Bhavitra shravana na raavan ....! in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ભીતરમાં શ્રાવણ ને બહાર રાવણ....!

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

ભીતરમાં શ્રાવણ ને બહાર રાવણ....!

ભીતરમાં શ્રાવણ ને બહાર રાવણ...!

અગિયાર-અગિયાર મહિના “ દીવ-દમણ ને આબુ, ને ચોથું ઘરનું ધાબું “ ઉપર લટાર લગાવી હોય, એને શ્રાવણ આકરો તો લાગે બોસ...! એક તો ઉપવાસ કરવાનો ને, ઉપરથી સાજની દીવાબતી બંધ....! સાંઝ પડે ને સુઝવાનું જ બંધ થઇ જાય. આંખના ડોળા, દેવને બદલે દમણ બાજુ ફરવા માંડે. ખાધવાસના માણસને ઉપવાસની વાત આવે એટલે...? જાણે રાવળપીંડીમાં આપણો તિરંગો ફરકાવવાનો ‘ ટાસ્ક ‘ આવ્યો હોય, એટલું અઘરું લાગે..! આદમી જાયે તો જાયે કહાં....? જો બકા....! ૧૧ મહિના જલશા કર્યા, ત્યારે ક્યાં ભગવાન આડા આવેલાં...? અકળાવાનું નહિ, મનને મનાવી લેવાનું, કે આને શ્રાવણનો ‘ જીએસટી ‘ લાગ્યો કહેવાય....!

સવાલ માત્ર એક જ મહીનાનાનો ને....? કમ સે કમ એક મહિનો ભગવાન માટે કાઢ્યો હોય તો, ભગવાન પણ આપણી કદર કરે. શું કહો છો....? સારી છાપ તો ઉપસાવવી પડે ને...? ૧૧ મહિના ભલે જે ‘ કોંધાકબાડા ‘ કર્યા હોય તે, કરીએ, એક મહિનો તો ‘ ઓમ નમ: શિવાય ‘ બોલવું પડે....! એમાં એવું છે ને કે, ભગવાન માટે કાઢેલું, રાખેલું, વિચારેલું, ગાયેલું, વગાડેલું, બોલેલું, ચાવેલું અણી સમયે કામ આવે. નીરર્થક જતું નથી. મીરાંબાઈ તો ઝેર ગટગટાવી ગયેલાં. આપણે ક્યાં ઝેરના કટોરા ઉતારવાના છે....? શિંગોડાનો શીરો જ ખાવાનો છે ને....? ફિર ડરના કયા....? એજ ટંક તો ઝાપટવાનું જ છે....! જરા ડબલ ઝાપટી લેવાનું. બાકી ભોળેનાથ જેવા બીજા કોઈ દેવ નહિ. એમને કોઈ વેઢોવંચો નહિ, કે તમે ડબલ ખાધું એટલે તમારી ભક્તિ કેન્સલ....! ભોળેનાથ ક્યારેય નારાજ થતાં નથી. સીધી વાત છે ને યાર....? છોકરું સવારે વાંચે, રાતે વાંચે, મળશ્કે વાંચે, કે ભરબપોરે વાંચે. એ વાંચે તે મહત્વનું. આપણું કરેલું આપણને જ કામ આવવાનું બકા....! આ તો ણ કરે નારાયણ ને, ઉપર જવાનું થાય તો, લાંબી લપ્પન છપ્પન તો નહિ....! એમના ચોપડામાં નોંધાય તો ખરું કે, ભાઈએ શ્રાવણનો એક મહિનો પાળેલો છે...! જમા કરાવેલી ડીપોઝીટ ક્યારેય એળે જતી નથી. કામ લાગે....! શ્રાવણ પાળવા જ બેઠાં તો દિલ અને પૂરી શ્રદ્ધાથી પાળવાનો. ‘ જીએસટી ‘ ચૂકવતાં હોય, એમ કટાણું મોઢું શું કરવાનું....? યાદ રાખવાનું કે, આપણે રીટર્નમાં પાછું ધરતી ઊપર આવવાનું છે. દેવ લોકો જ આપણને માણસ તરીકેનું લાઈસન્સ રીન્યુ કરી આપવાના. કલેકટરને કોઈ પાવર નથી. એ મગજમાં રાખવાનું.

ઘણાં તો, શ્રદ્ધા રાખવા કરતાં, વિરોધ પક્ષના આદમી હોય એમ, ઉપવાસમાં બરાડા બહુ પાડે. ઉપવાસની વાત આવે એટલે, એટલે એવાં વાંધા વચકા કાઢે કે, આપણું મગજ ફેરવી નાંખે. જેમ કે, ભગવાન તો દેખાતો નથી. શું આપણે એમને જોયા વગર જ મંજીરા ઠોકવાના....? એમને જોયા વગર જ માળાઓ ફેરવવાની....? બોલ્લ્લો, આવાં ધંતુરાને કેમના સંભાળવાના....? અમસ્તા બધાં મંદિરો ઉભરાતાં હશે...? અમસ્તા બધાં મંદિરોમાં નાળીયેર ફોડાતા હશે...? શ્રાવણમાં ૧૧ મહાદેવના દર્શન માટે અમસ્તી પડાપડી થતી હશે...? અમસ્તા લોકો શિવધૂન બોલાવતાં હશે...?

એમને ખબર નથી કે, શ્રાવણથી આસો માસ સુધીના ચાતુર્માસની લીઝ ભગવાને પોતે જ પોતાની પાસે રાખેલી...! પુંજા-પાઠ-આરતી-અર્ચન- કથા-હવન-શ્રાદ્ધ-સરાધીયા, ઉપવાસ, તહેવાર, ગણપતિબાપાના સ્થાપન, મટકી ફોડ બધું ચાતુર્માસમાં જ આવે. છેલ્લે માતાજીના ગરબા ગાયા ને દિવાળીના ફટાકડા ફોડ્યા એટલે વાર્તા પૂરી. આટલું કરીએ તો જ ‘ નુતન વર્ષ ‘ ની રીટર્ન ગીફ્ટ મળે....! ભગવાન સાક્ષાત નહિ મળે તો શું થયું....? તહેવાર સ્વરૂપે તો મળે છે ને...?

આંઠ મહિના તો આસાનીથી નીકળી જાય, પણ છેલ્લા ચાર મહિનાની પરીક્ષાના પેપર ભારે અઘરા....? ચોમાસાને પણ આ ચાર મહિના જ ફાવે. ને ભર ચોમાસામાં આપણે ભગવાનને ભજવાના...! એક બાજુ રેલના પાણી ઘરમાં ઘૂસતાં હોય, ને બીજી બાજુ કહે, ઉપવાસ કરો. ભગત જાયે તો જાયે કહાં....? ક્યારેક કેડ જેટલા પાણીમાં ઝીંકાવાનું, તો ક્યારેક વરસાદ માટે વલખાં મારવાના....! શું ભગવાનની માયાજાળ છે....? જાણે ભગવાન પણ એક સંકલ્પ લઈને નહિ બેઠાં હોય કે, છેલ્લા ચાર મહિના તો એ આપણા જ વશમાં રહેવો ! જોઈએ....! આપણો બનાવેલો આપણાથી છટકી ના જવો જોઈએ. છતાં પણ નાસ્તિક બનવા ગયાં, તો રેલ, દુકાળ, ધરતીકંપ, સુનામી, વાવાઝોંડા, ને રોગચાળાના હથિયાર કાઢવા માંડે. માટે કહું છું કે, નખરા કર્યા વગર એક મહિનો ઢોલ-મંજીરા ઠોકી જ દેવાના....!

શ્રાવણ એટલે પવિત્ર માસ. ધાર્મિક માસ. એમાં પછી એવું નહિ આવે કે, બહાર રાવણ હોય ને ભીતરમાં શ્રાવણ....! અગરબતી ને મીણબત્તીમાં સમઝ પડે કે નહિ પડે, ભક્તિ જ ભગવાનને ગમે. શ્રાવણ બેસે એટલે ગમે એવો રાવણ પણ અર્ધ માણસેશ્વર બની જાય...! બે મીનીટમાં મેગી તૈયાર થઇ જાય, તો ભક્તિ નહિ થાય....?

જેને ભુખ હડતાલ ઉપર ઉતારવાનું કામ વધારે રહેતું હોય, એમના માટે તો શ્રાવણના ઉપવાસ એ નેટ પ્રેકટીશ કહેવાય.. એક કાંકરે બે પક્ષી. બીજું શું....? પણ પોતાનું પેટ જેના કાબુમાં રહેતું જ નહિ હોય, એમણે ઉપવાસના સાહસ નહિ કરવાના. ખાધવાસ જ રાખવાનો. એને ખાધેલ ભક્તિ માની લેવાની. ભગવાન તો સચરાચરમાં વ્યાપેલો છે. એને બધી ખબર છે કે, ભગતને બધે ફરવાનો સમય છે, પણ મંદિરે આવવાનો સમય નથી. છતાં કોઈને પણ કોલર પકડીને મંદિરમાં ખેંચી લાવ્યા હોય, એવો દાખલો બન્યો....? ક્યાંથી બને...? એટલે તો એ ભોળેનાથ છે.....!

શિવજી એટલે, આપણા ‘ બ્રાન્ડેડ ‘ ભગવાન.....! જે માણસના હાથમાં હોકીઓ રહેતી હોય, એમાં રુદ્રાક્ષની માળાઓ ફરવા લાગે. ગાળા-ગાળી કરનારો જીવડો ‘ ઓમ નમ: શિવાય ‘ ના રટણ કરવા માંડે. પુંજા-પાઠ-ભજન-અર્ચન ને અગરબતી ચાલુ કરી દે....! ભલે મહાદેવના ૧૦૮ પૈકી પાંચ નામની જાણકારી નહિ હોય. પણ ભગવાનમાં શ્રદ્ધા બેસવી પણ મોટી વાત છે. એમની કૃપા તો જુઓ....? શિવજી પોતે સ્મશાનમાં રહે, પણ આપણને લક્ઝરી બંગલામાં રાખે. ભલે એ વલ્કલ પહેરે, પણ આપણને બ્રાન્ડેડ કપડાં પહેરાવે. ભલે એ ગળામાં નાગદેવતા રાખે, પણ આપણને વીસ તોલાની સોનાની ચેન પહેરાવે. ભલે એ તાંડવ નૃત્ય કરે, પણ આપણને દોઢિયાની ચાલમાં ગરબે ધુમાડે...! સંતોએ અમસ્તું કહ્યું છે કે, “ બખાન ક્યા કરૂ, તેરી રાખોકી ઢેરકા, ચપટી ભભૂતમેં હૈ, ખજાના કુબેરકા....! “

. શ્રાવણ માસ એટલે શરીર-મન-વચન-કાયા ને વ્યવહાર માટે સ્વચ્છતા અભિયાન ચલાવવાનો માસ. ૧૧ મહિના મગજમાં જે કંઈ કચરો ભરાયો હોય, એનો નિકાલ કરવાનો માસ. એનું નામ શ્રાવણ....! એટલે તો એ પવિત્ર કહેવાયો....! જો કે, મારે અભિમાન પૂર્વક કહેવું પડે કે, અમારાં ચમનિયા જેવો બીજો કોઈ શિવ ભક્ત નહિ. મંદિરમાં જઈને ભક્તિ તો કરે, પણ શ્રાવણ બેસે એટલે, ગામમાં જેટલા શંકરભાઈ હોય, એને પણ પગે લાગી આવે, ને એની પણ પુંજા કરતો આવે ....!

શ્રાવણમાં દાઢી મૂછ કેમ રાખવામાં આવે છે, એવાં સવાલ કોઈએ પૂછવા નહિ. એમ માનવાનું કે, શ્રાવણ પાળવા સાથે દાઢી-મૂછ ને પણ પાળવાની આવતી હશે. જેમ કે ‘ એક ઉપર એક ફ્રી....! ‘ શ્રાવણ પુરો થાય ત્યાં સુધીમાં તો દાઢી મૂછ એક બીજાને એવાં તો મળી જાય કે, જાણે ‘ મિલે સૂર મેરા તુમ્હારા ‘ ની માફક દાઢી, મૂછમાં ચાલી જાય, ને મૂછ દાઢીમાં..! મઝા તો ત્યારે આવે કે, દાઢી-મૂછ પરિપક્વ થાય એટલે, આપણને આપણો માણસ ઓળખવો અઘરો પડે....!

આમપણ વિરાટ કોહલીની દાઢી જોયાં પછી, આમ સમાજમાં દાઢીઓ નો ફાલ વધી જ ગયો છે. શ્રાવણમાં તો સુઝ જ નહિ પડે કે, આમાં શ્રાવણીયા દાઢી ને ઓળખાવી કઈ રીતે....? શ્રાવણ બેસવો જ જોઈએ. એટલે ઠેર ઠેર ‘ પબ્લિક હોર્ડિંગ બોર્ડ ‘ ની માફક દાઢીના દર્શન વધવા માંડે. કોઈ દાઢીવાળાને જોઈને આપણે ગૂંચવાઈ જઈએ કે, ભાઈને ‘ હર હર મહાદેવ ‘ કહેવું કે, ‘ સલા માલેકુમ....! ‘ કારણ આપણને પણ લોકોના ચહેરા જોઈને જ ઓળખવાની ટેવ પડી હોય...! મન અને હૃદયથી ઓળખવાનો અભ્યાસક્રમ તો આપણે ભણ્યા જ નહિ હોઈએ...! ને દાઢી એટલે દાઢી....! . સ્વયં સંચાલિત....! બધાને એક સરખી ને એક જ જગ્યાએ ઉગવાની. જાતિ ધરમ કે સંપ્રદાયના પ્રકાર પ્રમાણે એ અમુકને ગાલ ઉપર, અમુકને કપાળ ઉપર કે કોઈને બરડા ઊપર એ થોડી ઉગવાની....? સ્થાન થોડી લેવાની ....? માણસમાં કદાચ એકતાનો અભાવ હોય, પણ દાઢીમાં નથી. આપણે જેને ‘ હર હર મહાદેવ ‘ કહીને આવકારીએ, ને તે કદાચ મુસ્લિમ બિરાદર હોવા છતાં, આપણને ઉતરમાં ‘ હર હર મહાદેવ ‘ કહે, તો માનવું કે, આપણો શ્રાવણ સુધરી ગયો. અને મેરા ભારત ખરેખર મહાન છે....!

***