Saraswatichandra - 4.4 - 12 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 12

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨ : ગંગાયમુના

‘બહેની ! એ તો કામણગારો રે ! તારે માટે સર્વથી ન્યારો રે !’

‘કુમુદબહેન ! આ સંસારના દંભને છોડી જે રાત્રિ જોવાનો સરસ્વતીચંદ્રને અભિલાષ હતો અને જેને માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો એ રાત્રિ તમે પણ એમની સાથે જઈ જોઈ આવ્યાં ખરાં !’ તંબુની અંદરની કનાત અને બહારની કનાત આગળની દોરીઓ વચ્ચે તંબુના દ્વારમાં થઈને આવજા કરતી અને એના એક સ્તંભને ઝાલતી ઝાલતી કુસુમ બોલી : ‘લ્યો પાછા આ એમના લેખ.’

‘હા, હું જોઈ આવી ને એ લેખ તો તને જ આપવાને માટે લાવી છું.’ કુમુદ એક ખુરશી ઉપર બેઠી બેઠી બોલી.

‘મને આપીને શું કરશો ? ને તેમ આપવાનો તમને શો અધિકાર ?’ સામી ખુરશી ઉપર બેસતી બેસતી કુસુમ બોલી.

કુમુદસુંદરી : ‘મેં ઘણો વિચાર કરીને અને ઘણા અધિકારથી તને એ લેખ આપ્યા છે તે રાખે.’

કુસુમસુંદરી : ‘તે કહેશો તો ખરાં કની ?’

કુમુદસુંદરી : ‘તે કહેવાનું છે જ. હું એમની જોડે જઈ એમના હૃદયના અલખ ભાગને જોઈ આવી, અને હવે એમના લેખમાં એ અલખ જગાવવાનો અધિકાર મને નથી તે તને સમજાવ્યું. સંસારનું પરમ કલ્યાણ કરવાનો એમનો પરમ અભિલાષ મારાથી સિદ્ધ કરાવાય એમ નથી તેના સાક્ષી ચંદ્રકાંતભાઈ, ને તારાથી કરાવાય એમ છે તેના સાક્ષી પણ એ જ.’

‘ઓત્‌ તમારું ભલું થાય ! ધીમે ધીમે લાંબી વાતો કરીને ભોળાં બહેને અહીં વહાણ આણ્યું કે ?’ આંખો ચગાવી ઊંચું જોતી, મોં પહોળું કરી, બોલતી બોલતી કુસુમ ઊભી થઈ, અને અંતે વિચાર કરતી કરતી બોલતી હોય તેમ, હાથ લાંબો કરી ધીરે પણ દૃઢ સ્વરે બોલી ઊઠી : ‘એ તો તમારો મર્મ સમજી, પણ કુમુદબહેન ! એમાં તો તમારું કાંઈ વળે નહીં, હં ! બોલો હવે.’

કુમુદસુંદરી : ‘જો, આ કાગળમાં એક સાધુજને કવિતા લખી આપી છે તે ગા જોઈએ -’

કુસુમ તે લઈ ગાવા લાગી :

‘મોરલી અધર ચડી રે

મોરલી અધર ધરી રે

સો મોરલી અધર ચડી રે !

સો મોરલી અધર ધહી રે !’

વારુ, ઠીક આ બધું લાંબું લાંબું હું કંઈ નથી ગાતી - એ મને આપીને શું કહેવાનું કરો છો ?’

કુમુદસુંદરી : ‘અલખ હૃદયનું ગાન શ્રી કૃષ્ણજીવનના ઓઠ ઉપર મોરલી ચડે ત્યારે જ સંસાર અને ગાનને લખ કરે. કુસુમ ! જેના હૃદયમાં આવું અલખ ગાન ભરેલું તેં આ લેખમાં જોયું તેને લખ કરાવનારી મોરલી મારાથી થવાતું નથી તે વિચારી મારું હૃદય ફાટી જાય છે.’

કુસુમસુંદરી : ‘એટલી વાત તો હું માનું છું. તમે જો આટલો સંસાર જોયો ન હોત તો તમે આ દુઃખમાં ન પડત. નિઃસ્નેહો યાતિ નિર્વાણં સ્નેહોડનર્થસ્ય કારણમ્‌ - નિઃસ્નેહી નિર્વાણનું સુખ પામે છે ને સ્નેહ અનર્થનું મૂળ છે. પણ પિતાજી કહે છે કે અનારમ્ભો હિ કાર્યાણાં પ્રથમં બુદ્ધિલક્ષણં અને આરબ્ધસ્યાન્તગમનં દ્વિતીયં બુદ્ધિલક્ષણં તમને સૌએ મળી આરંભના ખાડામાં નાખ્યાં તે હવે તમારું બુદ્ધિલક્ષણ એ કે તમારે અંત સુધી જવું; ને હું તો તમારાથી ચેતી ગઈ છું ને અનારંભ જે પ્રથમ બુદ્ધિલક્ષણ છે તેને જ પકડી લીધું છે અને હવે તો ભૂલ્યે ચૂક્યે એ રસ્તસ કભી ભી ન જાઉંગી - કભી ભી ન જાઉંગી.’

કુસુમે ખભા વીંઝ્‌યા.

કુમુદસુંદરી : ‘જો એ બીજું બુદ્ધિલક્ષણ પકડ્યાથી મારું દુઃખ મટે એમ હોત તો હું આરબ્ધના અંત સુધી જાતે જાત જ. પણ તેમ કર્યાથી તો ઊલટું સર્વ કાર્ય વણસે છે ને સંસારનું કલ્યાણ કરવાની મહાશક્તિ અને અપૂર્વ વૃત્તિવાળા મહાત્માની શક્તિ અને વૃત્તિ પથ્થર ઉપર પડતી વૃષ્ટિ પેઠે નિષ્ફળ થાય છે. મારે તો હવે એક જ અધિકાર - વિહારપુરી અને ચંદ્રાવલીના સંસાર જેવો સંસાર કરી નાખવાનો - રહ્યો છે. મહાશક્તિ મહાલક્ષ્મી જગદંબાસ્વરૂપ આકાશથી પૃથ્વી સુધી વ્યાપી રહે છે ને આવાં નવરાત્રિમાં આ સંસારનો ગરબો રમવા નીકળે છે ત્યારે એ મહાત્મા ચંદ્ર પેઠે આકાશમાં ફરશે અને રંક કુમુદ છેક નીચેના ગળાવમાં તેને જોઈને જ વિકસશે - ઈશ્વરે મને એ જ અધિકાર આપ્યો છે - મહેશ્વર કે મહેશ્વરીને કપાળે સરસ્વતીચંદ્ર ચંદ્ર પેઠે ચળકશે ને દૂર પૃથ્વી પર ખાબોચિયામાં પડી પડી રંક કુમુદમાળ તો એ પિતા કહે તે માતા કહે તે દેવને ચરણે રહી એ ચંદ્રનાં માત્ર કીર્તિકિરણને પોતાના હૃદય પર ધારશે -

ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ,

શિરે ચંદ્ર ને પગે તે કુમુદને ધર્યાં રે લોલ !

- એ ભાલતિલક ને હું ચરણકમળ - એમ જ નિર્માણ થયેલું છે.’

કુસુમ : ‘એમ રહેવાનું તમારું ભાગ્ય હોય તો તે પણ શું ખોટું છે ?’

કુમુદસુંદરી : ‘સુંદરગિરિનાં આભલાંમાં એ ચંદ્ર ઢંકાઈ રહે તો કુમુદ તેની કીર્તિના પ્રકાશનો ફાલ જોઈ શકે એમ નથી, ને તે નહીં જોઈ શકે તો અકાળે કરમાશે. કુસુમ ! વગર વાદળાંના સ્વચ્છ આકાશના તારામંડળમાં જ્યારે ચંદ્ર પૂર્ણ પ્રકાશથી રાજ્ય કરી રહેશે ત્યારે જ કુમુદ એની સંપૂર્ણ કીર્તિને પ્રત્યક્ષ કરી ખીલી રહેશે.’

કુસુમસુંદરી : ‘એ તો ખરું.’

કુમુદસુંદરી : ‘તો કુસુમ ! એ વાદળાંને વિખેરનારી પાવનલહરી થઈ મારી કુસુમ શું એની કુમુદને પ્રફુલ્લિત નહીં કરે ? કુસુમ ! તારી કુમુદ સંસારની દૃષ્ટિએ કલંકિતા થઈ છે, એ ફૂલ હવે નિર્માલ્ય થયું છે, એનો સુગંધ એમાંથી લેવાઈ ગયો છે ને બીજા દેવને એક વાર ધરાવેલું નૈવેદ્ય આ મહાત્મા ધરશે તો લોકની દૃષ્ટિમાંથી એ મહાત્માનું માહાત્મ્ય ઊતરી જશે. કુસુમ ! તું દોષહીન અણસૂંધ્યું કુસુમ એ મહાત્માનું માહાત્મ્ય સુરક્ષિત રાખવાને સમર્થ છે.’

કુસુમ કંઈક વિચારમાં પડી હતી તે જાગી.

‘કુમુદબહેન, એમાંનું કંઈ ન વળે. તમે કોઈ રીતે કલંકત થયાં નથી, તમારા હૃદય નંગકુંદન પેઠે જોડાયાં છે તે જોડાયેલાં રહે તો જ મારું હૃદય તૃપ્ત રહેશે, ને જે સંસાર તમારામાં કલંક ન છતાં કલંક ગણે એવો આંધળો છે તેનું કલ્યાણ કરવાનું તમારે કાંઈ કામ નથી. એ સંસારની સાથે તમારે શી લેવાદેવા છે ? એ સંસાર એવાં કલ્યાણ પામવાને યોગ્ય જ નથી.’

કુમુદસુંદરી : ‘આવા મહાત્માના અલખ ગાનને પ્રગટ કરવાની લક્ષણવતી મોરલી શું મારી કુસુમ નહીં થઈ શકે ? મારી અને મારા ચંદ્રની વચ્ચે અંતરાય નાખનારી વાદળીને વિખેરનારી પવનની લહેર જેવી શું મારી કુસુમ નહીં થાય ?’

કુસુમસુંદરી : ‘મારે સુખનો તિરસ્કાર છે ને તેને તમારે સુખી કરવી છે, ને તમે દુઃખી છો તેમણે દુઃખમાં પડી રહેવું છે. સરસ્વતીચંદ્રને સુખી કરવાની શક્તિ મારામાં નથી ને સંસાર જેને સુખ ગણે છે તે સુખ મને સુખી કરી શકે એમ નથી. હું જેવી છું તેવી જ પરમ સુખી છું.’

કુમુદસુંદરી : ‘બહેન, તું સ્વાર્થી નથી ?’

કુસુમસુંદરી : ‘જો સ્વતંત્ર રહેવામાં સ્વાર્થીપણું આવી જતું હોય તો એ સ્વાર્થ મને બહુ વ્હાલો છે.’

કુમુદસુંદરી : ‘જે સ્વતંત્રતા તને પ્રિય છે તે આ મહાત્મા સંપૂર્ણ રીતે આપશે.’

કુસુમસુંદરી : ‘એ તો છોકરાં સમજાવવાની વાત છે.’

કુમુદસુંદરી : ‘મારી સાથે આવો આવો પ્રસંગ પડવા છતાં અત્તરની શીશી ઉપર ડાટો વાસી રાખે તેમ જેણે મને પવિત્ર રાખી છે તેને તારી ઇષ્ટ સ્વતંત્રતામાં રજ પણ ન્યૂનતા થતાં તે કંટક પેઠે સાલશે એવું શું તું નથી ધારતી ?’

કુસુમસુંદરી : ‘ન્યૂનતા થાય એ પછી સાલે તે નકામું. એ ન્યૂનતાનો પ્રસંગ જ દૂર રાખવો.

કુમુદસુંદરી : ‘એણે આજથી ચંદ્રકુમુદના જેવો, વિહારપુરી ને ચંદ્રાવલી જેવો, અશરીર - કેવળ માનસિક - સ્નેહનો યોગ મારી સાથે જન્મારો રાખવાની સજ્જતા દર્શાવી છે તે તારા ભયનો પ્રસંગ સરખો નહીં આવવા દે એવું તું ધારતી નથી ?’

કુસુમસુંદરી : ‘સજ્જન હોય માટે સમર્થ પણ છે એમ કંઈ કહેવાય ?’

કુમુદસુંદરી : ‘હું અનુભવની વાત કહું છું કે તે મહા સમર્થ ત્યાગી છે.’

કુસુમસુંદરી : ‘મને કાકીએ કહ્યું છે કે સ્ત્રીઓ જેવી દૃઢતા પુરુષોમાં નથી પુરુષો ભલે પોતાની સ્તુતિ કરે.’

કુમુદસુંદરી : ‘કાકીએ સત્ય કહ્યું છે. પણ જેમ સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રી નીચી હોય છે છતાં પુરુષો કરતાં ઊંચી સ્ત્રી પણ મળી આવે છે તેમ પુરુષોમાં પણ આવા ત્યાગી હોય છે -’

કુસુમસુંદરી : ‘બહેન, તમે જે અણીશુદ્ધ પવિત્ર રહ્યાં છો તે તમારી જ શક્તિનું ફળ છે ને તભમારા હૃદયની પ્રીતિ તમારી જીભને તમારી આત્મસ્તુતિના માર્ગથી આડી વાળે છે.’

કુમુદસુંદરી : ‘મેં તને સત્ય કહ્યું હતું તે ફરી કહું છું કે હું અત્તરની શીશી પેઠે ઢોળાઈ જવા જેવી થઈ હતી તેને આ સમર્થ ત્યાગીએ સીધી કરી ને મારી પવિત્રતાનું અત્તર અમર રાખ્યું. જેણે અઢળક લક્ષ્મીનો, મારો અને ઇન્દ્રપુરી જેવી મુંબઈનો ત્યાગ કર્યો તે મહાત્મા મન્મથના અગ્નિ ઉપર દાઝ્‌યા વિના ચાલી શકે એમાં તને શું આશ્ચર્ય લાગે છે?’

કુસુમસુંદરી : ‘આશ્ચર્ય તો કાંઈ નથી. માત્ર અનુભવીઓનો અભિપ્રાય કહું છું.’

કુમુદસુંદરી : ‘તેં એમનાં સ્વપ્નોનો સાર જાણ્યો ને એમણે ધારેલા સમારંભનો સાર જાણ્યો તે કામમાં ખરચવા રાખેલી લક્ષ્મી તેમને ઓછી પડે છે માટે પુત્રાદિ ઉપાધિ પણ જોઈએ નહીં એવો તેમનો નિશ્ચય છે તે પણ તેં જાણ્યું છે; અને કુમુદ સાથેનો સંસાર પણ ઇચ્છતા નથી પણ કુમુદને દીધેલા દુઃખના પ્રાયશ્ચિત્તરૂપ ગણીને જ સ્વીકારવા ધારે છે - તે તને કહ્યું.’

કુસુમસુંદરી : ‘તે પણ હશે, પણ મને આ કથાનો જ કંટાળો આવ્યો છે. બીજી વાત કાઢો.’

કુમુદસુંદરી : ‘જો આ વાતનો તને કંટાળો હોય તો મારું દુઃખ નિવારવા તું રાજી નથી ને મારે હવે બીજી વાત શી કરવાની છે ? કુસુમ, આપણો સમાગમ આટલાથી પૂરો થશે અને કુમુદ પરિવ્રાજિકામઠમાં કરમાતા સુધી રહેશે. જેનું કલ્યાણજીવન સફળ કરવાની મારી છેલ્લી આશા તેં ધ્વસ્ત કરી છે તે મહાત્માએ સગી માતાને અભાવે સંસાર છોડ્યો, પ્રીતિ છોડી, મુંબઈનગરી જેવું ઉત્કર્ષસ્થાન છોડ્યું, અને સુપાત્ર સહધર્મચારિણીને અભાવે સંસારનું મહાકલ્યાણ કરવા તેણે ધારેલું છે ને સમર્થ છે તે મહાકલ્યાણ ઈશ્વરને સોંપી દઈ પોતે યદુશૃંગના બ્રહ્મચારી બાવા થઈને એ સુગંધવાળું ફૂલ રણની ઊકળતી રેતીમાં ચીમળાઈ આયુષ્ય પૂરું કરશે. હવે આ વિના બીજો માર્ગ તેમને પણ નથી ને મારે પણ નથી.’

કુસુમસુંદરી : ‘તે તમારી ધારણા પ્રમાણે હું વર્તું તો તમે તમારો જન્મારો ક્યાં પૂરો કરશો ?’

કુમુદસુંદરી : ‘મારા અને મારાં પવિત્ર દેવીના દુઃખથી મારા સસરાજી સંન્યસ્ત લેવા ધારે છે તેમને આશ્વાસન આપવા હું તેમને ઘેર જઈશ. મારાં અલકબહેન અશિક્ષિત છે પણ તારા જેવાં જ તીવ્ર અને તારા જેવાં જ માયાળુ છે તેમની જોડે ત્યાં કાળક્ષેપ કરીશ. મારાં દેવી નાનો પુત્ર મૂકી ગયાં છે તેને ઉછેરવામાં, વિદ્યા આપવામાં અને સદ્‌ગુણી કરવામાં તારા બનેવીના જીવનું શ્રાદ્ધ અને તર્પણ માનીશ. બાકીનો કાળ સુવર્ણપુરમાં રહી તમ દંપતીના સમારંભનો લાભ સુવર્ણપુરના કુટુંબોમાં પ્રસારવા યત્ન કરીશ અને મારા સસરાજી તેમાં ધનથી અને રાજ્યથી આશ્રય આપશે. વર્ષમાં કંઈક કાળ ગુણિયલ પાસે, કંઈક તાીર પાસે, અને કંઈક ચંદ્રાવલીબહેન અને મોહનીમૈયા જેવાના સત્સમાગમમાં ગાળીશ, અને યથાશક્તિ તેમને અને તમને સુવર્ણપુરમાં બોલાવીશ. બાકી મારું આયુષ્ય જેટલો અવકાશ આપશે તે સર્વકાળ સારા ગ્રંથો જોવામાં અને પરમાત્માના ચિંતનમાં ગાળીશ. કુસુમ, મારું આયુષ્ય મારા ચંદ્રને અને તને કલ્યાણપ્રવૃત્તિઓમાં સફળ લોકયાત્રા કરતાં જોઈ નિવૃત્ત અને તૃપ્ત થશે; તમને બેને, ગુણિયલને, પિતાજીને અને મારા શ્વસુર કુટુંબને સુખી જોઈ સુખી થશે, અને તને કહેલાં કાર્યમાં તમારા જેવી જ પ્રવૃત્તિ રાખતાં મારા ચંદ્રનો અહોનિશ ધ્યાનયોગ પામશે. કહે વારુ, એ પછી કુમુદનું આયુષ્ય સફળ કરવાને શું, બાકી રહ્યું ?’

કુસુમસુંદરી : ‘તમે જ શાસ્ત્ર કાઢ્યું છે કે પ્રીતિને આગળ કર્યા વિનાનું તમારું લગ્ન સાધુજનો વંચનાલગ્ન ગણે છે ને મારું એવું લગ્ન કરાવવા તમે ઊભાં થાઓ છો તે શું ?’

કુમુદસુંદરી : ‘એ પ્રીતિનું બીજ તારામાં નથી એવું નથી.’

કુસુમસુંદરી : ‘ખોટી વાત ! ખોટી જ વાત !’

કુમુદસુંદરી : ‘ચંદ્રકાંતભાઈએ સરસ્વતીચંદ્રને તારી કેટલીક વાતો કહી છે તેથી હું સમજી છું કે એ મહાત્મા રત્નનગરી આવ્યા હતા તે કાળે તારો બાળભાવનો જે ઉમળકો એમના ઉપર બીજરૂપે વવાયો હતો ત્યાં ઈશ્વરે એકાંતમાં પણ ઉચિત વૃષ્ટિ કરી છે ને એ બીજના અંકુર ફૂટી નીકળ્યા છે. હું તમારો યોગ કરાવીશ ત્યારે એ અંકુર વિકાસ પામી પુષ્પફળ ધારવાને સમર્થ થશે.’

કુસુમસુંદરી : ‘ચંદ્રકાંતભાઈ મારા કાળજાની વાત શી સમજે ? બધાં સરસ્વતીચંદ્રનો દોષ કાઢતાં હતાં ત્યારે મેં તેમનો જરી પક્ષ કર્યો એટલે કાકીએ ને બધાંએ એનો ગમે તેવો અર્થ કર્યો - તે સૌ ફોકટ.’

કુમુદસુંદરી : ‘હેતુ વિનાનો પક્ષપાત તે જ સ્નેહ એવું સાધુજનો લક્ષણ કહે છે. એવો પક્ષપાત તારા હૃદયમાં ઉદય પામ્યો છે એની શું તું ના કહે છે ? આપણા લોક નાનાં બાળકોમાં વિવાહના વાગ્દાનકાળથી આવા પક્ષપાત રાખવાના પ્રસંગ આણે છે તે સપ્તપદીકાળે પે પક્ષપાત પરિપાક પામ્યા ગણી લગ્ન કરે છે - લોકની અધોગતિને લીધે તેઓ આ મર્મ સમજતા નથી ને આવા પ્રસંગો આણવાના યોગ્ય વિધિ કરતા નથી. ભગવાન મન્મથ સંકલ્પયોનિ છે અને આવા પ્રસંગોથી ઉત્પન્ન થયેલા સંકલ્પો પરિપક્વ કરવામાં આવે ને યોગ્ય વયે લગ્ન કરવામાં આવે તો સપ્તપદીની પ્રતિજ્ઞાઓ યથાર્થરૂપે લેવાય એવું મારા સ્વપ્નના નાગલોક ગણતા. એવા જ પ્રસંગોએ મારી અને સરસ્વતીચંદ્રની પ્રીતિને પ્રકટ કરી, ને એવા જ પ્રસંગોથી તારી પ્રીતિનાં બીજ રોપાયાં છે તે યોગ્ય વિધિથી પરિપાક પામ્યા વિના રહેવાનાં નથી.’

કુસુમસુંદરી : ‘એ તમારું શાસ્ત્ર જે હો તે હો. પણ મારામાં તે પ્રીતિ નથી જ. ને સામા પક્ષમાં તો એ પ્રીતિનું મૂળ પણ નથી એવું તમારે કહ્યા વિના ચાલે એમ નથી. કુમુદબહેન, ફોકટ ફાંફાં શાને મારતાં હશો ?’

કુમુદસુંદરી : ‘તેં જ લખ્યું હતું કે ‘દેખ મછેન્દર ગોરખ આયા’ એવું તેમને કહેવાનો તારે અધિકાર છે.’

કુસુમ ખભા ઊંચા કરી મોં મરડી બોલી : ‘વા...રુ ! એવું કહ્યું તેમાં શું આવી ગયું જે ! આમ ઊંધા ઊંધા અર્થ કરતાં આ સાધુઓમાં કહી શીખ્યાં હશો !’

કુમુદસુંદરી : ‘જે સાધુઓમાં રહીને હું શીખી તે તને ઊંધા અર્થ કરનાર લાગતા હોય તો તેમના ભેગાં જવાને ઠેકાણે હું કહું છું ત્યાં જા.’

કુસુમસુંદરી : ‘હવે આ પ્રકરણ બંધ કરીશું ?’

કુમુદસુંદરી : ‘ગમે તો એ પ્રકરણનો અને આપણો બેનો - બે સમાગમ સાથે લાગા બંધ કર, અને ગમે તો બે સમાગમને સાથે લાગા ચાલવા દે.

કુસુમસુંદરી : ‘જાઓ. પિતાજી, તમે ગુણિયલ ને સરસ્વતીચંદ્ર એ ચારનો એક જ મત થાય તો તે કરું - ને ચારમાંથી એક જણનો મત જુદો પડે તો મારી મરજી પ્રમાણે કરું - તો ?’

કુમુદસુંદરી : ‘આટલું કરીશ તો બહુ છે.’

કુસુમસુંદરી : ‘જોજો હોં ! છેતરાશો. એ ચાર મત એક થવાના નથી; ને નહીં થાય તો તમે મારી મરજી પ્રમાણે ચાલવા બંધાઓ છો ?’ - ને ભૂલી, પાંચમો દાદાજીનો મત પણ ખરો. એક કાકીનો નહીં.’

કુમુદસુંદરી : ‘હા, હું યે બંધાઉ ને તું યે બંધા.’

કુસુમસુંદરી : ‘બંધાવ જોઈએ.’

કુમુદસુંદરી : ‘આ હું બંધાઈ - મારું વચન છે.’

કુસુમસુંદરી : ‘બંધાવ છો ? જોજો, હોં !’

કુમુદસુંદરી : ‘હા, બંધાઈ. પણ તું બંધાને !’

કુસુમસુંદરી : ‘હું યે નહીં બંધાઉ ને તમે યે ન બંધાશો, બે જણ મોકળાં રહીશું.’

કુમુદસુંદરી : ‘મને બાંધી હવે કાંઈ છુટાશે ?’

કુસુમે નિઃશ્વાસ મૂક્યો : ‘ત્યારે શું હું બંધાઈ જ ?’

કુમુદસુંદરી : ‘શું કરવા નિઃશ્વાસ મૂકે છે ? બે જણ બંધાયાં છીએ.’

કુસુમસુંદરી : ‘એ તો કાંઈ ઠીક ન થયું.’

કુસુમને ગળે હાથ મૂકી, એને ઉઠાડી, એને સાથે લઈ કુમુદ તંબુબહાર નીકળી.

‘કુસુમ ! આ સામેની વાડોપર ગુલાબના છોડ તું દેખે છે ?’ કુમુદે પૂછ્યું.

કુસેમ - ‘હા.’

કુમુદસુંદરી - ‘આપણે આગળ વંટોળિયામાં છૂટી ધૂળ ઊડે છે ને કાંટાવાળાં દીંટાં ઉપર આ ગુલાબ બંધાઈ રહ્યાં છે તે પણ વાથી હાલે છે. એ બેમાંથી સારું જીવન કોનું ?’

કુસુમસુંદરી - ‘મને આજ કાંઈ સૂઝતું નથી. તમારે માથેથી ઊતરેલું ચક્ર મારે માથે આવી બેઠું છે તેની વેદનામાં મને તમારું ગુલાબ પણ ગમતું નથી ને ધૂળ પણ સૂઝતી નથી.’

કુમુદસુંદરી - ‘આ ધૂળ છૂટી છે તે સ્વતંત્રતાથી સુખમાં મહાલે છે ! ને ગુલાબ લોકનું કલ્યાણ કરવાને સરજેલાં છે તે બિચારાં આમ કાંટાઓ વચ્ચે બંધાઈ વીંઝાઈ રહ્યાં છે !’

કુસુમ બોલી નહીં.

કુમુદસુંદરી - ‘લોક ઘણુંખરું સ્વતંત્ર સુખ પાછળ દોડે છે તે આવા વંટોળિયામાં આ ધૂળ પેઠે ગૂંચવાય છે.’

કુમુદસુંદરી - ‘એ તો સત્ય.’

કુમુદસુંદરી - ‘તેમાંનો સમજુ ભાગ સુખને સ્થાને સ્વતંત્રતા શોધે છે અને સમજુઓમાં પણ દૂરદર્શી હોય છે તે અન્ય સ્વતંત્રતાને સ્વચ્છંદ જેવી માને છે ને માત્ર ઉપાધિથી દૂર રહેવાની આ ઉપલા આકાશના જેવી સ્થિતિને જ સ્વતંત્રતા ગણી સંન્યાસ અથવા ત્યાગ જ શોધે છે.’

કુસુમસુંદરી : ‘મારે એ જોઈએ.’

કુમુદસુંદરી : ‘એવા પણ જીવ છે કે જે જીવરાજ શેઠના પ્રવાસને સફળ કરવા તેમના ઉપાધિઓમાં ગુલાબ પેઠે બંધાઈ વીંઝાઈ રહે છે - પાણીમાં ને પવનમાં કમળ પેઠે રહે છે ! પણ કમળ ઉપર પાણી રહે ને હાથેલીમાં પારો રહે એમ ઉપાધિઓ ચારે પાસ તરવરવા છતાં આ જીવો એ ઉપાધિઓથી અસ્પૃષ્ટ રહે છે અને તે છતાં પોતાનો સમાગમ પામેલા પાણીને સુશોભિત અને સુગંધિત કરે છે અને પારાના વિષથી નિર્ભય રહી પારાનો લોકકલ્યાણકર પ્રયોગ કરે છે. કુસુમ ! સરસ્વતીચંદ્ર સ્વતંત્રતા ઇચ્છતા નથી પણ આવી અસ્પૃશ્યતાનું અને કલ્યાણવૃત્તિનું ધારણ કરે છે. જીવન્મુક્તિ અને મનુષ્યધર્મનો સમાગમ આવી રીતે જ થાય છે. તું સંન્યાસની સ્વતંત્રતા ઇચ્છે છે. હું તને, સરસ્વતીચંદ્ર જેવી ગુલાબ અને કમળ જેવી - થયેલી જોવા ઇચ્છું છું. તારી ઇચ્છા પ્રમાણે સર્વનો એક મત થશે તે પ્રમાણે સ્વીકારવા તેં સમજીને હા કહી છે તો હવે શા માટે મૂંઝાય છે ? તું કહેતી કે તું સ્વતંત્ર રહી શું કરીશ ? તારા આયુષ્યનો સુકાળ કેમ ગાળીશ ?’

કુસુમસુંદરી : ‘સદ્ધસ્તુ વાંચીશ, ને જાણીશ. ને સ્વસ્થ રહીશ.’

કુમુદસુંદરી : ‘બીજી કાંઈ કલ્યાણકર ક્રિયા કે ફળ વિના આટલા એકલપેટા સ્વચ્છંદી નિષ્ફળ જીવનથી તને સંતોષ છે ? તારા વાંચ્યાનું અને જાણ્યાનું ફળ બીજા કોઈને શું થશે ? પાણી ભરેલાં વાદળમાં જ વેરાઈ જાય તેમ તારા સુંદર જીવનને વેરી નાખવાને માર્ગે તું ચડતી નથી ? કુસુમ ! આ સામે સુભદ્રાનો અને રત્નાકરનો પુણ્ય સંયોગ આ ગિરિરાજ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ તે જરી જો.’

કુસુમે દૃષ્ટિ કરી પણ ઉત્તર ન દીધો.

કુમુદસુંદરી : ‘સુભદ્રા મીઠા જળની ભરેલી છે પણ પોતાના તીર ઉપરના પ્રદેશ વિના બીજાને તેનો લાભ મળતો નથી - મળી શકે એમ નથી -પણ એનાં વેગભર્યાં જળ મહાસાગરમાં ભળે છે, ભળે છે પણ મહાસાગરને મીઠો કરી ન શકતાં, એનું પોતાનું જળ ખારું બની, દેખાતું બંધ થાય છે અને જ્યાં ત્યાં મહાસાગરનું જળ ખળખળતું દેખાય છે! પણ ત્યાં જ એમનું અદ્વૈત સમજવું ! સુભદ્રા પોતાની શક્તિ પ્રમાણે આ મહાસાગરની જળસમૃદ્ધિને પોષે છે - તેમાં વધારો કરે છે, પૃથ્વી ઉપરનાં દૂરનાં અનેક ગુપ્ત સ્થાનોમાંથી કંઈ કંઈ પદાર્થો ખેંચી આણે છે ને - તે શા શા છે તે જાણવા હોય તો ચાર દિવસ ચંદ્રાવલીબહેનના ચોતરા આગળ ઊભા ઊભા જોયાં કરજે - એ ખેંચી આણેલા પદાર્થોથી રત્નાકરનાં ઊંડાં મર્મસ્થાન ભરાય છે - ને રત્નાકર રત્નાકર થાય છે.

એ રત્નાકર ઉપર પૃથ્વીની નૌકાઓ દોડ્યાં કરે છે ને સંસારને સાંકળે છે. એ રત્નાકર પૃથ્વી ઉપરના આ સર્વ વાતાવરણને પલાળે છે ને પ્રાણીમાત્રનાં જીવનમાં પળે પળે નવા જીવ ભરે છે. એ રત્નાકર એથી પણ વધારે ઊંચે ચડી આકાશની મેઘમાળાઓનું સ્વરૂપ ધરે છે અને મેઘમાળાઓના ભવ્ય સંચય સંસારનું શું શું કલ્યાણ નથી કરતા ? કુસુમ, તું એકલી કૌમારવ્રત પાળી શું કરવાની હતી ? એકલો પડેલો પાણીનો રેલો ધૂળમાં ભળી જાય છે, મનુષ્યોના ચરણથી રજમાં ચંપાઈ જાય છે, ને તડકામાં ઊડી જાય છે, તેવું તારું જીવન થશે. જે મહાત્માનાં અંતઃસ્વપ્ન તેં જોયાં અને જેનાં કલ્યાણકાર્યનું મનોરાજ્ય તેં દૃષ્ટિગોચર કર્યું તે મહાત્માના હૃદયરત્નાકરની તું રંક સુભદ્રા થઈશ તો પણ ઓછી વાત નથી; તો આ તો એની ગંગા, એની બ્રહ્મપુત્રા, અને એની સિન્ધુ એ સર્વ મહાનદીઓનું કામ કરવાને તું એકલી જ સમર્થ છે ને તારા વિના એ કામ કરવાને આખા ત્રિભુવનમાં કોઈ સમર્થ નથી ! તો કુસુમ, શું એવું પુણ્યજીવન પ્રાપ્ત કરવા તને અભિલાષ નથી થતો ? કુમુદથી એ બનવું અશક્ય છે - એ તો તું ગંગા થઈશ તો તારી યમુના થશે, અને તું એ બેની ગંગા નહીં થાય તો તું પાણીનો રેલો ને કુમુદ પણ પાણીનો રેલો ! આપણે આ રત્નાકરમાં ગંગાયમુના જેવાં થઈશું તો ગુણિયલના સુખનો સમુદ્ર ઊભરાશે. આપણે પુત્રીઓ જ એના હૃદયને આજ જડમૂળથી તોડી પાડીએ છીએ તે એ હૃદયરૂપ રત્નછત્રને ટકાવનાર સોનાના દાંડા થઈશું. - અને આપણા પિતા આપણે માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર થયા છે તેને આપણે પરમ પ્રતિષ્ઠા આપીશું ! બાકી લક્ષ્મીનંદનની વૃદ્ધાવસ્થાના આશીર્વાદ આપણા ઉપર રેલાશે. મારા શ્વશુરને તું આટલા આશીર્વાદ દે છે તેના કુટુંબના કલ્યાણનાં આપણે સાધન થઈશું, - અને એવાં અનેક સત્કાર્ય - જેને તું નાનાં ગણતી હોય તો નાનાં ને મોટાં ગણતી હોય તો મોટાં - એ સત્કાર્યનાં આપણે સાધક થઈશું. અને કુસુમ, આ સર્વ મહાફળની આપણે ઉપેક્ષા કરીએ તો પણ જે મત્સેંદ્રનાથ જેવા મહાત્માનું ગોરખકૃત્ય કરવા તું તત્પર થઈ છે, જે મહાત્માના પુણ્યજીવનથી આ તંબુના દંડથી તંબુની આ દોરીઓ રહી છે તેમ - ટકી રહેલી મારી અને સુંદરગિરિ પરના સંસારમાંના સાધુજનોની આશઓ એ મહાત્માને ટકાવી ટકી રહી છે - તે મહાત્માના જીવનને અને તેની સાથે મારી અને સર્વની પવિત્ર આશાઓના મનોરાજ્યને સફળ કે નિષ્ફળ કરવાં એ એક કુસુમના હાથમાં છે ! તે તું નિષ્ફળ કરીશ, સ્વચ્છંદ કુમારિકા રહી પેલી ધૂળ પેઠે આથડીશ, તો પિતા પોતાની ઉદારતાને લીધે ને ગુણિયલ પોતાના પતિવ્રતને લીધે તને સ્વતંત્રતા આપે છે ખરાં - પણ તેમનાં ભાગ્યની અવદશા મારે તારે હાથે થયેલી જોઈ આપણે સંસારમાં સ્વચ્છંદ અને ક્રૂર પુત્રીઓનાં દૃષ્ટાંતરૂપ થઈશું, નવી કન્યાઓને વિદ્યા અને સ્વતંત્રતા મળવાનો સંસાર નિષેધ ગણશે તેનાં કારણ થઈ પડીશું. એ કન્યાઓનાં અદૃષ્ટ દુર્ભાગ્યને ઉપરથી પૃથ્વી ઉપર ઊતરી આવવાની નિસરણીઓ થઈશું, અને તેમના મહાપ્રયત્ને ચડતાં સદ્‌ભાગ્યને રોકી દેવાના દાદરા થઈશું ! અને કુમુદને કપાળે તો તારા વિના એકલા પડનાર આ મહાત્માનું સર્વ સામર્થ્ય અને મનોરાજય પડી ભાંગ્યું જોવાનું જ બાકી રહેશે. હવે વધારે કહેવાની મારી શક્તિ નથી - ડુબાડ કે તાર, જિવાડ કે માર - જ્યાં સુધી સંપૂર્ણ પ્રસન્ન થઈ પ્રીતિથી એ મહાત્માને તારા ગંગા જેવા નિર્મળ હૃદયમાં સ્વીકારવા તું તત્પર થાય, ત્યાં સુધી એ મારું કહ્યું માને એમ નથી, હું એમને ઠગું એમ થવાનું નથી, તેમ જ ત્યાં સુધી આ રાજહંસ આકાશમાં સંચરવા સમર્થ થાય એમ નથી અને કુમુદ, એમને જડ પૃથ્વી ઉપર નિરાહાર આયુષ્ય ગાળતા જોઈ, પોતાના રંક આહારનો કોળિયો પામે એમ નથી. કુસુમ ! હું કહેવાનું કહી રહી - તારું મનોગત કહી દે એટલે ગમે તો હું તરત જાઉં ને ગમે તો તારી પાસે રહું ને સર્વથા નિશ્ચિંત અને કૃતકૃત્ય થાઉં. હું તારા ઉપર બળ કરતી નથી ને કરવાની નથી. સર્વના એકમત પ્રમાણે ચાલવાની તેં હા કહી છે, અને તું તે પ્રમાણે ચાલીશ એ પણ હું જાણું છું. પણ તે વસ્તુ સર્વને ગમતી હોય પણ તારા હૃદયમાં જરી પણ અણગમતી હશે તો તેથી તારો જન્મારો બગડશે તે મારાથી નહીં ખમાય. માટે જ હું, તારા મનને બુદ્ધિ આપી તારા મનને આ વાત ગમતી થાય તો જ તેમાં પ્રવૃત્ત થવા ઇચ્છું છું. તારા હૃદયને એક ખૂણે પણ આ વસ્તુ ન ગમતી હોય તો દુઃખી કુસુમ કરતાં દુઃખી કુમુદ સારી. માટે મને તારા મનની ખરેખરી વાત કહી દે કે તું સુખી શાથી થઈશ ? અનેક જનના કલ્યાણના આ કાર્યથી તું સુખી થાય એમ હોય નહીં તો મારે એ કાર્ય નથી આરંભવું. મારો પોતાનો સંકલ્પ તો એટલો જ છે કે એ કાર્ય આરંભવાની ના ઠરશે તો હું માતાપિતાને અપકીર્તિ કે હાનિ ન વેઠવાં પડે ને આ મહાત્માની મારાથી દૃષ્ટિસેવા થાય એવી રીતે - પૃથ્વીનો સ્પર્શ કર્યા વિના ચંદ્ર તેની પ્રદક્ષિણા કરે છે તેમ - પરિવ્રાજિકામઠમાં આયુષ્ય પૂરું કરીશ! કુસુમ, તને ક્યે માર્ગે સુખ થશે તે કહી દે ! કુમુદ તો દુઃખમાં જન્મી છે, દુઃખમાં વસી છે, ને દુઃખમાં મરશે. પણ સુખમાં જન્મેલી મીઠા જળની માછલી જેવી કુસુમને ખારા પાણીમાં નહીં નાખું. તું હસતા મુખથી કહી દે - મારું મુખ હસે કે રુએ એની રજ ચિંતા તું કરીશ નહીં’ કુસુમ, તારું મનોગત કહી દે ને મુક્ત કર ! હવે બીજો એક શબ્દ નહીં! પૂછું ને પૂછ્યું તેટલાની ક્ષમા કરજે.’

કુસુમસુંદરી : ‘બહેન ! તમારા બોલેબોલ સાચા છે ને અનુભવના છે. તમે મારું કલ્યાણ ઇચ્છો છો એવી મારી શ્રદ્ધા છે ને એ કલ્યાણનો માર્ગ તમે બતાવો છો તે પણ સાચો છે એ તમે સ્પષ્ટ કર્યું તે હું પ્રત્યક્ષ કરી શકું છું. વાંધો માત્ર એટલો છે કે મારા હૃદયની કેવી વૃત્તિ છે તે હું સમજી શકતી નથી. વૈદ્ય આપણી નાડી જોઈ રોગ પારખી ઔષધ કરે તેમ તમે સર્વ મારા હૃદયની પરીક્ષા કરી જે ઔષધ કરશો તેથી મારું કલ્યાણ થશે એમ હું હવે માનું છું. મારા શરીરમાં માંહ્ય શું છેુ તે હું જાણતી નથી તેમ મારા હૃદયમાં કેવી નાડીઓ છે તે પણ જાણતી નથી. મારો વૈદ્ય શોધી કાઢો કે તમે જ ઔષધ કરો - મને કાંઈ સમજાતું નથી.’

કુમુદસુંદરી : ‘એ ચિકિત્સા ને ઔષધ સુંદરગિરિના સાધુજનોને મન સહજ છે ને તેમનો અભિપ્રાય પણ હું લઈશ.’

એકબીજાને ગળે હાથ મૂકી બે બહેનો તંબુની દોરીઓ વચ્ચે ને દોરીઓ બહાર ફરતી ફરતી વાતો કરી રહી એટલામાં તો પાછલો પ્રહર થઈ રહેવા આવ્યો, સૂર્ય નમવા લાગ્યો અને બે જણીઓ છૂટી પડી. કુમુદ જે માર્ગેથી આવી હતી તે માર્ગ ઉપર દૃષ્ટિ કરી, વાતો બંધ કરી, આસપાસનો દેખાવ જોતી, ઊભી રહી ત્યાં તંબુમાં કાંઈક શબ્દ થયો. બે જણીઓ તંબુમાં પાછી ફરી તો એક ચંદ્રાવલી ઊભેલી હતી.