લઘુ કથાઓ
રૂપેશ ગોકાણી
1 - સરોગેટ સન
નાક નક્શી બધુ તેના જેવુ જ હતુ. હસ્તાક્ષર અને ટેવ બધી હુબહુ સપના અને તેના પતિ રશેષ જેવી હતી. જોઇને પ્રેમ આવી જાય તેવો રૂપાળો અને હેન્ડસમ હીરો જેવો લાગે. સ્કુલમાં બધા તેને ચાહે. સાવ ઓછુ બોલવાની ટેવ વિનેશને. તેના માતા પિતા ખુબ જ હરખાય. સાવ ઓછુ બોલવાને કારણે તેના મનને પામવુ તેના માતા પિતા માટે અઘરુ હતુ. વીસ વર્ષ વિતી ગયા. સપના આજે ખુબ ઉદાસ છે. તેને સમજાતુ જ નથી આવુ કેમ બની શકે? તેનો એક નો એક પુત્ર વિનેશ આખરે એમ કેમ કરી શકે? સંસ્કારી સમજુ ખાનદાનનો પુત્ર ચોરી કરવાના આરોપસર જેલમાં જાય. સપનાની સખી તેને મળવા આવી હતી તે બોલી,
“સપુ, નાક નક્શી બોડી લેગવેજ ભલે તમારુ જેવુ હોય જીન્સ જ તમારા છે બાકી લોહી તો સરોગેટ મધરનુ જ? સરોગેટ સનના લોહીના સંસ્કાર તો તેના જ રહે ને? સપના વાત સાંભળતી રહી અને તેની સામે ભૂતકાળના દ્રશ્યો તરવરવા લાગ્યા.
2 - તોફાન
પાંચમા ધોરણમાં હોવા છતાંય કમલેશ તો જાડી બુધ્ધીનો જ. સામાન્ય વસ્તુ સમજવા માટે પણ બુધ્ધી કામ ન કરે. પ્રજ્ઞાબહેન પણ તેની વીસ વર્ષની નોકરીમાં આવા અનેકથી ટેવાય ગયા. બસ થોડી ધોલ ધપાટ કરી લે એટલે બે કલાકની શાંતિ. શાળામાં નવા બહેન આવ્યા વૈદહીજી. નવી નિમણુક. સાલસ અને હસમુખ સ્વભાવ. વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષિકા બસ થોડા જ સમયમાં બની ગયા. પ્રજ્ઞાબહેનની ગેરહાજરીમાં તેના વર્ગ સંચાલનની જવાબદારી વૈદહીજીની આવે. પ્રજ્ઞાબહેનની શારીરિક તકલીફના કારણે તેને વારંવાર રજા મુકવાની થાય એટલે વૈદહીજી કમલેશથી કંટાળી જાય. વૈદહી બાળકોને મારકુટ કરવાના વિરોધી. સમજાવટ, લાલચ,બધી નીતિ અપનાવી લીધી પરંતુ કમલેશ જેનુ નામ સુધરવાનુ નામ જ ન લે. એક દિવસ પ્રજ્ઞા બહેન રજા પર હતા. વૈદહીને વર્ગ સંચાલનની જવાબદારી હતી. આજે કમલેશે હદ કરી નાખી સ્કેલ લઇ સાથી વિદ્યાર્થીને ખુબ જ માર્યો. રિશેષ પડી એટલે વૈદહી તેના ઘરે તેના પરિવારને મળવા તેના ઘરે ગઇ. રસ્તામાં તેણે બધુ વિચારી લીધુ. આમ થોડુ ચાલે તમારા બાળકને થોડા સંસ્કાર આપો. જન્મ દેવાથી માતા પિતા બની જવાતુ નથી. સારા નરસી બાબતો શીખવી ન શકાય. તેના ભણતર પ્રત્યે કોઇ જાગૃતતા નથી. કયારેય શાળાએ આવીને તપાસ તો કરી શકાય. શાળાથી ખાસ્સુ દુર હતુ કમલેશનુ ઘર. રસ્તામાં તેના માતા પિતા સાથે વાત કરવાનુ આખુ ચિત્ર મગજમાં દોરી લીધુ. આખરે તે ઘરે પહોંચી ગઇ. નાનકડુ એક ખોલકી જેવુ મકાન હતુ. જેનો કોઇ મેઇન ડોર જ ન હતુ. એક ટુટેલુ લાકડુ આડુ રાખી મેઇન ડોર બનાવવામાં આવ્યુ હતુ. અંદર તેનાથી પણ હાલત ખરાબ હતી. બે ગાર માટીના નળિયાવાળા કાચા રૂમ હતા. એક નાનકડા રસોડામાં એક અઢારેક વર્ષની છોકરી રસોઇ બનાવી રહી હતી. એક મોટી ઉંમરની સ્ત્રી અને બીજી ત્રણ છોકરીઓ જમવા બેઠી હતી. વૈદહીને જોઇ તેઓ ઉભા થયા અને કહ્યુ, “ચાલો બહેન જમવા બેસી જાવ.” વૈદહીએ ઘણી આના કાની કરી પરંતુ બધાએ આગ્રહ કરીને તેને જમાડી. જમતા જમતા પહેલા બહેને વાત કરી જેના શબ્દો વૈદહીના હ્રદયમાં ખુંચી ગયા. “બહેન કમાના પિતાજી ત્રણ વર્ષ પહેલા અમને છોડી ગયા. અમે બધા મજદુરી કરી ઘર ચલાવીએ છીએ. કમો અને નાની રાધુ ભણે છે. બાકી મોટી કેયુરીને પરણાવી છે. તેના માટે સખત મહેનત કરીએ છીએ. અમે તો કમા અને રાધુના ભણતર પર ધ્યાન આપી શકતા નથી. તે બરોબર ભણે છે?” કારમી ગરીબાઇ અને અજ્ઞાનતા જોઇ વૈદહીનો ગુસ્સો અને બધા વિચાર હવા થઇ ઉડી ગયા.
3 - નવા વર્ષની ઉજવણી
“હે ભગવાન, અમારા નસિબમાં આવુ સુખ લખતા ભૂલી ગયા કે શું?” સામેના ઘરમાં સંયુક્ત પરિવારનો કલરવ સાંભળી મમતાબહેનથી નિઃસાસો નખાઇ ગયો. “મમતા, દુઃખી ન થા, કદાચ આપણા ભાગ્યમાં સંતાનો સાથે રહેવાના સંજોગ નથી.” બધા સાથે મળી નવા વર્ષને વધાવી રહ્યા હતા ત્યારે બન્ને દંપતિ એકલતામાં તડપી રહ્યા હતા. “કાકા....... ચાલો મારા ઘરે, પાર્ટીમાં”
“દિકરા તારા કાકીને ન ગમે આ વેસ્ટર્ન પાર્ટી ડાન્સ અને મ્યુઝીક અને આ બધો ઘોંઘાટ.... તુ જીદ્દ રહેવા દે બેટા.”
“કાકા, ચાલો ને હવે,” મિનેશ બન્નેને આજીજી કરતો ઘર ભણી તેડી જવા લાગ્યો ત્યારે મમતાબેનની આંખમાં અનેક ભાવ અંકિત થઇ ઉઠ્યા. જવુ તો ન હતુ પણ પરાણે ત્યાં પહોંચ્યા પણ પોતાના સંતાનો વિના આનંદ માણવાની તેમની કોઇ ઇચ્છા થતી જ ન હતી, આ બાજુ મિનેશ પણ માને તેમ ક્યાં હતો?? આ શું??? પોતાના જેવડી જ ઉંમરના અનેક વૃધ્ધોને જોઇ બન્નેની લાગણીઓ છલકી ઉઠી. આંખમાંથી આંસુઓની ધારા ચાલી નીકળી.
૪-ઉજળો વાન
“ક્યારેય નહી, ક્યારેય નહી. કાળી કુબ્જા જેવી તેને તો હું ક્યારેય નહી પરણું.” ખરાબ દુર્ગંધ આવતા નાક ઊંચું થઇ જાય તેમ મોઢુ વકાસતા દિપેને તેના મિત્ર પ્રવીણને કહ્યુ. “માત્ર ઉજળા વાનથી જ સંસાર ન ચાલે મિત્ર, સંસ્કારનું સિંચન પણ જરૂરી છે.” પ્રવીણ તેના ખાસ મિત્રએ સમજાવતા કહ્યુ. “નેવર યાર, ફરગેટ ઇટ.”
“કહેતો હતો ને કે રૂપરૂપના અંબાર જેવી કન્યાને જ મારી પત્ની બનાવીશ, દિપ્તી ઇઝ સો બ્યુટીફુલ.” છ માસ બાદ ન્યુ યર પર મળેલા બન્ને દોસ્ત વચ્ચે વાત થઇ રહી હતી ત્યાં પ્રવીણની પત્નીને જોઇને દિપેન આશ્ચર્યચકિત થઇ ગયો. “આ તો એ જ શ્યામલ છોકરી છે જેને મે રિજેક્ટ કરી હતી.” “હા હું જાણું છું દોસ્ત પણ કંચનની બહારની સુંદરતા કરતા તેની મનની સુંદરતા મારે મન વસી ગઇ અને અમે બન્નેએ લગ્ન કરી લીધા.” પ્રવીણે હળવી સ્માઇલ સાથે કહ્યુ. હશે દોસ્ત, પણ સુંદરતા તે સુંદરતા. મારી દિપ્તીની વાત નિરાળી જ છે.” “શું થયુ દિપેન, આજે કેમ એકલો? ભાભી ક્યાં છે?” છ માસ બાદ બન્ને દોસ્ત મળ્યા ત્યારે એકાએક પ્રવીણથી પુછાઇ ગયુ. “લીવ યાર, પ્લીઝ સ્ટોપ ધીસ ટોપીક.” “શું થયુ?” વાત એમ છે કે બે માસ પુર્વે દિપ્તી તેના ફ્રેન્ડ સાથે ઘરેણા અને રોકડ રકમ લઇ મને છોડીને જતી રહી. યાર, આજે સમજાય છે તારી વાત કે માત્ર તનની સુંદરતા નહી મનની સુંદરતા હોવી પણ જરૂરી છે.” ઘુંટાયેલા સ્વરે કહેતો દિપેન પાર્ટી છોડી નીકળી ગયો અને પ્રવીણ બસ તેને તાકતો જ રહ્યો.
***
૫-હૈયાધારણા
શેરીમાં રહેલી બાળકોની પ્રિય એવી ટફ્ફી કુતરીએ છ બચ્ચાને જન્મ આપ્યો. શેરીના બધા બાળકો ખુશખુશાલ થઇ ગયા. તેમને જીવતા રમકડાં મળી ગયા. બાળકો આખો દિવસ તેની સાથે રમે અને તેની પાછળ જ દોડા દોડી કરે. શેરીના બાળકોએ છ ગલુડિયાના નામ પણ પાડયા હતા. એક સફેદ જેવુ હતુ તેનુ નામ ટીનુ અને બે કાળા હતા તેના નામ મીનુ અને ભોલુ. બાકીના ત્રણ તેની મા જેવા ભુખરા હતા તેમના નામ બકુ, નાનુ અને લાડુ પાડયા હતા. વેકેશન પુરુ થઇ ગયુ તો પણ સવારે સ્કુલની બસ આવે તે પહેલા બધા બાળકો ગલુડિયાને રોટલી આપીને જ સ્કુલે જાય. બપોરે આવીને સીધા બધા ગલુડિયા સામે જોઇ લે અને સાંજે તેઓની સાથે રમે. એક દિવસ શાળાએથી આવીને બાળકોએ જોયુ તો બકુ, ભોલુ અને ટીનુ ગાયબ. આખો દિવસ તપાસ કરી ત્યારે ટીનુ મરેલુ મળ્યુ બાકી કોઇ ન મળ્યા. એક મહિનામાં તો એક પછી એક મરવા લાગ્યા. એક ગોળ મટોળ લાડુ જ રહી ગયો. તેના પર પણ થોડા દિવસમાં કોઇએ એસિડ ફેંકી અધમર્યુ કરી દીધુ. બાળકો ખુબ જ નિરાશ થઇ ગયા. લાડુને સુકાતુ જોઇ જીવ બાળતા. થોડા દિવસ બાદ સોનુ કુતરીએ ત્રણ ગલુડિયાને જન્મ આપ્યો. બાળકો તેના જુના મિત્રોને તો ભુલી ન શક્યા પરંતુ એક હૈયાધારણા રહી કે તે ફરી તેમની પાસે આવ્યા.
***