પ્રકરણ-7
(આપણે આગલા પ્રકરણમાં વાંચ્યું કે લેખક તેમની માં અને બહેનોથી કેમ્પના પ્રવેશદ્વારે જ છુટા પડી જાય છે. તેમને અને તેમના પિતાને ડો.મેન્ડલ દ્વારા સ્મશાનગૃહ તરફ મોકલી આપવામાં આવે છે. હવે આગળ વાંચો...)
અમે એ આગની જ્વાળાઓને તાંકી રહ્યા. ત્યાં એક ખાડો હતો જેમાંથી આગની જ્વાળાઓ ડોકાઈ રહી હતી. અમે બધા લાઈનમાં તેની તરફ આગળ વધી રહ્યા હતા. ત્યાં કઈંક બાળવામાં આવી રહ્યું હતું. એ ભયાનક ગંધને હું આજે પણ ગમે ત્યાંથી ઓળખી શકું છું. એ હતી માંસ બળવાની ગંધ. એ માનવીના માંસના બળવાની ગંધ હતી. એ આગમાં એક ટ્રકમાંથી ઉતારીને સૈનિકો કઈંક બાળી રહ્યા હતા. અમે થોડા નજીક પહોંચ્યા તો અમને તેઓ શું બાળી રહ્યા હતા એ દેખાયું. એ નાના છોકરાઓ હતા. નવજાત બાળકોને સૈનિકો એ ટ્રકમાંથી ઉપાડીને આગના હવાલે કરી રહ્યા હતા. એ નાના ભૂલકાઓ કે જેમનો કોઈ ધર્મ નહોતો એ આગમાં ફેંકાઈ રહ્યા હતા. એ દ્રશ્ય વિશ્વાસમાં ન આવે એવું હતું. હું સાચે જ એ ભયાનક દ્રશ્ય જોઈ રહ્યો હતો. એ દ્રશ્ય જોયા પછી મને કદી રાત્રે ઊંઘ આવી નથી.
એ ખાડાની પાસે એક બીજો મોટો ખાડો હતો. અમે એ તરફ જઈ રહ્યા હતા.
મેં ચકાસી જોયું કે હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને ? પુરુષો, બાળકો અને મહિલાઓને જીવતા આગમાં ફેંકવામાં આવી રહ્યા છે અને વિશ્વ ચૂપ છે. હું સાચે જ ત્યાં હતો કે કોઈ ભયાનક સ્વપ્ન જોઈ રહ્યો હતો. મને વિશ્વાસ હતો કે હું હમણાં જાગી જઈશ અને મારી જાતને મારા ઘરની પથારીમાં પામીશ.
મારા પિતાના અવાજે મને તન્દ્રા માંથી જગાડી દીધો. હું સાચે જ તેમની સાથે એ આગની જ્વાળાઓ તરફ જઈ રહ્યો હતો.
"તારે તારી માં ભેગું જવાની જરૂર હતી. તારી ઉંમરના છોકરાઓ એમની માં પાસે જ રહે." તેમના અવાજમાં દુઃખ હતું.
હું સમજતો હતો, તેઓ મને એમના એકના એક દીકરાને આગનાં હવાલે થતો જોવા નોહતા માંગતા. મને આખા શરીરે પરસેવો વળી ગયો.
"પણ લોકોને આગમાં જીવતા બાળવામાં આવી રહ્યા હોય ત્યારે વિશ્વના લોકો ચૂપ કેમ બેઠા છે ? તેઓ આ ભયાનક પાપ કેમ થવા દઈ રહ્યા છે?" મેં તેમને પૂછ્યું.
"વિશ્વને આપણામાં રસ નથી, દીકરા. આજના વિશ્વમાં બધું જ શક્ય છે. આ માનવભટ્ઠી પણ..." તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો.
"પિતાજી, જો આપણો અંત અહીં જ હોય તો મારે આ ભઠ્ઠીમાં રિબાઈ રિબાઈને નથી મરવું. હું પેલી કાંટાની વાડ પર કૂદી જઈશ. તેમાંથી આવતા કરંટથી વહેલું મોત આવશે." મેં તેમનો હાથ પકડીને ધીરેથી કહ્યું.
મને ખબર નથી કે એક દીકરો પોતાના બાપ પાસે મરવાની વાતો કરે ત્યારે એ બાપને કેવું લાગતું હશે પણ તેમણે જવાબ ન આપ્યો. તેઓ રડી રહ્યા હતા. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું.
અમારી આસપાસ બધા રડી રહ્યા હતા. તેઓ મરી રહેલા માણસોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. વિશ્વમાં કદાચ પહેલી વખત એવું બની રહ્યું હતું કે મરી રહેલા લોકો પોતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હોય. મારા પિતાએ પણ તેમની સાથે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું.
પહેલી વાર મારુ મગજ ગુસ્સાથી ભરાઈ ગયું. હું ભગવાનનું નામ શા માટે લઉં ? શા માટે એ ભગવાનનું નામ લઉં જે અત્યારે ચુપચાપ આ અત્યાચાર જોઈ રહ્યો છે ?
અમારી કૂચ તે ખાડા તરફ ચાલુ હતી કે જેમાંથી ઉઠતી અગનજ્વાળાઓ આકાશને આંબી રહી હતી. ધીરે ધીરે એ આગની ગરમીનો અનુભવ અમને થવા લાગ્યો. અમે હવે આશરે વીસેક ડગલાં જ એ આગથી દૂર હતા. જો મારે મારી જાતને પેલા તારમાં કૂદીને ખતમ કરવી હોય તો આ છેલ્લો મોકો હતો. પણ હું મારા પિતાને એકલા છોડવા નોહતો માંગતો. અમે હવે માત્ર પંદર ડગલા દૂર હતા. મેં મારો ભય છુપાવવા મારા પિતાનો હાથ જોરથી પકડી લીધો.દસ, આંઠ, સાત...અમે ધીરે ધીરે અમારા મોત તરફ ચાલી રહ્યા હતા. મેં મારા પિતાને મનમાં ને મનમાં છેલ્લા પ્રણામ કર્યા. પાંચ, ચાર, ત્રણ...હું હવે તૈયાર હતો મારા મોત માટે. પણ માત્ર બે ડગલા રહ્યા ત્યારે અચાનક સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ અને અમને કેદીઓની બેરેક તરફ જવાનું કહેવામાં આવ્યું.
અમે મોતના મુખમાંથી પાછા ફર્યા હતા. સૌ બેરેક તરફ વળ્યાં.
મારા પિતાએ રસ્તામાં મને કહ્યું," તને મિસિસ સ્કેચરની વાતો યાદ છે ?"
હું ક્યારેય કેમ્પમાં મારી એ પેહલી રાતને નહીં ભૂલું કે જેણે મારા આખા જીવનને હંમેશને માટે એક લાંબી કાળી રાતમાં ફેરવી નાખ્યું. હું ક્યારેય એ ધુમાડાને નહીં ભૂલું. હું ક્યારેય એ માસુમ બાળકોના ચહેરાઓને નહીં ભૂલું કે જેમના શરીરોને મેં ખામોશ આકાશ નીચે ધુમાડો બનતા જોયા હતા. હું ક્યારેય એ અગન જ્વાળાઓને નહીં ભૂલું જેમણે મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને હંમેશા માટે પોતાનામાં સમાવી લીધી. હું ક્યારેય તે રાત્રીની ખામોશીને નહીં ભૂલું જેણે મારી જીવવાની ઈચ્છાને અનંતકાળ સુધી મારી નાખી. હું ક્યારેય એ ક્ષણને નહીં ભૂલું જેણે મારા ઈશ્વર અને મારી આત્માને મારી નાખી મારા સપનાઓને રાખમાં ફેરવી નાખ્યા. જો મને ભગવાન જેટલું લાબું જીવવા મળે તો પણ હું આ બાબતોને ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં.
અમને આપવામાં આવેલી બેરેક બહુ લાંબી હતી. છત પર પ્રકાશ માટે બહુ થોડી બારીઓ હતી. એ બેરેક નર્ક જેવી લાગી રહી હતી. અમને આવકારવા બીજા કેદીઓ ડંડા લઈને ઉભા હતા. તેમણે અમને વગર કારણે મારવાનું શરૂ કર્યું.
"બેલ્ટ અને બુટ સિવાય બાકીના બધા કપડાં કાઢીને બેરેકની પાછળ ઢગલો કરો." આદેશ આવ્યો.
ધીરે ધીરે બેરેકની પાછળ કપડાંઓનો ઢગલો થવા લાગ્યો. ત્યાં પહેલેથી જ કપડાંઓનો ઢગલો હતો. બધા જ હવે ધનવાન અને ગરીબ મટીને એક સરખા થઇ ગયા. એ ઠંડી કાળી રાતમાં અમે નગ્ન અવસ્થામાં ધ્રુજતા નવા આદેશની રાહ જોઈ રહ્યા.
કેટલાક એસ.એસ.ના ઓફિસરોએ મજબૂત માણસોને શોધવા અમારી નગ્ન ટોળી વચ્ચે એક આંટો માર્યો. એ મજબૂત માણસોને કેમ્પના કામ કરવા લઇ જવાના હતા. લોકોએ પોતે મજબૂત અને કામ લાગે એવી વ્યક્તિ છે એવું દેખાડવાનું શરૂ કર્યું પણ મારા પિતાએ ઉલટું વિચાર્યું. એ ઓફિસરોની નજરમાં આવવા નહોતા માંગતા. પછી અમને ખબર પડી કે મારા પિતા સાચા હતા. અમારી પહેલાના જથ્થામાં આવેલા મારા એક ઓળખીતા યુવાનને શારીરિક રીતે સક્ષમ હોવાના કારણે લોકોને આગની ભઠ્ઠીમાં ફેંકવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેના કમનસીબે તેને પોતાના ખુદના પિતાને આગની ભઠ્ઠીમાં ફેંકવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
ફરી લાક્ડીઓનો વરસાદ ચાલુ થયો અને આદેશ છૂટ્યો. "ચાલો હવે વાળંદ પાસે જાઓ."
હાથમાં બેલ્ટ અને બુટ પકડીને અમે બધા બહાર બેઠેલા વાળંદો પાસે હાજર થયા. જેમણે અમારા શરીર પરના બધા જ વાળ દૂર કર્યા.
વાળંદના સકંજામાંથી છૂટ્યા પછી બધા પોતાના સગા વહાલા અને ઓળખીતા જે અમારી પેહલા અહીં આવ્યા હતા તેમને શોધવા લાગ્યા. થોડીવારમાં વાતાવરણ હર્ષોઉલ્લાસથી ભરાઈ ગયું. લોકો પોતાના સગાઓને અને ઓળખીતાઓને બચી ગયેલા જોઈને ખુશ થઇ રહ્યા હતા અને ખુદ પર તોળાઈ રહેલા મોતને ઘડી ભર ભૂલી રહ્યા હતા.
મારા ખભા પર એક હાથ પડ્યો. એ મારો મિત્ર યાહીયેલ હતો. એ મને જોઈને રડવા લાગ્યો. મેં તેને સાંત્વના આપી," રડીને તારા આંસુઓ ન બગાડ."
તે બોલ્યો," તને ચિંતા નથી થતી કે આપણે અહીં મોતના મુખમાં છીએ. આપણો અંત નજીક છે."
હું આકાશ તરફ જોઈ રહ્યો. મારી બીક સાચે જ ચાલી ગઈ હતી કારણ,કે હું ડરીને થાક્યો હતો.
(લેખક અને તેમના પિતાનું જીવન આ કેમ્પમાં કેવું હશે ? શું તેઓ નાઝીઓના અત્યાચારોથી બચી જશે ? જાણવા માટે વાંચો હવે પછીનું પ્રકરણ...)