Saurashtra ni Rasdhar - Kandhalji Mer in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | સૌરાષ્ટ્રની રસધાર - કાંધલજી મેર

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સૌરાષ્ટ્રની રસધાર - કાંધલજી મેર

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કાંધલજી મેર

ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલી નગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી.

રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતો. કાંઇક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું, તેથી પોતે જૂનાગઢના રા’ના દરબારમાં જઇને રિસામણે રહ્યા હતા.

રા’ના ઘરમાં તે વખતે જેઠવા રાણાની કન્યા હતી. એ રાણીને એક કુંવર અવતર્યો. રા’એ તો હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવરપછેડામાં ઢાંક શહેર લેવું. જેઠવો વિચારમાં પડ્યો. પોતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય? જેને ભીંતડે ભીંતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની સોનાની ગાર કરાવેલી,

એ દેવતાઇ નગરી ઢાંક કેમ દેવાય? જ્યાં પૂર્વજદેવે ભાટને માથાનુંં દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડ્યું, મૂંગીપુરનો ધણી શાલિવાહન જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ ઢાંક કેમ અપાય? પાંચસો વરસની બંધાયેલી માયામમતા તોડવાનો વિચાર કરતાં જ જેઠવાની નસો તૂટવા લાગી. બીજી બાજુ જમાઇના રિસામણાનો ડર લાગ્યો, દીકરીના દુઃખની ચિંતા જાગી. રા’ના હુમલાની ફાળ પેઠી.

આખરે જેઠવાને બારી સૂઝી. એને લાગ્યું કે કાંધલજી મારી આબરૂ રાખશે; રિસાયો છે તોય ઢાંકની બેઆબરૂ એ નહિ સાંખે. માતાની લાજ જાય ત્યારે દીકરો રિસાઇને બેઠો નહિ રહે. એણે રા’ને કહેવરાવ્યુંઃ “અમારા કાંધલજીભાઇ ત્યાં છે. આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે.”

રા’ને તો એટલું જ જોતું હતું. કાંધલજી તો આપણો આશ્રિત છેઃ એ બીજું બોલે નહિ. એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઇને રાણાનો કાગળ વંચાવ્યો. વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી, કાંધલજીની છાતી એક વેંત પહોળી થઇ, અને એના અંગરખાની કસો કડડ કડડ તૂટવા લાગી. અંતર્યામી અંતરમાં બોલી ઊઠ્યોઃ “વાહ, મારા ધણી! તેં તો મને ગિરનારને આંગણે ઊજળો કરી બતાવ્યો.”

“કેમ, કાંધલજીભાઇ!” રા’એ હસીને પૂછ્યુંઃ “જોયાં તમારા જેઠવાનાં જોર?”

ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યાઃ “બાપ! મારો ધણી તો ગાંડિયો છે. ઢાંક તો અમારી મા કહેવાય. એને જવાબ દેતાં ન આવડ્યું. દીકરીનાં માગાં હોય, પણ માનાં માગાં ક્યાંય દેખ્યાં છે?” એટલું બોલતાં તો એની આંખમાં અંગારા મેલાઇ ગયા.

રા’નું રૂંવાડે રૂંવાડું ખેંચાઇને ઊભું થઇ ગયું. એમે કહ્યુંઃ “કાંધલજી જૂનાગઢના રોટલા બહુ દી ખાધા. હવે ભાગવાં માંડ્ય. ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તું જ્યાં હોઇશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઇશ.”

કાંધલજી ઊભો થયો. ભેટમાં તરવાર હતી તે ખેંચી કાઢીને એની પીંછીની ત્યાં ને ત્યાં ભોંય ઉપર ત્રણ લીટા કર્યા. અક્કેક લીટો કરતો ગયો અને રા’ની સામે જોઇ બોલતો ગયોઃ “આ એક દિવસ, આ બે દિવસ અને આ ત્રીજો દિવસ. જૂનાગઢના રા’! તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઇ ગયા. લે હવે, આવ પડમાં, કર ઘા, મેરને મરતાં કેવુંક આવડે છે તે જોઇ લે.”

“હાં! હાં! હાં! કાંધલજી!” બોલતી આખી કચેરી ઊભી થઇ ગઇ.

રા’એ કહ્યુંઃ “તુંને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ્ય.”

ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યો. સાથે પોતાનો જુવાન ભાણેજ એરડો હતો. ચાલતાં ચાલતાં, ઘોડીઓ વણથળી ગામને પાદર નીકળી.

તે દિવસે ગામમાં નવસેં નાઘોરી ૧ વરો પરણવા આવેલા. અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ઢોલ ધ્રબૂકે છે ને કેટલાક જાનૈયાને પટ્ટાબાજી ખેલે છે. ગામને ગોંદરે રમાતી આ વીર-રમતો સહુના કાળાજામાં શૌર્યનાં સરણાં વહાલી રહી છે. માર્ગે નીકળેલા સેંકડો વટેમાર્ગુ એ રમતો નીરખવા થંભી ગયા છે.

એવે ટામે આ ચાર-પાંચ ઘોડેસવારો કાં ઝપાટાભેર ભાગ્યા જાય છે? ઘોડીઓનાં મોઢાંમાં ફીણ છૂટ્યાં છે, ઘોડીઓ પરસેવે નીતરી રહી છે, તોય કાં અસવાર એના ડેબામાં એડી મારતાં આવે છે? પાંચેય આદમીના હાથમાં ઉઘાડાં ખડગ કેમ છે?

દોડી જઇને નવસો નાઘોરી વરરાજા આડા ફર્યા. ઘોડીની લગામો ઝાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યાઃ “તમે મને ઓળખો છો?”

નાઘોરી કહેઃ “ઓળખીએ છીએ. તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ. ગામને પાદરથી આજ તો તમ જેવો મહેમાન કસુંબો લીધા વિના ન જઇ શકે.”

કાંધલજીએ કહ્યુંઃ “ભાઇ! તમે તમારી મેળે જ હમણાં ના પાડશો. મારી વાંસે જૂનાગઢની વહાર ચડી છે.”

“ત્યારે તો, ભાઇ, હવે રામરામ કરો! હવે તો જઇ રહ્યા! જાવા દઇએ તો નાઘોરીની જનેતામાં કંઇક ફેર પડ્યો જાણજો.”

“અરે બાપુ! તમારે ઘેર આજ વિવા છે. ગજબ થાય.”

“વિવા છે માટે જ ફૂલદડે મરશું. કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયે હોય છે. આપણને તો લોહીના થાપા જ શોભે.”

નાઘોરીઓએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા. અને નવસેં મીઢળબંધા નાઘોરીઓ ગામને પાદર તરવાર ખેંચીને ખડા થઇ ગયા. જૂનાગઢની ફોજ આવી પહોંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં નવસોયે મીઢળબંધા વરરાજાઓ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઇ કદીયે ન જગાડે એવી એ નીંદર, એવી નીંદર તો નાઘોરણોની સુંવાળી છાતી ઉપરેય ન આવત.

કોઠા ઉપર બેઠાં બેઠાં કાંધલજીએ કસુંબલ ઘરચોળાવાળી જોબનવંતી નાઘોરણોને હીબકાં ભરતી ભાળી, મોડીયાનાં મોતી વીંખતી વીંખતી તરુણીઓનાં વેણ સાંભળ્યાંઃ “આપણા ધણીઓનો કાળ હજી આંહીં બેસી રહ્યો છે!”

એ સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તરવારની ગાળાચી કરી, પોતાનું માથું ઉતારીને નીચે મુક્યું. બે ભુજામાં બે તરવારો લીધીઃ અને ધડ ધીંગાણામાં ઊતર્યું. લશ્કરને એક ગાઉ સુધી તગડ્યું. સીમાડા માથે કોઇએ ગળીનો ત્રાગડો નાખી ધડને પાડ્યું, અને માથું દરબારગઢમાં રહ્યું.

તું કાંધલજી કાટક્યો, ફોજાં અંગ ફેલે,

કાળુઓત મીંડો ૧ કિયો ૨ , ઘોડાં અંગ ઘેરે.

(હે કાળુ મેરના પુત્ર કાંધલજી, તું ફોજ ઉપર તૂટી પડ્યો. અને તારા થોડા ઘોડેસવારથી તેં શત્રુઓને ઘેરી લીધા.)

અને સહુથી સરસ તો ભાણેજ એરડો લાગ્યો.

હરમ્યું ઊતરિયું હરખથી, કાંધલને જોવા કોય,

નાઘોરી વર નોય, અપસર વરિયો તું એરડા!

(કાંધલને જોવા સ્વર્ગમાંથી હુરમો (અપ્સરાઓ) ઊતરી. અપ્સરાઓને એમ લાગ્યું કે આ યુદ્ધરૂપી લગ્નમાં નાઘોરીઓ વરરાજા નથી લાગતા, ખરો વરરાજા તો એરડો લાગે છે; તેથી અપ્સરાઓ એરડાને પરણી.)

બુડાધર, બરડા, તણી, લંગરી વધારી લાજ,

કાંદલ આડો કમાડ, આંબો થિયો તું એરડા!

(હે એરડા, તેં તો બરડા પ્રદેશની કીર્તિ વધારી. તારા મામા કાંધલજીની આડે તેં કમાડરૂપ બનીને રક્ષણ કર્યું.)

અત્યારે કાંધલજીનું માથું વણથળીના દરબારગઢમાં પૂજાય છે, અને ધડની ખાંભી સીમાડે પૂજાય છે. રા’એ કાંધલજીના માથામાં ઉબેણ નદીને કાંઠે જમીન આપી હતી, તે જમીન અત્યારે નાઘોરીનો વંશજ કોઇ મુંજાવર ભોગવે છે.

કાંધલજીના વંશજોએ દર વિવાહે એક કોરી (પાવલું) કર નાઘોરીના વંશજોને બાંધી આપેલો છે, ને પોરની સાલ સુધી એક ફકીર કાંધલજીના વંશજો ઓડદરિયા મેરો પાસેથી પાવલું પાવલું કર ઉઘરાવી ગયો છે.

એ ધીંગાણા પછી નાઘોરીઓ અને મેરો બન્ને ‘લોહીભાઇઓ’ કહેવાય છે. કાંધલજીના વંશજો હજુ ફટાણામાં છે, ને તેનું ફળિયું તે ‘જુફળિયું’ (કાંધલ અધ્યાહાર) કહેવાય છે.