણ-ચાર મિનિટમાં આપણે બધાએ મરવાનું જ છે!’
કાણિયા મૂંઝાઇ ગયો. તેણે કહ્યું, ‘અલ્લાહને વાસ્તે રહમ કર. મુંબઇની સાથે આપણા મઝહબના ચાલીસ લાખ જેટલા માણસો પણ માર્યા જશે. અલ્લાહને શું જવાબ આપીશ?’
‘જે અમારી સાથે છે એ બધાં જન્નતમાં જશે અને મુલ્કપરસ્ત મઝહબદ્રોહીઓ જહન્નુમમાં જશે. અલ્લાહ સૌનો હિસાબ કરશે!’
* * *
અઢી કરોડ માણસોને સલામત રાખવા માટે થોડાક માણસોને ગોળી મારી દેવામાં મને બિલકુલ અફસોસ નહીં થાય. હું ત્રણ સુધી ગણીશ અને પછી ફાયરિંગનો આદેશ આપી દઇશ. ડીસીપી સાવંતે એક પોલીસ વાહનમાં ગોઠવાયેલા લાઉડ સ્પીકર પરથી મૌલવીના ઘર બહાર બેકાબૂ બની રહેલા ટોળાને ચેતવણી આપી..
જોકે કાણિયાના સમર્થકોએ તેમની ચેતવણી અવગણીને ટોળાને કાબૂમાં લેવા મથી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે અથડામણ ચાલુ રાખી.
ડીસીપી સાવંત અને ડીસીપી અમોલ રોય એ હવામાં ગોળીબાર ર્ક્યો. એનાથી તો ટોળાને ઓર ઝનૂન ચડ્યું. તેઓ પોલીસને હડસેલતા હડસેલતા મૌલવીના ઘરના દરવાજા પાસે આડશ માટે ઊભી કરાયેલી પોલીસ વેનની નજીક પહોંચી ગયા હતા. એ બધા એક વાર મૌલવીના ઘરમાં ઘૂસી જાય તો ઓપરેશન બાજુએ રહી જાય એમ હતું. એ જ વખતે કેટલાક માણસો ડીસીપી સાવંત અને ડીસીપી રોય તરફ દોડ્યા. બંને અધિકારીએ તેમના તરફ ધસી રહેલા કેટલાક તોફાનીઓના પગમાં ગોળી મારી દીધી. એ જ વખતે એક યુવાનને તેની બાજુમાં દોડી રહેલા યુવાનનો ધક્કો લાગ્યો એટલે તે ગબડ્યો. ડીસીપી સાવંતે છોડેલી એક ગોળી તેના માથામાં ધરબાઇ ગઇ. પોલીસે ખરેખર ગોળીબાર શરૂ કરી દીધો એટલે એ તોફાનીઓ ગભરાયા. એ દરમિયાન ક્રાઉડ કંટ્રોલ ટીમનું સુકાન સંભાળી રહેલા સિનિયર ઈન્સ્પેક્ટર ગુપ્તેએ પણ તોફાને ચડેલા માણસો પર ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો હતો. પોલીસે ટોળા પર ગોળીબાર શરૂ કર્યો એ જોઇને જે ટીવી ચેનલના કેમેરામેનનો કેમેરો તૂટ્યો નહોતો તેનાથી રહેવાયું નહીં. સાવંત અને ડીસીપી રોયનું ધ્યાન ટોળાંને કંટ્રોલ કરવામાં હતું એ દરમિયાન તેણે ગોળીબારનાં દ્રશ્યો શૂટ કરવા માંડ્યાં. એ જોઇને સ્ટેન્ડ બાય ટીમનો એક સબ ઇન્સ્પેક્ટર તેના તરફ ધસી ગયો. તેણે એ કેમેરામેન પાસેથી કેમેરો આંચકીને ઝનૂનપૂર્વક નીચે પછાડ્યો. કેમેરા તૂટી ગયો. કેમેરામેન સાથેનો પત્રકાર કંઇક બોલવા ગયો, પણ પેલા સબ ઇન્સ્પેક્ટરે તે બંનેને બોચીએથી પકડ્યા અને પોલીસ વેનમાં ધકેલી દીધા. એ જોઇને બીજા એક કોન્સ્ટેબલે પણ પેલી પત્રકાર યુવતી અને તેની સાથેના કેમેરામેનને એ પોલીસ વેનમાં ધકેલ્યા. સાવંત અને રોય તરફ ધસેલા કેટલાક તોફાનીઓને ખાળવા સાવંતે ગોળીબાર શરૂ ર્ક્યો એ સાથે સ્ટેન્ડ બાય ટીમના કેટલાક જવાનો તેમની વહારે ચડી આવ્યા હતા. તેમણે એકે ફિફ્ટી સિક્સમાંથી ફાયરિંગ શરૂ ર્ક્યું. તેમની અંદર દબાયેલી સ્પ્રીંગ જેવી લાગણી ઉછળીને બહાર આવી હતી અને જાણે જનરલ ડાયરના સૈનિકો હોય એ રીતે તેમણે લોકોને સીધી છાતી અને માથામાં ગોળીઓ મારવા માંડી. તેમણે જોયું હતું કે એક યુવાનને માથામાં ગોળી વાગી હતી. તેને કઇ રીતે માથામાં ગોળી વાગી હતી એ સમજ્યા વિના જ તેમણે ધારી લીધું કેઆપણા બોસ માથામાં ગોળીઓ મારી રહ્યા છે એટલે હવે સમય આવી ગયો છે કે આપણે પણ તેમને અનુસરીએ. ટોળું લાઠીચાર્જથી કાબૂમાં ના આવે તો પહેલાં કમરથી નીચે ગોળીઓ મારવાનો સાવંતનો આદેશ તેઓ ભૂલી ગયા અને તેમણે પોલીસ સાથે અથડામણમા ઊતરેલા માણસોને કમરમાંથી ઉપરના ભાગમાં ગોળીઓ મારવા માંડી. સાવંત કંઇ સમજે એ પહેલાં તો ગોળીબારમાં ચાર-પાંચ જણાની છાતી અને માથા વીંધાઇ ગયા. એમાં એક મહિલા અને એક પંદરેક વર્ષનો છોકરો પણ હતા.
પોલીસ જવાનોને કાબૂ બહાર જતા જોઈને સાવંતે બરાડો પાડ્યો: ‘સ્ટોપ ધ ફાયરિંગ.’ જો કે સાવંતના આદેશથી પોલીસ જવાનોએ ગોળીબાર બંધ કર્યો ત્યાં સુધીમાં એકાદ ડઝન વ્યક્તિઓના શરીરમા ગોળીઓ ધરબાઈ ગઈ હતી. એ અંધાધૂંધ ગોળીબારને કારણે તોફાનીઓ જીવ બચાવવા પોતાની સોસાયટીઝ તરફ ભાગવા લાગ્યા હતા. એમાંના કેટલાકને પીઠમાં પણ ગોળીઓ વાગી ચૂકી હતી.
પાછળની બાજુએ ગોળીબાર થયો અને પોતાના સાથીદારોને સોસાયટીઝ તરફ ભાગતા જોયાં એટલે મૌલવીના ઘર તરફ ધસવા માગતા તોફાનીઓને પણ ડર લાગ્યો. એમાંનાં કેટલાકને પણ સાવંત તરફથી છૂટેલી ગોળીઓ પીઠમાં વાગી હતી. પાછળથી થયેલા અંધાધૂંધ ગોળીબારને કારણે તોફાનીઓને કાબૂમાં લેવા મથી રહેલા બે પોલીસમેનને પણ ગોળી વાગી. જોકે એ ગોળીઓ તેમના માટે જીવલેણ સાબિત ના થઈ કારણ કે એમાંથી એક પોલીસમેનને ડાબા કાંડામાં અને બીજા પોલીસમેનને જમણા ખભામાં ગોળી વાગી હતી. બંને બાજુથી ઘેરાયેલા તોફાનીઓને મોતનો ડર લાગ્યો. તેઓ ઢીલા પડ્યા. એ તકનો લાભ લઇને પોલીસ કર્મચારીઓ તેમના પર તૂટી પડ્યા. એ બધાંને અંદાજ નહોતો કે આ વખતે પોલીસ પૂરી તૈયારી સાથે આવી છે. એ બધાં પાછા હટવા લાગ્યા. એ દરમિયાન એક પોલીસ જવાનની લાઠી ભાગી રહેલા એક આધેડ વયના પુરૂષના લમણાં પર ઝીંકાઇ અને તે ચક્કર ખાઇને પડ્યો. તેના લમણાંમાંથી લોહી વહેવા લાગ્યું. પોલીસની આક્રમકતા જોઇને તોફાનીઓ આવ્યા હતા એથી વધુ ઝડપે નાસવા લાગ્યા. રોષે ભરાયેલા પોલીસ કેટ્લાક કર્મચારીઓ હોટ પર્સ્યુ કરતા ભાગી રહેલા માણસો પર લાઠી વરસાવતા તેમની પાછળ દોડ્યા. મુંબઈના ઈતિહાસમાં પહેલી વાર પોલીસ હેડ ક્વાર્ટર પર આતંકવાદી હુમલો થયો હતો અને સેંકડો પોલીસ જવાનો અને અધિકારીઓ કમોતે માર્યા ગયા હતા એ ખુન્નસ ઠાલવવાનો તેમને મોકો મળ્યો હતો.
પોલીસ તરફથી સ્થિતિ બેકાબૂ બનતી જોઈને સાવંતે લાઉડ સ્પીકર પર તેમને પાછા વળવાનો આદેશ આપ્યો. મહામહેનતે પોતાની જાત પર કાબૂ મેળવીને પોલીસ કર્મચારીઓ આજુબાજુની સોસાઈટીઝમાંથી પાછા વળ્યા. એ જગ્યામાં માત્ર પોલીસ કર્મચારીઓ અને ગોળીઓ ખાઇને કે લાઠીઓ ખાઇને જમીન પર પડેલા તોફાનીઓ જ રહ્યા. સાવંતે તેમને અને જખમી પોલીસ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો આદેશ આપ્યો. જોકે એમાંથી કેટલાક તોફાનીઓને તો માત્ર પોસ્ટમોર્ટમની જ જરૂર પડવાની હતી!
* * *
એરફોર્સના રડાર સ્ટેશનના સર્વેલન્સ યુનિટના ઓપરેટરની આંખો વિસ્ફારિત થઇ ગઇ હતી. તેણે સ્ક્રીન પર એરક્રાફ્ટ સિગ્નેચર જોઇ. તેણે જોયું કે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવા માટે નીચાઈએ આવ્યા પછી લેન્ડ થવાને બદલે એ પ્લેનનો ફ્લાઇટ પાથ ચેન્જ થયો છે. એ પ્લેન અચાનક દિશા બદલીને ભાભા એટમિક રિસર્ચ સેન્ટરની દિશામાં આગળ વધ્યું.
ઓપરેટરની આંખ આઘાતથી વધુ પહોળી થઇ ગઇ. તેણે તરત જ બાજુમાં પડેલી હોટલાઇન ઉઠાવી અને કોઇને જાણ કરી કે એક એરક્રાફ્ટ તેનો પાથ છોડીને બીએઆરસી તરફ આગળ વધી રહ્યું છે.
એ જ વખતે એરફોર્સની કમાન્ડ પોસ્ટ પર બેઠેલા ગ્રુપ કેપ્ટને પણ સ્ક્રીન પર જોયું કે એક પ્લેન એનો ફ્લાઈટ પાથ છોડીને બીએઆરસી તરફ ફંટાયું છે.
આર્મીના સર્વેલન્સ યુનિટના સ્ક્રીન પર નજર રાખી રહેલા એક લેફ્ટનન્ટ કર્નલની આંખો પણ આશ્ર્ચર્ય અને આઘાતથી પહોળી થઈ ગઈ. આવી રીતે કોઈ પણ પ્લેન સંવેદનશીલ સ્થળ તરફ ફંટાય તો તેને ફૂંકી મારવા સિવાય બીજો કોઈ પણ વિકલ્પ એ વખતે હોતો નથી.
પણ આ પ્લેન ફૂંકી મારતા અગાઉ એરફોર્સના અધિકારીઓએ એર માર્શલની અને આર્મીના અધિકારીઓએ જનરલની પરવાનગી લેવી પડે એમ હતી.
કારણ કે એ પ્લેન એરફોર્સનું હતું અને એમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર પ્રવાસ કરી રહ્યા હતા!
(ક્રમશ:)