પિન કોડ - 101
પ્રકરણ-103
આશુ પટેલ
‘હું આ માઈક્રોચિપ વિશે સમજાવું છું. પણ એ પહેલા મને એ કહો કે મેં કોઈ વિચિત્ર વર્તન નહોતું કર્યું ને?’ મોહિનીએ પૂછ્યુ.
‘વિચિત્ર વર્તન? વિચિત્ર વર્તન તો બાજુએ રહ્યું, તમે ‘અલ્લાહુ અકબર’ના નારાઓ લગાવીને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો!’ ડીસીપી સાવંતે કહ્યું.
‘ઓહ નો! એટલે એ લોકોએ પેલી શોધનો દુરુપયોગ શરૂ કરી દીધો છે! એમને કોઈ પણ હિસાબે રોકવા પડશે નહીં તો અનર્થ થઈ જશે. તેઓ કોઈ પણ હદે જઈ શકે છે. એ બધા ખતરનાક આતંકવાદીઓ છે!’
‘અત્યારે તો ઓલરેડી અનર્થ થઈ ચૂક્યો છે!’ ડીસીપી સાવંતે નિ:શ્ર્વાસ નાખતા કહ્યું. પછી તરત જ તેમણે કહી દીધુ: ‘તમે કઈ શોધની વાત કરી રહ્યા છો? તમારી પાસે જે કંઈ માહિતી હોય એ આપી દો. તમે સહકાર આપશો તો તમને ઓછી સજા થાય એ માટે હું કોશિશ કરીશ. તમારો પ્રેમી પણ અત્યારે જેલમાં છે. તેણે કદાચ માનસિક સંતુલન ગુમાવી દીધુ છે...’
‘સોરી, સર. પણ મારો કોઈ પ્રેમી નથી!’
‘તમારી સાથે પકડાયેલા યુવાને અમને કહ્યું કે હું આઈએસનો ચીફ કમાન્ડર સય્યદ ઈશ્તિયાક હુસેન છું અને આ મારી પ્રેમિકા નતાશા નાણાવટી છે...’
‘ઓહ નો! તે નતાશા નાણાવટીનો પ્રેમી છે એટલી જ વાત સાચી છે. તેણે મને નતાશા સમજીને બચાવવા ભયંકર જોખમ ઉઠાવ્યું હતું. પણ મે સ્પષ્ટતા કરી દીધી હતી કે હુ વૈજ્ઞાનિક મોહિની મેનન છું! તેની પ્રેમિકા ઈશ્તિયાક અહમદના કબજામાં છે અને મારા પેરન્ટ્સ પણ તેના કબજામાં છે.’
માતાપિતા યાદ આવ્યા એટલે મોહિની ધ્રૂજી ઊઠી. તેણે કહ્યું: ‘હું ફરી એમની પાસે નહીં જાઉં તો તેઓ મારા પેરન્ટ્સને મારી નાખશે એવી ધમકી એ લોકોએ આપી છે. અને સાહિલને પણ તેમણે ધમકી આપી છે કે તે પાછો નહીં જાય તો તેઓ તેની પ્રેમિકાને મારી નાખશે...’
ડીસીપી સાવંત ગૂંચવાઈ ગયા. તેમણે કહ્યું: ‘તમે કંઈક સમજાય એમ બોલો. અમારી પાસે સમય બહુ ઓછો છે.’
‘હું બધું જ સમજાવું છું, પણ આ બધું થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે તમારે થોડી ધીરજ અને ખૂબ વિશ્ર્વાસ મૂકીને સાંભળવું પડશે. સાહિલ ક્યાં છે અત્યારે?’
‘એ તો ભયંકર હિંસક વર્તન કરતો હતો. તેને એક પોલીસમેનનો તો હાથ પણ ભાંગી નાખ્યો છે એટલે અમે તેને લોકઅપમાં ધકેલી દીધો છે. અને તેણે અમને જે ચેલેંજ ફેંકી હતી એ પ્રમાણે ત્રણ કલાક પહેલા જ ચર્ચગેટ અને છત્રપતિ શિવાજી ટર્મિનસમા ભયંકર રીતે આતંકવાદી હુમલાઓ થઈ ચૂક્યા છે એટલે...’
‘શું? ફરી આતંકવાદી હુમલાઓ થયા છે? સાહિલ લોકઅપમાં... અરે એ આતંકવાદીઓ સાથે મળેલો હોય તો શા માટે જીવનું જોખમ ઉઠાવીને ત્યાથી ભાગી છૂટે? અને તેણે માનસિક સંતુલન પણ નથી ગુમાવ્યુ. સૌ પ્રથમ તો તેના દિમાગ પર કાબૂ મેળવવા માટે ફિટ કરાયેલી માઈક્રો ચિપ બહાર કાઢો!’
‘એટલે? તેના મસ્તકમા પણ આવી માઈક્રો ચિપ બેસાડાઈ છે?’ સાવંત અકળાઈ રહ્યા હતા. એકબાજુ વરસોવામાં ડોન કાણિયાના અને આઈએસના અડ્ડામાં ત્રાટકવાની ઉતાવળ હતી અને મોહિની શું કહી રહી હતી એ તમને સમજાઈ રહ્યું નહોતું. તેમણે કાણિયાના અડ્ડામાંથી બહાર નીકળવાના રસ્તાઓ બ્લોક કરાવી દીધા હતા. એટલે કાણિયા કે આઈએસના માણસો છટકી શકે એમ નહોતા. પણ તેમને શક્ય એટલી ઝડપે પકડી પાડવાના હતા અને નતાશા નાણાવટીને પણ છોડાવવાનું કામ કરવાનું હતું. સાહિલે મોહિનીની ઓળખાણ નતાશા તરીકે આપી એટલે થોડો ગૂંચવાડો ઊભો થયો હતો કે તેની સાથેની યુવતી વૈજ્ઞાનિક મોહિની મેનન છે કે મોડેલ નતાશા નાણાવટી. પણ હવે આ યુવતી કહી રહી હતી કે હું મોહિની મેનન છું. સાવંત અવિશ્ર્વાસ અને અકળામણભરી નજરે તેની સામે તાકી રહ્યા.
‘મારા પર વિશ્ર્વાસ કરો, પ્લીઝ. આ વાત હુ બે-ચાર વાક્યોમાં નહીં સમજાવી શકું. અને જ્યાં સુધી તેના દિમાગમા ફિટ કરેલી ચિપ બહાર ના કાઢી લેવાય અને એને સલામત જગ્યાએ મૂકી ના દેવાય ત્યાં સુધી તેની હાજરીમાં કશું જ ના બોલવાની સૂચના પણ બધાને આપી રાખજો, નહીં તો એ બધી વાતો આતંકવાદીઓ સાંભળી શકશે.’
સાવંતે બૂમ મારીને એક સબ ઈન્સ્પેક્ટરને બોલાવ્યો. એ દોડતો અંદર આવ્યો એટલે સાવંતે આદેશ આપ્યો: ‘પેલા છોકરાને ડી. એન. નગર પોલીસ સ્ટેશનના લોકઅપમાથી બહાર કાઢીને તાત્કાલિક અહીં હોસ્પિટલમાં લઈ આવવાની વ્યવસ્થા કરો. અને તેની સામે કોઈ કશું જ બોલે નહીં એની તકેદારી લેવાની છે.’
‘સર.’ કહીને પેલો બહાર દોડ્યો.
સાવંતે ફરી વાર મોહિની તરફ નજર માંડી.
મોહિનીએ કહ્યું કે ‘હું મારી વાત સમજાવું છું. પણ મહેરબાની કરીને પહેલા મને એ કહો કે તમે જે તાજા આતંકવાદી હુમલાઓ વિશે કહો છો એ કઈ રીતે થયા છે?’
સાવંતે અત્યંત ઉતાવળે નવા આતંકવાદી હુમલાઓ વિશે માહિતી આપી દીધી.
તેમની વાત સાંભળીને મોહિનીના ચહેરાનો રંગ ઓર ફિક્કો પડી ગયો.
સાવંતની બાજુમાં પેલા ડોક્ટર ઊભા હતા જેમણે મોહિનીના મસ્તકમાંથી માઈક્રો ચિપ બહાર કાઢી હતી.
મોહિનીએ તેમની સામે જોતા કહ્યું: ‘તમે ન્યુરો સર્જન છો?’
ડોક્ટરે હકારમાં માથુ ધૂણાવ્યું એટલે મોહિનીએ કહ્યુ: ‘તો તમે મારી વાત વધુ સહેલાઈથી સમજી શકશો. જો કે હુ મારી વાત આ પોલીસ ઓફિસરને પણ શક્ય એટલી સરળ ભાષામા સમજાવવાની કોશિશ કરું છું.’
‘અમે જે વર્તન કર્યું એ વાસ્તવમાં અમે નથી કર્યું. સરળ રીતે કહું તો અમે કઠપૂતળી જ હતા. અમારા શરીર પર નહીં મન પર તેમનો પૂરેપૂરો કબજો હતો...’ મોહિની સડસડાટ બોલી ગઈ પણ તેનો એક પણ શબ્દ ડીસીપી સાવંતના ગળે નથી ઊતર્યો એનો અહેસાસ તેને થઈ રહ્યો હતો. એક ક્ષણ માટે તે માથું પકડીને બેસી ગઈ, કારણ કે તે સમજતી હતી કે વિજ્ઞાનના જગત સાથે જેને લાગતું-વળગતું ન હોય એવી વ્યક્તિને આ આખી વાત સમજાવવી અને એ પણ આ પરિસ્થિતિમાં અઘરી હતી. તેના વિચારનો પ્રતિધ્વનિ પડતો હોય એમ સાવંતે કહ્યું, તમને નથી લાગતું કે’
‘હું તમને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કરી રહી છું એમ જ ને?’ મોહિની મેનનથી હતાશામાં બોલી જવાયું પણ પછી તેણે સ્વસ્થતા ધારણ કરી લીધી, કારણ કે આ પોલીસ અધિકારીને આ બધુ સમજાવવું માત્ર જરૂરી નહીં, અનિવાર્ય હતું.
‘તમને કદાચ મહાભારત વિશે થોડું ઘણું જ્ઞાન તો હશે જ ને!’
‘મહાભારત?’ સાવંત માટે આ સવાલ અણધાર્યો હતો.
‘મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ઋષિ-મુનિઓ કે યોગીઓ તેમની શક્તિઓ વડે દૂર બેઠેલી વ્યક્તિઓ પાસે પણ પોતાનું ધાર્યું કરાવી શકતી હતી. તંત્રમાં પણ એવી વિધિઓ છે કે જેના વડે જે વ્યક્તિ લક્ષ્ય હોય એના મન પર સંપૂર્ણત: ક્ધટ્રોલ કરી લેવામાં આવે.’
‘તમે મને અહીં પુરાણકથા સંભળાવવા માગો છો?’ આટલી મોટી વિનાશક ઘટનાઓ થઈ ગયા પછી આ વૈજ્ઞાનિક યુવતી મહાભારતનું મહાભારત લઈને બેઠી હતી એનાથી સાવંતની ધીરજનો અંત આવી રહ્યો હતો. તેમણે બધી ટીમ વરસોવામાં પેલી જગ્યાની આજુબાજુ તહેનાત કરી દીધી હતી અને હવે એક ક્ષણ પણ વધુ વેડફવાનું પાલવે એમ નહોતું, પણ એ જગ્યામાં ત્રાટકતા પહેલા એ જગ્યા વિશે અને એમાં છુપાયેલા ગુંડાઓ-આતંકવાદીઓ વિશે શક્ય એટલી વધુ માહિતી હોય તો ‘ઓપરેશન’ સહેલું પડે એટલે આ યુવતી સાથે વાત કરવી પણ જરૂરી હતી. સાવંત તેની પાસેથી એ માહિતી મેળવવાની અપેક્ષા રાખતા હતા કે કાણિયા અને આઈએસના અડ્ડામાં અત્યારે કોણ-કોણ છે અને નતાશા નાણાવટીને એ જગ્યામાં ક્યાં છુપાવી રખાઈ છે. અને તેમને કોઈ ભળતી જ વાત જાણવા મળી રહી હતી!
એ વખતે જ સાવંતને કમિશનર શેખનો ફોન આવ્યો. સાવંતે કોલ રિસિવ કરીને કાને માંડ્યો એ સાથે એમના કાને શેખના અજંપાભર્યા શબ્દો સંભળાયા.
એ શબ્દો સાંભળીને સાવંતને થયું કે એના પગ તળેથી ધરતી સરકી રહી છે!
(ક્રમશ:)