Mara Arrange lagn ane mara arrange sawalo in Gujarati Short Stories by Nishant Pandya books and stories PDF | મારા અરેન્જ લગ્ન અને મારા અરેન્જ સવાલો

Featured Books
Categories
Share

મારા અરેન્જ લગ્ન અને મારા અરેન્જ સવાલો

મારા અરેન્જ લગ્ન અને મારા અરેન્જ સવાલો

આજે ઘર માં ઉત્સાહનો માહોલ હતો. રસોડા માં નવા નવા પકવાન બનતા હતા. ફ્રિજ માં નવી નવી સરબત અને કોલ્ડ ડ્રિંક્સની બોટલો પડેલી હતી. રસોડા ના જ નહીં, પણ આખા ઘરના ફર્નિચર ને પૉલિશ કરીને ચકચકાટ કરવામાં આવી હતી. સવાર સવાર માં કપડાંથી બધુ ઝાટકીને ઘર ની ધૂળ ઓછી કરવામાં આવી હતી. ઘર ના ગાર્ડનના ઘાસને કાપીને એકદમ સરખું કરી દેવામાં આવ્યું હતું. બગીચા માં આવેલા નાના નાના ગુલાબ ના છોડ માથી નીંદણ કાઢી નાખવામાં આવ્યું હતું. તુલસી ના ક્યારામાં સવાર સવાર માં અગરબત્તીની સુગંધ સીધી ઘર ના મેઇન હોલ સુધી આવતી હતી. ઘર ના ગાર્ડન માં આવેલા હીંચકા માં દરેક નટ અને બોલ્ટ પર ઓઇલ લગાડવામાં આવ્યું હતું, કે જેનાથી હિંચકો ફરે ત્યારે કર્કશ અવાજ ન આવે. અંદર સોફા ના તકીયા ના કવર બદલાયેલા હતા. માછલી ઘર નું પાણી હમણાં જ બદલ્યું હતું. 9 માછલીઓ ઘરની શોભા વધારતી હતી. ટૂકમાં, દરરોજ જેવુ ઘર હોય તેનાથી સારું, વધારે સુશોભિત અને વ્યવસ્થિત હતું.

હજુ તો લગ્ન માટે છોકરો જોવા આવના હતા, અને તૈયારી તો જુઓ. જાણે ખરેખર લગ્ન જ થવાના હોય એવી તૈયારી ચાલતી હતી. તૈયારી પણ કેમ ન ચાલે જબરજસ્ત. એક ની એક ઘર ની લાડકી દીકરી. રુચિ એનું નામ. બદામ જેવી આંખો, હસે તો ગાલ પર ડિંપલ (ખંજન) પડે, એના વાળ જાણે સિલ્ક ના રોડ હોય એવા લીસ્સા, એનું નાક એના મોઢાના સૌંદર્ય માં વધારો કરે, ગોરો વર્ણ, શરીર ભરાવદાર. “એને જોઈને લોકો “જાડી નહીં, પણ ખાતા પીતા ઘરથી હશે.” એવું કહેતા. જો ફિલ્મ માં પસંદ કરવાની હોય તો સૌદર્ય ના લીધે એનો પહેલો નંબર આવે. એની બહેનપણીઓ એના સૌંદર્ય થી ઈર્ષા થાય. લોકો એના પીઠ પાછળ કહેતા કે ભગવાન એ એને બનાવવા માટે ખાસ સમય કાઢ્યો હશે. બસ, રુચિમાં એક જ અવગુણ કે ઢીલી છોકરી. કોઈ એને કઈક કહી જાય તો એનામાં સામે બોલવાની તાકાત નહીં. એમાં પણ માંબાપ નો તો એ પડ્યો બોલ ઝીલે અને એના લીધે જ હમણાં લગ્ન ના કરવાની ઈચ્છા હોવા છતાં પોતાના માં બાપ માટે લગ્ન માટે છોકરો જોવા તૈયાર થઈ ગઈ. નાનપણ થી જ એવા સંસ્કાર લઈને મોટી થઈ કે માબાપ જે કરે તે હંમેશા એના માટે સારું જ કરે. આજ વિચાર સાથે એ જિંદગી ના આ પગથિયાં સુધી પહોચી હતી.

બેચલર ઓફ સાઇન્સ (B.Sc) ના છેલ્લા વર્ષ માં ભણતી રુચિ ભણવામાં તો હોશિયાર. કોલેજ માં પોતાની ખૂબસૂરતી (beauty with brain) ના લીધે ઘણા બધા છોકરાઓ એ પ્રપોઝ કર્યું હતું. પણ પોતાના લેખિકા બનવાનું સપનું અને માં બાપ ના સંસ્કાર એ એને આ બધી વસ્તુઓ થી દૂર રાખી. જોતજોતામાં તો એના પેરેંટ્સ ને થવા લાગ્યું કે છોકરી હવે પરણવા લાયક થઈ ગઈ છે અને રુચિ એ વિચાર્યું કે લેખન એ એવું કાર્ય છે કે તમે જિંદગી ના કોઈ પણ ભાગ માં ચાલુ કરી શકો છો... એમાં તો જેટલો જીવન નો અનુભવ વધારે એટલું તમે વધારે અને વધુ સારી રીતે લખી શકો.... આવું એની વિચારસરણી.

હજી હમણાં જ રુચિ સવાર સવાર માં સ્નાન કરીને બહાર નીકળી, ભીના વાળ અને માથા પર બાંધેલો ટુવાલ એને શોભતો હતો. એને લાલ કલર નો સલવાર કમીઝ પહેરવાનું એને પસંદ કર્યું હતું. હાથ ને નેઇલ-પૉલિશ, ગાલ પર મેક-અપ અને હોઠ પર હલકી લિપસ્ટિક. જાણે કોઈ સ્વર્ગ થી અપ્સરા આવી હોય એવું જ લાગે. એની મમ્મી એ તરત જ કાળી મેષ નો ટિક્કો રુચિ ને નઝર ના લાગે એ માટે કાન ની પાછળ લગાઈ દીધો. રુચિ ને રસોડા માં લઈને એની મમ્મી એને છોકરા અને એની ફૅમિલી સામે શું કરવું અને શું ના કરવું. કેવી રીતે એ લોકો સામે વર્તવું એ બધા ની સલાહ આપતી હતી. બસ એ જ રીતે, જાણે સર્કસ નો સિંહ એના રિંગ માસ્ટર પાસેથી એ જેવુ શીખવાડે એવું શીખે.

આ બધાની વચ્ચે છોકરો અને એના ફૅમિલી નું આગમન. બધા એકદમ ખુશખુશાલ કે પછી ખુશ છે એવો ઢોળ. ભલે પહેલી વાર મળ્યા, પણ જાણે એકબીજાને વર્ષો થી ઓળખાતા હોય એવો દંભ કરે. બધા સોફા પર બેઠા... એકબીજા ના હાલ-ચાલ પૂછ્યા... અને વાતચીત નો સમય ચાલુ થયો.... અંદર રસોડામાથી રુચિ બધુ જ સાંભળી રહી હતી.

આવા સમયે રુચિ વિચારોમાં વમળો ની અંદર ફસાતી જાય છે,એને પહેલો જ વિચાર આવે છે કે શું આ સમયે લગ્ન કરવા જરૂરી છે. નાનપણથી જે સપનું જોતી હતી કે સફેદ ઘોડા પર કોઈ રાજકુમાર એના માટે આવશે અને એની પાસે આવીને ખિસ્સા માથી વીંટી કાઢીને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરે, એવું સપનું પૂરું થઈ શકશે ખરું? પહેલી જ મુલાકાતે હું કેવી રીતે કહી શકું કે આ વ્યક્તિ જ મારા સપનામાં આવતો વ્યક્તિ છે. એક જ મુલાકાત માં એ મને જીવનભર એવો જ પ્રેમ કરશે તેવું હું ક્યાં આધાર પર કહી શકું? હજુ તો કોલેજમાં છેલ્લા વર્ષ નું સ્ટડી બાકી છે, અને પછી સપના નું કામ અને કેરિયરની વાતો. આ લગ્ન ની ખરેખર જરૂર મારે છે કે પછી હું ખાલી મમ્મી-પપ્પા નું નામ અને ઇજ્જત સચવાય એના માટે હું છોકરો જોવ છું??!!?! લગ્ન નું નક્કી કર્યા પછી એ છોકરો હું જેવી છું એવી રીતે જ મને સ્વીકારી લેશે??!!??કે પછી મારે બદલવું પડશે??!!! મારું મોટું સપનું છે કે હું બહુ મોટી લેખિકા બનું. મારું મારા સપના માટે નું ગાંડપણ એ સહન કરી શકશે??!!! અને સહન કરશે તો ક્યાં સુધી સહન કરશે?!!!? સૌથી વધારે ડર સાસુ-વહુ ના ઝઘડાનો છે. શું મારી સાસુ પણ સિરિયલ માં બતાવે છે એવી જ સાસુ નીકળશે?!!!?? દીકરી તો “પારકી થાપણ” અને “સાપ નો ભારો” એવી બધી કહેવતો ઘરે સાંભળી સાંભળી ને હું કંટાળી ગઈ છું. હું લગ્ન મારા માટે કરી રહી છું, મારા માં બાપ માટે કે સમાજ માટે?!?? શું મારા સાસુ સસરા નો સ્વભાવ મારા માબાપ જેવો જ હશે?!!!?? જીવન ના આ સ્ટેજ થી છેલ્લા સમય સુધી શું પ્રેમ એક સરખો ટકી રહશે?!?!! એ મને સમજશે?!!? હું એમને સમજી શકીશ?!?! લગ્નજીવન એ જન્માક્ષર અને ગુણમેલ એ બધાથી બહુ જ અલગ હોય છે... મારા જેવી વિચાર ધારણા એમના માં હશે ખરી?!?! જો ભવિષ્યમાં કોઈક ઝઘડો થશે તો લગ્ન અમારા પ્રેમ ના લીધે ટકી રહશે??!! અમારા માબાપ ના લીધે?!? સમાજ ના લીધે?!!? કે પછી અમારા વિશે લોકો શું કહેશે એના પર આધાર રાખશે???! મારી મહત્વકાંક્ષાને એ લોકો સમજી શકશે?!?! લગ્નજીવન વિશે વાંચેલી રોમેન્ટીક કથાઓ અને કલ્પનાઓ જે કરી હતી... શું એવા જ હશે મારા લગ્ન?!!!?? અને બીજું તો એવું કે.....

અને આવા જ વિચારોની વચ્ચે રુચિ ને એની મમ્મી પાછળથી પીઠ પર હળવે થી હાથ મારીને આગળ “મેઇન હોલ” માં જવાનો ઈશારો કરે છે. જેમ મદારી એના વાંદરા(માંકડું) નો ખેલ બતાવે, સર્કસ માં રિંગ માસ્ટર ના કહેવાથી સિંહ નો ખેલ ચાલુ થાઈ...એવી જ રીતે રુચિ ની ખેલ એના મા-બાપ શરૂ કરાવે છે અને ખેલ ચાલુ થાય છે........