Vicharmadana Moti in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | વિચારમાળાનાં મોતી

Featured Books
Categories
Share

વિચારમાળાનાં મોતી

વિચારમાળાનાં મોતી

રાકેશ ઠક્કર

આ પુસ્તકમાં મહાપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકોના સુવિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે.

મણકો -૩

* ખેડૂત જેમ આખું ખેતર ખેડે છે પણ તે સાથે એક જગ્યાએ ઊંડો કૂવો કરે છે, તે જ પ્રમાણે માણસે જ્ઞાનના બધા વિષયોનો સ્પર્શ કરવો જોઈએ અને તે સાથે એક વિષયમાં ઊંડા ઊતરવું જોઈએ. – બાબુ ક્ષિતિમોહન સેન

* ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
રવીન્દ્રનાથ ટાગોર

* જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી

* જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર

* મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા

* ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ અને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ

* આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન

* હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન

* પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી

* પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે. – જે. કૃષ્ણમૂર્તિ

* જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે. – હેનરી ફોર્ડ

* તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે. – અરવિંદ ઘોષ

* કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુ પડતું વિચારતા રહેવાના કારણે એ કામ બગડી જાય છે. – ઈવા યંગ

* જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે. – સ્વામી રામતીર્થ

* તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્વનું છે. – જે. કૃષ્ણમૂર્તિ

* જો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો. – જેમ્સ એલન

* જીવન ઉપર તને પ્રેમ છે ? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે. – ફ્રેન્કલિન

* હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે. – હેન્રી થૉરો

* માનવી પાસેથી ઘણું બધું છિનવી શકાય છે પણ પોતાની આસપાસના સંજોગો તરફનો પોતાનો અભિગમ/વલણ પસંદ કરવાની માનવીની અંતિમ સ્વાધીનતા કદી પણ છિનવી શકાતી નથી. – વિક્ટર ફ્રેંકલ

* તમે શું વાંચો છો એ મને કહો અને તમે કહો છો તે હું કહી દઈશ’ – એ તો સાચું છે જ; પણ તમે પુનર્વાચન શેનું કરો છો તે જો કહેશો તો હું તમને વધુ સારી રીતે પિછાની શકીશ. – ફ્રાંસ્વાસ મોરીઆક

* બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. –ચાણક્ય

* એક નાનકડી કીડી પાસે જાવ દિવસભરની તેની મહેનત જુઓ. તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસને ખંખેરી નાંખો. –કોલિયર

* આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણ કે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે. – બાઈબલ

* કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી. –જે. કૃષ્ણમૂર્તિ

* જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી

* ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ

* માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું. જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય. – અજ્ઞાત

* પહેલાં ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો. જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સાંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો. -શ્રી રામકૃષ્ણ પરમહંસ

* ઘરની બહાર ખાતરનો ઢગલો કરી રાખો તો તમારા ફરતે દુર્ગંધ પ્રસરી રહેશે, પણ એ જ ખાતરને નાખીને બાગ બનાવશો તો સુગંધ પ્રસરશે. નષ્ટ કરવા જેવું જીવનમાં કશું જ નથી, પણ પરિવર્તન કરવા જેવું, ઉદાત્ત કરવા જેવું, ઉન્નતિ કરવા જેવું જીવનમાં પુષ્કળ છે. – આચાર્ય રજનીશ

* દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુ:ખની વાત છે. -કાકા કાલેલકર

* ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે. – જયશંકર પ્રસાદ

* કેટલું કામ કરો છો એ નહિ, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની વિપુલતા નહિ પણ શ્રેષ્ઠતા સાધવાનો આદેશ છે. ફ્રાન્સના અગ્રણી તત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું : ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું : ‘જો બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો તમે મારા શિષ્ય ન પણ હોત !’ એ શ્રેષ્ઠતાએ, ઉપાસનાએ, કલામાં ને વિસ્તારમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપનાવનાર મંત્ર છે. – ફાધર વાલેસ

* સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે. – સ્વામી શિવાનંદ

* સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે. -જેઈમ્સ લોવેલ

* પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી. -કાકા કાલેલકર

* છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. – ગાંધીજી

*****