નસીબ
સસ્પેન્સ થ્રીલર નવલકથા
પ્રવિણ પીઠડીયા
પ્રકરણ - ૧૧
ભુપતનો નશો ઉડન છૂ થઈ ગયો. હેરતથી તે ફોનના રીસીવર સામે જોઈ રહ્યો કે અત્યારે રાત્રીના એક વાગ્યે વિમલરાયને કેની રીતે જાણકારી મળી કે અજય આ જ હોટલમાં છે...? અને જો તે અહી છે તો પછી તેને અત્યારે જ શું કામ ખોળવો, કાલે સવારે પણ તે થઈ શકે. મનમાં જ તેણે પલંગમાં નજર કરી તો વેલજી એના ઉંધેમાથે આળોટી રહ્યો હતો. કમજાત મંગો પણ આવ્યો નહોતો અને તેને અત્યારે શોધવા જેવો પણ બેકાર હતો કારણ કે ભુપતને ખબર હતી કે મંગો ક્યાંક ઢીંચીને પડ્યો હશે. સવારે જ્યારે તેનો નશો ઉતરશે ત્યારે આપમેળે જ તે પાછો આવી જશે. ઉતાવળથી તે તૈયાર થયો. અજય તેના હાથમાંથી એકવાર છટકી ચૂક્યો હતો એટલે તે આ વખતે સાવધાની રાખવા માંગતો હતો. અને તેને પેલા છોકરાનો પણ હિસાબ કરવાનો હતો. જે રીતે એ છોકરો તેને ખેતરના મકાનમાં ઠમઠોરીને અજયને છોડાવી ગયો હતો એ ખરેખર તેના માટે ઢાંકણીમાં પાણી લઈને ડુબી મરવા જેવી ઘટના હતી. જીંદગીમાં તેણે ક્યારેય પોલીસવાળા સીવાય બીજાના હાથે શિકસ્ત ખાધી નહોતી. પહેલીવાર એક સાવ બચુકડા, મગતરા જેવા નાનકડા છોકરાના હાથે તે પરાસ્ત થયો હતો એ પણ તેને હજુ સુધી ચચરી રહી હતી. એટલે જ તે આ સમયે સાવધાની સાથે પુરી તૈયારીથી બહાર નિકળવા માંગતો હતો જેથી કરીને જો કદાચ પેલો છોકરો અજયની સાથે હોય તો તેને જેર કરવો આસાન રહે... જો કે હાલ પુરતુ તો તેણે ફક્ત અજય કયા કમરામાં છે એ જ ચેક કરવાનું હતુ, છતા સાવધાની જરૂરી જણાતી હતી...
છ-બોરની દેશી રીવોલ્વર ખાનામાંથી કાઢીને તેણે પેન્ટની પાછળ ખોસી. નાનકડુ પણ તીક્ષ્ણ ચપ્પુ મોજામાં ભરાવ્યુ. તૈયાર થયો અને કમરામાં એક સરાસરી નજર ફેરવી. વેલજી સવાર સુધી ઉઠે એમ નહોતો. તેણે ખુબ પીધો હતો. નશાની અસરતો તેને પણ લાગતી હતી પણ તે દારૂ પચાવી જાણતો. કમરાની દિવાલ પર લટકતી ઘડીયાળમાં તેણે સમય જોયો. એકને વીસ થવા આવી હતી તે લગભગ તૈયાર જ હતો. તેણે ખુણામાં પડેલા બુટમાં પગ ખોસ્યા અને રૂમમાંથી બહાર જવા પગ ઉપાડ્યા કે અચાનક રૂમના દરવાજાનો બેલ રણક્યો... તે સહસા ચોંકી ઉઠ્યો... અત્યારે કોણ હશે...? કદાચ મંગો પાછો આવ્યો હશે... તેણે વિચાર્યું. હા, એ જ હોવો જોઈએ. તે દરવાજા સુધી આવ્યો અને દરવાજાનો નોબ ઘુમાવી તેણે બારણુ ખોલ્યુ... તેની આંખો ચાર થઈ ગઈ... તે જે દ્રશ્ય જોઈ રહ્યો હતો એ તેને એકદમ તો તેના મગજમાં ન ઉતર્યું... દરવાજાની બહાર, બારસાખને ટેકો લઈને એક ખુબસુરત યુવતી ઉભી હતી... ભુપતે તેની આંખો ચોળી, તે ક્યાંક ઉંઘમાં સપનુ તો નથી જોઈ રહ્યોને...? એ કલ્પનાતીત દ્રશ્ય હતું.
અડધી રાત્રે ભુપતના કમરાની બહાર આછા બ્લ્યુ કલરના સ્વિમિંગ કોસ્ચ્યુમની ઉપર ગાઉન પહેરીને એક અપ્સરાથી પણ અધીક રૂપાળી યુવતી ઉભી હતી. ભુપત હેરતથી એ યુવતી સામે તાકી રહ્યો. કોણ છે આ હુશ્નપરી...? તેના જહેનમાં સવાલ ઉઠ્યો. એ યુવતીનો ડાબોહાથ બારસાખે અને જમણો હાથ તેની પીઠ પાછળ હતો. તે એટલી નજાકતથી અને અદાથી ઉભી હતી કે તેના ગાઉનમાંથી દેખાતા સોનેરી દેહને જોઈને અનાયાસે જ ભુપતના મોંમાં પાણી ઉભરાવા લાગ્યુ હતુ... સાથે થોડી શંકા પણ ઉદ્દભવી કે કદાચ ભુલથી આ પરી તેના દરવાજે તો નહિ આવી ચડી હોય ને...? પરંતુ નહિ... એ તો મારી સામે જોઈને કાતીલ અદાથી મુસ્કુરાઈ રહી છે. તેના મનમાં ગલગલીયા થવા લાગ્યા. જરૂર બોસે જ આને મારી સેવામાં મોકલી હશે... પરંતુ બોસે તો અત્યારે જ મને ફોન કર્યો હતો અને અજયને શોધવા જવાનું કામ સોંપ્યુ હતુ... ભુપત ગુંચવાયો. તેના મનમાં ગડ બેસતી નહોતી. બે-પાંચ સેકન્ડ બસ એમ જ વીતી... ભુપતના મનમાં કંઈક વિચિત્ર સ્પંદનો થતા હતા. કંઈક બોલવા, કંઈક પુછવા તેણે મોઢુ ખોલ્યુ કે... સાવ અચાનક જ, બારસાખના ટેકે ઉભેલી એ છોકરીએ હરકત કરી... તેનો જમણો પગ ત્વરાથી પાછળ લહેરાયો અને ભુપત કોઈ પ્રતીક્રિયા કરે એ પહેલા તે છોકરીનો પાછળ ગયેલો પગ ભયાનક ઝડપે આગળ આવ્યો અને ભુપતના બે પગ ના ભાગે ઝીંકાયો... ‘‘ધફ...’’... અવાજ આવ્યો. ભુપતના અંગત ભાગ ઉપર એ વાર થયો. ઘડીભર તો તેને સમજમાં ન આવ્યુ... અને પછી તેના મોઢામાંથી ચીખ નીકળી પડી. યુવતીએ ખતરનાક ઝડપે જુનો અને જાણીતો દાવ અજમાવ્યો હતો જેમાં તે કામયાબ રહી હતી. ભુપત પોતના બન્ને હાથને પોતાના વૃષણો પર દબાવતો ભયાનક દર્દથી કરાહી ઉઠ્યો. જે થયુ તે તેના માટે સાવ અનપેક્ષીત હતુ. તે અધુકડો વળી ગયો હતો અને તેના પગ આપોઆપ પાછળ ધકેલાયા એ યુવતીએ તેને ધક્કો મારીને વધુ અંદર રૂમમાં હડસેલ્યો અને પોતે અંદર ઘુસીને રૂમનો દરવાજો લોક કર્યો... અચાનક થયેલા હુમલાના કારણે ભુપત ડઘાઈ ગયો. કોઈ ખુબસુરત યુવતી તેને આટલી આસાનીથી બેવકુફળ બનાવી જશે એનો તેને સ્વપ્નેય વિચાર નહોતો કર્યો. તેને ધાર્યા કરતા ઓછુ વાગ્યુ હોવા છતા તેની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા. બન્ને હાથ પોતાની ઈન્દ્રીય પર દબાવીને તે દર્દ ખાળવાની કોશીષ કરી રહ્યો હતો. તેણે નજર ઉઠાવીને જોયુ તો એ ખુબસુરત બલા અંદરથી દરવાજો બંધ કરીને તેની સામે ખુંખાર નજરે જોતી ઉભી હતી... તેનો જમણો હાથ હજુ પણ તેની પીઠ પાછળ જ હતો... તે જમાનાનો ખાધેલ, ખુર્રાટ આદમી હતો. તેને ભયાનક દર્દ થતુ હતુ છતા તે આજ પહેલા આવી ઘણી પરિસ્થિતિઓનો સામનો કરી ચૂક્યો હતો એટલે હવે શું કરવાનું છે એ તે જાણતો હતો... એ છોકરી ખામોશી ઓઢીને ટગર-ટગર જોતી ઉભી હતી... વેલજી આ બધી બાબતોથી બેખબર પલંગ પર ઘોરતો હતો... ભુપત તેનું દર્દ ઓછુ થાય એની રાહ જોઈ રહ્યો હતો... સેકન્ડો એમ જ વીતી. કોઈ કશી હરકત કરતુ નહોતુ. હોટલના એ કમરામાં ઠંડી હવા સાથે સ્તબ્ધતા ભળી હતી... જાણે કે સમય સ્થીર થઈ ગયો હોય એમ એ નિતાંત સ્થિરતામાં ભુપતને થોડી કળ વળી...
સાવ અચાનક જ ભુપત એ છોકરી ઉપર ઘસ્યો. ગાંડા હાથીની જેમ જ તે ઘસ્યો હતો.. પરંતુ, જેવો તે એ યુવતી ની નજીક પહોંચ્યો કે ઝટકાથી એ યુવતીનો જમણો હાથ તેની પીઠ પાછળથી બહાર આવ્યો... અને એ હાથમાં પકડેલી ચીજ ભુપતના કપાળે ઠેરાણી. ભુપતને સમજમાં આવ્યુ ન આવ્યુ અને તે ઉભો રહી ગયો, ઉભા રહી જવુ પડ્યુ... કપાળની બરોબર વચ્ચોવચ સાયલેન્સર ચડાવેલી ગનનું નાળચુ અટકેલુ જોઈને એ ટાઢોબોળ બની ગયો. અચાનક તેને એ છોકરી ખતરનાક લાગવા માંડી હતી... તે યુવતીની આંગળી સખ્તાઈથી ગનના ટ્રીગર પર ચીપકેલી હતી અને એ પકડ જોતા ભુપતને ખાત્રી થઈ હતી કે જો તે કંઈપણ આડુ-અવળુ પગલુ ભરશે અને ભુલથી પણ એ યુવતીની આંગળી ટ્રીગર પર દબાણી તો તેના રામ-રમી જવાના એ નક્કી... તે લાચારી અનુભવવા લાગ્યો... અને હળવેક રહીને થોડુ પાછળ ખસીને ત્યાં બાજુમાં હતી એ ખુરશીમાં બેસી ગયો. જ્યારે પેલી યુવતી હજુ પણ ખામોશ ઉભી હતી... બેલ વાગવાથી લઈને અત્યાર સુધીમાં તે બન્નેમાંથી એકેય કંઈ બોલ્યા નહોતા... આખરે ભુપતે જ શરૂઆત કરી...
‘‘આમ ગન તાકવાનો શું મતલબ...? તું કોણ છે...?’’
‘‘બહુ ઉતાવળ છે મારી ઓળખાણ મેળવવાની તને... તું મને નથી જાણતો, પણ તારો માણસ મંગો મને સારી રીતે ઓળખતો હતો...’’
‘‘મંગો...’’ ભુપતના મોઢામાંથી હેરત ભર્યા શબ્દો સર્યા. તેને કંઈ સમજાતુ નહોતુ. તે માની નહોતો શકતો કે મંગો આ ખુબસુરત બલાને ઓળખતો હોય. જો એમ હોય તો મંગો તેને કહ્યા વગર રહે નહિં. અને... હમણા થોડીવાર પહેલા આ છોકરી શું બોલી ગઈ...? મંગો તેને સારી રીતે ઓળખતો હતો...એટલે...તો શું મંગો...? વિચારોથી તેનું મગજ ઉભરાઈ ગયુ.
‘‘હા...બહુ સારી રીતે એ મને ઓળખતો હતો અને હમણા થોડીવાર પહેલા જ હું તેને મળીને આવી છું.’’ એ ખુબસુરત છોકરી ભુપતને એક પછી એક ઝટકા ખવડાવી રહી હતી. તેણે ફરીવાર મંગા માટે ‘હતો’ શબ્દ વાપર્યો હતો.
‘‘અસંભવ... જો મંગો તને જાણતો હોય તો મને કહ્યા વગર રહે નહિં. તું એને કઈ જગ્યાએ મળી આવી...! ક્યાં છે એ...?’’
‘‘દરિયા કિનારાની ઠંડી ભીની રેતીમાં આરામથી લંબાવીને સુતો ચે તારો એ દોસ્ત...તે હવે ક્યારેય નહિ ઉઠે...’’
‘‘મતલબ...’’
‘‘મતલબ તું ન સમજે એટલો નાનો અને અણસમજુ તો નથી જ... આ રીવોલ્વર દેખાય છે ને... આમાની એક ગોળી અત્યારે એ મંગાના શરીરમાં છે અને તે કાયમના માટે પોઢી ગયો છે...’’ દાંત ભીંસીને એ યુવતીએ કહ્યું.
‘‘તેં... તેં... મંગાને મારી નાખ્યો... ભુપતે પુછ્યુ તે ખળભળી ઉઠ્યો. તેની આંખો પહોળી થઈ અને એ યુવતીના પ્રસ્વેદભીના ચહેરા પર મંડાણી તે માની નહોતો શકતો કે આ યુવતી સાચુ બોલી રહી છે કે તેને ઉઠા ભણાવી રહી છે. પરંતુ, તેને માનવુ પડે એમ હતુ કારણે આ સમયે એ જ નાજુક યુવતી તેની ખુદની ઉપર ભારે પડી રહી હતી. હજુ પણ એ યુવતીએ સખ્તાઈથી ગનનું નાળચું તેના કપાળે દબાવી રાખ્યુ હતું. સાલીની પકડ બહુ જોરદાર છે... ભુપતનું દિમાગ ઝડપથી વિચારતુ હતુ. કોણ હોઈ શકે આ યુવતી...? તેને મારી સાથે કે મંગા સાથે શું દુશ્મની હોઈ શકે...? એ કહે છે કે તેણે મંગાને યમધામ પહોંચાડી દીધો છે અને મંગો તેને જાણતો હતો... એ કેમ શક્ય બને...? અને આમ અચાનક આવી રીતે એ ક્યાંથી ટપકી પડી...? જો મંગો તેના હાથે મરાયો હોય તો ખરેખર એ ખતરનાક બાબત હતી. ભુપતના કપાળે કરચલીઓ ઉપસી આવી. પરસેવાનો રેલો તેના કાન પાછળથી નીકળીને તેની ગરદન ઉપર રેલાયો. તેનું દિમાગ ફાટફાટ થતુ હતુ...યસ્સ્...મારે કળથી કામ લેવુ પડશે. તેણે ત્રાંસી આંખે પલંગ ઉપર સુતેલા વલજી તરફ જોયુ... હરામખોર, કમબખ્ત... બેહિસાબ ઢીંચીને આરામથી પડ્યો છે અને અહી એના બાપને પરસેવો વળી ગયો છે. તેને વેલજીના ઢગરા પર એક લાત ઠોકવાનું મન થયું.’’
‘‘તારે શું જોઈએ છે...?’’
‘‘હં... હવે કંઈક મતલબનું તું બોલ્યો...’’ એ યુવતીની ખુબસુરત આંખોમાં એક ચમક ઉભરી આવી. મારે તારુ મોત જોઈએ છે... મંગાની જેમ જ... તેણે દાંત ભીંસીને કહ્યું. તેની આંગળીઓ ગન ઉપર સખ્ત બની.
‘‘તો પછી રાહ કોની જુએ છે...? ચલાવ ગોળી, રીવોલ્વર તારા હાથમાં જ છે...’’ અચાનક ભુપતે હાર માનતો હોય એવા ભાવ સાથે કહ્યુ. તેને ખ્યાલ આવી ગયો હતો કે ગમે તે કારણોસર આ છોકરી વાતને ખેંચી રહી હતી. જો તેણે તેને મારવો જ હોત તો ક્યારનો મારી નાખ્યો હોત. થોડોઘણો એ પણ મુસ્તાક હતો કારણ કે તેના પેન્ટના પાછળ ભાગે તેણે રીવોલ્વર ખોસેલી હતી અને તેના મોજામાં ચાકુ હતુ... તે રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે આ છોકરી એક નાની અમથી પણ ભુલ કરે... ભુપત તેના ઉપર હાવી થવાનો મોકો ટાંપીને બેઠો હતો. સહસા તેણે પુછ્યુ... તારે બીજુ શું જાણવું છે...? યુવતીના ચહેરા પર હળવી મુસ્કાન ઉભરી...
‘‘અજયના પીતાને કોણે માર્યા...?’’ તેણે પુછ્યુ અને... અચાનક ભુપતને બધુ સમજાઈ ગયું. તે ખડખડાટ હસી પડ્યો.
‘‘ઓહ... તો તું અજયની સાગરીત છે... તો તને એ પણ ખબર હશે ને કે અજય અત્યારે ક્યાં છે...?’’
‘‘પ્રશ્નો નહિ... એ કામ મારુ છે. મારે જવાબ જોઈએ... અજયના પીતાનું ખુન કોણે કર્યું...?’’ યુવતીએ પ્રશ્ન દોહરાવ્યો.
‘‘તારુ નામ શું છે...?’’
‘‘કહ્યુ ને કે પ્રશ્ન નહિ, ફક્ત જવાબ...’’
‘‘તારે જવાબ જોઈતા હોય તો જરૂર મળશે... પણ મને ખબર તો હોવી જોઈએને કે તું કોણ છે, અને શા માટે તું આ પ્રશ્નો કરે છે...?’’ ભુપતે પુછ્યુ. તેએ યુવતીને વાતોમાં ઉલજાવવા માંગતો હતો. જેથી તે કંઈક પેંતરો રચી શકે. તેની નજર હજુ પણ એ યુવતીના હાથમાં પકડેલી ગન ઉપર હતી. એ ભુપતથી માત્ર પાંચ કદમ દુર, પોતાના બન્ને પગ સહેજ પહોળા રાખીને ઉભી હતી... ભુપતની નજર તેની એક હરકત ઉપર હતી... સાવ અચાનક તેને એ મોકો મળી ગયો.
એ યુવતી એવી રીતે ઉભી હતી કે તેની પીઠ દરિયા તરફ ખુલતી બારી તરફ રહેતી. ભુપતના સ્યૂટની એ બારી ખુલ્લી હતી. એ ખુલ્લી બારીમાંથી જોરદાર પવનની એક લહેરખી રૂમમાં પ્રસરી... એ પવનના ઝોકા સાથે એ યુવતીએ પહેરેલા ગાઉનનો ખુલ્લો છેડો હવામાં લહેરાયો અને ભુપતના ચહેરા પર છવાયો... ભુપત માટે એ અદભુત અવસર હતો. તેણે એકપણ ક્ષણ બગાડ્યા વિના હવામાં ઉડતા એ ગાઉનનો છેડો પોતાના હાથમાં પકડ્યો અને ખેંચ્યો... અને સાથો-સાથે તે જે ખુરશી ઉપર બેઠો હતો ત્યાંથી ઉભો થઈ ગયો. પેલી યુવતીને આવી અપેક્ષા નહોતી. તેનું ધ્યાન ભુપતની વાત સાંબળવામાં હતુ. ભુપતે જ્યારે તેના ગાઉનનો છેડો પકડીને ખેંચ્યો ત્યારે તેને અચાનક ઝડકો લાગ્યો અને ઝડકા સાથે તે ભપત તરફ ખેચાઈ. તે લગભગ અડબીડીયુ ખાઈને પડી. તેનો રીવોલ્વર પકડેલો હાથ હવામાં ઉંચો થયો અને ભુપતે ખાલી કરેલી ખુરશીના ઉપરના ભાગ સાથે અથડાયો. રીવોલ્વર તેના હાથમાંથી છટકી અને નીચે ફર્શ પર સરકી. તેના ઢીંચણ ખુરશીના બેસવાના ભાગ સાથે ટીચાયા અને કંઈક વિચિત્ર રીતે તે ખુરશીમાં ઝીંકાઈ... માત્ર સેકન્ડમાં જ એ બન્યુ. ભુપતે એ સેકન્ડોનો ભરપુર લાભ ઉઠાવ્યો. તેણે સ્ફૂર્તીથી પોતાના પેન્ટની પાછળ ખોસેલી પોતાની રીવોલ્વર ખેંચી કાઢી અને એ યુવતીના ચહેરા તરફ તાકી... તે હાંફતી હતી. બીજી તેના હાથમાંથી સરકીને ભુપતના હાથમાં આવી ચૂકી હતી. ભયાનક ગુસ્સાથી તે ખુરશીમાંથી ઉભી થઈ ભુપતને કાળઝાળ નજરે તાકી રહી. તેની આંખોમાં ખુન્નસ છવાયુ હતુ. તેણે પોતાની નજર હાથમાંથી છટકીને નીચે ફર્શઉપર પડેલી પોતાની ગન તરફ કરી. ભુપતે એ જોયુ... એક કાતીલ હાસ્ય તેના ચહેરા પર છવાયુ...
‘‘કોઈ હરકત નહી મારી હુશ્નપરી...’’ સાથે જ તેણે ગનના નાળચાનો ઈશારો કરી તેને એ ખુરશીમાં બેસાવા કહ્યું. યુવતી હલી નહિ... તે ઉભી રહી અને તેની બરાબર પાછળ જ ખુરશી પડી હતી જેમાં થોડીવાર પહેલા જ નિસહાય ભુપત બેઠો હતો... ભુપત અત્યારે તેની સામે ઉભો હતો. એ યુવતીએ તેનું કહ્યુ માન્યુ નહિ એટલે તે તેની વધુ નજીક ગયો. ભુપતે રિવોલ્વરનું નાળચુ એ યુવતીની છાતી વચ્ચે મુક્યુ અને ધક્કો માર્યો, સાથોસાથ પગથી જ નીચે પડેલી રીવોલ્વરને ઠોકર મારી... રીવોલ્વરના ધક્કાથી યુવતી ખુરશીમાં ખલાઈ અને એ યુવતીની ગન વેલજી ઉંઘતો હતો તે પલંગ નીચે સરકી ગઈ... સાલો કમબખ્ત... ભુપતે વેલજી તરફ નજર નાખતા ગાળો ભાંડી. ભુપતને વેલજીના ઢગરા પર લાતો મારવાનું મન થતુ હતુ... અહી મારા માથે મોત ભમતુ હતુને આ હરામી હજુ પણ રાજાપાટમાં સુતો છે... બબડતા તેણે એ છોકરી તરફ નજર રાખીને દુરથી જ પોતાનો પગ ઉઠાવીને તેણે એક લાત વેલજીને ઠોકી... પરંતુ વેલજી બે-ત્રણ બાટલી ગટગટાવીને સુતો હતો... ભુપતની લાતની તેના પર કોઈ અસર ન થઈ. તે એમનો એમ જ પડ્યો રહ્યો... અરે... સહેજ હલ્યો પણ નહિ... તેને એમ જ પડ્યો રહેવા દઈ ભુપત એ છોકરી તરફ ફર્યો...
‘‘હાં તો... રાણી... ચાલ... ફટાફટ બોલવા માંડ...’’ ભુપતે ફરી તેની છાતી વચ્ચે રીવોલ્વરનું નાળચુ ખૂંચાવતા કહ્યું... તું કોણ છે...? મંગાનું તે શું કર્યું...? વગેરે... વગેરે... બધુ જ... ભુપત તેની વધુ નજીક સર્યો. તેણે પણ હજુ હમણા થોડીવાર પહેલા જ ખુબ નશો કર્યો હતો. દારૂનો નશો તેના દિમાગ ઉપર છવાયેલો હતો. તેનો અવાજ લથડતો હતો. તેના હાથ-પગ પણ નશાની અસર હેઠળ ઝુલતા હતા. તે એ છોકરીની નજીક સર્યો ત્યારે એ છોકરીના ભીનાવાળની ખુશ્બુ તેના નાકમાં સમાણી હતી. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ તેની લોલુપતા તેના નશા પર હાવી થવા લાગી હતી... ભુપતે એક નજર એ યુવતીના બદન ઉપર ફેરવી. એના ભીના-ભીના, લીસા, ગોરા બદનમાંથી ઉઠતી ખુશ્બુ તેને વિહવળ બનાવી રહી હતી. કામુકતાભરી નજરે તે એ યુવતીને તાકી રહ્યો...
‘‘તો તું એમ નહિ માને...?’’ કહીને ભુપતે ફરીવાર રીવોલ્વરનું નાળચુ એ યુવતીના સ્તન ઉપર દબાવ્યું... લંપટ તો એ પહેલેથી હતો જ. એમાં આવુ રૂપ જોઈને તે પાગલ બની ગયો હતો... અને ઉપરથી તેના મગજમાં નશો છવાયેલો હતો...
એ યુવતીએ પહેરેલો ગાઉન બે ભાગમાં વહેંચાઈને ખુરશીની બન્ને બાજુએ લટકી પડ્યો હતો. ખુલ્લા થયેલા તેના ગાઉનના પડખાના કારણે તેણે ગાઉન નીચે પહેરેલો વનપીસ સ્વીમીંગ કોશ્યુમ અને તેમા સમાયેલો તેનો ગોરો, માંસલ, માખણના પીંડા જેવો દેહ અદ્દભુત રીતે ઉજાગર થયો હતો... ભુપતના મોઢામાંથી રીતસરની લાળો પડતી હતી... તેણે રીતસરની વિકૃત કહી શકાય એવી હરકતો ચાલુ કરી હતી. રીવોલ્વરનું નાળચુ તે એ યુવતીની છાતી ઉપર ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો. તેની આંખોમાં ઉત્તેજના છવાતી જતી હતી... બે-પાંચ પળ એ રમત ચાલુ રહી. પછી તે થોડો વધુ નજીક સર્યો. તે નીચો નમ્યો... તેનું ગંધાતુ મોઢુ એ યુવતીના ચહેરા નજીક આવ્યુ... ભયાનક દુર્ગંધનો એક ધોધ વછુટ્યો હોય એવી તીવ્ર વાસ એ યુવતીના નાકમાં ઘુસી... તેની આંખોમાંથી આંસુ ઉભરાયા ગુસ્સો અને લાચારીના કારણે એ યુવતીના હાથ-પગ ધ્રુજવા લાગ્યા હતા... તેને સમજમાં આવતુ હતુ કે ભુપત શું કરવા માંગતો હતો... અને એ તેને હરગીજ મંજુર નહોતુ. મનોમન તેણે નક્કી કર્યું કે ભુપત ભલે તેને ગોળી મારી દે પરંતુ તે એને પોતાના શરીર સાથે અડપલાતો નહિ જ કરવા દે... તેના દિલમાં આગ પ્રજ્વળી ઉઠી. ભયાનક ખુન્નસથી તેણે ભુપતને નશ્યત કરવા જમણો હાથ ઉગામ્યો કે અચાનક તે અટકી... ટક... ટક... ટક... રૂમના દરવાજે કોઈ ટકોરા મારી રહ્યુ હોય એવો અવાજ તેને સંભળાયો. ભુપતે પણ એ અવાજ સાંભળ્યો હતો અને ચમક્યો હતો. તેના હાથ સ્થિર થયા હતા. અચાનક જ તેના રંગમાં ભંગ પડ્યો હોય એવા ભાવ તેના ચહેરા પર છવાયા... તેણે એ યુવતી ઉપરની પકડ ઠીલી કરી... ફરીવાર બારણે ટકોરા પડ્યા... આ વખતે કંઈક વધુ જોરથી કોઈએ દરવાજો ઠોક્યો હતો. સહસા... પેલી યુવતી ખુરશીમાંથી ઉભી થઈ, ભુપતને ધક્કો મારી દરવાજા તરફ દોડી... ભુપત સહેજ અસાવધ થયો એનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો. આજ સમય હતો કે જ્યારે તે ભાગી શકે. તેણે ભુપતના હાથમાં રહેલી રિવોલ્વરની પરવા કર્યા વગર ભુપતને ધક્કો માર્યો હતો અને દરવાજા તરફ દોડી હતી... ભયાનક ઝડપે તેણે દરવાજો ખોલ્યો... બીજીબાજુ ભુપતને એ યુવતીનો ધક્કો લાગ્યો હતો પણ એટલો જોરદાર એ ધક્કો નહોતો કે તે નીચે પડી જાય. આમ પણ તે પડછંદ શરીરનો માલિક હતો. તે તેની અસાવધાનીના લીધે જ થોડો લથડ્યો હતો. તેણે હાથ લાંબો કરીને એ યુવતીને પકડવાની કોશીષ કરી પરંતુ એ પહેલા રૂમનો દરવાજો ખુલી ચુક્યો હતો... રૂમના દરવાજે પ્રેમ ઉભો હતો... ફરીવાર ટકોરા મારવા માટે ઉચકાયેલો તેનો હાથ હવામાં જ અધ્ધર તોળાઈ રહ્યો હતો. દરવાજો ખોલવાવાળી અજાણી છોકરીને જોઈને તેનો હાથ સ્થીર થઈ ગયો હતો... આશ્ચર્યથી તે એ યુવતીને તાકી રહ્યો... પ્રેમ બરાબર દરવાજાની વચ્ચે ઉભો હતો.
‘‘હેન્ડ્ઝ અપ...’’ ભુપતે રાડ પાડી. એકદમ શુ થયુ એ તેને ખ્યાલ ના રહ્યો. તે તો પેલી યુવતી સાથે મસ્તીમાં ડુબી ગયો હતો. તેના મગજ ઉપર ઉત્તેજનાનો નશો છવાયો હતો ત્યારે જ દરવાજે ટકોરા પડ્યા હતા અને સફાળા એ યુવતીએ તેને ધક્કો માર્યો અને ઉભી થઈને દરવાજા તરફ દોડી હતી. તે કંઈ સમજે, સાંભળે એ પહેલા તો એણે દરવાજો ખોલી નાખ્યો હતો. દરવાજા બહાર એક હેન્ડસમ યુવાન ઉભો હતો. એ યુવાનને જોતા જ તેની બત્રીસી ભીંસાઈ હતી... આ... આ... તો... એ જ છે... હા... એ જ છોકરો છે જે અજયને છોડાવીને લઈ ગયો હતો... તેને અહી ઉભેલો જોઈને ભુપત થોડીવાર માટે છક થઈ ગયો... પરંતુ જલદી જ તે સંભળ્યો હતો. સ્થિતિનું ભાન થતા જ એ રિવોલ્વર લઈને બારણા તરફ ઘસ્યો અને એ બન્ને તરફ રિવોલ્વર તાકી...
અજીબ ખેલ રચાયો હતો. પેલી છોકરીને ભાગી જવુ હતુ. પરંતુ તે રોકાઈ હતી. તેણે પ્રેમને અજય સાથે જોયો હતો એટલે તે ખચકાઈને ઉભી રહી ગઈ હતી. એટલી વારમાં ભુપત તેની સાવ નજીક પહોંચી ગયો હતો...
જ્યારે પ્રેમ ખુદ અશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે નીચે રીશેપ્શન કાઉન્ટર ઉપરથી જે માહિતી એકઠી કરી હતી અને જે નામો તેણે અલગ તારવ્યા એ વિશે વિચારતા તે ઘણીવાર સુધી નીચે ફોયરમાં ગોઠવાયેલા સોફામાં બેસી રહ્યો હતો. તે નક્કી નહોતો કરી શકતો કે હવે આગળ શું એક્શન લેવું... બહુ જ મનોમંથન બાદ તેણે ભુપત પટેલના કમરામાં ઘુસવાનું નક્કી કર્યું અને લીફ્ટ થકી તે ઉપરએના કમરા સુધી આવ્યો હતો... તે ભુપત પટેલને ઓળખતો નહોતો. એની સાથે કેમ પનારો પાડવો એવી કોઈ જ ગણતરી વગર તેણે ભુપત પટેલના દરવાજે ટકોરા માર્યા હતા... તેના આશ્ચર્ય વચ્ચે દરવાજો કોઈ ખુબસુરત નવ યૌવનાએ ખોલ્યો હતો. હજુ પ્રેમ એ યુવતીના ખુલ્લા દેહને કંઈક અસમંજસથી તાકે એ પહેલા તો તેની પાછળ કોઈક દોડતુ ઘસી આવ્યુ હતુ અને તેણે હેન્ડ્ઝ અપ એવા ઉદ્દગારો કાઢ્યા હતા. એ આદમીના હાથમાં તકાયેલી રીવોલ્વર તેણે પહેલા જોઈ અને પછી તેનો ચહેરો દેખાયો હતો... પ્રેમ પળવારમાં પરિસ્થિતી પામી ગયો. આ એ જ આદમી હતો. જેના હાથમાંથી તે અજયને છોડાવી લાવ્યો હતો. જેણે તેની ગાડી રોડની વચ્ચોવચ વળાંક પર ઉભી રાખી હતી અને તે મરતા સહેજમાં બચ્યો હતો... એ જ આદમી અત્યારે રૂમની અંદરની બાજુએ હાથમાં ગન પકડીને એ ગન તેની તરફ તાકીને હાથ ઉંચા કરવાનું જણાવી રહ્યો હતો અને એની રૂમમાં એક સુંદર યુવતી લગભગ ઉઘાડા દેહે હાંફતી ઉભી હતી... સહસા પ્રેમના ચહેરા પર મુસ્કુરાહટ છવાઈ...
‘‘વાહ, ભુપત, વાહ...’’ એ યુવતી કે ભુપત, બેમાંથી કોઈ કંઈ સમજે એ પહેલા પ્રેમે એ યુવતીનો હાથ પકડ્યો અને દરવાજામાં દાખલ થઈને રૂમમાં પ્રવેશી તેને પાછળ ફર્યા વગર જ પગથી રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો.
‘‘તને અપહરણ કરવાનો ભારે મહાવરો લાગે છે... પહેલા અજય, પછી આ છોકરી... વાહ... માની ગયો તને...’’ પ્રેમે સીફતથી કહ્યુ. પેલી યુવતીને તેણે પોતાની પાછળ ઉભી રાખી હતી જેથી ભુપત તેના પર વાર ન કરી શકે. કદાચ તે પણ સમજી ગઈ હતી એટલે ચુપચાપ એ તે રૂપકડા જવાન પાછળ ઉભી રહી ગઈ. તેના જીગરમાં આ યુવાનના આવવાથી થોડો સધીયારો મળ્યો હતો.
‘‘ઓહ... તો તું છે આ બધી કામઠાણ પાછળ...’’ ભુપતે બે વત્તા બે કરી નાખ્યુ... મને હતુ જ કે આ છોકરી એકલી નહિ હોય. જરૂર એની સાથે બીજુ કોઈક હશે જ. પણ તારા હોવાની આશા નહોતી. સારુ થયુ કે તું પણ આવી ગયો. એ દિવસનો બદલો હું આજે ચુકતે કરીશ... ભુપતે કહ્યું... જો કે તેના અવાજનો અને વિચારોનો મેળ નહોતો બેસતો. તે રુક્ષ દેહાતી આદમી હતો. તેને દિમાગ કરતા પોતાની તાકાત પર વધુ વિશ્વાસ હતો. છતા તે અત્યારે દ્વિઘામાં પડ્યો હતો કે રિવોલ્વરમાંથી ગોળી છોડવી કે નહિ... તેની લઠ્ઠ બુધ્ધીમાં એટલી વાતતો બરાબર ઘુસી હતી કે જો તે ટ્રીગર દબાવશે તો ધડાકો જરૂર થશે અને આ સમયે ધડાકો થાય તે એને કોઈકાળે પોસાય તેમ નહોતુ. તેને એની પોતાની જ બેવકુફી ઉપર પસ્તાવો થતો હતો. શું જરૂર હતી એ સાયલેન્સર ચડાવેલી પીસ્તોલને પગની ઠોકરથી પલંગ નીચે નાખવાની... જો એ રીવોલ્વર તેની પાસે હોત તો આ સમસ્યા ન સર્જાત... પરંતુ હવે અફસોસ કરવાથી કશું વળવાનું નહોતુ... અને તેને પ્રેમનો પણ ડર લાગતો હતો. તેને ખ્યાલ આવતો હતો કે જો તે જલદીથી કંઈક એક્શન નહિ લે તો આ યુવાન ખામોશ ઉભો નહિ રહે. તેને અને મંગાને આ યુવાને પેલા ખેતરવાળા મકાનમાં જે રીતે ઠમઠોર્યા હતા એ યાદ તાજી જ હતી. એ મારના નીશાન પણ તેના ચહેરા પર હતા... તે વિચારમાં પડ્યો હતો કે શું કરવું...? અને... અચાનક તેની જાડી બુધ્ધીમાં ચમકારો થયો... તેણે રીવોલ્વરની નાળ એ યુવતી તરફ તાકી અને પ્રેમને ઉદ્દેશીને કહ્યું...
‘‘એ છોકરીને તારી પાછળથી બહાર કાઢ... જલદી...’’
‘‘તું મારી સાથે વાત કરને...’’
‘‘બકવાસ નહિ... હું જેમ કહુ છુ તેમ કર... નહિતર બન્નેને ફૂંકી મારીશ. વધુ હોંશીયારી કર્યા વગર એ છોકરીને તારી પાછળથી કાઢ.’’ ભુપતે સખ્તાઈથી કહ્યુ. તે પ્રેમથી માત્ર બે-અઢી ફુટના અંતરે જ ઉભો હતો. તેને ખુન્નસ તો એવુ ચડતુ હતુ કે તે પ્રેમના માથા ઉપર પીસ્તોલનો ડુંઘો ફટકારીને તેનું માથુ ફોડી નાખે. અને જો પ્રેમની જગ્યાએ બીજુ કોઈક હોત તો તેણે એમ કર્યુ પણ હોત. પરંતુ આ સુકલકડી યુવાનથી તેને થોડો ડર લાગતો હતો અને એટલે જ તેણે એ યુવતીને આગળ કરવાનો પેંતરો રચ્યો હતો. સામેની બાજુ પ્રેમ પણ સમજતો હતો કે જ્યાં સુધી ભુપતના હાથમાં ગન છે ત્યાં સુધી તેણે એની વાત માન્યા સીવાય છુટકો નથી. અને તે એ પણ સમજ્યો હતો કે ભુપત ગન ચલાવવાની ભુલ નહિ જ કરે... તેણે હાથ પકડીને એ યુવતીને બહાર કાઢી ભુપતના ચહેરા પર હાસ્ય રેલાયુ...
‘‘ગાઉન ઉતાર...’’ તેણે પીસ્તોલથી ઈશારો કરતા કહ્યું યુવતી થથરી ઉઠી. તેણે સ્વાભાવિક રીએક્શન પ્રમાણે જ આતંકીત થતા ગાઉનના બન્ને પડખા હાથથી પકડીને છાતી સરસા દબાવ્યા.
‘‘કહ્યુને ગાઉન ઉતાર... નહિતર આ તારી સગી નહિ થાય એક ધડાકો અને તારી ખોપરી વિંધાય જશે...’’ ભુપતે વિલનની અદાથી રાડ નાખી. એ યુવતીએ લાચાર નજરોથી પ્રેમ સામે જોયું...
‘‘શું નામ છે તારુ...?’’ પ્રેમે પુછ્યુ.
‘‘સી...સીમા...’’ ગભરાતા અવાજે તે બોલી
‘‘સીમા... એ જે કહે છે તેમ કર... ‘ગાઉન ઉતારી નાખ...’ પ્રેમે સીમાની આંખોમાં જોઈ ગાઉન શબ્દ ઉપર ભાર મુકતા કહ્યુ. સીમા પ્રેમનો એ ઈશારો સમજી... તે પ્રેમની પાછળથી બહાર આવીને તેની જમણી બાજુ ઉભી હતી. હળવેક રહીને પોતાના જમણા હાથ ઉપરથી ગાઉન ઉતાર્યો અને ડાબા હાથ તરફ જે બાજુ પ્રેમ ઉભો હતો સરકાવ્યો. ગાઉન નીચે તેણે ફક્ત વનપીસ સ્વીસ્યૂટ પહેર્યો હતો એ ઉજાગર થયો તેનું ગોરુ લીસ્સુ બદન કમરાની ડોમ લાઈટમાં ચમકી ઉઠ્યુ. ભુપત આશ્ચર્ય અને કંઈક લોલુપતાથી નીરખી રહ્યો. તેના મોમાં પાણી આવતુ હતુ. સીમાએ ડાબાહાથમાંથી ગાઉનની સ્લીપ કાઢવા પોતાનો હાથ સ્વાભાવિક ક્રિયા પ્રમાણે જ પ્રેમ તરફ ઉંચો કરી લંપબાવ્યો હતો જાણે કે તે ગાઉન કાઢવાની કોશીષ કરતી હોય એવી પ્રતિક્રિયા હતી. પ્રેમે એ તકનો ભરપુર લાભ ઉઠાવ્યો. સીમા હજુ તો પોતાનો હાથ લંબાવે એ પહેલા ભયાનક ઝડપે પ્રેમે તેના ડાબા હાથ ઉપરથી એ રેશની ગાઉન ખેંચીને ભુપત ઉપર ફેંક્યો હતો. ગાઉન ભુપતના મોઢા ઉપર છવાયો... એ સાથે જ પ્રેમ ઉછળ્યો હતો. માત્ર બે-પાંચ સેકન્ડના ગાળામાં એ ઘટના બની હતી. ભુપત કંઈ સમજે એ પહેલા તેના હાથમાંથી રીવોલ્વર ઉછળીને દુર પડી. એ સાથે જ સીમા લપકી હતી. તેને ખ્યાલ આવ્યો હતો કે પ્રેમ શું કરવા માંગે છે... ભુપતના હાથમાંથી ઉછળીને દુર પડેલી રીવોલ્વર તેણે પોતાના કબજામાં લીધી, સાથે જ ભુપતે પલંગનીચે સરકાવેલી પોતાની ગન પણ તેણે લઈ લીધી...’’
ભુપતને એવું લાગ્યુ કે અચાનક જાણે કોઈએ તેના હાથના કાંડા પર હથોડીનો જોરદાર ફટકો માર્યો હોય... તેના હાથના કાંડામાં જાણે ફ્રેક્ચર થયુ હોય એવું દર્દ ઉમટ્યુ... પરંતુ તે આ વખતે હારવા નહોતો માંગતો. તે જાણતો હતો કે જો પ્રેમને થોડો પણ સમય વધુ મળશે તો પછી પોતાની ખેર નથી. એટલે પ્રેમ તેના ઉપર બીજો હુમલો કરે એ પહેલા નીચે નમીને તેણે બુટમાં હાથ નાખ્યો... થોડી જ વારમાં તેના હાથમાં નાનકડુ પણ ધારદાર ચાકુ ચમકતુ હતુ. પ્રેમને આવો કોઈ અંદાજ નહોતો કે ભુપત પાસે ચાકુ હશે... તે વેગથી ભુપત ઉપર ઘસ્યો હતો અને અચાનક ભુપતના હાથમાં ચાકુ જોઈને તે અટક્યો હતો. છતા તે અટકીને ઉભો રહે એ પહેલાતો તે ભુપતની સાવ નજીક પહોંચી ચૂક્યો હતો. સાવ આક્સમીક, સહજ પ્રતીક્રિયા હતી એ... જાણે ભયાનક રફતારે ફુલ સ્પીડમાં ભાગતી ગાડીને સાવ અચાનક, ઓચીંતા જ બ્રેક મારવામા ંઆવે અને એક ઝડકા સાથે તે રોડ ઉપર ઘસડાઈને ઉભી રહી જાય તેમ પ્રેમ અટક્યો હતો... ભુપતનો ચાકુવાળો હાથ પ્રેમના શરીર પર ઉપરથી નીચે આડો વિંઝાયો હતો. પ્રેમના શરીરે એ ફીરાકમાં તે થોડો પાછો હટ્યો. પરંતુ એ પહેલા તો ચાકુએ પોતાનું કામ પાર પાડ્યુ હતુ. પ્રેમે પહેરેલો શર્ટ તેના ડાબા ખભા પાસેથી તીરછી લીટીની જેમ ચીરાયો અને છેક જમણી બાજુના પેટ પાસે જઈને અટક્યો. શર્ટની સાથે સાથે એ ચાકુની ધાર તેના શરીરના છાતીના ભાગને એક લીટી તાણતી ગઈ હતી અને એમાથી લોહીની ટીશીઓ ફુટી નીકળી હતી... ઘાવ બહુ ઉંડો નહોતો થયો પરંતુ પ્રેમને એવું લાગ્યુ જાણે કોઈકે તેના શરીર ઉપર એસીડની ધાર કરી હોય... બ્લેડથી કાપો થયો હોય એવો ચીરો પડ્યો હતો. છાતીની ચામડી ચીરાણી હતી અને ભાયાનક બળતરા ઉપડી... તે હજુ પોતાની જાતને સંભાળે એ પહેલાતો ભુપતે મોકાનો લાભ ઉઠાવતા બીજોવાર તેનાથી ઉલટી દિશામાં ઝીંકી દીધો... પ્રેમની છાતી પર ચોકડી પડી ક્રોસનું નિશાન બન્યુ. ઘામાંથી લોહી દડીને નીચે ફર્શ પર પડવા લાગ્યુ.
સીમા ભયાનક દુવીધા અનુભવતી પ્રેમની પાછળ થોડા અંતરે ઉભી હતી. તેની રીવોલ્વર તકાયેલી હતી. પરંતુ ભુપત ઉપર ગોળી ચલાવવામાં વારે વારે પ્રેમ વચ્ચે આવી જતો હતો એટલે તે નિશાન લઈ શકતી નહોતી. બીકનીમાં ખુલ્લા દેહ સાથે બન્ને હાથમાં પકડેલી રીવોલ્વર સાથે તે કંઈક અજીબ લાગતી હતી. તેના ખુબસુરત ચહેરા પર પારાવાર મુંઝવણના ભાવો ઉપસી આવ્યા હતા. તેણે ભુપતને પ્રેમ ઉપર ચાકુથી વાર કરતો અને પ્રેમના શરીરમાંથી નિકળતા લોહીને ફર્શ પર પડતા જોયુ હતુ... હે ભગવાન... તેના મોઢામાંથી ઉદગારો નિકળ્યા... અને... સાવ અચાનક જ તેને કંઈક સુઝ્યુ તે નીચે ફર્શ ઉપર બેસી ગઈ. તેને પ્રેમની આગળ ઉભેલા ભુપતના પગ સ્પષ્ટ દેખાયા એક પણનો પણ વિલંબ કર્યા વગર એ પગનું નિશાન લીધુ... સાયલેન્સર ચડાવેલી રીવોલ્વરમાંથી અવાજ થયો... ‘‘પીટ્ટ...’’ અવાજ સાથે ગોળી છુટી અને ભુપત ઉછળ્યો... કમરામાં ગન પાવડરની વાસ છવાણી...
પ્રેમને અસાવધ બની પાછળ હટતો જોઈને ભુપત તેના પેટમાં ચાકુ ખૂંપાવી દેવાના આશયથી ભયાનક વેગથી ઘસ્યો હતો... પરંતુ અચાનક તેના પગના નળામાં કંઈક ધક્કો લાગ્યો અને કંઈક ખૂંપી ગયુ હોય તેવું તેણે અનુભવ્યુ... જાણે કે પગનું હાડકુ ભાંગીને બે ભાગ થઈ ગયા હોય એમ તે ફસડાયો... પ્રેમે આ જોયુ અને તે પાછો હસ્યો... ‘ધફ...’ કરતો ભુપત રૂમમાં ફર્શ પર ઝીંકાયો... પડતા બચના માટે તેણે પોતાના હાથ આગળ તરફ લંબાવ્યા હતા પંરતુ બરાબર એ જ સમયે ફર્શ પર પાથરેલા નાનકડા ગાલીચાની આંતરી તેના પગમાં ભરાણી હતી અને તેનો ચાકુવાળો હાથ નીચો નમ્યો હતો... આ ક્રિયાઓ એક સાથે બની હતી. તેણે જમણા હાથમાં પકડેલુ ચાકુ ધક્કો લાગવાના કારણે ઉલટુ ફર્યુ એ સાથે જ તે ફર્શ પર ઝીંકાયો હતો. તેનો ચાકુવાળો હાથ તેના ડાબા ઘભા નીચે દબાયો અને એ ચાકુ તેના ડાબા ખભાને ચીરતુ અંદર સુધી ખૂંપી ગયુ... ભુપતની નાભીમાંથી એક ભયંકર રાડ નીકળી અને તેના ગળામાં અટવાઈ ગઈ. પોતાની જ ભુલના કારણે તેના ખભામાં ચાકુ વાગ્યુ એનો આઘાત લાગ્યો હોય કે પછી ખભામાં થતા ભયંકર દર્દનું કારણ હોય... પણ તે એકદમ હબક ખાઈ ગયો. તેના મગજમાં પારાવાર યાતનાના કારણે શૂન્યાવકાશ સર્જાયો. તેના મોઢામાંથી હક... હક... હક... એવા કંઈક અસ્પષ્ટ ઉદગારો નીકળ્યા. આઘાતના કારણે તે લગભગ બેહોશીમાં ઢળી પડ્યો. પ્રેમને પણ એટલી જ ઈજાઓ થઈ હતી. તેનું શર્ટ ફાટી ગયુ હતુ અને તેના દેહ પર લબડી પડ્યુ હતુ. તેણે શર્ટ ઉતારીને નીચે ફેંક્યુ. તેનું ખુલ્લુ બદન લોહીથી તરબતર થઈ ગયુ હતુ. ભુપતે કરેલા ચાકુના ઘા જો કે બહુ ઉંડા નહોતા હતા તેની છાતીની મોટી ચામડી કાગળની જેમ ચીરાણી હતી. એ ઘાવમાંથી લોહીના ટીશીયા રેલાયા હતા... તેણે જોયુ હતુ કે ભુપતને એનું જ ચાકુ ખભામાં ખૂપ્યુ છે અને તે લગભગ તંદ્રામાં બેહોશીની હાલતમાં પહોંચી ચૂક્યો હતો.
તે ખુરશીમાં બેઠો... સીમા કંઈક આઘાતથી, કંઈક અસમંજસમાં ઉભી રહી ગઈ હતી. જો તેણે ગોળી ચલાવી ન હોત તો આ રૂમમાં જરૂર ઘમાસણ મચ્યા વગર રહ્યુ ન હોત. પણ તેણએ સમય સૂચકતા વાપરીને નિર્ણય લીધો હતો અને એનું પરીણામ તેની તરફેણમાં આવ્યુ હતુ. તેણે પ્રેમની હાલત જોઈ, તે બાથરૂમ તરફ દોડી અને બાથરૂમમાંથી ટુવાલ ભીનો કરીને લેતી આવી. તેણે પ્રેમના ખુલ્લા બદન ઉપર નીકળતુ લોહી સાફ કર્યુ. ફરીપાછી તે દોડી નવેસરથી ટુવાલ નીચોવીને ભીનો કર્યો અને પાછો તેના ઘાવ પર દબાવ્યો. પ્રેમ સીમાના ખૂબસુરત ચહેરા તરફ જોઈ રહ્યો. પછી તેનો હાથ પકડીને તેને અટકાવી...
‘‘તું ટુવાલ મને આપી દે... અને એક કામ કર, રૂમનં ૨૦૬માં જા, ત્યાંથી સુસ્મીતાને બોલાવી લાવ... તું કંઈ કહેતી નહિ... એ અહી આવશે પછી હું તેને સમજાવી શકીશ...’’ કહીને તેણે સીમાના હાથમાંથી ભીનો ટુવાલ લીધો. સીમા હળવેક રહીને ત્યાંથી બહાર નીકળી. સુસ્મીતા કોણ છે એ તે જાણતી હતી એટલે તેણે વધુ સમજવાની જરૂર નહોતી. પ્રેમને જે ઘાવ થયા હતા એ જોઈને તેને તાજ્જુબી થતી હતી. લીફ્ટમાં જવાને બદલે તે દાદર ઉતરીને બીજા ફ્લોર પર આવેલા રૂમ નં.૨૦૬ માં તે પહોંચી અને બેલ દબાવ્યો... અંદર, રૂમમાં ઝીણો મધુરો અવાજ ગુંજ્યો...
પ્રેમના દિમાગમાં વિચારોનું ઘમાસણ મચ્યુ હતુ. તેણે માત્ર અનુમાનના આધારે જ ભુપત પટેલના રૂમમાં આવવાનું નક્કી કર્યું હતુ. તે અજાણ્યો બનીને જાણવા માગતો હતો કે એ કમરામાં કોણ, અને કેટલા વ્યક્તિઓ છે તે ભુપત પટેલ નામના શખ્સનો ચહેરો જોવા માગતો હતો... પરંતુ જ્યારે તે અહી આવ્યો ત્યારે અહી તો અલગ જ ઘમાસણ મચેલુ હતુ. તેણે જ્યારે દરવાજે દસ્તક દીધી ત્યારે તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ એ જ વ્યક્તિનો કમરો છે કે જેને તેણે થોડા વખત પહેલા ખોખરો કર્યો હતો, જેની ચુંગલમાંથી તેણે અજયને છોડાવ્યો હતો. જો આ વાતનો તેને જરા પણ અંદેશો હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત... પંરતુ અજાણતા જ તેણે દરવાજે ટકોરા માર્યા હતા. તે હજુ કંઈ વિચારે એ પહેલા દરવાજો ખુલ્યો હતો અને એક નાજુક નમણી યુવતીએ દરવાજો ખોલ્યો હતો... એ યુવતીનો સુંદર ચહેરો ભયથી ખરડાયેલો હતો અને તેની પાછળ કોઈ વ્યક્તિ હાથમાં રિવોલ્વર લઈને ઉભી હતી... થોડીવારમાં જ તે મામલાની ગંભીરતા સમજ્યો હતો. તેણે એ યુવતી કે જેનું નામ સીમા હતુ એની પાછળ ઉભેલા શખ્સને બરાબર ઓળખ્યો હતો. આ એ જ શખ્સ હતો. જે અજયનું અપહરણ કરીને લાવ્યો હતો... અને ત્યારબાદ જે ઘટનાઓ ઘટી તે ખરેખર દિલ ધડકાવનાર હતી. અત્યારે પ્રેમ એ ઘટનાઓ વિશે જ વિચારી રહ્યો હતો. તેનું દિમાગ ચકરાવે ચડ્યુ હતુ. તેના પગ પાસે જ ભુપત બેભાન અવસ્થામાં પડ્યો હતો. ઉંધેકાંધ પડેલા ભુપતના ખભા નીચે લોહીનું નાનું ખાબોચીયુ ભરાયુ હતુ. આ જ વ્યક્તિ ભુપત પટેલ છે એ જાણીને તેને આશ્ચર્ય થતુ હતુ... અને... અચાનક તેને એક બીજો વિચાર આવ્યો. પ્રેમની આંખોમાં ચમક ઉભરી આવી અને અનાયાસે જ તેના હોઠ ગોળ થયા. તેના ચહેરા પર એક હળવી મુસ્કાન ઉભરી આવી... ‘‘હંમ્... તો આ મામલો છે...’’ તે જેમ જેમ વિચારતો જતો હતો તેમ તેમ એક પછી એક બધી કડીઓનું અનુસંધાન તેને મળવા લાગ્યુ. બધા જ ચોકઠા એકબીજા સાથે ફીટ બેસતા હતા. હવે જો આ સીમા કોણ છે એ સમજાઈ જાય તો બાકીની વાર્તા તો હું આ ભુપત પાસેથી ઓકાવી કાઢીશ... મનોમન તે બોલ્યો અને હાથમાં પકડેલો ભીનો ટુવાલ તેણે પોતાના ઘાવ પર દબાવ્યો.
***