Saraswatichandra - 4.4 - 9 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 9

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૯ : મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર

‘I, through the ample air in triumph high,

Shall lead hell captive, mauger hell, and show

The powers of darkness bound.’

-Milton

જે ચોકમં ને કુંજનમાં કુમુદસુંદરીનું સાધ્વીઓએ સખીકૃત્ય કર્યું હતું તે જ સ્થાનમાં પ્રધાનકુટુંબને માટે મોટા બેવડી કનાતના તંબુઓ માર્યા હતા; અને કુમુદ વસંતગુફામાંથી નીકળી તે પહેલાં તો આ તંબુઓમાં એનું કુટુંબ દાખલ થઈ ગયું હતું. ત્યાંના કદંબવૃક્ષને વચ્ચે રાખી ચાર પાસ ચાર તંબુઓ ને વચ્ચે માંડવા અને રાવઠીઓ ઊભી કરી દીધી હતી ને છેટે કનાતના માંડવા રસોઈને માટે બાંધ્યા હતા.

મોહનીમૈયાને સંદેશો આ પહેલાંની રાત્રિએ કહાવ્યો હતો અને તંબુઓ આગળ પથરાઓ ઉપર નાની શેતરંજીઓ પાથરી સર્વ દાતણ કરવા બેઠાં તે વેળા મોહની અહીં આવી, અને એને જોઈ દાતણ કરી રહેલી ગુણસુંદરી સામી ઊઠી.

‘જય શ્રી યદુનંદન’ કહી બે જણાં સામસામી પથરાઓ ઉપર બેઠાં. મોહનીએ યદુનંદનનો પ્રસાદ પડિયામાં ભરેલો આપ્યો.

‘સાધુજનોમાં શાંતિ અને સ્વસ્થતા છે ? - પરિવ્રાજિકાઓના ધર્મવ્યવહાર સુખથી નિર્વિઘ્ને પ્રવર્તે છે ?’ ગુણસુંદરીએ પૂછ્યું.

મોહનીમૈયા : ‘મહારાજની આણ વર્તે છે ને પ્રધાનજી હિતચિંતન કરે છે ત્યાં સાધુજનોને બાહ્ય ભય તો નથી જ અને વિષ્ણુદાસજી જેવા ગુરુજન જાગૃત છે ત્યાં સુધી પરિવ્રાજિકાઓ સાધુતાનો ઉત્કર્ષ જ અનુભવે છે.’

ગુણસુંદરી : ‘મોહનીમૈયા ! હું કાંઈ કાર્યસર આવી છું ને તેમાં તમારો આશ્રય શોધવાનો છે.’

મોહનીમૈયા : ‘ગુણસુંદરી જેવાં પ્રધાનપત્ની કાંઈ પણ સત્કાર્યની જ વાસના રાખશે. સામાન્ય જનને પણ સત્કાર્યમાં આશ્રય આપી સાધુજન કૃતકૃત્યતા માને છે તો આપની વાસનાની તૃપ્તિમાં તો સાધુજનોને ઓર આનંદનું કારણ છે.’

ગુણસુંદરી : ‘મારાં માતા અને મારી બહેન ગણી તમારી સાથે વાત કરું છું.’

મોહનીમૈયા : ‘પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રીને એવી વત્સલતાની ચિંતાઓ પ્રકૃતિ થઈ પડે છે.’

ગુણસુંદરી : ‘તમારી પાસે કાંઈ ગુપ્ત વાત કહેવી છે ને ગુપ્ત વાત પૂછવી છે.’

મોહનીમૈયા : ‘દંપતીનાં પરસ્પર રહસ્ય વિના અન્ય વાત સાધુજનોને પોતાને ગુપ્ત નથી. તેમ વિશ્રંભથી અને ગુપ્ત રાખવા દુઃખીજનોએ કહેલી કથા ગુપ્ત રાખવી એ તો દુઃખીજનને માટે પ્રથમ ઔષધ છે તેમાં સાધુજનોની વૈદ્યવિદ્યા ચૂકે એમ નથી. બાકી આ તો આપનું જ મંડળ છે તેનાથી શું યોગ્ય છે તે આપ જાણો.’

ગુણસુંદરી : ‘આ મંડળથી કાંઈ ગોપ્ય નથી. મોહનીમૈયા ! મધુરીમૈયા નામની બાળા તમારે ત્યાં છે ?’

મોહનીમૈયા : ‘એણે અમારા આતિથેયનો સત્કાર કર્યો છે, એ સર્વ સાધુજનોનું અને સાધ્વીઓનું જીવન થઈ પડી છે, અને પરમ દિવસે જ એ સ્વયંભૂ અભિલાષથી કન્થાધારિણી થઈ છે.’

ગુણસુંદરી : ‘અમે ડૂબઈ ગઈ ધારેલી એ મારી પુત્રી હોવાનો સંભવ છે.’

મોહનીમૈયા : ‘કમળમાં પરાગ ઉદ્‌ભવ પામે તો તે ઉચિત જ છે.’

ગુણસુંદરી : ‘એનું મૂળ નામ કે એના કુટુંબનું નામ કોઈ સાધુજન જાણે છે ?’

મોહનીમૈયા : ‘એક જાણે છે એ પોતે ને બીજા ગુરુજીના પરમ પક્ષપાતનું સ્થાન થયેલા પરમ સાધુજન નવીનચંદ્રજી જાણતા હોય એવું અનુમાન છે.’

ગુણસુંદરી : ‘એ મારી પુત્રી હશે તો સાધુજનોએ એને અમારે સ્વાધીન કરવી પડશે.’

મોહનીમૈયા : ‘સ્વાધીન થવાની એની ઇચ્છા હશે તો સાધુજનોનો ધર્મ તેમાં અંતરાય થઈ પડવાનો થી. પણ સાધુજનોને શરણે આવેલી મધુરીને એની ઇચ્છા ઉપરાંત કોઈને સ્વાધીન કરવાનો સાધુજનોનો ધર્મ નથી અને તેમ કરતાં તેમના જીવ ચાલે એમ પણ નથી. સાધુજનને આશ્રિત થયેલાં સાધુજીવનને દુભાવવાનો કે પોતાને વશ કરવાનો અધિકાર રત્નનગરીના મહારાજોને પણ નથી એ સુપ્રસિદ્ધ વાત આપનાથી અજાણી નહીં હોય.’

સુંદરગૌરી : ‘શું મોહનીમૈયા, આ મારી કુમુદ તમારામાં સાધુડી થઈને રહેશે ને તમે અમને પાછી નહીં સોંપો ?’

મોહની સ્મિત કરતી બોલી : ‘સુંદરગૌરી ! અમે કોઈને શરણે લઈએ છીએ ખરાં પણ પારકાંને શરણે મૂકતાં નથી.’

કુસુમસુંદરી : ‘હાશ, કાકી હાર્યાં ! હવે તો કુમદ ને કુસેમ બે જણ બાવીઓ થશે ને કાકીનું કંઈ ચાલવાનું નથી.’

ક્રોધમાં બોલવા જતી સુંદરને ગુણસુંદરીએ અટકાવી ને પોતે બોલી : ‘મોહનીમૈયા ! તમે સત્ય બોલો છો; પણ મારા જેવી માતાના હૃદયના દુઃખને શાંત કરવું તે તમારો ધર્મ છે.’

મોહનીમૈયા : ‘જો તે કાર્ય ધર્મથી સધાશે તો મોહની તેમાં સજ્જ છે. પણ, પ્રધાનપત્નીજી ! માતાનો ધર્મ એ છે કે સંવનનથી વનિતા થઈ હૃદયથી વરેલા દાયિત જનથી પુત્રીને છૂટી કરવા પ્રયત્ન કરવો નહીં, અને મધુરી તમારી પુત્રી હોય તો તમે મધુરીને એક વાર વિયોગિની કરી, તે પછી એનો પરજન સાથે વંચના-વિવાહ કરાવી, એની પાસે પરગૃહમાં વાસી વસાવી, અને એક વાર આ મહાન અપરસ અનર્થ અધર્મ કરી, હવે ફરીથી એવું કાર્ય આરંભવા ઇચ્છશો તો સાધુજનો મધુરીનું પરમ રક્ષણ કરજો. જો મધુરી જાતે જ તમારી ઇચ્છાને આનંદથી સ્વીકારશે તો સાધુજનો તેને પતિત્યાગના પરમ અધર્મમાંથી નિવારવા ગુરુ પ્રયત્ન કરશે અને એ પ્રયત્નમાં નહીં ફાવે તો મધુરીને અધર્મિણી અને સ્વૈરિણી ગણી એનો ત્યાગ કરવો ઉચિત ગણશે તે આપને પણ ગમશે. આપના ભયથી કે લજ્જાથી કે સ્ત્રીહૃદયની ગુહાઓ ઉપરના અનેક પટમાંના કોઈ પણ પટના આકર્ષણથી તે આપની જોડે આવવાની મુખથી હા કહેશે તો સાધુજનો એની અબળા જિહ્‌વાનો આધાર ન રાખતં એના હૃદયના અંતર્ભાગની શુદ્ધ વાસનાને સૂક્ષ્મ ચિકિત્સા કરી જાણી લેશે, ને તે ચિકિત્સાને અંતે એને જો આપની જોડે આવવું ઇષ્ટ જણાશે તો સાધુજનો વાંધો નહીં પાડે; પણ સાધુજનોના શુદ્ધ ધર્મને અનુસરી નવીનચંદ્રજી સાથે કે અમારા મઠમાં રહેવાની એની અંતર્વાસના જણાશે તો સુંદરગિરિ એને સુંદર આશ્રય આપશે, એ આશ્રય આપતાં સ્થૂળ બળના જે પ્રહાર પડશે તે સાધુજનો સહી લેશે, ને બાહ્ય શીતૌષ્ણ્યથી જેમ આપે એને નવ માસ સુધી ગર્ભમાં સુરક્ષિત રાખી હતી તેમ સાધુજનો એના આયુષ્યપર્યંત એને પોતાની વચ્ચોવચ, પરમ બળથી અને અલખના અધિકારથી સુરક્ષિત રાખી શકશે ને રાખશે. પણ અધર્મ જેમાં પ્રાપ્ત નહીં થતો હોય એવો કોઈ માર્ગ આપને કે મધુરીને મધુર બુદ્ધિને સૂઝશે તો યદુનંદનના સર્વ પ્રસાદની સામગ્રી આપના દુઃખની શાંતિને માટે જ સર્વથા સ્વાધીન સમજવી.’

ગુણસુંદરી : ‘સાધુજનોનો અધિકાર એના ઉપર શી રીતે આવ્યો ? એનું વૈધવ્ય ગણો તો એણે શ્વશુર કુટુંબમાં જવું જોઈએ ને કૌમાર ગણો તો અમારી પાસે એણે વસવું જોઈએ એવી સંસારની વ્યવસ્થા છે, ધર્મશાસ્ત્રનો આદેશ છે, ને મહારાજ મણિરાજની સાર્વજનિક આજ્ઞા છે. સાધુજનો સાધુજનો ઉપર પોતાનો અધિકાર વાપરે તે યોગ્ય છે પણ સંસારીઓનાં કુટુંબ ઉપર તમે અધિકાર વાપરો તેથી તમારી મર્યાદાનું ઉલ્લંઘન નહીં થાય? ક્રોધ ન કરશો.’

મોહનીમૈયા : ‘પ્રધાનપત્નીજી, પ્રશ્ન પુછો છો તેમાં સાધુજનો શા માટે ક્રોધ કરે? તેમાં આ તો ઉચિત પ્રશ્ન છે. તો ઉત્તર સાંભળો. સંસારને માટે બંધાયેલાં ધર્મશાસ્ત્રમાં તો ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમહંતિ એટલે સુધી છે; પણ અલખ માર્ગનું ધર્મશાસ્ત્ર સ્ત્રીને અધ્યાત્મદૃષ્ટિથી જુએ છે ને આ સૂત્રને ક્ષુદ્ર ગણે છે. સંસારની વ્યવસ્થા તો ત્રીસ વર્ષના પુત્રને પણ માતાપિતા પાસે બાળક ગણાવે છે ને એવા પુત્ર ઉપર સંસારી માતાપિતા આજ્ઞા કરતાં લજ્જાનું કારણ જોતાં નથી. અલખ યોગીઓની મઠવ્યવસ્થામાં વયોબાલ યુવાન થાય છે તેની સાથે પોતાના હૃદયકમળમાં રહેલા પરમજ્યોતિને પ્રત્યક્ષ કરે છે ને એ જ્યોતિના પ્રકાશને મનુષ્યની આજ્ઞાથી અવચ્છિન્ન કરવો કે અસ્વતંત્ર તેને અમારો સાધુસંપ્રદાય એક મહાન અધર્મ અને અનર્થ માને છે. મહારાજ મણિરાજની આજ્ઞાઓ સંસારમાં આવશ્યક છે પણ સુંદરગિરિ ઉપરના સાધુજન સાધુતાને વશ રહે ત્યાં સુધી મહારાજની આજ્ઞાઓ પણ માત્ર સૂચનારૂપ ગણાય છે એવા વિચાર, લેખ અને આચાર પરાપૂર્વથી છે.’

ચંદ્રાવલીમૈયાને આપનો સંદેશો કાલ પહોંચ્યો હતો તે એમણે મને વિદિત કર્યો હતો તે ઉપરથી આપને દર્શાવવાને માટે આ લેખોમાંના પ્રતિલેખ પરિવ્રાજિકામઠમાં રહે છે તે મેં આણ્યા છે તે દેખાડીશ. જે શરીર બાળક છે ને સંસારીને ત્યાં જન્મ પામેલું છે તેના ઉપર અમારો અધિકાર નથી. પણ એ શરીર બાળકવચ મૂકી તરુણ થઈ અમારો આશ્રય શોધે ને અમે આપીએ તો એ શરીર ઉપર તેનાં જનકજનનીના અને સર્વસંસારિક સંબંધીઓના સંબંધ તુટી જાય એવો અમારો અધિકાર આ લેખોએ વારંવાર સિદ્ધ કરેલો છે. મહારાજ મણિરાજનું બાળક તરુણ થઈ આ સ્થાને શરણ માગે તો તેના ઉપર પણ અમારો અધિકાર પ્રાપ્ત થાય છે ને મહારાજની આજ્ઞાઓ તેને પહોંચતી નથી.’

સુંદર વીલી અને દુઃખી થઈ બોલી : ‘ત્યારે શું મારી કુમુદ અમારી મટી ?’

મોહનીમૈયા : ‘સુંદરગૌરી ! શા માટે શોક કરો છો ? એ મમતામૂલક પ્રશ્ન અમારે ત્યાં નિષ્ફળ છે. સંસારિકી મમતાનો અમે ત્યાગ કરીએ ને કરાવીએ છીએ.’

સુંદરગૌરી : ‘ત્યારે શું કુમુદનું કલ્યાણ કરવાનો અમારો અધિકાર ઊતરી ગયો ?’

હસીને મોહની બોલી : ‘તમે વળી ક્યે દિવસે એ અધિકાર તમારી પાસે રાખ્યો છે જે ! તમે વિવાહની વંચના કરી એના કહેવાતા પતિને એને સોંપી દીધી તે દિવસથી તમારો અધિકાર તમે એ કહેવાતા પતિને સોંપી દીધો. તમારી પાસે તે હવે ક્યાં છે ? સત્ય જોતાં તો એ સોંપવાનો અધિકાર પણ તમારી પાસે તમે માન્યો તે તમારો મહાન દૃષ્ટિદોષ થયો, એ દોષ જે કાર્યનું કારણ થયો તે મહાન અને ક્રૂર અધર્મ થયો, એથી તમારી નિર્દોષ પ્રિય પુત્રીને જે પ્રહાર વેઠવા પડ્યા તેથી સિદ્ધ થયું કે તમે એનું કલ્યાણ કરવાને શક્તિહીન છો, અને જે કલ્યાણ કરવા માતાપિતા અશક્ત નીવડ્યાં તે કલ્યાણ આમ સાધુજનોએ એને પ્રાપ્ત કરાવ્યું. હજી વધારે સૂક્ષ્મ વિચાર કરો તો આ અધર્મ અને અકલ્યાણનું પાપ આવી વ્યવસ્થાની કારણભૂત રાજનીતિ અને એ નીતિ પાળનાર રાજાને પણ સ્પર્શે છે. ભારતવર્ષના મહારાજ ભરતના પિતા દુષ્યંતનું વાક્ય છે કે જ્યારે જ્યારે માતાપિતા આદિ સ્નિગ્ધ સંબંધીઓનો મારી પ્રજાને વિયોગ થશે ત્યારે ત્યારે તેમનું અપાપ સંબંધી કૃત્ય હું કરીશ. આ વિયોગ તે કેવળ મૃત્યુજન્મ નહીં પણ બુદ્ધિભ્રમાદિજન્ય ગણવો; એટલે બુદ્ધિશ્રમથી માતાપિતાદિક વર્ગ પુત્રાદિકનું સ્નેહથી કલ્યાણ કરવું મૂકી દે ત્યારે પણ એ સ્નેહમય માતાપિતાદિકનો પુત્રાદિકને વિયોગ થવો જ ગણવો અને એ માતાપિતાદિકે પડતું મૂકેલું કાર્ય રાજાએ આરંભવું એવું અમારા પ્રાચીન રાજધર્મવેત્તાઓ લખી ગયા છે. આપણા મહારાજ એ ધર્મ પાળતા નથી તે તમારા ભ્રષ્ટ સંસારને ગમતું હશે, પણ અમારા સુંદરગિરિ ઉપર તો મહારાજે પડતો મૂકેલો એ ધર્મ પાળવાનું કામ અમે ત્રિમઠનું અધિષ્ઠાતૃમંડળ કરીએ છીએ ને એવા એવા રાજધર્મથી સાધુજનોનાં કલ્યાણ સાધીએ છીએ. સુંદરગૌરી, તમે મધુરીનું જે કલ્યાણ ધારો છો તે તેના હૃદયને પણ કલ્યાણરૂપ ભાસશે તો અમે એના હૃદયના જ્યોતિને પરવશ નહીં કરીએ, પણ તેમ નહીં હોય તો તમે તેને પરવશ કરો એવું થવા પણ નહીં દઈએ.’

ગુણસુંદરી : ‘મારા સ્વામીનાથે તમારો આ અધિકાર મને કહી દીધો છે ને એ અધિકારને વશવર્તિની થઈને તમારો આશ્રય માગવાનું કહ્યું છે.’

મોહનીમૈયા : ‘તેઓ શુદ્ધ ધર્મજ્ઞ છે.’

ગુણસુંદરી : ‘તો તમે કેવે પ્રકારે આશ્રય આપી શકશો ?’

મોહનીમૈયા : ‘ગુરુજીની આજ્ઞાથી નવીનચંદ્રજી ચિરંજીવશૃંગ પર વસતા હતા અને અમારા સખીકૃત્યથી મધુરીમૈયાને તેમનાં દર્શનનો ને સમાગમનો લાભ થયેલો છે. મધુરીમૈયાએ કંથા ધારી તે પણ આ પુણ્ય સમાગમનું જ ફળ થયું છે. નવીનચંદ્રજી અત્યારે ત્યાંથી પાછા ફરી ગુરુજી પાસે ગયા હશે, અને મધુરીમૈયાને લઈ ચંદ્રાવલીમૈયા અમારા મઠમાં પાછાં આવશે. મારું કામ ન હોય તો હું ત્યાં જઈ તેમને અહીં મોકલીશ અને મધુરીમૈયા આપની પુત્રી જ નીવડે તો તેના હૃદયની ઇચ્છા જાણી લઈ ચંદ્રાવલીને કહેશો અને તેનાથી તે જાણી, શો નિર્ણય કરવો તે વિચારવા હું સમર્થ થઈશ.’

સુંદરગૌરી : ‘કુમુદ અમારે ઘેર આવવાની હા કહેશે તોયે તમે એને નહીં આવવા દો ?’

મોહનીમૈયા : ‘એ હા એના હૃદયની હશે તો આવવા દઈશું - નીકર નહીં. એનું મુખ એના હૃદયનો મંત્ર પ્રકટ કરે છે કે નહીં તે અમારે વિચારવાનું.’

સુંદરગૌરી : ‘ઠીક. ભાભીજી, એટલી છોકરી કહેશે તે ખરું ને તમે એનાં મા કહેશો તે ખોટુું. આપણે કોઈને મળ્યા વિના અહીંથી જ પાછાં જઈએ તો હવે શું ખોટું ? એ રાંક છોકરીને આ બાવાબાવીઓએ સાંઢ જેવી કરી.’

મોહનીમૈયા : ‘તમને ન રુચતું હોય તો પણ અમે અવશ્ય એ મહાફળ સાધ્યું છે ને તમારે જવું કે રહેવું તે તમારી સ્વતંત્રતાની વાત છે.’

ગુણસુંદરી : ‘મોહનીમૈયા ! ચિરંજીવશૃંગ ઉપર કુમુદ નવીનચંદ્ર જોડે કેવી જાતના સંસર્ગથી રહી હતી ?’

મોહનીમૈયા : ‘અન્ય જનથી તો તે ગોપ્ય જ હોવું જોઈએ પણ તમે તેની જનની છો ને ચંદ્રાવલી ખરા સમાચાર જાણતાં હશે તે તમને આ વાત કહેશે.’

ગુણસુંદરી : ‘કુમદને તમારે ત્યાં રહેવાનું ઠરે તો ક્યાં રાખશો ?’

મોહનીમૈયા : ‘વિહારમઠમાં નવીનચંદ્રજી જશે તો તેની સાથે, ત્યાં નવીનચંદ્રજી નહીં જાય તો મધુરીમૈયા મારી સાથે પરિવ્રાજિકામઠમાં રહેશે, અને ગુરુજી અન્યત્ર વાસ આપશે તો ત્યાં જશે. પણ જ્યાં જશે ત્યાં સુંદરગિરિની છાયામાં રહેશે.’

ગુણસુંદરી : ‘જ્યાં સુધી અને આ સ્થાનથી રત્નનગરી જઈએ ત્યાં સુધી અને અમને અવશ્ય લાગે તો તે પછી કુમુદનું નામ અને એનો અમારો સંબંધ ગુપ્ત રાખવાનું બનશે ? તમે જેને પુણ્ય સમાગમ કહો છો તેને અમે અધોગતિ કહીએ છીએ તે વસ્તુ કુમુદ પામી હોય તો તેને પણ ગુપ્ત રાખી શકશો ?’

મોહનીમૈયા : ‘એનો પૂર્વાશ્રમ પ્રકટ ન કરવો એ તો અમારો ધર્મ જ છે. એનો સમાગમ જાતે સર્વને પ્રત્યક્ષ થશે તો અમે તટસ્થ રહીશું ને પરોક્ષ રહેશે તો અમે પ્રકટ નહીં કરીએ. તેને ઉન્નતિરૂપ ગણવો કે અધોગતિરૂપ ગણવો એ તો હૃદયહૃદયનો પોતાનો જેવો અધિકાર.’

ગુણસુંદરી : ‘એટલું બહુ છે. તેટલું ગુપ્ત રાખજો ને તમે જઈને એને મોકલો.’

મોહનીમૈયા : ‘અમારા અધિકારના ઉલ્લેખ આપને જોવા છે ?’

ગુણસુંદરી : ‘એ જોવા કરતાં ન જોવાસારા છે. કુસુમ ! એમાં તારે વાંચવા જેવું નથી - જે હોય તે એમને આપી દે.’

કુસુમ આપતી આવતી વાંચતી રહી નહીં ને મોટેથી વાંચતી વાંચતી એક પછી એક પત્ર આપતી ગઈ.

‘These anchorites live an innocent, free, unalloyed holy and refined life which is quite anomalous, not only in this province, but in the whole of modern India. Probably they are a relic of some very ancient stage of the glorious days of Indian civilisation. The Chief of this state have always not only extened to them liberan assistance and encouragement; but have also, with genuine veneration, allowed to them all the sphere and privileges of self-government and all protection against any trespasses by a depraved outside world which a microscopic but nobly planned indigenous republic might have the rare luck of desiring and enjoying in the midst of the semi-barbarous age surging outside their castlewalls. The British Government has therefore wisely, not only comfirmed, but even guaranteed the independance and intrerity of this body of holy men, lest a change of views among the rulers of the State should ever tempt any future incumbents of the gadi to contaminate or crush so noble and welldeserving an institution.’

-Extract from the correspondence of the British Representative to H. H. the Maharaj Nagaraja.