Bhet in Gujarati Short Stories by Pratik D. Goswami books and stories PDF | ભેટ

Featured Books
Categories
Share

ભેટ

ભેટ

પ્રતીક. ડી. ગોસ્વામી

સાચો પ્રેમ થવો આજકાલ ના જમાનામાં મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. ખરા પ્રેમની લાગણીને સાર્થક કરતી એક એવી જ નાનકડી લવસ્ટોરી આપની સમક્ષ મૂકી રહ્યો છું. અચૂક વાંચજો.

એ એક મેડિકલ રિપોર્ટે મનોજભાઈના ઘરમાં ભૂકંપ સર્જી દીધો હતો. ડોક્ટરોની ભાષા પ્રમાણે તેમના દીકરા પ્રણયની બંને કિડનીઓ ફેલ થઇ ચૂકી હતી. હજુ તો જુવાનીના ઉંબરે માંડ પગ મૂક્યો હતો અને આવડી મોટી બીમારી ? અને એ પણ કોને ? જેને ધાણાદાળનું ય વ્યસન નહોતું એને ! મનોજભાઈ અને તેમના પત્ની શાંતાબેનની એ વિચારીને જ હાલત કફોડી થઇ ગઈ હતી. થોડા દિવસથી પ્રણયને નબળાઈ લાગી રહી હતી, વધુ પડતાં કામને લીધે આવું થતું હશે એમ માનીને તેણે અવગણ્યું. ધીમે ધીમે તકલીફ વધતી ગઈ, અને આખરે રિપોર્ટ પરથી ડોક્ટરે એ નિદાન કાઢ્યું કે જેના વિશે મનોજભાઈ કે શાન્તાબેને સ્વપ્નેય નહોતું વિચાર્યું. બાવીસ વર્ષના તેમના યુવાન પુત્રની જિંદગી ટકાવી રાખવા હવે દર અઠવાડિયે ડાયાલીસીસ કરાવવું પડે તેમ હતું. તેમનાં કયા ગુનાની કુદરતે આવી આકરી સજા આપી હતી એ તેઓ સમજી નહોતા શકતાં.

રિપોર્ટ મળ્યો એ જ દિવસે સાંજે મનોજભાઈએ તેમના વેવાઈને ઘરે બોલાવ્યાં. પ્રણયની બીમારી વિશે કશું પણ છુપાવીને તેઓ બે માસૂમ જિંદગી બરબાદ કરવા નહોતા માંગતા. ભારે હૃદયે માંડીને બધી વાત કર્યા પછી તેમણે કહ્યું...

" શિશિરભાઈ, ભલે આપણા બાળકોએ પ્રેમ કર્યો હોય, પણ આ હકીકત સામે આવ્યા પછી આપણે તેમની જિંદગી સાથે અન્યાય ન કરી શકીએ. તેથી આ સગપણને લઈને તમારો જે પણ નિર્ણય હશે તે અમને મંજૂર હશે. ''

'' એક મિનિટ પપ્પા, મારે કંઈક કહેવું છે. " શિશિરભાઈ કંઈ કહે એ પહેલાં જ શ્રુતિ બોલી. શ્રુતિ પ્રણયની પ્રેયસી હતી, અને સાથે સાથે ભાવિ પત્ની પણ. શિશિરભાઈએ મૂક સંમતિ આપી.

" પપ્પા, મેં પ્રણયને પ્રેમ કર્યો છે અને મનથી એને વરી ચૂકી છું. દરેક પરિસ્થિતિમાં પતિની સાથે રહેવું એ જ પત્નીધર્મ છે ને. હવે અત્યારે જો એ તકલીફમાં હોય તો હું એને છોડીને ન જઈ શકું. પ્લીઝ તમે એ બાબતમાં મને કોઈ દબાણ ન કરતાં. મારો નિર્ણય અફર છે. કિડની ફેઈલર એ કંઈ અસાધ્ય બીમારી નથી. જ્યાં સુધી પ્રણય માટે કિડનીનો કોઈ દાતા ન મળે ત્યાં સુધી જ તકલીફ છે, અમે શહેરની બધી હોસ્પિટલોમાં તપાસ કરીશું, કોઈક તો મળશે જ ! ''

'' પણ બેટા..... ''

'' આંટી, તમારો દીકરો હવે માત્ર તમારો જ નથી રહ્યો... એની ભાવિ અર્ધાંગિની તરીકે મારો પણ એના પર હક બને છે.. મારી આ વાત તો તમારે માનવી જ પડશે. '' શાંતાબેન પાસે શ્રુતિની ધારદાર દલીલોનો કોઈ જવાબ ન હતો.

ત્યાં હાજર રહેલા દરેક જણે- પ્રણયે પણ, શ્રુતિને મનાવવાની કોશિશ કરી જોઈ, પણ તે એક ની બે ન થઇ. આખરે પોતાની દીકરીના નિર્ણયને માન આપીને શિશિરભાઈએ વેવાઈની રજા લીધી. નવી વહુએ ઘરમાં કંકુ પગલાં કરતાં પહેલાં જ સૌના દિલ જીતી લીધા હતાં.

બંને તરફથી હવે દુઆઓ, મન્નતોનો દોર શરુ થયો. પુત્રની પીડા જોઈને શાંતાબેન ક્યારેક ઢીલાં પડી જતાં, પણ શ્રુતિ તેમને સંભાળી લેતી. હવે તો ઘણોખરો સમય તે તેમને ત્યાં જ પસાર કરતી. દર અઠવાડિયે પ્રણયને ડાયાલીસીસ માટે જવું પડતું, શ્રુતિ પણ સાથે જતી.

આખરે એક દિવસ તેમની પ્રાર્થનાઓ ફળી. સવાર સવારમાં જ મનોજભાઈને શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલેથી ફોન આવ્યો. ડોક્ટરે સમાચાર આપ્યા કે પ્રણયને કિડની ડોનેટ કરવા માટે દાતા મળી ગયા હતાં. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. મનોજભાઈએ તરત ફોન કરીને શિશિરભાઈને ખુશખબર આપ્યાં. બે દિવસ પછી પ્રણયનું ઓપરેશન હતું. '' બસ પ્રણય, માત્ર બે જ દિવસ ! હવે તું એકદમ ઠીક થઇ જઈશ. '' શ્રુતિએ પ્રણયને હિમ્મત બંધાવતાં કહ્યું. આટલા દિવસોમાં એ બિચારાએ ઘણું સહન કર્યું હતું. ત્રણ કલાક ચાલેલું ઓપરેશન આખરે સફળ રહ્યું. પ્રણય હવે સ્વસ્થ હતો, પણ થોડા દિવસ તેને ડોક્ટરોની દેખરેખ નીચે રાખવો પડે એમ હતો. મનોજભાઈ અને શાંતાબેનની ખુશીનું તો શું પૂછવું ! તેમના કુળદીપકને નવું જીવન મળ્યું હતું. જાણે સાક્ષાત ભગવાન તેમની મદદ કરવા માટે આવ્યા હતાં.

" અંદર આવી શકું ડોક્ટર સાહેબ ? '' મનોજભાઈએ ડોક્ટર ઠક્કરની કેબિનના દરવાજે ટકોરા મારતા પૂછ્યું.

'' આવોને મનોજભાઈ, બેસો બેસો.. ''

'' સાહેબ, તમે મારા દીકરાની જિંદગી બચાવી લીધી.. તમારું ઋણ કઈ રીતે ચૂકવું ?'' ગળગળા સાદે મનોજભાઈ બોલ્યા.

'' અરે મનોજભાઈ, મેં કોઈ મોટું તીર નથી માર્યું, તમારે ખરો આભાર તો કિડની ડોનેટ કરવાવાળાનો માનવો જોઈએ. ''

'' હા સાહેબ, એના માટે જ તમારી પાસે આવ્યો છું. મારે એ ભલા માણસને મળવું છે જેણે મારા પ્રણયને નવી જિંદગી આપી.. રૂબરૂ મળીને એમને ધન્યવાદ આપવા છે. ''

'' સોરી મનોજભાઈ, પોતાની ઓળખ ખાનગી રાખવાની શરતે એમણે પોતાની કિડની ડોનેટ કરી છે, એટલે એમનું નામ કે સરનામું તો તમને ન આપી શકું. હા, માત્ર એટલું કહી શકું કે તમારો પુત્ર ખૂબ ભાગ્યશાળી છે. '' ડોક્ટર ઠક્કરે ચેહરા પર રહસ્યમય મુસ્કાન સાથે કહ્યું. મનોજભાઈને તેમનું એ છેલ્લું વાક્ય સમજમાં ન આવ્યું. મનોમન જ પુત્રના પ્રાણદાતાને વંદન કરતાં તેઓ પ્રણય પાસે આવ્યાં.

શ્રુતિ પ્રણય પાસે જ હતી. '' મમ્મી- પપ્પા, તમે ઘરે જઈને ફ્રેશ થઇ આવો ત્યાં સુધી હું પ્રણય પાસે બેઠી છું. ''

'' બેટા, તું પણ કાલે સવાર થી અહીં જ છે. પહેલાં તું જઈ આવ... '' શાંતાબેને કહ્યું.

'' ના, ના, તમે જઈ આવો, હું મોડેથી જઈશ. '' શ્રુતિએ કહ્યું.

મનોજભાઈ અને શાંતાબેન ઘેર જવાં નીકળ્યા. શ્રુતિ જેવી પુત્રવધૂ મેળવીને તેઓ પોતાને ધન્ય માની રહ્યા હતા. અત્યારે દુનિયામાં તેમને બે જણાં પ્રત્યે સૌથી વધુ માન હતું, એક તો પ્રણયને નવજીવન આપનાર કિડનીના દાતા માટે અને બીજું, તેની મુશ્કેલીના સમયમાં હૂંફ આપનાર તેમની ભાવિ પુત્રવધૂ શ્રુતિ માટે. ખરેખર તેઓ નસીબદાર હતાં. પ્રણયની બધી જ જવાબદારી શ્રુતિએ સ્વેચ્છાએ સ્વીકારી લીધી હતી. હવે તો દવાખાને પ્રણય પાસે પણ તે એકલી જ કલાકોના કલાકો બેઠી રહેતી.

'' બસ ને, આટલો જ પ્રેમ કરે છે ને મને ? '' હોસ્પિટલના બિછાને લેટેલાં પ્રણયે શ્રુતિ સામે નકલી ગુસ્સો દેખાડતાં કહ્યું. રોજની જેમ આજે પણ શ્રુતિએ એને એક જ ગુલાબ પકડાવ્યું હતું. '' ના મારા ડોબુ, એનાથી લાખો ગણો વધુ પ્રેમ કરું છું. મારી ભેટને મારા પ્રેમ સાથે તોલી પણ નહીં શકે એટલો બધો ! આજ પછી ક્યારેય આવું બોલ્યો છે તો જોઈ લેજે. ચલ, થોડીવારમાં ટિફિન લઈને આવું છું. '' મોં મચકોડીને શ્રુતિ ઘરે જવા નીકળી. પ્રણય પોતાની પ્રેયસીને માનભરી નજરે જોઈ રહ્યો. છેલ્લાં થોડાં દિવસોમાં તેના સ્વભાવમાં, પહેરવેશમાં ખાસ્સો બદલાવ આવ્યો હતો. એક સમયે સતત ખીલખીલાટ કરતી તેની શ્રુતિ હવે ધીર ગંભીર બની ગઈ હતી. ઘરે પહોંચીને શ્રુતિએ પોતાના બેડરૂમનો દરવાજો બંધ કર્યો. પછી અરીસા સામે ઊભીને કમર પર જમણી બાજુ પડેલા ચાર ઇંચના તાજાં જ રુઝાયેલા કાપા પર હળવેકથી હાથ ફેરવતાં જરા શરમાઈને બોલી... '' તારા માટે બંને બાજુ આવા કાપા પડાવી શકું, એટલો બધો પ્રેમ કરું છું... મારા ડોબુ.. ''

સમજાઈ જાય તેને અભિનંદન......