Varsaadni Heli in Gujarati Magazine by Shakti books and stories PDF | વરસાદની હેલી

The Author
Featured Books
Categories
Share

વરસાદની હેલી

વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું

બધા નીકળે છે અહીં ઓઢી છત્રી ને રેઈનકોટ
કોઈ તો મળે એવું, જે લાગે ભીંજાયા જેવું

વરસાદના પ્રથમ ટીપાં સાથે તારી યાદ શરૂ થાય છે
ને પછી એક આખો દરિયો આંખો સામે રચાય છે,

કાશ તું હોત સાથે તો ચાલત ભીના રસ્તા પર
બસ દિલમાં સતત આ જ વિચાર સર્જાય છે..

-અજાણ

વૉટ્સએપ પર આ સુંદર વરસાદની કવિતા આવી. કેવી સુંદર મોસમ છે વરસાદની? અને એમાં પણ જો સાથે પ્રિયજનનો સાથ હોય તો પછી પૂછવું જ શું? વરસતા વરસાદમાં પ્રિયજનનો સંગાથ હોય તો ખરેખર વરસાદને પણ વરસ્યા જેવું લાગે. વરસાદની ઋતુ એ જાણે ધરતીના કેન્વાસ પર ઈશ્વરે દોરેલું એક અપ્રિતમ સૌંદર્ય-ચિત્ર છે. જેના ઘણાં રંગ છે. દરેકને પોતાની નજર મુજબ કે પસંદ મુજબ એ ચિત્ર કંઈક અલગ દેખાય.

એક બાળકને આ વરસાદ એનાં રમત-ગમતની ઋતુ લાગે, કાગળની હોડી બનાવી એને તરતી મુકવામાં જાણે સાચ્ચે આખો દરિયો તરી લીધાનું ગૌરવ એને અનુભવાય. તો વળી વરસાદમાં ભીંજાવાનો અને પછી શરદી થાય કે કપડાં કાદવ થી લથબથ થાય ત્યારે મમ્મીનાં હાથનો માર ખાવાનો એનો એક આગવો જ અંદાજ હોય છે. જ્યાં રસ્તામાં પાણી ભરાયું હોય એવા ખાડામાંથી જાણી જોઈને પસાર થવામાં એને એક અનેરો આનંદ અનુભવાય છે. એનાં માટે તો જાણે વરસાદ એટલે ભગવાન સાથે રમાતી ધુળેટી.

જયારે એક નવયૌવના માટે વરસાદ એટલે એનાં પ્રિયજનના મિલનની ઋતુ. જો પ્રિયજન નજીક હોય તો આ વરસાદ એનાં અંગ-અંગમાં રોમાન્સ ઉત્પન્ન કરે છે. વરસતા વરસાદમાં લોન્ગડ્રાઈવ પર જવું કે પછી ગરમાગરમ મક્કાઈના ડોડા કે ભજીયા-પકોડાની જ્યાફત ઉડાવવી કે પ્રિયજનનાં ઉત્કટ પ્રેમનો આનંદ માણવો એ જ જાણે એનાં માટે ધરતી પરનું સ્વર્ગ. તો વળી જેનાં પ્રિયજન દૂર હોય એનાં માટે વરસાદ એટલે વિરહની ઋતુ. વરસતો વરસાદ એને સતત એનાં પ્રિયજનની યાદ અપાવે અને વિરહની વેળાને અસહ્ય બનાવે. એનાં પ્રિયજનનાં વિયોગમાં પોતાની સાથે જાણે વાદળો પણ રડતા હોય એવો એને ભાસ થાય છે. તો ક્યારેક એને વરસાદ એનાં પ્રિયજને મોકલેલા વ્હાલ જેવો લાગે જેમાં લથબથ ભીંજાઈને એને પ્રિયજનનાં પ્રેમમાં તરબોળ થયાનો અહેસાસ થાય છે.

વળી એવું નથી કે જેનું કોઈ પ્રિયજન હોય એનાં પૂરતો જ વરસાદનો આનંદ સીમિત છે. વરસતા વરસાદમાં એકલા એકલા ભીંજાવાનો આનંદ પણ કંઈક ઓર જ છે. વરસાદ ચામડીના દરેક સ્તરને વીંધતો હૈયા સુધી ઉતરી જાય ત્યાં સુધી બસ એની બુંદ-બુંદનો સ્પર્શ માણતાં રહી સંતૃપ્ત થઈ શકીએ. આપણી તમામ લાગણી, સુખ-દુઃખ ને બસ વરસાદ સાથે વહી જવા દેવાથી એક અલગ જ ઠંડકનો અનુભવ થાય છે. જાણે તમામ નકારાત્મકતા બસ વરસાદ સાથે વહી જાય છે. અને વરસાદની કોઈક સાંજે કે બપોરે બસ ગરમાગરમ કોફી સાથે મનગમતા પુસ્તકનો સાથ એટલે એક આનંદદાયક મનગમતું એકાંત.

પ્રૌઢ કે વૃદ્ધો માટે વરસાદ કંઈ કેટલાંય સંભારણા લઇ આવતો એક સ્નેહીજન છે. એક એવો સ્નેહીજન જેણે જીવનની કેટલીય તડકી-છાંયડીમાં પોતાનો સાથ પુરાવ્યો છે. પોતે બાળપણમાં વરસાદમાં રમેલી રમતોની યાદ તો જુવાનીમાં કોઈક મનગમતા માણસ સાથે એક છત્રી નીચે એકસાથે ચાલ્યાનો રોમાન્સ. ગૃહિણીઓ માટે વળી વરસાદી માહોલ કોઈક વાર ટેન્શન ઉપજાવનાર હોય છે. બાળકોનાં સ્વાસ્થ્યની ચિંતા, ભીંજાયેલા કપડાંને સુકવવાં માટે થતી માથાકૂટ, મચ્છરોનાં હુમલાનો ડર, કાદવથી ખરડાતાં ઓટલાઓ વગેરે તેમને સતત પ્રવૃત્તિમાં રાખે છે. વરસાદ દરેકને માટે પોતાનો છે. દરેકને માટે વરસાદનું પોતાનું એક અલગ વર્ઝન છે.

વરસાદ પોતે પણ ધરતીના પ્રિયજન જેવો છે જે કદી રિસાય તો ધરતીને વિરહની અગ્નિમાં સતત તડપાવે છે તો જયારે આવે છે ત્યારે ધરતીને પોતાના પ્રેમમાં ભીંજવી દે છે. ક્યારેક તો જાણે વરસાદ થી ધરતીનો વિરહ સહન ના થતો હોય એમ આવે ત્યારે આતુર પ્રેમીની જેમ ધરતી પર મનમુકીને વરસી પડે છે અને ધરતી પણ એની લાગણીમાં તણાઈ જઈ તમામ નદી-નાળા છલકાવી ઉઠે છે. વરસાદનાં પ્રેમમાં ભીંજાઈને ધરતી નવોઢાની માફક લીલી ચૂંદડી ઓઢી લે છે અને કેટલાય સમયથી સહન કરેલી વિરહની વેદનાને ભૂલી જઈ વરસાદથી તરબતર થઇ એક અલગ જ સૌંદર્ય ધારણ કરે છે. જાણે પ્રિયજનનાં સહવાસ કે ચુંબનથી ખીલી ઉઠેલી પ્રિયતમા ની જેમ એની સુંદરતા પુરબહાર રીતે ખીલી ઉઠે છે.

વરસતા વરસાદમાં ક્યાંક કુદરતી સ્થળે ફરવા જાવ તો ચારેતરફ હરિયાળી જોવા મળે. વરસાદના લીધે કુદરતી રીતે જ ફૂટી નીકળતા ઝરણાઓ અને ધોધ ધરતીના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે. ક્યારેક જો નસીબ સારા હોય તો એવા કોઈક સ્થળોએ મોરલાનું નૃત્ય જોવાનું પણ સૌભાગ્ય મળી શકે. કેટલાક હિલસ્ટેશન પર ચોમાસામાં સ્પેશ્યલ મોન્સૂન ફેસ્ટિવલ્સનાં પણ આયોજનો થતા હોય છે એમાં ફરવા જઈએ એટલે આખા વર્ષોનો થાક વરસાદની સંગાથમાં ઉતરી જાય.

વરસાદ કે ચોમાસાનું આલેખન આપણાં સાહિત્યોમાં પણ ખુબ થયું છે. મહાકવિ કાલિદાસે એમની એક રચનામાં વરસાદમાં પ્રેમિકાને અનુભવાતી વિરહની વેદના આલેખી છે તો અન્ય એક રચનામાં વરસાદથી તરબોળ થઈ હરિયાળી ધારણ કરતાં પર્વતોને ધરતીના ઉન્નત ઉરોજો સાથે સરખાવ્યાં છે. આપણી હિન્દી ફિલ્મોમાં પણ વરસાદે એક અલગ જ સ્થાન મેળવ્યું છે. હીરો-હિરોઈનની વરસાદમાં એકસાથે મારેલી લટાર હોય, વરસાદી માહોલમાં હીરો-હિરોઈનને એકબીજા માટે પાંગરતો પ્રેમ હોય કે પછી હિરોઈનનાં વળાંકો દર્શાવી એને વધુ હોટ અને સેક્સી બતાવતું એક વરસાદી નૃત્ય હોય. આ તમામ સ્થિતિમાં વરસાદની હાજરીનું પણ એક અનેરું મહત્વ છે. વરસાદની હાજરી વગર આ દ્રશ્યોની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ફક્ત હિરોઈન માટે જ શું કામ? વરસાદ કોઈ પણ યુવતી સાથે નટખટ શરારત કરી એનાં વળાંકોને ઉભારવાનું કામ કરે છે. વરસાદમાં ભીંજાયેલી કોઈ પણ યુવતી વધુ સુંદર લાગવા માંડે છે અને એનાં અંગોનાં વળાંકો વધુ સ્પષ્ટ રીતે ઉભરી આવે છે.

વરસાદ દરેક માણસમાં રહેલા એક નાના બાળકને બહાર લાવવાનું કામ કરે છે જે બીજી કોઈ જ ઋતુ નથી કરી શકતી. તમે પણ કદી બધી ચિંતા, મોટાઈ બાજુએ મૂકી નાના બાળકની જેમ વરસાદમાં પલળી જોજો. ભગવાન ખોબલે ખોબલે એનાં આશીર્વાદમાં નવડાવતો હોવાનો અહેસાસ થશે.અને હા, ડિપ્રેસનની તો આ સાવ મફત અને કોઈ આડઅસર વિનાની સારવાર છે. પ્રકૃતિની પાસે રહેવામાં, એનાં ખીલી ઉઠતા સૌંદર્યને માણવામાં તમે પોતે પણ ખીલી ઉઠશો. ઝવેરચંદ મેઘાણી ની કવિતા માફક તમારું મન પણ મોર બની ને થનગાટ કરી ઉઠશે. જીવનમાં કોઈ પ્રિયજન હોય તો એની સાથે વરસાદને મન ભરીને માણી જોજો. અને પછી એ જ પ્રિયજનનાં હૂંફાળા સાથમાં વરસાદની ઠંડી ઓગાળી જોજો. એક અલગ જ મજા આવશે. તમારું શું માનવું છે? વરસાદનો કયો રંગ તમને અતિપ્રિય છે? કે પછી વરસાદ સાથેની એવી કોઈ યાદ કે જે હમણાં પણ તમારા મોં પર સ્મિત બની ફરકી ઉઠે છે? વરસાદનું નામ સાંભળતા જ તમારી આંખ સામે કયું ચિત્ર ઉપસી આવે છે? કોઈ સાથેની મીઠી મીઠી યાદ કે પછી ખાટી-મીઠી કોઈ પળો? કદી વરસાદને તમે રૂંવે-રૂંવે ઝીલ્યો છે ખરો? કે બસ બારી પાસે બેસીને એને જોઈને જ આનંદની અનુભૂતિ થાય છે?

(પ્રારંભમાં મુકેલ કવિતા મને વૉટ્સએપમાં વાંચવા મળી. અને એના લેખકને શોધવા ઈન્ટરનેટ પર ખાંખાખોળા કર્યા પરંતુ આ કવિતા અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ નામ સાથે ફરતી જોવા મળી.)

***

મારો આ લેખ વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com

Blog: https://shivayshaktiblog.wordpress.com/