Koini ghar bharvani rasam in Gujarati Short Stories by N D Trivedi books and stories PDF | કોઇનું ઘર ભરવાની રસમ

Featured Books
Categories
Share

કોઇનું ઘર ભરવાની રસમ

કોઇનું ઘર ભરવાની રસમ

ઉનાળાની સાંજે ૬:૩૦નો સમય. એટલે અંધારું થવાની તો કોઇ વાત જ ન આવે. અવની અને એના સહકર્મચારી - સીનીયર માલાઆન્ટી બંને એમની સરકારી કચેરીમાંથી બહાર નીકળી સાથે પાર્કિંગ તરફ જઇ રહ્યા હતા અને ઓફિસમાં ટુંક જ સમયમાં થનારા ઇન્સપેક્સન અંગે અને તેની પુર્વ તૈયારી વિશે ચર્ચા કરતા કરતા બંને પાર્કિંગમાં પોત પોતાના વાહન જોડે જઇ પહોંચ્યા. આજની સાંજની ખાસ વાત એ છે કે વીકનો છેલ્લો દિવસ છે શુક્રવાર. સરકારી દફ્તરોમાં તો બીજા અને ચોથા શનિવારની રજા હોવાના કારણે આજે મે - મહિનાનો બીજો શુક્રવાર છે. એટલે પછીના બે દિવસની રજાની ખુશી બધાના ફેઇસ પર ઝળકી રહી હતી. બધા છુટેલા કર્મચારીને ફટાફટ ઘરે જવાની ઉતાવળ હતી. અવની અને માલાબેનને તો સોમવારે ઇન્સપેક્શન હોવાથી બાકી રહી ગયેલું થોડું કામ પતાવવા માટે આવતીકાલે ફરજિયાત આવું પડે એમ છે.

““અવની, કાલે તો બપોરે ૧૨:૦૦ વાગતા મળીયે આપણે, ત્રણેક કલાકમાં તો આપણું બાકીનું કામ પતી જશે, તને ટાઇમ અનુકુળ આવશે ને?” - માલાબેને પુછ્યુ.

““અરે હા, હા, આન્ટી કોઇ વાંધો નહી આવે, હું આવી જઇશ”” - અવનીએ માલાબેનને જવાબ આપ્યો. “’ઓ.કે. ચલ, બાય’ -” કહીને માલાબેન એમનું એક્ટિવા સ્ટાર્ટ કરીને નીકળી ગયા.

અવની પણ એમને હાથ ઉંચો કરીને ‘બાય’નો ઇશારો કરી એનું સ્કુટી પેપ ચાલુ કરી ઘરે જવા નીકળી. રસ્તા પર સાંજના સમયના લીધે ટ્રાફિક તો થોડોઘણો હતો. અવનીના હાથ વાહન ચલાવવાનું અને દિમાગ વિચારવાનું કામ કરી રહ્યુ હતું. અવની સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી હતી. એના માતા – પિતાએ ભણતરનું મહત્વ સમજીને પોતાની જરુરિયાતો પર કાપ મુકીને પણ દીકરીને ભણાવી હતી. ભણતા ભણતા જ આ યશસ્વી દિકરીને સરકારી નોકરી જમીન દફ્તર ખાતામાં ક્લાર્ક તરીકે મળી ગયેલી. ગુજરાત સરકારના ધારા ધોરણ મુજબ શરુઆતના પાંચ વર્ષ તો ફિક્સ વેતનમાં કામ કરવાનો નિયમ હતો. અવનીનું આ ખાતુ ‘ક્રિમી’ કહેવાય, પરંતુ અવનીએ અત્યાર સુધીના જીવનના નક્કી કરેલા એના સિધ્ધાંતને માટે થઇને આ ખાતાની બીજી બાજુએ કોઇ પણ પ્રકારનું ધ્યાન આપેલ નહોતું. સમય પસાર થતાની સાથે અવનીના પાંચ વર્ષ અહિં જમીન દફ્તર ખાતામાં પતી ગયા અને બીજી બાજુ સમાજના આદિત્ય નામના છોકરા જોડે એના લગ્ન પણ કરી દેવામાં આવ્યા. અત્યારે અવનીના દિમાગમાં આવો ભુતકાળ ફરી રહ્યો હતો. ઓફિસમાં તો કામના લીધે કોઇ વિચાર આવ્યા જ નથી, પરંતુ હવે તો ઓફિસ લાઇફમાંથી ફ્રી થઇ હોવાથી પેન્ડીંગ વિચારોને મગજમાં વહેવાની પરવાનગી અવનીએ આપી છે. એનું કારણ હતું કે આજે બપોરે રીશેષના સમયે એનો નાનોભાઇ નિખિલ કે જે હજુ બારમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે અવનીને મળવા માટે આવેલો અને એવી વાત જણાવી ગયો કે એ વાતની અસરના ભાગરુપે અવની ભુતકાળમાં સરી પડી છે.

‘હાય દી’- કહીને નિખિલ બપોરે સાડા ત્રણ વાગ્યે અવનીના ટેબલની જોડે બાજુમાં ખાલી પડેલી ખુરશી પર આવીને બેઠો.

‘ અરે, નાનકા અત્યારમાં અચાનક? કેમ છે?’ – સઆશ્વર્ય ચાલુ કામ બાજુમાં મુકતા અવનીએ નિખિલ સામે જોયું.

‘ બસ મજામાં દી, અચાનક જ આવું પડ્યું, આ વાત તારા સાસરે, આપણા ઘરે કે પછી ફોન પર કરવામાં ફાવે એમ નહોતું એટલે રુબરુ જ તને કહેવા માટે આવ્યો છું’- ગંભીર થઇને નિખિલે અવનીને કહ્યુ. ‘સારું કર્યુ, તું અહીં આવી ગયો, અહીં આપણે શાંતિથી વાત થશે, લે પાણી પી.’ - આટલું બોલી અવની પાણીની બોટલ નિખિલને આપતાં એના ફેઇસના એક્ષપ્રેસન જોઇ રહી.

‘થેંક્સ’ – કહીને નિખિલે થોડું પાણી પીધું અને થોડી રાહત થઇ હોય એમ બોટલ અવનીને પાછી આપી થોડું હસ્યો.

બોટલ લઇ ટેબલ નીચે મુકતા અવનીએ વાતની શરુઆત કરતાં કહ્યુ – ‘બોલ શી વાત છે નાનકા?’ ‘દી, તું મમ્મી પપ્પાને સમજાવને? એ લોકો તારી વાત ચોક્ક્સ માનશે. બંને જીદ્દ લઇને જ બેઠા છે, યાર’ – આટલું બોલતા નિખિલ અકળામણ અનુભવવા લાગ્યો.

‘શું સમજાવું, પુરી વાત કર મને’ – અવની બોલી. ‘દિ, તને ખબર છે કે પપ્પાને પગમાં વાગ્યું છે?- અવનીએ હકારમાં માથું હલાવ્યું.

અવનીના ઇશારાનો જવાબ સમજી વાત આગળ વધારતા નિખિલ બોલ્યો – ‘ડોક્ટરે સાત લાખ કહ્યા છે ઓપરેશનના અને આટલા રુપિયા ઘરેથી હાલના સંજોગોમાં કોઇ હિસાબે નીકળે એમ નથી, આ વાત તું સારી રીતે જાણે છે સામે પપ્પાનું ઓપરેશન કરાવવું જરુરી છે. એટલા માટે મમ્મી – પપ્પા કહે છે કે ઘર વેચીને ઓપરેશન કરાવી લઇએ અને બાકીની રકમમાંથી મારા ભણવાનું અને લગ્નનો ખર્ચો નીકળી જશે બોલ દી હવે આ તો કેવી વાત થઇ? ઘર વગર અમદાવાદમાં રહેવું શક્ય છે ખરું અને સાત લાખ રુપિયા માટે ઘરને વેચી નાખવાનું?’

ઘર વેચવાની વાત સાંભળીને તો અવની હેબતાઇ ગઇ – ‘તો તમે બધા રહેશો કયાં? અને આ ઘર કે જેમાં આપણું બચપણ સચવાયેલું છે, મમ્મી – પપ્પાના પ્રેમની ક્ષણો, ઉત્સવો પ્રસંગો જે સાથે મળીને આપણે ઉજવ્યા છે, એ બધું જ એની અંદર સમાયેલું છે, નાનકા’

એટલામાં પટાવાળા લાલજીભાઇ કહેવા આવ્યા કે ‘અવનીબેન તમને સાહેબ બોલાવે છે’.

નાનકા સામે જોઇને અવનીએ કહ્યુ – ‘સારુ નાનકા તું ચિંતા ન કરીશ, આનો વચ્ચેનો રસ્તો આપણે કંઇક કરશુ તું ઘરે જા, હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ. પપ્પાનું ધ્યાન રાખજે’.

‘ઓ.કે.દિ’ –કહી નિખિલ ત્યાંથી નીકળી ગયો અને અવની એના સરની ચેમ્બરમાં ગઇ. બસ, આમાંથી બહાર નીકળવાના ઉપાય શોધતી અને ભુતકાળને વાગોળતી અવનીને ઓફિસથી ઘર ક્યાં આવ્યુ ખબરના પડી. ઘરે પહોંચી ત્યારે અવનીના સાસુ સાંજના રસોઇની તૈયારી કરી રહ્યા હતા.

‘આવ, અવની કેવો રહ્યો તારો દિવસ?’- સવિતાબેને કહ્યું.

‘બસ, ફર્સ્ટક્લાસ મમ્મી, હું ફ્રેશ થઇને આવું’ – કહેતી અવની એના રુમમાં ગઇ. પર્સ બેડ પર નાખી અરીસા સામે ઉભી રહી ગઇ. ઘડીકમાં હસે તો પાછી સેડ થઇ જાય. ‘યાર, આ રુપિયા તો આદિત્યની બર્થ ડે પર એના માટે બાઇક લેવા ભેગા કર્યા છે એને રોયલ એનફિલ્ડ બાઇકનો બહુ જ શોખ છે ને’, ‘બીજી બાજુ – બકા આદિત્ય કરતા પહેલાં તો તારા જનેતા છે જેમણે તને એક તારી પહેચાન બનાવવા માટે તને મદદ કરી છે, આદિત્યને તારા જીવનસાથી તરીકે શોધ્યો પણ એમણે જ છે ને’,’ આ તો યાર દરેક માતા – પિતા એમના બાળક માટે કરે જ છે એમાં શું નવું છે?’ ‘બકા, તારે જ્યારે દસમા ધોરણમાં પર્સનલ ટ્યુશન રખાવું હતું, તો તારા પપ્પાએ નાની નાની બચતોમાંથી પૈસાનું એરેંજમેન્ટ કરેલું, શું આ જીવનના પસાર કરેલા દિવસો તું ભુલી ગઇ.??? જો એક દિકરા પાસેથી માતા પિતા અપેક્ષા રાખી શકે કે મારો દિકરો મોટો થઇ અમને ખવડાવશે, અમારી સેવા કરશે, તો તારી દિકરી તરીકેની ફરજ નથી અવની? ચલ તું એકદમ પ્રેકિટકલ થાય તો તારા માતા – પિતાએ તારી પાછળ જે ઇનવેસ્ટ્મેન્ટ કર્યુ છે એનું વ્યાજ ના આપે તો રકમ તો પાછી તારે આપવી જોઇએ એમ નથી લાગતુ તને? અરે, માતા પિતાએ જે આપણા માટે કર્યુ છે એની બરાબરીનું આપણે ક્યારેય કરી શકવાના નથી, બીજીબાજુ વિચાર આવે છે કે થોડુ સેટિંગ કરીને ત્રણ અઠવાડિયામાં આરામથી આટલી રકમ ઓફિસમાથી મેળવી શકુ તેમ છું, ના ના આવી નાજુક પરિસ્થિતિમાં તો આપણી કસોટી થાય, અવની, બહુ વિચાર ના કરીશ રોયલ એનફિલ્ડ તો પછી આવી શકશે પપ્પાને અત્યારે વધારે જરુરત છે આ રુપિયાની’. માત્ર થોડીક ક્ષણોમાં અવની વિચારને મક્કમ કરીને ફ્રેશ થઇ અને ચેન્જ કરી રુમની બહાર નીકળી સવિતાબેનને ઘરકામમાં મદદ કરવામાં જોડાઇ ગઇ.

સમય થતા આદિત્ય અને અનુરાગભાઇ પણ ઘરે આવી ગયા. સવિતાબેન અને અનુરાગભાઇ હોલમાં ટી.વી. જોતા અને વાતો કરી રહ્યા હતા. અવની રસોડામાં પુડલા ઉતારવામા વ્યસ્ત અને એના વિચારોમાં મસ્ત હતી. બાજુમાં આદિત્ય આવીને ઉભો છે એ તો એને ખબર જ ન હતી. બાજુના સ્ટવ પર દુધ ઉકાળવા મુકેલુ એ પણ અવનીને ખબર ન હતી. આદિત્ય દુધ ઉભરાતા સ્ટવ બંધ કરવા આગળ આવ્યો. બંનેના હાથ એકબીજાને અડ્યા ત્યારે તો અવનીને ખ્યાલ આવ્યો કે આદિત્ય અવનીની બાજુમાં આવીને ઉભો છે.

આદિત્યને જોઇને અવની હસી અને આદિત્યએ અવનીને માથામાં ટપલી મારી ‘ક્યા ધ્યાન છે મેડમ તમારુ’ કહી હસતા બહાર જતો રહ્યો. અવની ફરી એના કામમાં નિરાશ થઇને પરોવાઇ ગઇ કે ‘આદિત્યને મારા ફેઇસ પરથી પણ ખબર નથી પડતી કે હું સેડ છુ’.

આ બાજુ આદિત્યને અવનીને જોઇને ખબર તો પડી ગયેલી કે અવની કંઇક એનાથી છુપાવી રહી છે પરંતુ, સાથે સાથે આદિત્યને અવનીની આદત ખબર છે કે સામેથી ગમે તેટલું પુછતા એ કંઇ નહી જણાવે, સાચો સમય આવશે ત્યારે એ સામેથી જ કહેવાની છે એટલે એ અવની કંઇ કહે એની રાહ જોતો હોલમાં જઇ બેઠો. રાત્રે જમવાનું અને ઘરનું કામકાજ પત્યું પછી દિવસના થાકને કારણે બધા પોતપોતાના રુમમાં આરામ કરવા ગયા. અવનીનું સાસરુ પણ એક મધ્યમ વર્ગીય ઘર છે. અહીં અવનીને કોઇ પણ જાતની રોકટોક ન હતી. ખાવાની બાબત હોય, ફેશન કરવાની બાબત હોય કે અવનીને સપના પુરા કરવાની બાબત હોય બધો જ સહકાર અવનીને એના સાસરીપક્ષના તમામ સભ્યો તરફથી મળતો હતો, એને કોઇપણ બાબત ઉપર પોતાના વિચાર રજુ કરવાની પુરેપુરી આઝાદી હતી.

રુમમા અવની મુઝવણમાં હતી કે આ વાત આદિત્યને કરાય કે નહી? છેવટે નક્કી કરે છે કે મારે આ વાત આદિને કહેવી જ જોઇએ. બહુ વિચાર કરીને એ આદિત્ય જોડે વાત કરવા નજીક આવે છે, સામે આદિત્ય લેપટોપ પર કઇ કામ કરવાનો ઢોંગ કરે છે. બાકી એ અવનીના હાવભાવ પારખવામાં જ રોકાયેલો હતો, અવની વિચારમગ્ન હતી. છેવટે જ્યારે અવની એના આદિ સામે મોં ફેરવીને કઇ કહેવા જાય છે કે આદિ ફટાક દઇને એનો ફેઇસ લેપટોપ તરફ ફેરવી દે છે.

અવની કહે છે કે – ‘આદિ’ સામે આદિત્ય માત્ર ‘હમમમમ’ બહુ કામમાં હોય એમ બોલે છે.

અવની પ્રેમથી કહે છે કે – ‘બહુ કામ છે તારે?’

આદિ લેપટોપ સામે રાખીને કહે છે કે – ‘ના બોલને શું કહે છે’.

અવની હવે થોડી ચિડાઇ જાય છે – ‘તને કામમાંથી ફુરસદ મળશે? મારે તને એક વાત કરવી છે’

આદિત્ય હવે વાતની ગંભીરતા સમજી લેપટોપને શટડાઉન કરતાં અવનીને ખીજવે છે – ‘હા બોલને ડીયર સાભળું છું’.

અવનીને જાણે હવે હદ આવી જાય છે એ આદિત્ય જોડે જઇને એનું લેપટોપ ફટાક કરીને લઇ લે છે અને જોવે છે તો સ્ક્રીન બંધ હોય છે અને આદિત્ય હસવા લાગે છે. આ જોઇ અવની વધારે ગુસ્સે થઇ રીસાઇ જાય છે, આદિત્ય અવની જોડેથી લેપટોપ લઇને બંધ કરી બાજુમાં મુકી દે છે પછી અવનીના બે હાથ પોતાના હાથમાં લઇ પ્રેમથી કહે છે – ‘અરે ગાંડી, આખા દિવસ દરમિયાન ફકત રાત્રે થોડો ટાઇમ જોડે રહેવા અને વાતો કરવા મળે છે, આ મોકો હું છોડું થોડો યાર, હું તને ઘરે આવ્યો ત્યારથી નોટિસ કરું છું, બકા કે તું કઇ ટેન્શનમાં છે, બસ ફક્ત રાહ જોઉ છું કે તું મને ક્યારે કહે છે, ખોટુ ના લગાડીશ અવની હું તો ખાલી તારો મુડ ચેન્જ કરવા માટે જ મસ્તી કરી રહ્યો હતો.’

આ સાંભળીને અવની મુડમાં આવે છે અને આદિને કહે છે – ‘ઓહહ એમ વાત છે તોફાની સાંભળને’

આદિ શાંતિથી કહે છે – ‘હા બોલ તો ખરા, તો સાંભળુ ને’.

અવની ઉત્સાહ સાથે વાત ચાલુ કરે છે – ‘આદિ પપ્પાની હાલત તો તને ખ્યાલ છે ને?’

‘હા’ – આદિ કહે છે.

અવની વાત આગળ વધારે છે આજે બપોરે નાનકો મને ઓફિસમાં મળવા આવેલો કહેતો હતો કે ઓપરેશનના સાત લાખ કહ્યા છે અને રુપિયાની વ્યવસ્થા થાય એમ નથી એટલે મમ્મી – પપ્પાએ ઘર વેચવાનું નક્કી કર્યુ છે આટલું બોલી અવની આદિના રીએક્ષનને જોવા અટકી ગઇ

આદિ ફક્ત – ‘ઓહ, તો પછી તારો શુ વિચાર છે ?’ એટલુ જ બોલ્યો.

‘આદિ મને ખ્યાલ છે ત્યા સુધી પપ્પા બે લાખ સુધીની વ્યવસ્થા કરી શકશે અને એકની મારા સેંવિગ્સમાંથી થાય એમ છે અને વિચારુ છું કે બાકીના ચારની લોન મારા પગાર પર લઉ તો ન ચાલે?’ – એકીશ્વાસે આટલુ બોલીને અવની આદિનો રીપ્લાય સાંભળવા અટકી.

આદિ મગજમા કંઇક ગણતરી કરતો હોય એમ લાગ્યું. થોડીવાર પછી એ બોલ્યો –‘અવની તને આપણા ઘરની પરિસ્થિતિ ખબર જ છે, હું ખુદ હમણાં સંઘર્ષ કરી રહ્યો છું એટલે તને મદદ કરી શકું તેમ નથી ડીયર, જો તને અનુકુળ હોય તો આ રીતના તારા મેનેજમેન્ટ માટે મને કોઇ જ વાંધો નથી.’ અવની આદિની સામે જોઇ રહી એ આટલી જલદી હા પાડી દેશે એવી તો કોઇ આશા અવનીને નહોતી. મનમાં ખુશ થઇ ગઇ હાશ, એક પડાવ તો પતી ગયો. અવની એકીટશે પ્રેમથી આદિ સામે જોઇ રહી અને મનમાં સાચા પાત્રને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે એનો સંતોષ અનુભવવા લાગી,

પછી કહે –‘ સાચ્ચે આદિ તને કોઇ પ્રોબ્લેમ નથી? તને મનમાં ગુસ્સો નથી આવતો કે લગ્ન પછી પણ હું મારા પિયરમા મદદ કરી રહી છું?’

આદિ કહે – ‘ના અવની મને મનમા કંઇ જ એવું નથી થતું. અત્યારે પણ તારા મમ્મી – પપ્પાનો એટલો જ અધિકાર તારા પર છે અને રહેશે જેટલો લગ્ન પહેલા હતો. આ આપણી બાળક તરીકેની મા-બાપ પ્રત્યેની ફરજ પણ છે. આઇ એમ પ્રાઉડ ઓફ યુ અવની, તુ બરાબર કરી રહી છે અને હું તારી સાથે જ છું. મા-બાપથી વિશેષ કાંઇ નથી આપણે મોજ શોખ ઓછા કરશું અને મહેનત વધારે કરીશું બધું જ ધીમે ધીમે બરાબર થઇ જશે’. આવી સામાજિક જવાબદારીની અને ઓફિસની વાત કરતા બંને સુઇ ગયા.

બીજા દિવસે સવારે પોતપોતાના કામે નીકળી ગયા. અવની સવિતાબેનને કહીને નીકળી – ‘મમ્મીજી, મારે આજે થોડું પેન્ડિગ કામ પતાવવા માટે ઓફિસ જવું પડે એમ છે, ત્યાંથી પપ્પાની તબિયત પુછીને આવી જઇશ ઘરે’.

સવિતાબેનએ ‘સારુ’ - કહીને વહુને વિદાય આપી.

અવની ઓફિસમાં પહોંચી ત્યાં બેલાઆન્ટી તથા પટાવાળા લાલજીભાઇ હાજર હતા. ‘આન્ટી, બહુ મોડુ તો નથી થયુને મારે? આજે તો ઓફિસ સુમસામ લાગે છે’ – બોલતી અવની બેલાબેન જોડે ગઇ.

‘ના, ના, મને આવ્યે પણ હજુ પાંચ મિનિટ જ થઇ છે’ અને પછી બંને કામે વળગ્યા. બપોરના ચારેક વાગતા કામ પતાવી બંને રીલેક્ષ થતા બહાર નીક્ળ્યા અને પાર્કિંગમા ઉભા રહી ગયા.

‘હવે શાંતિ. સોમવારે કોઇ ટેન્શન તો નહી , અવની કેમ છે હવે તારા પપ્પાને?’ – બેલાબેને પુછ્યું.

‘સારુ છે આન્ટી’- કહેતા અવનીએ જવાબ આપ્યો.

ઓફિસમાં અવનીને બેલાબેન જોડે વધારે બનતું હતું કેમ કે અવનીના જોઇનીંગથી અત્યાર સુધી બંને જોડે જ કામ કરતા હતા. એ અવનીના સીનીયર હતા લગભગ બધુ કામ પણ અવનીને બેલાબેને જ શીખવ્યુ હતું. સિધ્ધાંત બંનેના મળતા આવતા હતા. ક્યારેક ક્યારેક બંને એકબીજાના ઘરની પર્સનલ વાતે શેર કરતા હતા. બેલાબેનને રીટાયરમેન્ટના હજુ ચાર વર્ષ બાકી હતા. એમના કુટુંબમા એ,એમના પતિ, દીકરો અને એમની પુત્રવધુ જોડે રહેતા હતા, અવની જોડે ક્યારેક ક્યારેક એમનું સાસુનું કેરેક્ટર પ્રદર્શિત કરી લેતા હતા. ‘બોલ અવની આ નેહા નોકરી કરે પણ બધું એના પિયરમાં જ ભર ભર કરે છે, આટલો મોટો પગાર એનો દેખાય જ નહીં, કાલે તો એને ધમકાવીને કહ્યું કે મોજશોખ કરો બધા પોતાના માટે, પોતાના માટે જરુર પડ્યે વાપરવા જ જોઇએ પણ બીજાનું ઘર હંમેશા ભર ભર કરવુ ખોટું જ છે ને.’ બેલાબેન બોલ્યા.

અવની અત્યારે આ જ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી તો એને રસ જાગ્યો તો આન્ટીની વાત ધ્યાનની સાંભળી કહે - ‘તો પછી તમારી વહુએ શું કહ્યું આન્ટી’.

‘કંઇ ના બોલી અને મારો છોકરોએય વહુઘેલો થઇ ગયો છે, જાણતાં હોવા છતાં એય ચુપ રહ્યો’ - મોં બગાડતાં બેલાબેને કહ્યુ.

‘અરે હશે, આન્ટી તમારે ઘરે તો ચાર જણની આવક છે થોડી મદદ તમારા વહુએ એના પિયરમાં કરી તો શું થઇ ગયું’ – અવની નેહાનો પક્ષ લેતા બોલી.

‘અરે એવું થોડું હોય કાંઇ અવની બચત કરો, રુપિયા હાથમાં આવે એટલે આમ વેડફવાના થોડા હોય’ – બેલાબેન કટાક્ષભર્યુ બોલ્યા. આવુ સાંભળી અવની ડઘાઇ ગઇ અને આન્ટીનો ફેઇસ જોઇ વધારે આર્ગ્યુમેન્ટ કરવા એને યોગ્ય ન લાગ્યા.

‘ચાલ્યા કરે, જીવન છે ચલો આન્ટી બાય મારે પણ પપ્પાના ઘરે જવું છે સોમવારે મળીયે’- એમ કહી સ્કુટી પર બેસી. અને બેલાબેન પણ ‘હા’ કહી નીકળ્યા.

રસ્તામાં ફરી અવની દ્વિધામાં આવી ગઇ. શું કરું? મારા સાસુ – સસરાને આ બાબતે અગાઉથી વાત કરી લઉ જો પાછળથી એમને ખબર પડી તો ગુસ્સે થશે. અવની યાર એ લોકો માનશે? આન્ટી તો કેવા ગુસ્સે થઇ ગયા જ્યારે આ તો પાંચ લાખની વાત છે. અને ના પાડશે પછી મારી પાસે બીજો કોઇ ઉપાય નથી. હું આદિત્ય જોડે વાત કરાવું તો કેવું ? એ પણ મારા મા – બાપ જ છે સમજશે મને અને મારા પરિવારને. બી પોઝીટીવ અવુ. એકવાર વાત કરી એમની પરમીશન લઇને જ હવે પપ્પાને કહું. બહુ ધક ધક થાય છે યાર શું થશે હવે? વિચારોમાં ઘર આવી ગયું. મમ્મી ઘરે શાક સમારતી હતી અને પપ્પા ટી.વી. જોઇ રહ્યા હતા. નાનકો ટ્યુશન ગયેલો.

‘આવ, બેટા કેમ અત્યારે આજે રજા નહોતી?’- પપ્પાએ આટલા દર્દમા હસતા હસતા કહ્યુ.

‘પપ્પા ઇન્સપેક્શનનું કામ હતું તો જવુ પડેલું, શુ પપ્પા કેમ છો? પગમાં?’ - અવનીએ કહ્યું.

‘સારુ છે હો દિકરા’ – પપ્પાએ કહ્યું.

‘મમ્મી કેમ છે?’ – અવનીએ મમ્મીના ચિંતાગ્રસ્ત ચહેરા સામે જોઇ કહ્યું.

મમ્મી કહે – ‘બસ સારુ છે આ તારા પપ્પાની ઓપરેશનની તૈયારી ચાલી રહી છે.’

અવની કહે – ‘રુપિયા?’

મમ્મી કહે – ‘આ ઘરનો સોદો કરવાનો છે વાત કરી છે બ્રોકર જોડે એક – બે દિવસમાં કંઇ ઠેકાણુ પડી જશે’.

‘ના મમ્મી ના આવુ ના કરશો પ્લીસ, પપ્પા તમે ખાલી બે લાખની વ્યવસ્થા કરો બાકીનું હું કરું છું આપણે આ ઘર નથી વેચવાનું હોને’.- અવનીને હમણાં નહોતું કહેવાનું તો પણ બોલાઇ જવાયું.

પપ્પાને આ સાંભળવાની અપેક્ષા હતી જ અને સાંભળવા મળતા અવનીની મમ્મી સામે જોઇ હસ્યા – ‘ના જી ના તું હવે પારકી થાપણ કહેવાય, તારું અમને ન ખપે દીકરી અને જો આમપણ નાનકો જ હવે સેટ કરવાનો બાકી છે, અમે તો આપણે ગામડે આપણું સહિયારું ઘર છે સરસ ત્યાં રહી લઇશું અને નાનકો અહીં હોસ્ટેલમાં’.

અવની હવે પપ્પા મમ્મીને એની વાતમાં કન્વીન્સ કરવા માટે પ્રયત્ન કરવા લાગી – ‘પહેલી વાત કે તમારા બંનેનો જન્મ અમદાવાદમાં આખી જીંદગી અહીં પસાર કરી હવે ઘડપણમાં ત્યાં કેવી રીતે ફવડાવશો એ કહો મને? નાનકો અહીં ઘર વગર અમદાવાદમાં હોસ્ટેલમાં રહેશે? અને મુળ વાત પહેલાં લોકો છોકરીને ભણાવતા ન હતા હવે તો તમે ભણાવો છો તો તમે હક્કથી લઇ શકો છો એમા કંઇ પાપ ના લાગે હો’ -એમ કહેતાં મમ્મી સામે જોયું. મમ્મી આધ્યાત્મિકને એટલે અવનીએ આમ કર્યુ.

હવે અવનીના મમ્મી વચ્ચે પડ્યા – ‘જો અવની તારે તારા સાસરા બાજુ બધાનું જોવાનું હોય એમ પિયર પિયર નહીં કરવાનું અને બેટા નસીબમાં લખ્યું હોય એ મુજબ ચાલ્યા કરે જીવન જીવાય જાય ખબરેય ના પડે તું કંઇ અમારી ચિંતા ના કરીશ’.

અવની કહે – ‘હા મમ્મી હું મારી સાસરીમાં બધાનું ધ્યાન રાખું જ છું , મારા આ વિચાર સાથે આદિત્ય સંમત છે , હું એમની પરવાનગી લઇને વાત કરી રહી છું અને પિયરમાંય ધ્યાન તો રાખવું પડે ને દિકરી તો બે કુળ તારે કે નહીં? બધું સરસ રીતે પતી જાય એમ છે જો તમે માની જાવ તો!!!!’ અવનીની બધા પ્રકારનીદલીલો છતાં એના મમ્મી – પપ્પા એમના નિર્ણય પર અફર રહ્યા. છેલ્લે અવનીએ ‘હું જાઉં છું કાલે આવીશ કંઇ કામ હોય તો કહેજો અને મારી વાત પર શાંતિથી વિચાર કરજો’ – કહી કોઇ એની વાત ન માનતા ગુસ્સે થઇ ફ્લેટમાંથી બહાર નીકળી સડસડાટ દાદરા ઉતરવા લાગી.

‘ચોક્ક્સ મારી ડાહી દીકરી’ - કહી પપ્પા હસીને એને વિદાય આપી. અવનીનું મગજ ચકરાવે ચઢ્યું. બેલાઆન્ટી અને મમ્મી – પપ્પાની વાત સાંભળી હવે એને નિરાશા અને હતાશા મહેસુસ થવા લાગ્યા. ઓફિસમાં ખાસ કામ કર્યુ નહોતું તોય આજે આખા અઠવાડિયાનો જોડે થાક એને શરીરમાં વર્તાતો હતો.

ઘરે પહોંચી ત્યાં સવિતાબેને મીઠો આવકાર આપ્યો – ‘આવ અવની, પતી ગયું કામ? કેમ છે તારા પપ્પાને હવે?’.

અત્યારે આવા સાદા સવાલના જવાબ આપવા માટે અવનીને બહુ મહેનત લાગતી હોય એમ લાગ્યું. એણે સોફા પર બેસતાં કહ્યું – ‘પપ્પાને ઠીક છે અને કામ તો બધું પતી ગયું હવે સોમવારે અને મંગળવારે ઇન્સપેક્સન પતે એટલે શાંતિ. અવનીનું બદલાયેલું વર્તન સવિતાબેનના ખ્યાલમાં આવ્યું પરંતુ એ વિચારીને અટકી ગયા કે કામ અને અનિલભાઇની તબિયતને કારણે આમ અવની વર્તન કરતી હોય એમ બને. પછી આડોશ પાડોશની આડી અવળી વાતો કરતાં કામ પતાવ્યું. અવનીએ જમતા બેસતા પહેલા મોકો મળતા આદિને રુમમાં બોલાવી આજે ઘરે એને મમ્મી પપ્પા જોડે કરેલી વાતો જણાવી.

આદિ કહે – ‘તુ ચિંતા ના કરીશ હું પપ્પા જોડે વાત કરુ છું. વડીલ - વડીલ વાત કરશે તો માની જશે.’ અવનીને તો આજે ડીનરમાં પણ ધક ધક થઇ રહ્યું છે એના પ્લાનને સફળ કરવાનો બધો જ આધાર એના સસરાના સ્ટેટમેન્ટ પર રહેલો છે. ખાવા કરતાં વાતમાં રસ વધારે છે એને. આમ તો પપ્પાજી સામે હળવી થઇ વાતો કરતી અવનીને આજે પહેલીવાર એના પપ્પાજી – મમ્મીજીને સસરા અને સાસુ તરીકે જોતી હોય એમ લાગ્યું. જમવાનું પતવાની તૈયારી હતી, ત્યાં આદિએ વાત ચાલુ કરી આજે તો કોણ જાણે કેમ એનેય તે થોડો થોડો ડર લાગતો હતો. ‘પપ્પા મારા સસરાને તો ઓપરેશનના સાત લાખ કહ્યા, મેડીક્લેઇમ મળે એમ નથી અને આપણે મિડલ ક્લાસ તો આટલા બધા રુપિયા ક્યાંથી નીકાળી શકવાના?’

અનુરાગભાઇ કહે – ‘હા સાચી વાત છે આટલા બધા તો એક સામટા ન જ નીકળે તો કેમનુ મેનેજમેન્ટ કર્યુ અનિલભાઇએ?’

‘પપ્પા ઘર વેચવાનું કહે છે’ - આદિએ કહ્યું,

સવિતાબેન આ સાંભળીને નવાઇ પામ્યા - ‘શું વાત કરે છે?’ અવની સામે જોઇને કહે – ‘તે તો મને આ વાત કરી જ નહીં ?

અવની પોતાનો બચાવ કરતાં બોલી – ‘હું જ એટલી બધી શોકમાં છું કે હવે શું કરવું એ જ કંઇ ખબર નથી પડતી’.

અનુરાગભાઇ કહે – ‘આદિ, અવની આ તો ખોટું કહેવાય. હું આવતીકાલે કરીશ એમને વાત’.

અધવચ્ચે અવનીને એની જીત થતી હોય એમ લાગતા ઉત્સાહમાં આવી બોલી કે - ‘પપ્પાજી આના સિવાય બીજો કોઇ ઓપ્શન જ નથી’. આદિ અવની સામે જોઇ ઇશારો કરે છે કે હાયપર ન થા, હું કરું છું ને વાત અવની ફક્ત સ્માઇલ કરે છે

અનુરાગભાઇ કહે – ‘આ તો ખોટું જ કહેવાય આદિ આમ ન થવું જોઇએ.’

બધાએ જમી લીધા પછી આદિ બોલ્યો – ‘બીજો એક ઓપ્શન છે કે’

અનુરાગભાઇ કહે – ‘શું આપણે થોડી ગણી મદદ કરવી પડે પપ્પા’.

અનુરાગભાઇ કહે - ‘હમમમમ કેવી રીતે?’.

આદિ કહે – ‘અવની થોડી લોન લઇ લે તો કેવું પપ્પા, એ પણ એના પપ્પા જ છે ને ? અવનીનાં લગ્ન થઇ ગયા તો શું?’

અનુરાગભાઇ કહે – ‘સારું વિચારીને કહું આમેય આવતીકાલે ખબર પુછવા જવાનું છે ને એમની જોડે.’ આમ કહી ચર્ચા સમાપ્ત થઇ અને બધા કામે વળગ્યા. મોકો જોઇ અનુરાગભાઇએ આદિને પકડ્યો અને બધી માહિતી અત્યાર સુધીની મેળવી લીધી.

હવે બધું કાલ પર જ છે. અવની ચિંતા કરતી અને આદિ એને સાંત્વના આપતો. વધારે અવનીના દિમાગમાં બેલાઆન્ટીની વિચારધારા હતી એટલે અસંમજસમાં હતી સાસરુ પારકું હોય એવો અહેસાસ કરી રહી છે. નેગેટીવ વિચાર એટલી હદ સુધીના આવી ગયેલા કે અવનીને થતું કાલે પપ્પાજી એમ ના કહી દે કે આ રાખો તમારી દિકરી બહુ સેવા કરવાની લગની એને લાગી છે તો કાયમ હવે કરશે તમારી સેવા. અરે જો પપ્પાજી આવુ કહી દેશે તો ? આદિ વગર હું કેવી રીતે રહીશ? એને તો હું બહુ પ્રેમ કરું છું એના વગર જીવનમાં મજ્જા નહીં રહે અને મારા પપ્પાને કેવું થશે કે હજારવાર ના પાડવા છતાં મેં જીદ્દ કરી અને આવું પરીણામ આવ્યું. એકબાજુ એ બીમાર છે અને બીજીબાજુ મારી ચિંતા આવશે અવની તે શું કરી નાખ્યું. તારે પપ્પાજી અને મમ્મીજીને નહોતુ કેહવાનું યાર? ના કહેવુ તો પડે જ હો અવની, વિચારોના હુમલાથી આંખ ખોલીને જોયું તો આદિ બાજુમાં સુતેલો હતો એને જોઇ ખુશ થઇ ગઇ જે થાય એ હવે કાલનો સુરજ શું સમાચાર લઇ આવે છે તે એ જ જાણે. એમ વિચારી ઉંડો શ્વાસ લઇ ફરી આંખો બંધ કરી.

રવિવારનો સવારનો સમય છે બધા કામમાંથી પરવારી નવરા પડે છે. બપોરનો સમય થયો છે પપ્પાજી કહે – ‘ચલો હવે આપણે જઇએ અવનીને ત્યાં’. બધા તૈયાર થયા છે અને અવનીના ઘરે આવ્યા. બધાને મીઠો આવકાર મળે છે નાનકોય ઘરે છે આડી અવળી વાતો ચાલે છે. બે વેવાઇ વાતે વળગે છે ‘શું અનિલભાઇ , ક્યારે છે ઓપરેશન?’ - અનુરાગભાઇએ પુછ્યું.

‘બસ, હવે આ ઘરનો સોદો પતે રુપિયા હાથમાં આવે એટલીવાર’ - અનિલભાઇ આજે આ બોલતા ઢીલા પડ્યા હોય એમ લાગ્યું.

‘અલા ભલા માણસ આટલા માટે ઘરનો સોદો? અવનીએ વાત કરી અમને, તમે અવનીની પ્રપોઝલ કેમ નથી માનતા?’ – અનુરાગભાઇ સીધા જ મુદ્દાની વાત બોલ્યા. આ સાંભળીને તો અવની ભાવુક બની ગઇ, સસરાના આ વિચાર જાણીને મનમાં હતુ એના કરતાં વધારે માન થયું. આદિ તો પપ્પાને જાણતો હતો એટલે કોન્ફીડન્સમાં જ બેઠેલો, સવિતાબેનને તો ખબર જ હતી રાત્રે પતિ - પત્નિ વચ્ચે આ બાબતે ચર્ચા અગાઉ થઇ ગયેલી અને નાનકાને કશી જ ખબર ન હતી. નાનકો કહે – ‘કઇ પ્રપોઝલ?’

અવનીએ કહ્યું – ‘નાનકા એક લાખ મારી જોડે છે, બાકીના ચારની હું લોન લઉં છું અને બે લાખની ઘરમાંથી વ્યવસ્થા થઇ જશેને?’

આ સાંભળી નાનકો કહે – ‘હા દિ, થઇ જાય બેની વ્યવસ્થા તો.’

અનિલભાઇ વચ્ચે બોલ્યા – ‘ના નિખિલ આપણાથી એના રુપિયા ન લેવાય.’ અનુરાગભાઇ તમે આવ્યા, આવી મદદની વાત કરી જાણીને આનંદ થયો આ શક્ય નથી તમે મને શરમમાં ન મુકશો. અનુરાગભાઇ કહે – ‘અનિલભાઇ રુપિયા તો તમારે લેવા પડશે હું નથી આપતો તમારી દિકરી તમને આપે છે’ અને અવની સામે જોઇ બોલ્યા કે –‘ જો દિકરી એના પિતાની મિલકતમાં સરખા હિસ્સાના વારસદાર તરીકે અધિકાર ધરાવે છે, તો પોતાના માવતરની સેવા કરવાની એની એટલી જ ફરજ છે. અમે કે તમારી દિકરી તમારા ઉપર કોઇ ઉપકાર નથી કરતા આ તમારો હક્ક જ છે, અનિલભાઇ ચાલો તૈયાર થઇ જાઓ કાલે તમે એડમિટ થઇ જાઓ એટલે જલદી રીકવરી આવી જાય આ તમારા વેવાઇની જીદ્દ ગણો કે માગણી, અનિચ્છા હોય તમારી તો પણ પુરી કરવી પડશે હો કહી દઉં છું તમે છોકરીવાળા છો યાદ રાખજો’ - કહી હસવા લાગ્યા.

અનિલભાઇ એકીટશે અહોભાવથી આ ફરિશ્તા જેવા લાગતા અનુરાગભાઇ તરફ જોઇ રહ્યા અને કહેવા લાગ્યા કે – ‘હા વેવાઇજી હા હવે બોલવા મારી પાસે શબ્દો નથી’ કહી બંને હાથ જોડ્યા.

સવિતાબેન અને માલતીબેન ચર્ચાના સુખદ અંતથી ખુશ ખુશ થઇ ગયા. અવની મનમાં વિચારતી રહી કે બેલાઆન્ટીને સોમવારે મળીને કહેશે કે આન્ટી નેહા જે કરી રહી છે એ કોઇનું ઘર ભરવાની રસમ નથી, એની માત્ર નાનકડી ફરજ નિભાવી રહી છે. જમાનો બદલાય એમ રીવાજ અને રસમ બદલાય છે, જુની વિચારણસરણીને તિલાંજલી આપશું તો જ નવુ મેળવી શકીશું.

સામે નિખિલ આંખોથી અવનીને કહે છે – ‘થેંક્સ દી’

અવની ઇશારાથી ધીરે રહીને કહે છે કે – ‘અરે ઓલવેઝ વેલકમ ગાંડા’.

બાજુમાં ઉભેલો આદિ ધીરે રહીને અવનીના કાનમાં બોલે છે – ‘ ખોટું ટેન્શન લેતી હતીને જાન’

અવની શરમાઇને હસતી આખા પરિવારને નીરખી રહી માત્ર.