Prem - Chhelli Nazarno in Gujarati Love Stories by RaviKumar Aghera books and stories PDF | પ્રેમ - છેલ્લી નજરનો

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

પ્રેમ - છેલ્લી નજરનો

પ્રેમ - છેલ્લી નજરનો

સૂરજે પોતાના ડાબા હાથમાં પહેરેલી કાંડા ઘડીયાળમાં જોયું. સવારનાં સાડા સાત વાગ્યાં હતાં. ફરી એકવાર તેને સામાન પર નજર નાંખી, પોતાના ખાલી રૂમ પર નજર નાંખી, એક એક ખૂણો ટીકી-ટીકીને જોયો, સાથે જોડાયેલી યાદો તાજી થઈ ગઈ. બાજુમાં પડેલા મોબાઈલની સ્વીચ દબાવી તેને જોયું કે કોઈ કોલ કે મેસેજ તો નથી ને, હંમેશા આ તત્પરતા રહેતી હોય છે પણ આજ વાત કંઈક ઔર જ હતી. અનલોક થયેલ ફોનની સ્ક્રીનમાં કાંઈ નવું જોવા ન મળ્યું, પણ ડીસ્પલેમાં રહેલ રાધા-કૃષ્ણનું અદ્ભૂત ચિત્ર જોઈ તે સ્થિર થઈ ગયો, જાણે કયાંક ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો. હયાતને ભૂલી ભૂત અને ભાવિમાં ડૂબી ગયો. અચાનક તેનો ફોન રણક્યો, તે થડકી ગયો, ફોન હાથમાંથી પડતાં-પડતાં બચ્યો. જાત સંભાળી તેણે જોયું, ડીસ્પલે પર સંધ્યા નામ દેખાયું. ધ્રૂજતા હાથે સૂરજે ફોન ઉપાડ્યો. આ નામનો ફોન જયારે પણ આવતો ત્યારે સૂરજ પોતાનાં શરીરમાં એક થોથરામણ, એક સ્પંદન અનુભવતો. ફોનમાંથી એક અવાજ આવ્યો – હું 10 મીનીટમાં બસ-સ્ટેન્ડ પર પહોંચી જઈશ. આઠ વાગ્યાની બસ છે, મોડો ન પડતો. સૂરજ હા બોલે તે પહેલા જ ફોન કટ થઈ ગયો. સૂરજે પોતાની જાતને થોડી તૂચ્છ સમજી પણ પછી થોડીવારમાં એ લાગણીને ખંખેરી પોતાના સામાન તરફ આગળ વધ્યો. ત્રણ વર્ષ પહેલા જે બે બેગ સામાન સાથે તે આવ્યો હતો આજે પણ તે જ બે બેગ તેના સાથીદાર હતાં. મિત્રો તો એક દિવસ પહેલાં જ સાથ છોડીને ચાલ્યા ગયા હતાં. આમ જોઈએ તો અમુક વ્યક્તિઓ એવી હોય છે જેની સાથે આપણે જીંદગીભર રહીએ તોય નથી થાકતાં. સૂરજના મિત્રો પણ એવા જ હતાં, પણ સમય સાથે કદમ મિલાવવા બધું છોડવું પડે.

પણ આજે તેને એક એવી સફર ખેડવાની હતી જે હંમેશા તેને એકલા હાથે જ ખેડી હતી – પ્રેમની સફર. આજે છેલ્લીવાર તે સંધ્યાની સાથે છેલ્લી સફર સર કરવાનો હતો. કોલેજના ત્રણ વર્ષનો સૂરજનો એકતરફો પ્રેમ અધૂરો-તરસ્યો જ રહી જાત, પણ સાયદ આજે એ પ્રેમની વાવણીનું પરીણામ આવવાનું હતું. સૂરજ પ્રેમની મંજીલે પહોંચશે કે હંમેશ માટે મુસાફર બનીને જ રહી જશે તે આજની સફર નક્કી કરવાની હતી. ગઈકાલે સાંજના સંધ્યાએ ફોનમાં કહ્યું હતું – મારે તને મળવું છે, કાંઈક રહી ગયું છે એવું જે કહેવું છે. ત્યારે જ આ છેલ્લી મુલાકાતનો છેલ્લો સાથ બંન્નેએ નક્કી કર્યો. સૂરજ રાતે ઊંઘી ન શક્યો, ત્રણ વર્ષની યાદો, વચનો, વાતો, કરૂણાઓ, વિરહના આંસુઓ, એકતરફા પ્રેમની ઝંખના ફરી-ફરીને તેના માનસપટ પર ભમી રહ્યું. પણ હવે ધીરે-ધીરે એ ઘડી નજીક આવી રહી હતી. દ્વિધા એક મોટી હતી – આ તપસ્યા ફળશે કે એકાંતમાં ખોવાઈ જશે તે આમ જ.....

મનના વિચારોની ભરમાળ વચ્ચે તે પોતાના એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયો તેની પણ ખબર ન રહી, સામે મળેલ વોચમેનને ફ્લેટની ચાવી આપી, વોચમેને રોજની જેમ સલામ કરી પણ સૂરજ આજે અલગ જ દૂનિયામાં હતો. વોચમેન પણ સૂરજની દશા કળી ગયો હોય તેમ પોતાના કામમાં લાગી ગયો.સૂરજ હવે બસસ્ટેન્ડથી દસ મીનીટ દુર જુનાગઢના રસ્તા પર ખોવાયેલું ચિત લઈ બેપરવાહ ચાલ્યો જતો હતો. મનમાં વિચારોનું જાણે મંથન ચાલી રહ્યું હોય અને એક પછી એક તત્વો બહાર આવી રહ્યા હોય એમ વિચારોનું વ્હેણ ચાલી રહ્યું હતું, દરેક વિચાર અંતે એક જ સવાલ કરતો કે શું તે મારી થશે શું તે મને અપનાવશે વિચાર વિચારમાં તે બસસ્ટેન્ડની અંદર પહોંચી ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. તેની નજર હવે ચોતરફ ફરવાં લાગી, બાળકો, સ્ત્રીઓ, પુરૂષો, વૃધ્ધ, જુવાનો બધાની નજરમાં એક ઈંતેઝાર હતો – એક સફરનો ઈંતેઝાર કે જેના પછી તેઓ પોતાની મંઝીલે પહોંચવાના હતાં. પ્લેટફોર્મ પર સાઈનબોર્ડ વાંચતો વાંચતો તે અહમદાવાદ લખેલા બોર્ડ સામે ઉભો રહ્યો, સામે ગુલાબી રંગનો ભરાવદાર ડ્રેસ પહેરેલ, પાંચ ફૂટ દસ ઈંચ ઊંચી, પાતળી, ઘંઉવર્ણી છોકરી ઉભી હતી, કાનમાં સાદા ગુલાબી રંગના ઈઅરીંગ્સ પહેર્યા હતાં, હાથમાં જાંબુડી રંગના બેલ્ટવાળી ઘડીયાળ પહેરી હતી. સૂરજને આવતો જોઈ તેને ઘડીયાળમાં નજર કરી. ચહેરા પર આતુરતાની સાથે એક ગંભીરતા હતી, સાયદ આ ગંભીરતા જ સૂરજના સવાલનો જવાબ હશે. સૂરજે પાસે પહોંચી પોતાના બેગ તેની પાસે મૂક્યાં અને પૂછયું-

સૂરજ :– “હું મોડો તો નથી પડયો ને???”

સંધ્યા :– “તુ તો આવી ગયો પણ બસ હજું આવી નથી યા...ર..., કયારે આવશે?”

સૂરજ :– “બસ એના સમયે જ આવશે.”

સંધ્યાએ સૂરજની સામે જોયું અને મજબૂરીપૂર્વક આભાર વ્યક્ત કરતું સ્મિત વેર્યું. આ એજ સ્મિત હતું જે પ્રથમ મુલાકાતમાં મળ્યું હતું, સૂરજ એ મુલાકાતની યાદોમાં ગરકાવ થઈ ગયો. સંધ્યાએ એક નજર સૂરજ પર કરી, પગમાં બ્લેક રંગના સેન્ડલ, બ્લૂ જીન્સ, બ્લેક રંગનું ફૂલ સ્લીવનું ટી-શર્ટ કોણીથી સહેજ ઉપર વાળેલી સ્લીવસ્, ડાબા કાંડામાં બ્લેક બેલ્ટવાળી ઘડીયાળ પહેરી હતી. ચહેરા પર એક સ્મિત હતું, આંખોમાં કરૂણા, એકાંત અને વેદનાનું તેજ છલકાઈ રહ્યું હતું. સંધ્યા વધુ વખત તેની આંખોમાં ન જોઈ શકી, તેણે આંખો ચોરાવી લેવી પડી. એટલામાં રિવર્સ લેતી એક બસનું સાઈનબોર્ડ તેણે વાંચ્યું – જુનાગઢ – અહમદાવાદ . સંધ્યાએ સૂરજના ખભા પર હાથ મૂક્યો અને નજરના ઈશારાથી કહ્યું કે બસ આવી ગઈ છે. નજર એટલું કહીને જૂકીને બસ તરફ મંડાઈ. સૂરજ સંધ્યાની પાછળ-પાછળ બસમાં ચઢવાં લાગ્યો. આમતો સૂરજને રાજકોટ જ જવાનું હતું પણ તે આવી રીતે ઘણીવાર સંધ્યાની કંપની માટે અહમદાવાદની બસમાં ગયો હતો. સાયદ આજની આ સફર બંનેની સાથે છેલ્લી સફર બનવાની હતી, કદાચ આજ પછી બંને એકબીજાને ક્યારેય નહોતાં મળવાના. બસમાં ચઢયા પછી સૂરજે જોયું કે ડ્રાઈવરની પાછળ ડાબી તરફની બે સીટ ખાલી હતી. તેણે ઝડપથી ત્યાં પહોંચી સામાન ગોઠવી દીધો. સંધ્યા બારી તરફની સીટમાં બેઠી અને બાકીની સીટમાં સૂરજ સંકોચ સાથે પોતે કયાંક સંધ્યાને સ્પર્શે નહી તે રીતે બેઠો. સંધ્યાએ આ વર્તન નોટીસ કર્યું અને બોલી-

સંધ્યા :– “સૂરજ, આરામથી બેસ મને કોઈ વાંધો નથી.”

બસ ચાલું થઈ અને સૂરજનું શરીર સંધ્યાનો સ્પર્શ થયો, સૂરજના શરીરમાં જાણે એક ઉર્મી જાગી ગઈ, તેણે પોતાની જાતને દૂર ખસેડી. સંધ્યા આ જોઈને મંદ હસી, સૂરજથી પણ ન રહેવાયું, તે પણ હસી પડયો. આ છેલ્લી સફર જાણે કાંઈક અલગ જ અહેસાસ કરાવવાની હતી. જુનાગઢથી બહાર નીકળી હવે બસ જુનાગઢ-રાજકોટ હાઈવે પર દોડી રહી હતી પરંતું હજુ સુધી બંનેમાંથી કોઈની ચુપકીદી તૂટી નહોતી. સંધ્યો બારીની બહાર જોતી હતી અને સૂરજ સંધ્યાને, એના સ્મિતને, એનાં ખુલ્લા લહેરાતા વાળને. સવારના સમયનો ઠંડો પવન બારીમાંથી અંદર આવતો હતો અને સંધ્યાના ચહેરા પર અથડાતો હતો, પવનમાં ખુલ્લા લાંબા વાળ લહેરાતાં લહેરાતાં સૂરજના ચહેરા પર આવતાં હતાં. મંદ મંદ સ્મિત વેરતી, સંધ્યા શરમાઈને પોતાના વાળને કાન પાછળ ભરાવી લેતી અને ફરી બારીની બહારની દુનિયા જોવામાં તલ્લીન બની જતી હતી.

વાતની શરૂઆત કોઈએતો કરવી પડશે એવું સૂરજને લાગ્યું વળી દિલની વાતનો ઈઝહાર છોકરીઓ પહેલા કયારેય નથી કરતી હોતી એવું તેને મિત્રો પાસેથી સાંભળેલ હતું. તેથી પોતેજ પહેલ કરવી જોઈએ એવું તેને લાગ્યું.

સૂરજ :– “સંધ્યા, કેવો લાગ્યો આ અનુભવ કોલેજ જીવનનો ?”

સંધ્યા :– “(ચહેરો પર એક ઝળહળતું સ્મિત પ્રક્ટ્યું) યાર...., કયાં આ કોલેજ લાઈફ પૂરી થઈ ગઈ. હવે સાયદ બીજા જન્મ સૂધી રાહ જોવી પડશે એ ખૂશીની, એ આઝાદી, બેફીકરી, દોસ્તી, રંગત ફરી માણવા નહી મળે. ખરેખર કહું, મને એમ થાય છે કે ફરીથી એડમીશન લઈને ફર્સ્ટ યરમાં બેસી જાઉં. યાર કોલેજ લાઈફ ખૂંટવી જ ન જોઈએ.”

આમ સંધ્યા બોલતી ગઈ અને સૂરજ હાંમી ભરતો ગયો. આખું કોલેજ જીવન જાણે આજે ચાલતી બસમાં પાછું જીવાઈ રહ્યું હતું. સંધ્યાની વાતો અનુસાર તેના ચહેરા પરના હાવભાવ પણ બદલાતાં હતાં. કલાસના હર એક એક વ્યક્તિનું વ્યક્તિત્વ વાગોળતી અને તે વ્યક્તિ પ્રત્યેનાં પોતાના પ્રતિભાવ સૂરજને વહેંચતી જતી. દર્શના, રુચિતા, અભિનવ, કાજલ, ઉદય, સુચિત્રા, દિશા બધા માત્ર મિત્રો જ નહી એના જીવનના રત્નો હતાં. સૂરજ સંધ્યાની કાલાવેલી વાતો સાંભળતો અને પોતાનું મંતવ્ય, પ્રતિભાવ આપતો. બસ પોતાનો સફર કાપતી જતી અને સમય પોતાનો. સૂરજે બારીની બહાર નજર નાંખી, હવે જેતપુર આવવાની તૈયારી હતી. તેને વિચાર આવ્યો કે કોલેજ જીવન વાગોળવામાં મુખ્ય સવાલ ત્યાંનો ત્યાં જ રહી ન જાય. તેણે ફરી એક સવાલ કર્યો.

સૂરજ :– “સંધ્યા, મારા વિશે કંઈ નહી કહે તું ??”

સંધ્યા :– (શરમાઈને બારીની બહાર જોતા જોતા)

તું ભળી ગયો છે જીંદગીની કિતાબમાં

સુંગધ બનીને,

જયારે પણ ઉથલાવીશ પન્નાં એનાં

જીવન મહેકી ઉઠશે.

સૂરજે પોતાના હાથ વડે સંધ્યાના ચહેરાને પોતાની તરફ કર્યો અને કહ્યું-

સૂરજ :– “આજે નજર ન ચુકાવ સંધ્યા, જોઈ લેવા દે આ ચહેરો, ફરી કયારેય નસીબ ન થાય આ દીદાર.”

સંધ્યા :– “દીદારથી યાદ આવ્યું આપડો બંને સાથે હોય તેવો એકપણ ફોટો નથી. તો આજ આપણે આપણી આ દોસ્તીને તસ્વીરમાં કેદ કરી લઈએ, સાથે એક ફોટો તો બનતા હે. પછી તું દીદાર કરતો રેજે.”

સંધ્યાએ પોતાનો મોબાઈલ કાઢી કેમેરા ઓન કરી પોતાનો ચહેરો સૂરજ પાસે લાવ્યો. મોબાઈલની સ્ક્રીનમાં બંને એ એકબીજાના ચહેરા જોયાં અને હસ્યાં. સ્મિત કેમેરાએ કેદ કરી લીધું. સૂરજ અને સંધ્યા જાણે જીંદગીની એક અનેરી મીઠી યાદ કેદ કરી હોય તેવું લાગ્યું. પણ હજુ સવાલ ત્યાંનો ત્યાંજ હતો, સૂરજે સંધ્યાના ચહેરા સામે જોયું, હોઠ ખામોશ હતાં પણ આંખો જાણે કાંઈક કહેવા માંગતી હોય તેમ લાગ્યું હતું. સૂરજને તે જ વાત સાંભળવી હતી, તેને ફરીથી વાત છેડી –

સૂરજ :– “સંધ્યા, આંખની વાતને હોઠ પર કયારે લાવીશ. તે કાલે કહ્યું હતું કે કાંઈક કહેવું છે, તો આજે આ ખામોશી કેમ??”

સંધ્યા :– “હા, આજે એ કહેવાનું છે જે હું આજ સુધી કયારેય નથી કહ્યું, આ વાત તારા અને મારા સંબંધ વિશે છે. સૂરજ, હું જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે અને કેવો પ્રેમ કરે છે. તે જે કર્યું છે એ મારા પરીવારમાંથી પણ કોઈએ જ કર્યું હશે. જીવનમાં અમુક વ્યક્તિના સાથમાં તમે પોતાને સુરક્ષીત અને ખુશ મહેસૂસ કરો. એવી વ્યક્તિઓમાં ફક્ત મારા પરીવારની જ ગણતરી હું કરતી પણ જયારથી તું મળ્યો છે ત્યારથી એ યાદીમાં એક નામ તારું પણ છે. મે મનોમન હંમેશા તારો આદર કર્યો છે, તારી લાગણીઓને પંપાળી છે, તારી વાતોને વાગોળી છે, તારા સપનાઓને સ્નેહ્યાં છે, તારા વિચારોને અપનાવ્યા છે. તારા સંગાથથી ખબર નહી જીવનમાં એક અલગ મહેક, એક સુંગંધ ભળી જાય છે. આવો સંગાથ જીદંગીભર માટે મળી જાય તો જાણે સોનામાં સુંગંધ ભળી જાય. પણ તું હજી મને સમજ્યો નથી, તે હજું મને જાણી જ કયાં છે. તારા અને મારા રસ્તા અલગ છે, તું જે મુકામે છે ત્યાં પહોચવા મારે હજું ઘણો સમય લાગશે. પ્રેમ જેવા પવિત્ર શબ્દ-સંબંધને હું ન્યાય આપી શકું તેમ નથી. હું એ મુસાફિર છું જેને ચાલવા માટે હજું રસ્તો મળ્યો છે અને તું એ મંઝીલે પહોંચેલ મુસાફિર છે.”

સંધ્યા દિલના ફૂલડાં વેરતી જતી હતી,સૂરજ એ વસંતમાં ડૂબતો જતો હતો. બસની બહારનું, દુનિયાનું વાતાવરણ ભૂલીને બંને એકબીજામાં ખોવાઈ ગયાં હતાં. સમય અને બસ પોતાના રસ્તા પર દોડી રહ્યાં હતાં. ઘડીભરની ચૂપકી બાદ સંધ્યા બોલી –

સંધ્યા :– “ઘડીભર તો એવું લાગે કે સોંપી દઉં તને મારી જાત, ભળી જાઉં તારામાં-તારી પવિત્રતામાં. જયારે તને વિચારું છું હું મારી ખુદની નથી રહેતી. બે વ્યક્તિત્વ રહે છે મારામાં, એક તારામાં ભળી જવા ઝંખે છે અને બીજી હું જે વાસ્તવિક છું તે. ડર લાગે છે મને કે હું કયાંક બંધાઈને ન રહી જાવ, હું કોઈ બંધનની મોહતાજ નથી. તારો પ્રેમ એ મારી મંઝીલ નથી. મારા દિલમાં એક સ્થાન છે તારું જ્યાં કોઈ નહી પહોંચી શકે. સંબંધ જે પાંગર્યો છે આપણી વચ્ચે તેમાં ઝાંખપ નહી આવવા દઉં, પણ આ સંબંધને તારી સાથે કોઈ બંધનમાં બંધાઈને હું કોઈ નામ આપવા નથી માંગતી. કેમકે જો હું બંધાઈ ગઈ તો મારા મનનો, મારી લાગણીઓનો, મારા સપનાઓનો વિકાસ રૂંધાય જશે. મેં પણ ઘણા સપનાઓ જોયા છે, મારી પણ ઘણી આરઝુઓ છે એમાની એક આરઝુ તું પણ છે. પણ મારી સામે બે રસ્તાં છે – એકની મંઝીલ તું છે અને બીજા મારા સપનાઓ. તને અપનાવીશ તો મારા સપનાઓ ખોવાય જશે. હું તને પ્રેમ તો કરીશ પણ મારા સપનાઓ ખોવાય જશે. હું હોઈશ તો તારી સાથે પણ મારું મન મારા સપના પાછળ ભાગશે. હું તને, તારા પ્રેમને ન્યાય નહી આપું શકું. તુંય અધૂરો રહીશ અને હુંય અધૂરી. આવી અધૂરી જીંદગી તું ઈચ્છે છે?”

સંધ્યાનાં શબ્દો પડઘા પાડીને ચૂપ થઈ ગયા. સૂરજ સ્તબ્ધ રહી ગયો. સવાલનો જવાબ ખુદમાં જ એક સવાલ બની ગયો. ધારણા તો કોઈ બાંધી ન હતી સૂરજે પરંતુ આ સવાલ પણ ઈચ્છયો ન હતો. તેને ઊંડો નિસાસો ખાધો અને સંધ્યાની નજર સામે જોયું. તેની આંખોમાં એક હાશકારો – એક શાંતિ દેખાય. સંધ્યાની વાતો સૂરજના મન પર ઝાંકળની જેમ વરસી ગઈ, મન ભીંજાયું પણ ખરૂ અને હાથ ખાલી પણ રહ્યાં. કહેવા-સાંભળવાં જેવું કંઈ હવે બાકી હતું નહી. સંધ્યા સૂરજના હાવભાવ વાંચી રહી હતી, સૂરજ પ્રત્યુત્તરના શબ્દો શોધી રહ્યો હતો. શું વિચાર્યું હતું અને શું નીક્ળયું. પ્રેમ પામીને પણ અધૂરો-અપૂર્ણ રહી ગયો. જેને ઝંખી હતી હર એક શ્ર્વાસની સાથે, તે વ્યક્તિએ તેને ચાહ્યો પણ માંગ્યો નહી. ચહેરો બેબાકળાં જેવો થઈ ગયો, હ્રદય પણ જાણે જવાબની શોધમાં ધીરું ચાલતું હોય તેમ લાગ્યું, અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો. તેને કાંઈ સૂઝ્યું નહી છતાં પણ બોલવા લાગ્યો –

સૂરજ :– “સંધ્યા, ખરેખર તને ઓળખવામાં મેં કંઈ ભૂલ નથી કરી. મેં તને ચાહી છે પણ કયારેય માંગી નથી. તારી પાસેથી પ્રેમની ઈચ્છા પણ રાખી ન હતી, પણ તે આજ મને આજ આ બધું કહી સંતુષ્ટ કરી દીધો. હવે મન કાંઈજ ઝંખતું નથી, પણ તે મારા પ્રેમને ઓળખવામાં ભૂલ કરી. પ્રેમનો મતલબ માત્ર આપવું જ છે, મેળવવું તો તેનો રિવાજ જ નથી.”

એમ કહી તેણે પહેલી વખત સંધ્યાનો હાથ પોતાના હાથમાં લીધો. સંધ્યાએ સૂરજ સામે શરમાળ સ્મિત વેર્યું. સમય થંભી ગયો આ દ્રશ્ય જોવા. એ.સી. બસમાં પણ એક હુંફાળી હવા પ્રસરી ગઈ. સૂરજે સંધ્યાની સામે જોઈને કહ્યું –

સૂરજ :– “તારી વાતનો જવાબ હું એટલો જ આપીશ, કે હું તને પ્રેમ કરતો હતો, તને જ કરું છું અને તને જ કરતો રહીશ. કેમકે મેં તને ચાહી છે, તારા વ્યક્તિત્વને ચાહ્યું છે. સાયદ મને તું નહી મળે પણ તારા સ્થાને કોઈ આવશે પણ નહી આવે. તું તારા સપનાઓ પુરા કરી લે, જીવી લે, માણી લે. તું મુક્ત છે, પ્રેમના આ બંધનથી. પણ જો તું થાકી જાય અને કયાંક હારી જાય તો મારી પાસે આવજે. હું છેલ્લા શ્ર્વાસ સુધી તારી રાહ જોઈશ.”

બંને ચહેરા એકમેકમાં ડૂબી ગયાં. બસ રસ્તાં પર ચાલતી રહી પણ સમય આ દ્રશ્ય એકીટશે જોઈ રહ્યો હોય તેમ થંભી ગયો. બસ રાજકોટ હાઈવે પર દોડી રહી હતી. બધા લોકો પોતાની ધૂનમાં ખોવાયેલા હતાં. એર જોરદાર ધડાકાનો અવાજ થયો. સૂરજની આંખે અંધારા અને કાનમાં તમ્મર આવી ગયાં. થોડીવાર આંખે ઝાંખપ આવી ગઈ, માથામાં અને શરીરમાં જાણે અસહ્ય પીડા ઊપજી આવી, આંખો પટપટાવી પણ કાંઈ દેખાયું જ નહી. આજુબાજુમાં ચીસા-ચીસી, રો-કકળ સંભળાવા લાગી. બે ઊંડા શ્ર્વાસ પછી સૂરજે પોતાને બસથી દૂર બહાર ઝાડીઓમાં પડયો પામ્યો, હાથમાંથી લોહી વહીને ખાબોચીયું ભરી રહ્યું હતું. આંખની પાંપણ પરથી લાલ મોતી ટપકી રહ્યા હતાં, પગ જાણે સૂન પડી ગયાં હતાં, માથું ભારે થઈને ભમી રહ્યું હતું. એવામાં તેને અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ હાફળો-ફાફળો થઈ ચારે તરફ જોવા લાગ્યો. પીઠ ફેરવી તેની નજર એ નજારો જોઈને હેબતાઈ ગઈ. ચાર ફૂટ દૂર સૂકા ઘાસની વચ્ચે ગુલાબી રંગની ચુંદડી લાલ લોહીથી લથબથ થઈને ફરકી રહી હતી જાણે સૂરજને કાંઈક ઈશારામાં કહેતી હોય. ત્યાં નીચે ઘાસમાં થોડી સડવડાટ થઈ. સૂરજ ઢસડાતો ઢસડાતો ત્યાં પહોચવા મથવાં લાગ્યો, પગમાં એટલું પણ જોર ન હતું કે તે ચાલી શકે. લોહીથી ભરેલા નાના ખાડાને કિનારે પડેલો સંધ્યાનો ચહેરો દેખાયો, કપાળ પરથી, નાસિકામાંથી લોહી વહેતું હતું,, આંખો કોઈની રાહ જોઈ રહી હતી જાણે તેની કોઈ ઈચ્છા અધૂરી ન રહી જાય. સૂરજને જોઈને તે આંખમાંથી રક્તમિશ્રિત મોતી ઝરવાં લાગ્યાં, હૈયાએ જાણે હાથને હુકમ કર્યો હોય તેમ તે સૂરજને સ્પર્શવા, તેનામાં ભળી જવા, તેને પામવા લંબાયા. સૂરજે ત્યાં બેસી સંધ્યાનો ચહેરો પોતાના ખોળામાં લીધો, હાથમાં તેના ખરડાયેલા હાથ લીધા, બંનેનાં ચહેરા પર એક અદ્ભૂત સ્મિત પ્રક્ટયું. સૂરજે સંધ્યાના ચહેરા પરનો એ પ્રેમ જોયો, એ છેલ્લી નજરનો પ્રેમ. બંનેની નજર એકબીજામાં ગરકાવ થઈ ગઈ. બંને ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગયા. આંખો ખુલ્લી જ રહી ગઈ એ લોકોની જેને આ નજારો જોયો. બે અધૂરાં જીવ એકબીજામાં મળી ગયાં...

BY – A & R.