"કવિતા - 2"
ખેર, રાતે જમીને હું ડરતો ડરતો કાવ્યાને ઘેર આવ્યો. મને આવકાર આપીને બેસાડ્યો, કાવ્યા પાણી અને કોફી મૂકી ગઈ. મેં તેની સામે જોયું, પણ તે નજર મિલાવતી નહોતી.
દેશ અને રાજકારણની ફાલતુ વાતો કર્યા પછી થોડીવારે તેના પપ્પા બોલ્યા "તમારે ઘેરથી માંગુ આવ્યા પછી અમે બધી તપાસ કરાવડાવી છે, તમારું ઘર-પરિવાર બધું જ બરાબર છે, તમારે વિષે પણ કોઈ ખરાબ વાત જાણવા મળી નથી. તમે મોટી આઇટી કંપનીમાં નોકરી કરો છો, પગાર પણ સારો છે, ટૂંકમાં બધું જ બરાબર છે."
"આભાર અંકલ...."
"પણ એક નાનો પ્રોબ્લેમ છે, અને તેનું સમાધાન તમે જ કરી શકો એમ છો, એટલે તમને એકલાને બોલાવ્યા..."
"હું હ !!" મારુ દિલ જોરથી ધડકવા લાગ્યું, તેનો બાપ શું ટોપ ફોડશે તે હું વિચારી શકતો નહોતો. પણ કશા ભાવ લાવ્યા વિના તેમના બોલવાની વાટ જોતો રહ્યો.
"તમે જો તમારી ટ્રાન્સફર બીજા શહેરમાં, જેમકે મુંબઈ, બેંગ્લોર, પુના કે આવી જ બીજી જગ્યાએ કરાવી લો તો આ સબંધ અમારા તરફથી પાક્કો."
મને કઈ સમજ પડી નહિ, "મારી ટ્રાન્સફર અને આપણા સંબંધને શું લાગે-વળગે? માફ કરજો, પણ મને કઈ સમજ પડી નહિ."
કાવ્યાના પપ્પાએ તેની માં સામે જોયું, તેની માં બોલી "ખોટું ન લગાડતા, પણ અમે અમારી દીકરીના ભવિષ્યનું તો વિચારીએ જ ને.. તમારા ઘરમાં તમે મોટા છો, જુવાન કોલેજ જતી બહેન અને નાનો ભાઈ છે, વત્તા મમ્મી-પપ્પા તો ખરા જ.."
કાવ્યાના પપ્પાએ વાત આગળ વધારી "તમારા પપ્પા રીટાયર જેવા જ છે, એટલે પુરા પરિવારની જવાબદારી તમારે માથે છે એમ કહી શકાય. પગાર સારો છે, પણ નાના ભાઈને ભણાવવો, બહેનને ભણાવવી અને પછી બહેનના લગન કરાવવા, અને લગન પછી પણ બધા સામાજિક વહેવારો સાચવવા, વગેરેમાં જ તમારું પૂરું થઇ જાય. તમને ખોટું તો નથી લાગતું ને? જો હોય તો આપણે વાત અહીં જ બંધ કરીએ."
હવે મને કઈંક સમજાતું હતું અને ચિત્ર સાફ થઇ રહ્યું હતું. મેં કહ્યું "બોલો બોલો.. પણ એક ખુલાસો કરી લઉ કે મારા પપ્પા પર મને ગર્વ છે, અને તે રીટાયર નથી થયા, અમારી લેથ મશીન શોપ છે, અને તેમના જેવો કારીગર શહેરમાં બીજો કોઈ નથી, એ તો હાથ ધ્રૂજવાની બીમારી લાગવાને કારણે પહેલા જેવું કામ કરી શકતા નથી. છતાંય દુકાન ચલાવે છે અને થાય તેટલું કરે જ છે."
"હા કરે છે, સારી વાત છે, એમ તો તમારી મમ્મી પણ પાપડ-અથાણાં બનાવીને ઘર ખર્ચમાં મદદ કરે જ છે પણ તેનાથી ઘર ન ચાલે... જવા દો, તમારો ભાઈ ભણી લે અને કમાતો થાય તે માટે સહેજે ય દસ-બાર વર્ષ જોઈએ, અને ત્યાં સુધી તમે લગભગ બધી જવાબદારીઓ પુરી કરી ચુક્યા હોવ, અને તે કરવા માટે તમારી જુવાની, જિંદગી ઘસાઈ ગઈ હોય અને તમારી સાથે તમારી પત્નીની પણ... તમારી પોતાની ફેમિલી, પત્ની-બાળકો માટે તમે કશું આપી શકો નહિ, એ બધું અમારે વિચારવું પડે ને?"
અને મારે ખભે હાથ મૂકીને બોલ્યા "જવાબદારી છે તો છે જ.. તેનાથી ભાગી શકાય નહિ. અમે એમ નથી કહેતા કે તમે ન નિભાવો, કે બધાને છોડી દો.. પણ તમે તમારું પોતાનું પરિવાર, ઘર બનાવીને શાંતિથી અલગ રહો અને ત્યાંથી દર મહિને ખૂટતી મદદ મોકલતા રહો, એટલું તો તમે કરી શકો ને?? કે અમે અમારી દીકરી માટે એટલું તો માંગી શકીએ ને??"
હું ઉભો થઇ ગયો, તેઓ પણ ઉભા થયા, ને બોલ્યા "ખોટું ન લગાડતા, પણ અમારી દીકરી છે એટલે.... તમે પણ તમારી બહેનના લગન કરશો તો આવી બધી બાબત જોશો જ ને? અને જોવી જ જોઈએ."
"ના, મને જરાય ખોટું નથી લાગ્યું, બલ્કે મને તમારી નિખાલસતા અને ચોખ્ખું બોલવાની રીત બહુ ગમી.તમારી ચિંતા વાજબી છે, કોઈપણ માં-બાપ દીકરી માટે તમારી જેમ જ વિચારે." કહીને મેં હાથ મિલાવ્યો. તે બોલ્યા "વિચારજો, ઉતાવળ નથી.. શાંતિથી વિચારશો તો તમે અમારી ચિંતા,વાત સમજી શકશો." મેં કાવ્યાની સામે જોયું નહિ ને નીકળી ગયો.
ઘેર આવ્યો તો બધા મારી જ વાટ જોઈ રહ્યા હતા. "શું કહ્યું?"
"ના પાડે છે."
"કેમ? અને ના પાડવી જ હતી તો તને કેમ બોલાવ્યો?"
"તું માથું ન ચઢાવ.. એટલું સમજી લે કે તેમની ઈચ્છા નથી, બસ..." કહીને હું મારા રૂમમાં આવી ગયો. પાછળ જ મારી બહેન આવી, ને મારો હાથ પકડીને બોલી "કહે ને... શું થયું?"
"કશું નહિ, મારુ દિમાગ ખરાબ છે, સવારે તને બધી વાત કરીશ." કહીને મેં તેને ધકેલીને રૂમની બહાર મૂકી આવ્યો.
પુરી રાત મને ઊંઘ આવી નહિ. ઓહ કાવ્યા..... મને નહિ મળે?? જોકે તેઓએ ના તો નથી જ કહી, હા જ કહી છે, જો હું તેમની શરત મુજબ બીજે ટ્રાન્સફર કરાવી લઉં તો ઘરમાં શું ફરક પડે? ના તેમની શરત તો હું નહિ જ માનું....મનાય જ નહિ..
પણ ધારોકે તેઓએ શરત નથી રાખી, અને કંપની મને બીજા શહેરમાં ટ્રાન્સફર કરે તો? હું શું કરું, ન જાઉં? નોકરી છોડી દઉં? તેમની શરત કઈ એટલી કઠિન કે આકરી નહોતી, તેઓએ મને મારી જવાબદારીઓથી હાથ ખંખેરી નાખવાનું નહોતું કહ્યું..
તેઓએ શું શરત કરી તેનાથી મને વિરોધ હતો કે મારો અહમ તેઓએ કેમ શરત મૂકી તેનો વિરોધ કરતો હતો? મેં વિચારી લીધું, હવે મને ઊંઘ પણ આવી.
સવારે ઘરમાં મને કોઈએ વટાવ્યો નહિ, બસ સ્ટોપ પર કાવ્યા નહોતી. સાંજે બસમાંથી ઉતર્યો તો કાવ્યા થાંભલાંને ટેકે ઉભી હતી અને મારી વેઇટ કરતી હતી. તે હસીને બોલી "તમારી જ વેઇટ કરતી હતી."
"કેમ?"
"કેમ શું? કાલે તમને ખોટું લાગ્યું હતું ને?"
"ના, બિલકુલ નહિ."
"સરસ, પછી શું વિચાર્યું?"
"સાચું કહું તો તારા ઘરવાળાઓએ મારી આંખ ખોલી, તેઓ જે રીતે વિચારે છે તે રીતે હું સપનેય વિચારી શકતો નહિ. તેમની વાત સો ટાકા સાચી અને બરાબર છે. મારે માથે જવાબદારીઓ છે, અને એ બધી જ જવાબદારીઓ મારી સાથે જે લગન કરે તેને માથે પણ પડે, તેના પોતાના અરમાનો, સપનાઓ હોય કે નહિ? મારી સાથે સાથે તેને પણ બધી ઈચ્છાઓ મારીને જુવાની, જિંદગી ઘસી નાખવી પડે, અને આ બધું મને તારા માં-બાપની વાતોથી સમજાયું અને તેમની વાત સાથે હું સંમત છું."
કાવ્યાની આંખોમાં અજબ ચમક અને મોં પર હાસ્ય આવ્યું, તે બોલી "તો તમે શું નિર્ણય કર્યો?"
"મેં નિર્ણય કર્યો છે કે હું આજીવન કુંવારો રહીશ, લગન નહિ કરું."
"વ્હોટ?? કેમ?" તે ડઘાઈ ગઈ હતી.
"હું મારા પરિવાર પ્રત્યેની જવાબદારીઓ પુરી નિભાવીશ, અને તે માટે જુવાની શું બીજો જન્મ પણ ખર્ચી નાખીશ, અને તને કહ્યું તેમ આ બધું મારી પત્ની બનીને આવતી છોકરીના માથે પણ થોપાય જ જાય... મારી જવાબદારી, ફરજો માટે હું તેના અરમાનો, મહત્વકાંક્ષાઓ, સપનાઓ તોડી શકું નહિ, એટલે ખુબ વિચાર્યા બાદ લગન ન કરવાનો નિર્ણય લીધો છે."
કાવ્યાએ માથું નીચું કરી દીધું હતું, મને તેની આંખ જોવાતી નહોતી, પણ તે રૂમાલથી સાફ કરતી હતી.
"મારા તરફથી તારા માં-બાપનો આભાર માનજે કે તેમનાથી મને મારી સાચી સ્થિતિ અને વાસ્તવિકતા જાણવા મળી."
કહીને હું ઘર તરફ ચાલવા લાગ્યો. તે કશું બોલી નહિ કે ઊંચે જોયું નહિ, એમ જ નીચું નાખીને થાંભલાને ટેકે ઉભી હતી.
***
બાથરૂમમાંથી બહાર આવ્યો તો બહેન મારા બેડ પર બેઠી હતી, મને જોતા જ બોલી
"કહે ને... કાલે શું થયું? તેઓએ શું કહ્યું?"
મેં તેને પુરી વાત જણાવી નહિ, ફક્ત એટલું જ બોલ્યો કે "તેઓ કહે છે કે લગન પછી અલગ ઘરમાં રહેવા જતા હોય તો જ અમારી હા છે."
સાંભળીને બહેન ઉદાસ થઇ ગઈ, ને થોડીવારે બોલી "તને કાવ્યા ગમે છે ને? તો ભલે અલગ રહેજો, શું ફરક પડશે?"
મેં તેના ગાલે ટપલી મારીને હસીને કહ્યું " ના, મેં કહી આવ્યો છું કે મને મારી બહેન વગર ન ફાવે અને બહેનને નાના ભાઈ વગર ન ફાવે, નાના ભાઈને માં વગર ન ફાવે અને માં ને પપ્પા વગર ના ફાવે... એટલે અલગ ઘરમાં પણ જઈશ તો પાછળ પાછળ બધા જ આવી જશે, બરાબર ને?" કહીને હું મોટેથી હસ્યો. બહેન હસી નહિ, તે મને જ જોયા કરતી હતી, બોલી "તો હવે?"
"હવે કશું નહિ.."
"તને દુઃખ નથી થતું? લાઈફમાં પહેલીવાર તો મારા ભાઈને કોઈ ગમી છે..." કહેતા તે રડી પડી. હું તેને ગળે લગાડીને બોલ્યો "મને દુઃખ શું કશું નથી થતું, તું જ તો વારેઘડી મને કહે છે કે હું જડ છું."
કાવ્યા હવે મને જોવાતી નહોતી, એમ કહો કે પહેલાની જેમ હું તેને જોવાની કે શોધવાની કોશિશ કરતો નહોતો. બસ-સ્ટોપ પર પણ તે મળતી નહોતી, કેમકે તે હવે સ્કૂટર પર કોલેજ જતી હતી. કાવ્યના મમ્મી-પપ્પા તેમની રીતે સાચા હતા અને પોતાની દીકરી માટે બરાબર જ વિચારી રહ્યા હતા, કાવ્યા તેના માં-બાપ કહે તેમ જ કરવાની છે, અને હું તેના માં-બાપ કહે તેમ કરવાનો નથી...એટલે કાવ્યને ભૂલવા સિવાય કોઈ આરો નથી. મારા ઘરવાળા મારા લગન માટે પુરજોશ કોશિશ કરતા હતા, પણ મેં લગન ન કરવાનું નક્કી કરી લીધું હતું, જોકે ઘરમાં કોઈને કહ્યું નહોતું.
***
સવારે બસ સ્ટોપ પર કાવ્યા સ્કૂટર પર આવી, ને સ્કૂટર પર બેસીને જ બોલી "કેમ છો? ઘણા દિવસે મળ્યા." મેં તેને સ્માઈલ આપ્યું, તે સ્કૂટર ઉભું કરીને મારી સામે રેલિંગ પર બેઠી. હું કશું બોલ્યો નહિ, થોડીવારે તે બોલી "કેમ બોલતા નથી?"
"શું બોલું?"
"કઈ પણ... હા, હું તમને કહેતા ભૂલી ગઈ, મારી સગાઇ નક્કી થઇ ગઈ છે."
"એમ? કોન્ગ્રેચ્યુલેશન... ..."
"બોમ્બે રહે છે, મૂળ તો અમારા ગામના જ છે."
"સરસ."
"ફેમેલી ગામમાં રહે છે, તે એકલા જ બોમ્બે છે."
"બહુ સારું, લગન પછી તમે બંને બોમ્બે રહેશો નહિ?"
"હા, ફોટો બતાવું?" કહીને તેણે જીન્સમાંથી ફોન કાઢ્યો. "ના, મને જોવો નથી, સારો જ હશે..."
તેણે ફોન પાછો ખિસ્સામાં મૂકી દીધો. હું ઉભો થયો, તે એક હાથે થાંભલો પકડીને ઝૂકીને રોડ જોયો ને સીધી થઈને બોલી "કેમ ઉભા થયા? બસ તો જોવાતી નથી.. ચાલો હું તમને મૂકી આવું."
"ના થેન્ક્સ, હું જતો રહીશ."
તે ફરી ઝૂકી, અને બોલી "તમારી બસ આવી રહી છે, મને સો રૂપિયા આપશો? ખૂટે છે, કાલે આપી દઈશ."
હું તેને સો રૂપિયા આપીને બસમાં ચઢી ગયો. તેણે હાથ હલાવ્યો. હું જાણતો હતો કે તેને પૈસાની જરૂર નહોતી, પણ તેણે મને ફરી મળવાનું બહાનું જોઈતું હતું. હું એકલો જ હસ્યો, અજીબ ખેલ છે... એક સમયે હું તેને મળવાના બહાના શોધતો હતો અને હવે તેનાથી દૂર રહેવાની કોશિશ કરું છું ને તે મળવાના બહાના શોધે છે. તેને મળીને મારે દુઃખી થવું નથી.. હવે તો તેની સગાઇ પણ થવાની છે. મેં મારુ રૂટિન બદલ્યું નહોતું, હા તેની વાટ જોઈને પહેલા જેમ બસ જવા દેતો નહોતો.
સાંજે કાવ્યાનો ફોન આવ્યો "કેટલા વાગ્યે ડ્યુટી પુરી થાય છે?"
"છ વાગ્યે, કેમ?"
"હું આવું છું."
"કેમ?"
"તમારા પૈસા પાછા આપવા છે."
"ઘેર બહેનને આપી દેજે, અહીં આવવાની જરૂર નથી."
"ના, બીજું પણ કામ છે, હું બહાર ઉભી હોઈશ."
શું કામ હશે? શું કહેવું હશે? તેના મનમાં શું છે? મને કોઈ જવાબ મળ્યો નહિ, હું ડ્યુટી પુરી થવાની રાહ જોવા લાગ્યો.
કાવ્યા સાંજે સિક્યુરિટી ગાર્ડ પાસે જ ઉભી હતી, મને જોઈને હાથ હલાવ્યો ને નજીક આવી, "બોલ, શું કામ હતું?"
તેણે મને સોની નોટ આપી, તે લઈને મેં ખિસ્સામાં મૂકીને કહ્યું "બસ? આવજે...."
"મને થોડી વાત કરવી છે, આપણે ક્યાંક બેસીએ."
કહીને તે આજુ-બાજુ જોઈને બેસવાની જગ્યા શોધવા લાગી. હું તેને અમારી કંપનીના કમ્પાઉન્ડમાં લાવ્યો અને લોન પર મુકેલી બેન્ચ પર અમે બેઠા. હું તેના બોલવાની વાટ જોતો રહ્યો, તે નીચું માથું કરીને બેઠી હતી, ઘણીવાર પછી મેં કહ્યું "બોલ ને.. શું વાત કરવી છે?"
"તમને હું હોશિયાર સમજતી હતી."
"એટલે? મને કઈ સમજાયું નહિ."
"છોડો... તમે પાકો નિર્ણય કરી લીધો છે?"
"શેનો નિર્ણય?"
"તમારાથી સહેજ જૂઠું ન બોલાય?"
"જૂઠું? શું જૂઠું બોલું, અને કોને કહું? કઈ સમજાય તેવું બોલ."
"તમે ખાલી ખાલી મારા પપ્પાને કહી દેતા કે લગન પછી હું બીજા શહેરમાં ટ્રાન્સફર લઇ લઈશ.."
ઓહ માય ગોડ....તે શું બોલી રહી હતી તે મહત્વનું નહોતું, પણ તે કેમ બોલી રહી છે તે મારે માટે ખુબ મોટી વાત હતી. હું જીત્યો હતો, તેના દિલમાં પણ મારે માટે પ્રેમ હતો તે વાત જ મને આસમાનમાં ઉડતો કરવા માટે પૂરતી હતી...પણ દિલના ભાવ મોં પર ન વંચાય તે માટે ગંભીર રહીને બોલ્યો "કેમ જૂઠું બોલું? અને હવે આ બધી વાતોનો શું ફાયદો? તારી તો સગાઇ પણ નક્કી થઇ ગઈ છે."
તેણે માથું ઊંચું કર્યું, ને મારી આંખમાં જોતા બોલી "કશું થયું નથી, એતો હું તમને ગુસ્સે કરવા અને ઉશ્કેરવા માટે કહ્યું હતું, પણ તમે તો બિલકુલ ઠંડા અને મરિયલ નીકળ્યા."
મેં કાવ્યાનો હાથ પકડ્યો, તે ખસીને મને અડીને બેઠી "કાવ્યા, હું તને ગમું છું? તું મને પ્યાર કરે છે?"
તે હસી પડી, ને બોલી "એવું કશું નહિ, પણ આ તો બિલકુલ અજાણ્યા કરતા થોડો જાણીતો સારો, એવું વિચારી ને...."
"પણ કાવ્યા, તે બરાબર વિચાર તો કર્યો છે ને? તને ફક્ત હું જ નથી મળવાનો, મારો પૂરો પરિવાર તને મળશે, હું તેમનાથી અલગ નથી. આપણે બધા સાથે જ હસીસું અને રડીશું પણ સાથે જ...તું સમજે છે ને?"
"તમારી બધી વાત સાચી, પણ મારી એક શરત છે."
"તમે લોકોને શરતો મુકવા સિવાય બીજું કશું આવડે છે? ભલે, બોલ શું શરત છે?"
"હું પાપડ વેચવા નહિ જાઉં... મને ન ફાવે, શરમથી મરી જાઉં...હા, બનાવતા શીખી જઈશ..." કહીને તે હસી, મેં હાથ લાંબો કરીને તેની ગરદન પકડી અને તેને નજીક ખેંચીને તેના હોઠ સાથે મારા હોંઠ જડી દીધા, તે ઉઠીને મારા ખોળામાં આવી ગઈ, અને મારુ માથું પકડીને છાતી સાથે દબાવી દીધું. મેં કહ્યું "પેલો જે તને રિજેક્ટ કરી ગયો તે સાચું કહેતો હતો, તું વધારે પડતી મોડર્ન અને બેશરમ છે."
તેનું સ્કૂટર હું ચલાવી રહ્યો હતો, કાવ્યા પાછળ મને જકડીને બેઠી હતી. તેના ગરમ શ્વાસ મારા કાનને દઝાડતા રહ્યા. અમે રસ્તામાં આઈસ્ક્રીમ ખાવા ઉભા રહ્યા, હું મારી બહેનને કહેવા ઉતાવળો થયો હતો. બહેનને ફોન કરીને બસ સ્ટોપ પર બોલાવી લીધી, અમે આવ્યા તો બહેન અમારી વાટ જોતી ઉભી હતી, તે દોડીને અમારી પાસે આવી અને કાવ્યાના બંને હાથ પકડીને બોલી "તારો દિલથી આભાર... મારા ઉદાસ ભાઈને ખુશ કરવા માટે..."
"ઉદાસ, દુઃખી થયા તેમના ભોગે.. તે જ દિવસે મમ્મી-પપ્પાને હા કહી આવ્યા હોત તો ઉદાસ ન રહેવું પડતું ને?"
"ભાઈને અલગ રહેવું નહોતું, એટલે."
"હા ભલે, ખાલી કહેવાનું જ હતું ને, ક્યાં રહેવાનું હતું? લગન પછી અલગ ન રહેતા તો શું તેઓ ઝઘડો કરતા?"
"તું તો ખતરનાક અને લુચ્ચી છે, મારા ભાઈને ઘોળીને પી જઈશ...."
બહેને ઘરમાં બધાને કહી દીધું હતું કે કાવ્યા તૈયાર છે, અને તેને પણ ભાઈ ગમે છે, બસ હવે તેના મમ્મી-પપ્પાને મળીને તેમની મંજૂરી જ લેવાની છે. જોકે બહેન સિવાય કોઈને કાવ્યા નાં માં-બાપની શરત વિષે ખબર નહોતી, ગમે-તેમ મને ખુશ જોઈને બધા પણ ખુશ હતા. અને હું પણ મુસ્તાક હતો, કાવ્યા પણ મને ચાહતી હતી, હવે તેમની શરતો શું અરે તેના માં-બાપ પણ મારે માટે ગૌણ હતા.
રાત્રે અમે ટીવી જોતા હતા, ને કાવ્યાનો મિસ કોલ આવ્યો. બહેન મારી સામે જ જોતી હતી, બોલી "કોનો ફોન છે?"
"ખબર નથી, નામ નથી આવ્યું.."
"કોલ બેક કર...." તે આંખો નચાવીને બોલી.
"ડાહી, તું તારું કામ કર ને.... મને સલાહો આપે છે, કચ-કચ, કચ-કચ સાલું પાંચ મિનિટ પણ કોઈ શાંતિથી બેસવા નથી દેતું..." કહીને હું ઉપર રૂમમાં આવી ગયો. અને કાવ્યાને ફોન લગાવ્યો. "બોલ, શું કરે છે?"
"બારીમાં ઉભી છું, બાલ્કનીમાં આવો."
હું બાલ્કનીમાં આવ્યો, તેણે હાથ હલાવ્યો. તે બારીમાં ઉભી હતી, રૂમમાં તેની પાછળ લાઈટ ચાલતી હતી, તેથી તે મને કાળા છાયાચિત્ર જેવી જોવાતી હતી. "અજવાળામાં જા ને.. મને તો તું જોવાતી જ નથી."
તે ખસીને પોતાના પર અજવાળું પડે તેમ ઉભી રહી, ને બોલી "બસ? શું જોવાનું છે?"
"ઘણું બધું, ના ના બધું જ જોવું છે..."
"હો, જોયા કરો.. કાલે બસ સ્ટોપ પર વહેલા આવજો, આપણે સ્કૂટર પર ફરવા જઈશું."
"બસ ફરવા? બીજું કઈ?"
"હા બસ ફરવા.. ઘરમાં બધાને વાત કરી? શું બોલ્યા?"
"હા, કરી વાત.. પણ મમ્મીની એક શરત છે..."
"લો હવે તમે લોકો પણ શરત રાખતા થઇ ગયા?"
"હા, કહ્યું છે કે પાપડ-અથાણાં બનાવતા નહિ આવડે તો વેચવા જવું પડશે."
"વેચવા તો હું જવાની જ નથી, હા હું તમને એ કહેવા ફોન કર્યો હતો કે કાલે રાત્રે મારે ઘેર આવજો."
"કેમ?"
"કેમ શું? પપ્પાએ તમને નહોતું કહ્યું કે વિચારીને જવાબ આપજો? તો કાલે જવાબ આપી જજો, પછી જ આપણો સબંધ આગળ વધશે ને..."
***
સવારે મને વહેલો નીકળતો જોઈને મમ્મી બોલી "કેમ આજે આટલો વહેલો?"
બહેન આંખ મારીને બોલી "ભાઈ સ્કૂટર લઇ જા, આજે હું કોલેજ નથી જવાની."
હું બંનેને કશો જવાબ આપ્યા વગર નીકળી ગયો. બસ સ્ટોપની રેલિંગ પર કાવ્યા બેઠી હતી, મને જોઈને ઉભી થઇ અને મારી તરફ સ્કૂટરની ચાવી ઉછાળી, મેં કેચ કરી લીધી, ને અમે ભાગ્યા.
કાવ્યા મને ચોંટીને અને જકડીને બેઠી હતી, તેના હાથ મારી છાતી અને જાંઘો પર ફરતા હતા, અને તે મારા ગાલ સાથે પોતાના ગાલ ઘસતાં બોલી "તે દિવસે મોલમાંથી લીધેલું શેવિંગ ક્રીમ પૂરું થઇ ગયું?"
"કેમ?"
"શેવિંગ નથી કરતા એટલે પૂછ્યું."
"તે શેવિંગ ક્રીમ તો હું વાપરતો જ નથી... તેના પર ડેટ લખીને સાચવીને મૂકી રાખ્યું છે."
"કેમ?"
"કેમ કે તે ક્રીમના લીધે તો તું મને મળી... તેની યાદગીરી રૂપે."
"મળી પણ અડધી, પુરી નહિ.. પરમિશન બાકી છે."
હું કાવ્યાને મારી કંપનીના જ કેન્ટીનમાં લાવ્યો, કે જેથી મારી ડ્યુટીના સમય સુધી હું તેની સાથે રહી શકું. "રાત્રે ઘેર આવજો, પછી કાલથી તો આપણે ખુલ્લેઆમ અને છાતી કાઢીને સાથે ઘરથી નીકળીશું, શું કહો છો?"
"હા, જોકે હમણાં પણ હું કોઈથી ડરતો નથી, તેં હા પાડી એટલું જ બસ છે, હવે હું કોઈને ગણકારું નહિ."
"ખોટી બહાદુરી નહિ બતાવવાની, બધું સીધે-સીધું અને સારું જ થઇ રહ્યું છે."
"પણ તૈયારી રાખવી સારી.. કદાચ ન માને???"
"ન કેમ માને? તેઓએ બધી તપાસ કરી છે, બધું સારું છે, ને તેમને સંતોષ પણ છે."
"તું માની ગઈ છે ને? બસ, તું ચિંતા ન કર, હું બધું ફોડી લઈશ, હવે મને કોઈ રોકી શકે એમ નથી, બધા જ માની જશે." કહીને મેં તેના ગાલે હાથ ફેરવ્યો, ને બીજો હાથ ટેબલ નીચેથી સરકાવીને તેની જાંઘ પર ફેરવતો રહ્યો, તે ધીરે ધીરે હસતી રહી, અમે બંને એકબીજાની આંખમાં જ જોઈ રહ્યા હતા. કેટલીવાર થઇ ખબર નથી, પણ મારી સાથે કામ કરતા મિસિસ શાહ પાસે આવીને બોલ્યા ત્યારે અમે જાગ્યા, "સવાર સવાર માં જ ભુક્ક્ડ, ઘેરથી નાસ્તો કરીને નથી આવતો?" અને કાવ્યા સામે જોઈને બોલ્યા "કોણ છે, આ??"
મારી ડ્યૂટીનો સમય થયો હતો. મેં કાવ્યા માટે વિઝિટર્સ પાસ બનાવડાવ્યો, અને તેને મારી ઓફિસ બતાવી અને કંપનીમાં બધે ફેરવી. બધાએ તેને અને મને મુબારકબાદી આપી. જતા જતા તે મને કિસ કરીને બોલી "તમે રાતે મમ્મી-પપ્પાને મળી લેશો પછી તો આપણી સગાઇ થઇ ગઈ જ કહેવાયને?"
"સગાઈતો હમણાં પણ થયેલી જ છે, સ્વીટી... તું તો ઘણી ડરપોક..."
----- બાકી છે.