Paneerni Pasand aave aevi vangio in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | પનીરની પસંદ આવે એવી વાનગીઓ

Featured Books
Categories
Share

પનીરની પસંદ આવે એવી વાનગીઓ

પનીરની પસંદ આવે એવી વાનગીઓ

મીતલ ઠક્કર

પનીરની કોઈ પણ ડિશ હોય તે આખા ભારતમાં જાણીતી હોય છે. પછી તે પનીર ટિક્કા હોય કે પનીર સિઝલર. પનીરની સબ્જી લગભગ તમામ ઘરોમાં બનતી હોય છે. પણ અહીં પનીરની કેટલીક એવી વાનગીઓ પણ આપી છે જે આજથી પહેલા કોઈ દિવસ તમારા રસોડે નહીં બની હોય. આથી જ જો તમારા ઘરમાં પણ લોકો પનીરના દિવાના હોય તો આ વાનગીઓ વાંચવાનું ચૂકશો નહીં. તમે કોઇ પણ પ્રસંગમાં ભોજન સમારંભમાં જાવ ત્યારે તમારી પહેલી નજર પનીરની વાનગીઓ પર જ પડતી હશે. જો તમે કોઇ રેસ્ટોરન્ટમાં જાઓ તો બઘી સબ્જી સાથે પનીરની સબ્જી તમે ચોક્કસથી લેતા હશો. એટલે આપને પસંદ આવે એવી પનીરની અનેક વાનગીઓનું સંકલન કરીને રજૂ કર્યું છે. તો જાણી લો પનીર કેવી રીતે બનાવી શકાય, તેના લાભ શું છે અને તેની નવી- જાણીતી વાનગીઓ કઇ છે.

પનીર એ સાઉથ એશિયાનું ફ્રેશ ચીઝ છે. જે સામાન્ય રીતે નેપાળ, ભારત, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતની ખાસ્સી એવી વાનગીઓમાં પનીરનો ઉપયોગ થતો હોય છે. પાલક પનીર હોય કે કઢાઈ પનીર, પનીર સેન્ડવીચ હોય કે શાહી પનીર બધી જ વાનગીઓમાં પનીરનો ઉપયોગ મુખ્ય સામગ્રી તરીકે થતો હોય છે. અને મોટાભાગના લોકોને પનીર બનાવતા આવડતું ન હોવાથી તૈયાર પનીરનો જ ઉપયોગ કરતા હોય છે. તેથી આરોગ્ય અને ચોખ્ખાઈને ધ્યાનમાં રાખીને પ્રથમ ઘરે પનીર કેવી રીતે બને તે શીખીશું.

  • મુખ્ય સામગ્રી: ૪ લી. દૂધ(milk),
  • અન્ય સામગ્રી: /૨ ચમચી મીઠું(salt), /૨ ચમચી લીંબુ(lemon),
  • પનીર બનાવવાની રીત:
  • * સૌ પ્રથમ દૂધ ગરમ કરો અને તે ઉકળવા લાગે ત્યારે તેમાં ૧/૨ ચમચી મીઠું અને ૧/૨ ચમચી લીંબુનો રસ નાખો.

    * જયારે દૂધ ફાટવા લાગે ત્યારે એક ચારણીમાં કોટનનું કાપડ મૂકી ફાટેલું દૂધ રેડી દો.

    * હવે તેને કોટનના કપડામાં કસીને બાંધી દો અને વધારાનું પાણી ધ્યાનપૂર્વક કાઢી લો. કારણ કે, પાણી ગરમ હશે.

    * ત્યારબાદ તેને થોડા કલાકો માટે ફ્રીજરમાં મૂકી દો અને તેને બહાર કાઢી જરૂર અનુસાર તેના નાના ટુકડાઓ કરી લો.

    પનીરમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. ડાયટમાં પનીર સામેલ કરવાથી દાંત અને નખ મજબૂત થાય છે. ઓસ્ટિયોપોરોસિસના કારણે થનારા સાંધાના દુઃખાવામાં આરામ મળે છે. મોટી ઉંમરમાં પણ આ બહુ લાભકારક હોય છે. સરળતાથી પચી જાય છે. પેટની ગરબડને ઠીક કરે છે. પનીર અનેક પ્રકારના હોય છે. સાદું પનીર, મલાઈ પનીર, મસાલા પનીર, દહીંથી તૈયાર પનીર. મલાઈવાળા પનીરમાં કેલરી વધારે હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. જેથી સાદું પનીર બેસ્ટ છે. સાદું અને મસાલા પનીર સરળતાથી ઘરમાં બનાવી શકાય છે. જ્યારે તમે ઘરમાં પનીર બનાવતા હોવ ત્યારે દૂધ ફાડીને તેમાં શેકેલું જીરૂ, કોથમીર, લીલા મરચાં મિક્ષ કરી એક કપડામાં બાંધી લટાકાવી દેવું. બધું પાણી નિતરી જાય પછી તેને કાપીને ઉપર ચાટ મસાલો નાખીને નાસ્તા તરીકે ખાઈ શકો છો.

    પનીરની પસંદ આવે એવી નવી અને જાણીતી વાનગીઓ:

    પનીર સ્પેશલ

    સામગ્રી : ૩૦૦ ગ્રામ પનીર ચોરસ ટુકડા, ૩ ચમચા આદું અને લસણની પેસ્ટ, ૧૦૦ ગ્રામ દૂધ, ૧/૨ ચમચી ખાંડ, ૨૫૦ ગ્રામ ટામેટાંની પ્યૂરી, ૧૦૦ ગ્રામ કાજુ પેસ્ટ, ૫૦ ગ્રામ બટર, ૩ તમાલપત્ર, ૩ આખા લાલ મરચાં, ૧ ટુકડો તજ, ૮ લવિંગ, ૬ નાની એલચી, મીઠું અને મરચું સ્વાદ મુજબ.

    ગ્રેવીની રીત : એક કડાઈમાં માખણને પિગાળો. તમાલપત્ર, લાલ મરચાં, તજ, લવિંગ અને એલચીનો વઘાર કરો. કાજુ પેસ્ટ નાખીને શેકો. તેલ છૂટું પડે ત્યાંસુધી ધીમી આંચ પર રાંધો. મીઠું અને મરચું સ્વાદ મુજબ નાખો. ૨ થી ૩ ઊભરા લાવ્યા પછી ગ્રેવીને ગેસ પરથી ઉતારી લો. આદુંની છીણ, લીલાં મરચાં, કોથમીર અને તાજા ક્રીમથી સજાવો.

    હરિયાળી પનીર ટિક્કા

    સામગ્રી : ૫૦૦ ગ્રામ પનીર, ૩ ચમચા આદું અને લસણની પેસ્ટ, ૨૫૦ ગ્રામ પાલકની ભાજી, ૪ મધ્યમ કદનાં લીલાં મરચાં, ૧૦૦ ગ્રામ કોથમીર, ૧૦૦ ગ્રામ ફુદીનો, ૨૫૦ ગ્રામ દહીં, ૧૦૦ ગ્રામ તેલ, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી મરી, મીઠું સ્વાદ મુજબ.

    રીત : પનીરને ૧ટ૧ ઈંચના ચાર ટુકડામાં સમારી લો. આદું અને લસણની પેસ્ટમાં થોડુંક મીઠું તથા લાલ મરચાને મિક્સ કરી લો. આ મિશ્રણમાં પનીરને નાખો. બરાબર હલાવો જેથી મસાલો પનીર પર લાગી જાય. પછી ૧/૨ કલાક માટે સાઈડમાં રાખી મૂકો. પાલકની કાચીભાજી, લીલાં મરચાં, કોથમીર, મીઠું તથા મરી આ બધું એકસાથે વાટી લો. દહીંને ઝીણા કપડાથી ગાળીને ફેંટી લો. તેલ અને દહીંને પાલકના મિશ્રણમાં નાખી મિક્સ કરો. પનીરના ટુકડાને આ મિશ્રણમાં નાખી એક કલાક રાખી મૂકો. તેને સળિયામાં લગાવી તંદૂરમાં ગ્રિલ કરો.

    પનીર કસ્ટર્ડ સ્વીટ કચોરી

    સામગ્રીઃ ૨૦૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ પનીર, ચપટી ખાવાના સોડા, ૨-૪ કપ દૂધ, ૪ ચમચા ખાંડ, બે ચમચા પાઈનેપલ કસ્ટર્ડ, ૧ કપ લીલી કે કાળી દ્રાક્ષ, બે ચમચા તાજું ફીણેલું ક્રીમ, તળવા માટે તેલ.

    રીતઃ સૌપ્રથમ મેંદામાં ખાવાના સોડા ભેળવી ત્રણ વાર ચાળો. ત્યાર પછી ૧ ચમચો તેલનું મોણ નાખી પાણીથી કઠણ લોટ બાંધો. તેને ભીનું કપડું ઢાંકી એક તરફ રાખો. પનીરને છીણી નાખો. દૂધમાંથી ૧/૪ કપ દૂધ જુદું કાઢી લઈ, બાકીના દૂધમાં ખાંડ નાખી ઉકાળો ૧/૪ કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઘોળી, તેને ઉકળતા દૂધમાં ભેળવીને કસ્ટર્ડ તૈયાર કરી. વધુ બે મિનિટ સુધી ઉકળવા દઈ, આંચ પરથી ઉતારી લઈને ઠંડું પડવા દો. મેંદાના બાંધેલા લોટને ખૂબ ટૂંપી તેના આઠ સરખા ભાગ કરો. દરેક લૂઆ વચ્ચે પનીર ભરી કચોરીની માફક હાથથી વાળી દો. તેમને ગરમ તેલમાં એકદમ કડક તળીને બહાર કાઢો. ઠંડી થાય એટલે તેમને વચમાંથી ફોડો અને કસ્ટર્ડ પેસ્ટમાં દ્રાક્ષ ભેળવી તેમાં ભરો. પીરસતી વખતે ઉપર ક્રીમથી સજાવટ કરો. છેલ્લે ચેરી, કેન્ડી કે કોઈપણ ફળથી સજાવી તરત જ પીરસો.

    પનીરનાં મૂઠિયાં

    સામગ્રીઃ ૨૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ રવો, ૧૫૦ ગ્રામ પનીર અથવા ચીઝ, ૧ ચમચી ગરમ મસાલો, ૧/૪ ચમચી અજમો, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી આમચૂર, ૧ લીલું મરચું, ૮૦ ગ્રામ ઘી, ૨૦ ગ્રામ માખણ, ૧ લીંબુનો રસ, ૩/૪ ચમચી વાટેલી વરિયાળી, ૧ ચમચી વાટેલું જીરું, ચપટી હિંગ. સજાવટ માટેઃ લીલી ચટણી (રસાદાર), નાળિયેરની છીણ.

    રીતઃ મેંદો અને રવો ચાળી નાખો. તેમાં મીઠું, વાટેલી વરિયાળી, અજમો, ગરમ મસાલો અને જીરું નાખી, વચમાં ઓગાળેલું ઘી રેડી બધું મિક્સ કરો. ગરમ પાણીથી કઠણ લોટ બાંધી તેના પર પાતળું કપડું ઢાંકીને રાખી મૂકો. પનીરને છીણી તેમાં લીંબુનો રસ ભેળવો. હવે લોટમાંથી લૂઆ લઈ તેમની વચમાં પનીરનું મિશ્રણ ભરી મૂઠિયાં વાળતાં જાવ. આ રીતે બધાં મૂઠિયાં વાળી લીધા પછી અગાઉથી મધ્યમ આંચે ગરમ કરી રાખેલ ઓવનમાં ૪૦ મિનિટ સુધી બેક કરો. તે પછી તેને બહાર કાઢી લો. નાળિયેરની છીણને લીલી રસાદાર ચટણીમાં ભેળવી સહેજ રંગીન બનાવી ગરમ મૂઠિયાં પર લગાવો.

    પોપકોર્નનાં પનીર પકોડાં

    સામગ્રીઃ ૨૫૦ ગ્રામ પનીર, ૧૦૦ ગ્રામ પોપકોર્ન, ૨૦૦ ગ્રામ વેસણ, ૬ કળી લસણ, ચપટી સોડા, ૧/૪ ચમચી મીઠું, ૧/૪ ચમચી અજમો, ૧/૪ ચમચી મરચું, ૧/૪ ચમચી મરીનો પાઉડર, ૨૦૦ ગ્રામ તેલ.

    રીતઃ એક તપેલીમાં વેસણ, સોડા, મીઠું, અજમો, મરચું અને મરીનો પાઉડર લો. તેમાં પાણી રેડી ઘટ્ટ ખીરું તૈયાર કરો અને ખૂબ હલાવીને એકરસ કરી એક તરફ રાખી મૂકો. પનીરના ચોરસ અને જાડા ટુકડા કરી તેમના પર વાટેલા લસણની પેસ્ટ લગાવી અડધો કલાક રાખી મૂકો. તે પછી પોપકોર્નનો એક મોટો દાણો લો. પનીરમાં ચીરો કરી તેની વચમાં પોપકોર્ન મૂકી વેસણના ખીરામાં બોળો. કડાઈમાં તેલ ગરમ કરી આ પોપકોર્ન પનીરના પકોડાંને બ્રાઉન રંગનાં થાય ત્યાં સુધી તળી નાખો. ગરમાગરમ પકોડાં ચા, ફુદીનાન ચટણી કે ટામેટાં સોસ સાથે મહેમાનોને જમવા આપો.

    પનીર ઉત્તપમ સેન્ડવિચ

    સામગ્રી : ૨૫૦ ગ્રામ પનીર સ્લેબ, ૧/૨ કપ અડદની દાળ, ૧ કપ ચોખા, ૩/૪ ચમચી મીઠું. ધાણા અને ફુદીનાની ચટણી, સેલડ, તળવા માટે તેલ, ચાટ મસાલો, કાળાં મરી વાટેલા.

    રીત : દાળ અને ચોખા સાફ કરીને ધોઈને આખી રાત પલાળી રાખો. સવારે પાણી નિતારી પીસી લો. મીઠું. નાખી ઘટ્ટ ખીરું બનાવો. ઢાંકીને આથો આવવા મૂકો. છ-સાત કલાક પછી ઢાંકણું ખોલી હલાવી એકરસ કરી દો. તવા ઉપર તેલ કે ઘી ચોપડી પાણીનો છંટકાવ કરી તવો તૈયાર કરો. ખીરામાંથી મોટો ચમચો ભરી તવા પર પાથરો. કિનારી પર થોડું થોડું તેલ નાખી લાઈટ ગુલાબી શેકી લો. પછી બીજી તરફ ફેરવો. ત્રિકોણ આકારમાં વાળો. આ જ રીતે બાકીનાં ઉત્તપમ પણ બનાવો. પનીરના ચોરસ ટુકડા કરો. એની પર ચાટ મસાલો અને કાળાં મરી ભભરાવો. દરેક ત્રિકોણમાં ઉત્તપમમાં પનીર સ્લેબ મૂકી સેન્ડવીચ બનાવો. ધાણાની ચટણી અને સલાડ સાથે પીરસો.

    *

    સ્ટફ પનીર કરી

    સામગ્રી : ૨૫૦ ગ્રામ પનીર, ૩૦૦ ગ્રામ ટમેટા, ૧૦૦ ગ્રામ બાફેલા બટેટાનો છૂંદો, ૧૦૦ ગ્રામ કાંદા, ૦।। કપ બારીક કરેલી કોથમીર, લીલા મરચાં, ઘી, લસણ, મીઠું, ૧૨ કળી લસણ, ૩ ચમચા મેંદો, ૧ ટુકડો આદુ, ૦।। ચમચી જીરું, ૧ ચમચો ધાણી-જીરુ, મીઠું, પનીર, સાકર, ૧ ચમચો કોર્નફ્લોર, લાલ મરચું, હળદર ૧ કપ ફૂદનો અને કોથમીરની વાટેલી ચટણી.

    રીત : પનીરના લંબચોરસ પાતળા ટુકડા કરવા. કાંદા, આદુ, મરચાં, લસણ ભેગા કરી ચટણી વાટવી, કોથમીર અને ફુદીનાની ચટણી મીઠું અને બટાટાના છુંદાને ભેગો કરવો.
    પનીરના બે ટુકડા લેવા. વચમાં બટાટાનું પૂરણ મૂકી સેન્ડવીચ કરવી. મેંદામાં પાણી નાંખી પાતળું ખીરું કરવું. તૈયાર કરેલા પનીર સેન્ડવીચ તેમાં બોળી તળી લેવાં. બટેટાનો વધેલો માવો. કરીમાં નાંખવો, ઘી ગરમ કરી, વાટેલી ચટણી સાંતળી બધો મસાલો નાંખી હલાવવું. બટેટાનો વધેલો માવો નાંખી હલાવી ટમેટાનો પલ્પ નાંખવો. ૩ કપ પાણીમાં કોર્નફ્લોર હલાવીને નાંખવું. ઉકળે પછી તળેલા પનીર સેન્ડવીચ મૂકી પાંચ મિનિટ ઉકાળવું. કોથમીર નાંખી આપવું.

    *

    મિક્સ પનીર ફાડા

    સામગ્રી : ૧૫૦ ગ્રામ ઘઉંના ફાડા, ૧૫૦ ગ્રામ ચણાની દાળ, ૧૫૦ ગ્રામ પનીર, ૧/૩ ચમચી મીઠું, ૧/૩ ચમચી મરી, એક ચમચો ઘી અથવા તેલ, ૧ ચમચો બારીક સમારેલી કોથમીર.

    રીત : ચણાની દાળને સાફ કરી પાણીમાં પલાળી રાખો. પનીરના નાના નાના ટુકડા કરી તળી નાખો. કૂકરમાં તેલને ગરમ કરી તેમાં સાફ કરેલા ઘઉંના ફાડા શેકો. ફાડા શેકાઇ જવાની સુગંધ આવવા લાગે ત્યારે તેમાં ચણાની પલળેલી દાળ નાખીને શેકો. તે પછી તેમાં પૂરતું પાણી રેડી મીઠું, મરી ભેળવીને કૂકરનું ઢાંકણું ઢાંકી દો. ત્રણ-ચાર સીટી થયા પછી આંચ બંધ કરી દઇ, કૂકરનો વાલ્વ ખોલી નાખો. તે પછી ચમચાથી હલાવીને ફાડામાં પનીરના ટુકડા નાખીને હલાવો. ઉપર સમારેલી કોથમીર ભભરાવો.

    *

    ચણાની દાળના પનીર રોલ

    સામગ્રી : એક કપ ચણાની દાળ, ૧/૨ કપ પનીરની છીણ, એક ચમચી મીઠું, ૨-૩ સમારેલાં લીલાં મરચાં, થોડી સમારેલી કોથમીર, ૩-૪ સ્લાઇસ બ્રેડ, તળવા માટે તેલ. સજાવટ માટે - સોસ, મૂળાની છીણ, ટામેટાં, લીલાં મરચાં, કોથમીર.

    રીત : ચણાની દાળને આખી રાત પલાળી રાખો. સવારે તેને મિક્સિમાં બારીક ક્રશ કરી લો. તેમાં પનીર, પલાળેલાં બ્રેડનો માવો, મીઠું, સમારેલા લીલાં મરચાં, કોથમીર નાખી બરાબર મિક્સ કરો. તેલ ગરમ કરી તેમાં આ મિશ્રણના રોલ બનાવી તળી લો. સોસ અને સેલડથી સજાવીને પીરસો.

    *

    સરપ્રાઈઝ પનીર ભજિયાં

    સામગ્રી : ૧ કપ ચણાનો લોટ, ૨ કેપ્સિકમ, ૧૦૦ ગ્રામ પનીર, તળવા માટે તેલ, મીઠું સ્વાદાનુસાર, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ધાણા જીરું, મીઠું સ્વાદાનુસાર.

    રીત :

    ચણાના લોટનું ઘટ્ટ ખીરું બનાવો. પનીર અને કેપ્સિકમના ચોરસ ટુકડા કરો. એમાં મીઠું, મરચું અને ધાણા જીરું લગાવી ૧૫ થી ૨૦ મિનિટ રાખી મૂકો. એક ટૂથપિકમાં બે ટુકડા કેપ્સિકમ અને વચ્ચે પનીરનો એક ટુકડો ભરાવો. તેને ચણાના લોટમાં બોળી તળી લો.

    *

    પનીર ફૂદીના પુલાવ

    સામગ્રી : ચોખા ૧ કપ, કોકોનટ મિલ્ક ૨ કપ, ઝીણો સમારેલો ફુદીનો ૧ કપ, કાપેલું પનીર ૧/૨ કપ, લીલા મરચાં ૩ નંગ, સમારેલું આદુ ૧ નંગ, વાટેલું લસણ ૨ ચમચી, સ્લાઈસ કરેલી ડુંગળી ૨ નંગ, ઘી ૨ ચમચી, તજ ૩ નંગ, લવિંગ ૩ નંગ, ઈલાયચી ૨ નંગ, મીઠું સ્વાદાનુસાર, ગાર્નિશિંગ માટે સમારેલી કોથમીર.

    રીત : સૌપ્રથમ પનીરને તેલમાં તળો લીલા મરચાં, આદુ, ફૂદીના અને લસણની પેસ્ટ બનાવો. એક લોયામાં ઘી લઈ તજ, લવિંગ અને ઈલાયચી સાંતળો. મરચાં, આદું, ફુદીના અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ ચોખા, પનીર, મીઠું અને કોકોનટ મિલ્ક ઉમેરી રંધાવા દો. સમારેલી કોથમીર ઉમેરો. પનીર ફૂદીના પુલાવ તૈયાર.

    *

    સોજી-પનીર પેટીસ

    સામગ્રી : ૧ કપ સોજી, ૨ કપ દૂધ, ૧/૨ કપ છીણેલું પનીર, ચપટી હિંગ, ૧ ચમચો લસણ, આદું અને લીલાં મરચાંની પેસ્ટ, ૧/૨ ચમચી મીઠું.

    પૂરણ માટે સામગ્રી : ૧ કપ ચણાની બાફેલી દાળ, ૨ લીલાં મરચાં સમારેલાં, એક ચમચો સમારેલી કોથમીર, તળવા માટે જરૂરી તેલ.

    રીત : સોજીને કડાઇમાં કોરી જ શેકી લો. એમાંથી અડધી સોજીને દૂધમાં નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવો. ઠંડી થાય એટલે પનીર, વધેલી સોજી, હિંગ, આદુ-લસણ અને લીલાં મરચાંની પેસ્ટ તથા મીઠું નાખી બરાબર હલાવી નાખો. હવે આ મિશ્રણના ગોળા વાળી લો. દરેક ગોળાની અંદર પૂરણનું મિશ્રણ ભરી બંધ કરી ચપટા કરી લો. તવા પર તેલ નાખી શેકી લો. લીલી ચટણી સાથે પીરસો.

    *

    પનીર ચમચમ

    સામગ્રી : ૧ લિ. દૂધનું પનીર, ૧ ચમચી આરારૃટ, ચમચી કેસર, ૩ કપ સાકર, ૭ કપ પાણી, ૨ ચમચા કોપરાનું ખમણ, (સુકૂં), ૨ ચમચા દળેલી સાકર, ૧ ચમચી એલચી પાઉડર.

    રીત : પનીરને ખૂબ જ સારી મસળી લો. અંદર આરારૃટ મેળવી ફરી મસળો. તે પછી તેમાં કેસર મેળવી સુંવાળું થાય તે રીતે પનીર મસળી તેનો એકસરખા ભાગ કરી લો. પનીરનો એક ભાગ લઈ તેને લંબગોળ આકાર આપી બધા એવી રીતે તૈયાર રાખો. સાકર-પાણી ભેગાં કરી ઉકળવા મૂકો. સાકર ઓગળે એટલે તેને પાંચ મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં એક પછી એક ચમચમ નાખી તપેલું ઢાંકી વધુ પાંચ મિનિટ ઉકળવા દો. થોડી વાર ઢાંકણ અધખુલ્લું રાખી પણ ઉકાળો. બધુ મળી લગભગ ૨૦ મિનિટ ચમચમને પાણીમાં ઉકાળવી. તે પછી ગેસ બંધ કરીને એક રાત ચાસણીમાં રાખવા. બીજે દિવસે ચાસણીમાંથી કાઢી તેની ઉપર કોપરુ, દળેલી સાકર, એલચી ઈત્યાદિ ભેગાં છાંટીને ઉપયોગમાં લેવા.

    *

    ટોસ્ટ પનીર રોલ્સ

    સામગ્રી : ૫૦૦ ગ્રામ પનીર, ૦।। કપ કન્ડેન્સ્ડ મિલ્ક, ૧ કપ ટોસ્ટનો ભૂકો, પા ચમચી બેકિંગ પાઉડર, એક ચમચો એલચીનો કરકરો ભૂકો.

    રીત : પનીરને ખૂબ મસળવું. પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, બેકિંગ પાઉડર અને એલચીનો ભૂકો નાખીને ફરીથી મસળવું અને ત્યારબાદ તેના નાનાનાના રોલ બનાવવા. બેકિંગ ડીસમાં ઘી લગાડી રોલને ટોસ્ટના ભૂકામાં બોળી ગોઠવવા. ડીસ ઓવનમાં બેક કરી હલકા તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ ગરમ કરીને ગરમાગરમ રોલ્સ પીરસવા.

    *

    પનીર રસ ગુલ્લા

    સામગ્રી : દૂધ અઢી લીટર, મેંદો ૨૫ ગ્રામ, ખાંડ ૧ કિલો અને લીંબુ.

    રીત : દૂધને ઉકાળવું. તેમાં લીંબુ નીચોવી દૂધ ફાડી નાખવું. તેમાંથી માવો નિતારી અલગ કાઢવો. તેને વજન મૂકી દાબી રાખવું એટલે પનીર તૈયાર થશે. તેમાં મેંદો નાખી ફીણવું. પાણી નીચે બરફના ટુકડા મૂકવા એટલે ઘી છૂટું નહીં પડે. તેના નાના નાના ગોળા બનાવવા. પછી ખાંડમાં બે લીટર પાણી નાખી ઉકાળવું. બે ચમચા દૂધ નાખી મેલ કાઢી નાખવો. ચાસણી એક તારી થાય એટલે બેે-ત્રણ ગોળા ધીરેથી નાખવા. ગોળા છૂટે તો આરારૃટનો લોટ ભેળવવો. મેંદો પણ ચાલે. રસગુલ્લા નીચે બેસવા મંડે એટલે વાસણ નીચે ઉતારી લેવું. ઠરે પછી તપેલી ફ્રીઝમાં મૂકી દેવી. ત્રણ-ચાર કલાક બાદ બાઉલમાં ચાસણી સાથે રસગુલ્લા પીરસવા.

    *

    પનીર કુલ્ફી

    સામગ્રી : ૧ ૧/૨ લિટર દૂધ, ૨ નાની એલચી, ૮૦ ગ્રામ ખાંડ.

    રીત : ૧/૨ લિટર દૂધનું પનીર બનાવો. ઠંડું કરી રવાદાર કરો. બાકીના દૂધમાં એલચી નાખી ઉકાળ અને ઘટ્ટ થવા દો. દૂધ ઘટ્ટ થઈ જાય પછી એમાં પનીર અને ખાંડ મિક્સ કરો. થોડીવાર ગેસ ઉપર રાખી હલાવો. ઠંડું થયા પછી મોલ્ડમાં ભરી ફીઝરમાં મૂકો.

    *

    પનીર આઈસક્રીમ વિથ જેલી

    સામગ્રી : ૨૫૦ ગ્રામ પનીર, ૧/૨ કપ ક્રીમ, ૧ લિટર દૂધ, ૧/૨ ચમચો ખાંડ કે શુગર ફ્રી, ૧ પેકેટ સ્ટ્રોબેરી જેલી.

    રીત : દૂધ ઉકાળો અને તેમાં કાપેલું પનીર નાખી ગેસ પર રાખો. જ્યારે ૧/૪ ભાગ જેટલું રહે ત્યારે ઠંડું કરીને મિક્સરમાં નાખો. ખાંડ નાખી મિક્સ કરો. ક્રીમ નાખીને વિપ કરો અને મોલ્ડમાં નાખી જમાવવા માટે રાખો. ૫૦૦ મિ.લિ. પાણી લો. તેમાંથી ૨૫૦ મિ.લિ. ને ગરમ કરો. તેમાં જેલી ક્રિસ્ટલ નાખી મિક્સ કરો અને બાકીનું ૨૫૦ મિ.લિ. પાણી નાખીને મિક્સ કરો. ઠંડું કરીને ફ્રિજમાં સેટ કરો. પીરસતી વખતે જેલીની સાથે પનીર આઈસક્રીમને સજાવીને પીરસો અને ઠંડકનો અનુભવ કરો.

    *

    પનીર ભજીયા

    સામગ્રી: 200ગ્રામ પનીર, 1 ટી સ્પૂન જીરું પાવડર, 2 ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ, 1 કપ ચણાનો લોટ, 1 ચપટી કુકિંગ સોડા, તેલ તળવા માટે પાણી, જરૂર મુજબ મીઠું સ્વાદાનુસાર

    રીત: સૌપ્રથમ પનીરને એક ઈંચના ટુકડામાં સમારી લો. પનીરના ટુકડાને જીરુ પાવડર, મીઠું અને આદુ-લસણની પેસ્ટમાં વીસેક મિનિટ સુધી મેરિનેટ થવા દો. ચણાનો લોટ, કુકિંગ સોડા અને મીઠું મિક્સ કરીને પાણીની મદદથી ઘટ્ટ ખીરુ બનાવો. એક પેનમાં તેલ ગરમ કરો. પનીરના ટુકડાને ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો. ક્રિસ્પી પનીર પકોડા તૈયાર છે.

    *

    પનીર ચાટ

    સામગ્રી: 250 ગ્રામ પનીર, 1 ટેબલસ્પૂન લીલી ચટણી, 1 ટેબલસ્પૂન લાલ ચટણી, 1 કપ બૂંદી, 1 કપ સેવ, કોથમીર

    રીત: સૌપ્રથમ પનીરના એક ઈંચના ટુકડા કરીને તેને તેલમાં તળી લો. તેના પર પાણીમાં પલાળેલી બૂંદી રાખો. તેના પર લાલ અને લીલી ચટણી ઉમેરો. સેવ અને લીલા ધાણા ઉમેરીને સર્વ કરો.

    *

    ચિલી પનીર

    સામગ્રી: 150 ગ્રામ પનીર, 1 ચમચો કોર્નફ્લોર, 1 ચમચો બ્રેડક્રમ્બ્સ, 1 નંગ આખું લાલ મરચું, 4 કળી લસણ, 1 નાનો ટુકડો આદું, 1/4 ચમચી ખસખસ, 1 ચમચો પાણી, 1 ચમચી લીંબુનો રસ, 1/2 કપ મિક્સ શાક, મીઠું સ્વાદાનુસાર

    ગ્રેવી માટે : 2 ચમચા કોર્નફ્લોર, 1/2 કપ પાણી, 1 ચમચો સોયા સોસ, 1 ચમચો ટમેટાંનો સોસ, 1 ચમચો ચિલી સોસ, મીઠું સ્વાદાનુસાર, મરી પાવડર જરૂર મુજબ

    રીત: સૌપ્રથમ પનીરના ટુકડા કરો. તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો. વીસ મિનિટ પછી પનીરના ટુકડા તળી લો. હવે નોનસ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં ગાજર, ફણસી, ડુંગળી, કેપ્સિકમ, કોબીજ વગેરે નાખી પાંચ-દસ મિનીટ ચડવા દો. હવે તેમાં ગ્રેવીની બધી સામગ્રી નાખી એક મિનીટ માટે સતત હલાવતાં રહો. છેલ્લે પનીરના ટુકડા નાખી મિક્સ કરો અને બે મિનીટ રાખી આંચ પરથી ઉતારી લો.

    *

    ફુદીના પનીર

    સામગ્રી: 250 ગ્રામ પનીર, 2 થી 3 નંગ ડુંગળી, 1/4 ચમચી હળદર, 1 ચમચી મરચું, 2 નંગ ટમેટાં, 2 ચમચા સૂકવેલો ફુદીનો, 1 ચમચી ગરમ મસાલો, 4 ચમચા તેલ, મીઠું સ્વાદાનુસાર

    રીત : સૌપ્રથમ પનીરના એક-એક ઇંચના ટુકડા કરો. ડુંગળીની ગોળ રિંગ્સ સમારો. એક ટમેટાંના ચાર મોટા ટુકડા સમારી તેમાંથી ગર કાઢી લો. આ ગરને ક્રશ કરો. બીજા ટમેટાંના એક-એક ઇંચના ટુકડા સમારો. હવે કડાઇમાં ચાર ચમચા તેલ ગરમ કરી તેમાં ડુંગળીને આછા બદામી રંગની સાંતળો. તેમાં હળદર, મરચું અને મીઠું ભેળવો. ત્યારબાદ ટમેટાંનો ગર નાખીને પાંચ-સાત મિનિટ રહેવા દો. તેમાં પનીર, ફુદીનો, સમારેલાં ટમેટાં અને ગરમ મસાલો ભેળવી બે મિનિટ સુધી રહેવા દો. સ્વાદિષ્ટ ફુદીના પનીર તૈયાર છે.

    *

    પનીર ચીઝના લીલવા ઘૂઘરા

    સામગ્રી: 2 કપ ઘઉંનો લોટ, 500 ગ્રામ લીલા વટાણા, 500 ગ્રામ તુવેર, 2 ટીસ્પૂન વાટેલાં આદુ-મરચાં, 1/2 કપ સમારેલી કોથમીર, મીઠું સ્વાદાનુસાર, ખાંડ, લીંબુ, તેલ જરૂર પ્રમાણે, પનીર અને ચીઝ જરૂર પ્રમાણે.

    રીત: લીલા વટાણા અને તુવેરને ક્રશ કરી લો. કઢાઇમાં બે ચમચા તેલ ઉમેરી તેમાં વટાણા-તુવેરનો ક્રશ કરેલો માવો ઉમેરો. હવે તેમાં મીઠું, લીંબુ, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર ભેળવીને થોડી વાર ચડવા દો. ઠંડુ પડે એટલે તેમાં પનીરના નાના ટુકડા અને ચીઝ છીણીને ભેળવો. ઘઉંના લોટમાં મીઠું નાખીને લોટ બાંધો. તેમાંથી પૂરી વણો અને તેમાં પૂરણ ભરી ઘૂઘરાનો આકાર આપો. ગરમ તેલમાં તળીને કોથમીરની ચટણી સાથે સ્વાદ માણો.

    *

    પનીર કબાબ

    સામગ્રી: 300 ગ્રામ પનીર, 1 ઈંચનો ટુકડો આદું, 1/2 કપ દૂધ, 3 ટેબલસ્પૂન મેંદો, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 2 નંગ લીલા મરચાં, 1 પેકેટ સોલ્ટી બિસ્કિટ, કોથમીર, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે

    રીત: પનીરને સ્મેશ કરીને માવો બનાવી લો. લીલા ધામા, આદુ અને લીલા મરચાને ઝીણા સમારી લો. તેમાં લાલ મરચાનો પાવડર અને એક ચમચો મેંદો પલાળો. તેને મસળીને કબાબનો આકાર આપો. બિસ્કિટનો ભૂકો કરી લો અને વધેલા મેંદાને દૂધમાં ભેળવી દો. કબાબને દૂધ અને મેંદાના મિશ્રણમાં ડૂબાળાને બિસ્કિટના ભૂકામાં રગદોળી દો. તેલ ગરમ કરીને, પનીર કબાબને તેમાં લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો. ગરમા ગરમ પનીર કબાબને ચટણી સાથે સર્વ કરો.

    *

    કડાઈ કોર્ન પનીર

    સામગ્રી: 250 ગ્રામ પનીર, 10 થી 15 નંગ બેબી કોર્ન, 2 નંગ ડુંગળી, 3 નંગ કેપ્સિકમ, 3 નંગ ટામેટા, 2 ચમચા તેલ, 1 ચપટી આજીનો મોટો, 1/2 ચમચી હળદર, 2 ચમચી મરચું, 2 ચમચી જીરાંનો પાઉડર, 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચો સમારેલી કોથમીર, મીઠું સ્વાદાનુસાર

    રીત: સૌપ્રથમ પનીરના પ્રમાણસર ચોરસ ટુકડા કરો. ત્યાર બાદ બેબી કોર્નની પાતળી સ્લાઇસ કરો. ડુંગળીને પણ બારીક સમારી લો. ટામેટા અને કેપ્સિકમનો ગર કાઢીને તેના ચોરસ ટુકડા સમારો. હવે તેલ ગરમ કરી તેજ આંચ પર ડુંગળી સાંતળો. તે પછી તેમાં આજીનો મોટો, બેબી કોર્ન, કેપ્સિકમ, ટામેટા, હળદર, જીરાંનો પાઉડર, કસૂરી મેથી અને મીઠું ઉમેરી બધા શાક નરમ થાય ત્યાં સુધી રહેવા દો. છેલ્લે પનીરના ક્યૂબ્સ નાખી થોડી વાર રાખો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

    *

    મટર પનીર કુલ્ચા

    સામગ્રી: 1 કપ પાણીમાં ઉકાળેલા લીલા વટાણા, 1 કપ છીણેલું પનીર, 4 મોટા ચમચા તેલ, 1/2 ચમચી જીરૂ, 1 મધ્યમ સાઈઝની કાપેલી ડુંગળી, 1 નાની ચમચી બેકિંગ પાવડર, 1/4 નાની ચમચી લાલ મરચું, 3 કપ મેદોં, 1 કપ દૂધ, 1 નાની ચમચી ચાટ મસાલો, 2 ઝીણાં કાપેલાં લીલાં મરચાં, માખણ સ્વાદાનુસાર, મીઠું સ્વાદાનુસાર.

    રીત: એક નોન સ્ટિકમાં બે મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકો. હવે હેન્ડ બ્લેન્ડરથી વટાણાને મોટા-મોટા પીસી લો. પેનમાં જીરૂ અને ડુંગળી નખી થોડું સાંતળો. હવે તેમાં લીલા વટાણા નાખી બરાબર મિક્સ કરી દો. પછી તેમાં મીઠ્ઠું અને 1/4 નાની ચમચી લાલ મરચું નાની ગેસ બંધ કરી દો. આ મિશ્રણને એક બાઉલમાં લઈ ઠંડું થવા દો. એક બીજા બાઉલમાં મેંદો, મીઠ્ઠું,બેકિંગ પાવડર, દૂધ અને બે મોટા ચમચા તેલ નાખી ગરમ પાણીથી લોટ બાંધી દો. હવે તેના લીંબુના આકારના લુવા બનાવી લો. લીલા વટાણામાં પનીર અને ચાટ મસાલો મિક્સ કરો.પછી તેમામ ગરમ મસાલો અને લીલાં મરચાં નાખી બરાબર મિક્સ કરો. હવે એક લુવાને લઈ રોટલી વણો અને વચ્ચે વટાણા અને પનીરનું મિશ્રણ મૂકો. હવે રોટલીના કિનારાને બરાબરસીલ કરી ગોળો બનાવી દો. આ ગોળાને 5 મિનિટ સુધી આમજ રહેવા દો. પછી ગોળા પર થોડું તેલ લગાવી હાથથી થોડું થપથપાવી વેલણથી વણી લો થોડા મોટા કુલ્ચા બનાવી દો.હવે એક નોનસ્ટિક તવીને ગરમ કરી બધા જ કુલ્ચાને શેકો. (તમને ઓવનમાં શેકવાની ઇચ્છા હોય તો 200° સેલ્સિયસ તાપમાનમાં 10 મિનિટ સુધી શેકાવા દેવાનું.) કુલ્ચાનો એક બાજુનો ભાગ શેકાઇ જાય એટલે તાવેતાથી પલટી ઢાંકી દો અને બીજી બાજુ પૂરેપૂરો શેકાવા દો. હવે દરેક કુલ્ચા પર માખણ લગાવી ગરમા-ગરમ જ મજા લો.

    *

    મસાલા દહીં પનીર

    સામગ્રી: 200 ગ્રામ તાજું પનીર, 1 નાનો ટુકડો આદું, 2 થી 3 નંગ લીલાં મરચાં, 3 થી 4 કળી લસણ, 1 નંગ ડુંગળી, 2 થી 3 નંગ તમાલપત્ર, 1 નાનો ટુકડો તજ, 2 થી 3 નંગ એલચી, 1 ચમચી ધાણા પાઉડર, 1 ચમચી મરચું, 1 ચમચો ક્રીમ, 200 ગ્રામ દહીં, મરી પાવડર, મીઠું સ્વાદાનુસાર, કોથમીર.

    રીત: સૌપ્રથમ પનીરની લાંબી ચીરીઓ કરો. લીલાં મરચાં, આદું અને ડુંગળીને ક્રશ કરી પેસ્ટ બનાવો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં પહેલા તમાલપત્ર, તજ, એલચી નાખીને અડધી મિનિટ માટે સાંતળો. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં બે ચમચા પાણી ઉમેરો. હવે તેમાં વલોવેલું દહીં, મરચું, કોથમીર, મીઠું અને એક કપ પાણી રેડીને હલાવો. ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં પનીરની ચીરીઓ નાખો. કોથમીર, ક્રીમ અને મરીનો પાઉડર નાખી રોટી સાથે સ્વાદ માણો.

    *

    પનીર પકોડે

    સામગ્રી: 400 ગ્રામ પનીર, 1/2 કપ ગ્રીન ચટની, 1 1/2 ટેબલ સ્પૂન લાલ મરચાંનો પાઉડર, મીઠું સ્વાદાનુસાર, 1/2 કપ ચણાનો લોટ, 1 ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ, 2 ટી સ્પૂન અજમો, 1 ચપટી સોડા બાયકાર્બોનેટ, 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, તેલ તળવા માટે.

    રીત: પનીરના સેન્ડવિચની સાઇઝના કટકા કરી તેમાં લીલી ચટની લગાવી દો. હવે અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને મીઠું મિક્સ કરી પનીર ઉપર લગાવો. ચણાના લોટમાં આદું-લસણની પેસ્ટ, અજમો, સોડા બાયકાર્બોનેટ, ચોખાનો લોટ, લાલ મરચું, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવી લો. તેને ૧૦ મિનિટ માટે રહેવા દો. તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે સેન્ડવિચ પનીરને તેમાં ડીપ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તેને તેલમાંથી બહાર કાઢી ટોમેટો કેચઅપ અથવા ચટની સાથે સર્વ કરો.

    *

    પનીર બટર મસાલા

    સામગ્રી: 125 ગ્રામ પનીર, 2 નંગ ડુંગળીની પેસ્ટ, 1 નંગ ટમેટાંની પેસ્ટ, 1 નંગ તમાલપત્ર, 1 ચમચી જીરાં પાઉડર, 3 નંગ લવિંગ, 1 ચમચી કાજુ, 1 નાનો ટુકડો તજ, 1/2 ચમચી ગરમ મસાલો, 2 નંગ એલચી, 1/4 ચમચી મરચું, 3 કપ દહીં, 2 ચમચા માખણ, 1 ચમચો તાજું ક્રીમ, મીઠું સ્વાદ મુજબ.

    રીત: પનીરના ટુકડાને તળી લો. તજ, લવિંગ, એલચીનો પાઉડર બનાવો. તેમાં તમાલપત્ર અને ડુંગળીની પેસ્ટ નાખીને સાંતળો. આદું-લસણની પેસ્ટને પણ સાંતળો. તેમાં બધા મસાલા અને મીઠું ભેળવી એકરસ કરી ટમેટાંની પેસ્ટ નાખી બે મિનિટ હલાવો. આંચ ધીમી કરી ક્રીમ અને દહીં મિક્સ કરો. બે-ત્રણ મિનિટ સુધી સતત હલાવતાં રહી ધીમી આંચે રહેવા દો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો. છેલ્લે પનીરના તળેલા ટુકડા, કાજુની પેસ્ટ અને વધેલું માખણ ભેળવો. થોડી વાર બાદ આંચ પરથી ઉતારી લો. પનીર બટર મસાલા તૈયાર છે.

    *

    પનીર કોરમા

    સામગ્રી: 250 ગ્રામ પનીર, સ્ટફિગ માટે, 50 ગ્રામ ચીઝ, 2 ચમચા કેપ્સિકમ સમારેલા, 2 ચમચા ટમેટાં સમારેલાં, મીઠું સ્વાદાનુસાર, મરીનો પાઉડર જરૂર મુજબ, વઘાર માટે 1 નંગ તમાલપત્ર, 4 નંગ લવિંગ, 1 નાનો ટુકડો તજ, 2 નંગ એલચી, 6 નંગ મરી, 50 ગ્રામ ઘી.

    રીત: પનીરના ત્રણ ઈંચ લાંબા અને એક ઇંચ પહોળા ટુકડા કરો. તેને થોડી વાર મીઠાવાળા પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ સાચવીને તેમાંનું પાણી નિતારી લો. પનીરની આ સ્લાઇસને સમતળ સપાટી પર ગોઠવો. તેના પર મિશ્રણ ગોઠવી પછી હળવા હાથે રોલ વાળો. ખાંડવીના રોલ વાળીએ છીએ એ રીતે. તે પછી લોઢી પર તેલ મૂકી તેને સાંતળી લો. ડુંગળી, ટમેટાં, આદુંને એકસાથે ક્રશ કરી લો. ઘી ગરમ કરી તેમાં વઘાર માટેની સામગ્રી નાખો. બે મિનીટ પછી તેમાં ટમેટાની પેસ્ટ નાખી સાંતળો. પછી મીઠું નાખો. ઘી છૂટું પડે એટલે તેમાં ગરમ મસાલો નાખી કોરમા આંચ પરથી ઉતારી લો. સર્વિંગ પ્લેટમાં કોરમા કાઢી તેમાં પનીરના રોલ્સ નાખી સર્વ કરો.

    *

    પનીર સદાબહાર

    સામગ્રી: 2 નંગ ડુંગળી બારીક સમારેલી, 2 નંગ ટમેટાં બારીક સમારેલા, 2 નંગ લીલાં મરચાં સમારેલાં, 250 ગ્રામ પનીર, 1/2 કપ દૂધ, 2 ચમચા તેલ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી મરચું, મીઠું સ્વાદાનુસાર, કોથમીર

    રીત: સૌપ્રથમ પનીરના ચોરસ ટુકડા કરી તેને અડધા કપ દૂધમાં પલાળી દો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને આછા બ્રાઉન રંગની સાંતળો. તે પછી તેમાં હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો નાખી બે મિનિટ હલાવીને સમારેલા ટમેટાં નાખો અને તેલ છુટું પડે ત્યાં સુધી આંચ પર ગરમ થવા દો. ત્યારબાદ નીચે ઉતારી લઈ ઠુંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરો. આ મિશ્રણમાં દૂધમાં પલાળેલા પનીરના ટુકડા નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. સમારેલી કોથમીર સજાવી સર્વ કરો.

    *

    પનીર પુલાવ

    સામગ્રી: 100 ગ્રામ પનીર, 100 ગ્રામ રાઈસ, 50 ગ્રામ ડુંગળી, 1/4 ટીસ્પૂન જીરું, 1 ઇલાયચી, 1 લવિંગ, 1 તજનો ટુકડો, 1 ટી સ્પૂન મીઠું, 2 ટેબલ સ્પૂન તેલ, 1 તમાલપત્ર, તેલ તળવા માટે, પાણી જરૂર મુજબ

    રીત: સૌપ્રથમ ચોખાને ધોઈને પાણીમાં અડધો કલાક પલાળી રાખો. પનીરને નાના ટુકડામાં કાપી લો. હવે તેલ કરવા મૂકો. તેમાં પનીરને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બધો જ મસાલો અને ડુંગળી નાંખીને સાંતળો. ચોખાને નિતારી લો અને તેને ડુંગળી સાથે ભેળવીને 2-3 મિનીટ સુધી પકાવો. તેમાં ચોખા કરતુ બેગણુ પાણી ઉમેરો. હવે તેમાં મીઠું ઉમેરીને તેને બાફો. તેમાં તળેલા પનીરના ટુકડા ઉમેરો. હવે ગેસની આંચને ધીમી કરો અને જ્યા સુધી પાણી સુકાઈ ન જાય ત્યા સુધી ચઢવા દો. ગરમ ગરમ સર્વ કરો.

  • *
  • મલાઈ પનીર
  • સામગ્રી: 250 ગ્રામ પનીર, 3 ડુંગળી, 2 ચમચી કાપેલું આદુ, 1 ચપટી હળદર, 1 ચમચી કાળા મરીનો પાડવર, 2 ચમચી કસુરી મેથી, 3 ટી-કપ મલાઈ, થોડી લીલી કોથમીર, 1 લીલું કેપ્સિકમ, 1 લાલ કેપ્સિકમ, 2 ચમચા તેલ, સ્વાદ અનુસાર મીઠું.

    બનાવવાની રીત: સૌથી પહેલા પનીરને બરાબર એકસરખા ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ ડુંગળી, આદુ અને લીલી કોથમીર પણ કાપી લો. કેપ્સિકમને પણ પનીરની જેમ જ કાપી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરી ડુંગળીને ત્યાંસુધી તળો જ્યાંસુધી તે સામાન્ય સોનેરી રંગની ન થઇ જાય. હવે તેમાં કાપેલું આદુ, કસુરી મેથી, કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરો. હવે તેમાં કેપ્સિકમ નાંખી થોડીવાર સુધી ચઢવા દો. પછી તેમાં હળદર અને પનીર નાંખી સારી રીતે મિક્સ કરો. ઉપરથી ફ્રેશ મલાઇ નાંખી સારી રીતે ગરમ થવા દો. બધી સામગ્રી બરાબર મિક્સ થઇ જાય એટલે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

    *

    મટર પનીર કટલેસ

    સામગ્રી : 200 ગ્રામ બટાકા (બાફેલા), 80 ગ્રામ વટાણા (ફ્રોઝન), 80 ગ્રામ પનીર, 11/2 ચમચી લીલા મરચા, 11/2 ચમચી આદુ, ¾ ચમચી મીંઠુ, ½ ચમચી આમચૂર પાઉડર, ½ ચમચી ચાટ મસાલો, કોર્નફ્લેક્સ (ક્રશ કરેલા), તેલ.

    રીતઃ એક બાઉલમાં બાફેલા બટાકા અને વટાણા મેશ કરીલો. હવે તેમાં પનીર એડ કરી ફરી મેશ કરો. હવે તેમાં લીલા મરચા, આદુ, મીંઠુ, આમચૂર પાઉડર અને ચાટ મસાલો એડ કરીને મિક્સ કરો. હવે આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવો, બોલ્સને ક્રશ કરેલા કોર્નફ્લેક્સ સાથે રોલ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી અને બોલ્સને તળી લો. બ્રાઉન થાય એટલે કટલેસને તેલમાંથી નિકાળી લો. તૈયાર મટર પનીર કટલેસને સોસ સાથે સર્વ કરો.

  • *
  • ગ્રિલ પનીર મેથી ટિક્કી
  • સામગ્રી: 10 ગ્રામ ફૂદીનો, 70 ગ્રામ ડુંગળી, 1 ચમચી લીલા મરચા, 2 ચમચી કસૂરી મેથી, 450 ગ્રામ પનીર, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લાલ મરચુ, ¼ ચમચી હળદર, ½ ચમચી ધાણા, ½ ચમચી મીંઠુ, ½ ચમચી લીંબુનો રસ, 1 ચમચી તેલ.

    રીતઃ સૌથી પહેલાં એક મિક્ચર બાઉલમાં ફૂદીના, ડુંગળી, મરચુ, કસૂરી મેથીને બ્લેન્ડ કરી દો. હવે આ મિશ્રણમાં પનીર, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લાલ મરચુ, હળદર, ઘાણા, મીંઠુ, લીંબુ અને તેલ એડ કરીને બરોબર મિક્સ કરો. હવે ત્રણ કલાક માટે આ મિશ્રણને આમ જ રહેવા દો. ગ્રિલ પેનને ગેસ પર રાખો અને મેરિનેટ પનીરની ટિક્કીને તળો. જ્યાં ટિક્કી ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ચાટ મસાલા અને ધાણા સાથે તેને ગાર્નિશ કરો. ચટણી અને સોસ સાથે સર્વ કરો.

    *

    કાચી કેરીના પનીર પરોઠા

    સામગ્રી : ૧/૪ કપ કાચી કેરીનું છીણ, ૧/૪ કપ કપ તાજું છીણેલું પનીર અથવા ૧/૪ કપ તાજું ખમણેલું નારિયેળ, ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧/૮ ટીસ્પૂન હળદર, એકથી દોઢ ચમચી દળેલી ખાંડ, ૧/૨ કપ ઘઉંનો લોટ, જરૃર પૂરતું ચોખાનું અટામણ, તળવા માટે તેલ.

    બનાવવાની રીત : સૌ પ્રથમ કેરીના છીણમાં પનીર અને બધા મસાલા મિક્સ કરો. પછી તેમાં ઘઉંનો લોટ નાખી કણક લોટ બાંધો. પનીરને કારણે પાણીની જરૂર નથી પડતી અને પડે તો થોડુંક પાણી છાંટો. આ લોટના એક સરખા ભાગ કરી દરેકના પરોઠા બનાવો. આ પરોઠાને તવા પર તેલ નાખી તળી લો. ગરમાગરમ પરોઠા ટમેટાંના સૂપ સાથે અથવા તો દહીં સાથે પીરસો. આ પરોઠા ટેસ્ટી હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ છે.

    *

    અળવીની પનીર કટલેટ

    સામગ્રી: ૫૦૦ ગ્રામ અળવી, ૧૦૦ ગ્રામ ઘરે બનાવેલું પનીર, ૩-૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧ ચમચી પીરસેલું દાડમ, ૨ ચમચા સમારેલી કોથમીર, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે રિફાઈન્ડ તેલ, ૧/૨ કપ ચણાનો લોટ, ચપટી અજમો, ચપટી હિંગ.

    સર્વ કરવા માટેની સામગ્રી: ૧ કાકડી, ૧ મોટું ગાજર, ૧ મૂળો, ૧/૨ લીંબુનો રસ, ચપટી મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ.

    રીત: અળવી ગળી જાય ત્યાં સુધી બાફી લો. તેની છાલ ઉતારી ઠંડી પડે એટલે પનીર સાથે મસળી લો. પછી તેમાં મીઠું, મરચું અને દાડમના દાણા તથા કોથમીર મિક્સ કરી મનપસંદ આકારની કટલેટ બનાવી એક તરફ મૂકી દો. હવે ચણાના લોટમાં હિંગ, મીઠું, મરચું નાખીને પાતળું ખીરું બનાવો. તેલ ગરમ કરી એક કટલેટ લઈ ખીરામાં ડુબાડી તેલમાં બ્રાઉન રંગીન થાય ત્યાં સુધી તળી લો. આ રીતે બધી કટલેટ્સ તળી લો.

    સર્વ કરવાની રીત: ગાજર, કાકડી અને મૂળાને ધોઈને તેની છાલ ઉતારી છીણી નાખો. પછી તેમાં મીઠું, લીંબુ અને મરી પાઉડર મિક્સ કરો. આ મિશ્રણને સર્વિંગ પ્લેટમાં પાથરી ઉપર કટલેટ્સ મૂકો. પછી ઉપર ચાટ મસાલો ભભરાવી પીરસો.

    *

    સફરજન પનીર કટલેટ

    સામગ્રીઃ ચાર સફરજન, ૨૫૦ ગ્રામ પનીર, ૧ ચમચી મીઠું, તળવા માટે તેલ, ચાર સ્લાઈસ બ્રેડ.

    સજાવવા માટેઃ- ઝીણી સમારેલી કોબીજ.

    રીતઃ- સફરજન છોલીને છીણી નાખો. પનીરને હાથથી મસળી એમાં મીઠું અને છીણેલું સફરજન નાખી બરાબર મિકસ કરો. બ્રેડ સ્લાઈસની ચારે બાજુ કાપો. બ્રેડને પાણીમાં પલાળી, હાથથી દબાવીને તેનું પાણી નિતારી લો. હવે એને પનીરવાળા મિશ્રણમાં ભેળવી લો. કડાઈમાં તેલ ગરમ કરી આંચ ધીમી કરી દો. હાથથી કટલેટ બનાવી ગુલાબી રંગે તળી નાખો. ગરમાગરમ કટલેટ સોસ કે ચટણી સાથે પીરસો.

    ***