Saurashtra ni Rasdhar - Mulu Mer in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | મૂળુ મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મૂળુ મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


મૂળુ મેર

ઇ.સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ ‘ભેટાળી’ ૧ પાડ્યું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઇએ, તો એના ત્રણ કોઠા દેખાય, ચોથો અદૃશ્ય રહેઃ એવી એની રચના કરી હતી.

એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળુ (મીણંદના) એ ના પાડી, તેથી નગરનો ચારણ સ્ત્રીનો વેશ પહેરીને જામસાહેબની કચેરીમાં ગયો. જામ જસાજીએ પૂછ્યુંઃ “કવિરાજ, આમ કેમ?”

ગઢવી બોલ્યોઃ “અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઇએ ના?” ગઢવીએ દુહો કહ્યોઃ

ઊઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો,

રાણો વસાવશે ઘૂમલી, (તો) જામ માગશે ટૂકો.

જસા જામે બધી હકીકત જાણી. એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાની ગઢની સહાયથી પાછો ઘૂમલી નગર હાથ કરી લેશે.

જામે પોતાના જમણા હાથ જેવો જોદ્ધા મેરુ ખવાસને આજ્ઞા કરી કે ભેટાળીને તોડી નાખો. નગરના સેનાપતિ મેરુ ખવાસે રાણાને કહેણ મોકલ્યુંઃ “વડાળું ભાંગીશ.”

રાણાએ જવાબ વાળ્યોઃ “ખુશીથી; મારો મૂળુ મેર તમારી મહેમાનગતિ કરવા હાજર જ છે.”

જેઠવાની અને જામની ફોજો આફળી. એક મહિનો ને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું.

એક મહિનો ને આઠ દી, ઝુલાવ્યો તેં જામ,

ગણીએ ખવે ગામ, માભડ વડાળું મૂળવા!

પછી મેરામણ ખવાસે ‘લક્કડગઢ’ નામનો એક હાલીચાલી શકે તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો. ધીરે ધીરે લક્કગઢને ભેટાળીની નજીક નજીક લાવતા ગયા. આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્યે ભેટાળીની ભીંતે ચડવા માંડ્યું. ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદુકો છૂટી. લક્કડગઢમાંથી હારો હારો દાણા સમાય એવડાં નગારું મૂળુ (મીણંદનો) ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી.

લાદા તંબુ લૂંટિયા, નગારાં ને નિસાણ,

મોયેં હરમત મૂળવો, ખાંડા હાથ ખુમાણ,

જામનું રાવલ નામે ગામ જે નજીક હતું, તેમાં મૂળુએ હાક બોલાવી.

વડાળા સું વેર; રાવળમાં રે’વાય નૈ,

મોઢો જાગ્યો મેર, માથાં કાપે મૂળવો.

(જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડિયો મેર મૂળુ એવો જાગ્યો છે કે માથાં કાપી લે છે.)

રાવળ માથે આવિયો, રવ્ય ઊગમતે રાણ,

મોયેં પૂગો મૂળવો, ખાંડા હાથ ખુમાણ.

(રવિ (સૂર્ય) ઊગતાંની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો, ત્યાં હાથમાં ખડ્‌ગ લઇને મૂળુ મેર અગાઉથી પહોંચી ગયેલો.)

દળ ભાગાં દો વાટ, માળીડા મેલે કરે,

થોભે મૂળુ થાટ, રોકે મેણંદરાઉત,

(પોતાના ઉતારા છોડીને લશ્કર બન્ને બાજુ નાસી છૂટ્યાં. પણ મૂછદાઢીના થોભાના ઠાઠવાળો મીણંદુ મેરનો પુત્ર મૂળુ એ નાસતા કટકને રોકી રાખે છે.)

કહીંઇં તારેે કપાળ, જોગણનો વાસો જે,

મીટોમીટ મળ્યે, મેરુ ભાગ્યો મૂળવા.

(હે મૂળુ, અમને તો લાગે ચે કે તારા કપાળમાં કોઇ જોગમાયા દેવીનો વાસ હોવો જોઇએ, કેમ કે તારી મીટોમીટ મળતાં જ ભય પામીને મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો.)

રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા. ચોરવાડાના જાગીરદાર રાયજાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યો. રાણાએ ચોરવાડ હાથ કરવા મૂળુ મેરને મોકલ્યો. ચોરવાડ જીતીને વેરાવળ ઉપર જતાં ધીંગાણામાં મૂળુનો હાથ એક ઝાંડેથી કપાઇ ગયો.

મહારાણાએ પૂછ્યુંઃ “બોલો, મૂળુ ભગત, કહો તો એ હાથ રત્નજડિત કરી આપુંઃ કહો તો સોનાનો, ને કહો તો રૂપાનો.”

રાજકચેરીમાં ઊભા થઇને નિરભિમાની મૂળુએ જવાબ દીધોઃ “રાણા, કોક દી મારા વંશમા ભૂખ આવે, તો મારા વારસો સોનારૂપાનો પંજો વેચી નાખે, માટે મારી સો પેઢી સુધી તારી એંધાણી રહે એેવો લોખંડનો પંજો કરાવી દે.”

પોતાના ઠુંઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો પંજો ચડાવી મૂળુ ભગત એમાં ભાલું ઝાલી રાખતા, જમૈયો દીધો હતો તે કમરમાં પહેરતા, અને એક નેજો ને બે નગારાં દીધાં તે લઇને મૂળુ મેર વરસોવરસ દશેરાની સવારીની અંદર પોરબંદરમાં મોખરે ચાલતા.

(આજ મોઢવાડાની અંદર એની પાંચમી પેઢીએ સામતભાઇ મેર હયાત છે. સામતભાઇના ઘરમાં એ નગારાં, એ નેજો, એ લીલા (નીલમ જેવી કોઇ ચીજના બનાવેલા) હાથાવાળો છરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે. આજ દોઢસો વરસ થયાં એ પંજાને માથે માનતાનાં સિંદૂર ચડે છે. એ છેરાનો હાથો ધોઇને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટપીડા મટી હોવાું મનાય છે, અને નેજો-નગારાં હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે.

નગારાં તૂટી જાય તો તેની મરામતનું ખર્ચ રાજ આપે છે. મૂળુની ડેલીમાં વૈભવવિલાસ નથી, માઢમેડી નથી; નીચી ઓસરીવાળા, સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે. ઓસરીની ભીંતે ચિત્રો કાઢે છે, અને સ્ત્રીપુરુષ બધાં ખેડ કરે છે. ડોશીઓ રેંટિયા કાંતે છે.)