Satya na Prayogo Part-4 - Chapter-17 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-4 - 17

Featured Books
Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-4 - 17

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૭. લોકેશનની હોળી

જોકે દરદીઓની સારવારમાંથી મારા સાથીઓ અને હું મુક્ત થયા તોપણ

મરકીમાંથી ઉત્પન્ન થયેલાં બીજાં કામો તો માથે ઊભાં જ હતાં.

લોકેશનની સ્થિતિ વિશે મ્યુનિસિપાલિટી ભલે બેદરકાર હોય, પણ ગોરા શહેરીઓના આરોગ્યને વિશે તો તે ચોવીસે કલાક જાગ્રત હતી. તેમનું આરોગ્ય જાળવવા સારુ ખર્ચ કરવામાં તેણે કચાશ નહોતી રાખી, અને આ પ્રસંગે મરકીને આગળ વધતી અટકાવવા સારુ તો તેણે પાણીની જેમ પૈસા રેડ્યા. મેં મ્યુનિસિપાલિટીના હિંદીઓ પ્રત્યેના ઘણા દોષો જોયા હતા, છતાં ગોરાઓ માટેની આ કાળજીને સારુ મ્યુનિસિપાલિટીને માત આપ્યા વિના હું ન રહી શક્યો અને તેના આ શુભ પ્રયત્નમાં મારાથી જેટલી મદદ દઈ

શકાય તેટલી મેં દીધી. હું માનું છું કે તે મદદ મેં ન દીધી હોત તો મ્યુનિસિપાલિટીને મુશ્કેલી પડત ને કદાચ તે બંદૂકવાળાનો ઉપયોગ કરત, કરતાં ન અચકાત, ને પોતાનું ધાર્યું કરત.

પણ તેવું કંઈ ન થવા પામ્યું. હિંદીઓની વર્તણુકથી મ્યુનિસિપાલિટીના અમલદારો રાજી થયા ને ત્યાર પછીનું કેટલુંક કામ સરળ થઈ પડ્યું. મ્યુનિસિપાલિટીની માગણીઓને વશ વર્તાવવામાં હિંદીઓની ઉપર મારી જેટલી અસર હતી તેટલી મેં વાપરી. એ બધું કરવું

હિંદીઓને સારુ ઘણું અઘરું હતું, પણ એકકેએ મારું વચન ઉથાપ્યું હોય એવું મને સ્મરણ નથી.

લોકેશનની આસપાસ પહેરો બેઠો. તેમાંથી રાજા વિના કોઈ નીકળી ન શકે, ન કોઈ તેમાં રાજા વિના પેસી શકે. મારા સાથીઓને અને મને છૂટથી અંદર જવાના પરવાના આપ્યા હતા. મ્યુનિસિપાલિટીની મતલબ લોકેશનમાં રહેનાર બધાને ત્રણ અઠવાડિયાં લગી જોહાનિસબર્ગની તેર માઈલ દૂર ખુલ્લા મેદાનમાં તંબૂ તાણી વસાવવાની ને લોકેશનને સળગાવી મેલવાની હતી. ભલે તંબૂનું છતાં નવું ગામ વસાવવામાં, ત્યાં ખોરાક ઇત્યાદિ લઈ

જવામાં કાંઈક દિવસ તો જાય જ. તે દરમિયાન મજફૂર પહેરો ગોઠવવામાં આવ્યો.

લોકો ખૂબ ગભરાયા. પણ હું તેમને પડખે હોવાથી તેમને આશ્વાસન હતું. આમાંના ઘણા ગરીબો પોતાના પૈસા પોતાના ઘરમાં દાટી મેલતા. હવે તે ખસેડવા રહ્યા. તેમને બૅંક ન મળે, બૅંકને તેઓ ન જાણે. હું તેમની બૅંક બન્યો. મારે ત્યાં પૈસાનો ઢગલો થયો. મારાથી આવે સમયે મહેનતાણું લેવાય તેમ તો નહોતું જ. અગવડે-સગવડે આ કામને પહોંચી વળ્યો.

અમારી બૅંકના મૅનેજરની સાથે મારે સારો પરિચય હતો. ત્યાં ઘણા પૈસા મારે મૂકવા પડશે એ મેં તેમને જણાવ્યું. બૅંકો તાંબાનાણું અને રૂપાનાણું બહુ લેવા તૈયાર નથી હોતી. વળી

મરકીક્ષેત્રમાંથી આવતા પૈસાનો સ્પર્શ કરતાં મહેતાઓ આનાકાની કરે એવો પણ સંભવ હતો. મૅનેજરે મને બધી સગવડ કરી આપી. પૈસા જંતુનાશક પાણીમાં ધોઈને બૅંકમાં

મોકલવાનો ઠરાવ થયો. આમ લગભગ ૬૦,૦૦૦ પાઉન્ડ બૅંકમાં મુકાયા એવું મને સ્મરણ છે. જેમની પાસે વધારે નાણાં હતાં તેમને બાંધી મુદતને સારુ વ્યાજે મૂકવાની મેં અસીલોમાં સલાહ આપી. તે તે અસીલને નામે આમ કેટલાક પૈસા મુકાયા. આનું પરિણામ એ આવ્યું કે તેમાંના કેટલાક બૅંકમાં પૈસા રાખવા ટેવાયા. લોકેશનનિવાસીઓને કિલપસ્પ્રુટ ફાર્મ નામે જોહાનિસબર્ગની પાસે સ્થળ છે ત્યાં સ્પેશિયલ ટ્રેનમાં લઈ ગયા. અહીં તેમને સીધુંપાણી મ્યુનિસિપાલિટીએ પોતાને ખરચે પૂરું પાડ્યું. આ તંબૂના ગામનો દેખાવ સિપાઈઓની છાવણી જેવો હતો. લોકોને આમ રહેવાની ટેવ નહીં તેથી માનસિક દુઃખ થયું, નવું નવું

લાગ્યું, પણ ખાસ અગવડ ભોગવવી પડી નહીં. હું દરરોજ એક આંટો બાઈસિકલ ઉપર જતો. ત્રણ અઠવાડિયામાં આમ ખુલ્લી હવામાં રહેવાથી લોકોના આરોગ્યમાં અવશ્ય સુધારો થયો. અને માનસિક દુઃખ તો પહેલા ચોવીસ કલાક નહોતા વીત્યા ત્યાં જ ભુલાયું. એટલે પછી તેઓ આનંદથી રહેવા લાગ્યા. હું ત્યાં જાઉં ત્યારે તેમનાં ભજનકીર્તન, રમતગમત

ચાલતાં જ હોય.

મને યાદ છે તે પ્રમાણે, જે દિવસે લોકેશન ખાલી કર્યું તેને બીજે દહાડે તેની હોળી કરવામાં આવી. એક પણ વસ્તુ તેમાંથી બચાવી લેવાનો લોભ મ્યુનિસિપાલિટીએ ન કર્યો.

આ જ અરસામાં ને તે જ કારણને સારુ મ્યુનિસિપાલિટીએ પોતાની મારકેટનું લક્કડકામ પણ બધું બાળી નાખી દસેક હજાર પાઉન્ડનું નુકશાન માથે લીધું. મારકેટમાંથી મૂએલા ઉંદર જડ્યા હતા તેથી આ આકરું પગલું ભરવામાં આવ્યું હતું. મોટું ખર્ચ તો થયું, પણ પરિણામ એ આવ્યું કે મરકી આગળ વધવા ન જ પામી. શહેર નિર્ભય થયું.