Satya na Prayogo Part-4 - Chapter-16 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-4 - 16

Featured Books
Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-4 - 16

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૬. મરકી - ૨

આ પ્રમાણે મકાનનો ને મંદાનો કબજો લીધાને સારુ ટાઉનફ્‌લાર્કે મારો ઉપકાર

માન્યો ને પ્રામાણિકપણે કબૂલ કર્યું : ‘અમારી પાસે આવી સ્થિતિને અમારી મેળે એકાએક પહોંચી વળવાનું સાધન નથી. તમને જે મદદ જોઈએ તે માગજો ને બની શકશે તે ટાઉન કાઉન્સિલ આપશે.’ પણ ઘટતા ઈલાજો લેવામાં સાવધાન થયેલી આ મ્યુનિસિપાલિટીએ સ્થિતિને પહોંચી વળવા વિલંબ ન કર્યો.

બીજે દિવસે એક ખાલી પડેલા ગોદામનો કબજો મને આપ્યો, ને ત્યાં દરદીઓને

લઈ જવા સૂચવ્યું. તે સાફ કરવાનો બોજો મ્યુનિસિપાલિટીએ ન ઉપાડ્યો. મકાન મેલું ને ગોજું હતું. અમે જાતે જ તેને સાફ કર્યું. ખાટલા વગેરે સખી દિલના હિંદીઓની મદદથી એકઠા કર્યા ને તાત્કાલિક કામચલાઉ ઇસ્પિતાલ ઊભી કરી. મ્યુનિસિપાલિટીએ એક નર્સ

મોકલી ને તેની સાથે બ્રૅડીની બાટલી ને બીજી દરદીઓને જોઈતી વસ્તુઓ મોકલી. દાક્તર ગૉડફ્રેનો ચાર્જ કાયમ રહ્યો.

નર્સને અમે ભાગ્યે જ દરદીઓને અડકવા દેતા હતા. નર્સ પોતે અડકવાને તૈયાર હતી. સ્વભાવે ભલી બાઈ હતી, પણ તેને જોખમમાં ન આવવા દેવાનો અમારો પ્રયત્ન હતો.

દરદીઓને વખતોવખત બ્રૅંડી આપવાની સૂચના હતી. અમને પણ ચેપમાંથી બચવા સારુ નર્સ થોડી બ્રૅંડી લેવા સૂચવતી ને પોતે પણ લેતી. અમારામાંથી કોઈ બ્રૅંડી લે તેમ

નહોતું. મને તો દરદીઓને પણ બ્રૅંડી આપવામાં શ્રદ્ધા નહોતી. દાક્તર ગૉડફ્રેની પરવાનગીથી ત્રણ દર્દીઓ જે બ્રૅંડી વિના ચલાવવા તૈયાર હતા ને માટીના પ્રયોગો કરવા દેવાને તૈયાર હતા તેમને માથે ને છાતીએ જ્યાં દુઃખ થતું હતું ત્યાં મેં માટી મૂકવાનો પ્રયોગ કર્યો. આ ત્રણ દરદીઓમાંથી બે બચ્યા, બાકીના બધા દરદીઓનો દેહાંત થયો. વીસ દરદી તો આ ગોદામમાં જ ચાલ્યા ગયા.

મ્યુનિસિપાલિટીની બીજી તૈયારીઓ ચાલી રહી હતી. જોહાનિસબર્ગથી સાત માઈલ

એક લેઝરેટો એટલે ચેપી દરદીઓની ઇસ્પિતાલ હતી ત્યાં તંબૂ ખડા કરી આ ત્રણ દરદીઓને

લઈ ગયા. બીજા મરકીના કેસ થયા તો તેને પણ ત્યાં જ લઈ જવાની ગોઠવણ કરી. અમે આ કામમાંથી મુક્ત થયા. થોડા જ દિવસમાં અમારા જાણવામાં આવ્યું કે પેલી ભલી નર્સને

મરકી થઈ આવી હતી ને તેનો દેહાંત થયો. પેલા દરદીઓનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ કહી ન શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રદ્ધા અને દવા તરીકે પણ દારૂના ઉપયોગ વિશે મારી અશ્રદ્ધા વધ્યાં. હું જાણું છું કે આ શ્રદ્ધા અને અશ્રદ્ધા બંને પાયા વિનાનાં ગણાય. પણ મારા ઉપર તે વેળાએ પડેલી અને હજુ સુધી ચાલતી આવતી છાપને હું ધોઈ શકતો નથી, ને તેથી આ પ્રસંગે નોંધ લેવી આવશ્યક ગણું છું.

આ મરકી ફાટી નીકળી કે તુરત મેં છાપામાં, મ્યુનિસિપાલિટીની લોકેશન પોતાને હાથ આવ્યા પછીની વધેલી બેદરકારીને સારુ ને મરકીને સારુ જવાબદારી મ્યુનિસિપાલિટીની છે, એવો સખત કાગળ લખ્યો હતો. તે કાગળે મને મિ. હેનરી પોલાક મેળવી આપ્યા ને તે કાગળ મરહૂમ જોસેફ ડોકની મુલાકાતનું એક કારણ થઈ પડ્યો હતો.

આગલાં પ્રકરણોમાં હું સૂચવી ગયો છું કે હું જમવા એક નિરામિષ ભોજનગૃહમાં જતો. ત્યાં મને મિ. આલ્બર્ટ વેસ્ટની ઓળખાણ થયેલી. અમે હંમેશાં સાંજે આ ગૃહમાં ભેળા થતા ને ખાઈને સાથે ફરવા જતા. વેસ્ટ એક નાના છાપખાનામાં ભાગીદાર હતા. તેમણે છાપમાં મરકીને વિશે મારો કાગળ જોયો ને મને જમવા વખતે વીશીમાં ન જોયો તેથી તે ગભરાયા.

મેં ને મારા સાથી સેવકોએ મરકી દરમિયાન ખોરાક ઓછો કર્યો હતો. ઘણો વખત થયાં મારો પોતાનો નિયમ હતો કે, મરકીના વાયરા હોય ત્યારે પેટમાં જેમ ઓછો ભાર તેમ

સારું. એટલે સાંજે મેં ખાવાનું બંધ કર્યું હતું. અને બપોરે બીજા જમનારાઓને કોઈ પણ જાતના ભયથી દૂર રાખવા ખાતર કોઈ ન આવ્યા હોય તેવે વખતે જઈ જમી આવતો.

ભોજનગૃહના માલિકની સાથે તો મને ગાઢ પરિચય હતો. તેને મેં વાત કરી મૂકી હતી કે, હું મરકીના દરદીઓની સેવા કરતો હોવાથી બીજાઓનો સ્પર્શ ઓછામાં ઓછો રાખવા માગું છું.

આમ મને વીશીમાં ન ભાળવાથી બીજે કે ત્રીજે જ દિવસે સવારના પહોરમાં, હજુ હું બહાર નીકળવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં, વેસ્ટે મારી કોટડીનું બારણું ખખડાવ્યું.

બારણું ઉઘાડ્યું તેવા જ વેસ્ટ બોલ્યા :

‘તમને વીશીમાં ન જોયા તેથી હું તો ગભરાયો કે રખેને કંઈ તમને તો નહીં જ થયું હોય ? એટલે અત્યારે તો તમે મળશો જ એમ સમજી આવ્યો છું. મારાથી કંઈ મદદ

થઈ શકે એમ હોય તો કહેજો. હું દરદીઓની સારવારને સારુ પણ તૈયાર છું. તમે જાણો છો કે મારી ઉપર મારું પોતાનું પેટ ભરવા ઉપરાંત કશી જવાબદારી નથી.’

મેં વેસ્ટનો આભાર માન્યો. એક મિનિટ પણ વિચાર કરતા લીધી હોય એવું મને યાદ નથી. હું બોલ્યો :

‘તમને નર્સ તરીકે તો હું ન જ લઉં. જો બીજા દરદીઓ નહીં નીકળે તો અમારું કામ એક બે દિવસમાં જ પૂરું થશે. પણ એક કામ છે ખરું.’

‘એ શું ?’

‘તમે ડરબન જઈ ‘ઈન્ડિયન ઓપીનિયન’ પ્રેસનો વહીવટ હાથ ધરશો ? મદનજીત તો હાલ અહીં કામમાં રોકાયા છે. ત્યાં કોઈને જવાની તો જરૂર છે જ. તમે જાઓ તો મારી તે તરફની ચિંતા તદ્દન હળવી થઈ જાય.’

વેસ્ટે જવાબ દીધો :

‘મારી પાસે છાપખાનું છે તે તો તમે જાણો છો. ઘણે ભાગે તો હું જવા તૈયાર થઈશ. છેવટનો જવાબ આજે સાંજે આપું તો બસ થશે ના ? ફરવા નીકળી શકો તો ત્યારે વાત કરીએ.’

હું રાજી થયો. તે જ દિવસે સાંજે થોડી વાતચીત કરી વેસ્ટને દર માસે દશ પાઉન્ડનો પગાર ને છાપખાનામાં કંઈ નફો રહે તો તેમાંથી અમુક ભાગ આપવાનું ઠરાવ્યું.

વેસ્ટ પગારને ખાતર જવાના નહોતા, એટલે તેનો સવાલ તેમની આગળ નહોતો. બીજે જ દિવસે રાતની મેલમાં વેસ્ટ પોતાની ઉઘરાણી મને સોંપી ડરબન રવાના થયા. ત્યારથી તે

મેં દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં લગી તે મારા સુખ દુઃખના સાથી રહ્યા. વિલાયતના એક પરગણાના ગામ લાઉથના એક ખેડુ કુટુંબના, નિશાળની સામાન્ય કેળવણી પામેલ, જાતમહેનતથી અનુભવની નિશાળમાં શીખેલ ને ઘડાયેલ, શુદ્ધ, સંયમી, ઈશ્વરથી ડરનાર,

હિંમતવાન, પરોપકારી અંગ્રેજ તરીકે મેં વેસ્ટને હમેશાં ઓળખેલ છે. તેમનો અને તેમના કુટુંબનો પરિચય આપણને આ પ્રકરણોમાં હજુ વધારે થવાનો બાકી રહે છે.