Ochinti Mulakat in Gujarati Love Stories by Dr. Pritu Patel books and stories PDF | ઓચિંતી મુલાકાત...

Featured Books
Categories
Share

ઓચિંતી મુલાકાત...

ભાગ ૨

થોડો સમય રાહ જોઇને મોહે વિચાર્યું કે સીધો માયા ના ફ્લેટ પર પહોચીને ચેક કરી આવે પણ પછી થયું કે કોઈ એના ઘરે થી આવ્યું હશે તો વિચિત્ર લાગશે કે કેમ આવું કોઈ આવ્યું એને મળવા એ પણ સીધું ઘરે? એના બાદ મોહે થોડો વધુ સમય રાહ જોવાનું નક્કી કર્યું અને માયા ને ઘણા મેસેજ પણ મુક્યા કે કદાચ એનો કઈ રીપ્લાય આવે તો ખબર પડે, પણ માયા નો કોઈ રેપ્લાય ના આવ્યો અને હવે મોહ ને ખરી ચિંતા થઇ કેમકે માયા એ પહેલા ક્યારેક એના મેસેજ નો રેપ્લાય ના આપ્યો હોય એવું બન્યું નહોતું. આખરે મોહ થી ના રહેવાયું અને એ સીધો માયા ફ્લેટ બાજુ ગાડી લઈને નીકળ્યો. એક ક્ષણ માટે એ માયા ના ફ્લેટ આગળ બેલ વગાડતા પહેલા અટક્યો પણ ખરા, પછી આખરે બેલ વગાડ્યો તો કોઈ અજાણતા આધેડ વ્યક્તિ એ દરવાજો ખોલ્યો. એ જોઈ મોહ ખચકાયો અને પૂછ્યું કે આપ કોણ? પ્રત્યુત્તર માં હું માયા નો પિતા. અને તમે? મોહ માત્ર એટલું બોલી શક્યો કે હું માયા ની ઓફિસ માં જોડે કામ કરું છું, આતો એક કામ યાદ આવેલું એટલે થયું એને મળતો જાઉં. પછી ખબર પડી કે માયા તો કોઈક કામ થી નજીક માં કશેક ગઈ છે પણ આવતા વાર લાગશે એટલે હું પછી આવીશ એમ કહીને મોહ નીકળી ગયો. છેક રાત્રે માયા એ રીપ્લાય આપ્યો કે સોરી હું બપોરે આવી ના શકી કેમકે પપ્પા અચાનક આવી ગયા હતા અને પછી હું થોડા કામ થી બહાર હતી તો ફોન પણ ના કરી શકી. મોહે હાશકારો અનુભવ્યો કે આખરે કઈક તો રીપ્લાય આવ્યો માયા નો. બીજા દિવસે ચોક્કસ મળવાનું કહીને બંને ઊંઘી ગયા. બીજા દિવસ ની મોહ આતુરતા થી રાહ જોવા લાગ્યો કેમકે એ એનું માયા સાથે નું ભવિષ્ય નક્કી થવાનું હતું.

આજે પણ મોહ રોજ કરતા વહેલા કેફે પહોચી ગયો. અને થોડા સમય પછી માયા પણ આવી પહોચી. વધુ વાર ના કરતા મોહ સીધો મુદ્દા પર આવ્યો એ જાણીને માયા ને તો મન માં ઘણી ખુશી થઇ પણ તેણે ચહેરા પર દેખાડી નહિ. તે છતાં એના ગાલ એની અંદર ચાલી રહેલા પ્રેમ ના તોફાન ને છુપાવી ના શક્યા અને હલકી લાલી ઉપજી આવી. બંને એકબીજા સામે બેઠા પછી, આટલા વર્ષો માં પહેલી વાર મોહે માયા ને સ્પર્શ કરવાની હિમ્મત કરી અને માયા ના બંને હાથ પોતાના હાથ માં લઈને માત્ર એટલું બોલી શક્યો કે “શું આ હાથ કાયમ માટે મારા હાથ માં રહેવા માટે તૈયાર છે?” લજ્જા થી લાલ થઇ ગયેલી માયા કશુંજ બોલી ના શકી પણ એની આંખો ચુપ ના રહી શકી અને વહેવા લાગી. મોહ હજી પણ એના હાથ પકડીને બેઠો હતો અને માયા ના પ્રત્યુત્તર ની અપેક્ષા એને એ જ હાલત માં બેસી રહેવા પર મજબુર કરી રહી હતી. માયા એ પોતાના હાથ છોડાવીને થોડો ખોંખારો ખાઈ અને સ્પષ્ટ શબ્દો માં મોહ ને પોતાની વાત ને ઊંધું ના લેવા વિનંતી કરી. મોહ પોતાના સ્થાને આતુરતા પૂર્વક માયા ના શબ્દો ને સમજવા પ્રયત્ન કરી રહ્યો કેમકે માયા બોલી જ કઈક એવું રહી હતી. “મને શરૂઆત થી ખબર છે તારા મન ની લાગણીઓ ની, પણ હું બુધ્ધુ રાહ જોવા માં રહી ગઈ કે તું ક્યારે કહીશ અને હું ક્યારે જવાબ આપીશ. પણ મોહ, કદાચ તારી લાગણીઓ વ્યક્ત કરવામાં તે કદાચ વધારે જ મોડું કરી દીધું છે. મારા પપ્પા મને અહિયાં લેવા માટે જ આવ્યા છે અને કદાચ હવે હું આ શહેર માં પાછી નહિ ફરું. તને નથી ખ્યાલ આ બધું કહેવું મારા માટે કેટલું અઘરું છે અત્યારે કેમકે બધું એટલું જલ્દી થઇ રહ્યું છે કે મને પોતાને ગળે ઉતરવું સહેલું નથી. મારી સગાઇ નક્કી થઇ ગઈ છે અને બને એટલા જલ્દી લગ્ન પણ લેવાઈ જશે. કાલે મને હતું જ કે તું જરૂર થી ઘરે આવીશ અને મારા માં તને આ બધું એ હાલાત માં કેવાનું શક્ય નહોતું. મોહ, હું જાઉં છું. હવે આપણે કદાચ ક્યારેય નહિ મળીએ. મને નથી ખબર કે મારું નસીબ મને ક્યાં લઇ જઈ રહ્યું છે પણ તારા આગળ તારી આખી જીંદગી પડી છે અને મારા શુભાશિષ હમેશા તારા સાથે હતા,છે અને રહેશે.” “ગુડ બાય,મોહ” “તારા સાથે વિતાવેલા આ વર્ષો, આપણી આ રોજ રોજ ની કેફે મુલાકાતો, તારી લાગણીઓ, તારી સારસંભાળ હું આજીવન વાગોળીશ અને કદાચ એના સહારે જીવી પણ લઈશ.” “અને હા, તારી ટીપીકલ કોફી મને કાયમ માટે સાથ આપશે” આ સાથે જ માયા ઉભી થઇ ગઈ અને મોહ ના હાથ પકડીને માત્ર એટલું જ બોલી શકી “મોહ, મને એક આલિંગન આપીશ? મારી છેલ્લી ઈચ્છા છે આપણે અળગા થઈએ એ પહેલા ની” મોહ પાછલી અમુક ક્ષણો માં આ બધું શું થઇ ગયું એ હજી સ્વીકારે એ પહેલા ઉભો થઇ ગયો અને માયા ને વળગી પડ્યો. અને એની પીઠ ને પસારી રહ્યો. બંને ના શબ્દો નહિ પણ આંખો બોલી રહી હતી. માયા એ થોડા સમય પછી અળગા થવાનો પ્રયત્ન કર્યો પણ મોહ એને વધુ જોર થી જકડી રહ્યો. પરંતુ થોડા સમય પછી મોહ પાછળ હટી ગયો અને મોઢું ફેરવીને નીકળી ગયો...માયા એને સરખી રીતે બાય પણ ના કરી શકી પરંતુ તે મોહ ના આવા વર્તન થી નારાજ નહોતી કેમકે એણે પણ તો મોહ ને પોતાના મન ની વાત કરવામાં ઘણું મોડું કરી દીધુ હતું. એક ઓચિંતી મુલાકાત ની પરિણામ આવું આવશે એ ના તો માયા ને ખબર હતી ના તો મોહ ને અંદાજો હતો.

૨-૩ દિવસ તો મોહ ગુસ્સે હતો એટલે એણે માયા ને કોન્ટેકટ કરવાની કોશિશ ના કરી પરંતુ તે પણ જાણતો હતો કે તે વધારે દિવસ આવું નહિ કરી શકે અને આખરે એણે માયા ને ફોન કર્યો અને માયા એ ફોન કટ કરી નાખ્યો ત્યારે મોહ ને વધુ ગુસ્સો આવ્યો. મોહ એ વારંવાર માયા ને ફોન કર્યા પણ માયા એ એક પણ વાર ફોન ઉપાડ્યો નહિ.આમ ને આમ લગભગ મહિનો થઇ ગયો પણ મોહ રોજે માયા ને ફોન કરતો, દિવસ માં એક વાર નહિ પરંતુ ઘણી વાર. અંતે મળતો તો માત્ર નિસાસો. લગભગ ૨-૩ મહિના રહીને મોહ ને તેમના કોમન મિત્ર વતી ખબર પડી કે માયા ની તો સગાઇ થઇ ગઈ છે અને બહુ જલ્દી તેના લગન પણ છે.માયા જરા પણ ખુશ નથી આ સબંધ થી પરંતુ તેને તેના માતા-પિતા ની પસંદ સ્વીકાર્યે છૂટકો નહોતો અને તેણે કમને પણ હા પાડી દીધી હતી લગ્ન માટે, એ પણ એક પણ વાર તેના ભાવી પતિ ને મળ્યા વગર, જેનું નામ હતું સત્ય, જે મુંબઈ માં વેલ-સેટ ઉદ્યોગપતિ હતો, પોતાનો બંગલો અને ગાડી પણ હતી, ઘર માં નોકરો ની કમી નહોતી, માયા નો ફોટો જોતાવેંત સત્ય એ સંબંધ માટે હા પડી દીધી હતી, અને એ પણ મળ્યા વગર. પોતે શરૂઆત થી મધ્યમવર્ગ ના હતા અને પોતાની દીકરી માટે આટલા મોટા ઘર ની વાત આવી હતી એ જાણીને માયા ના માતા-પિતા નો હરખ સમાતો નહોતો. માયા નું પહેલા થી નક્કી જ હતું કે જ્યાં પોતાના માં-બાપ કહેશે ત્યાં આંખો મીંચીને હા પડી દેશે કેમકે પોતે એમની એક ની એક વહાલસોયી દીકરી હતી અને એણે વિશ્વાસ હતો કે એ લોકો જે પસંદ પડશે એ પોતાને પણ પસંદ પડશે જ.

લગ્ન ની શરણાઈઓ વાગી રહી હતી પણ માયાના મોઢા પર જોઈએ એવો ઉત્સાહ નહોતો, ઘર ના લોકો ને એમ કે લગ્ન બાદ મુંબઈ જતા રહેવું પડશે એ વાતે કદાચ માયા દુખી હશે, ક્યાં તો પોતે માં-બાપ થી આટલા જલ્દી વિખુટી પડી જશે એનો વસવસો હશે, પણ અસલી કારણ તો માયા પોતે જ જાણતી હતી અને કોઈને કહી પણ શક્તી નહોતી. વાજતેગાજતે લગ્ન લેવાયા અને માયા પોતાના સાસરે, પોતાના પતિ સાથે વિદાય પણ થઇ ગઈ. નાના શહેર માં થી આવેલી માયા માટે તો મુંબઈ ખુદ એક માયાનગરી હતું, કેમકે પોતે ક્યારેય પહેલા આટલા મોટા શહેર માં ગઈ નહોતી, ગગનચુંબી ઈમારતો, અવિરત ચાલતી મુંબઈ લોકલ ટ્રેન, અતિશય ભીડ, મરાઠી ભાષા, દોડધામ વળી જીંદગી, બધેબધુ માયા માટે નવું હતું. સત્ય પોતે માયા જેવી જીવન સાથી પામીને અત્યંત ખુશ હતો અને એ સતત પ્રયત્ન કરતો કે માયા ને કોઈ વાત ની કમી ના થાય કે માયા કોઈ પણ વાતે દુખી ના થાય. મુંબઈ માં જ સેટલ થયેલા સત્ય ના માં-બાપ ને માયા શરૂઆત માં જરા પણ પસંદ નહોતી પડી કેમકે મુંબઈ ની લાઈફ માટે માયા વધારે પડતી સાદી અને ભોળી હતી. પરંતુ માયા ના વાણી-વર્તન તેમને પણ પ્રભાવિત કર્યા વિના રહી ના શક્યા. પોતાના સમાજ માં પોતાની વહુના ગુણ ગાતા તેઓ થાકતા નહોતા. આ બાજુ માયા પણ એકની એક દીકરી હતી તો પેલી બાજુ સત્ય પણ એકનો એક દીકરો હતો અને પોતાની મહેનત થી એણે જે હાસિલ કર્યું હતું એ જાણીને માયા ને તેના માટે બહુ માન હતું. લગ્ન જીવન માં માયા તો એવી પુરોવાઇ ગઈ કે હવે તો એના પોતાના માં-બાપ ને પણ ભાગ્યેજ ફોન કરી શક્તી પણ તેના માં-બાપ ખુશ હતા કે ચાલો અમારી દીકરી જલ્દી સેટ થઇ ગઈ. સત્ય એની એટલી સંભાળ રાખતો કે માયા ને અમુક વાર પોતાના નસીબ પર શંકા થતી કે શું તે સાચે આ બધાને લાયક છે? માયા જ્યારથી સાસરે આવી હતી, એના સાસુ-સસરા ને સામાજિક પ્રસંગો માં જવા માટે શાંતિ થઇ ગઈ હતી કેમકે એમની ગેરહાજરી માં માયા આખું ઘર સારી રીતે સંભાળી લેતી કેમકે સત્ય તો મોટા ભાગે પોતાના ઉદ્યોગ માં જ રચ્યોપચ્યો રહેતો, શનિ-રવિ સત્ય એ વાત નું જરૂર ધ્યાન રાખતો કે માયા માટે પોતાનો સમય ફાળવી રાખતો અને એણે મુંબઈ પણ ફરાવતો. ઘણી વાર એણે ધંધા ના કામ થી ઘણા દિવસો માટે બહારગામ જાઉં પડતું તો માયા એની ગેરહાજરી માં મુંબઈ ઓફીસ પણ સંભાળી લેતી. બધું સુખે થી ચાલતું હતું અને માયા પોતાના લગ્ન જીવન થી અત્યંત ખુશ હતી.

લગ્ન ને ૩-૪ વર્ષ આરામ થી વીતી ગયા અને હવે સાસરા પક્ષ વાળા માયા અને સત્ય ને બે માં થી ત્રણ થવા પર વધુ ધ્યાન આપવા કહી રહ્યા હતા પણ સત્ય હજી પણ એ માટે તૈયાર નહોતો કેમકે એણે પોતાનો માયા પ્રત્યે નો પ્રેમ કોઈ બીજા જોડે વહેચવાની કોઈ ઉતાવળ નહોતી. તેમ છતાં તેણે માં-બાપ ની મરજી ખાતર પ્રયત્ન કરવાનું વિચાર્યું. તે અને માયા બંને થોડા દિવસ માટે કશેક ફરી આવાનું નક્કી કર્યું જેથી મગજ પર કામ નો ભાર થોડો થાય અને તેઓ શાંતિ થી તેમના પરિવાર માટેનું પ્લાનિંગ કરી શકે. એવું નહોતું કે માયા મોહ ને તદ્દન ભૂલી ગઈ હતી, પણ તેણે હવે તેનું લગ્ન જીવન જ સર્વસ્વ છે એ સ્વીકારી લીધું હતું અને સત્ય ને જ તેણે પોતાનું બધું માની લીધો હતો. સત્ય ની ઘણી આદતો મોહ ને મળતી આવતી હતી, એ ક્ષણે માયા ને મોહ યાદ આવી જતો, જેમકે મોહ ના જેમ સત્ય પણ સમય નો પાક્કો હતો, સત્યને પણ કોફી બહુ ભાવતી હતી, માયા ને સાડી માં જોવી બહુ જ ગમતી સત્ય ને, માયા ની આંખો સત્ય ને કાયમ માટે પસંદ હતી અને એમાં પણ જયારે એ કાજળ થી આંખો આંજતી હોય ત્યારે, સત્ય એણે નિહાળ્યા જ કરતો, પછી માયા એ ભાર દઈને કહેવું પડતું કે ઓફીસ જવાનું છે કે નહિ? આવી ઘણી બાબતો હતો જે બંને માં કોમન હતી. સત્ય અને માયા એ લોનાવલા જવાનું નક્કી કર્યું અને એ પણ પુરા ૭ દિવસ માટે. માયા ના સાસુ-સસરા ને અંદાજ આવી ગયો હતો કે કેમ આ લોકો લોનાવલા જઈ રહ્યા હતા, એટલે એમણે પણ બંને ને મુંબઈ ના ઘર અને ઓફીસ ની ચિંતા મુંબઈ માં જ મુકીને આરામ થી પોતાનો સમય વિતાવવા કહ્યું. આખરે એમના વંશજ નો સવાલ હતો. દુનિયા ની બધી પળોજણ મુકીને બંને જણા લોનાવલા રવાના થયા. એકમેક નો સાથ આનંદ માં વિતાવ્યા બાદ બંને મુંબઈ પરત ફર્યા અને વળી પાછા પોતાના રોજીંદા કાર્યો માં પરોવાય ગયા. પરત આવ્યા ને માંડ હજી ૧૦-૧૫ દિવસ જ થયા હતા અને સત્ય ને બિઝનેસ માટે થઈને અચાનક દુબઈ જવાનું થયું. માયા એ પહેલી વાર ના પાડી કે ના જાઓ, અહિયાં જ રહો મારા સાથે કેમકે એને કંઇક અજુગતું થવાનો અણસાર આવી ગયેલો, સત્ય પણ નવાઈ પામ્યો કેમકે પહેલા ક્યારેક માયા એ એને આવી રીતે જવા માટે રોક્યો નહોતો, પરંતુ જાઉં પડે એવું જ હતું એટલે કમને પણ જલ્દી પાછા આવાનું વચન આપીને સત્ય ગયો. અહિયાં માયા નું મન પણ કશા કામ માં લાગતું નહોતું એટલે થયું કે પોતાના પિયર થઇ આવું થોડા દિવસ માટે. તો એ પણ પિયર માટે રવાના થઇ ગઈ. સત્ય મોડા માં મોડું ૪-૫ દિવસ માં આવી જવાનો હતો પણ ૭ દિવસ થઇ ગયા તો પણ કંઈ સમાચાર નહોતા એટલે એના માં-બાપ અને માયા બંને ને શંકા થઇ. તેમણે દુબઈ પુછાવડાવ્યું તો જવાબ માં સત્ય તો ત્યાં થી ૨ દિવસ પહેલા જ નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું. મેનેજર એ પણ તપાસ કરાવી તો સત્ય મુંબઈ ની ફ્લાઈટ માં ચડ્યો હતો એ પણ સમાચાર મળ્યા.

તો સત્ય ગયો ક્યાં?

વધુ આવતા અંકે...

પ્રિતુ રાણા

વ્યવસાયિક ચિકિત્સક