Otalo - 2 in Gujarati Moral Stories by Krunal K Gadhvi books and stories PDF | ઓટલો - (વાસ્તવિકતાની વાતું) - ભાગ-2

Featured Books
Categories
Share

ઓટલો - (વાસ્તવિકતાની વાતું) - ભાગ-2

ઓટલો

(વાસ્તવિકતા ની વાતું)

ભાગ-૨

ઓટલો ભાગ-1 નો થોડો પરિચય.

જીવાભાઈ..... જીવાભાઈ.... શબ્દો જીવા સુધી પહોઁચે તે પેહલા "ઓટલા"ની પડખે થઈને નીકળતી નાનકડી સરખી શેરી(ગલી) જે તરફ થી જીવો આવે'લો તેમાં અદ્રશ્ય થતો નજરે પડ્યો.

જુવાન ના જીવન માં એક સૂવર્ણ સુરજ નારાયણ ના પગલાં થઈ ચૂક્યા હતા, જીવન ના સાચા મર્મ સુધી આજનો સુરજ જુવાન ને લઈ આવ્યો હતો, પણ આતો કુદરત છે! ક્યાક સૂવર્ણ સૂર્ય ને મોકલે અને ક્યાંક ગ્રહણ લગાવી દે, જુવાન ની માનસિક સ્થિતિ અને દસ-એક ગામ છેટે બેઠેલા તેના પરિવાર ની માનસિક પરિસ્થિતીમાં જળ અને જમીન જેટલો તફાવત હતો.

***

મિનિટો સુધી રણકતા એલાર્મ નો સ્વર આજે શરુ થતાની સાથેજ દબાવી દેવામાં આવ્યો!, સમી સાંજ થી હૈયે ઉપડેલા ઉચાટે, ક્લેશ ને ગૃહ પ્રવેશ કરાવેલો, અધખુલ્લી ખડકી(બારી)માંથી સતત ફુંકાતા ધુંવાડાએ આસપાસ ઉગેલી પરોઢ ને પણ ધૂંધળી બનાવી, ઓસરી મા ખડકી ની પડખે પચાસેક વર્ષો થી ખામ્ભી ની જેમ ખોડાયેલો સીસમ નો અડીખમ ઢોલિયો!, આજ પેહલી વાર વ્યથા, ચિંતા, ક્લેશ, ઉકળાટ અને હતાશા ના ભાર તળે ખળભળી ઉઠ્યો, ઢોલિયા ની શોભા ને બમણી કરતા નક્ષી કામ ને રાતો-રાત વૃદ્ધાવસ્થા સાંપડી.

સુરજ નારાયણ ના સંપૂર્ણ વ્યાપ પૂર્વે ની પરોઢે ફૂંકાતી ગુલાબી ઠંડી સામે લોઢું લેવા!, અડધા શરીર ને ઢાંકતો કાળો ભમ્મર ધાબળો, શિયાળા ના ૧૨૦ દિવસ પૂરતું પીપ’ડા માંથી કાઢે'લ જુનવાણી મફલર નો મા’થે ફેંટો બાંધેલો, લગન પછી ના પેલ્લા શિયાળે અર્ધાંગિની એ લાગણીને તાંતણે પ્રેમ ની હૂંફ થી ગુંથેલ અડધી બાં (બાં’ઈ) નું સ્વેટર, આજે પણ એટલી જ લાગણી થી પેર્યું છે, ઉચાટ અને ઉદ્વેગ મને ફૂંકી મરેલા ચો તરફ વિખરાયેલા બીડીયું ના મૃતદેહો(ઠુંઠા) થી ઘેરાયેલા ઢોલિયા મા'થે વાનપ્રસ્થ આયું ને વટાવી ચૂકેલા 'બાપુજી" ધ્યાન-અવસ્થા લઈ બેઠા હતા.

આયું એ શરીર ને વૃદ્ધાવસ્થા એ પહોચાડેલું!!... છતાં! આજે પણ, અનીતિ,અન્યાય,અસત્ય સામે બાથ ભીડવા તેના હાથ પગ સાંકળ તોડાવતાં હોઈ છે, મર્યાદા, સ્નેહ, શ્રદ્ધા સામે પોતાનું સર્વસ્વ ઢાળી દેવા ની તૈયારી દાખવતા બાપુજી ના ખમીરવંતા ચેહરા સામે દરેક માથાં લાગણી થી ઝુકી જવા તત્ત્પર હોઈ છે. બાપુજી ના જીવનકાળ દરમિયાન ઉગેલા સૂર્ય માનો એક પણ સૂર્ય હતાશા અને પરાજય નો નહોતો, પણ કોણ જાણે આજ આ કેવો સૂર્યોદય થયો છે કે સઘળી નવીનતાઓ ઢોલિયે ચડી બેઠી.

ખડકી પાસે થી નીકળતા એકે-એક માણસ નો હાથ ખડકી બાજુ ઊંચો થતો અને નિરાશા લઈ નીચે બેસી જતો એટલુજ નહિ!

લગન ના ૩૬ વર્ષ વીતી ગયા, પણ આજ પેલ્લી વાર પરોઢિયે "બા" ના સૌ પેલ્લા "જય શ્રી કૃષ્ણ" ને પણ કોઈ પ્રતિસાદ નથી મળ્યો..... અને સ્ત્રી સહજ સ્વભાવ કકળાટે ચડ્યો!

આખી રાત ઠો.. ઠો કર્યું છે, હવે બીડીયું મુકો…. તમને ક'વ છું, જવાબ આપો.....!! આમ કહેતા બા ખાટલે બેઠા થયા.

જવાબ ની પ્રતિક્ષા કરતાં બા ના કાને આદેશ પડ્યો..

કડક મીઠો "ચા" પા'વ....! ફક્ત આટલું જ કહી બાપુજી બીડીયું ની જુડી ખુટવાડવા ફરી વ્યસ્ત થયા.

બાપુજી ના આદેશ ને પૂરો કરવા ૪ હાથ ચૂલે વળગ્યા..! જય શ્રી કૃષ્ણ "બા" સાથે વહુ બોલી.....તમે રે’વા દ્યો બા હું ચા બનાવી લવ છું, તમે બાપુજી પાસે બેસો, ઈ બૌ ચિંતા એ ચડેલા હોઈ એવું લાગે છે.

બટા,મારે ઇ બીડિયું ના ધુવાડા ખાવા ન’થ જાવું, હું તો મારા કામે વળગું છું, એને જેમ કરવું હોય એમ કરે, આટલું કહી બા એ સાડી ની પાટલી વાળી અને વાસી મોઢે ૐ નમઃ શિવાય જાપ શરૂ કરી દીધા.

સુંઠ, તુલસી નો મસાલો ભૂકી સાથે દૂધ માં ઉકળતો ગયો, એક ઉફાણે અધડો કપ ચા ચૂલા માથે જ ઉભરાવી નાખી, બીજો ઉફાણો આવે ઇ પહેલા ચા નું પત્ર બદલાયુ, થોડી સેકંડોમા રસોડે થી ચા ઓસરી તરફ જવા નીકળી.

બાપુજી આજે બૌ વેહલા ઉઠી ને બેઠા છો?

પ્રશ્ન સાથે સુંઠ-તુલસી ની સુગંધ અને ઊની-ઊની વરાળ ઓકતો ચા નો કપ, બાપુજી સમક્ષ રજુ થયો.

ભોં પર વેર વિખેર બીડીયું ના ઠુંઠાંઓ સાથે વધુ એક ઠુંઠુ જોડાઈ ગયું, ચા નો કપ રૂપાળા-કુમળા હાથે થી વૃદ્ધ હાથે ચડ્યો....

ચા ની પ્રથમ ચુસ્કી સાથે પેટ સુધી પહોંચેલી ઊની વરાળે ઉંના નિસાસા ને બહાર તરફ મોકલ્યો અને વહુ ના કાન નો દરવાજો ખખડાવ્યો.

વહુ બેટા, કાલ સાંજ ની રાત થઇ અને રાત ની સવાર! પણ મુનો હજી પાછો નથી આવ્યો, મેં એને બૌ સમજાવી ને મોકલ્યો તો, હે બેટા…..? મુનો ઠીક તો હશે ને? એને…… કાઈ તકલીફ તો નઈ પડી હોઈ ને?

બીડીયું ના ઠુંઠા ઉપર ફરતી સાવરણી ની ગતિ વધી, વહુ એ નિરાશા ના પડઘા લઇ તેના કાન સુધી પહોંચેલા નિસાસા ને પ્રવેશ દ્વાર થી વંચિત કરતા બાપુજી ને વળતો જવાબ આપ્યો,

બાપુજી ચિંતા શું કરો.....?

આજ-કાલ ના છોકરાવ ક્યાંય હેરાન થાઈ એમ નથી..! ગામડા ગામ માં વહેલા મોડું થાય, ઈ તો આવી જશે! તમે ચિંતા નો કરો, હું હમણાં એને(મુના ને) ફોન કરું છું! તમે આરામ થી ચા પીવો.

આખી રાત નો ઉદ્વેગ એક ચા ના કપ થી ઘટી જાય કે મટી જાય તેમ નહોતો, બાપુજી પોતાની સગ્ગી આંખે મુના ને જોવે નહિ ત્યાં સુધી રાહત અને હાશકારા ને ઢોલિયા ફરતે ફરકવું પણ નિષેધ હતું.

વહુ તરફ થી મળેલા દિલાસા ને બાપુજી એ બીડી નો ધુવાડો સમજી બારી બાર ફૂંકી માર્યો, અને ફરી પોતાની નજર ને ડેલી મા’થે ઠેરવી દીધી. નજર અને ડેલી વચ્ચે ના સંબંધ ને તોડ્યા વગર બાપુજી એ કહ્યું,

વહુ બેટા સાગર ની બા ને મોકલો તો.....

હા બાપુજી! કહી, ઓસરી એ થી ઉપડેલો સાદ " બા એ બા" હળવે હળવે રુમ સુધી પહોંચ્યો, રસોડા ને ઓળાંગી બીજા રૂમ માં પ્રવેશ્યો. વહુ ના સાદ ને છેલ્લા રૂમ ના બાથરૂમ માંથી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય પ્રતિસાદ મળ્યો.

છેલ્લા રૂમ માંથી વહુ પ્રતિસાદ લઇ પરત ઓસરી એ ફરી……. બાપુજી, બા નાહ્વા બેઠા છે, બાર આવે એટલે તરત મોકલું!

બાપુજી ના નેત્રો અને ડેલી વચ્ચે નો સંબંધ સતત ગાઢ બનતો ગયો, બીડીયું ખૂટતી ગઈ, ઉદ્વેગ વધતો ગયો અને આશા,પ્રતિક્ષા, ખુશી જેવા સ્ત્રીલિંગ શબ્દોએ બાપુજી ની સવાર માં’થી વિદાય ની તૈયારી કરી.

ઓમ નમઃ શિવાય - ઓમ નમઃ શિવાય નું રટણ છેલ્લા રૂમના બથરુમે થી ઓસરી તરફ આવ્યું, બાપુજી ને વધુ એક દિલાસો હમણાજ મળવાનો છે એવી પ્રતીતિ થઈ ચૂકી હતી!! અને બા બોલ્યા.....

ઉભા થાવ અને નાઈ-ધોઈ લ્યો, મુનો હમણાં આવશે, ચિંતા હુ (શું) કરો? તમે તો અમારી હિંમત છો, તમે ઢીલા પડો તો અમે ક્યાં જાહું? હાલો...હાલો ઉભા થાવ.....આમ કહેતા બા ના સ્વર માંથી ઉત્સાહ વિલીન થતો ગયો, “વર્ષો થી સંઘરાયેલા આંસુ” ને મૂંગા મોઢે વહી જવા ની મંજુરી મળી, ઓમ નમઃ શિવાય નું રટણ પહેલા કરતા જડપી બન્યું.

મનુષ્ય નું જીવન સાંકળ જેવું છે, એક મણકા ને કાટ લાગે એટલે સઘળા મણકાઓ ધીમે ધીમે પોતાની હિંમત અને તાકાત ખોઈ બેસે છે, ફર્ક એટલો જ થોડા તાદ્રશ્ય થાય છે અને થોડા અંદર ખાને...

બા અને બાપુજી વચ્ચે ચાલતા દ્રશ્ય ની સાક્ષી બનેલી વહુ ને હાથે થી સાવરણી સરવાનો અવાજ આવ્યો, હું બાપુજી ને ક્યારની એ જ કહું છું, કે ચિંતા શુકામ કરો છો?..... હું...હું સાગર ને કહું હમણાં મુના ને ફોન કરે અને તાત્કાલિક ઘરે બોલાવે.

સાગર ના રૂમ સુધી પહોચતા વહુ ના મિથ્યા ભાવો ને મોક્ષ મળ્યો, રુદન અને ચિંતા થી ઉદ્ભવેલા કમ્પન્ન સ્વર સાથે કંપી ઉઠેલા પત્ની ના શરીર ને પતિ સાગરે પોતાના બંને હાથો માં ટેકવી દીધું.

મુના નો પરિવાર સમજુ, સુખી અને સંયુક્ત હોવા ની ખાતરી સાગર ના પ્રતીભાવ પરથી મેળવી શકાય છે.

સાગર... સાગર તમે જલ્દી મુના ને ફોન કરો...!! બા અને બાપુજી બોઉં ચિંતા કરે છે, જલ્દી... જલ્દી... કરો.

અને તું.....? સાગરે લાગણીથી છલકતા સ્વરે એક પ્રશ્ન કર્યો.

સાગર, હું “માં” છું, હું તો ગઈકાલ રાત થી તૂટી પડી છું, પણ એ પહેલા હું તમારી પત્ની છું, બા અને બાપુજી આ ઘર ના સ્તંભ છે, અત્યારે તેઓ ને ટેકો દેવો એ જ આપણી નૈતિકતા છે.

પત્ની.. આજ પ્રથમ વખત ગર્વ થાય એવું વચન બોલી રહી હોય એવું બિલકુલ નહોતું, અને કોઈ ચિંતા સૌ પહલી વખત ઘર માં પ્રેવશી હોય એમ પણ નહોતું, આજ સૌ પ્રથમ વખત પત્ની લાગણી, ચિંતા અને સમજણ ને સાથે લઈ સાગર ને ગળે વળગી હતી.

સત્ય છે; જ્યારે લાગણી, પ્રેમ અને સમજણ ની ત્રિપુટી કોઈ સારા કે નરસા પ્રસંગ માં ભળે ત્યારે પરિસ્થિતીના પરિણામ સુધી પહોચવું ખૂબ સહેલું બની જાય છે.

પત્ની ના વચનો સાંભળી, સાગરે ચેહરા પર ગર્વ, આંખો માં પ્રેમ અને હ્રદયે પ્રસન્તાના ભાવો ઓઢી લીધા, પત્ની ની પીઠ પર ફરતા તેના બંને હાથે પ્રેમ અને આશ્વાશન જેવા ભાવો નો અનુભવ પત્નીને કરાવ્યો.

પરિવાર માં સઘળા એક સમાન ન હોઈ શકે, ઈશ્વરે દરેક ને પરિસ્થિતિ અનુરૂપ જીવવા ની કળા શીખવી છે, પણ એક બીજા ની હિંમત બની ને જીવન જીવવા ની કળા સંસ્કાર શીખવે છે.

પત્ની ને આશ્વાશન નો ઘૂંટડો પીવરાવી સાગર બા-બાપુજી પાસે હિમ્મત, પીઢતા અને સ્નેહ સાથે બોલ્યો, બાપુજી હું હમણાં બસ સ્ટેન્ડ જાઉં છું અને બસ ક્યારે નીકળી એ તપાસ કરી લઉં છું, જ્યાં સુધી મુના સાથે વાત ન થાય ત્યાં સુધી ચિંતા કરવી વ્યર્થ છે.

અહી પરિવાર ને મળેલું આશ્વાશન ખૂબ સૂક્ષ્મ હતું, પરંતુ મૃતક ને બચવવા આપતા ઑક્સીજન જેટલુજ મહત્વ નું હતું, અહી સાગરે આપેલા આશ્વાશન માં ફક્ત આશા ની કિરણ નહિ પરંતુ એક વિશ્વાસ હતો, નિશ્ચિંતતા હતી અને ધીરજ નો સમદર (સમુદ્ર) હતો જેણે બાપુજી ને ઢોલીયા થી અળગા થવા ની હિંમત આપી, બા ના ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ માં ફરી ઉત્સાહ જન્મ્યો. અને બારી એ વળગેલી પત્ની ની આંખો સામે થી સાગર ની ગાડી મુના ની ખોજ માટે નીકળી.

મનુષ્ય સાથે જોડાયેલા શ્રધ્ધા,ધીરજ,વિશ્વાસ ના તાંતણા ખુબ સંવેદનશીલ હોઈ છે, આ તાંતણાઓ ને મનુષ્ય સાથે જોડી રાખવા અપાર પ્રેમ અને હકારાત્મકતા ના પ્રવાહો ને જીવન માં વહેતા રાખવા ખુબ જરૂરી છે.

એક ગાડી મુના (જુવાન) ની ખોજ માં નીકળી ચૂકી હતી અને બીજી ગાડી (બસ) દસ-એક ગામ છેટે બેઠેલા મુના(જુવાન) ને તેડવા તેની સમીપ પહોચવા ને જાજો સમય નહોતો.

***

જીવા ભાઈ.... જીવા ભાઈ સાદ નાનકડી સરખી શેરી ને ચીરી પેલી કો’ર ના ખેતરે પો’ચી ગ્યો, આંખ તોતિંગ કાયા ની વા’ટ જોતી રહી, બંને કાન પડછંદ ખોખરો તરસી ગ્યા, એક સમયે અકળામણ આપનાર જુવાન શબ્દ મુના(જુવાન) ના જીવન માંથી લગભગ નાબૂદ થયો, તાપણી નું જોર ઓછુ થયુ, મંદિર ની ઝાલર પૂરી થવા ને આ’રે હતી, પૂર્વ માંથી ઉગી રહેલા સુરજ ની કૃપા વધી, કિરણો નો વ્યાપ ઓટલા અને વડલા સિવાય શેષ બચેલા ગામ ઉપર પડ્યા, ગાયું ગામણે થી નીકળી એક પછી એક ચોક માં ભેગી થવા મંડાણી, પક્ષીઓ નું ધીમું ધીમું કલરવ શરુ થયું, બાકડા નીચે સુતેલા કુતરાઓ એ કાન પટ-પટાવ્યા અને ટટ્ટાર પગ કરી આળસ મરડી, ઓ’લું તમરાનું તમ-તમ અને ખેતર માં ચાલતા પંપ ના અવાજો શમી ગ્યા, એક પવિત્ર અને સ્વસ્થ પરોઢે યુવાન ના જીવન માં સૌ પ્રથમ વખત જન્મ લીધો.

પ્રશ્ચિમ દિશા એ દુર દેખાતી બે ડીમ બત્તી (બસ) નજીક પહોચી રહી હતી, બે-ચાર મિનિટ માં બારીયું અને પતરા નો ખડ-ખડ અવાજ વધવા લાગ્યો, દૈનિય સ્થિતિએ પહોચેલી બસે અડધા કિલોમીટર છેટે થી જ બ્રેક મારવા નું શરૂ કરી દીધું હતું, ચોક માં ભેગી થયેલી ગાયું એ બસ ને મારગ કરી દીધો અને ધૂડ ની ડમરીઓ ઉડાડતી બસ ઓટલા સામે ના બસ પાટિયા પાસે ઊભી રહી.

ક્રમશઃ