|| 33 ||
પ્રકરણ 32માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ જાય છે અને ત્યાંથી દિયા સાથે વાત કરતી વખતે વાત વાતમાં પ્રેમ વિશે પૂછી લે છે. દિયા પોતે કોઈ બીજાને પ્રેમ કરે છે એવું કહે છે. આદિત્યનું દિલ તૂટી જાય છે. ધીમે ધીમે આદિત્ય પોતાની જાતને મનાવવા અને દિયાથી થોડો દૂર થવા માટે અમદાવાદ નોકરી કરવા માટે જતો રહે છે. આ પછી આદિત્ય ફરીવાર રાજકોટ આવી જાય છે અને આવતા જ દિયા સાથે મેરેજની વાત કરે છે પણ દિયાના માતા પિતાની ના આવતા દિયા બીજા સાથે સગાઈ કરી લે છે. આદિત્યની રિલેશનશીપ અહીંયા તૂટી જાય છે. જેમ પ્રકરણ 32માં કહ્યું એમ આ ભારત દેશ છે. આસાનીથી વાર્તા થોડી પૂરી થાય. હવે શું થશે ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
અમદાવાદથી રાજકોટ આવી ગયો અને આ બધુ થયા પછી મારી પાસે એક જ સહારો હતો અને એ હતો હેત્વી. હેત્વી – મારી અને દિયાની કોમન ફ્રેન્ડ. તમે સ્ટોરી વાંચી છે એટલે જાણો જ છો.
“હવે, શું કરીશ ?”, હેત્વીએ મારા હાથ પર પોતાનો હાથ મુક્તા કહ્યું.
“અમદાવાદ પાછો જઈશ”, મેં હેત્વીની આંખોમાં જોતાં કહ્યું.
હેત્વીના ચહેરા પર આંખ પર અને પૂરા શરીર પર સફેદ સફેદ ડાઘ હતા. આમ છતાં એના જેટલી ક્યૂટ છોકરી આજ સુધી મેં ક્યારેય નથી જોઈ. શું એની સ્માઇલ દોસ્ત ? અને અવાજ તો બોસ દિલ ખુશ કરી દે. હેત્વીને એક જ વાતનું દુ:ખ હતું અને એ વાત એટલે દિયાની સગાઈ, દિયા અને હેત્વી બહુ જ સારા ફ્રેન્ડ્સ હોવા છતાં દિયાએ હેત્વીને આમંત્રણ નહોતું મળ્યું. હેત્વીના નાક પર ગુસ્સાની સાથે બીજું કઈક પર ચડેલું જોઈને મેં આ ગુસ્સાથી ભરેલું વાતાવરણ હળવું કરવા પૂછ્યું.
“તારા નાકમાં કેમ કઈક અલગ હોય એવું લાગે છે”, મેં હેત્વીના નાકને જોતાં કહ્યું.
“હા, એ આ નથડી કરાવી છે. સોનાક્ષીએ દબાંગમાં પહેરી હતી ને એવી.”, હેત્વીએ એના નાકની નથડી વિશે સમજાવતા મને કહ્યું.
“ઓકે, એનો મતલબ કે તે નાક કપાવ્યું છે એમ કે ને !”, મેં હેત્વીના મજાકમાં પણ ગંભીર ચહેરા સાથે કહ્યું.
“એ.. એ.. એને કપાવ્યું ના કહેવાય વીંધાવ્યું કહેવાય. ભૂત છો સાવ ભૂત એક દમ મારા જેવો. હી.. હી..”, આમ બોલીને ક્યારની સિરિયસ બેઠેલી છોકરી ખડખડાટ હાસ્ય સાથે હસવા લાગી અને હું બસ, તેને જોઈ રહ્યો. આ પ્રેમ નહોતો સાહેબ જો તમે એવું કઈ વિચારતા હોય તો ખોટું છે, આ તો એક મિત્રતા હતી અને કોણે એવું કહ્યું કે મિત્રતામાં આવું બધુ શક્ય નથી. આ દુનિયામાં બધુ જ શક્ય છે, બસ, તમારામાં આવડત હોવી જોઈએ. દુનિયા બહુ જ સરસ છે અને અહીના લોકો પણ સારા છે બાકી, હવે એ તમારા ઉપર છે કે કોની સાથે કેવો વ્યવહાર કરવો. કારણ કે આ વસ્તુ ક્યાંય સ્કૂલમાં નથી શીખવાતી. થોડીવાર પછી હું અને હેત્વી ગાર્ડનમાંથી ઊભા થયા અને પોતપોતાના ઘર તરફ જવા નીકળી ગયા.
તમને એવું લાગતું હશે કે છેલ્લા પ્રકરણમાં દિયા સાથે આદિત્યને અમદાવાદ હતો ત્યારે એક પ્રોબ્લેમ થયેલો અને પછી તરત જ દિયા સાથે રીલેશનશીપ કેવી રીતે શરૂ થઈ ગઈ ? થોડું ઝડપી લાગ્યું ને ? કઈ વાંધો નહીં, આપણે આ પ્રકરણમાં તમને જવાબ મળી જશે. બાય ધ વે હવે હેત્વી આવી ગઈ છે, હવે જ મજા આવશે. ચાલો થોડી વાર આદિત્યમાંથી રવિ થવા બદલ માફ કરશો. હવે, આગળ..
મારી જોબ સારી ચાલી રહી હતી પણ કહેવાય છે ને કે દુ:ખ આવે ત્યારે બધી તરફથી એક સાથે આવે. મારા કેસમાં પણ આવું જ થયું. મારી કંપનીમાં મંદીના લીધે બધા કર્મચારીઓને ધીમે ધીમે છુટ્ટા કરવામાં આવ્યા અને આ કર્મચારીઓમાંથી હું એક હતો કારણ કે હું તો માત્ર એક બેક ઓફિસ એક્ઝિક્યુટિવ હતો. મને શું કામ રાખે ? ઓનરોલ એમ્પ્લોય તો હતો નહીં. હવે ? ક્યાં જવું ? મારા પિતાની ઉપર ૭ લાખ રૂપિયાનું દેવું હતું અને આ પરિસ્થિતીમાં હું ઘરે બેસી રહું એ પણ યોગ્ય નહોતું. મારો ટેલેન્ટ અને બધુ જ સાઈડ પર રાખીને મારે બસ નોકરી કરવી હતી. મારા ટેલેન્ટ વિશે હું છેલ્લે વાત કરીશ પણ હા, અત્યારે જોબ વિશે વાત કરું તો મારે જોબ જોઈતી હતી. હું ફરીવાર એ જ રસ્તે જવાનું વિચારી રહ્યો હતો જ્યાંથી હું આવ્યો હતો પણ અસમંજસમાં હતો કે પપ્પાને કેમ કહેવું ? કેવી રીતે વાત કરવી કે પપ્પા મારે અમદાવાદ પાછું જવું છે. કારણ કે રાજકોટમાં મારે જોઈતી નોકરી મળવી અને સાથે મારામાં એક કળા રહેલી હતી અને તેનો વિકાસ રાજકોટમાં થવો મને અશક્ય લાગતો હતો.
(ડીનર ટાઈમ)
“પપ્પા”, મેં થોડું ખચકાતાં મને પપ્પાને વાત કરવા કહ્યું.
“હમ્મ..”, પપ્પાએ મને જવાબ આપતા મારી સામે જોયું.
“મારે અમદાવાદ જવું છે. કારણ કે અહીંયા હવે મારી પાસે જોબ નથી અને જોબ વગર પપ્પા મારે તમારા પર બોજ નથી બનવું. એક તો મારુ દિયા સાથેનું બ્રેકઅપ પણ જગજાહેર થયેલું છે. અડધા રિલેટિવ્સને ખબર છે કે આદિત્યને દિયા નામની કોઈ છોકરી સાથે મેરેજ કરવા હતા. હવે, હું કદાચ અહીંયા રહીશ તો મારી આબરૂ કરતાં તમારી આબરૂને વધુ ઠેસ પહોંચશે પપ્પા અને મને મારી આબરૂ કરતાં તમારી શાખ વધુ વ્હાલી છે. હું આવતીકાલે અમદાવાદ જવા નીક્ળુ છું.”, મેં પપ્પાને હિમ્મત કરીને કહી તો દીધું પણ બધા દીકરાઓની જેમ જ મને પણ મારા પિતા શું કહેશે એના જવાબની રાહ હતી. મને એમ હતું કે હમણાં ગુસ્સે થશે પણ એ જ્યારે બોલ્યા ત્યારે મોઢામાંથી તો અમ્રુત જ નીકળ્યું.
“કાઇ વાંધો નહીં જા અને બેટા, પૈસાની જરૂર પડે તો માગજે હો. કોઇની લાચારી ના રાખતો આપણે કઈક કરી લેશું, બધા દિવસો સરખા નથી હોતા. સમજ્યો ?”, પપ્પાના મોઢેથી આવું સાંભળીને છાતી આમ ગદ ગદ ફુલાઈ ગઈ. આ મારા ફાધર ‘બેસ્ટ ફાધર’ માંથી ઓન ધ સ્પોટ ‘વર્લ્ડસ બેસ્ટ ફાધર’ બની ગયા. મન તો થતું હતું કે એકાદ ઓસ્કાર આપી દવ પણ પછી મેં મારા ઇમોશન અને મગજમાં આવતા અર્થ વગરના સપનાઓ પર થોડો કંટ્રોલ કર્યો. મારા કપડાં તૈયાર કર્યા અને ગયા વખતે જેટલું લઈને ગયો હતો એ બધુ જ તૈયાર કર્યું. આપના ગુજરાતી મમ્મીઑ તો બહુ જ કેરિંગ હોય છે તમે જાણો જ છો. મમ્મીએ મને એક સ્પેશ્યલ સેવ મમરા (લસણનો મસ્ત સ્વાદ આવે એવા) બનાવીને ડબો ભરી દીધો જેથી ક્યારેય પણ ભૂખ લાગે તો ભેળ બનાવીને ખાય શકાય. હું કઈ નાનો છ વર્ષનો બાબલો તો હતો નહીં. આમ છતાં મમ્મી તો મમ્મી છે અને એની સલાહો પણ એવી હતી.
“બારી પાસે બેસજે, ઉલ્ટી થાય એવું કઈ ખાતો નહીં, કોઈ અજાણ્યાના હાથમાં લેપટોપવાળી બેગ આપીને ઊતરતો નહીં, નાના ડબામાં થેપલા છે અને ગોરધનભાઈની ચટણી ઓલી ચવનપ્રાશમાં ફ્રી મળેલી ડબીમાં છે. એક નાની કોથળી પણ મૂકી છે એમાં રૂપિયા અને બે રૂપિયાના કુલ ૩૦૦ રૂપિયાના સિક્કા છે અને હા, થોડાક દસ રૂપિયાના સિક્કા પણ આપ્યા છે કારણ કે રાજકોટમાં ચાલતા નથી એટલે અમદાવાદમાં સવારે પૌઆ ખાવા જા ત્યારે એ વાપરી નાખજે. દાબેલી અને પફ બહુ ના ખાતો. પીઝા ખાવા જ તો ઓલો મરચાના બીનો મસાલો ઓછો નાખવો આજકાલ તું સવારે બહુ વાર લગાડે છે એટલે એવી તકલીફ ના થાય અને હા, ફ્લેટનું બારણું બંધ રાખજે સામે વાળાની જુવાન છોકરીઓ નાહીને વાળ કોરા કરવા બાલ્કનીમાં આવે ત્યારે ઓલું તારું પ્રિય ગીત ક્યૂ, ‘સતરંગી રે’ ના વગાડ્યા કરતો. હા, આપના કુળદેવી અને સુરપુરાનો ફોટો તો ઘરમાં રાખવાનો જ અને એને પગે લાગીને જ જવાનું. માતાજી રક્ષા કરે મારા દીકરાની..”, મમ્મી એટલું બધુ બોલ્યા કે હું સામે જોઈને માત્ર હસી રહ્યો પછી કઈ નહીં બેગ પેક કરીને નીકળ્યો. મારા સપનાના શહેર અમદાવાદમાં..
આમ તો એક વખત મસ્ત એક મહિનો રોકાઈને ગયેલો આથી અમદાવાદની બધી જગ્યાઓથી આમ તો વાકેફ જ હતો. આમ છતાં, મમ્મી પપ્પા માટે તો એક એમ્પ્લોયી તરીકે અમદાવાદ આવેલો પણ મગજથી આ એમ્પ્લોયી નહીં એક મોટી કંપનીઓની માલિકીના સપના જોનારો સ્થાપક આજે અમદાવાદ આવેલો હતો. ખબર નહોતી કે ક્યાંથી શરૂ કરવું અને ભવિષ્ય કેવું હશે પણ એક ખબર હતી કે ભૂખ્યો સૂઈ જઈશ રેલ્વે સ્ટેશન પર પણ પાછો રાજકોટ તો નહીં જ જાવ. આ દિવસ પણ એવો જ આવ્યો હતો. હું અમદાવાદ રાત્રે અગિયાર વાગ્યે પહોંચ્યો. મારા રિલેટિવ્સ ઘણા રહે છે અમદાવાદ પણ આપણે આ વખતે તો નક્કી કરેલું કે જે કરું એ સ્વખર્ચે જ કરીશ. જે થવું હોય એ ભલે થઈ જાય. હું પણ અઘરી નોટ જ હતો દર વખતે એસ. ટી. માં જ જતો પણ આ વખતે શું મજા આવી હશે તે રેલ્વેમાં ગયેલો. કાલુપુરનું મસ્ત રેલ્વે સ્ટેશન જાણે આ ‘કબીરા’ને મનાવવા માટે બોલાવી રહ્યું હોય એવું લાગી રહ્યુ હતું. અમદાવાદી ભાષા અને અમદાવાદી લોકો. થોડીવાર આમ તેમ જોયું પછી નીચે ઉતાર્યો. હા, અહીંયા પ્રિંટિંગ મિસટેક નથી ફરીવાર વાંચો, ‘થોડીવાર આમ તેમ જોયું પછી નીચે ઉતાર્યો.’ હજી તો મેં આજુબાજુ જોઈને અમદાવાદની હવાનો ઘણા સમય પછી શ્વાસ લીધો ત્યાં જ પાછળથી જે જોરદારનો ધક્કો આવ્યો કે ભાઈ સીધા નીચે. ભાઈ એટલે હું. મને ઘરમાં બધા ‘ભાઈ’ પણ કહે છે. હવે સ્ટોરી થોડી સોલીડ ચાલશે એટલે આવા નામો પણ આવતા રહેશે.
“શેઠ, ઑ શેઠ કઈક ખાવાનું આલોને યાર..”, એક દાદીમાએ મારો હાથ પકડતા કહ્યુ. આપણો તો સ્વભાવ એવો રહ્યો ભીખ આપવી ગમે નહીં પણ ખવડાવવું ગમે. દર વર્ષે વિરપુર સાતમ આઠમમાં જાતો હોય અને ત્યાં જલારામ બાપાની જગ્યામાં વાંચેલું ‘ટુકડો ત્યાં હરી ઢુકડો’ એટલે પપ્પાએ કીધેલું કે બસ કોઈ માગે તો ખવડાવો બીજી વાત નહીં. પૈસા આપી પ્રોત્સાહન ના આપો પણ એની ભૂખ બુજવો.
“માજી, કઈક કામ કરતાં હોય તો આ માંગવાનો વારો ના આવે. મારા દાદીમા નથી બાકી આજે એ તમારી જેવડી ઉંમરના હોત. હાલો, કઈ ખાવું હોય તો ખવડાવી દવ બાકી પૈસા નહીં આપું આઈ એમ સોરી. (સબ મોહ માયા હૈ લખેલું ટી શર્ટ પહેરેલું અને આવો ખતરનાક ડાયલોગ બોલ્યા પછી પાછો અંગ્રેજીમાં માફી માગી. ખબર નહીં માજીને કોણ અંગ્રેજી શીખવવા ગયું હશે પણ એ વાતને સમજી ગયા)
“ગાંઠીયા ખાવા સે બેટા, ખાલી અઢીસો લઈ દે ને મારા દીકરા. માતાજી તારું હારુ કરશે.”, આ માતાજી ક્યારે સારું કરશે એ ખબર નહોતી પણ ગમે તે હોય ખવડાવવું તો હતું. આથી અમદાવાદના એ રેલ્વે સ્ટેશન પર અઢીસો માજીને લઈ દીધા અને અઢીસો ગાંઠીયા મેં લીધા અને પ્લેટફોર્મ પરના એક બાકડા પર શુદ્ધ દેશી કાઠિયાવાડીની માફક પલાઠી વાળીને ગાંઠિયા અને કઢીની લિજ્જત માણી.
હવે, મારે ઘરે જવું હતું પણ કોના રિલેટિવ્સના ઘરે ના જવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી હતી. આથી મેં કોલ કર્યો મારા ખાસ મિત્ર કે જેના ઘરે હું એક બે દિવસ રહ્યો હતો, એ મિત્ર કિશનને.
(કોલમાં)
આદિત્ય : હેલો... કિશન..
કિશન : હં...
આદિત્ય : ભાઈ, અમદાવાદ આવ્યો છું. કાલુપુર સ્ટેશન પર બેઠો છું તો ભાઈ, તેડી જા ને પ્લીઝ. કારણ કે મને એડ્રેસ પણ યાદ નથી.
કિશન : ભાઈ.. સુવા દે ને શું મસ્તી કરે તું ? કાલે કોલ કરજે આપણે અમેરિકા તેડવા આવીશું. હો.. ગુડ નાઈટ.
(કિશન ઊંઘમાં આમ બબડ્યો)
ત્યારબાદ મેં બીજી વખત પણ કોલ કર્યો પણ કિશને રિસીવ ના કર્યો. હવે, એક જ રસ્તો હતો અને એ હતો ‘ભારતીય સંસ્કૃતિ’. તમે વિચારી રહ્યા હશો કે ભારતીય સંસ્કૃતિ એટલે ? મારી પાસે મારી લેપટોપ બેગ હતી જેનું મેં ઓશીકું બનાવ્યું અને મસ્ત, કાલુપુરના રેલ્વેસ્ટેશન પર સુસવાટા બોલાવતી એ ઠંડીમાં મારું એ મિત્રો સાથે જઈને રવિવારીની બજારમાંથી 300 રૂપિયાનું સેકન્ડ હેન્ડ લીધેલું જાડુ જેકેટ પહેરીને સૂઈ ગયો. મગજમાં એક જ વિચાર ચાલુ હતો કે જો ઘરે હોત તો અત્યારે મારા બેડ પર મસ્ત ઘસઘસાટ ઊંઘતો હોત અને અહીંયા અમદાવાદના રેલ્વેસ્ટેશન પર આવી હાલતમાં પડ્યો છું. હું લાચાર હતો મારા ફોનની બેટરી પણ ઉતરી ગઈ હતી, આથી હવે કોઈને કોલ લાગે એવું હતું નહીં. હું સૂઈ ગયો અને સવારે ઉઠ્યો ત્યારે મારી આસપાસના લોકો ટ્રેન આવવાની રાહમાં બેઠા હોય એવું લાગતું હતું. મને યાદ આવ્યું કે ભૂતકાલમાં જુનાગઢના રેલ્વેસ્ટેશન પર એક્વાર હું પ્લેટફોર્મ ટિકિટ ના હોવાના કારણે પોલીસમાં ઝડપાઈ ચૂક્યો છે અને આ લ્હાવો લેવાની મને બીજી વખત જરાય ઈચ્છા નહોતી. હું ઊભો થયો અને પાણીથી મોઢું સાફ કર્યું અને બ્રશ કરીને ફ્રેશ થયો. દુનિયામાં કઈ જ સસ્તું નહીં હોય જેટલું અહીનું રિક્ષાભાડુ છે. સ્પેશ્યલ નહીં પણ શટલમાં બેસવાનું તો જ. એક રીક્ષા કરીને હું નજીકના બી. આર. ટી. એસ. પર પહોંચ્યો અને ત્યાં જ મારા પરમ મિત્રનો કોલ આવી ગયો.
(કોલમાં)
કિશન : સોરી ભાઈ, કાલે હું નીંદરમાં હતો. તું બોલ કઈ સાઈડ છો.
આદિત્ય : કાલુપુર હતો હવે અહીંયા એક બીઆરટીએસ પહોંચ્યો ત્યાંથી નવા વાડજ આવું છું. ચાવી બાજુમાં આપીને તારે ઓફિસ જવું હોય તો જા. (મારે કિશનને થોડું ગુસ્સે થઈને કહેવું પણ હતું પણ ગમે એમ તોય ભાઈ બંધ છે મારો મારાથી એને કઈ કહેવાય જ નહીં. એમાય એણે મને આશરો આપ્યો હતો)
કિશન : સરસ. આવીજા. ચાવી બાજુમાંથી લઈને તારી રીતે ફ્રેશ થઈ જાજે.
આદિત્ય : ઓકે.
મેં કોલ કટ કર્યો અને હું કિશનના ઘરે આવી ગયો. અમે પહેલા અહીંયા ત્રણ છોકરાઓ રહેતા હતા હું, કિશન અને કિશનનો ભાઈ યગ્નેશ. હું એક એન્જિનિયર હતો પણ કઈ આવડતું નહોતું. હવે, સ્કીલ્સ વગર અમદાવાદમાં કોણ સાંચવે ? આ પ્રશ્ન થોડો અઘરો હતો અને એના માટે મને કિશને સગવડતા કરી આપી.
ક્રમશ:
આવતા પ્રકરણમાં શરૂ થશે નાનકડી પણ બહુ મજા આવે એવી આદિત્યની સફર જેમાં તેને સપોર્ટ હેત્વી કરશે. દિયા ક્યારે પિક્ચરમાં આવશે ? આવશે તો ખરા. આ બધુ જાણવા માટે જોડાયેલા રહેજો સ્પીચલેસ વર્ડ્સ સાથે અને મારી સાથે માતૃભારતી અને ફેસબુક પર પણ Ravi Rajyaguru નામથી મારૂ એકાઉન્ટ છે અને મારૂ પેજ છે RJ Ravi Rajyaguru નામથી. આપના અભિપ્રાય માતૃભારતી પર અને મને ફેસબુક પર આપવાનું ના ભૂલતા. તમારા અભિપ્રાયની અપેક્ષા સાથે..